રામાવતાર // નવમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા

RAAMAAVATAR

રામાવતાર

નવમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા

પરશુરામના નામથી ક્ષત્રિયો ધ્રૂજતા હતા. પરશુરામે એક પોતાનું ધનુષ્ય જનક રાજાને ભેટ આપેલું અને કહેલું ,હે રાજા, મારું આ ધનુષ્ય કોઇ તોડે નહીં.

જનકરાજાએ નક્કી કર્યું કે આ ધનુષ્ય કોઇની તાકાત નથી કે તોડી શકે પણ કોઇ ધનુષ્યને તોડે નહીં પણ ચડાવે તેને હું મારી દીકરી સીતા પરણાવીશ. અનેક રાજાઓ સીતા સ્વયંવરમાં આવ્યા. આ ધનુષ્યને પણછ ચડાવવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. જનકરાજા કહે, મને લગે છે કે ધરતી પર નરવીરો રહ્યા જ નથી? રાજાઓમાં પહેલાના જેવી શૂરવીરતા રહી નથી?  આ વાત ચાલે છે ત્યાં રામ લક્ષ્મણને લઇ વિશ્વામિત્ર જનકના દરબારમાં આવીને રામને ધનુષ્ય ચડાવવા કહ્યું, રામે ધનુષ્યને ફૂલને ઉપાડતા હોય તેમ ઉપાડી લીધું. ઉપાડતાંની સાથે જ ધનુષ્ય તૂટી ગયું.  ધનુષ્યના તૂટવાનો અવાજ પરશુરામે સાંભળ્યો. દોડ્તાં દોડતાં જનકપુરીમાં આવ્યા. સીતા અને રામનાં લગ્ન થઇ ગયા હતા. પરશુરામને જોઇ દશરથ રાજા પણ થરથર ધ્રૂજવા લાગ્યા. એકવીસ વખત જેણે ક્ષત્રિયોનો સંહાર કર્યો છે એનાથી ક્યો ક્ષત્રિય ન ડરે? દશરથે રામને કહ્યું,પરશુરામ ગુસ્સે થયા છે. રામે ખૂબ ધીરજથી જવાબ આપ્યો, હે મુનિ ! તમે નાહકના હ્રોધ ન કરો. તમારું ધનુષ્ય તૂટી ગયું તેમાં મારો વાંક નથી. અતિશય જૂનું હોવાથી ઉપાડતા વેંત જ તૂટી ગયું પરશુરામ રામની વાત સાંભળી થોડા શાંત થયા. તેણે રામને વિષ્ણુનું ધનુષ્ય આપ્યું અને કહ્યું આ વિષ્ણુના ધનુષ્યને ચડાવી બતાવ. રામે વિષ્ણુનું ધનુષ્ય પણ પળવારમાં ચડાવી બતાવ્યું. પરશુરામ રામના પગમાં પડ્યા. પરશુરામને સમજાયું કે હવે આ જગતમાં મારું કાર્ય પૂરું થાય છે. રામે પરશુરામને કહ્યું,મેં વિષ્ણુનું ધનુષ્ય ચડાવ્યું પણ મારું ક્યાં? રામનું બાણ એળે ન જાય. પરશુરામે કહ્યું,  હે રામ તારું ચડાવેલું બાણ ઉત્તર દિશામાં માર. હું પણ ઉત્તરમાં જ જાઉં છું. પરશુરામ ચાલ્યા ગયા. કહેવાય છે , પરશુરામ કર્મથી હજી પણ જીવે છે. પરશુરામ ગયા અને રામ આવ્યા.

શુકદેવજી કહે, હે પરીક્ષિત ! હવે હું તને ભગવાન રામની કથા કહીશ. બાહુક નામે એક રાજા હતા. દુશ્મનોએ તેનું રાજ્ય જીતી લીધેલું. તેથી પોતાની પત્ની સાથે વનમાં ચાલ્યા ગયા. વનમાં દુશ્મનોએ રાજા બાહુકને મારીનાખ્યા. જંગલમાં તેની રાણી પતિ પાછળ સતી થવા તૈયાર થયા. તે જ વખતે એક ઋષિઓનું ટોળું ત્યાં આવ્યું. તેઓએ જોયું કે એક સ્ત્રી પોતાના પતિ પાછળ સતી થવા તૈયાર થઇ છે, સ્ત્રી સગર્ભા છે. ઋષિઓએ કહ્યું, સ્ત્રી સગર્ભા હોય તે સતી ન થઇ શકે. ગર્ભ કાઢી લીધા પછી જ સતી થઇ શકે. રાણીએ બાળકને જન્મ આપ્યો. બાળકનું નામ સગર રાખ્યું. ગર એટલે ઝેર . સગર એટલે ઝેરવાળું આમ ઝેર આપીને જેનો જન્મ થયો તેથી સગર કહેવાયો. સગર મોટો થયો. તેણે એક યજ્ઞ કર્યો. ઇન્દ્રે સગરના ઘોડાને બાંધી દીધો. સગરના દીકરાઓ ઘોડો શોધવા નીકળ્યા. પાછા વળતાં કપિલના આશ્રમ પાસે યજ્ઞનો ઘોડો જોયો, તેમણે કપિલ મુનિનું અપમાન કર્યું. એ અપરાધથી અનાયાસે બળીને ભસ્મ થઇ ગયા. આ અકાળે મરેલા દીકરાઓની સદ્ ગતિ કરવા માટે ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવી જરૂરી હતી કારણકે આ સગરના દીકરાઓની ભસ્મ પર ગંગાજળનો છંટકાવ કરવામાં આવે તો જ સદ્ ગતિ થાય.

સગર રાજાની ત્રીજી પેઢીએ ભગીરથ રાજા થયા. તેમણે પોતાના પિતૃઓના ઉદ્ધાર્માટે ગંગામાતાનું તપ કર્યું. ગંગાજી ભગીરથ રાજા પર પ્રસન્ન થયા. ભગીરથે કહ્યું, હે માતા ! અમારા પૂર્વજોના ઉદ્ધાર માટે આપ પૃથ્વી પર પધારો. ગંગાજી કહે, મારો વેગ એટલો બધો છે કે મને પૃથ્વી પર ઝીલનાર કોઇ નહીં હોય તો પાતાળમાં પહોંચી જઇશ. ભગીરથ રાજાએ શિવજીની આરાધના કરી ,શિવજી પ્રસન્ન થયા અને ગંગાજીના વેગને શિવજી પોતાના મસ્તક પર ઝીલવા તૈયાર થયા. ગંગાજી કહે, મારા પવિત્ર જળમાં પૃથ્વીવાસીઓ સ્નાન કરશે અને મારું જળ અપવિત્ર થશે. તેથી મારી ઇચ્છા પૃથ્વી પર આવવાની નથી. ભગીરથે કહ્યું, ભગવાનને હ્રદયમાં ધારણ કરનાર સંતો તારામાં સ્નાન કરશે ત્યારે ભગવદ્  ચરણસ્પર્શથી તારાં તે પાપ દૂર થઇ જશે. ગંગાજી તૈયાર થયા. શિવજીએ પોતાની જટા છૂટી મૂકી. ગંગાજી શિવજીની જટામાં પ્રથમ આવ્યા તે પછી સૌથી પહેલાં પૃથ્વી પર હરિદ્વારમાં આવ્યા, જ્યાં સગરના દીકરાઓ બળી ગયા હતા તે જગ્યા પર ગંગાનાં પાણી ફરી વળ્યાં. સગરના દીકરાઓનો ગંગાજીના પાણી અડતાં જ ઉદ્ધાર થયો. ભગીરથ રાજાએ ગંગાને પૃથ્વી પર ઉતાર્યા તેથી ગંગાનું નામ ભાગીરથી પડ્યું. પરીક્ષિત કહે, હે શુકદેવજી ! તમે મને હવે શ્રીરામની કથા કહો.. શુકદેવ કહે, સગર વંશમાં એક દિલીપ નામે રાજા થયા. તેના પુત્ર રઘુરાજા. રઘુનો અજ અને અજને ઘરે દશરથનો જન્મ થયો, અને દશરથ રાજાને ઘેર રામે જન્મ લીધો. પરીક્ષિતે શુકદેવજીને પૂછ્યું, ભગવાન રામે દશરથ રાજાને ઘેર જ કેમ જન્મ લીધો તે મને કહો. શુકદેવજી કહે, હે પરીક્ષિત ! પૂર્વ જન્મમાં દશરથ એક બ્રાહ્મણ હતા. તેર વર્ષની ઉંમરથી તે બ્રાહ્મણપુત્ર દરરોજ એક હજાર આઠ તુલસીપત્ર ચૂંટી ઠાકોરજીને ચડાવી પછી જ ભોજન કરતો. બ્રાહ્મણની ઉંમર પચ્ચીસ વર્ષની થઇ ત્યારે તેના લગ્ન થયા. પોતાની પત્નીને બ્રાહ્મણે પોતાના વ્રતની વાત કરી અને નિયમ સમજાવ્યો. પત્ની પણ પોતાના પતિના વ્રતમાં જોડાઇ. આમ તુલસી વડે આરાધના કરતાં સાત વર્ષ વીતી ગયા. બ્રાહ્મણ હવે બત્રીસ વર્ષનો થયો. એક દિવસ તેની પત્નીએ તેને  પૂછ્યું,   તમે ભગવાનના પરમ ભક્ત છો. હું પણ તમારા નિયમને અનુસરૂં છું પરંતુ આપણે ત્યાં બાળક કેમ નથી? બ્રાહ્મણે પત્નીને કહ્યું, ભૂલી જા. માણસે સતત ઇશ્વર સ્મરણ કરવું એમ કરતાં કરતાં બ્રાહ્મણ ચોપન વર્ષનો થયો. એક દિવસ રાત્રે બ્રાહ્મણને ખૂબ તાવ આવ્યો. પત્નીને કહ્યું, મને ગોદડું ઓઢાડ. આખી રાત તાવ રહ્યો. રોજના નિયમ પ્રમાણે વહેલી સવારે ચાર વાગ્યે ઊઠી સ્નાન કરી તુલસી ચૂંટવા જવાનું . પત્ની કહે,   તાવવાળા શરીરે એકલા જવું ઠીક નથી. હું પણ તમારી સાથે આવું. બ્રાહ્મણે તાવને વિનંતી કરી,  તાવ ! થોડીવાર માટે તું હટી જા ! મારે નિયમ પ્રમાણે ભગવાનની પૂજા કરવી છે. હે ઇશ્વર ! મને શક્તિ આપો. બ્રાહ્મણ તુલસી ચૂંટતાં ચૂંટતાં ઇશ્વરસ્મરણ કરતો હતો. ભગવાનની પૂજા કરવા જતો હતો ત્યાં પત્નીએ કહ્યું, તમને તાવ આવ્યો છે. હું તમારી સાથે આવું. બ્રાહ્મણે પોતાની પત્નીને ના કહી. રસ્તામાં બ્રાહ્મણ જતો હતો ત્યાં બચાવો-બચાવો એવી કોઇ સ્ત્રીની બૂમ તેને સંભળાઇ. બ્રાહ્મણ સ્વસ્થ થઇ કાન દઇ સાંભળવા લાગ્યો. જમણી બાજુથી અવાજ આવતો લાગ્યો. તે જમણી તરફ ગયો. જોયું તો ગુફામાં એક સ્ત્રી પાણી-પાણી કરતી હતી. ઠાકોરજીને ચડાવવાનું જળ તે સ્ત્રીના મોઢામાં મૂક્યું. હજી વધુ આપો સ્ત્રીએ કહ્યુંબ્રાહ્મણે પૂછ્યું,તમે કોણ છો? હું તમને કઇ રીતે ઉપયોગી થઇ શકું? સ્ત્રી બોલી,હું પિશાચિની છું. નીચ કર્મ કરનારી છું. મારો જીવ જતો નથી. સ્ત્રીનું શરીર ઊછળવા લાગ્યું. જીવ જતો ન હતો. બ્રાહ્મણે કહ્યું, આજ દિન સુધી મેંએકાદશી વ્રત કર્યું હોય તો આ જીવ શાંત થાય.. તરત જ તે પિશાચિનીનો જીવ શાંત થયો. શબને અડવાથી સૂતક લાગે. સૂતકમાં ઠાકોરજીની સેવા ન થઇ શકે. આજે બ્રાહ્મણની ઠાકોરજીની સેવા પડી. આજુબાજુથી બ્રાહ્મણોને બોલાવી અગ્નિસંસ્કાર કર્યા. બ્રાહ્મણે અગ્નિદેવને પ્રાર્થના કરી, હે અગ્નિદેવ, મારા આ સગા આવે છે તેનો સ્વીકાર કરો. અગ્નિદેવે બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ ! તેં ભગવાનની નિયમિત નિષ્ઠાપૂર્વક પૂજા કરી છે. તારી પત્ની પુત્રની ઝંખના રાખે છે. આવતા જન્મમાં તુ રાજા દશરથ થઇશ. તારી પત્ની  પટરાણી થશે. ઇશ્વર તારે ઘેર પુત્ર થઇને અવતરશે.

બીજા જન્મમાં બ્રાહ્મણ દશરથ રાજા થયા. તેની સ્ત્રી પટરાણી કૌશલ્યા થયા. દશરથને ત્રણ રાણી હતી. કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. દશરથ અને કૌશલ્યાના સહયોગથી ચૈત્ર સુદ નોમને દિવસે પુનર્વસુ નક્ષત્રમાં પરમ કૃપાળુ પરમાત્મા રામચંદ્રજીનો જન્મ થયો. દશરથ રાજાને ત્યાં ઘણી મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો.તે પછી સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન અને કૈકેયીથી ભરતનો જન્મ થયો.  આમ દશરથ રાજાને ત્યાં ચાર દીકરા થયા. સૌથી  મોટા રામ હતા. રામના જન્મ પછી અયોધ્યામાં વિશ્વામિત્ર દશરથ રાજા પાસે આવ્યા. કૌશલ્યાએ દશરથને કહ્યું,ચારેય રાજકુમારોને વિશ્વામિત્ર પાસે લઇ જઇ તેમના આશીર્વાદ લઇએ. બધા રાજકુમારો વિશ્વામિત્ર પાસે આવ્યા. ચારી વિશ્વામિત્રને પ્રણામ કર્યા. રાજા દશરથે  વિશ્વામિત્રને પ્રણામ કરી પૂછ્યું, હે મુનિ, વિશ્વામિત્ર ! આપને અમે શી દક્ષિણા આપીએ?વિશ્વામિત્રે કહ્યું, જંગલમાં રાક્ષસો યજ્ઞ કરવા દેતા નથી. યજ્ઞમાં અનેક વિઘ્નો નાખે છે. તમારા મોટા બે દીકરાને તે રાક્ષસોનો સંહાર કરવા મારી સાથે મોકલો. દશરથ રાજાએ વિશ્વામિત્રની વાતનો સ્વીકાર કર્યો. રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે મોકલ્યા. વિશ્વામિત્ર વિચારે છે કે આ બે રાજકુમારો પારકી થાપણ છે, તેનું ગમ્મે તેવી  મુશ્કેલીમાં રક્ષણ કરવું પડે અને યોગ્ય સમયે તેના માતાપિતાને પાછા સોંપવા પડે. વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણને ધુર્વિદ્યા શીખવી. અનેક પ્રકારનું જ્ઞાન આપ્યું. રામ-લક્ષ્મણ આશ્રમની ચોકી કરતાં ને જંગલના કનડતા રાક્ષસોનો સંહાર કરતા.

જનકપુરીમાં જનકરાજાને ત્યાં દીકરી સીતાનો જન્મ થયો. સીતા દિવસે દિવસે મોટી થવા લાગી.

ઉંમરલાયક થતાં જનકરાજાએ સ્વયંવર રચ્યો. જનકરાજાને પરશુરામે શિવજીનું એક ધનુષ્ય આપ્યું હતું અને કહેલું કે આ ધનુષ્ય જે ઉપાડે તેની સાથે દીકરી સીતાનાં લગ્ન કરજો. વિશ્વામિત્રે વિચાર્યું, આ સુંદર મોકો છે હું આ બે રાજકુમારોને લઇ સ્વયંવરમાં જઉં.

જનકપુરીમાં સીતાના સ્વયંવરની જાહેરાત થતાં અનેક રાજાઓ આવ્યા. બધાનો સત્કાર કરવા જનક ઊભા હતા. એક વિમાનમાં બેસી રાજા રાવણ પણ આવ્યો. જનકે તેનો સત્કાર કર્યો. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઇ સાદા વેશમાં સ્વયંવરમાં આવ્યા. બન્ને બાળકો જોઇ જનકરાજાએ કહ્યું, આ બાળકો ક્ષત્રિય હોય તો મારી દીકરી તેમને જરૂર પસંદ કરી શકે છે. ક્રમ અનુસાર શિવજીનું ધનુષ્ય તોડવા એક પછી એક રાજાઓ આવ્યા, પણ કોઇ શિવજીના ધનુષ્યને તોડી ન શક્યા. જનક બોલ્યા, શું આ સભામાં કોઇ નરવીર જ નથી? સાંભળતાં જ લક્ષ્મણ ગુસ્સે થઇ ગયા. ઊભા થઇ બોલ્યા,મારા મોટાભાઇઅને ધનુષ્ય આપો. રામે શિવજીના ધનુષ્યને ઘડીના છઠ્ઠા ભાગમાં ટુકડે ટુકડા કરી નાખ્યા. જનકરાજાએ પૂછ્યું,આ શૂરવીર બાળક કોણ છે?  દશરથ રાજા નો દીકરો રામ છે.જનકરાજાએ કહ્યું, દશરથરાજાને ખબર આપો કે શિવધનુષ તોડનાર નરવીર તમારા દીકરા રામને મારી દીકરી સીતા સાથે પરણાવો.

દશરથ રાજા વાજતે ગાજતે જનકપુરી આવ્યા. રામના સીતા સાથે લગ્ન થયા. દશરથ રાજાની છાતી આનંદથી ગજગજ ફૂલી સમાતી ન હતી.

એક વખત કૈકેયીના પિતાએ સંદેશો મોકલ્યો કે દીકરા ભરતને અમારે ત્યાં થોડો વખત મોકલો. ભરતને દશરથ રાજાએ મોસાળ મોકલ્યા.

દશરથ રાજા હવે સાઇઠ  વર્ષના થયા હતા. હાથપગ કાંપવા લાગ્યા હતા. ગુરૂ વશિષ્ઠને કૌશલ્યાએ પૂછ્યું,હે ગુરૂદેવ, રાજા દશરથના હાથ કેમ ધ્રૂજે છે? વશિષ્ઠે કહ્યું,હવે રામને રાજગાદી પર બેસાડો અને રાજા દશરથને નિવૃત થવા દો.

ગુરૂ વશિષ્ઠના કહેવા મુજબ સારો દિવસ જોઇ રામનો રાજ્યાભિષેક કરવાનું દશરથે નક્કી કર્યું. રાણી કૈકેયીની દાસી મંથરા કૈકેયીને કહે છે, હે રાણી મા ! ભરતની ગેરહાજરીમાં રામને દશરથ રાજા ગાદી પર બેસાડશે. હે કૈકેયી ! તમારે રાજા દશરથ પાસે બે વરદાન માંગવાના બાકી છે તે માંગી લો. આજે સારો મોકો છે. એક તો ભરતને રાજગાદી અને બીજું રામને ચૌદ વર્ષનો વનવાસ. રાજા દશરથ સાંજે કૈકેયીની સાથે ભોજન લેવા પધાર્યા. ત્યાં મોકો જોઇને કૈકેયીએ દશરથને યાદ કરાવ્યું કે,મારે તમારી પાસે બે વરદાન માંગવાના છે. આજે મારી ઇચ્છા બન્ને વરદાન માગી લેવાની છે. દશરથે કહ્યું,માગી લે. કૈકેયીએ કહ્યું, પહેલું વરદાન ભરતને રાજગાદી આપો ને બીજું રામને ચૌદ વર્ષ વનવાસ. આવતી કાલે રામ માટે રાજ્યાભિષેકને બદલે વનવાસના કપડા મંગાવો. દશરથને ખૂબ જ આઘાત લાગ્યો. કૈકેયીને કહ્યું, તું વિશ્વાસઘાતી થઇ? તે આ શું માગ્યું?

સવારે દશરથ મોડા પડ્યા. કૌશલ્યા વિચારવા લાગ્યા કે આજે રામનો રાજ્યાભિષેક છે અને આમ મોડા કેમ? દશરથ આવ્યા, પગ લચકાય છે. કૌશલ્યાએ પૂછ્યું, શું થયું? જ્યારે માણસને આઘાત લાગે, દુ:ખ થાય ત્યારે ગળું સુકાય છે. દશરથે પાણી માગ્યું. કૌશલ્યાએ કહ્યું, કુલગુરૂ વશિષ્ઠને બોલાવો. વશિષ્ઠ આવ્યા. બાજુમાં કૌશલ્યા બેઠા છે. દશરથે વશિષ્ઠને કહ્યું, રામનો રાજ્યાભિષેક નહીં થાય. રામે વનમાં જવાનું છે. આ વાત મારે રામને કહેવાની છે. રામને બોલાવો. રામ આવ્યા. દશરથે કૈકેયીએ માગેલા બે વરદાનની વાત કરી. રામે કહ્યું,પિતાજી આપની આજ્ઞા મને શિરોમાન્ય છે. હું વનમાં જવા તૈયાર છું. સમય સમય બલવાનહૈ, નહીં મનુષ્ય બલવાન સુખ અને દુ:ખ બે જોડિયા ભાઇ જેવા છે. બન્ને સાથે જ ચાલે છે. ગઇ કાલે રાજા થનાર રામ આજે વનવાસી થવાના છે.

આજે રામની વનવાસ જવાની તૈયારી ચાલે છે. રામ સીતા સાથે સીતા અને લક્ષ્મણ પણ વનમાં જવા તૈયાર થયા. ત્રણે જણા અયોધ્યા છોડી વનવાસી થયા. રામ અને લક્ષ્મણે વનમાં અનેક રાક્ષસો માર્યા. રામ જતાં દશરથે ભોજનનો ત્યાગ કર્યો. દશરથને ભૂતકાળ યાદ આવવા લાગ્યો. યુવાન બ્રાહ્મણ પુત્ર શ્રવણને હરણ સમજી બાણથી વીંધી નાખેલો, તે યાદ આવ્યુ%ં. શ્રવણના આંધળાં મા-બાપે દશરથને ચોધાર આંસુએ રડતાં રડતાં શાપ આપેલો, હે રાજા દશરથ ! જીવનમાં જુવાન દીકરો જાય ત્યારે માતા-પિતાનું જીવન કેટલું ખાટું થઇ જાય ! અમને અમારો શ્રવણ જતાં જીવન જીવવા જેવું રહ્યું નથી. તારા અંતકાળે અમારા જેવો પુત્રવિયોગ થશે. શાપ આપી શ્રવણના મા-બાપે પ્રાણત્યાગ કર્યો. પુત્રશોકથી દશરથના પ્રાણ ગયા. તેના અંતકાળ વખતે ચાર દીકરામાંથી એકેય દીકરો પાસે નહીં. મોસાળ ગયેલ ભરતને  પિતાના અવસાનના દુ:ખદ સમાચાર મળતાં ખૂબ જ આઘાત લાગ્યો. અયોધ્યા અવી માતા કૌશલ્યાને પ્રણામ કરી ભરતે કહ્યું, હે મા, જો મેં રાજગાદીનો વિચાર સુદ્ધાં કર્યો હોય તો મને બ્રહ્મહત્યાનું પાપ લાગે. ભરત મોટાભાઇ રામ પાસે તપોવનમાં આવ્યા. રામને રાજ્યમાં આવી રાજકારભાર સંભાળી લેવા ખૂબ સમજાવ્યા, પરંતુ રામે કહ્યું,ભાઇ ! પિતાના વચન મુજબ હવે ચૌદ વર્ષ પછી જ હું રાજગાદી સંભાળીશ.ત્યાં સુધી તું અયોધ્યાની સંભાળ રાખજે. ભાર્તે રામની ચરણ-પાદુકા અયોધ્યાની રાજગાદી પર રાખી જવની ભાખરી ખાઇ  રાજ કારભાર સંભાળ્યો.

રામ, સીતા,લક્ષ્મણ વનમાં રહેતા હતા. સોનાના મૃગનો શિકાર કરવા રામ મૃગની પાછળ ગયેલા. સુવર્ણ મૃગ, મૃગ ન હતો, તે રાવણે મોકલાવેલ માયવી મૃગ રાક્ષસ હતો. રાવણ બ્રાહ્મણવેશ ધારણ કરી ભિક્ષાના બહાને આવી સીતાનું હરણ કરી ગયો. રામનું બાણ માયાવી મૃગને લાગતાં માયાવી તે રાક્ષસ બની ગયો અને મરી ગયો. લક્ષ્મણ,લક્ષ્મણ પોકારતો ગયો. આ પોકાર સીતાએ સાંભળ્યો. આ પોકાર સીતાએ સાંભળ્યો. લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણભાઇ, તમારા ભાઇ મુશ્કેલીમાં લાગે છે. તમને બોલાવે છે. તમે રામની મદદે જાવ. લક્ષ્મણ સીતાની કુટિર પાસે લક્ષ્મણરેખા દોરી રામને શોધવા ગયા.

રાવણ બ્રાહ્મણવેશે જ્યારે ભિક્ષા લેવા આવ્યો ત્યારે સીતા લક્ષ્મણરેખા વટાવી બહાર ભિક્ષા આપવા આવ્યા. કે તરત જ રાવણ સીતાને ઉપાડી ગયો. રામલક્ષ્મણ કુટિરમાં આવ્યા. સીતાજી કુટિરમાં ન હતા.ચારેબાજુ તપાસ કરી. તપાસ કરતાં ખબર પડી કે રાવણ સીતાને ઉપાડી લંકામાં લઇ ગયો છે. શ્રીરામે રાવણના ભાઇ વિભીષણ ને બોલાવી રવણને સમજાવવા કહ્યું, સીતાને બળજબરીથી ઉપાડી જવી એ ખૂબગંભીર અન્યાય થયો છે, પણ રાવણ માન્યો નહીં. યુદ્ધ થયું. રામે રાવણને માર્યો. સીતાજીને લઇ આવ્યા. સીતાજી સર્વાંગ શુદ્ધ હતા. સીતાની અગ્નિકસોટી કરી. ચૌદ વર્ષ પૂરા થયા એટલે રામ અયોધ્યા આવવા નીકળ્યા. પુષ્પક વિમાનમાં બેસી રામ-લક્ષ્મણ-સીતા-હનુમાન આવ્યા હતા. રસ્તામાં ભરતને રામના અવવાના સમાચાર આપ્યા. પૂજામાં બેઠેલા ભરતે હનુમાનને જોય. સ્વાગત કર્યું. ભરતે રામ, લક્ષ્મણ, સીતાનું સ્વાગત કર્યું. બધા અયોધ્યા આવ્યા. રામનો રાજ્યાભિષેક કર્યો.

એક દિવસ રામ, લક્ષ્મણ, સીતા રથમાં બેસી જતા હતા, ત્યારે સીતાએ રામને કહ્યું,આપણી આટલી બધી સેવા હનુમાનજીએ કરી તેને તમે કાંઇ ભેટ આપી કે નહીં? રામ કહે, હનુમાનના આપણા ઉપર ઉપકાર એટલા બધા છે કે તેને હું શું આપું? સીતાના ગળામાં અમૂલ્ય  કિંમતની

માળા હતી. સીતાજીએ તે  હનુમાનજીના ગળામાં પહેરાવી દીધી. એમણે ગળામાંથી માળાના મણકા ભાંગવા માંડ્યા.સીતાએ કહ્યું આપ આ શું કરો છો? હનુમાનજી કહે, આ મણકામાં  રામનું નામ ક્યાં છે? સીતા કહે,હનુમાનજી, રામ તો હ્રદયમાં જોઇએ. તરત જ હનુમાનજીએ પોતાની ચાતી ફાડીને રામનાં દર્શન કરાવ્યા.

ગૃહસ્થાશ્રમ ભોગવવાની રામ-સીતાએ શરૂઆત કરી. સીતા સગર્ભા થયા. રામે સીતાને પૂછ્યું,તારી કોઇ ઇચ્છા છે? સીતાએ કહ્યું,મારે પંચવટી જઇ ગોદાવરીમાં સ્નાન કરવું છે. આજે દિનચર્યા કરવા જતાં રામને કાને શબ્દો પડ્યા, હું રામ જેવો નથી જે ભાગી ગયેલી સ્ત્રીને ઘરમાં રાખે. આ શબ્દો સાંભળી અયોધ્યાના રાજા મનોમન નક્કી કરે છે કે મારા રાજ્યને રામરાજ્ય બનાવવું હોય તો મારે પણ ભોગ આપવો પડે. મારે સીતાનો ત્યાગ કરવો જોઇએ. રામે લક્ષ્મણને બોલાવી કહ્યું. સીતાને ઋષિ વાલ્મીકિના આશ્રમમાં મૂકી આવ. સીતાને રથમાં બેસાડ્યા. લક્ષ્મણ સાથે ગયા. સીતાએ લક્ષ્મણને કહ્યું. વીર આર્ય કેમ આપણી કેમ આપણી સાથે નથી આવતાં? લક્ષ્મણે રસ્તામાં સીતાને આખી વાત કરી. સીતાએ રામને સંદેશો કહેવડાવ્યો કે હું અહીં વનમાં મારું જીવન એક તપસ્વિનીની જેમ વીતાવીશ.

રાજમહેલમાં સીતા જતાં રામે ઘીનો દીવો કર્યો. ભોંય પથારીમાં સૂવું, મિષ્ટાન્ન ન ખાવું, બીજા લગ્ન ન કરવાની દીવા સમક્ષ પ્રતિજ્ઞા લીધી.

સીતાજી વાલ્મીકિ ઋષિના આશ્રમમાં લવ અને કુશ એમ બે દીકરાને જન્મ આપ્યો. ઋષિ વાલ્મીકિએ રામાયણની રચના કરી. લવ અને કુશને શસ્ત્ર વિદ્યા અને બીજી અનેક વિદ્યાઓમાં પાવરધા બનાવ્યા. આ બાજુ રામે અયોધ્યામાં અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞના ઘોડને છૂટા મૂક્યા. લવકુશે રામના ઘોડાને બાંધી લીધા. રામ પોતે ઘોડાને બાંધનાર લવકુશ જોડે લડવા આવ્યા. લવકુશને જોઇ રામ મનમાં વિચારે છે કે આ ઋષિકુમારોને જોઇ ધનુષ ચડાવતાં મારા હાથ કેમ ધ્રૂજે છે?વાલ્મીકિ ઋષિએ રામને ઓળખાણ પાડી, આ તમારી મૂડી. વાલ્મીકિએ રામને લવકુશ અને સીતાજીને સોંપી દીધા. રામ, સીતા અને લવકુશને લઇ અયોધ્યા આવવા નીકળ્યા. સીતાજીએ રસ્તામાં ધરતીમાતાને પ્રાર્થના કરી,હે ધરતી મા ! હું તરી પુત્રી છું. મેં કોઇ પાપ કર્યું નથી. તું મને તારામાં સમાવી દે ! ધરતીએ માર્ગ આપ્યો અને સીતાજી ધરતીમાં સમાઇ ગયા.

=======================================

નોંધ: હવે પછી શકુંતલા અને દુષ્યંતની કથા આવશે.   

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,840 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
મે 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: