મીરાં/સુરેશ દલાલ/ભજનયોગ/પાના: 249 થી 252

મીરાં/સુરેશ દલાલ/ભજનયોગ/પાના: 249 થી 252
મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે !
કૃષ્ણ નામની ચૂડી પહેરી , માધવની અંગૂઠી રે !
આધી રાતે દરશન કાજે આંખ ઝરૂખે મૂકી રે :
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે !
તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખીરે :
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !
કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે:
ઘાયલકી ગત ઘાયલ જાણે: જગની માયા જૂઠી રે !
====================================
આપને પહેલી વખત મળ્યો એ પહેલાં પુરુષોત્તમ ઉપાધ્યાય પાસેથી આપની કવિતા સાંભળેલી , છતાં આ કવિતાની પંક્તિઓ મારી કથામાં સહજ રીતે રજૂ પામતી રહે છે.તમે પૂછ્યું એટલે નથી કહેતો પરંતુ નીચેની પંક્તિઓ મને બહુ અસર કરી ગઇ: મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે, મંદિર સાથે પરણી મીરાં. શું આ દેશની સંસ્કૃતિ, આ દેશની આધ્યાત્મિક ભાવના, આ દેશનું સમર્પણ કે મીરાં મંદિર સાથે પરણી ગઇ ! એ જે વિચાર તમારા હ્રદયમાંથી સ્ફૂર્યો હશે એ કેટલો પુરાણો વિચાર છે ! મંદિરની ચાર પરિક્રમા કરવાનો રિવાજ છે તે એ જ કે તું અહીં પરણવા આવ્યો છે કે ખાલી સગાઇ કરવા? મને એમાંની સાહિત્યદૃષ્ટિ બહુ સુંદર લાગે છે.
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે
મંદિર સાથે પરણી મીરાં. મોરારિબાપુ

======================
કવિશ્રી સુરેશ દલાલ રચિત એક ગીત હમણાં વાંચ્યું: ‘મીરાં’ અને એ ગીત સમગ્ર સંવેદનતંત્રમાં પ્રસરી ગયું. અ ગીત તો અગાઉ પણ વાંચેલું. છતાં ત્યારે આવું કશું કેમ નહોતું બન્યું એવો પ્રશ્ન થયો. ઘણી મથામણ પછીય સાચો જવાબ જડ્યો નહીં.પરંતુ થોડાં અનુમાનો કરી જોયાં. વિશ્વનું રહસ્ય જેમાં ઉકેલી બતાવાયું છે એ અઢાર ગણિતી ચિહ્નોઅને અક્ષરોની આઇંસ્ટાઇન રચિત સંજ્ઞા પણ એક કાવ્ય જ છે. વિશ્વનું રહસ્ય ઉકેલવા માટે વૈજ્ઞાનિક દૃષ્ટિ, નિષ્ઠા, સહ્રદયતા, સક્રિયતા, અને શ્રદ્ધા જોઇએ. કાવ્યને ઉકેલવા માટે પણ એવી જ તત્પરતા જોઇએ.
પણ આવી તત્પરતા કઇ રીતે નિપજાવવી?
મીરાંનું નામ આવે એટલે સાદગી અને સરળતા આપોઆપ કેમ આવી જતાં હશે? મીરાંની વાત કહેતાં શબ્દકોશનાં પાનાં ચૂપ થઇ જાય ને હ્રદયકોશ ઊઘડી જાય છે એમ કેમ થતું હશે? હ્રદયકોશ ઊઘડે તો જ મીરાંમાં પ્રવેશવું શક્ય છે. મીરાં મળે ત્યાં કૃષ્ણ પણ છેટા ન હોય. કોઇ સંતે કહ્યું છેકે મદને ઉતારીને વાંચોતો મીરાંના પદમાં પ્રવેશ મળે. કવિએ ‘મીરાં મંદિર સાથે પરણી’એમ કહી વાત શરૂ કરી છે. પરંતુ આગળ કશું બનવાનું નથી. કાવ્યમાં તો કશું બનતું નથી તે વાત છે. તમે ફરતો ગરિયો જુઓ છો ત્યારે તે ફરતો હોવા છતાં સ્થિર લાગે છે. આ કાવ્ય પણ એમ જ, જે ધરી પર છે ત્યાં સક્રિય છે. તેમ છતાં ક્યાંય ગતિ કરતું નથી. ‘મીરાં પરણી’ એ પછી કોઇ ઘટના શેષ રહેતી નથી. લગ્ન પછીના ખાલી લગ્નમંડપમાં શૂન્યતાનો જે અજબ માહોલ હોય છે તેવો જ અહીં ભર્યોભર્યો ખાલીપો છે.
મીરાં ‘શ્યામ સાથે’ પરણી એમ કહેવાને બદલે ‘મંદિર સાથે’ પરણી એમ કવિએ કહ્યું તેથી ‘મંદિર’ પર મન કેન્દ્રિત થાય. આ મંદિર એટલે અખિલ વિશ્વ. વિશ્વમંદિર. ઇંટચૂનાનો સ્થૂળ તાબૂત નહીં. રાણાનું શાસન, રાણાના રાજપાટ સુધી, વિશ્વ પર નહીં. રાણાનું સાંકડું મંદિર છોડીને મીરાં એ મંદિરને પરણી, જેના પર વિશ્વંભરનું શાસન છે, જેને વિશ્વંભરે પોતા વડે ભર્યું છે. એ મંદિર એટલે બ્રહ્મસંહિતામાં બ્રહ્મજ્યોતનું ‘ નિષ્કલંક અનંત અશેષ ભૂતમ્ ’અર્થાત્ ‘ભૌતિક ગુણોથી મુક્ત.’ અવિભાજિત અને અમર્યાદિત એવું જેનું વર્ણન છે એ વિશ્વ. મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે. અહીં ‘રાજમહેલ’શબ્દના જે-જે વાચ્યાર્થો ને વ્યંજનાઓ છે તે સહિત તમામ સંદર્ભોથી મીરાં છૂટી એવું કવિને અભિપ્રેત છે. એમ લાગે. એથી જ લાગે છે કે મીરાં ‘મંદિરને’પરણી એમ નહીં, ‘મંદિર સાથે’ પરણી એમ કહેવાયું તે ભાષાનું છળ નહીં, ભાવનું બળ છે અને એટલે તરત સ્પર્શે છે.
મીરાં મંદિરમાં ભળી ગઇ ને મંદિર મીરાંમાં. પછી રહિતતાના કે સહિતતાના સંદર્ભો જ ક્યાં રહે છે? મંદિર એ જ મીરાં, મીરાં એ જ મંદિર એવું એક અર્ધવર્તુળ દોરાય છે ને સાથ સાથે, મંદિર એ જ શ્યામ-વિશ્વંભર એવું બીજું અર્ધવર્તુળ તેમાં જોડાય છે, એટલે એક અખંડ ને પરિપૂર્ણ વર્તુળ બને છે.
આવી નિરતિશય પરમાનંદની ક્ષણે પ્રતીક્ષા કે એનું કારક મન પણ નિ:શેષ છે તો પછી આમ કેમ કહેવાયું કે: આધી રાતે દરશન કાજે આંખ ઝરૂખે મૂકી રે.
મીરાં એક વિરાટ સંવેદનપિંડ છે. તર્કાતીત ઘટના છે એવી ભાવપ્રસન્નતા વિના મીરાંનો તાળો નહીં મળે.(તેમ છતાં તર્ક ઊઠ્યો જ છે તો તેને હમણાં ખિસ્સામાં રાખો, એનું સમાધાન પછીથી શોધીશું?) આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે અરધી રાત થવં છતાં પ્રિયમિલનથી વંચિત મીરાંનું સફળ મીરાંત્વ સમેટાઇને ઝરૂખો બની જાય ને એ ઝરૂખાનેય વાચા ફૂટે. મીરાંની આરત અને વલવલાટ એ કોટિએ પહોંચ્યો છે જે કોટિએ શબરીની રામદર્શન માટેની તાલાવેલી પહોંચેલી. મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે પીડામીરાં અને શબરીનું અદ્વૈત રચે છે અને વચ્ચેથી યુગો ખરી પડે છે, ઝરૂખો બનેલી આંખ મીરાંની છે તો એમાં દર્શનની તાલાવેલી શબરીની છે. નામફેરે શ્યામ એ જ રામ છે, ‘રામ :શસ્ત્રભૃતામહમ્ ’ (શસ્ત્રધારીઓમાં હું રામ છું) એમ ખુદ શ્રીકૃષ્ણે જ ગીતામાં કહ્યું છે ને?
તુલસીની આ માળા પહેરીમીરાં સદાની સુખી રે તર્કવાદીઓ અહીં ફરી કોચવાય એવું છે.’પરમપદ પામ્યા પછી મીરાંને સુખદુ:ખનાં દ્વંદો રહે છે જ ક્યાં? ‘મીરાં સદાની સુખી’ એમ કવિએ કેમ કહ્યું છે?” આવો તર્ક જેને થાય તેણે “મીરાં સદાની સુખી” અને ‘તુલસીની આ માળા પહેરી’ એ બે પદ ઊલટાવીને વાંચી જોવા જોઇએ. રાજમહેલ એટલે સુખ. એમ પીરાંને ક્યારેય અભિપ્રેત નહોતું.’સુખી’ વિશેષ્ણનો હિન્દી અર્થ ‘સુકાયેલી’ એવો થાય એને અહીં ખપમાં લઇને અન્વય યોજીએ તો કૈંક આવું પમાય. રાજમહેલમાં…તુલસીની માળા ધારણ કરનાર મીરાં સુકાઇ ગઇ હતી. (વિરહપીડાથી) તે શ્યામરૂપી સૂરજ (ચિદાકાશ)માં ઊગતાં પ્રફુલ્લ-સૂરજમુખી બની ગઇ. આવા સ્વૈર અંવય માટે કવિ વાંધો નહીં ઉઠાવે. શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે મીરાં એક એવા અલૌકિક ધ્રુવપ્રદેશમાં જઇ પહોંચી છે જ્યાં અર્ધી રાત્રે શ્યામ સૂર્ય ઊગે છે. જ્યાં આપણા વિશ્વનાં ટાઇમટેબલો અસ્તવ્યસ્ત ને અવળાં થઇ જાય છે. જ્યાં સ્વયં’શ્યામ’સૂર્યરૂપે ઊગતાં બધા ફટકિયા રંગો આથમી જાય છે. મીરાંની વાત જ એવી છે. એમાં ભલભલાં વ્યાકરણો ડૂચો થઇ જાય. મીરાંની આંખમાં તો એનો શ્યામ છે તેથી સૂરજ સુદ્ધાં કાળો છે. સૂરજ પણ છે ને રાત પણ છે તેથી જ –‘કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે.’ (પેલો ખિસ્સામાં મૂકેલો તર્ક બહાર કાઢો.) અગાઉ કવિએ’આધી રાતે દરશન કાજે આંખ ઝરૂખે મૂકી રે’ એવું કહ્યું તો અહીં ‘મીરાં જાગે સૂતી’એમ કહ્યું. કહેવું હોય તો કહી શકાય કે ગોપીઓને રીઝવવા માટે એકએક ગોપીનો એકએક કાન એવી શ્રીકૃષ્ણે જે માયા રચી હતી એવી જ આ માયાવી વાત છે. જેટલી ક્ષણો એટલી મીરાં ! ઝરૂખે ઊભેલી મીરાં, તુલસીની માળા પહેરેલી મીરાં,શ્યામ સૂરજની સૂરજમુખી મીરાં, કાળી રાતનો કંબલ ઓઢી સૂતી જાગતી મીરાં. પણ આ બધાં મીરાંરૂપો તો રાજમહેલમાં રહેતી મીરાંનાં છે. મીરાં મંદિર સાથે પરણી તે સાથે જ બધાં મીરાંરૂપોય પરણ્યાં ને શ્યામ અને મીરાં પરસ્પરમાં ભળી ગ્યાં તે સાથે જ માયા નિ:શેષ થઇ ગઇ. આ બધા મીરાંના પૂર્વાનુભાવો કે પૂર્વભવોની વાત છે. એટલે ફરી એ જ વાત કે અહીં કશું બનતું નથી.
આઠ પંક્તિના ગીતમાંથી ફલૅશબેક બાદ કરો તો માત્ર એક પંક્તિનું ગીત શેષ રહે—‘મંદિર સાથે પરણી મીરાં…. જગની માયા જૂઠી રે’
મીરાંબાહ્ય સૃષ્ટિમાં મૃત્યુ સિવાય કોઇ ઘટના ક્યાં બને છે? મૃત્યુ પોતેજ એક સનાતન ઘટના છે. બાકીની અન્ય ઘટનાઓનું કોઇ મૂલ્ય નથી. મૃત્યુબાહ્ય ઘટના તે મીરાં—આવાંઆવાં અનેક ભાવસંચલનો પ્રેરતું મીરાંકાવ્ય’જગની માયા જૂઠી’ કહેતું અટકે છે ત્યારે આપણા કોઇ નકારને અવકાશ છે ખરો? આચાર્ય રજનીશજીનો હવાલો આપતાં સુરેશ દલાલે એક જગાએ મીરાંના સંદર્ભે લખ્યું છે ‘મીરાં એ ટેબલખુરશી પર બેસીને ગીત નથી લખ્યાં, મીરાં ગીત લખતી નથી, ગીત મીરાંને લખે છે. મીરાં પોતે ગીત છે.’ અને છેલ્લે આ ઉદ્ ગારમાં મારા તરફથી એક વાક્ય ઉમેરુંકે-‘મીરાં પોતે ગીત છે અને આ ગીત ટેબલખુરશી પર બેસીને વાંચવાનું ગીત નથી.’
–રમેશ પારેખ

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “મીરાં/સુરેશ દલાલ/ભજનયોગ/પાના: 249 થી 252
  1. Vineshchandra Chhotai કહે છે:

    very good ; ;;;;;;;;;hariuam ; namsakar u r doing 4 all of us ;with prem n ; vineshchandra chhotai

  2. Mahakant joshi કહે છે:

    સુરેશ દલાલ જેવા સમર્થ કાવ્યકાર અને રમેશ પારેખ જેવા કાવ્યના સમર્થ મર્મીનો જ્યાં સંયોગ રચાય ત્યાં કહેવાનું કાંઈ શેષ રહે ખરું?…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,417 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓક્ટોબર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: