રણમાં મીઠી વીરડી સમો ભાઇચારો //મઝહબ હમેં સિખાતા આપસમેં પ્યાર કરના //ડૉ.મહેબૂબ દેસાઇ

MAJHAB

રણમાં મીઠી વીરડી સમો ભાઇચારો

મઝહબ હમેં સિખાતા આપસમેં પ્યાર કરના //ડૉ.મહેબૂબ દેસાઇ/યજ્ઞ પ્રકાશન

ભાવનગરની સંસ્કારિતાને છેલ્લા ત્રણેક દિવસથી લૂણો લાગવા માંડ્યો છે. જે ભાવનગરમાં નારેશ્વરના મંદિરની આરતી અને જુમ્મા મસ્જિદની મગરીબની અઝાન આંબાચોકમાં મિશ્ર લયથી સુમધુર સંગીત સર્જતાં હતાં, તે જ ભાવનગરમાં કોમી એખલાસને જડમૂળમાંથી ઉખેડવાના ઢળક બનાવો બન્યા. તેની વચ્ચે ક્યાંક ક્યાંક હજુ આશાનું કિરણ પ્રગટી ઊઠે છે.ગોધરાના જંગલી અને અમાનુષી બનાવ પછી વ્યાપેલ રોષનો ભોગ છેલ્લા ત્રણેક દિવસથી ભાવનગરની લાચાર ગરીબ પ્રજા બની રહી છે, એવા સમયે ભાવનગરના કોઇક કોઇક વિસ્તારમાં કોમી એખલસની જ્યોત દેખાઇ આવે છે.

એ દિવસે રાત્રે નવેક વાગ્યે પ્રભુદાસ તળાવના; ‘સુકૂન’નામના મારા મકાનમાં ભયભીત હ્રદયે હું મારા કુટુંબને આવી રહેલા અમાનુષી ટોળામાંથી કેમ બચાવવું એની ચિંતામાં પરસાળમાં આંટા મારી રહ્યો હતો. બરાબર એ જ સમયે મારા મકાનથી માત્ર દસબાર ઘર દૂર ચોકમાં અમાનુષી માનવસમૂહ એક પછી એક દુકાનો સળગાવી રહ્યો હતો. એ ટોળાને ન તો કોઇ ધર્મ હતો, ન તો કોઇ મજહબ . એ તો માત્ર જંગલિયત યુગમાં વિચરતો માનવસમૂહ હતો. મારી આંખો સામે જ થોડે દૂર સર્જાતા આવા અગ્નિકુંડથી મારું હ્રદય ધબકારા ચૂકી જતું હતું.મારી ચૌદ વર્ષની પુત્રી કરિશ્મા આ દ્રશ્ય જોઇ ભયભીત ચહેરે રડતી હતી. મારી પત્ની સાબેરા અલ્લાહને યાદ કરવા તસબીહ(માળા) ફેરવતી હતી. બરાબર એ જ સમયે એક યુવાન ખુલ્લી તલવાર સાથે મારા ઝાંપામાં પ્રવેશ્યો. તેની સાથે એક કદાવર પુરુષ પણ હતો. એક પળ તો મારું હ્રદય થંભી ગયું. મેં એ યુવાન સામે ભયભીત અને લાચાર ચહેરે જોયું. મારી પાસે આવી તેણે એક પળ મરી લાચાર આંખોમાં ડોકિયું કર્યું. પછી ખુલ્લી તલવારવાળો હાથ ઊંચો કર્યો અને તેની સાથે બીજા હાથને જોડી નમસ્કાર કરતાં એ બોલ્યો,

મારું નામ કિશોરસિંહ છે. હું બહાદુરસિંહજી વાઘેલાનો ભાઇ છું. મોટા ભાઇએ મને મોકલ્યો છે. તમે બધાં તમારું મકાન બંધ કરી અમારે ત્યાં ચાલો.

પ્રભુદાસ તળાવના આગેવાન બહાદુરસિંહજી વાઘેલાના નામ અને દિલદાર સ્વભાવની મેં ઘણી વાતો સાંભળી હતી એટલે વધુ કંઇ વિચાર કર્યા વગર ડરના માર્યા સતત રડતી પુત્રીને સાંત્વન આપતાં મેં મારી પત્ની સાબેરાને ઘર બંધ કરવા કહ્યું. મારાં લકવાગ્રસ્ત માના રૂમમાં જઇ તેમને મેં બંને હાથોથી ઉપાડ્યાં. અને હું દરવાજા પર આવ્યો. હાથમાંની ખુલ્લી તલવારને બાજુ પર મૂકી કિશોરસિંહ તુરત મારા હાથમાંથી માને લઇ લીધાં. એ સમયે મેં તેમની આંખોમાં તલવારની ધાર સમી માનવતા નિહાળી ! મારા ઘરના પાર્કિંગમાં પડેલી મારુતિમાં તેણે માને ગોઠવ્યાં. પછી તેની સાથે આવેલા સાથીને કહ્યું,

કાર સીધી સ્વામીનારાયણબંગલામાં લઇ જાવ.

ઘર બંધ કરી અમે રસ્તા પર આવ્યાં. મારી પુત્રી હજુ ડરની મારી ધ્રૂજતી હતી, સામેના અમાનુષી ટોળાથી સુરક્ષા કાજે ઉપાડેલી ખુલ્લી તલવાર પકડેલો હાથ કિશોરસિંહે કરિશ્માને માથે મૂક્યો અને બોલ્યો,

બેટા, તું ભાઇના ઘરે જઇ રહી છે. જરા પણ ડરીશ નહિ.

અને સામેના બસો-ત્રણસો માણસોના ટોળાને પોતાની તલવારથી ડારતો હોય તેમ તે અમારી આગળ ચાલ્યો. મારા ઘરથી તેના બંગલા સુધીનો લગભગ બસો કદમોનો એ ફાસલો મારા જીવનનો લાંબો પથ હતો. એકાદ મિનિટમાં જ અમે સ્વામીનારાયણ બંગલામાં પ્રવેશી  ગયાં. અને પડીકે બંધાયેલો અમારો જીવ મોકળો થયો. પછે તો બહાદુરસિંહજી અને તેમના આખા કુટુંબે એક રાત્રીના અમારા એ રોકાણ દરમિયાન મહોબ્બ્તનો જે ધોધ વરસાવ્યો તે અદ્ ભુત હતો !સવારે ફઝર(સવાર)ની નમાઝ પઢી જ્યારે હું મારા કુટુંબને મારા ઘરે લઇ જવા બહાદુરસિંહજીની રજા લેવા ગયો ત્યારે ખુલ્લા ડિલે પૂજાની થાળી લઇ તેઓ પૂજા કરવા જતા હતા. મેં બે હાથ જોડી તેમને કહ્યું,

આપે જે રીતે અમને સાચવ્યાં છે તેનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી.

ચહેરા પર નિર્દોષ સ્મિત પાથરતા બહાદુરસિંહજી બોલ્યા,

મહેબૂબભાઇ, હુલ્લડો તો આજે છે અને કાલ નથી. આપણે તો પાડોશી તરીકે આખી જિંદગી સાથે રહેવાનું છે. તમ તમારે ચિંતા કર્યા વગર જાવ. આ વિસ્તારમાં તમારા કુટુંબ અને ઘર સલામત છે અને રહેશે.

હું એ માનવતાના ચહેરાની તેજ-રેખાઓમાં માનવતાની જ્યોત જોઇ રહ્યો. કદાચ એ જ્યોત પુન: મશાલ બની આજે દૂષિત થયેલા સમાજમાં પુન: એખલાસ પ્રસરાવશે, એવા ઉદ્ ગારો મારા મનમાં ઊભરી આવ્યા. અને મેં મારા કુટુંબ સાથે ઘર તરફ કદમો માંડ્યાં.

=====================================================

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,863 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: