દીકરીવિદાય એ કરુણ મંગળ ઘટના છે./ભીખુદાન ગઢવી

DIKARI VIDAAY

 દીકરીવિદાય એ કરુણ મંગળ ઘટના છે./ભીખુદાન ગઢવી

 દીકરી વહાલનો દરિયો/સંપાદન:વિનોદ પંડ્યાતથા કાંતિ પટેલ નવભારત /ચોથું પુન:મુદ્રણ–જાન્યુઆરી,1999 /પાના :37 થી 40

 એક કવિ એક ગામના પાદરથી નીકળે છે ત્યારે એક ઘેઘૂર વડલાની વડવાઇઓ પકડીને થોડી દીકરીયું હીંચકે છે…. હવે મારો વારો… હવે મારો વારો…. એમ વઢવેડ કરે છે. તે ચિત્ર જોઇને કવિને આનંદ આવે છે. વાહ !કેવી નિર્દોષ દીકરીયું રમે છે.

પણ થોડાં વરસો પછી તે કવિ એ જ રસ્તેથી ફરી વાર નીકળે છે તો એ ચિત્ર માંયલું કાંઇ નથી. નથી દીકરી દેખાતી કે નથી વઢવેડ દેખાતી… ઘેઘૂર લાગતો વડલો આજ સાવ સૂનો લાગે છે, સાવ ઝાંખો લાગે છે એટલે કવિ વડલાને પૂછે છે કે હે વડલા–

 વારાકાજ વઢતીયું, જે દીમાં દશ દશ વાર

 કીસે ગયું કે વાર, ઇ નીલા નાગલા વાળીયું?

 હે વડલા, તારા છાયે રમતી હતી તે બધી દીકરીયું કઇ દિશામાં ગઇ એ તો કહે?

વડલો શું જવાબ આપે. એને પણ અવસ્થા આવી ગઇ છે.

 આપણી ભારતીય સંસ્કૃતિમાં સમર્પણ છે, ત્યાગ છે. અને એવું જો કોઇ ત્યાગનું પાત્ર હોય તો તે દીકરી છે…

આપણે ત્યાં એમ કહેવાય છે કે પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય અને બીજાના ઘરે જઇ દીવો કરે એને દીકરી કહેવાય.

દીકરો બે કુળને તારે છે—બાપના કુળને અને મોસાળના કુળને… અને દીકરી ત્રણ કુળને તારે છે—બાપના, સાસરાના અને મોસાળના.

 જેનું જીવન જ સંપૂર્ણ ત્યાગથી શોભતું હોય છે એને ત્યાગમાં આનંદ આવે છે . અને આનંદ આવે એને જ ત્યાગ કહેવાય. એટલે તો કીધું છે કે દીકરીવિદાયનો પ્રસગ એ મંગલ કરુણ પ્રસંગ છે. એ કરુણા મંગલ છે.

એટલે તો દીકરીવિદાયનો પ્રસંગ તો ભલભલાને રડાવે એવો છે. જેની મૂછે લીંબુ લટકતાં હોય, તલવારની અણીએ જેની આંખનો ખૂણો ભીનો ન થાય એવા મર્દો દીકરીવિદાયના પ્રસંગે ભાંગીને ભૂકો થઇ જાય છે. અને એ પ્રસંગો આપણે જોયા છે. ઇતિહાસના અસંખ્ય દાખલા છે.

 ‘ઇશરા સો પરમેશ્વર’ એ ઇસરદાનજી, જેણે ‘હરિરસ’ ગ્રંથ લખ્યો, જેના પાઠ કરવાથી ભવોભવનાં પાપ નાશ પામે એવા ભક્ત કવિ. એમના જીવનમાં જ્યારે દીકરીવિદાયનો પ્રસંગ આવ્યો ત્યારે તે હલી ગયા, ડગી ગયા. એટલું જ નહીં પણ વિદાય થતી વખતે દીકરીબા એક દુહો બોલ્યાંકે–

વડ જૂનો વાડી તણો, વળુંક હશે કે વાવ

હૈયડા કરમાં હડક્યો, કે ફીર સચાણ આવ.

 દીકરીબાને મારવાડમાં દીધેલાં,પણ સચાણાના પાદરમાં આ શબ્દો સાંભળીને દીકરીને ગાડામાંથી નીચે ઉતારી લીધાં અને ગરાસ આપ્યો. અને બોલ્યા કે જો દીકરી વિદાય થાશે તો હું જીવી નહીં શકું.

 જુઓ, આ દીકરી વહાલનો દરિયો કહેવાય. અને ભાઇ દીકરીને જેટલું અપાય તેટલું આપજો. ન આપી શકો તો આંસુ પાડીને આંસુનો કરિયાવર કરજો. પણ દીકરીનો પૈસો લેવાય નહીં.

અરે! ભારતના કણ્વઋષિ પણ શકુંતલાની વિદાય વખતે રોઇ પડ્યા હતા. એમણે તો સંસારના ત્રાગડા તોડી નાખ્યા હતા અને એ તો પાલક પિતા હતા, વૈરાગી હતા. છતાં શકુંતલાની વિદાય વખતે એમનું હૈયું હાથ રહ્યું નથી. તે ધ્રુસકે ધ્રુસકે રોઇ પડ્યા છે. કારણકે દીકરી તેમના માટે વહાલનો દરિયો હતી.

 કહેવાય છે કે પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વહાલ એ ભેળું થઇને આકાશમાં ચડે અને એની વાદળી બંધાય અને એ વાદળી અનરાધાર વરસે એનું નામ દીકરી.

 જેના જીવનમાં ઊંડે ઊંડે—સાતમે પાતાળ પણ અપેક્ષા નથી. અને જેના જીવનમાં સમર્પણના અને ત્યાગના તરંગો ઊછળે છે, ગમે તેવી મુશ્કેલીમાં અને પ્રલય જેવા દુખમાં પણ જે મર્યાદા મૂકતી નથી એવો વહાલનો દરિયો એટલે દીકરી….

બાપને દીકરા વહાલા જ હોય, પણ દીકરી ઉપર વધારે પ્રેમ હોય છે તેનું કારણ હોય તો એ કે એનો ત્યાગ….

મારે એક પુત્ર ભરત અને ત્રણ દીકરીઓ:અંજના, મીના અને હીરલ.

 દીકરીઓ પ્રત્યેની લાગણીઓનું વર્ણન કેમ કરવું ? મોટી બે દીકરીઓ સાસરે છે, સુખી છે. પણ તેઓને સાસરે વળાવી નહોતી એ પહેલાં અમારાથી એક દિવસ પણ અળગી નથી રહી. એકપણ દિવસ અમારાથી ક્યાંય જુદી રહી નથી. અમારે ઘરેથી બહારગામ જઇને રાત રોકાઇ હોઇ એવો એક દિવસ મને યાદ આવતો નથી. મારે કર્યક્રમો માટે દેશ-પરદેશ જવું પડે. દુબઇ, અબુધાબી, મસ્કત વગેરે સ્થળોએ ચાર વખત ગયો છું. પણ આઠ દિવસથી વધારે ક્યાંય રોકાયો નથી. મને તુરંત ઘર અને દીકરીઓ જ યાદ આવે. મારા આ સ્વભાવની મને ખબર પડી પછી લંડન કે અમેરિકા હું ક્યારેય ગયો નથી. ઘણા ઓર્ગેનાઇઝરો કહે કે “લંડન આવો, અમેરિકા આવો. લ્યો આ કોરા ચેકમાં તમે રકમ ભરી લ્યો.”પણ મારી શરત એ હોય કે પાસપોર્ટ અને ટિકિટ મારી પાસે રહેવા દો તો જ આવું. મારા માટે આઠ દિવસ બાળકોથી દૂર રહેવાનું બહુ થઇ પડે. એક વખત દુબઇમાં આઠ દિવસ થઇ ગયા. ત્યાં દિનેશભાઇ કરીને મારા એક મિત્ર હતા. મેં એમને કહ્યું, મને ટિકિટ લાવી આપો. મારે હવે કાર્યક્રમો નથી કરવા. ટિકિટ નહીં લાવી આપો તો હું બાળકની માફક રડી પડીશ.

 જે દીકરીઓ માટે હું ભાગીને ઘરે આવતો હતો, એ દીકરીઓને સાસરે વળાવી છે. સદ્ નશીબે એક દીકરી હમણાં મારા જ ગામ જૂનાગઢમાં રહેવા આવી છે, અને બીજી દીકરી જામનગરમાં છે. પણ દીકરીઓને સાસરે વળાવ્યા પછી હું સ્ટેજ પર ‘કાળજા કેરો કટકો….’ ગાઇ શકતો નથી.

 આ કરુણા છે અને કરુણાની પાછળ મંગળ છે. દીકરીઓના સૌભાગ્યનું મંગળ. દીકરીઓનાં સાસરિયામાંથી મને કોઇ જ્યારે કહે કે દીકરીઓને ખૂબ સંસ્કાર આપ્યા છે, ત્યારે હું ખૂબ રાજી થાઉં. એ દીકરીઓ હવે સાસરેથી આવે ત્યારે ખૂણામાં સુટકેસ મૂકે અને મારું મન થોડા વિષાદ સાથે વિચારે ચડે, જે દીકરીઓ આ ઘરથી બે ઘડી દૂર જાય તો અકળાઇ જતી હતી, તે હવે મહેમાન તરીકે આવે છે. પણ જગતનો આ નિયમ છે.દીકરીઓ એમના ઘરે સુખી હોય તો મવતરને એનાથી મોટું સુખ બીજું ક્યું હોઇ શકે ?છતાં આજે હું દીકરીઓના ઘરે જાઉં તો દીકરીઓ માથે સાડીનો છેડો ઓઢીને ઊભેલી હોય તે હું જોઇ નથી શકતો. હું એના ઘરેથી વિદાય થાઉં ત્યારે એ ‘આવજો…’ એમ બોલી ન શકે; ‘દીકરીએ આવજે…’ એમ હું બોલી ન શકું. મારી દીકરી પછી એની રૂમમાં જઇને રડે….

મને એક ગામડાંના એંસી વરસના બુઢ્ઢા બાપાએ કીધું કે ભાઇ, દીકરી વિદાયને વખતે બાપના ઘરમાં લાજ શું કામ કાઢે છે? હજી તો એના બાપનું ઘર છે, તો લાજનોઘૂંઘટો કાઢવાનું કારણ શું?

 મેં કીધું કે મને ખબર નથી. અને પછી તે વૃદ્ધ બાપાએ જવાબ આપ્યો. આ મારા અનુભવની વાત કરું છું.

બાપાએ જવાબ આપ્યો કે જુઓ ભાઇ, એક તો દીકરી જીવનમાં પહેલી વાર ગણેશની પાસે લાજનોઘૂંઘટો તાણે છે. અને ગણેશને પ્રાર્થના કરે છે કે, હે ગણેશ, હે સૂંઢાળા, હું તારી પાસે પહેલીવાર લાજનો ઘૂંઘટો તાણું છું. હવે તું એ ઘૂંઘટાની લાજ રાખજે.આ કાયામાંથી જીવ જાશે, પણ મારા કુળની લાજ નહીં જાવા દઉં.

 અને પછી બાપા બોલ્યા, પણ રોઇ પડ્યા. ભાઇ, દીકરીને હવે બાપનું ઘર છોડવું છે. અને વિદાય વખતે, ઘર છોડતી વખતે, બાપના ઘરમાં, ભાઇના ભર્યાભાદર્યા ઘરમાં એની ક્યાંય નજર ન લાગી જાય એટલે તે લાજનો ઘૂમટો તાણે છે.

 આવું જેનું ત્યાગભરેલું જીવન છે—અને એ દીકરી જ્યારે વિદાય થાય ત્યારે રૂડાં—રૂડાં લગ્નગીતો ગવાય છે–

 ઊંચી પડથારેથી કેસર ઊમટ્યાં

 રથ વેલ્યુ હાલે રે ઉતાવળી

વેલ્યમાં બેસીને બેનીબા હાલ્યાં

દાદાજી આવ્યા છે વળાવવા.

 આખું વાતાવરણ કરુણ થઇ જાય છે.

 બેને મેલ્યા ઢીંગલા મેલ્યા પોતીયા

બેને મેલ્યો છે સૈયરુંનો સાથ.

પરણીને હાલ્યાં સાસરે…

બેન તું ઘરના રખોલા રૂડા રાખજે

 બેન તું વધારજે તારાં સાસરિયાંનાં માન

 પરણીને હાલ્યાં સાસરે….

દીકરી વિદાય વખતે ખૂબ જ રડે છે. અને આપણને એમ થાય કે આંખનાં આંસુ સુખનાં છે કે દુખનાં?પણ આંસુ સુખનાં નથી અને દુ:ખનાં પણ નથી. તો એ આંસુડાં કયાં છે?

તમે જોજો, આપણી ઓસરીમાં કોઇ રંગારો રંગ પૂરતો હોય તે ચિત્ર જોજો. તે એક ઝાડનું થડ કરે, પછી ડાળીઓ કરે, અને પછી પાંદડાં કરે. તમે જોજો, રંગ બદલતી વખતે વાટકો ને પીંછી ધોઇ નાખે છે. એમ દીકરીને પણ આજ રંગ બદલાવવાનો વખત આવ્યો છે. રંગારો જો રંગ બદલતી વખતે વાટકો ને પીંછી બેય જો ધોતો હોય તો દીકરી એની જિંદગીનો રંગ બદલતી વખતે કાળજું કેમ ન ધૂએ? આંસુડે તે કાળજું વીછળી નાખે છે. અત્યાર સુધી એને પિયરના રંગ પુરાણા છે. મારો બાપ… મારી મા… મારો ભાઇ… મારી બહેન… જે પિયરના રંગ પુરાણા છે તેને આંસુડાથી ધોઇ નાખે છે.

 દીકરી વહાલનો દરિયો કહેવાય. જે દરિયો ભેદભાવ નથી રાખતો. જેમ દરિયો કોઇ અપેક્ષા નથી રાખતો એમ દીકરીના વહાલનો દરિયો પણ અપેક્ષા નથી રાખતો. જેમ દરિયો મર્યાદા નથી મૂકતો તેમ દીકરીના વહાલનો દરિયો મર્યાદા નથી મૂકતો.

દીકરીના વહાલનો દરિયો દુનિયાના દરિયાથી વધારે ચડિયાતો છે, કારણ કે જળભર્યા દરિયામાં ભરતી—ઓટ આવે છે, જ્યારે દીકરીના વહાલના દરિયામાં ભરતી આવે છે, પણ ઓટ નથી આવતી.

 દીકરી નાની હોય કે મોટી, પિયરમાં હોય કે સાસરામાં હોય, બધી અવસ્થામાં, બધા સંજોગોમાં –જેના જીવનમાં કોઇ ફરક પડે નહીં તેને વહાલ કહેવાય છે. અને આવું વહાલ દીકરીમાં છલોછલ ભર્યું હોય તેથી તેને વહાલનો દરિયો કહેવામાં આવે છે.

(શ્રીભીખુદન ગઢવી સૌથી લાડીલા લોકસાહિત્યકાર અને કલામર્મજ્ઞ છે.નિર્દોષ અને શિષ્ટ સાહિત્ય દ્વારા શ્રોતાને ચર-ચાર કલક સુધી જકડી રાખે છે. એમની કથા કહેવાની શૈલી આગવી છે.)

 સાથે સાથે

 કાળજાનો કટકો/કવિ દાદ

 કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,

મમતા રુએ જેમ વેળુમાં, વીરડો ફૂટી ગ્યો…

કાળજા કેરો કટકો મારો….

 છબતો નઇ જેનો ધરતી ઉપર, પગ આજ થીજી ગ્યો;

 ડુંગરા જેવો ઊંબરો લાગ્યો, માંડ ઓળંગ્યો….

કાળજા કેરો કટકો મારો….

બાંધતી નઇ અંબોડલો, ભલે હોય ઇ છૂટી ગ્યો;

 રાહુ થઇ ઘૂંઘટડો મારા, ચાંદને ગળી ગ્યો-

કાળજા કેરો કટકો મારો….

આંબલી પીપળ ડાળ બોલાવે, એક વાર સામું જો;

 ધૂબકા દેતી જે ધરામાં, ઇ આરો અણહોરો–

કાળજા કેરો કટકો મારો….

ડગલે ડગલે મારગ એને, સો સો ગાઉનો થ્યો;

 ધારથી હેઠી ઊતરી ધીડી, સૂરજ ડૂબી ગ્યો–

 કાળજા કેરો કટકો મારો….

લૂંટાઇ ગ્યો મારો લાદ ખજાનો, ‘દાદ’ હું જોતો ર્યો;

જાન ગઇ જાણે જાન લઇ; હું તો સૂનો માંદવડો—

 કાળજા કેરો કટકો મારો….

 

 **અણોહરો—આઘો, દૂર

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “દીકરીવિદાય એ કરુણ મંગળ ઘટના છે./ભીખુદાન ગઢવી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 286,247 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જુલાઇ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: