ગીતા-આચમન // સંકલન: ડૉ.કે.સી.ભટ્ટ/શકિલમ્ ફાઉંડેશન,મુંબઇ

GAACH- BAAVISH

ગીતા-આચમન

સંકલન: ડૉ.કે.સી.ભટ્ટ/શકિલમ્ ફાઉંડેશન,મુંબઇ

(22) યજ્ઞ-દાન-તપના ત્રણ પ્રકાર

યજ્ઞ, તપ અને દાન ભારતીય સંસ્કૃતિના ખૂબ અગત્યના પાયા છે. ત્યાગી સંન્યાસી માટે પણ આ કર્મ આવશ્યક ગણાય છે, સંસારી-ગૃહસ્થીજન પણ આ ત્રણને જીવનમાં ઉતારી કર્મબંધનથી છૂટી શકે છે. ગીતામાં કહેવાયું છે કે…

 

યજ્ઞદાનતપ: કર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ .

યજ્ઞોદાનંતપશ્ચૈવ પવનાનિ મનીષિણામ (18:05)

 

યજ્ઞ-દાન-તપો કેરાં કર્મો ન ત્યજવાં ઘટે,

અવશ્ય કરવાં, તે તો કરે પાવન સુજ્ઞને.(18:05)

શાસ્ત્રવિહિત યજ્ઞો, સુપાત્રને દાન તથા ધર્માચરણ માટે શારીરિક, માનસિક અને વાચિક તપ જેવાં કર્મોનો વિવેકી પુરુષોએ, સુજ્ઞજનોએ ત્યાગ કરવો યોગ્ય નથી, કારણકે આ બધાં કર્મો મનુષ્યને પવિત્ર કરનારાં છે. યજ્ઞાદિ કર્મો, ત્યાગભાવનાથી કરેલાં કર્મો  પૂર્વજન્મનાં પાપોની નિવૃત્તિ કરે છે. આત્મજ્ઞાનની ઉન્નતિ માટે કારણરૂપ બને છે. અંત:કરણની શુદ્ધિ માટે પણ ઉપયોગી થઇ પડે છે. આપણાં શાસ્ત્રો કહે છે કે વિવેકી પુરુષે યમ, નિયમ, યજ્ઞ, તપ, દાન અને સ્વાધ્યાય કદી ત્યજવાં નહીં કારણ કે તેનાથી ચિત્તશુદ્ધિનું ફળ મળે છે. મુક્તિનો માર્ગ સરળ બને છે. ગીતા ભારપૂર્વક કહે છે કે આ બધાં કર્મો અવશ્ય કરવાં પણ તેના ફળ માટે કોઇપણ પ્રકારની આસક્તિ રાખવી નહીં. ભગવાન સ્પષ્ટ કરે છે કે આ યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ પ્રકારનાં છે… સાત્ત્વિક, રાજસિક અને તામસિક. આ ત્રણે પ્રકારનાં કર્મોનું વિગતવાર વર્ણન કરતાં ગીતામાં જણાવાયું છે કે…

અફ્લાકડિક્ષભિર્યજ્ઞો વિધિદ્રષ્ટો ય ઇજ્યતે

યષ્ટવ્યમેવેતિ મન: સમાધાય સ સાત્ત્વિક: (17:11)

 

ન રાખી ફળની આશા, ધર્મ યજ્ઞે જ જાણતા,

સ્થિર ચિત્તે થતો યજ્ઞ, વિધિપૂર્વક સાત્ત્વિક (17:11)

++સાત્ત્વિક યજ્ઞ

જે યજ્ઞ માત્ર કર્તવ્ય-ભાવનાથી જ થાય, યજ્ઞકર્મ પોતાનો સ્વધર્મ છે એમ માનીને થાય, જે યજ્ઞ શાસ્ત્રવિધિ પ્રમાણે તથા સ્થિરચિત્તથી થાય અને જે યજ્ઞ કર્મ પાછળ કોઇપણ પ્રકારના ફળની આકાંક્ષા ન હોય તેવ યજ્ઞને સાત્ત્વિક યજ્ઞ જાણવો. યજ્ઞ સમયે મનની શાંતિ જળવાઇ રહે, મન અસ્વસ્થ ન રહે તે ખૂબ જ આવશ્યક છે.

++ રાજસિક યજ્ઞ

અધિક ભૌતિક સુખની અપેક્ષાથી, કોઇ મનવાંછિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે તથા સમાજમાં ધર્માત્મા હોવાનો દેખાડો કરવાના દંભ માત્રથી જે યજ્ઞ થાય છે તે રાજસ યજ્ઞ કહેવાય. યજ્ઞમાં ત્યાગભાવના મુખ્ય છે, તેથી કામના પૂર્ણ કરવા કે ઇચ્છિત ફળ મેળવવા કરેલો યજ્ઞ રાજસિક યજ્ઞ બની જશે.પોતે ધાર્મિક છે કે બીજા કરતાં ચડિયાતો છે તેવો આભાસ ઊભો કરવા માટે પણ યજ્ઞ ન કરવા, તેમાં અહમ્ પોષાય છે અને કર્મબંધન જોડાય છે.

++ તામસિક યજ્ઞ

જે યજ્ઞો શાસ્ત્રોએ દર્શાવેલી વિધિ વિનાના છે કે શાસ્ત્રોની આજ્ઞા વિરુદ્ધના છે, જે યજ્ઞોમાં યથાયોગ્ય મંત્રો ઉચ્ચરાતા નથી, જેમાં યાજ્ઞિકને, બ્રાહ્મણને તથા જેમને જરૂરિયાત છે તેવા લોકોને અન્ન-વસ્ત્ર-દ્રવ્યાદિનું દાન કરવામાં આવતું નથી અથવા તુચ્છ્કારભરી ભાવનાથી અપાય છે, જ્યાં યજ્ઞભાવનાને બદલે અહંકાર છે તથા જે યજ્ઞમાં દેવો પ્રત્યે, શાસ્ત્રો પ્રત્યે, કે ધર્મપ્રત્યે શ્રદ્ધા નથી તે યજ્ઞ તામસી યજ્ઞ ગણવા. ભારતીય સંસ્કૃતિમાં દાન-દક્ષિણા વિશેષ શબ્દપ્રયોગ છે. જે દાન સ્વીકારે છે, તેના પ્રત્યે અનુગ્રહનો ભાવ પ્રગટ કરવા, તેના પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરવા દાન પછી દક્ષિણા રૂપે પણ કાંઇક અપાય છે. બ્રહ્મભોજન પછી કે ભિક્ષુભોજન પછી આજે પણ દક્ષિણા આપવાનો રિવાજ છે. યજ્ઞ કર્મ પછી તો અવશ્ય દક્ષિણા આપવી તેવી શાસ્ત્રોની આજ્ઞા છે. જે યજ્ઞો દક્ષિણારહિત છે તે તામસી યજ્ઞો ગણાય છે.

ગીતામાં તપ પણ ત્રણ પ્રકારનાં ગણાવ્યાં છે અને કહ્યું છે…

દેવદ્વિજ્સ્ગુરુપ્રાજ્ઞપૂજનમ્ શૌચમાર્જવમ્

બ્રહ્મચર્યમહિંસા ચ શારીરં તપ ઉચ્યતે (17:14)

દેવ-દ્વિજ-ગુરુ- જ્ઞાની તેની પૂજા, પવિત્રતા,

બ્રહ્મચર્ય, અહિંસા ને ઋજુતા દેહનું તપ (17:14)

દેહનું તપ

બ્રહ્મા-વિષ્ણુ-શિવ, સૂર્ય, ઇન્દ્ર, દુર્ગા આદિ દેવતાઓનું પૂજન, સદાચારી અને ધર્મભાવનાવાળા બ્રાહ્મણોનું પૂજન, જન્મદાતા માતાપિતાની સેવા, જ્ઞાન પ્રદાન કરનાર ગુરુજનોનું સન્માન, વડીલોને આદર, ધર્મશાસ્ત્રો અને વેદોના પંડિતોનો આદર, આ બધા શ્રદ્ધેય જનોની સેવા, શુશ્રૂષા આદિ કર્મોને શરીરનું તપ ગણવું. તે ઉપરાંત પણ શરીરના તપમાં નીચે દર્શાવેલાં કેટલાંક વ્રતો પણ આવશ્યક છે…

  1. 1.  પવિત્રતા

શરીર અને મનની શુદ્ધિ, સ્વચ્છ તન-મન-વસ્ત્ર, આચાર-વિચારોમાં સ્વચ્છતા અને સ્વચ્છ વ્યવહાર . આંતરિક અને બાહ્ય શુદ્ધિ.

2. સરળતા—હ્રદયનું સાલસપણું, છળ-કપટનો સંપૂર્ણ અભાવ, બીજા પ્રત્યે દ્વેષ-નિંદા આદિનો અભાવ, મન-વચન-આચરણની એકરૂપતા.

3. બ્રહ્મચર્ય- બ્રહ્મચર્ય વ્રતનું પાલન, અતિસંયમિત જીવન, ભોગવૃત્તિનો ત્યાગ,(આત્મબળ, શારીરિક શક્તિ, ચહેરાની કાંતિ, મનની શાંતિ તથા તીવ્ર સ્મૃતિ માટે આવશ્યક ઉપાય બ્રહ્મચર્ય જ ગણાય છે. )

4. અહિંસા—મન-વાણી—વર્તન વડે કોઇને પીડા ન પહોંચાડવી તે. જીવહિંસાનો અભાવ. કોઇનો જીવ ન દૂભવાની વૃત્તિ, ક્ષમા અને કરુણા જીવનનો આદર્શ.

આ ઉપરાંત પણ આપણાં શાસ્ત્રોએ શરીરના તપમાં અપરિગ્રહ, અસ્તેય આદિ વ્રતોનો સમાવેશ કરેલો છે જ. આ તપને દેહનું અથવા શારીરિક તપ પણ કહ્યું છે.કારણકે આ બધાં કાર્યો શરીર દ્વારા કરવામાં આવે છે અને શરીરનો કે ઇન્દ્રિયોનો સંયમ તેમાં અનિવાર્ય બને છે.

વાણીનું તપ—આ પૂર્વે આપણે જોયું છે કે શાસ્ત્રોએ સત્યભાષણ અંગે એક સૂચક આજ્ઞા કરી છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, સત્યમ્ બ્રૂયાત્ પ્રિયમ્ બ્રૂયાત્ ન બ્રૂયાત્ સત્યમપિ અપ્રિયમ્ .

સત્ય ને પ્રિય બોલવું, સત્ય હોય ને તે અપ્રિય હોય તો તેવું સત્ય ન બોલવું. ગીતામાં વાણીનું તપ નીચે મુજબ વર્ણવ્યું છે…

અનુદ્વેગકરં વાક્યં પ્રિયહિતં ચ યત

સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાંગ્મયં તપ ઉચ્યતે (17:15)

 

અખૂંચતું સત્ય મીઠું હિતનું વેણ બોલવું,

તથા સ્વાધ્યાય અભ્યાસ, વાણીનું તપ તે કહ્યું (17:15)

સાંભળનારને ખૂંચે નહીં તેવી વાણી, સત્ય બોલવું તે. બીજાના હિત માટે પણ કટુ વચન બોલવાને બદલે મીઠાશ થી બોલવું. હિતવચનો પણ કટુવચન ન બને તેની કાળજી રાખવી, જે પ્રકારનો અનુભવ થયો હોય તે પ્રકારનું કથન, શાસ્ત્રો દ્વારા પ્રમાણિત એવા અર્થો જ કરવા, વેદશાસ્ત્રનો અભ્યાસ અને તે પ્રમાણેની મધુર વાણીને વાચિક તપ અથવા વાણીનું તપ કહ્યું છે. અત્રે વાણી માટે ચાર વિશેષણો વપરાયાં છે.1. બીજાને ઉદ્વેગ ન કરનારી વાણી, 2. સત્ય વાણી, 3. પ્રિય વાણી અને 4. હિતકર વાણી. આ ચાર પ્રકારનાં વચનોમાંથી એકની ન્યૂનતા હોય તો પણ તે વાણીનું તપ બનતું નથી. તે ચારેય સાથે જ જાય. એમ થાય તો જ તે તપ કહેવાય. એમ કહેવાયું છે કે બોલતાં પહેલાં સાત વાર વિચાર કરવો, કારણકે એકવાર જે શબ્દો બોલાયા તે પાછા આવતા નથી. દેહના તપ કરતાં પણ વાણીનું તપ વધારે અઘરું છે.

++મનનું તપ

મનના તપ માટે ગીતામાં કહ્યું છે…

મન: પ્રસાદ: સૌમ્યત્વં મૌનમાત્મવિનિગ્રહ:

ભાવસંશુદ્ધિદરિયત્યેતત્તપો માનસમુચ્યતે (17:16)

આત્મનિગ્રહ ને મૌન, મન કેરી પ્રસન્નતા,

મૃદુતા, ભાવની શુદ્ધિ, મનનું તપ તે કહ્યું. (17:16)

1. મનની પ્રસન્નતા—રાગદ્વેષ રહિત મન જ પ્રસન્નતા અનુભવી શકે. જે મનમાં વિષયચિંતનનો અભાવ હોય તે જ મન પ્રસન્ન રહી શકે. ઇન્દ્રિયવિષયો પાછળ ભટકતું  મન ચંચળ રહે, અને પ્રસન્નતા એ ચંચળ મનનો સ્વભાવ નથી.

2. મૃદુતા—સૌમ્યભાવ. જેના અંત:કરણની વૃત્તિઓ શાંત હોય, જે આંતરિક શાંતિ અનુભવતો હોય તે જ પ્રસન્નતા પામી શકે છે. તેના મુખ ઉપર સૌમ્ય કે શાંતભાવ જણતો રહેશે. સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને સર્વનું હિત થાય એવી અંતરની ભાવના  મૃદુતા કે સૌમ્યભાવ માટે અતિ આવશ્યક ગણાય છે.

3. આત્મનિગ્રહ—મનનો નિગ્રહ કરી, મનને આત્મચિંતનમાં સ્થિર કરવાની સાધના . વિષય-ચિંતનની આસક્તિ હટે પછી જ આત્મચિંતનની પ્રક્રિયા શરૂ થાય છે.

  1. 4.  ભાવશુદ્ધિ—હ્રદયની શુદ્ધ ભાવનાનો ઉદય. જ્યારે કામ-ક્રોધ-લોભ-મોહાદિ મળથી મન નિવૃત્ત થાય ત્યારે જ ભાવશુદ્ધિ શક્ય બને. બીજા સાથેના વ્યવહારમાં સરળતા અને નિખાલસતા તે ભાવશુદ્ધિનું લક્ષણ ગણાય.

5. મૌન—આત્મામાં જ રત રહેનારો મુનિ. નિજાનંદમાં તૃપ્ત, મનના ચંચળ ચાળા પર પૂર્ણ અંકુશ ધરાવનારો, વાણી પર પૂર્ણ  કાબૂ રાખનારો, બીજા પ્રત્યેના વ્યવહારમાં ઉદાસીન, જીવન-મુક્ત તપસ્વી. સદા મનન-ચિંતનમાં રત. આ સર્વને  માનસ-તપ અથવા મનનું તપ કહે છે. આ દેહનું તપ, વાણીનું તપ અને મનના તપના ઉપરાંત પણ ગીતામાં બીજા ત્રણા પ્રકાર દર્શાવ્યા છે, જે નીચે મુજબ છે…

1. સાત્ત્વિક તપ- જે તપમાં ફળની આકાંક્ષા કે આસક્તિ ન હોય અને માત્ર કર્તવ્યકર્મ સમજીને જ તપ થતું રહે, પૂરી નિષ્ઠા તથા ખંતથી નિષ્કામભાવે જે તપ થતું રહે તે સાત્ત્વિક તપ ગણાય. વળી આ ત્રણેય તપો અખૂટ શ્રદ્ધાપૂર્વક થવાં જોઇએ, શાંત ચિત્તથી થવાં જોઇએ, પ્રસન્નચિત્તથી થવાં જોઇએ. આ રીતે થયેલા તપને શિષ્ટપુરુષો, યોગીજનો, સમાહિત ચિત્તવાળા મહાત્માઓ સાત્ત્વિક તપ કહે છે.

1.

2. રાજસિક તપ—જે તપ માત્ર દેખાવ માટે જ થાય, જે તપ પાછળનો હેતુ માત્ર તપ કરનારની વાહવાહ થાય તેટલો જ હોય, જે તપ દંભ અને પાખંડપૂર્વક કરવામાં આવે, જે તપ માત્ર પોતાની કીર્તિ વધારવા માટે જ થાય તે અનિશ્ચિત અને ક્ષણિક ફળ આપનારા તપને રાજસ તપ કહે છે. માત્ર દંભપૂર્વક પાદપ્રક્ષાલન થાય, હ્રદયની શુદ્ધ ભાવના વિનાનું પૂજન થાય, માનપાન વધે તે હેતુથી જ ઉત્તમ ભોજનની વ્યવસ્થા થાય, માત્ર બાહ્ય દેખાડા માટે જ જે તપ આચરવામાં આવે તે તપને શિષ્ટપુરુષો રાજસ તપ કહે છે. ગીતામાં આવા રાજસિક તપના ફળને ચલ એટલે નાશવંત અને અધ્રુવ એટલે અનિશ્ચિત ફળવાળું કહું છે.

3. તામસિક તપ—જે તપ મૂઢતાપૂર્વક, અજ્ઞાનતાથી અને પૂરા હઠાગ્રહથી અંતરાત્માને પીડા પહોંચાડીને કરાય છે તે તામસિક તપ કહેવાય છે. તપના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વિના માત્ર હઠાગ્રહ કે દુરાગ્રહવશ, મનમાની રીતે, શાસ્ત્રોની અવગણના કરીને શરીર કે મનને કષ્ટ આપીને થાય તે તપ તામસી તપ કહેવાય. કેટલાક હઠયોગી ઝાડ સાથે દિવસો સુધી ઊંધા લટકે, પીઠપર લોખંડના ચીપિયાના ઘા કરે, અણીદાર ખીલા પર સૂઇ રહે તે તામસી વૃત્તિનાં જ લક્ષણો છે. તેમનું તપ પણ તામસી તપ જ કહેવાય. આવા ઢોંગી, દંભી તામસી લોકો પોતાને પીડા આપે છે અને બીજાને પણ પીડા પહોંચાડે છે. વળી બીજા કેટલાક પોતાની ઉન્નતિ માટે નહીં પણ માત્ર બીજાને હાનિ થાય, બીજાનું નુકશાન થાય, બીજાનું અનિષ્ટ થાય એવા બદ ઇરાદાથી જ તપ કરતા હોય છે. આવું તપ પણ તામસી તપ કહેવાય છે. આવા તપનું કોઇ શુભફળ મળતું હોતું નથી.

ગીતામાં દાનના પણ ત્રણ પ્રકારો ગણાવ્યા છે…

દાતવ્યમિતિ યદ્દાનં દીયતેડનુપકારિણે

દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનં સાત્ત્વિકં સ્મૃતમ્.  (17:20)

કશો ના પાડ તોયે જે દેવાનો ધર્મ ઓળખી

યોગ્ય પાત્રે-સ્થળે-કાળે આપે, તે દાન સાત્ત્વિક.(17:20)

સાત્ત્વિક દાન–

જે વ્યક્તિ દાન આપવું એ પોતાની ફરજ છે, પોતાનું કર્તવ્યકર્મ છે, પોતાનો ધર્મ છે એમ માની એની પાસે જે કાંઇ છે તે સમાજે તેને આપ્યું છે, એની પાસે જે કાંઇ છે તે બધું પરમાત્માએ તેના પર કૃપા વરસાવી છે માટે તેને મળ્યું છે અને હવે જે પરમાત્માએ આપ્યું છે તેમાંથી જ થોડું પરત આપવાનું છે, એવી ભાવના સાથે દાન કરેવ તે દાન સાત્ત્વિક પ્રકારનું દાન કહેવાય. આવા દાન કરવા પાછળ કાંઇ મેળવવાની ઇચ્છા હોતી નથી, કીર્તિના લોભે આવું દાન દેવાતું નથી, કોઇએ તેના પર ઉપકાર કર્યો હોય તેનું સાટું વાળવાનો વિચાર પણ તેમાં હોતો નથી એ આવા દાનની વિશેષતા

છે. દાન અવશ્ય કરવા યોગ્ય સ્વકર્મ છે એવા નિશ્ચય સાથે જે દાન પવિત્ર સ્થળમાં, પુણ્યકાળમાં, સુયોગ્ય પાત્રને અપાય તે દાન સાત્ત્વિક દાન કહેવાય. ફળની અપેક્ષા વિના કરાયેલું દાન, શુદ્ધ હેતુથી કરાયેલું દાન, યાત્રાના પવિત્ર સ્થળેપવિત્ર વાતાવરણમાં કરેલું દાન, દેવમંદિરમાં કે જનહિતાર્થે ચાલતી સંસ્થામાં કરેલું દાન સાત્ત્વિક દાન કહેવાય. આપણાં શાસ્ત્રો માને છે કે સૂર્ય કે ચન્દ્રગ્રહણ સમયે, મકરસંક્રાંતિ જેવા પવિત્ર દિવસે, અગિયારસ જેવા પુણ્યકાળમાં અપાયેલું દાન વધુ યોગ્ય છે. દુકાળ, ધરતીકંપ, પૂરનો વિનાશ આદિ આપત્તિકાળે અપાયેલું દાન પણ સાત્ત્વિક દાન જ ગણાય. ભૂખ્યા-તરસ્યા-નગ્ન-દરિદ્ર-રોગી કે અનાથને તેમ જ ભયભીત બની અન્ન-જળ વિના તડફડતા પ્રાણી માટે અપાયેલું દાન પણ પુણ્યકર્મ જ છે. યોગ્ય કળે, યોગ્ય સ્થળે, યોગ્ય પાત્ર જોઇને યાચકને અથવા અયાચકવ્રતીને પણ સ્વકર્મ માની અપાય તે દાન સાત્ત્વિક દાન જ છે. પ્રત્યેક ધર્મપરાયણ પુરુષ પાસે અન્યને આપવા કાંઇકને કાંઇક તો હોય જ છે. દ્રવ્ય ન હોય તો સહાનુભૂતિ તો દર્શાવી શકાય, કોઇને આશ્વાસન આપી તેના આંસુ લૂછી શકાય. 48 દિવસના ઉપવાસી રંતિદેવે વિના સંકોચે પોતાને માટે આવેલું અન્ન-જળ બીજાને આપવું શ્રેષ્ઠ માન્યું . શિબિ રાજાએ અન્યનો  જીવ બચાવવા પોતાના શરીરના માંસનું દાન કર્યું. બલી રાજાએ પોતાનું વચન પાળવા પોતાના સર્વસ્વનું દાન કરેલું. દધીચિ ઋષિએ દેવોના રક્ષણ માટે પોતાનાં હાડકાંનું દાન કરેલું. આજે પણ રાણા પ્રતાપની સાથે જ ભામાશાને પણ યાદ કરીએ છીએ . આપણ શાસ્ત્રો માને છે કે …

++ ન્યાયપૂર્વક તથા પ્રામાણિકતાથી પ્રપ્ત થયેલાં ધન-ધાન્ય, સુવિધા કે સંપત્તિ શ્રદ્ધાપૂર્વક સુપાત્રને અર્પણ કરવાં એ ‘દાન’ જ કહેવાય.

++ સત્ય યુગમાં તપ , ત્રેતા યુગમાં જ્ઞાન, દ્વાપર યુગમાં યજ્ઞ અને કળિ યુગમાં કેવળ દાન જ શ્રેષ્ઠ કર્મ ગણાય છે.

++ યતિઓનો મુખ્ય ધર્મ શમ છે, વાનપ્રસ્થનો મુખ્ય ધર્મ નિયમ છે, તથા ગૃહસ્થીનો મુખ્ય ધર્મ દાન છે. દાનમાં દ્રવ્ય, વિદ્યા, જ્ઞાન, શ્રમ, ભૂમિ, રક્ત, ચક્ષુદાન જેવાં અનેક પ્રકારનાં દાનોનો સમાવેશ કરી શકાય.

++ રાજસિક દાન-

યત્તુ પ્રત્યુપકારાર્થં ફલમુદ્દિશ્ય વ પુન:

 દીયતે ચ પરિક્લિષ્ટં તદ્દનં રાકસં સ્મૃતમ્ .(17:21)

ફેડવા પાછલો પડ, હેતુ વા ફળનો ધરી,

 કોચવાતા મને આપે, રાજસી દાન એ ગણ્યું. (17:21)

અત્રે રાજસ દાન અંગે કેટલીક બાબતો કહેવામાં આવી છે…

1. આજે જો હું દાન કરીશ તો દાન લેનાર આ મનુષ્ય ભવિષ્યમાં મારા પર ઉપકાર કરવા વધુ દાન કરશે, મારી મુશ્કેલીના સમયે મને મદદ કરશે એવી ગણતરીથી અપાયેલું દાન રાજસી દાન ગણાય. કેટલાક લોકો ભવિષ્યમાં વધુ પાછું મેળવવાની આશામાં જ આજે દાન કરતા હોય છે.

2. કોઇકે આપણા પર ઉપકાર કર્યો હોય તો શરમાશરમી આપેલું દાન, કોઇકે અણીના સમયે આપણને મદદ કરી હોય અને આજે એ કોઇ પ્રસ્તાવ લાવ્યો હોય ત્યારે માત્ર તેને ના પાડી શકાતી નથી માટે અપાતું દાન.

3. કોઇની વાહવાહ થાય,કીર્તિ વધે, સભામાં પ્રમુખસ્થાન મળે, સંસ્થાને નામ અપાય, જાહેરમાં તખ્તી મૂકાય , ફોટા મૂકાય, પ્રતિમા મૂકાય કે છાપામાં પ્રસિદ્ધિ મળે તે હેતુથી અપાયેલું દાન રાજસિક દાન કહેવાય.

4. આ જન્મમાં થોડું દાન આપીને આવતા જન્મમાં વધુ સુખ મેળવવાની લાલસા સાથે અપાયેલું દાન, આ લોકમાં આપી પરલોકમાં પાછું લેવાની આશા સાથે આપેલું દાન.

5. કચવાતા કે કોચવાતા મને, કડવાં વચનો સાથે આપેલું દાન, પોતાની ઇચ્છા ન હોય, પોતાનું મન માનતું ન હોય છતાં કશાક દબાણથી, કોઇનું માન સાચવવા માટે  અપાયેલું દાન.

6. જે દાન અપ્રમાણિકતાથી કરાયેલું હોય, જે દ્રવ્ય અશુદ્ધ કે અપવિત્ર હોય તેવા દ્રવ્યનું દાન. દા.ત. ક્સાઇને ઘરડી ગાય વેચી તેમાંથી થતી આવકનો અમુક ભાગ દાનમાં અપાય તે.

7.અશુદ્ધ હેતુથી, મેલા મનથી, નિકારી દ્રૅષ્ટિથી આપેલું દાન.

++તામસિક દાન

ગીતામાં તામસી દાન માટે આ પ્રમાણે કહેવાયું છે…

અદેશકાલે યદ્દાનમપાત્રેભ્યશ્ચ દીયતે

અસત્કૃતમવજ્ઞાતં તત્તામસમુદાહતમ્ . (17:22)

અપાત્રે દાન જે આપે, અયોગ્ય દેશ-કાળમાં ,

વિના આદર-સત્કાર, તામસી દાન તેં ગણ્યું (17:22)

 

1. જેનું વાતાવરણ પવિત્ર ન હોય, જ્યાં જુગાર રમાતો હોય, શરાબ પીવાતો હોય, જ્યાં અનીતિમય જીવન જીવનારા વસતા હોય, જ્યાં દુર્જનોની બોલબાલા હોય તેવા અયોગ્ય સ્થળે અપાયેલું દાન તામસી દાન ગણાય. 2. વિદ્યા-તપ- ધર્માદિથી રહિત, ઢોંગી, દુરાચારી કે દંભી લોકોને અપાયેલું દાન.

3. યોગ્ય સમય ન હોય ત્યારે અપાયેલું દાન, દુકાળ કે ભૂકંપ સમયે સહાય ન કરે પણ જ્યારે આવશ્યકતા ન હોય ત્યારે એટલે કે કસમયે દાનની તૈયારી બબતાવે તેવું દાન.

4. અનાદરપૂર્વક અપાયેલું દાન, તિરસ્કારપૂર્વક અપાયેલું દાન. (ભારતીય સંસ્કૃતિમાં તો યોગ્ય પાત્રને પાદપ્રક્ષાલન કરી, તિલક કરી, પૂરા સન્માન સાથે દાન દેવાનો રિવાજ માન્ય છે.)

5.દાનને લાયક ન હોય તેવા કુપાત્રને દાન. જે દાનનો દુરુપયોગ જ થવાનો   છે તેવું દાન.

ગીતામાં આ ઉપરાંત આહાર, ત્યાગ, શ્રદ્ધા, બુદ્ધિ આદિને પણ વિસ્તારપૂર્વક સત્ત્વ-રજસ્ –તમસ્ ત્રણે પ્રકારે વર્ણવ્યાં છે.

======================================

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
3 comments on “ગીતા-આચમન // સંકલન: ડૉ.કે.સી.ભટ્ટ/શકિલમ્ ફાઉંડેશન,મુંબઇ
  1. raghavn કહે છે:

    vinayta ane namrta nu sangam

  2. vimala કહે છે:

    અલભ્ય સં્કલ્ન દ્વારા ગીતાજીનું આચમન કરાવવા બદલ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જુલાઇ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: