તૃણાવર્ત રાક્ષસનો વધ [દશમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા]

TRUNAAVRAT  VADHA

તૃણાવર્ત  રાક્ષસનો વધ

શક્ટાસુરને મારી નાખવામાં આવ્યો તે ખબર કંસને મળ્યા. ફરી પાછોબીજો રાક્ષસ બાલકૃષ્ણને મારવા ગોકુળ મોકલ્યો. યશોદાજી બાલ કનૈયાને સ્તનપાન કરાવતા હતા ત્યાં તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો. તૃણાવર્ત એટલે જોરથી ફૂંકાતો પવન. માતા યશોદા બાળકને દૂધ પિવડાવવામાં મશગૂલ હતા. તૃણાવર્ત હમણા બાળકને લઇ લઉં કરતો જોરથી ધૂળ ઉડાડવા લાગ્યો. યશોદા આંખો ચોળવા લાગ્યા. ત્યાં તો તૃણાવર્ત ભગવાનને યશોદાના ખોળામાંથી ઊંચકી લઇ આકાશમાં ઊડવા લાગ્યો.આકાશમાં જ કનૈયાએ તૃણાવર્તને મારી નાખ્યો. મોટા અવાજ સાથે તૃણાવર્ત જમીન પર પટકાયો.

શુકદેવજી કહે, “ હે પરીક્ષિત ! યદુવંશના પુરોહિત 90 વર્ષના ગર્ગાચાર્ય હતા. તેમની પાસે ઠાકોરજીની નિજ સેવા હતી. દરરોજ ભાવપૂર્વક ઠાકોરજીની સેવા કરે. અંતરના ઊંડાણથી એવી ઇચ્છા રાખે કે ઠાકોરજી પ્રત્યક્ષ આવે અને મારી ધરાવેલી સામગ્રી આરોગે.હરિનું નામ જ ગર્ગાચાર્યનું જીવન હતું. ગર્ગાચાર્ય વસુદેવ-દેવકી પાસે આવ્યા. વસુદેવે ગર્ગાચાર્યની પૂજા કરી અને કહ્યું, “  અમે તમને પગે પડીએ છીએ. આપ અમારા પુરોહિત છો. કૃપા કરી નંદરાયને ઘરે જાવ, અમારા લાલાના જન્મ પછી લાલાને તેમના ઘરે ગોકુળ મોકલ્યા છે. લાલાને આશીર્વાદ આપો. લાલાનું નામ પાડો. ત્યાં જઇ પાછા અહીં આવજો અને ત્યાંના સમાચાર આપજો. અમારી એવી ઇચ્છા છે કે અમારો લાલો તેજસ્વી, પરાક્રમી થાય.” વસુદેવ—દેવકીની વિનંતી સાંભળી ગર્ગાચાર્ય પોતાની નિજ સેવાને બગલમાં દબાવી, ઇશ્વરસ્મરણ કરતાં કરતાં ગોકુળમાં આવ્યા. ગર્ગાચાર્યને જોતાં જ યશોદાએ કહ્યું, “ કોઇ ભગવાનના ભક્ત આંગણે આવ્યા લાગે છે.” નંદરાયે ગર્ગાચાર્યને આવકાર આપ્યો, “પધારો પધારો.” ગર્ગાચાર્યે કહ્યું, “ ઠાકોરજીને ભોગ ધરાવજો.” ગર્ગાચાર્ય કહે, “ મારે રહેવા અલગ વ્યવસ્થા કરી આપો જેથી હું હાથે ઠાકોરજીની સામગ્રી બનાવી ધરાવું.” ગર્ગાચાર્ય પરમ વૈષ્ણવ હતા. અસ્પૃશ્યતા પાળે. સ્નાન કરી રેશમી વસ્ત્ર ધારણ કરી પોતાના હાથે સામગ્રી બનાવી ઠાકોરજીને ધરાવે. નંદરાયે કહ્યું, “ આ સામેનો ઓરડો ખાલી છે. તમારા માટે જ છે. લાલાના જનમ પછી આપ પહેલાવહેલા પધાર્યા છો. ગાયના દૂધ, માખણ, ઘી મોકલાવું છું. આપ નિજ સેવા પતાવો પછી મારા લાલાના જન્માક્ષર જોઇ આપો. અમારો દીકરો કેવો થશે તે આપ કહેતા જાવ, અને તેના નામકરણ સંસ્કારપણ આપ કરતા જાવ.” ગર્ગાચાર્ય કહે, “ભલે, હું મારું નિત્યક્રમ પહેલા પતાવી દઉં.” ગર્ગાચાર્ય નાહ્યા. ઠાકોરજીને નવડાવ્યા. યશોદાજીએ પૂછ્યું,“ આપ ઠાકોરજીને રાજભોગમાં શું ધરાવશો.” ગર્ગાચાર્ય કહે, “ દૂધની સામગ્રી ધરાવશું.ખીરનો રાજભોગ મારા ઠાકોરજી માટે તૈયાર કર્યો છે. ચાલો, પહેલાં તમારાં બાળકોનો નામકરણ સંસ્કાર કરીએ.” ગર્ગાચાર્યે બાળકોને બ્રહ્મસ્મરણ કરાવ્યું,પૂજા કરાવી. નંદરાય કહે, “આ બાળકોના જન્માક્ષર પણ જુઓ. દીકરાઓ કેવા થશે?” પહેલા આ મોટા દીકરાની વાત કરું. ગર્ગાચાર્ય કહે, “મોટાને જન્મ વખતે ખેંચવો પડેલો તેથી સંકર્ષણ કહેવાશે. બળ વધુ તેથી બળદેવ કહેવાશે. આવરદા, પત્ની, બાળકો, ભાઇઅનું સુખ પૂરેપુરું છે. મગજ થોડું ગરમ રહેશે. સોમરસ પીવાની આદત પડશે.

વસુદેવનો નાનો દીકરો વાસુદેવ કહેવાશે. કાળો હોવાથી કૃષ્ણ કહેવાશે. ગુરુ બળવાન છે. પરાક્રમ પ્રમાણે અનેક નામ પડશે. એકથી વધુ સ્ત્રીઓ થશે. દરેક સ્ત્રીને દશ દશ દીકરા થશે. અનેક પરાક્રમ કરશે.” ગર્ગાચાર્ય નામ સંસ્કરણ કરતાં બાલકૃષ્ણની સામે જુએ છે. મારા ઠાકોરજી જેવી જ આંખો છે. અહીં મારા ઠાકોરજી આવ્યા છે એવી મને ભ્રાંતિ થઇ ! ગર્ગાચાર્ય યશોદાજીને કહે, “  હવે હું ઠાકોરજીને રાજભોગ ધરી આવું. રાજભોગ પર વસ્ત્ર ઢાંકી હું યમુનાપાન કરવા જાઉં છું. આવીને આરતી કરીશ અને પછી પ્રસાદ આપીશ. તમારા બાળકો નાના છે. યશોદાજી, ધ્યાન રાખજો, કોઇ ઠાકોરજીની સામગ્રીને અડે નહીં.”

યમુનાપાન કરી ગર્ગાચાર્ય આવ્યા. જોયું તો ઠાકોરજીને ધરાવેલો રાજભોગ અર્ધો થઇ ગયેલો. આ ઘરમાં નાના છોકરાં છે.તેના સિવાય બીજું તો કોઇ ઠાકોરજીને ધરાવેલી સામગ્રીને ન અડકે? કોના પર આક્ષેપ કરવો? ગર્ગાચાર્ય મૌન રહ્યા. પોતે પ્રસાદી લીધી. નંદ-યશોદાને પ્રસાદી આપી. કોણ જાણે અહીં પ્રસાદી ઉત્તમ થઇ. મનમાં વિચારે છે કે આનું કારણ શું હશે? બીજે દિવસે યશોદા મૈયા કહે, “ ગર્ગાચાર્યજી, આજે તમારા ઠાકોરજી માટે શીરો બનાવજો.” ગર્ગાચાર્ય કહે, “ યશોમતી, એક વિનંતી કરું છું, આક્ષેપ નથી કરતો. ગઇકાલે ખીરની તપેલી અર્ધી થઇ ગયેલી. આજે હું યમુનાપાન કરવા જાઉં ત્યારે તમે અહીં ધ્યાન રાખવા બેસજો. કોઇ અંદર ન આવે.” યશોદા કહે, “ હું અહીં બારણામાં લાકડી લઇ ચોકી કરું છું. કોઇ અંદર નહીં જાય.” ગર્ગાચાર્ય યમુનાપાન કરવા ગયા. યશોદાજી ઠાકોરજીને રાજભોગ ધરાવ્યો છે ત્યાં ચોકી કરે છે. ગોવાળિયાઓ કનૈયાને કહે છે, “ કાલે જેમ ખીર આપી હતીને તેમ આજેય અમને આપ.” કનૈયો કહે, “ મૂંગા રહો ! આજે તો મા ચોકી કરવા બેઠી છે. કોઇ યુક્તિ કરવી પડશે.” કનૈયાએ વાછરડાંને છોડી મૂક્યા એટલે ગાયો ભાંભરવા માંડી. યશોદા ગાયો પાસે ગયા એટલામાં ભગવાન અને ગોવાળિયા અંદર જઇ રાજભોગનો શીરો ખાવા માંડ્યા. જલદી જલદી ખાઇ મોઢાં લૂછી નાખ્યા. ગર્ગાચાર્ય હરિસ્મરણ કરતાં કરતાં યમુનાપાન કરીને પાછા ફર્યા. રાજાભોગનું તપેલું અર્ધું થઇ . ગયું હતું. તેમણે યશોદાને પૂછ્યું, “ આમ કેમ ? યશોદાજી કહે, “  હું તો અહીં જ લાકડી લઇ બેઠી છું. પછી આમ કેમ થયું?” ગર્ગાચાર્ય સેવા સાથે હાથ જોડી ઊભા રહ્યા. આંખ બંધ કરી સ્તુતિ કરે છે. “ હે ઠાકોરજી, પ્રત્યક્ષ દર્શન આપો તો જ માનીશ કે મારી સેવા ફળી.” શંખ,ચક્ર. ગદા, પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ સ્વરૂપ, પીળા પીતાંબર પહેરેલાં, કૌસ્તુભ મણિ ધારણ કર્યો છે તેવા વિષ્ણુ ભગવાને પ્રત્યક્ષ દર્શન ગર્ગાચાર્યને કરાવ્યા. તેમણે ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. તેમને  નંદ-યશોદાને કહ્યું.” “ તમારી સંપત્તિ, સમૃદ્ધિ આબાદ રહે. તમારો દીકરો વિશ્વવિખ્યાત થશે.” પછી ગર્ગાચાર્ય ગોકુળથી વૃંદાવન આવ્યા. ત્યાંથી દેવકી-વાસુદેવ પાસે આવ્યા. તેમણે ગોકુળના સમાચાર કહી સંભળવ્યા. શુકદેવજી કહે, “  હે પરીક્ષિત !ભગવાન કૃષ્ણ દેખાવે સુંદા હતા. તેમની પાછળ આખું ગોકુળ ગાંડું થયેલું. ઊઠતાંવેંત ભગવાનનું મ્ઢું જોવા લોકો આવે. બાલકૃષ્ણ પર વહાલથી હાથ ફેરવે, ચુંબન કરે. પોતાને ઘરે લઇ જાય. પરમકૃપાળુ પરમેશ્વર બાલ સ્વરૂપે ધીમે ધીમે મોટા થવા લાગ્યા. ધીમે ધીમે પગે ચાલવા માંડ્યા. આવનાર ગોપગોપીઓના ટોળા ભગવાનની સ્તુતિ કરતા જાય અને કનૈયાને સાથે લેતા જાય. યશોદા-નંદના આનંદનો પાર ન હતો. બાલકૃષ્ણ માખણ આરોગતા. યશોદાજી આપે અને ગોપીઓ પણ આપે. ધીમે ધીમે ગોપીઓ પોતાની સાથે કનૈયાને લઇ જાય. ગોવાળિયાઓ સાથે કનૈયો રમે અને માખણ ખાય. યશોદાજી કાનુડા માટે  સામગ્રી તૈયાર કરે, કનૈયો હજી જમે તે પહેલાં બીજાઓ ભગવાનને લઇ જાય. આખું ગોકુળ ગામ “ બાલકૃષ્ણ લાલકી જય.” પોકારવા લાગ્યું. પ્રેમલક્ષણા ભક્તિથી ભગવાન રીઝે છે. પ્રેમથી ગોપગોપીઓ જે આપે તે ખાય અને ખવડાવે. પરમકૃપાળુ પરમાત્મા ગોવાળિયાઓ સાથે ગોપીઓના ઘરે જઇ માખણ ચોરીને ખાય છે.ગોપીઓ યશોદાને ફરિયાદ કરે છે. યશોદા કહે, “ તમારી વાત સાચી છે. હું જમાડું તે પહેલાં તમે મારા કાનને લઇ જાવ છો, મારે કાનુડાને શોધવા નીકળવું પડે છે. આજે તમારી ફરિયાદ છે.” યશોદાજી ગુસ્સે થઇ ગયા. કાનુડાને આજે ઘરબહાર જવાની મનાઇ કરી. ભગવાન બાલકૃષ્ણની  પ્રકૃતિ ચંચળ.મોટાભાઇઅ બળદેવે માતા યશોદાને કહ્યું, “ આ કનૈયાએ માટી ખાધી છે. તમે તેને આજે માખણ આપ્યું નહીં ને એટલે” કાનુડો કહે, “ મેં નહીં, આ મોટાભાઇએ માટી ખાધી છે.” માતા યશોદા કહે, “  તું જ નટખટ છે. તારા જ પરાક્રમ છે. ઉઘાડ  તારું મોઢું.”  ઠાકોરજીએ મોઢું ઉઘાડ્યું. કાનુડાએ યશોદાજીને સાક્ષાત્ વૈકુંઠના દર્શન પોતાના મોઢામાં કરાવ્યા. યશોદાજીએ ભગવાનને પ્રણામ કર્યા.” શુકદેવજી કહે, “ હે પરીક્ષિત ! ઠાકોરજી હવે ચાર વર્ષના થયા. યશોદાજીએ કાનુડાને ગોવાળિયાઓ સાથે તેઓના ઘરે જવાની છૂટ આપી. તેમને ઘરે જાય. ઘી, દૂધ, માખણ ખાય અને બધા બાળગોપાળ આમ સાથે મળી આનંદ કરે. દરરોજ વારાફરતી જુદા જુદા ગોવાળિયાના ઘરે જવાનું. ઘરે જઇ પ્રેમપૂર્વક દહીં-માખણ આરોગવાના. એક પછી એક બધા ગોવાળિયાનો વારો. આજે એક  ગોવાળિયાનો વારો હતો જેની માનું નામ પ્રભાવતી. ગોવાળિયાએ માને કહ્યું, “ મા ! આવતીકાલે બધા ગોવાળિયાઓ અને બાલ કનૈયો આપણે ઘરે માખણ ખાવા ભેગા થશે. આપણો વારો છે.” પ્રભાવતી કહે, “ ના, આપણે ઘરે નહીં. તમે બધા ભેગા મળી ખૂબ તોફાન મસ્તી કરો છો. ઢોળ- ફોડ કરો છો. આવતીકાલે જવાનું જ રહેવા દે.” ગોવાળિયો કહે, “ મા ! મેં કાનુડાને વચન આપ્યું છે હું તો જરૂર જઇશ અને આપણે ઘેર પણ બોલાવીશ.”

પ્રભાવતી સવારે ચાર વાગ્યે ઊઠી માખણ કાઢી ઊંચે શીકામાં મૂકીને ઘરને તાળું મરી બહાર ચાલી ગઇ. કાનુડા પાસે ગોવાળિયો રડવા લાગ્યો. “ મારા ઘરને મારી મા તાળું મારીને બહાર વઇ ગઇ છે.” કાનુડો કહે, “ ગભરાઇશ નહીં, તારે ઘેર જ આજે

જઇશું અને તારી માએ કાઢેલ માખણ પણ ખાઇશું.” પ્રભાવતી પોતાના ઘર પાછળ ઊભી રહી છે. ઠકોરજીએ પ્રભાવતીના ઘરના તાળાને હાથ લગાડ્યો  અને તાળું ખુલી ગયું. સાંકળ ખોલી કાનુડો ઘરમાં પેસ્યો. ખૂબ પ્રકાશ થયો. ગોવાળિયાએ તેની માતાએ ઊંચે શીકે ટાંગેલુ માખણ દેખાડ્યું..હાથ ઊંચા કરી જોયા પણ ન પહોંચાયું, બાજુમાં પડેલ ખાંડણિયો ઊંધો પાડી કાનુડો તેના પર ચડ્યો. તોયે ન પહોંચાયું. સુદામને ખાંડણિયા પર અંગૂઠા પકડાવ્યા. તેના પર ચડી ગોવાળિયાને કહ્યું,” જો, સામે ડામચિયા નીચે પથ્થર છે તે લાવ.” ગોવાળિયાએ પથ્થર આપ્યો. પથ્થર આપતાં ગોવાળિયો વિચાર કરે છે કે મારા ઘરમાં પથ્થર ક્યાં છે તેની મને ખબર નથી તો આ કાનુડાને કેવી રીતે ખબર પડી ? પથ્થરથી કનૈયાએ દોણી ફોડી, માખણ બહાર ઢોળાયું . કાનુડાએ બધાને ખવડાવ્યું અને પોતે પણ ખાધું. તરત જ પ્રભાવતી ઘરમાં આવી અને ચોર-ચોર બૂમો પાડવા લાગી. કાનુડાનું કાંડુ પકડી કહે, “ આજે યશોદાને પ્રત્યક્ષ કરાવું કે તારો કાનો માખણની ચોરી કરે છે.” ગોવાળિયા બધા રડવા મંડ્યા.કાનુડો કહે, “તમે બધા રડો નહીં. બધા મારી પાછળ આવો.” પ્રભાવતીએ કનૈયાનું કાંડું પકડ્યું છે. પ્રભાવતીના કાકાજી રસ્તામાં મળ્યા. પ્રભાવતીએ ઘૂમટો તાણવા હાથ ઉપર કર્યો. એટલીવારમાં કનૈયો સરકી ગયો અને પ્રભાવતીએ પોતાના જ દીકરાનો હાથ પકડી લીધો.કનૈયો દોડતો દોડતો ઘરે જઇ યશોદા માતાને ફરિયાદ કરવા લાગ્યો કે,  “ મા, મા, પ્રભાવતી મને મારે છે.” ઘરમાં જઇ ગોળી પાછળ પોતે સંતાઇ ગયો. પ્રભાવતી યશોદા પાસે આવી. યશોદા  કહે, “તે મારા કાનુડાને બહુ માર્યો છે, ધમકાવ્યો છે.” પ્રભાવતી હાથ પકડી લાવેલા બાળકને કાનુડો સમજી યશોદાને કહે છે,  “ આ તારો કાનુડો ઘર ઘરમાં જઇ માખણ ચોરે છે, દોણી ફોડે છે અને તોફાન કરે છે.” યશોદા કહે, “ ક્યાં છે મારો કાન? આ તો તારો દીકરો છે પ્રભાવતી ! ઠાકોરજી તો સર્વત્ર છે. માતા યશોદાએ બાલકૃષ્ણને ઠપકો આપ્યો.

પ્રભાવતી પોતના ઘરે ગઇ. ઘરમાં જઇને જોયું તો અનેક જાતનાં ઐશ્વર્ય તો પોતાના ઘરમાં જોયાં. ભગવાન કહે છે, “ મને એકવાર પણ હું તારો છું કહે તે જીવને  હું “અભય” આપું છું.” પ્રભાવતીના પ્રસંગથી ગોકુળ ગામનાં  લોકો ખૂબ પ્રભાવિત થયા. દરેક નાના મોટા માંગલિક પ્રસંગે કાનુડાને પોતાના ઘરે લઇ જવા લાગ્યા.

આજે ગોકુળમાં સુમંગલ નામના બ્રાહ્મણને ઘરે દીકરીનું વેવિશાળ છે. વેવાઇઓ ઘરે આવવાના છે, સુમંગલની પત્નીએ યશોદજી પાસે આવી વિનંતી કરી. આમંત્રણ આપી ગઇ, કે આવતીકાલે સવારે નવ વાગ્યે કાનુડાને અમારે ત્યાં જમવા મોકલજો. યશોદાજીએ કાનુડાને કહ્યું, “ કાના, આવતીકાલે સવારે તારે સુમંગલને ત્યાં જમવા જવાનું છે.” કાન સવારે સુમંગલને ત્યાં પહોંચી ગયો. જેવો કાનુડો આવ્યો કે તરત કરેલી ગાદી પર બેસાડ્યા. પૂજા કરીને પછી  સામગ્રી આરોગવા માટે ધરી. ભગવાનને જમાડવામાં હરખઘેલ થયેલા. ભૂલથી લાપસીમાં મીઠું અને દાળમાં સાકર નાખી દીધી. જેવા વેવાઇ આવ્યા કે ભગવાન ઊભા થઇ ગયા. વેવાઇને આવકાર આપ્યો. ગાદી પર બેસાડ્યા. ગોળનું પાણી આપ્યું. વેવાઇ પૂછવા લાગ્યા કે,” “ આ નાનકડો છોકરો કોણ છે?” વેવિશાળની વિધિ શરૂ થઇ અને કનૈયો છૂ થઇ ગયો. અમે ત્રીજા દીકરાનું સગપણ કરીએ છીએ. બધે સામગ્રી આરોગી છે પણ તમારી સામગ્રી ખાતાં પેટ ધરાતું નથી ! શું કારણ? સમજાતું નથી.”

પવિત્ર ભાવના અને પ્રેમથી ભગવાન બગડેલાં  કામને પણ સુધારી દે છે. શીરામાં મીઠું નખાયું પણ કનૈયાની કૃપાથી શીરો અધિક મીઠો બની ગયો.

બાલ કનૈયો વૃજમાં અનેક પ્રકારના  તોફાન કરે છે. ગોપીઓ યશોદાને ફરિયાદ કરે છેકે,  “ માતા યશોદા તમરા કાનુડાને વારો.” યશોદા કહે છે, “ આવવા દો કાનને સાંજે.” કનૈયો સાંજ પડે ઘરે આવ્યો કે તરત જ યશોદાજીએ હુકમ કર્યો, “ કાલે તારે ગોવાળિયાઓ સાથે જવાનું નથી.” કાનુડો ઘરે રહ્યો. ગોવાળિયા કાનુડાને બોલાવવા ઘરે આવ્યા.  “ હે કનૈયા ! દરરોજ તું માખણ આપે છે તેવુ6 આજે પણ માખણ ખાવું છે. તું આવ અને અમને માખણ ખવડાવ.” કાનુડો કહે, “ કાલે મારે ઘેર માખણ ખાવાનો વારો. કાલે બધા અહીં મારે ઘેર આવજો. “ ગોવાળિયા કહે,” “ તને તો માએ બાંધ્યો છે, તો તું શી રીતે માખણ આપીશ?“ કાલે વાત. કાલે વહેલી સવારે બધા આવજો. અને બારી પાસે ઊભા રહેજો.” સવારે યશોદા માએ વહેલા ઊઠી કાનુડાને નવડાવી શણગાર કરી શયનખંડમાં બેસાડ્યો. મા યશોદા ગોળીમાં રવાઇ નાખી દહીં વલોવવા લાગ્યા. ગોવાળિયા બારી પાસે આવી કાનુડાને બૂમ પાડે છે. કાનો કહે,  “ મૂંગા રહો, મા સાંભળી જશે.” શયનખંડમાંથી ધીરે ધીરે કાનુડો મા જ્યાં વલોણું કરતી હતી ત્યાં આવ્યા. મા યશોદાએ બાલકૃષ્ણને ખોળામાં બેસાડ્યા. માખણ તૈયાર થઇ ગયુ હતું, બહાર કાઢવાનું જ બાકી હતું. મા સામે મૂકેલું ચૂલા પરથી દૂધ ઉતારવા  ગયા. તેટલીવારમાં કાનુડાએ ગોળીમાંનું તૈયાર થયેલું માખણ ગોવાળિયાઓને ખવડાવી દીધું. કનૈયો કહે,  “ હવે પેટ ભરાઇ ગયું હોય તો અહીંથી છૂ થઇ જાવ.”  કનૈયાએ ગોળીને પથ્થર માર્યો, ગોળી ફૂટી ગઇ. છાશનો રેલો યશોદાના પગ પાસે આવ્યો. યશોદાને ખ્યાલ આવતાં જ બોલ્યા, “ લોકોની ફરિયાદ સાચી છે. આજે મને પ્રત્યક્ષ અનુભવ થયો.” પરીક્ષિત પૂછે છે પથ્થર કેમ માર્યો?” શુકદેવજી કહે, “ કાનુડાને યશોદામાએ  ખોળામાંથી, ઊભરાતા દૂધને ચૂલા પરથી ઉતારવા બાજુ પર બેસાડ્યો. કાનુડાને રીસ ચડી. માને મારા કરતાં દૂધ વધારે વહાલું  લાગ્યું? “ હે પરીક્ષિત ! “ ગોવાળિયાઓએ ઠાકોરજી પાસે માખણ માંગ્યું. ઠાકોરજીએ જાણ્યું કે મા યશોદાનું પૂણ્ય ખૂબ છે. તેણે સૌ ગોવાળિયાઓને વહેંચી આપ્યું.”  

નોંધ: નળકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર ની કથા  ટૃંક સમયમાં મૂકાશે.

           

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,742 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
મે 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: