પાનકોર ડોશી / મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ

JHM-shreshthvaartaao

પાનકોર ડોશી

મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ/પ્રકાશક: મેઘાણી પરિવાર વતી આદર્શ પ્રકાશન,અમદાવાદ/પાના:106થી 120

 

 

એક જમાનામાં એ વ્યાપારે ને ઉદ્યોગે ધીકતું ગામ હતું. પણ એક જ દાયકાની કોઇક અકળ ભીંસ આવી-અને, એક જ થપાટે કોઇ મનુષ્યના બત્રીસબત્રીસ દાંત હચમચી જાય, તેવું  જ કાળના તમાચાએ આ ગામનું ખેદાનમેદન કરી નાખ્યું.

દર ત્રણ-ત્રણ ઘર છોડીએ એટલે એક્કેક મકાનમાં ખંડિયેર આવે. કૂતરાં આખી રાત રોયાં કરે. સવાર પડતાં જ સહુ જુએ કે ખંડિયેરોનાં ઉકરડાંઓમાં રઝળતાં ગધેડાંમાંનું એકાદ ગધેડું તો કૂતરાઓએ ચૂંથી નાખેલું પડ્યું જ હોય. એ સડતા મુર્દાની દુર્ગંધ બે’ક દિવસ લોકો ને મળી રહે તે પછી જ ઝાંપડા આવીને એને ઢસડી જતા. મ્યુનિસિપાલિટીનો અભરામ પટાવાળો આવે પ્રસંગે એકાદ ઝાંપડાનો બરડો તો પોતાની સોટી વડે ફાડ્યે જ રહેતો.

એ ખાવા ધાતા ગામ ઉપર બિહામણી રાત ઝમ્ ઝમ્ અંધારું વરસાવતી હતી.સુધરાઇ ખાતાનાં ફાનસો એકબીજાંને ન જોઇ શકે તેવુ6 જાણે કે કશુંક કાવતરું ગોઠવતાં શેરીઓના વાંકઘોંકમાં ભડ્  ભડ્ કાકડે બળતાં હતાં . ને તાજી રાંડેલી કોઇ કોઇ જુવાન સ્ત્રીઓ, ખૂણો પાળતી પળતી, લોટો લઇ શેરીઓમાં ગુપચુપ નીકળતી હતી.

એવે સમયે મારા ફળિયાની ખડકી ઉપર સાંકળના ખખડાટ બોલ્યા: ઠક્ ! ઠક્ ! ઠક્ ! ઠક્ !

જૂની સાંકળ જૂના કમાડની જોડે રણઝણતી નહોતી, પણ માથાફોડ કજિયો કરતી હતી. એન અવાજો ખરે જ મારી કાગાનીંદરમાં મને કોઇ માથાં પછાડતી ગાંડી સ્ત્રીના ધડુસ્કારા સમાન લાગ્યા.

પછી મને ઘોઘરો અવાજ સંભળાયો: ‘પાનકોર ડોશી ! એ હે… ઇ પાનકોર ડોશી ! એલી એઇ ડોકરી ! આવવું છે કે નૈ?’

ફરી પાછા સાંકળના શિર-પછડાટા: ઠક્ ! ઠક્ ! ઠક્ !  

ઊંઘમાં ને ઊંઘમાં મને એમ થતું હતું હતું કે જાણે પાનકોર ડોશીને તેડવા કોઇ જમ અવ્યો હતો. એ રાતના ત્રીજા પહોર જોડે, મારી સાંકડી શેરી જોડે અને ગામના સૂનકાર જોડે મને જમ તથા જમપુરીની કલ્પના ખૂબ બંધબેસતી લાગી.

કાગાનીંદરમાં મને એમ લાગ્યું કે આ ખડખડાટ ને આ ઘોઘરા હાકોટા અમારી ખડકીએ નહિ પણ બાજુની કોઇ બીજી ખડકી ઉપર ચાલી રહ્યા છે. થોડી વારે તો એ ખડકીમાં બોલાસ વધ્યો. જુદા જુદા બોલ સંભળાયા:

 ‘એલા અમદ ! બોકાસા શું નાખી રિયો છે?’

’આ પાલાવાળ આખી રાત કોઇને ઊંઘનું મટકુંય લેવા થોડા દે છે, માડી !’

‘પણ તૈં ઇ રાંડ ડોકરીને જ કોઇક કહોને, માવડી, હવે ઝટ હોંકારો તો દે- એટલે આમદ પાલાવાળો ખડકી ભભડાવતો મટે !’

‘રાંડ બેરકી છે ને ! કાન તે કોના લેવા જાય !’

ફરી પાછી સાંકળ ટિપાવા લાગી, ને આમદ પાલાવાળો એટલુ6 બોલીને ચાલતો થયો કે, ‘ઇ ડોકરીને રંડને કે’જો કો’ક –કે જો ગાડીએ આવવું હોય તો હાલને હાલ ઝાંપે પોગી જાય; નીકર હું પાલો હાંકી મેલશ. હમણે અસવાર આવી પોગશે; પછેં તમામ પાલા હાલશે-ને હુ6 એકલો વાંસે નહિ રઉં. મારાં બીજાં છડિયાં ફાસ ગાડી ચૂકે ! ને ઇ રાંડ ડોકરીને કે’જો કે હું ફદિયાં રોકડાં લઇ મેલશ કાલ સાંજે આવીને.’

મારી બારીમાંથી- બારી તો એને કેમ કહેવાય? મારા નાનકડા જાળિયામાંથી- મેં ઊઠીને જોયું તો આમદ ઘોઘરો એના હાથમાં મેશથી છવાયેલું, ધુમાડિયું, કાળું ફાનસ લઇને બીજી શેરીમાં ચાલ્યો જતો હતો.

અમારી આસપાસના લત્તામાં- લધા સોનાની ખડકીમાં, વેલજી ખત્રીની ડેલી ઉપર ને સંઘાણીના ડેલામાં –ઠેકાણે ઠેકાણે અક્કેક ધુમાડિયું ફાનસ તબકતું હતું, અને પુરાતન કમાડો ઉપર ધીંગી સાંકળો માઠાં પછાડતી હતી. સાત ગાઉ દૂર આવેલા રેલવે- સ્ટેશને  ઉતારુઓનેમાટે બેલગાડી હાંકતા પાલાવાળા ઠેકાણે ઠેકાણે એના ઘોઘરા અવાજે હાક પાડતા હતા. એ હાકમાં કોણ જાણે કેવીયે કાળ-વાણી સાંભળીને કૂતરાં લાંબા સ્વરનાં રુદનકરતાં હતાં.બુઢ્ઢો ગામ-ચોકિયાત માલૂજી સિપાહી ખોં ખોં ઉધરસો ખાતો ખાતો ને ખોંખારો મારતો ગામ ગજાવતો હતો કે, ‘હૂ-ઉ-ઉ…. ખબડદાર ! જાગતા સૂજો ! જાગો છો કે, પીતાંબરભાઇ?’

’હવે હા, ભાઇ, હ; જાગીએં જ છયેં ને?’ કોઇક સામો જવાબ દેતું.

’અરે, ગાંગલા મેરાઇ !’ માલૂજી ચોકિયાત પોતાની લાકડીનો છેડો એક ઘરના કમાડ ઉપર ઠબકારીને બોલી ઊઠ્યો : ‘ગાંગલા, તારી બારી ઉઘાડી છે: બંધ કર ! જાગછકે, ગાંગલા?’

અંદરથી કોઇ વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવતો:

’માલૂજીભૈને કહીએં કે ઠીક, બાપા, ઠીક ! બંધ કરી વાળું છું, હો !ઇ તો ગાંગલો કે’કે માડી, ઉનાળાની ગરમી બહુ થાય છે-તે જરીક વા આવે તે ઉઘાડી મેલ્ય ને ! આ ઇમ ઉઘાડી મેલી ત્યાં તો મારી મૂઇની આંખ મળી ગઇ…’

’ગરમી થાતી હોય તો ચૂનાબંધ મેડિયું ચણાવોને, બાપા ! પણ આ તો તમારા ત્રીસ વરસના જૂના ચોકિયાતને કપાળે તમે કો’ક દી કાળી ટીલી બેસારશો, વઉ ! હવે તો હેમખેમ નોકરી માથેથી ઊતરી જાયેં તો હાંઉ-ગંગ નાયા ! થોડાક દી આ માલૂજી ડોસાની આબરૂને ખાતર પણ ગરમી વેઠી લે, બાપ ગાંગલા ! મોટા જાટલીમેન !’

આટલું બોલીને માલૂજી સિપાહી આગળ વધ્યો. ગળામાં કોઇ કાયમી ચાવી ચડાવી રાખેલ સંચો ગોઠવ્યો હોય તે રીતે એનો અવાજ ચાલુ થયો :

’હૂ-ઉ-ઉ… જાગતા સૂજો ! –જાગતા સૂજો ! પાનાચંદકાકા , જાગો છો કે? હાં, ખબરદાર રે’જો ! હૂ-ઉ-ઉ…’

એવો ‘સ’ અને ‘હ’ વચ્ચેનો અવાજ કાઢીને માલૂજી ચોકિયાતે ખોંખારો ખાધો. એ ખોંખારાનાપ્રત્યુત્તરો જુદા જુદા લતાઓના ચોકિયાતોએ પોતાના ‘હૂ-ઉ-ઉ…’ સ્વરો વડે સારાય ગામમાં પહોંચાડ્યા.

આમ આખી રાત ગામ જાગતુ6 જ સૂતુ6. મને થયું કે આ લોકો ક્યારે ઊંઘતા હશે?-શી રીતે થાક ઉતારતાં હશે? ચોકિયાત જો સહુને જાગતાં સૂવાનું કહેતા તેમ જ જગાડતા જ ફર્યા કરે, તો ચોકી શાની ! અને કોના ઘરમાં ચોરાવા જેવી માલમત્તા રહી છે !

આખી રાત આ છોકરાં રડે છે ને માંદા ફફડે છે. આખી રાત ફળિયે ફળિયે કોઇ રોગના કણકાટ ચાલે છે. ને આઘે આઘે એ શા તીક્ષ્ણ અવાજ આવે છે?-

 ‘રા…મ ! મ…હા…વી…ર ! રા…મ!’

આટલા કાન ફાડી નાખતા અવાજે આ કોણ આવી ભીષણ પ્રાર્થના કરી રહ્યું છે?

‘ગગા !’મારી માએ કહ્યું:’ઇ તો ત્રીકમ વાલજીના ધીરુને ખેન (ક્ષય) થ્યું’તું ને, ઇ અંતકાળ લાગે છે. એના કાનમાં ધરમના બોલ સંભળાવતા લાગે છે. જીવ ઊંડો ઊતરી ગયો હશે ને, તે ઓછે અવાજે સાંભળી શેનો શકે બાપડો ?’

 

હું રોમ રોમ ધ્રૂજતો હતો. મારી છાતી ઉપર જાણે એ આ ગામનું સમસ્ત વાતાવરણ સીસા જેટલું બોજાદાર બનીને ચંપાતું હતું. ત્યાં તો મારી બગાસાં ખાતી બાએ મને કહ્યું કે,’ગગા, હવે તારું ય ટાણું  થઇ ગયું.તારીય પાલાગાડી હમણે ખડકીએ આવીને ઊભી રે’શે. તું મોં-બો ધોઇ લે, માડી ને ઇ તો આ ગામમાં થિયા જ કરવાનું. મોટે ફળિયે ઝમકુ માની દિવાળીના હવે દા’ડા ગણાય છે. સોની ફળિયામાં મેરામણને તો ત્રણ વાર ઝોબો આવી ગ્યો: હજી પૉર જ પરણ્યો’તો બાપડો; હવે એકાદ રાતનો મે’માન છે. વેલજી ફૂવાના છોકરાને આંચકીનું તાણ આવી જાય છે. એવા બાળા જુવાનોનો જ પાર નથી, ત્યાં હું જેવા ગલઢાંખખ્ખનું તો શું પૂછવું? અમે તો રાતમાં ધરમ-બોલ બોલાતા સાંભળીએ કે તરત વરતી કાઢીએ કે, આ ફલાણું ફલાણું ઊપડ્યું…’

જીવનના કરતાં મૃત્યુનો જ હિસાબ આ ગામનાં માણસોની જીભ ઉપર વિશેષ રમતો હતો. મને આ મારુ6 વતન કોઇ કબરના ઊઘડતા કૂપ જેવું લાગ્યું. એક તો, હું પરોઢિયે મારે ચાલવાનું હોવાથી ઘણો મોડો સૂતેલો. માને શરીરે સોજા થતા હોવાથી, ને બહેન વર્ષ પહેલાં વિધવા બની હતી તેનો ખૂણો મુકાવવા સાસરેથી તેડી લાવવાની હોવાથી, મારાથી મારી પત્નીને તેડી જવાય તેમ નહોતું. એપણ આખી રાત ખોં ખોં કરતી હતી. એનાથી જુદા પદવાનો સમય મને અત્યંત અકારો લાગતો હતો. પણ મારા બજારની સ્થિતિ ડામાડોળ હોવાથી મારે મુંબઇ પહોંચ્યા વગર છૂટકોયે ન હતો. પત્નીને શાંત પાડ્યા પછી માંડ માંડ મારી આંખ મળેલી. હું તંદ્રામાં જ હતો. ભાંગ્યાંતૂટ્યાં ખરાબ સ્વપ્નો, એક ડાળેથી બીજી ડાળે છલંગો મારતાં વનનાં વાંદરાં જેવાં, મારા મગજમાં ઉત્પાત મચાવી રહ્યાં હતાં. ગામના કોલાહલથી હું જાગ્યો ત્યારે મારી પત્ની ફાનસમાંથી દીવાના ડબાને કાઢી એની પથારીમાંથી માંકડ વીણતી હતી. છોકરો સૂતો હતો તેને ચટકા ભરી ભરીને માંકડોએ ઢીંમણાં ઉઠાવ્યાં હતાં. સ્ત્રીના વાળનાં લટિયાં દીવાના કાકડાથી બહુ જ નજીક ઝૂલતાં હતાં, ને દીવાના ઘાસલેટી ધુમાડાની શેડ એ લટિયાંની જોડે ગેલ કરતી હતી.

આ ઘર, આ માથા પરનો વર્ષો જૂનો મેડો, આ ભાંગલાં-તૂટ્યાં પેટીપટારા, ટીપું ટીપું  તેલ પીને બળી રહેલ આ નિસ્તેજ દીવા ને એ દીવાની માન-પ્રતિકૃએતિઓ-મારી મા, પત્ની, બહેન, પાડોશીઓ; ને પેલા દૂર દૂરના લત્તામાં ‘રામ’,’મહાવીર, જેવાં પુનિત નામોના બરાડા સાંભળીને આત્માનાં અગાધ ઊંડાણોમાં શાતાને માટે વ્યથા પામી રહેલ મરણોન્મુખ જુવાન સ્ત્રી-પુરુષો : એની એજ દુનિયા, કે જેમાં મારો જન્મથયેલો, મારી બાલ્યવસ્થા બંધાયેલી, મારી જુવાની પણ થોડીઘણી પોષાયેલી, તે આજે મને ન કહી શકાય તેટલી બિહામણી ભાસી. ઘડી વાર એમ થયું કે, આ ચોકિયાતોના બૂમરાણ રોકવા હું પોલીસ-ફોજદારને પત્ર લખું; આ ઉકરડા, ગધેડાં, કૂતરાં, તેમ જ બળતાં કરતાં સો-ગણાં તો પ્રજાનાં હૈયાને બાળતાં ફાનસો સંબંધમાં હું સુધરાઇ-ખાતાના ઉપરીને અરજી કરું.

ત્યાં તો રસ્તા પર ઘૂઘરાના રણકાર તથા બળદગાડીના કચૂડાટ બોલ્યા. પાલાગાડી મારી પછીત પાસે ઊભી રહી, ને મારો ગાડાવાળો બૂમ પાડે તે આંગમચ જ મેં એને મેડી ઉપરથી કહ્યું કે,’દાઉદ ! બોકાસાં ન પાડતો, હો કે; હું જાગેલો જ છું.’

’એ હો, ભાઇ; નહિ પાડું.’

એટલો પ્રત્યુત્તર વાળીને દાઉદ પાલાવાળાએ પોતાનું ધાર્યું કરી લીધું. ઈટલા જોરથી બોલ્યો કે મારો છોકરો ઊંઘમાંથી જાગી ઊઠ્યો:’મારે જે અટકાવવું હતું તે જ બન્યું !

નીચે દાઉદ ગાડીવાળો ધીમે ધીમે બોઅલતો હતો કે, ‘નવી નવાઇના આવ્યા, ભાઇ ! ગળાં તાણીએ અમે- ને કહે કે, બોકાસાં પાડતો નૈ ! અલ્લા ! દુનિયાય કેવી છે ! જમાનો બહુ બાલિસ્ટર આવતો જાય છે…’

બાલિસ્ટર એટલે બારીક ! મને થયું કે એના બૂમો પાડવાના આ શહેરી હક ઉપર મેં તરાપ મારી તેથી કરીને દાઉદ ચિડાયો છે.

પાછો દાઉદ બબડતો હતો:’આપણે શું? આપણે તો દસ છડિયાં ગોતવાં પડત, દસેને જગાડવા જાવું પડત, એટલું ઘાસલેટ બળત, એટલા જોડા ઘસાત ને એટલા ઢાંઢાં ટૂંપાત- તે કરતાં આ એક જ સુવાંગ ભાડૂત મળી ગયો ! આપણે શું? બોકકસાં નહિ પાડીએં, બાપા !   તમે શેઠિયા છો, મુંબી ખેડો છો: મા’લોને, બાપા, સુવાંગ ગાડી ! ને દાઉદની સાત પેઢી લાજે ! ખબર છે?…’

બબડતો બબડતો દાઉદ પ્રભાતિયું ગાવા લાગ્યો:

ધન્ય અલા! ધન્ય મોલા !

ધન્ય તેરી સાયબી ! –ધન્ય અલા !

જમીંકા તેને જલેસા બનાયા:

રાવટી આસમાનકી-

ધન્ય અલા! ધન્ય મોલા !

ધન્ય તેરી સાયબી !

મારા રડતા છોકરાને છાનો રાખવાના મારા પ્રયત્નો એળે ગયા. ‘ભાઇ હાલે જાવું થે !’ …’આંઇ બાઉ કરડે થે !’ … ‘આંઇ ઠાંઠડિયું બઉ નીકલે થે !’ … ‘આંઇ નથી લેવું’- એ બધી મારા બાળકની ઘા મને અતિશય મૂંઝવતી હતી. મારી પત્ની એને ચોંટિયા ભરી ભરી છાનો રાખવા કરતી હતી. અંતે મારી ડોશીએ આવીને કહ્યું કે,’ભાઇ, તું-તારે જા, માડી; ઇ તો હમણાં છાનો નહિ જ રહે. તું-તારે જા. સવારે તને નહિ દેખે એટલે આફૂડો છાનો રહી જશે. ને કાલથી એને પંડ્યાની નિશાળે જઇને સોંપી આવશું.’

સૂનમૂન હ્રદયે હું એ સુવાંગ ભાડે કરેલી દાઉદની પાલાગાડીમાં બેઠો. મારી પત્નીનું મોં મેડીના જાળિયા આડે કોઇ કેદીના મોં જેવું જોઇ રહ્યું હશે, એવું મેં કલ્પી લીધું-કેમ કે નીચેથી મેડીના જાળિયામાં કશું જોઇ શકાય તેટલી તાકાત એ ડબાના દીવાના તેજમાં નહોતી રહી.

ta   તમે, ભાઇ, બહુ ખોટીપો કર્યો એક છોકરાના કજિયા જેવી વાતમાં…’ દાઉદે પાલાગાડી હાંકતાં હાંકતાં મને સંભળાવ્યું:’આપણે ટેશનનો આઠ ગાઉનો પંથ કાપવો છે; ને મુંબઇવાળી ગાડી તો સાત બજ્યે આવી જાય છે. બીજી તમામ પાલાગાડીઉ જાતી રહી હશે.’

અમે ઝાંપે આવ્યા ત્યારે એકજ પાલાગાડી ઊભી હતી, ને ત્યાં ધમધમી મચી રહી હતી. અંધારામાં પાંચ-સાત ઘોઘરા અવાજ અફળાતા હતા:

’તમે મારું છડિયું નહિ બેસાડવા દ્યો-એમ?’ એ અવાજ આમદ પાલાવાળાનો હતો.

‘ના, ના;’ એની ગાડીની અંદરથી અવાજ આવ્યો:’ચારની બોલી કરી’તી ને સાત ખડકી દીધાં-ને ઉપરાંત પાછો આ એકને ઘાલવા આવ્યો છે? શરમાતો નથી?’

’તો ઊતરો હેઠા.’

’ઊતરે શેનાં? છ-છ ફ્દિયાં મફત આવે છે? અમે ઉજાગરે મૂઆં એ શું જખ મારવા?’

’અહીં ક્યાં-અમારા માથા ઉપર બેસારીશ?’

’સલોસલ ખડ્ક્યાં છે રોયાએ: જાણે ખજૂરનાં વાડિયાં ભર્યાં ! ‘

’પણ ઇ છડિયું છે કોણ?’

 ‘અરે, ઓલી…’

 ‘ કોણ? ’

‘અત્યારમાં દાતણપાણી કર્યા વગર ક્યં એનું નામ લેવું.બાપા !’

’મૂઇ રાંડ ડાકણ !’

’કોણ પણ !’

’ઓલી મોટા શેઠના ફળિયાવાળી પાનકોર ડોશી.’

’અરે, ભોગ લાગ્યા ! એલા આમદ ! હવે ડાહ્યુ  થઇને ગાડી હાંક,ગાડી; નીકર આ ડાકણના મોંમાંથી વેણ પડ્યું એટલે આમાંથી કો’કનું’ડોશી ! તુંને હવે ક્કાલ  ધનોતપનોત નીકળી જશે. હાંક ઝટ, અક્કલ વગરના ! છડિયું બાંધવામાં જરા સરત રાખતો જા ! તારો બાપ તો આવો અક્ક્લનો ઓથમીર નો’તો. કોઇ ન મળ્યું તે આ પાનકોર ડાકણ મળી તને? આ લે: તારે છ ફદિયાંનો લોભ હોય તો લઇ લે અટાણથી જછ ફદિયાંને બદલે બે આના; પણ ઉપાડ ઝટ-ગાડી ઉપાડ હવે.’

‘ડોશી !તુંને હવે કાલ લેતો જઇશ કાલ. અટાણે જઇને સૂઇ રે.’

એટલું કહીને આમદે ગાડાની ઊંઘ ઉપર ઠેક દીધી, રાશ હાથમાં લીધી ને બળદોનાં ઢીંઢાં ઉપર હાથ મૂક્યા-એટલે  ગાડું ધૂળના ગોટા પછવાડે અદૃશ્ય બન્યું.

અંધારામાં એક માનવી, કોઇ ચિતારાએ છાયાચિત્ર આલેખ્યું હોય તેવું, સ્તબ્ધ ઊભું હતું. એના માથા ઉપર એક ડબો હતો, તેનો કુટાયેલો કાળો રંગ સુધરાઇના ઝાંખા ફાનસની પાસે ડોશીની દરિદ્રતાની ચાડી કરતો હતો. એ હતી પાનકોર ડોશી.

બે-ચર માણસો બીડી પીતાં પીતાંપાનકોર ડોશીનું ટીખળ કરતા હતા:

’લ્યો, ભાઇ, પાનકોર તો મુંબઇ જઇ આવી !’

‘પણ,એલી પાનકોર, તને આટલે ગઢ[પણે આ શું સૂઝ્યું? ઘર ઝાલીને બેસીરે’ને !’

અરે, ભાઇ, પાનકોર તો મુંબઇના ભલભલા બાલિસ્ટરોને ભૂ પાઇ દેશે- જોજો તો ખરા !’

’આવે મોટે કામે હાલી છો તું, હેં પાનકોર, ને મોટર ભાડે કરતી નથી?’

અમારી બળદગાડી હજુ બહુ દૂર નહિ હોય ત્યાં જ આટલી બધી વાતો થઇ ગઇ. ગાડામાં બેઠો બેઠો પાલામાંથી હું પછવાડે જોતો હતો કે, પાનકોર ડોશી નામનું એ માનવી મૂંગું મૂંગું અમારી પાછળ ચાલ્યું આવે છે.

પ્રથમ તો મને એ અતિ બિહામણી લાગી. બીકની અસરનુ6 મુખ્ય કારણ પેલા આદમની ગાડીનાં ઉતારુઓએ કરેલી વાતો.’ડાકણ’ શબ્દ મારી સ્મૃતિમાં જ હતો. અંધારે અંધારે મને પાનકોર ડોશીના

દાંત લાંબા લાંબા થતા લાગતા હતા. શાહુડીનાં પીંછાં ની પેઠે પાનકોર ડોશીના તમામ વાળ જાણે

ઊભા થઇ ગયા હોય તેવું ભાસ્યું. પછી વળી મને યાદ આવ્યું કે, એ તો એના માથા ઉપર સામાનનો ડબો છે. મારી છાતીએ સ્વેદ વળતાં હતાં. હું વારંવાર દાઉદને ગાડી ઝડપથી હાંકવા કહેતો હતો; પણ પછવાડે પાનકોર ડોશી ચાલી આવે છે તેથી હુ6 બીઉં છું,એવું કહેવાની મારી હિંમત નહોતી.

મને થયું કે પાનકોર મારી પાછળ  જ પડી છે. મેં ગાડીના પાલામાં એકલા પડ્યાં પડ્યાં, ઉનાળાનો બાફ હોવા છતાં, માથા ઉપર કામળ ઓઢી લીધી.

થોડી થોડી વારે અકળાઇને કામળ ઉઘાડી હું પાછળ જોતો, તો પાનકોર હાજર ને હજર હતી. હવે તો એણે ગાડીનું ઠાઠું પણ પકડ્યું હતું. મેં મારા હ્રદયમાં ને હ્રદયમાં મારા બાળકની રક્ષા માટે ‘ગાયત્રી’ રટવા માંડી. એમ પણ બોલાઇ ગયુ6 કે,’હે ડાકણ ! તારા દાંત પાડે હડમાન…’

આ શબ્દોએ દાઉદનું ધ્યાન ખેંચ્યું:’કોણ છે?કોના દાંત પાડવાનું કહો છો-હેં શેઠ?’

’કોઇક ગાડીને ઠાઠે વળગ્યું આવી છે, દાઉદ…’ મારો સ્વર માંડ માંડ નીકળ્યો.

કૂદકો મારીને દાઉદ નીચે ઊતર્યો; ગાડીના આડામાં લટકાવેલું ધુમાડિયું ફાનસ ઉતારીને પછવાડે ગયો.’એલી, કોણ છો તું?’ કહીને ફાનસ ડોશીના મોં સામે ધરવા જાય છે-ત્યાં પવનનો ઝપાટો આવ્યો: દીવો ઠરી ગયો.

‘અરે ભાઇ, હું પાનકોર છું:’ અંધારામાંથી પેલો અવાજ નીકળ્યો-જેવો અવાજ કાઢીને વગડાનો પવન કોઇ ડુંગરની ખીણમાં હૂ-હૂ કરે છે.

‘ડોશલી !’દાઉદ બહાદુર બન્યો: ‘શા સાટુ મારી ગાડીને ઠાઠે વળગી આવછ?મારા ઢાંઢા ટૂંપાય છે. ક્યાંક ઢાંઢાને ભરખતી નહિ , માવડી ! આઘી હટ.’

’અરે, ભક ! ઠાઠું ઝલીને પાંચ ગાઉ તો ચાલી નાખ્યું. હવે ટેશન સુધી પોગવા દેને, દીકરા !’ ડોશી કરગરી.

’મેલી દે મેલી હવે; નીકર હવે એક અડબોત ભેળા બત્રીસ દાંત ખેરી નાખીશ;’ કહીને દાઉદે પાનકોરનો હાથ ઠાઠા પરથી ઝટકાવી નાખ્યો.

ડોશીનો આધાર જતાં એ જમીન પર ઢગલો થઇ ગઇ.

હું હેબતાઇને અંદર પડ્યો હતો. દાઉદ કોઇ પીરપીરાણાંનાં નામ જપતો હોય તેવું દીસતું હતું. પછવાડે હવે કોઇ જ નહોતું એ મેં ચાંદરડાંને અજવાળે સ્પષ્ટ જોઇ લીધું. હું પણ હિમ્મતમાં આવી ગયો. મને પોતાને જ નવાઇ લાગવા માંડી કે, આટલું બધું હુ કેમ ડરતો હતો !

’હુંય મોટો બેવકૂફ જ ને-હેં શેઠ?’દાઉદ હસ્યો.

મેં પૂછ્યું:’કેમ?’

‘ડોશીના બત્રીસ દાંત પાડી નાખવાનું મેં કહ્યું ને !—પણ એને તો

એકેય દાંત ક્યાં રિયો છે હવે !’

’તમે બધાં એને કેમ હુડકારો છો- હેં દાઉદ?’

’અરે, ભાઇ, હુડકારે નહિ ત્યારે શું કરે? ગામ આખાને માથે મોતનો પંજો ફરે છે-પણ આ એંશી વરસની ડોશીથી તો મોત પણ બીતું ભાગે છે ! એના ત્રણ છોકરા ઊડી ગયા: એક પરારની સાલ મરકીમાં, એક અગાઉ તાવમાં, ત્રીજે દીકરે પોર આપઘાત કર્યો.’

’આપઘાત !’ મારાથી ઘોર સ્વરે બોલાઇ ગયું. કોણ જાણે કેમ, પણ સામટા સો જણની ફાંસીના કરતાંય એક જણનો આપઘાત મને વધુ બિહામણો લાગતો.

’આપઘાત તો કરવો જ પડે ના, ભાઇ ! પોતાનું ગજું વિચાર્યા વગર મોટા માણસું સામે વેર બાંધવાનો તો ઇ જ અંજામ હોય ના !’

પછવાડે નજર કરીને દાઉદે બળદોનાં પૂછડાં ફરી એક વાર મરડ્યાં, ને પાછી વાત આગળ ચલાવી:

’મારો બાપ વાતું કરતો કે આ પાનકોર તેર વરસે પરણીને આવી તે વેળા એને નદીએથી હેલ્ય ભરીને હાલી આવતી જોવા બજારને હાટડે હાટડે ટોળાં બેસતાં. ત્રણ વરસમાં એને ત્રણ સુવાવડું આવી, ને ધણી કોગળિયામાં ઊડી પડ્યો. એનાં દેરિયાં-જેઠિયાંએ બધી ઇસ્કામત દબાવી દીધી એમ કે’વાય છે-સાચુંખોટું  ખુદને મલમ. પણ નાનાંટાબરિયાં સોતી પાનકોર દેરિયાં-જેઠિયાંને આંગણે પાંચ દા’ડા લાંઘી.પછી દળણાં દળીને ત્રણે છોકરાને મંડી મોટી કરવા. ગામે એનો પીછો લીધો કે, તારા વરનો દા’ડો જમાડ્ય ને જમાડ્ય. પાનકોર કે’કે, જમો અમારાં લોઇ.

’આ… તેને વળતે દા’ડે જવાનજોધ જેઠને લોહીનાં વમન ચાલ્યાં.  જેઠને લોહીનાં વમનચાલ્યાં.’

‘હેં! ‘મારાથી કહેવાઇ ગયું.

‘હેં શું – ત્રીજે દા’ડે તો હોકો ભરીને હાલી નીકળ્યો ! તે દિવસથી જુવાન પાનકોર ડાકણ કે’વાણી.’

અહીં દાઉદે ફરીથી પીરપીરાણાંને યાદ કર્યા; ચલમ પેટાવી એના ઉપર કશીક ભૂકી ભભરાવી: લોબાનની ધૂંવાડી ભભકી ઊઠી. ‘હાજર સો હથિયાર, ભાઇઅ !’ દાઉદે મને સમજ પાડી: ‘ભૂતપલીત કે ડેણડાકણ હોય તો ભાગે એટલા સારુ, હું તો સમજણો થ્યો ત્યારથી જ,2646 07:30

 લોબાનની પડીકી ભીળી ને ભેળી જ રાખું છું.’

’હં, પછી પાનકોરનું શું થયું?’

’પછી તો , ભાઇઅ, એના ખોરડાની થડોથડ દેરજેઠની ચૂનાબંધ મેડીઉં ખેંચાણી. વછ્કે ભીંસાતી પાનકોર એના ત્રણ છોકરાને ઢાંકીને બેઠી. બેય મેડીઉવાળાએ માન્યું કે પાનકોર અકળાઇને ખોર્ડું છોડી દેશે, એટલે આપણે ત્યાં રસોડાં ઉતારશું. પણ પાનકોર તો વીંછણ જેવી ચોંટી જ રહી. ઓલ્યા કે’કે ખોરડું મૂકી દે. પાનકોરે કહ્યું: લાવો કિંમત. ઓલ્યા કે’કે, આ લે રૂપિયા એકસો. પણ પાનકોર ન માની. આખુ6 ગામ વાત કરતુ6 કે જો ઇ કટકો પાનકોરે દઇ દીધો હોત તો આ જ ગામમાં શી રૂપાળી મેડી બનત ! ગામની શોભા મારી નાખી પાનકોરે. ગામનું નાક ગણાય તેવી ઇ ઇમારતને  પાનકોરે જાણી જોઇને ભૂંડી લગાડી. ગામના અમલદારું, શેઠિયાઉ-અરે, ખુદ દરબારસાહેબ આવીને સમજાવી ગ્યા કે, પાનકોર, ભૂંડી, આ તારાં કુટુંબીઓની મેડી નથી લાજતી, પણ અમારુ6 શહેર લાજે છે. દરબાર કહે કે, દિલ્લીનો હાકમ જોઇને છક્ક થઇ જાય એવી મારી બજારને, પાનકોર, તું એક તારા ઊંહું વાસ્તે મ બગાડ્ય, મ બગાડ્ય. પણ પાનકોરની જિદ્દ છૂટી નહિ. બાપડા જેઠને ઘેર મોરબીના ઝવેરીની જાન આવી ત્યારે આ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું પાનકોરનું ખોરડું જોઇને સહુ લાજી ઊઠ્યાં.’

‘હા, પછી ?’ દાઉદ જરા થંભ્યો એટલે મને વધુ કુતૂહલ થયું.

‘ઇ જાન ત્યાં જમતી’તી ત્યારે, એમ કહેવાય છે કે, પાનકોરને બહાર નીકળવાની બંધી હતી. અંદર પાનકોરનો એક છોકરો રોમે રોમે શીતળાએ વીંધાઇ ગયેલો. પાનકોરે જાળિયામાંથી ડોકાઇને કહ્યું કે,કો’ક ઉઘાડોને…. મારા છોકરાને મૂંઝવણ થાય છે….. વૈદને બોલાવવો છે. ઉઘાડ્યું તો કોઇએ નહિ, પણ જાન જમીને જાનીવાસે ગઇ તરત જ બધાંને ઝાડા-ઊલટી હાલી મળ્યાં. કોઇ કહે કે દૂધપાકમાં ઢેઢગરોળી પડી ગયેલ, ને કોઇ કહે કે નક્કી પાનકોરની નજર લાગી. પછી તો પાનકોરની શીતળાવાળો છોકરો દસમે વર્ષેથી જ આંધળો બન્યો; બીજો છોકરો કોણ જાણે ક્યાંક અસૂરી વેળાએ પીરપીરાણાના ઓછાયામાં આવી જઇ ગાંડો થઇ ગયો; ને ત્રીજાને ભણતરમાં વિદ્યા ચડી ખરી, પણ ચાર અંગ્રેજી ભણીને ઊઠી જવું પડ્યું.પાનકોરના છોકરાનો કોણ હાથ ઝાલે?એના પોતાના જ ધરમના સાધુ એને ત્યાં ભિક્ષા લેવા જાય, તો પાનકોર રોટલીમાં ઘીની ધાર ન કરે. એક વાર તો એક સાધુને એણેમારા પીટ્યા…મારા રોયા કહીને ઘરમાંથી કાઢેલો, લોકોએ ઘણુંય પૂછ્યું કે, પાનકોર, શું થ્યું?પાનકોરે જવાબ ન દીધો, તે આજની ઘડી સુધી નથી દીધો. સાધુએ કહ્યું કે, પાનકોર ઘરમાં બેઠી બેઠી એના દેરના છોકરાને મારવાનું કશુંક ટૂમણ કરતી’તી તે મેં એને ઉપદેશ દેવા માંડ્યો, એટલે ડાકણ ખિજાઇ ગઇ. ત્યારથી પાનકોરનો પાણીછાંટોય લેતું ગામ બંધ પડી ગયું . એક છોકરો આંધળો, એક ગાંડો ને ત્રીજો આ રીતે એની માને લીધે અળખામણો : ત્રણેનાં પેટ ભરવા સારું પાનકોરે હાથમાં દોરડી ને દાતરડું લીધાં. વગડે ઘાસ વાઢવા નીકળી, ને ભરી બજારે ઘસની ગાંસડી લઇ ફાટેલ કાળે સાડલે જેવીતેવી લાજ કાઢી પ્રથમ જે દી ઊભી રહી, તે દી એના કુટુંબીઓમાં તો હાહાકાર બોલી ગ્યો. નાતજાત ને બીજાં વરણ પણ ફિટકાર દેવા લાગ્યાં કે, મોટા ફળીની જુવાનજોધ વિધવા વહુએ શા અવળા ધંધા માંડ્યા ! આ, શેઠ, એમ કરતાં આજ ત્રીસ વરસ વયાં ગ્યાં.’

’ડોશીની ઉમર કેટલી?’ મેં વચ્ચે પૂછ્યું.

’લાગે સિત્તેર, પણ સાચોસાચ પચાસ-પંચાવન, એનો સહુથી મોટો આંધ્ળો આજ જીવતો હોત તો ચાલીસનો હોત, વચેટ આડત્રીસનો. ત્રણેને ડોશીએ હાથોહાથ બાળ્યા: ત્રણેની આગ એણે જ લીધેલી: પોતે એક આંસુય ન પાડ્યું: એવી તો કઠોર કલેજાની ! છોકરા મૂવા ત્યારે નાતજાતમાંથી કોઇ આભડવા નો’તું નીકળ્યું.’

’ત્યારે?’

‘રોજ ખડ વાઢવા જાયને, તે વસવાયાં જોડે વહેવાર થયેલો, એ લોક દે’ન પાડવા આવેલા.’

‘ડોશી રાજકોટ શું જાય છે?’

‘બબડેછે કે, ગવન્ડરને બંગલે જઇને લાંઘીશ.’

‘શી બાબત?’

’આ તમારું હિન્દુઓનું મોટું દંગલ ઊપડ્યું’તું ને સરકાર સામે?’

’તે વખતમાં સરકારી ખાતાઓમાં માણસુંની તાણ હતી. ડોશીના નાનેરા દીકરાએ મામલતદારની કચેરીમાં કારકુની લીધી’તી.’

 ‘ અરે, રામરામ !’

‘ડોશીને કોઇક કહેવા ગ્યાં કે, આ તો સરકારી નોકરીઉ છોડવાનો કાળ છે, ત્યારે તું ડાકણ ઊઠીને જનમભોમનું લૂણ હરામ કરી રહી છો? ડોશી કહે કે, લૂણ ખાવાનોય ત્રાંબિયો નથી રિયો ઘરમાં—ને તમે બધા વાવટા ઝાલી ઝાલી સરઘસું કાઢનારા રોજ હડતાલું પડાવો છો, તે મારે ખડની ભારી કેમ કરી લાવવી? લોકે એના ઘર કને સરઘસ લઇ જઇ ધડાપીટ બોલાવી ડોશીએ બહાર નીકળીને છડેચોક સંભળાવ્યું કે, તમારા વૈકુંઠ શેઠ ને કરસનપરસાદ દેસાઇ ખેડુની ખાલસા જમીનું છાનામાના હરાજીમાંથી રાખી લ્યે છે, પછી બાકી શુંરે’? ડોશી તો રીઢી થઇ ગયેલી, પણ દીકરો આ લોકોની ભીંસ ખમી ન શક્યો. સરઘસવાળાઓએ આવીને જ્યારે એની માની ઠાઠડી બનાવી બાળી, ત્યારે પછી છોકરાના છાકા છૂટી ગ્યા; પાદરના ઝાડ હેઠે ગળાટૂંપો ખાધો. ને ડોશી હવે આવલાં મારે છે- એ છોકરાનાં બે નાનાં બાળ સારું સરકારી જિવાઇ મેળવવા.’

’બે છોકરાંને ઘેર મૂકીને નીકળી છે?’

‘હા, ઇ બેય પણ, ભાઇ, પાનકોરનો વસ્તાર છે ! –પરાક્રમી છે. પાંચ વરસનો છોકરો છે, ને ત્રણ વરસની છોકરી છે. મા તો મરી ગઇ છે.પણ ડોશી ઢેબરાં કરીને મૂકી આવી છે, એ ત્રણચાર દા’ડા ચાલશે. બાકીના દી અરધાં ભૂખ્યાં કાઢી નાખશે, ત્યાં તો ડોશી પાછી વળી નીકળશે.’

હું ચૂપ રહ્યો. થોડી વારે દાઉદે ઉમેર્યું:’એની દયા ખાવા જેવું કાંઇએ નથી, હો ભાઇ ! એ તો પાનકોરની ઓલાદ છે. લલોખંડનાં છોકરાં માનજો. ન મૂંઝાય; આખા ગામની સામે ખોઇમાં પાણકા ભરીને ઊભા રહે-ઇ રકમ છે, બાપા ! ઇ તો પાનકોર ડાકણનાં પોતરાં છે, હે-હે-હે-હે…’

દાઉદનું હાસ્ય એટલું જોશીલું હતું કે જાણે અંધકાર ભેદાયો-ને પ્હો ફાટી.

મેં પછવાડે સડક ઉપર ઘણે દૂર દૂર નજર તાણી. કોઇ દેખાતું નહોતું. મને કહેવાનું મન થયું કે, ‘દાઉદ, ગાડી પાછી વાળશું? પાનકોરને જ્યાં મૂકી છે ત્યાંથી પાછા લઇ આવીએ. ભલે મારે સાંજની ટ્રૈન સુધી રોકાવું પડે.’(3481)

પણ પછી તરત જ મને મારા ક્ષણિક આવેશ ઉપર કાબૂ મળ્યો. મેં વિચાર્યું કે, મારે શું? આવી આવી ડોશીઓ તો ગામોગામ પડેલી છે. એક પણ ગામડું આવી કઠોર અને અકળ જીવન-સંગ્રામ ખેડતી બુઢ્ઢીઓ વગરનું નથી. એ વેઠે છે-કેમ કે એનાં લક્ષણ એવાં છે.

ઘડીક મનસૂબો ઉપડ્યો: આવી આવી ડોશીઓને એકઠી કરીને સરદાર વલ્લભભૈ એકાદ ડોશી-ફોજ બનાવે તો? ગાંધીજી મીઠાના અગર ઉપર આ પાનકોર જેવીને લઇ હલ્લો કરે તો? તો તો બરાબરની જામે: કટકા થઇ જાય તોયે પોલીસની લાઠીને મચક ન આપે-ને જેલમાં પણ ત્રાહિ ત્રાહિ પમાડી દે અમલદારોને !

આમ ઉપયોગિતાની દૃષ્ટિએ આ પાનકોર મને ઘણી ખપની લાગી.’

દેશભક્તો ઉપર કાગળ લખવાનુ6 પણ મન થયું કે, તમારા લાભની વાત છે: આવી ડોશીઓને ભેળી કરીને સરકાર સામે, કોઇ પણ રાજાની સામે, કોઇ પશુવધ કરનારાં મંદિરોની સામે, કોઇ જુવાન સ્ત્રી પિસ્તાલીસ વરસના પુરૂષને પરણતી હોય તેની સામે- હરકોઇ નાના મોટા સત્યાગ્રહની અંદર આની એક ખડી ફોજ ચડાવી દેવા જેવું છે:રાખી લો તો કેવું સારું !

આ વિચારોએ મરી પાંપણો ઉપર મણીકાં મૂક્યાં. ચાલતું ગાડું ઘોડિયા જેવું બની ગયું. બળદનાં ગળાંની ટોકરીઓમાંથી માનાં ‘હાલાંવાલાં’ગુંજ્યાં. હું નીંદરમાં પડ્યો. સ્વપ્નમાં મેં મારા આખા ગામની સેંકડો ડોશીઓ દીઠી: કોઇ કાળાં તો કોઇ શ્વેત વસ્ત્રોવાળી: સાડલામાંથી થીગડાં એટલાં બધાં કે મૂળ કપડું ક્યું તે કળી ન શકાય: કોઇને માથે મૂંડો, તો કોઇને માથે ખરી પડેલાં આછાં ઝંટિયં: બોખા દાંત: સૂકલ આંખો: શૂન્ય દૃષ્ટિ : ખોળામાં નાનાં નાનાં અનાથ છોકરાં: પાણીમાં ઝબોળીને સૂકા રોટલાના ટુકડા પોચા કરે છે ને મોંમાં મમળાવે છે: સામે સાક્ષાત્ જમદૂતો  ઊભેલા છે, તેની કરડી નજરથી ખોળાનાં છોકરાંને સાડલામાં લપેટી છુપાવી રાખે છે.

સેંકડો એવી ડોશીઓના જૂથમાંથી ધીરે ધીરે એક જ ડોશીરૂપ બંધાયું. ઘડીક એ ડોશી મટીને મારું ગામ દેખાય, ઘડીક ગામ મટીને ડોશી દેખાય: ગામ અને ડોશી એકાકાર બની ગયાં.

’શેઠ, જાગો જાગો હવે ! આમ તો જુવો !’

એ દાઉદના અવાજે મને જાગ્રત કર્યો ત્યારે સ્ટેશન આવી ગયું હતું ને લોકોની ઠઠ જામીને હસાહસ ચાલી હતી.

ઊંચા થઇને મેં જોયું તો એક રબારી ઊંટને ઝોકારતો હતો. ઊંટની પાછલી બેઠક પર પાનકોર ડોશી બેઠી હતી.

હસતાં લોકો બોલતાં હતા:

’રાંડ ડાકણ આખરે આવ્યે રહી ! ઊંટ માથે બેસીને આવી: છે ને પણ ! શી રૂડી લાગે છે ! આને કોણ પોગે ! જમનેય ભરખી જાય ને !’ ત્યાં તો મારી ટ્રેઇન આવી લાગી.

================================

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “પાનકોર ડોશી / મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ
  1. pragnaju કહે છે:

    હજુ પણ ન ભૂલાયલી વાત ફરી વાંચી આનંદ

  2. Sarjoo Shah કહે છે:

    હું કેટલા વખત થી ગુજરાતી સાહિત્ય માં ચુડેલ ને ડાકણ ની વાર્તાઓ શોધું છુ. આખિરકાર અત્યારે આ બ્લોગ પર માને એવી એક વાત મળી. આ સિવાય બીજી કોઈ વાર્તા suggest કરી શકશો?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 286,247 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: