સત્યઘટના// દાદા, અમને વિદાય આપો ! શ્યામ ખરાડે/અખંડ આનંદ/ જાન્યુઆરી,2013

A.ANAND JAN13

સત્યઘટના

દાદા, અમને વિદાય આપો !

શ્યામ ખરાડે/અખંડ આનંદ/ જાન્યુઆરી,2013 /પાના:71-72

 

     જોધપુર પાકિસ્તાનની સરહદ નજીકનું અને અફાટ થર રણ ને અડીને આવેલું પંદરમી સદીમાં રાવ જોધાએ વસાવેલું ઐતિહાસિક શહેર.લશ્કરી અને સંરક્ષણની વ્યૂહાત્મક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું મથક. અહીં એરફોર્સ અને આર્મી-લશ્કરનાં કાયમી થાણાં. અહીં બારેય મહિનાઓ સુરક્ષાની બાબતે કંઇક ને કંઇક કામગીરી ચાલતી રહે. આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે પણ લશ્કરની જુદી જુદી રેજિમેન્ટના અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સમયાંતરે યોજાતા રહે. નવરાત્રિ , ગણેશ ઉતસવ, રક્ષાબંધન, દિવાળી, ઇદ, પતેતી, નાતાલ અને બીજાં પ્રસંગોપાત ઉત્સવો ઊજવાતા રહે. આ બધામાં સૌ હળીમળીને ભાગ લે- જાણે બધા જ ઉત્સવો

-તહેવારો એકબીજા માટે જ બનાવ્યા હોય એમ.

     સાંસ્કૃતિક,-મનોરંજન માટેના કાર્યક્રમની વાત આવે એટલે જયવંતરાવ ગડકરીને યાદ કરવામાં આવે. જોધપુરમાં મરાઠા સમાજનું સંચાલન કરતા જયવંતરાવ રેલવેમાં નોકરી કરે અને સેવાભાવી માનસ હોવાથી સમાજસેવા પણ કરે. રાજસ્થાનની દરેક વ્યક્તિના હૈયામાં હોય એવી સૈનિકો-લશ્કર માટેની માનસન્માનની અને અહોભાવભરી –ઉષ્માભરી ભાવના તેમનામાં છલકાય. પોતે કલાકાર જીવ. તેમની કલાનો વારસો તેમનાં પત્ની સંધ્યા અને સંતાનો-પ્રફુલ્લ, પ્રસાદ, સુગંધા અને અર્ચના જેવાદીકરા-દીકરીઓમાં પણ ઊભરાય. એટલે લશ્કર તરફથી કોઇ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તેડુ આવે એટલે જયવંતરાવ પોતાની ટીમ સાથે તૈયાર જ હોય.

     ત્રણ-ચાર મોટી લશ્કરી ટ્રકો ભેગી કરીને સ્ટેજ બનાવવામાં આવતું. એના ઉપર ગીત-સંગીત, નાટકો, રૂપકો અને પ્રાસંગિક પ્રવચનો ગોઠવીને જયવંતરાવ જવાનોનું મનોરંજન કરતા. કુટુંબીઓથી દૂર, મહેનતભરી જિંદગી જીવતા સેંકડો જવાનોનાં દિલ પુલકિત કરી દેતા. તેઓ પ્રેક્ષકો સાથે કાર્યક્રમ દરમિયાન એટલા બધા ભાવુક થઇ જતા કે પ્રેક્ષકો-જવાનો પણ લાગણીશીલ થઇને તેમને પોતાના ખભા ઉપર બેસાડીને ઝૂમતા—એમને પોતાના આત્મીય ગણીને.

     તે દરમિયાન 1971નું વર્ષ આવ્યું. આ વર્ષના ગણેશોત્સવમાં જયવંતરાવે શૌર્ય ગીતોનું આયોજન કર્યું. માભોમને કાજે દુનિયાના સપૂતો કેવાં કેવાં બલિદાનો આપે છે એના ઉપર પ્રવચનો ગોઠવ્યાં અને યુદ્ધ ઉપર આધારિત ભજવેલા એક નાટકમાં દેશ માટે કુરબાન થતા એક સૈનિક પિતાની ભૂમિકા ભજવી.

     આ બધું જાણે યોગાનુયોગ થયું હોય એમ પાકિસ્તાને ભારત સાથે યુદ્ધ છેડ્યું. કટોકટી જાહેર કરાઇ સમગ્ર દેશ જાણે યુદ્ધગ્રસ્ત થઇ ગયો. હવાઇ હુમલાઓ શરૂ થઇ ગયા. જોધપુર પણ યુદ્ધ અસરગ્રસ્ત બન્યું.

     આકાશમાં યુદ્ધ વિમાનોની પ્રચંડ ધણધણાટીથી વાતાવરણમાં ભય ફેલાતો રહ્યો. શહેરની સડકો ઉપર લશ્કરની ભારે શસ્ત્ર-સરંજામ સાથે જતી વિશાળકાય ટ્રકોની અવરજવર શરૂ થઇ.

     યુદ્ધ શરૂ થયાના બીજા જ દિવસે સવારે આઠેક વાગે જયવંતરાવના જોધપુર રેલવે સ્ટેશન પાસે આવેલા ઘર પાસે લશ્કરની ત્રણ મોટી ટ્રકો આવીને ઊભી રહી. એમાંથી ઝડપથી પણ શિસ્તબદ્ધ રીતે ઊતરીને જવાનોએ તેમના ઘરની બહાર, પ્રવેશ્દ્વાર સામે લાઇન લગાવી દીધી.

     વાતાવરણ યુદ્ધગ્રસ્ત હતું એટલે ઘરની બહાર થઇ રહેલા અવાજોથી ચોકીને, પોતાની પૂજા અધૂરી મૂકીને જયવંતરાવ હાંફળા-ફાંફળા બહાર દોડી આવ્યા. તેમનાં પત્ની અને બાળકો પણ તેમને અનુસર્યાં.

     જયવંતરાવને બહાર આવેલા જોઇને લશ્કરની એ ટુકડીના કેપ્ટને તેમની પાસે જઇને ખૂબ જ આદરપૂર્વક કહ્યું:– ‘દાદા, યુદ્ધ શરૂ થઇ ગયું છે. અમારે હવે એમાં જવાનું છે. અમે આપના આશીર્વાદ લેવા આવ્યા છીએ…અમને સૌને આશીર્વાદ આપો કે આપણે યુદ્ધ જીતી જઇએ….!’

     જયવંતરાવ અને તેમનાં કુટુંબીજનો તો સ્તબ્ધ થઇને અત્યંત લાગણીથી કેપ્ટનની વાત સાંભળી રહ્યાં હતાં. કેપ્ટન હજુ બોલતા જ હતા ! “અમારી સૌની ફેમિલી તો અહીંથી સેંકડો માઇલ દૂર છે. અમારાં માતા-પિતા, ભાઇ-બહેન કે કુટુંબના કોઇને પણ હવે મળાય એવું નથી… ફોન લાગતા નથી. આપ અમારા માટે પિતાતુલ્ય છો, મોટાભાઇ તુલ્ય છો. વડીલ છો. આપ અમને આશીર્વાદ આપો… આપના આશીર્વાદ વગર યુદ્ધમાં કેમ જવાય…?”

     અતિ  ભાવવિભોર, લાગણીવશ થઇને જયવંતરાવે સૌને ઘરમાં આવકાર્યા:’ આવો કેપ્ટન, આવો મારા દીકરાઓ, સૌ મારા ઘરમાં પધારો….!’

     એમના નાના ઘરમાં સમાઇ શક્યા એટલા જવાનો ત્વરાથી એક પછી એક આવતા ગયા અને એમના અને સંધ્યાબહેનના ચરણસ્પર્શ કરીને નમન કરતા ગયા. જયવંતરાવ બધાને ઊભા કરીની, ગળે લગાડીને અંતરના આશીર્વાદ આપતા રહ્યા: ‘વિજયી થાઓ…દીર્ઘાયુ રહો…!’

     છેવટે કેપ્ટન પણ તેમના ગળે લાગ્યાં. બે મિનિટ સુધી જયવંતરાવ અને કેપ્ટન એકબીજાની હૂંફ અનુભવતા રહ્યા. બંનેની આંખો અને અવાજ ભરાઇ ગયાં.

     જયવંતરાવે તરત જ જે મળ્યો તે ભગવાનનો પ્રસાદ લીધો. એમાં ઘરમાં હતાં તે સૂંઠનો પાવડર અને મેથીના લાડુ ભેળવીને સૌને પ્રસાદ

તરીકે આપ્યો. દરેકની આંખો અજાણતાં જ ભીની થઇ રહી હતી. દરેક જવાને છોકરાંઓને પણ બાથમાં લઇને વહાલ વરસાવ્યું અને થોડીક ક્ષણોમાં જ જેટલી ઝડપથી તેઓ આવ્યા હતા તેટલી જ ઝડપે તેઓ જેસલમેરના રસ્તે અદૃશ્ય થઇ ગયા.

     જવાનો પોતાને ત્યાં કેમ આવ્યા એનો ખ્યાલ જયવંતરાવને આવી ગયો. સૌ જવાનોએ તેમનામાં, તેમની પત્ની અને બાળકોમાં પોતપોતાનાં મા-બાપ જોયાં, પોતાના ભાઇ-ભાંડુ અને બાળકો જોયાં એટલે જ તેઓ અહીં આવ્યા હતા… મળવા માટે, કદાચ છેલ્લી વાર મળવા માટે….!

     કદાચ તેઓ છેલ્લી વાર જ મળવા આવ્યા હતા. કેમ કે યુદ્ધના એકતાલીશ વર્ષો પછી પણ એમને મળવા આવેલા આ જવાનો પૈકી એક પણ જવાન તેમને ફરી મળ્યો નથી. કોઇના કોઇ પણ ખબર અંતર મળ્યા નથી. આજે 84 વર્ષની ઉંમરે પણ તેઓને શ્રદ્ધા છે કે એ બધા જ જવાનો સુરક્ષિત હશે અને એકાદ દિવસે તો તેમને મળવા તેઓ જરૂર આવશે જ….!

————————————————————–

 શ્યામ ખરાડ, 22, નિર્માણ સોસાયટી, અલકાપુરી, વડોદરા, 390007 મોબાઇલ: 09879544512   

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,820 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: