શુક-પરીક્ષિત સંવાદ, પરીક્ષિત આખ્યાન // “ શ્રીમદ્ ભાગવત સંક્ષેપ ”(સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)

B.SNXP.28

સ્કંધ:2

શુક-પરીક્ષિત સંવાદ

શ્રીમદ્ ભાગવત સંક્ષેપ (સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)

શુકદેવજી ૐકારનો ઉચ્ચાર કરી પદ્માસનવાળી બેઠા. શુકદેવજી કહે,” હે રાજા, માનવને મળેલું જીવન એક ઉત્તમ ખજાનો છે. હજારો વર્ષના પરિશ્રમે માનવદેહ મળે છે. ભગવાન દરેકને માતાના પેટમાંથી જ સરખી બુદ્ધિ અને આયુષ્ય આપ્યા છે, ઇશ્વર દરેકને નિર્દોષ જીવન જીવવાની આજ્ઞા આપે છે. જો માણસ ઇશ્વર આજ્ઞા પ્રમાણે વર્તે તો પૂર્ણ આયુષ્ય ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકે છે. હે રાજા !તારું જીવન જાણેઅજાણે દૂષિત થયેલું છે. પ્રત્યેક માનવનો ધર્મ છે. જરૂર પૂરતું બોલવું, જીવનનિર્વાહ પૂરતું ભોજન કરવું, સત્સંગ પૂરતું મિલન, પ્રતિક્ષણ મનને પ્રસન્ન રાખવા કોશિશ કરવી,પ્રતિક્ષણ ઇશ્વરઆરાધના કરવા તત્પર રહેવું. માનવીને બંધન અને મોક્ષ અપાવનાર માનવનું મન જ છે. મનમાં ઉત્પન્ન થતાં સંકલ્પો, વિચારોને કાબૂમાં રાખી ચિત્તની  વ્યગ્રતા દૂર કરવી..હે રાજા ! આજે હું તને જ્ઞાન આપવાની શરૂઆત કરું છું તે ભક્તિભાવથી ભરેલું શ્રીમદ્ ભાગવત છે ! મારા પિતા વ્યાસજીએ મને તેનું જ્ઞાન આપેલું તે હું તમને નિ:સ્વાર્થ ભાવે સંભળાવું છું. હે રાજા ! દુ:ખનાંઅનેક કારણો છે. શારીરિક, માનસિક વગેરે. હે રાજા ! તું નરોત્તમ, તારા પર ઇશ્વરની સંપૂર્ણ કૃપા હોવા છતાં ક્યા કારણસર તું ભયંકર ભૂલ કરી બેઠો? સાંભળ. હે પરીક્ષિત ! મથુરાના લૂટેલા સોનાનો જરાસંઘનો મુગટ તે ધારણ કર્યો, તારી બુદ્ધિ સત્ત્વગુણવાળી રાખ, અન્નનો ત્યાગ કરી ગંગાકિનારે રહેવા કોશિશ કર. મારું આ જગતમાં ઇશ્વર સિવાય બીજું કોઇ નથી. હું કોઇનો નથી. હું રાજા હતો એ વાત મનમાંથી કાઢી નાખ , જેટલા દિવસનું આયુષ્ય બાકી છે તેટલો સમય ઇશ્વરની આરાધના સાથે શ્રીમદ્ ભાગવતની કથા સાંભળ. હે રાજા ! વહેલી સવારે ઊઠી ગંગામાં સ્નાન કરવું. પ્રાણાયામ કરવા પછી ઇશ્વરનું ધ્યાન ધરવું. મનને પવિત્ર રાખવું. આહાર વિષે તકેદારી રાખવી. સંયમ રાખવો.” શુકદેવજીના કહેવા પ્રમાણે પરીક્ષિતે કોશિશ કરી ઇશ્વરઆરાધના કરવામાં મન પરોવ્યું. શુકદેવજી કહે છે કે “હે પરીક્ષિત ! તને એક વાત કહું છું. તારો અંતકાળ એકદમ નજીક છે. ત્યારે ભગવત્સ્મરણમાં અને ઇશ્વરઆરાધનામાં વધુમાં વધુ સમય વિતાવ. એક ચિત્તે કથા સાંભળ. તારો સુંદર ભૂતકાળ તને કથા સાંભળતાં યાદ આવશે પણ તેને ભૂલી સહનશીલતા રાખી એક ચિત્તે કથાશ્રવણ કરજે.” શુકદેવજી કહે છે કે “ હે રાજા ! અંત:કાળે તારી કોઇ અપેક્ષા છે?” પરીક્ષિત કહે” નહીં. મેં આ જીવનમાં ખૂબ સુખ ભોગવ્યું છે. કોઇ અપેક્ષા નથી.” શુક કહે,” ભાગવત કથા હું તમને સાત દિવસમાં કહી સંભળાવીશ.”

પહેલે દિવસે માનવજીવનનું સ્વરૂપ કેવું? દરેકનું જીવન જુદા જુદા પ્રકારનું હોય છે.તેમાં માણસે કેમ જીવવું તે કહી સંભળાવીશ. બીજે દિવસે માણસે સ્વભાવને સ્થિર કેમ રાખવો? તે માટેના માર્ગો અને ઉપાયો ક્યા? ઇશ્વરની પ્રાપ્તિ કઇ રીતે થાય તે કહીશ. ત્રીજે દિવસે દરેક માણસે સ્વમાનપૂર્વક જીવવા કોશિશ કરવી અને સંયમ પ્રમાણે માન-અપમાન સહન કરવાં તે વિશેની વાત કહીશ.ચોથે દિવસે જીવ અને શિવના સંબંધ વિશે કહીશ. પ્રત્યેક માનવના હ્રદયમાં ઇશ્વરનો વાસ છે. માણસના જગત સાથે તેમજ ઇશ્વર સાથેના સંબંધની વાત કહીશ. પાંચમે દિવસે માણસ જ્યારે ઉન્નતિની ટોચ પર પહોંચે અને એ વખતે તેનામાં અહંકાર આવે તો તેનું કેવું પતન થાય છે તે બાબતની કથા કહીશ. છઠ્ઠે દિવસે ઇશ્વરનાં વિવિધ સ્વરૂપ હોવા છતાં ઇશ્વર એક જ છે. કોઇપણ સ્વરૂપે ઇશ્વરને ભજી શકાય તે વાતનું વર્ણન કરીશ. સાતમે દિવસે માણસ ઇશ્વરની આરાધના કોઇપણ સ્વરૂપે કરે છેવટે તો ઇશ્વર એક જ છે તે વિષે કહીશ. ઇશ્વર દરેક માનવીને જન્મની સાથે કોઇને કોઇ વૈભવ ઓછાવત્તા પ્રમાણમાં આપે જ છે. સંપત્તિ, વિદ્યા, રૂપ વગેરે જે સંપત્તિ પ્રાપ્ત થાય તેમાંથી એક મુકરર ભાગ બાજુએ કાઢી જરૂરિયાતમંદ લોકોને તેમાંથી મદદ કરવી. ફક્ત પોતાના માટે જીવવું નહીં. બીજાઓને ખાતર ભોગ આપવો.

આજે હું મારા પિતા પાસેથી શ્રીમ ભાગવતની કથા સાંભળીને આવ્યો છું. તે હું તમને કહી સંભળાવું છું.” પરીક્ષિત રાજા ગંગા કિનારે ઇન્દ્રિયોને વશમાં રાખી શુકદેવજી પાસે કથા સાંભળવા બેઠા.

શુકદેવજી કહે” જગતમાં જ્યારે જ્યારે જરૂર પડે, જ્યારે જયારે અધર્મ વધે, ધર્મ ભયમાં આવે ત્યારે ઇશ્વર અવતાર ધારણ કરે છે અને પૃથ્વી પરનાં પાપોનો નાશ કરે છે. આજે હું કથા કહેવાનો છું તે ભગવાનના ચોવીસ અવતારોની કથા છે. તારો ઉદ્ધારક હે રાજા ! શ્રીકૃષ્ણ છે અને તેની લીલાઓનું વર્ણન શ્રીમદ્ ભાગવતમાં છે..તો હે રાજા ! આ ભાગવત કથા તન, મન, વચનથી એક ચિત્તે સાંભળ.” પરીક્ષિતે શુકદેવજીને પૂછ્યું,” હે શુકદેવ ! આ ભાગવતની કથા કોણે લખી? “ શુકદેવજી કહે “ સૌ પ્રથમ સાક્ષા ભગવાન વિષ્ણુએ બ્રહ્માને ચાર શ્લોક કહ્યા જેને ચતુ:શ્લોકી ભાગવત કહેવાય છે, જેમાં આખા ભાગવતનો સાર ઉપદેશ રૂપે સમાયેલો છે. ભાગવત સ્કંધ બીજામાં 30 થી 36 શ્લોકો- જેમાં 30 અને 31 ઉપક્રમ રૂપે 36મો શ્લોક ઉપસંહાર રૂપે અને વછેના 4 શ્લોક ચતુ:શ્લોકી ભાગવત કહેવાય છે, જેનો અર્થ શ્રીવિષ્ણુ ભગવાન કહે છે “મારું જે પરમગુહ્ય વિજ્ઞાન સહિત જ્ઞાન છે તેનું તથા રહસ્ય સહિત તેનાં અંગોનું હું જે વર્ણન કરૂં છું તેને તમે ગ્રહણ કરો. હું જેટલો છું , જે ભાવથી યુક્ત છું. જે રૂપ, ગુણ અને લીલાઓથી સમંવિત છું એ તત્વનું વિજ્ઞાન મારી કૃપાથી તને પ્રાપ્ત થાઓ. સૃષ્ટિની પૂર્વે પણ હું જ હતો અને સૃષ્ટિ ઉત્પન્ન થયા પછી પણ જે કાંઇ દૃશ્યમાન છે તે પણ હું જ છું. જે સતાસતથી પર પુરુષોત્તમછે તે પણ હું જ છું સૃષ્ટિની સીમાથી પેલે પાર કે જ્યાં કેવળ સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે પણ હું જ છું અને સૃષ્ટિના વિનાશ પછી પણ જે શેષ અર્હે છે તે પણ હું જ છું . જે વાસ્તવિક વસ્તુ નથી તે પણ જે આત્મારૂપ આશ્રયને લીધે જણાય છેઅને વાસ્તવિક વસ્તુ છે તે નથી જણાતી, તેને મારી માયા સક્મજવી. જેમ ચંદ્ર એક જ છે છતાં નેત્રવિકારને લીધે બે હોય એમ લાગે છે. તેમ જ રાહુ ગ્રહમંડળમાં રહેલો હોવા છતાં દેખાતો નથી. તેમ હું તે પંચ મહાભૂતો પ્રત્યેક સૃષ્ટિના સર્જન પછી દાખલ થયેલ છે અને દાખલ થયેલાં નથી, તેમ હું તે પંચમહાભૂતોમાં સર્વ ભૌતિક પદાર્થોમાં રહ્યો છું છતાં નથી રહ્યો. મનુષ્યે વિધિ રૂપથી પરમાત્મા આવા છે તે ભાવથી અને નિષેધરૂપથી પરમાત્મા આવાપણ નથી એ ભાવથી એટલું જ જાણવું આવશ્યક છે કે પરમાત્મા સર્વત્ર અને સર્વદા વિદ્યમાન છે. તું ઉત્કૃષ્ટ સમાધિ દ્વારા મારા આ સિદ્ધાંતમાં સ્થિત થઇ જા, જેથી કલ્પકલ્પાંત રમાં ક્યારેય અને ક્યાંય પણ તું મોહિત નહીં થાય.

આ ચાર શ્લોકમાંથી વ્યાસે 18,000 શ્લોકમાં તેનો વિસ્તાર કર્યો. બ્રહ્માજીએ આ ભાગવત કથા કહી અને નારદજીએ વેદ વ્યાસને આખું ભાગવત કહ્યું. મારા પિતા વ્યાસે મને શ્રીમદ્ ભાગવતની કથા કહી સંભળાવી અને આજે હું એ તમને સંભળાવીશ.હે રાજા પરીક્ષિત તું અપરિપક્વ બુદ્ધિનો છે. જાણે -અજાણ્યે કામક્રોધનાં તોફાન જાગે નહીં,વિષયવિકાર જાગે નહીં તેનો ખાસ ખ્યાલ રાખજે.” શુકદેવજી પરીક્ષિતને જેમ પિતા પુત્રને સમજાવે તેમ વાત કહે છે. સૌ પ્રથમ જીવનનું સ્વરૂપ કેવું છે તેના વિશે વિચારીએ.

માણસે ગમે તેવા સંજોગોમાં રસિકતાથી જીવવા પ્રયત્ન કરવો જોઇએ, ટેવ પાડવી જોઇએ. અનેક સંકટોમાં આવેલ પરિસ્થિતિનો સહજ રીતે સામનો કરવા પ્રયત્ન કરવો જોઇએ. પરિસ્થિતિનો ઉપાય શોધવો જોઇએ. થાકવું કે કંટાળવું કે હારવું ન જોઇએ. મનના અને બુદ્ધિના વિકારો અને વિલાસોનો રસપૂર્વક ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઇએ.”

===========================================================

 

B.SNXP.31

સ્કંધ:3

પરીક્ષિત આખ્યાન

શ્રીમદ્ ભાગવત સંક્ષેપ (સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)

 

શુકદેવજી કહે છે” તું જે વંશમાં જન્મ્યો છે તે વંશની કથા હું તને કહું છું.માનવીના જીવનમાં પુણ્ય, પ્રતિષ્ઠા અને પ્રામાણિકતા કીડીવેગે આવે છે અને વિદાય હાથીનાં પગલાંવેગે લે છે. જીવનમાં કરોડપતિ ક્યારે રોડપતિ થઇ જશે? રોગ ક્યારે આવશે? દુ:ખ ક્યારે પડશે? તે કહી શકાતું નથી.

તારા વડવા ત્રણ ભાઇઓ હતા. ધૃતરાષ્ટ્, પાંડુ અને વિદુર. ધૃતરાષ્ટ્ર આંધળા હતા. વિદુર દાસીપુત્ર હતા, તેથી પાંડુ રાજા હસ્તિનાપુરની ગાદી પર બેઠા. પાંડુને પાંડુરોગ થયો. વિષયદૃષ્ટિ ત્યાગી ન શક્યા, ભૂલ કરી બેઠા અને અચાનક મૃત્યુ પામ્યા.પાંડુના મૃત્યુ વખતે પાંડુનાં બાળકો નાના હતા. પાંડુના મૃત્યુના સમાચાર મળતાં વિદુર અને ધૃતરાષ્ટ્ર ત્યાં આવ્યા. કુંતીએ પતિ પાછળ સતી થવાનો પોતાનો વિચાર જાહેર કર્યો. માદ્રીએ કુંતીને કહ્યું, “ બાળકો નાનાં છે. તમે તેને મોટાં કરો, હું સતી થઇશ.” માદ્રી પાંડુ રાજા સાથે સતી થયાં.

વિદુરજીએ કુંતાને કહ્યું, “પાંડુનાં બાળકો મોટાં થાય ત્યાં સુધી તેમના ટ્રસ્ટી તરીકે તે બાળકોની તથા હસ્તિનાપુરની સંભાળ આપણે રાખીએ . યોગ્ય ઉંમર થતાં તેઓનું રાજ્ય તેમને સોંપી દઇશું.”

કુંતી બાળકોને લઇ હસ્તિનાપુર મહેલમાં આવ્યાં. ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરની ગાદી પર બેસાડ્યા. સમયના વહેણ સાથે પાંડવો મોટા ઉંમરલાયક થયા. કુંતીએ વિદુરને વાત કરી કે “અમારા બાળકો મોટા થયા છે.વ્યવહાર ચલાવવો મુશ્કેલ પડે છે. અમારો ભાગ અમને આપો.” વિદુરે આ વાત ધૃતરાષ્ટ્રને બે-ત્રણ વખત કહી. છેવટે ધૃતરાષ્ટ્રે કહું: “કુંતા અને પાંચ પાંડવોને કૌરવોની સભામાં લાવજો.” કુંતા અને પાંડવો કૌરવોની સભામાં આવ્યા. વિદુરજીએ કહ્યું: “પાંડવો ઉમરલાયક થયા છે. હવે તેઓનું રાજ તેમને સોંપી દઇએ.” ધૃતરાષ્ટ્રે જવાબ આપ્યો, “આપણે આ બાબતમાં કૌરવોને પૂછી  જોઇએ.” ભરસભામાં કુંતાએ કહ્યું, “ હું હસ્તિનાપુરની રાણી, મારા દીકરાઓનો અધિકાર માંગવા આવી છું.”

વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું, “પાંડુના મૃત્યુ બાદ તેનાં બાળકોના ટ્રસ્ટી તરીકે તેઓની અને તેમના રાજ્યની સંભાળ આપણે રાખતા હતા, હવે તેઓ ઉંમરલાયક થઇ ગયા છે. તેમનું રાજ તેમને સોંપી દઇએ.” ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કહ્યું, “વિદુર યોજના લઇ આવ્યા છે. જવાબ આપો.” દુર્યોધન ગુસ્સે થઇ ગયો અને કહેવા લાગ્યો, “આ દાસીપુત્રને દરમ્યાનગિરી કરવા કોણે કહ્યું?” વિદુર ગમ ખાઇ ગયા. કુંતા અને પાંડવો પણ કાંઇ ન બોલ્યા. જીવનમાં, કુટુંબમાં દ્રવ્ય અને અધિકારના પ્રશ્ને ઝઘડા ઊભા થતા હોય છે.

વિદુરે આજે આજે પત્ની પારશવીએ પીરસેલ ભોજનનેનમસ્કાર કરી ફક્ત પાણી પી લીધું. પારશવી વિદુરને પૂચે છે,” આજે ન જમવાનું કારણ ?” જવાબ ટાળતા પત્નીને કહે છે, “મારે વહેલી તકે જાત્રાએ જવું છે.” વિદુરે બીજે દિવસે ધૃતરાષ્ટ્રને જાત્રાએ જવાની વાત કરી. ધૃતરાષ્ટ્રે વિદુરને રજા આપી. ગાડાંનાં ગાડાં ભરી ચીજવસ્તુઓ જાત્રામાં સાથે લઇ જવા ધૃતરાષ્ટ્રે વિદુરને મોકલાવી. પારશવીએ કહ્યું,“આમારે આમાંનું કશું ન જોઇએ. ફક્ત એક શ્રીફળ આપો.” પારશવીએ પતિને કહ્યું, “હું પણ તમારી સાથે જાત્રાએ આવીશ.” વિદુરે પત્નીને કહ્યું,”જાત્રા પગે ચાલીને કરવાની છે. ત્યાગવૃત્તિ કેળવવાની છે.”પારશવીએ કહ્યું,” હું પણ  તમારી જેમ ત્યાગવૃત્તિ રાખી પગે ચાલી જાત્રા કરીશ.”

વિદુર-પારશવીને વિદાય આપવા ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને શકુનિ આવ્યા હતા. વિદુરના મનમાં એવો ભાવ હતો કે આ કુટુંબક્લેશમાં ન પડવું. દૂર જઇ ઇશ્વરનું સ્મરણ કરવું.

વિદુર જાત્રાએ જતાં પહેલા કુંતા અને પાંડવોને મળવા ગયા. જાત્રાએ જવાની વાત કરી.

 કુંતી કહે “ હે વિદુરજી, આપ જશો તો પછી અમારું કોણ?” વિદુરે જવાબ આપ્યો, “તમારો દ્વારકાધીશ.” અર્જુન બોલ્યો,”કાકા એ ટ્રસ્ટી નથી. તમે અમારા ટ્રસ્ટી છો.” વિદુર કહે,” હે અર્જુન ! દ્વારકાધીશ તો ટ્રસ્ટીના પણ ટ્ર્સ્ટી છે.”

વિદુરજીએ પરશવીને કહ્યું, “જો જાત્રા દરમ્યાન પગે ચાલવું, જે જે નદી કે સરોવર આવે તેમાં સ્નાન કરવું અને એકવાર જમવું તેવું આપણે વ્રત લઇએ.” પારશવી  કહ્યું “ હું કહું છું કે, એક વખત જમવું તે પણ મીઠા વગરનું જમવું એવું આપણે વ્રત લઇએ.” વિદુરે પૂછ્યું,” “ક્યાં સુધી મીઠા વગરનું જમીશું? ” પારશવીકહે, “જ્યાં સુધી પ્રભુદર્શન ન થાય (ચરણસ્પર્શ ન થાય ) ત્યાં સુધી.” વિદુર કહે,  “ઇશ્વરના દર્શન ન જ થાય તો ?”તો મીઠા વગરનું જ ખાવું.” પારશવીએ જવાબ આપ્યો.

વિદુર મનમાં ને મનમાં વિચારે છે બે ભાઇઓના ઝગડા મારાથી નહીં જોઇ શકાય. એક ભાઇ કરોડપતિ અને બીજો ભીખ માગે તે મારાથી સહન નહીં થઇ શકે, જાત્રાએ જવું સારૂં.

વિદુર અને પારાશવી જાત્રાએ ગયા. ત્યાર પછી કુંતાએ દ્વારકા શ્રીકૃષ્ણને સંદેશો મોકલ્યો. કુંતાએ પત્ર લખી મોકલ્યો.

હે દ્વારકાધીશ !

તારી ફઇબા અને તેના દીકરાઓની છેલ્લી ઘડીઓ ગણાય છે. તું પ્રત્યક્ષ અહીં આવ અને અમારી દશા જો, રખે ! હું એકલી દ્વારકા તને મળવા આવું તો મારાં બાળકોને કૌરવો કદાચ મારી નાખે ! તારી ફઇબા બળીને ભસ્મ થાય તે પહેલાં તું આવ. આ જગતમાં તારા સિવાય મારું કોઇ નથી. ” 

લિ. તારી દુ:ખી ફઇબાનાં વંદન

કુંતાનો પત્ર લઇ પ્રતિહારી દ્વારકા આવ્યો. કૃષ્ણે પત્ર વાંચ્યો. અંતરયામી ઠાકોરજીએ ફઇબા કુંતાની વેદના જાણી. પ્રતિહારીને પત્રનો જવાબ લખી આપ્યો.

હે ફઇબા !

જીવનમાં અનેક પ્રશ્નો આવે છે. અકળાઇ ન જવું. આવેલ પ્રશ્નનો ધીરજથી ઉકેલ શોધવો. હું વિના વિલંબે તમારી પાસે આવું છું.”

લિ. કૃષ્ણ

બીજો પત્ર કૃષ્ણે દુર્યોધનને લખ્યો અને પ્રતિહારી સાથે મોકલ્યો.કૌરવોની સભામાં કૃષ્ણનો એ પત્ર લઇ પ્રતિહારી આવ્યો. કૃષ્ણે પત્રમાં લખ્યું હતું.

હે સુયોધન !

પાંડુના મૃત્યુ પછી તેમની મિલકત તેના પુત્રો પાંડવોને પાછી આપવા બાબત મતમતાંતર હોય તો આપ અહીં આવો અને ન આવો અને મને બોલાવશો તો હું તે પ્રશ્નનો નિકાલ કરવા તમારી પાસે આવીશ.”

લિ.કૃષ્ણ

સ્વજનના દુ:ખના નિવારણ અર્થે અપમાન સહન કરતાં સંકોચાશો નહીં.

કૃષ્ણ દ્વારકાથી હસ્તિનાપુર આવવા નીકળવાના છે તેવી જાણ થતાં લોકોએ માર્ગો પર કમાનો બનાવી, અને ધજાપતાકાથી રાજમાર્ગો શણગાર્યા. વિદુર આ બધી તૈયારી જોઇ પૂછે છે, “ હે નગરજનો ! આ ઉત્સવ શાનો છે?” વિદુરજીને જાણવા મળ્યું કે દ્વારકાધીશ હસ્તિનાપુર જવાના છે. ચારે બાજુ તેમનું સ્વાગત કરવા માનવમેદની ઊભરાય છે.”

વિદુરને પારશવીએ કહ્યું, “ઊભા રહો. દ્વારકાધીશનો ચાર ઘોડાવાળો રથ દૂરથી આવતો દેખાય છે. મારે તેમના ફક્ત દર્શન જ નથી કરવા, ચરણસ્પર્શ પણ કરવા છે. મને દ્વારકાધીશના ચરણસ્પર્શ કરવા દ્યો.” તપ અને ત્યાગની ભાવના સ્ત્રીઓમાં વિશેષ છે. તેથી જ ઇશ્વરે ગોપીઓ પર કૃપા કરી. ભરપૂર પ્રેમ આપ્યો. પારશવી દ્વારકાધીશને મળવા અધીરા થઇ રસ્તા પર દોડવા લાગ્યા.

વિદુર-પારશવીએ વ્રત લીધેલું કે દરરોજ ત્રણ કલાક એક આસન પર બેસી એક ચિત્તે ઇશ્વરની આરાધના કરવી. આમ ત્રણ વર્ષ ઇશ્વરની આરાધના કરીએ તો સાક્ષાત્ ઇશ્વરપ્રાપ્તિ થાય.

આજે ભગવાન દ્વારકાથી હસ્તિનાપુર આવી પહોંચ્યા હતા. દુર્યોધને છપ્પનભોગની સામગ્રી કૃષ્ણ માટે તૈયાર કરાવેલી. કૃષ્ણે દુર્યોધન પાસે જઇ પાંડવોના અધિકારની વાત કરી. હસ્તિનાપુરની ગાદીના અધિકારી પાંડવો છે તે તેમને સોંપી દો. દુર્યોધને કહ્યું, “ કૃષ્ણ  સાંભળો. હું સોયના નાકા જેટલી જમીન પણ યુદ્ધ વિના પાંડવોને આપવા તૈયાર નથી.” કૃષ્ણે દુર્યોધનને સમજાવવા ઘણી કોશિશ કરી. દુર્યોધનને કહ્યું, “આખું રાજ્ય નહીં તો તેઓના નિર્વાહ પૂરતાં પાંચ ગામ ફક્ત આપો.” પણ દુર્યોધન એકનો બે ન થયો. કૃષ્ણે ધૃતરાષ્ટ્રને કહ્યું, “કાકા ધૃતરાષ્ટ્ર, સતી ગાંધારી, સાંભળો છો, તમારા આંખ પરના પાટા છોડો.” બેમાંથી કોઇએ જવાબ ન આપ્યો. “દુર્યોધને સૈનિકોને હુકમ કર્યો, “ આ કૃષ્ણને બાંધી દો.” સૈનિકો ભગવાનને બાંધવા જાય છે ત્યાં કૃષ્ણે હજાર રૂપ ધારણ કર્યાં. સૈનિકો કહે, “ મહારાજ અમે કોને બાંધીએ ?” કૃષ્ણ બંધાય નહીં. કૃષ્ણે કહ્યું, “ હવે તો યુદ્ધ સિવાય આનો બીજો કોઇ ઉપાય જ નથી.” કહી કૃષ્ણ પગથિયાં ઊતરવા માંડ્યા, ત્યારે દુર્યોધને કહ્યું, “કૃષ્ણ ! તમે અમારા મહેમાન છો, જમીને જાવ.”

કૃષ્ણે હસતાં હસતાં દુર્યોધનને કહ્યું, “સગાંને ત્યાં હું મહેમાન થતો નથી. હું મિત્ર વિદુરને ત્યાં જમીશ.”

વિદુર અને પાર્શવી માટીના પાત્રમાં ભાજી મૂકી આસન પર બેસી ત્રણ કલાક ભગવાનના જપ કરતા બેઠાહતા. શુકદેવજી કહે, “ હે પરીક્ષિત ! દ્વારકાથી કૃષ્ણ વિના જળ હસ્તિનાપુર આવેલા, દુર્યોધનના છપ્પનભોગની પરવા કર્યા વિના કૃષ્ણ વિદુરને ત્યાં આવ્યા. બારણે ટકોરા માર્યા. પારશવીએ દરવાજો ખોલ્યો.  કૃષ્ણને જોતાં જ પરશવીએ કૃષ્ણને પ્રણામ કર્યા. પારશવી ભગવાનને પોતાને આંગણે આવેલા જોઇ ભાન ભૂલી થઇ ગઇ. કેળાના ગર્ભ બાજુ પર મૂકી છાલ ભગવાનને આપવા માંડી. પોતાને જોઇ ઘેલી ઘેલી થઇ ગયેલી પારશવીને જોઇ ભગવાન હસતા6 હસતાં વિદુરજીને કહેવા લાગ્યા, “ભાઇ સંધ્યાપૂજા થઇ ગઇ હોય તો ભોજન કરવા આવ્યો છું.. ભોજનની તૈયારી કરો. આપણે સાથે જમીશું. ભગવાન વિદુરજીએ પ્રેમથી બનાવેલી ભાજી આરોગીને ખૂબ પ્રસન્ન થયા. ભાજીમાં પ્રેમની મીઠાશ હતી. જમતાં જમતાં કૃષ્ણે વિદુરને હસ્તિનાપુરમાં થયેલી બધી વાત કહી. હવે યુદ્ધ સિવાય બીજો કોઇ રસ્તો નથી.” એમ ભગવાને વિદુરને કહ્યું. વિદુરજી કહે, “ મારાથી યુદ્ધ નહીં જોવાય. હે કૃષ્ણ ! મારા ભાઇ પાંડુના છોકરાઓને અન્યાય ન થાય તે જોવાનું કામ હું તમને સોપું છું.”

વિદુર અને પારશવી જાત્રા કરવા નીકળ્યા. રસ્તામાં ઉદ્ધ્વજી મળ્યા. આશા, વાસના વિનાના અવધૂત એટલે ઉદ્ધ્વજી. ઉદ્ધવજી ભગવાનના પરમ ભક્ત હતા. તેમને માટે ભગવાનના દ્વાર હંમેશાં ખુલ્લા રહેતા. તે પછી રસ્તામાં વિદુરને મૈત્રેય ઋષિ મળ્યા. વિદુરજીએ મૈત્રેય ઋષિને કથા કહેવા વિનંતી કરી. મૈત્રેય કથા કહેવા તૈયાર થયા. વિદુર અને પારશવી કથા સાંભળવા બેઠા.

મૈત્રેય કહે,” હે વિદુર ! નારાયણ ભગવાનની નાભિમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુ:શ્લોકી ભાગવત સંભળાવ્યું. સાંભળતાં સાંભળતાં બ્રહ્માજીને અવાજ સંભળાયો. સૃષ્ટિની રચના કરો. બ્રહ્માએ સૃષ્ટિની રચના કરવા માંડી. સૌ પ્રથમ ચાર પુત્રો સનતકુમારો ઉત્પન્ન થયા. બ્રહ્માના મોઢામાંથી દીકરી જન્મી સરસ્વતી. દીકરીની સુંદરતા જોઇ બ્રહ્માજીની દીકરી પર કુદૃષ્ટિ થઇ.  ભગવાન નારાયણે બ્રહ્માજીને પથ્થર થઇ જવાનો શાપ આપ્યો. “તમારા પર બ્રાહ્મણો સુખડ ઘસશે અને તેની સુગંધથી ફરી બ્રહ્મા થશો.”

બ્રહ્માએ સનતકુમારોને કહ્યું, “મને સૃષ્ટિ રચનામાં મદદ કરો.” સનતકુમારોએ કહ્યું, “અમે ઇશ્વર આરાધના કરીશું.” બ્રહ્માજીને આ સાંભળી ગુસ્સો આવ્યો અને બ્રહ્માજીના ક્રોધમાંથી રૂદ્ર ઉત્પન્ન થયા.

બ્રહ્માએ સૌ પ્રથમ મૈથુનિક સૃષ્ટિના સર્જન માટે મનુ અને શતરૂપાનું સર્જન કર્યું. તેઓને મૈથુનિક સૃષ્ટિ સર્જવા બ્રહ્માજીએ આજ્ઞા કરી. “““ “““““““““તમારી સંતતિ તમારું નામ ઉજાળે એવી થાય. બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા. મનુ અને શતરૂપાએ નીચે આવી જોયું તો પૃથ્વી હતી નહીં. હિરણ્યાક્ષ નામના રાક્ષસે પૃથ્વીને પોતાની દાઢમાં રાખી છે. કોઇ તેની પાસે ટકી શકતું નથી. બ્રહ્માજીએ ઇશ્વરને પૃથ્વીના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી, ભગવાને વરાહ રૂપ ધારણ કરી હિરણ્યાક્ષને મારી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ મનુ અને શતરૂપા પૃથ્વી પર પતિપત્ની તરીકે આવ્યા. તેઓને આહુતિ, દેવહુતિ અને પ્રસૂતિ એમ ત્રણ દીકરીઓ અને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એમ બે દીકરાઓ થયા.

શુકદેવજી કહે, હે પરીક્ષિત ! આ હિરણ્યાક્ષ રાક્ષસ કોણ હતો તેની કથા હવે હું તમને કહું છું તે સાંભળો.

ગંગાકિનારે ઋષિ કશ્યપ રહેતા હતા. તેમને બે પત્ની હતી. દિતિ અને અદિતિ. એક સાંજે કશ્યપ ગંગાસ્નાન કરી સંધ્યા કરતા હતા . તેમની પત્ની દિતિ સોળ શણગાર સજી પતિ કશ્યપ જ્યાં સંધ્યા કરતા હતા ત્યાં આવ્યા. ઋષિએ દિતિને પૂછ્યું અહીં કેમ આવ્યા છો? દિતિએ જવાબ આપ્યો સંસાર સુખની માગણી કરવા આવી છું.અત્યારે મારો ઇશ્વરસ્મરણનો સમય છે ત્યારે આવો ખરાબ ભાવ ઋષિપત્ની ! તમારામાં કેમ જન્મ્યો? કશ્યપે પૂછ્યું. કશ્યપે દિતિને સમજાવવા ઘણી કોશિશ્અ કરી, પણ વ્યર્થ. કશ્યપ દિતિ સાથે સંસારસુખમાં જોડાયા. સંધ્યાટાણે મેં અને તે પાપ કર્યું છે. બે દીકરાનો જન્મ થશે, રાક્ષસ થશે. દિતિએ આ સાંભળી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. પોતાની ભૂલ માટે માફી માગી. કશ્યપે કહ્યું, ઘટનામાં કોઇ ફેરફાર નહીં થાય, પણ તારા બે રાક્ષસ દીકરાના ઉદ્ધાર માટે ખુદ ઇશ્વર આવશે અને કુળનો ઉદ્ધાર થશે.

દિતિએ પોતાના તપના બળથી બે વર્ષ ગર્ભને પેટમાં સાચવી રાખ્યો. બેવર્ષે દિતેને બે રાક્ષસ બાળકો જન્મ્યાં. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષનો ભગવાને વરાહ રૂપ ધારણ કરી ઉદ્ધાર કર્યો.

વિદુરજીએ મૈત્રેય ઋષિને પૂછ્યું, ઋષિ કશ્યપને ત્યાં રાક્ષસો કેમ જન્મ્યા?મૈત્રેય ઋષિએ જવાબ આપ્યો. મૈત્રેય ઋષિએ જવાબ આપ્યો, એક વખાત સનતકુમારો વૈકુંઠમાં ભગવાનનાં દર્શને આવ્યા. વૈકુંઠના છ દરવાજામાંથી પસાર થયા બાદ સાતમે દરવાજે ભગવાનનાં છડીદાર જય અને વિજય ઊભા હતા. તેઓએ સનતકુમારોને વૈકુંઠમાં અંદર જતા અટકાવ્યા. સનતકુમારોએ તેમને શાપ આપ્યો, તમારો ત્રણ જન્મ સુધી રાક્ષસ યોનિમાં જન્મ થશે. શાપ સાંભળતાંની સાથે ભગવાન ત્યાં આવ્યા. સનતકુમારોએ ભગવાનની માફી માગી. અમે તમારા છડીદારોને શાપ આપ્યો છે. ક્ષમા કરો. ભગવાને કહ્યું,જય-વિજયને મેં સત્તા આપી છે. ભૂલ મારી છે. મેં તમને રોક્યા છે. હું ગુનેગાર છું.

ભગવાને જય-વિજયને  કહ્યું મારા  અતિથિનું તમે અપમાન કર્યું છે. સનતકુમારોના શાપને કારણે પહેલાં જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ  લોભના સ્વરૂપે જન્મ લેશો. બીજા જન્મમાં કામના સ્વરૂપે રાવણ અને કુંભકર્ણ થશો અને ત્રીજા જન્મમાં ક્રોધના સ્વરૂપે શિશુપાલ અને દંતવક્ર થશો.

જય-વિજય ભગવાનને પગે લાગી પહેલો રાક્ષસ અવતાર   હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો લીધો. હિરણ્યાક્ષનો વરાહ સ્વરૂપે ભગવાને સંહાર કર્યો. પૃથ્વીને તેની દાઢમાંથી મુક્ત કરી, સ્થિર કરી. મનુ અને શતરૂપાને સૃષ્ટિસર્જન  અર્થે પૃથ્વી પર મોકલ્યા. ત્રણ દીકરી અને બે દીકરા થયા. સમય વીતતો ચાલ્યો. દીકરીઓ મોટી થઇ. એક દિવસ નારદજી મનુ પાસે આવ્યા. મનુએ નારદજીને કહ્યું, અમારી દીકરીઓ માટે યોગ્ય મુરતિયા શોધી આપો. દીકરીઓ ઉંમરલાયક થઇ છે.નારદજી કહે,ભલે.

નારદજીને ઉત્તમ કુળના બ્રાહ્મણ કર્દમની જાણ થઇ. પચ્ચીસ વર્ષ વિદ્યાભ્યાસ કર્યા બાદ નક્કી કર્યું કે લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો. કર્દમની ઇક્ક્ષ્હ્છા એવી હતી કે પત્ની એવી મળે કે જીવન સુખમય જાય. કર્દમે ઇશ્વરની આરાધના કરવા માંડી, તપ કરવા લાગ્યા. કેટલાક સમય પછી ભગવાન કર્દમ પાસે આવ્યા. કર્દમે ભગવાનને દંડવત્ પ્રણામ કર્યા.ભ્ગવાને કર્દમને વરદાન માગવા કહ્યું. કર્દમે પત્ની માંગી, સુંદર પુત્ર માંગ્યો.ભગવાને પૂછ્યું, કર્દમ પત્ની કેમ માગે છે? મોક્ષ માગ. કર્દમે ભગવાનને કહ્યું,માનવીના મનમાં હજારો જન્મની કામવાસના સૂતેલી હોય છે. વૃદ્ધાવસ્થામાંય માનવીનું મન ચળી જાય છે. હે ભગવાન ! મારા તપમાં કાંઇ ખામી છે? કર્દમે ભગવાનને કહ્યું,ચ્યવન ઋષિ બ્રહ્મચારી હતા. આકરૂં તપ કરતાં કરતાં તેના શરીર પર ધૂળના રાફડા થઇ ગયા. રાફડામાંથી તેમની ફક્ત બે આંખો દેખાતી હતી. એક દિવસ શર્યાતિ રાજાની સોળ વર્ષની દીકરી રમતી રમતી જ્યાં ચ્યવન ઋષિ તપ કરતા હતા ત્યાં આવી. તેણીએ રાફડામાંથી ફક્ત બે આંખો જોઇ. જીવડાં માની બે દર્ભની સળી આંખોમાં ભોંકી દીધી. ઋષિ ગુસ્સે થઇ ગયા . રાજા શર્યાતિએ ઋષિની માફી માગી. ચ્યવનર્‍ષિએ કહ્યું,તારી દીકરીને મારી સાથે પરણાવ તો હું ક્ષમા કરૂં. દીકરીએ કહ્યું,બરાબર છે. મારા કર્મની સજા મારે ભોગવવી જ જોઇએ. શર્યાતિ રાજાએ 90 વર્ષના ચ્યવન ઋષિ સાથે પોતાની 16 વર્ષની દીકરીનાં લગ્ન કર્યા.

ચ્યવન ઋષિને નેવું વર્ષની ઉંમરે કામના જાગી પણ શરીર શિથિલ થઇ ગયું હતું. ઋષિએ અશ્વિનીકુમારને શિથિલતા દૂર કરવા બોલાવ્યા. અશ્વિનીકુમાર પ્રખર વૈદું જાણતા હતા.અશ્વિનીકુમારે ચ્યવન ઋષિને કાયાકલ્પનો પ્રયોગ કરાવ્યો. પરિણામે નેવું વર્ષની ઉંમરે ચ્યવન ઋષિએ પચ્ચીસ વર્ષના યુવાન જેવું શરીર પ્રાપ્ત કર્યું અને સંસારસુખમાં જોડાયા. નેવું વર્ષે ઋષિમાં કામવાસના જાગી. હું તો યુવાન માનવી છું. જન્મજાત વૃત્તિઓને યોગ્ય રીતે સંતોષવાથી વિકૃતિ પેદા નથી થતી. હે ભગવાન! મારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો છે. મને યોગ્ય પત્ની અને પુત્ર મળે તેવા આશીર્વાદ આપો. ભગવાને કહ્યું, હે કર્દમ ! તારી પાસે મનુ અને શતરૂપા આવશે,. તેની ત્રણ દીકરીઓમાંથી દેવહૂતિ કન્યા તને આપશે. તને નવ દીકરી અને એક દીકરો થશે. કર્દમે કહ્યું, તમે મારે ત્યાં દીકરા તરીકે આવો.   ભગવાન કહે, હું બંધાતો નથી કે હું તારે ત્યાં જન્મ લઉં. કર્દમે ભગવાનને પ્રણામ કર્યા. ભગવાન ત્યાંથી જવા નીકળ્યા.કર્દમને વિચાર આવ્યો, હું કેવો સ્વાર્થી ! મારી પાસે ભગવાન આવ્યા. વરદાન આપવા છતાં પણ મેં તેમને કાંઇ ન આપ્યું. પાસે જ ચણોઠીનું ઝાડ હતું. ચણોઠી ચૂંટી પોતાની લંગોટીના તાંતણામાં પરોવી માળા કરી દોડતાં દોડતાં ભગવાનને ચણોઠીની માળા ભેટમાં આપી. ભગવાનને કર્દમે કહ્યું,ભગવાન, આ માળા હમણાં ન પહેરતા, કૃષ્ણાવતારમાં પહેરજો.

નારદજી મનુ અને શતરૂપા પાસે આવ્યા. યુવાન બ્રાહ્મણ કર્દમની વાત કરી. મનુ અને શતરૂપા પોતાની લાડકી દીકરીને લઇ રથમાં બેસી કર્દમના આશ્રમ પાસે આવ્યા. રથમાંથી ઊતરી ધીમે ધીમે આશ્રમમાં દાખલ થયા. આશ્રમમાં જઇ એક ઋષિને પૂછ્યું,કૃપા કરી કર્દમ ઋષિ ક્યાં છે બતાવશો? મનુ શતરૂપા દેવહૂતિને લઇ કર્દમ પાસે આવ્યા. કર્દમે બધાને આવકાર આપ્યો. ત્રણ આસન લઇ આવી બધાને બેસવાકહ્યું. મનુ અને શતરૂપા આસન પર બેઠા. દેવહૂતિએ પોતાનું  આસન સંકેલી ગોઠણ નીચે મૂક્યુંકર્દમે બધાને પાણી આપ્યું. દેવહૂતિ પાણીનાં પાત્રો અંદર મૂકી આવી. મનુએ કર્દમને વિનંતી કરી, હે કર્દમ ! મારી આ દીકરીનો તમે સ્વીકાર કરો. દેવહૂતિએ સંમતિ આપી. ઘણી ધામધૂમથી  મનુએ દીકરી દેવહૂતિનાં કર્દમ સાથે લગ્ન કર્યા. કર્દમ લગ્નની રાત્રે અગિયાર વાગે લગ્નનાં કપડાં ઉતારી એક વસ્ત્ર પહેરી એક આસન પર બેસી તપ કરવા લાગી ગયા. દેવહૂતિ પણ અલંકાર ઉતારી સાદા વસ્ત્ર ધારણ કરવા લાગી. પતિપત્ની મૌન ધારણ કરી ઇશ્વરઆરાધના  કરવા લાગ્યા. યુવાનીમાં વિષયસૂગ ન આવે તો ભક્તિ ફળતી નથી. યુવાનીનાં બાર વર્ષ કર્દમ અને દેવહૂતિએ આકરી તપશ્ચર્યા કરી. એક દિવસ સવારના પહોરમાં એક નેવું વર્ષના ઋષિ કર્દમને ઘેર આવ્યા. કર્દમને પ્રણામ કર્યા. ઋષિએ કહ્યું મારા પૌત્રનાં લગ્ન છે. મારી ઇચ્છા છે કે નવદંપતિ આપને પ્રણામ કરે. આપ ન આવો તો હું તેઓને અહીં લાવું. કર્દમે ઋષિના આમંત્રણનો સ્વીકાર કર્યો. લગ્નનો દિવસ આવ્યો એટલે કર્દમ અને દેવહૂતિએ ગૃહસ્થીનાં કપડાં પહેર્યા અને લગ્નમાં ગયા. લગ્ન થઇ ગયા એટલે નવદંપતિને આશીર્વાદ આપ્યા.

તે દિવસે સાંજે તપ કરતાં પહેલાં કર્દમે દેવહૂતિને કહ્યું,હવે આપણે મૌન વ્રત છોડીને બોલવાનું ચાલુ કરીએ. મારી ઇચ્છા છે કે બોલવાની શરૂઆત તું કર. તું પૂછ અને હું તને જવાબ આપું. દેવહૂતિએ પૂછ્યું, આપણે આજે લગ્નસમારંભમાં ગયા હતા,. મને લગ્નનો અર્થ સમજાવો. કર્દમે કહ્યું, આપણી તપની અવધિ  પૂરી થઇ છે. તમે બિંદુ સરોવરમાં સ્નાન કરી તૈયાર થઇ આવો. દેવહૂતિ તૈયાર થઇને આવ્યા એટલે કર્દમ અને દેવહૂતિ બન્ને વિમાનમાં બેસી ફરવા નીકળ્યા. ગૃહસ્થાશ્રમમાં જોડાયા. દેવહૂતિએ એક પછી એક એમ નવ દીકરીઓને જન્મ આપ્યો. દેવહૂતિએ કર્દમને કહ્યું, દીકરીઓમાં માના સદ્ ગુણો ઊતરે છે. પિતાના જ્ઞાનનો વિસ્તાર પુત્ર દ્વારા થાય છે. મારે એક પુત્રની ઇચ્છા છે. મારા માતાપિતાને કહેલું કે એક પુત્રસુખ પર્યંત આપ સંસાર ભોગવશો. દેવહૂતિ સગર્ભા બન્યા. કર્દમે પરમાત્માને પ્રાર્થના કરી કે, હે ભગવાન ! એક દીકરો અમને આપો, જેથી અમારો ઉદ્ધાર થાય. કેટલાક સમય પછી ભાદરવા સુદ છઠને દિવસે દેવહૂતિએ દીકરાને જન્મ આપ્યો. કપિલ ભગવાનના રૂપમાં ઇશ્વરે અવતાર લીધો. કર્દમ અને દેવહૂતિએ ત્યારબાદ સમગ્ર જીવન પ્રભુભક્તિમાં પરોવી દીધું. દીકરા કપિલને જનોઇ આપી. કપિલે પિતાને કહ્યું,મારી નવ બહેનોનાં લગ્ન કરો. હું જવતલ હોમું પછી તમે તપ કરવા જાવ. તમારી ફરજ પૂરી થાય છે. મારી માતા અહીં જ રહેશે. મારી માતાને હું મારું અખંડ જ્ઞાન આપીશ.

કર્દમે સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી, તારી માતા સાથે હું પણ સાંભળું.કપિલે પિતાને ના કહી. મારી માતાનો અધિકાર વધુ છે. મારી માતાએ સતત બાર વર્ષ સુધી મારામાં ચિત્ત પરોવી રાખ્યું છે. સતત એક ચિત્તે ઇશ્વરઆરાધના કરી છે.

નવ દીકરીઓનાં લગ્ન કરાવી કર્દમ ઋષિ તપ કરવા ચાલ્યા ગયા.

કપિલ ભગવાન માતા દેવહૂતિને જ્ઞાન આપે છે. દેવહૂતિને સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન આપ્યું. કપિલે દેવહૂતિને કહ્યું,જીવનની ગતિ કઇ રીતે થાય તે હું તમને કહીશ. દેવહૂતિએ કપિલને પ્રશ્ન પૂછ્યો, ભગવાનપ્રાપ્તિ માટે માનવે શું કરવું? ભગવાન કપિલે કહ્યું, સૌ પ્રથમ ભગવાનના જમણા ચરણથી શરૂ કરી મુખારવિંદ સુધી લઇ જઇ ધ્યાન ધરવું. સ્વભાવને મધુર રાખવો. શાંત મન રાખી ઇશ્વરમાં ચિત્ત પરોવવું. કપિલે કહ્યું, વહેલી સવારે તમારા આરાધ્ય દેવનું ધ્યાન ધરવું. ધ્યાન ધરતાં ઇન્દ્રિય શુદ્ધ હોવી જરૂરી છે. મન એકાગ્ર કરી, અંત:કરણ શુદ્ધ કરી ભક્તિભાવપૂર્વક ઇશ્વરનુ6 ધ્યાન ધરી આરાધના કરવી. દેવહૂતિએ કપિલને પૂછ્યું, માનવ જન્મ કેમ થાય ? કપિલે કહ્યું, સ્ત્રીપુરુષ સંસારમાં જોડાય, પાંચમા મહિને ગર્ભને ક્ષુધા અને તૃષા લાગે છે. સાતમા મહિને ગર્ભમાં જીવ આવે છે. જીવ 100 દિવસ ઇશ્વરને ગર્ભમાં તહ્તી પીડામાંથી છોડાવવા  પ્રાર્થના કરે છે. દસમા મહિનાના દસ દિવસે 100 વર્ષના આયુષ્ય સાથે જીવ જન્મ લે છે. પોતાના કર્મ પ્રમાણે જીવન વિતાવે છે. કપિલે દેવહૂતિને કહ્યું, મા દેવહૂતિ, જ્ઞાનને પચાવી શકે તેવાં તમે એક જ છો, ઘણા સમયથી હું માનવ જન્મ લેવાની ઇચ્છા રાખતો હતો. હું તમારે ઘરે આવ્યો. હું તમારો દીકરો છું. મારે તમને કાંઇક આપવુ6 જોઇએ. મેં તમને જ્ઞાન આપ્યું. કપિલે ઊભા થઇ માતાને દંડવત્ પ્રણામ કર્યા, મા હવે હું રજા લઉં? કપિલ ઊભા થયા. બન્નેની આંખમાંથી અશ્રુબિંદુ પડવા લાગ્યા. જ્યાં અશ્રુબિંદુ પડ્યા તેને બિંદુસરોવર મનાય છે. કપિલ ભગવાન ગયા પછી દેવહૂતિ પોતાનો કેશકલાપ છૂટ્ટો મૂકી જરૂરી કપડાં પહેરી ઇશ્વર આરાધના કરવા બેસી ગયા. કાળે કરી દેવહૂતિનું શરીર શાંત થયું.

કપિલ ભગવાન માતાને જ્ઞાન આપી ગંગાસાગર ગયેલા. ત્યાં તેમને પોતાની માતાનાં મૃત્યુનાસમાચાર મળ્યા. ત્યાં કપિલે માતાનું શ્રાદ્ધ કર્યું.શુકદેવજી કહે, હે પરીક્ષિત, મનુ અને શતરૂપાએ બાળકોને કહેલું જીવન કૃતકૃત્ય કરજો. જે દેવહૂતિએ કરી બતાવ્યું. પરીક્ષિતે શુકદેવજીને પૂછ્યું,ઇશ્વરપ્રાપ્તિ માટે શું કરવું જોઇએ? શુકદેવજી કહે, સૌ પ્રથમ માણસે સ્વભાવને જીતવો જોઇએ. ચિત્ત શુદ્ધ કરી ભગવત સેવામાં મન પરોવવું જોઇએ. ભગવાનની સેવા ત્રણ પ્રકારની છે.1. તનુજા 2.વિત્તજા 3.માનસી. માણસે પોતાને જે પ્રકાર અનુકૂળ લાગે તે પ્રમાણે ભગવતસેવા કરવી. ભગવાનની ભક્તિમાં પ્રેમ રાખવો. ઇશ્વરનું ધ્યાન ધરવા કોશિશ કરવી. ભગવતપ્રાપ્તિ માટે કોશિશ કરવી.

==========================================================

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 592,292 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: