સમુદ્રમંથન/આઠમો સ્કંધ: શ્રીમદ ભાગવત સંક્ષિપ્ત/હસુમતીબેન મેહતા

AATHMO –TWO

સમુદ્રમંથન

શુકદેવજી કહે: હે પરીક્ષિત ! હવે તને બીજી એક વાતઐશ્વર્યની કરૂં,તે સાંભળ. સ્વર્ગના સ્વામી ઇન્દ્ર એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવા નીકળ્યા. ઐરાવત પર બેસીને જતા હતા. આગળ વાજિંત્રો વાગતા હતા. રસ્તે લોકો ઇન્દ્રને વધાવતાં હતા. રસ્તામાં દુર્વાસા ઋષિ મળ્યા. ઋષિએ ઇન્દ્રને ફૂલની માળા પહેરાવી, આશીર્વાદ આપ્યા, આજે ઇન્દ્રે નવા દાગીના પહેરેલા, દુર્વાસા ઋષિએ આપેલી ફૂલની માળાથી દાગીના દટાઇ જતા હતા. તેથી ઇન્દ્રે ફૂલની માળા કાઢી ઐરાવતના ગળામાં પહેરાવી દીધી. હાથીએ સૂંઢથી માળા ખેંચી કાઢી ને માળા પગ પર મૂકી ચાલવા લાગ્યો. માળા હાથીના પગથી છૂંદાઇ ગઇ, દુર્વાસા ઋષિ તે જ જગ્યાએથી ફરીથી પસાર થયા. પોતાની ઇન્દ્રને આપેલી માળા રસ્તા પર કચડાયેલી જોઇ. દુર્વાસાને આથી ગુસ્સો આવ્યો. ઇન્દ્રને આટલું બધું અભિમાન ! મારી પહેરાવેલી માળા આમ રસ્તા પર ફગાવી દીધી ! ઇન્દ્રને દુર્વાસાએ શાપ આપ્યો, તારૂં સ્વર્ગનું રાજ્ય જશે. તું ભિખારી થઇ રસ્તે રખડીશ. ઇન્દ્ર  રાજાનું રાજ ગયું. બલિરાજાએ લઇ લીધું. કેટલીક વાર ભાગ્ય ચમકે ત્યારે ચાંદીનાં પાત્રોમાં જમવાનું, ગાડી ઘોડામાં ફરવાનું મળે અને ભાગ્ય જ્યારે રૂઠે ત્યારે જમવા પાત્ર પણ ન હોય અને સુવા ઓશિકું પણ ન મળે. જીવનમાં આવું ઘણીયે વાર બને છે.

દેવોનું રાજ્ય જવાથી દેવો મૂંઝાયા. ભગવાન પાસે ગયા અને કહેવા લાગ્યા, હે પ્રભુ  ! અમારૂં રાજ્ય દાનવોએ લઇ લીધું. અમે ખૂબ મૂંઝાયા છીએ. ભગવાન વિષ્ણુએ કહ્યું,આપણે એક નવી જ યોજના ઘડીએ. જે યોજના ઘણો જ પરિશ્રમ માગી લે છે, જે યોજના મુજબ સાગરમંથન કરવું. આ કામમાં તમારે દાનવોનો સહારો લેવો. જગતને વ્યવસ્થિત કરવા સાગરમંથન કરવું જરૂરી છે. સાગરમંથનની કથા એટલે જીવનમંથનની કથા. આ કથાને આપણે માનવીના જીવન સાથે સરખાવીએ. જીવ શિવ થવા પ્રયત્ન કરે છે, પરંતુ માયાને લીધે જીવ થાપ ખાઇ જાય છે અને શિવ થવાનું ભૂલી જાય છે.

હે પરીક્ષિત ! શુકદેવજીએ કહ્યું, હે દેવો સાગરમંથન કરવામાં પહેલા મંદરાચલ પર્વત ઊંચકીને અહીં લાવવો પડશે. તે કાર્યમાં તમારે દાનવોની મદદની અવશ્ય જરૂર પડશે. મંદરાચલ પર્વતને ઊંચકી સમુદ્રમાં નાખવો પડશે. મંદરાચલનો રવૈયો બનાવવાનો. વાસુકી સર્પનું દોરડું બનાવવાનું અને સાગરમંથન કરવાનું. મંથન કરતાં સાગરમાંથી અમૃત નીકળશે. તેનું પાન દેવો કરશે. જેથી જન્મ-મરણના ફેરા ટળશે. આ કાર્યમાં પ્રથમ દૈત્યોનો સહકાર માંગો. દેવ એટલે દૈવી વૃત્તિ અને દાનવ એટલે આસુરી વૃત્તિ દૈવી વૃત્તિ એટલે સાત્ત્વિક વૃત્તિ, રજસ અને તમસ વૃત્તિમાંથી માણસે પ્રયત્ન કરી સત્ત્વ તરફ મનને વાળવું જોઇએ. દૈત્યોના મનની વૃત્તિ અશુદ્ધ હોય છે. દૈત્યોને તમારે આ અમૃતમંથનની વાત કરવાની. દૈત્યોને કહેવાનું કે આપણે સરખા પ્રયત્ન કરી અમૃત મેળવવાનું છે. એક બીજાને ધક્કો મારી મેળવવાની કોશિશ કરવી ન જોઇએ. ભગવાને દેવોને કહ્યું,હે દેવતાઓ, દૌઇત્યોને સાથે રાખી સાગરમંથન કરો. હું તમારી સાથે જ છું. આપણે બધા સાથે મળી સાગરમંથન કરીએ. બોલો, તમારી ઇચ્છા છે? તમારા બધા દૈત્યોને બોલાવો.દૈત્યો કબૂલ થયા.

દેવો અને દાનવોએ સાથે મળી મંદરાચલ પર્વત ઉપાડ્યો. મંદરાચલના વજનથી થોડા દૈત્યો પડવા લાગ્યા, મરવા લાગ્યા. મંદરાચલ દેવો અને દાનવોથી ઊંચકાતો ન હોવાથી બલિરાજાએ કહ્યું,:આ કામ કરવા માટે ભગવાનને બોલાવો. દેવોએ ભગવાનને બોલાવી વાત કરી. બલિરાજા કહે,, હે ભગવાન, તમે આ મંદરાચલ ઉપાડી દરિયામાં પધરાવો. ભગવાને મંદરાચલ ઉપાડી દરિયામાં મૂક્યો અને ભગવાન પાછા જવા લાગ્યા. ભગવાનને જતા જોઇ દૈત્યો કહે,તમે અહીં જ રહો. મંદરાચલને સ્થિર રાખવા-દેવો અને દાનવોએ ઘણી કોશિશ કરી. ગણપોઅતિની પ્રાર્થના કરી. પરમકૃપાળુ પરમાત્માની પ્રાર્થના કરી. પરમાત્માએ બધાની પ્રાર્થના સાંભળી, પોતે કૂર્માવતાર ધારણ કર્યો. કાચબાની પીઠ પર મંદરાચલ સ્થિરકર્યો. વાસુકી સર્પને કહ્યું, આ સાગરમંથનમાં તમને દોરડા તરીકે વાપરીશું. અમૃત નીકળશે તો તમને આપીશું. વાસુકી સર્પ કબૂલ થયા. વાસુકી સર્પનું દોરડું બનાવ્યું. ભગવાને દૈત્યોને કહ્યું, તમે સર્પોના મોઢાં તમારા મોઢાં તરફ રાખજો. દેવો તે વાત માનશે નહીં . તેઓ પોતાના તરફ મોઢાં રાખશે. દેવોએ પોતાના તરફ સર્પોના મોઢાં રાખ્યા. પણ દાનવો માન્યા નહીં. સર્પોના મોઢાં પોતાના તરફ રાખી સાગરમંથન કરવા લાગ્યા. સર્પના મોઢામાંથી ઝેર નીકળવા લાગ્યું. તેથી દૈત્યો ટપોટપ મરવા લાગ્યા. દૈત્યો કહે,અમારે મંથન નથી કરવું. આમાંથી અમૃત ક્યારે નીકળશે? ભાગવાન કહે,મંથન ચાલુ રાખો. અમૃત જરૂર નીકળશે. દેવો અને દાનવો ભગવાનના કહેવા મુજબ સામસામા ઊભા રહી સાગરમંથન કરવા લાગ્યા. દાનવો કહે, હે ઇન્દ્ર, હજી કેટલી વાર? મંથન કરતાં કરતાં સૌ પ્રથમ સોનાનો કળશ નીકળ્યો. કળશ હલાહળ ઝેરથી ભરેલો હતો. બધા કહેવા લાગ્યાનાખી દો-નાખ્જી દો ભગવાને કહ્યું,નાખી ન દેવાય. નાખી દઇએ તો પૃથ્વી પરના બધા જીવો નાશ પામશે. દેવતાઓ ! દૈત્યો ! કોણ પીશે તમારામાંથી? નીચે ઢોળાશે તો જગતનો નાશ થશે. દેવતાઓ જગતના રક્ષણહાર કૈલાસ પર બેઠેલા શંકર પાસે આવ્યા. હે મહાદેવજી ! સમુદ્રમંથન કરતાં હળાહળ ઝેર નીકળ્યું છે. તમે નહીં પીઓ તો જગતનો નાશ થશે. મહાદેવજી જગતના રક્ષણ માટે હળાહળ ઝેર પી ગયા. ન પેટમાં જવા દીધું ન બહાર કાઢ્યું.પોતાના ગળામાં અટકાવી રાખ્યું. આ હળાહળ ઝેરથી મહાદેવજીના ગળાનોરંગ નીલો થઇ ગયો-મહાદેવજી તેથી નીલકંઠ કહેવાયા. ઝેર પીને મહાદેવજીએ હાથ ધોયા. જે ઝેરવાળું પાણી હાથ ધોવાથી જમીન પર પડ્યું તે સર્પ, કાનખજૂરા વગેરે પી ગયા. તેઓની દાઢમાં ઝેર રહી ગયું. બીજી વખત મહાદેવજીએ હાથ ધોયા ત્યારે પાણી કોણે પીધું? જગતમાં ઘણાં એવા લોકો છે જે બીજાની ઉન્નતિ ,પ્રગતિ જોઇ ન શકે એવા લોકોએ આ ઝેરી પાણી પીધું તેથી તેઓની આંખમાં ઝેર આવ્યું.

માનવી ધારે તો શૂન્યમાંથી સૃષ્ટિ પેદા કરી શકે છે. નસીબ યારી આપતું હોય અને કામ કરવાની તૈયારી હોય તો માણસ નરમાંથી નારાયણા થઇ શકે છે.

સાગરમંથન કરતાં કરતાં કામધેનુ ગાય નીકળી. ભગવાન વિષ્ણુએ કહ્યું,કામધેનુને સ્વર્ગમાં મોકલો. કામધેનુને સ્વર્ગમાં મોકલી. તે પછી પારિજાતનાં ફૂલનું ઝાડ નીકળ્યું.પારિજાત્ને પણ સ્વર્ગમાં મોકલવામાં આવ્યું. તે પછી ઉચૈશ્રવા અશ્વ નીકળ્યો. બલિરાજા અને ઇન્દ્ર બન્ની માગ્યો. ભગવાન કહે,ન્યાય કરીએ. સ્વર્ગનું રાજ કોની પાસે છે?બલિરાજા કહે,મારી પાસે છે. ભગવાન કહે,તો તમે લઇ જાઓ. મંથન કરતાં ઐરાવત હાથી નીકળ્યો. ઐરાવત હાથી ઇન્દ્રને આપ્યો. ત્યારબાદ સાગરમાંથી કૌસ્તુભ મણિ નીકળ્યા. મણિ ભગવાને રાખ્યો. બે કલાક સતત મંથન કરતાં સાક્ષાત્ લક્ષ્મીજી નીકળ્યા.લક્ષ્મીજીને મેળવવા દેવો અને દાનવો પડાપડી કરવા લાગ્યા. લક્ષ્મીજી કહે, ઊભા રહો, હું અઢાર વર્ષની થઇ ગઇ છું. મારે જેને વરવું હશે તેને વરીશ. બધા દેવો અને દાનવો લાઇનમાં બેસી જાય. હું જેને કમળમાળા પહેરાવીશ તેની સાથે હું પરણીશ. લક્ષ્મીજી દરેકેદરેક દેવ, દાનવ પાસે જઇ આવ્યા. કોઇ નજરમાં ન આવ્યું. ભગવાન વિષ્ણુ એકદમ ખૂણામાં બેઠેલા. લક્ષ્મીજીએ ત્યાં જઇ ભગવાન વિષ્ણુને કમળમાળા પહેરાવી. ભગવાન કહે, તને આપવા હે લક્ષ્મી ! મારી સાથે કાંઇ લાવ્યો નથી. છતાં હંમેશાં લોકો તારું નામ પહેલાં લેશે. મારૂં નામ તારી પછી બોલશે.ભગવાન લક્ષ્મીજીને વર્યા.ત્યારબાદ સાગરમંથન કરતાં બીજી એક સ્ત્રી મદિરા નીકળી. ભગવાનની સંમતિથી દૈત્યોએ તેને સ્વીકારી. ફરી પાછા દેવો અને દાનવો સમુદ્રમંથન કરવા લાગ્યા. સમુદ્રમાંથી એક અદ્ ભુત દૈવી પુરૂષ પ્રગટ થયા.

તેમના હાથમાં અમૃત કળશ હતો. ભગવાન વિષ્ણુના અંશમાંથી ઉત્પન્ન થયેલ તે પુરૂષ ધન્વન્તરિ નામે પ્રખ્યાત થયા. તેઓ આયુર્વેદ શાસ્ત્રના દૃષ્ટા  હતા. અમૃતથી છલોછલ ભરેલો કળશ જોઇ દૈત્યો તેના હાથમાંથી ઝૂંટવી નાસી ગયા. અમૃત કળશ દાનવો લઇ ગયા તેથી દેવો મૂંઝાયા ને દેવો ભગવાન પાસે ગયા. ભગવાને કહ્યું,તમે મૂંઝાશો નહીં. હમણાં જ હું સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને આવું છું. દાનવોમાં અમૃત માટે અંદરોઅંદર ઝગડો ઊભો કરી તમારૂં કામ સાધી લઇશ. દૈત્યો અમૃત મેળવવા અંદર અંદર ઝગડવા લાગ્યા ત્યારે ભગવાન મનમોહક મોહિની સ્વરૂપ ધારણ કરી જ્યાં દાનવો ઝગડતા હતા ત્યાં આવ્યા. આ અતિ સ્વરૂપવાનસ્ત્રીને અચાનક આવી ચડેલી જોઇ દાનવો તેને કહેવા લાગ્યા, અમારો અંદર અંદર અમૃત પીવા બાબતનો ઝગડો તમે પતાવી આપો.મોહિની કહે, હું એક સ્ત્રી છું. મારા પર તમે શા માટે વિશ્વાસ રાખો છો? બધાએ મોહિનીને ઝગડાની વાત કહી સંભળાવી,અમે દિતિના દૈત્યો અને અદિતિના દેવો માસી-માસીના દીકરાઓ. અમે સાથે મળી સાગરમંથન કર્યું. મંથન કરતાં અમૃતકળશ નીકળ્યો છે. હવે તકરાર અમારા વચ્ચે એમ છે કે અમૃત પહેલા કોણ પીએ? આ અમારી તકરારનું નિરાકરણ કરવા અમે તમને વિનંતી કરીએ છીએ. મોહિનીએ કહ્યું,અરે ! તમે બધા પુરૂષો કહો છો કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. પછી મારી પાસે શા માટે ન્યાય માગવા આવ્યા છો? દેવો અને દાનવો કહે,અમે બધા તારી માફી માગીએ છીએ. મહેરબાની કરી અમારી તકરાર પતાવ. મોહિનીએ કહ્યું , હું જેમ કહું તેમ બધાએ કરવાનું. વચ્ચે કોઇએ દરમિયાનગીરી કરવાની નહીં અને જે કોઇ વછે આવશે તેને હું મારી નાખીશ. દૈત્યોએ મોહિનીને અમૃતકળશ આપી દીધો. મોહિનીએ કહ્યું, બધા દાનવો સ્નાન, સંધ્યા કરી સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરી દેવો અને દાનવો જુદી જુદી લાઇનમાં બેસી જાવ. મોહિની દૈત્યોને પોતાની મોહ પમાડનારી વાણીથી જીતી લઇ દેવોને પહેલાં અમૃત પીવડાવવા માંડી. એક પછી એક દેવોને અમૃતપાન મોહિની કરાવતી જાય છે. સૂર્યની વચ્ચે દૈત્ય રાહુ દેવોના વેશમાં બેસી અમૃતપાન કરતો હતો તે જોઇ સૂર્ય ચંદ્રએ મોહિનીનું ધ્યાન દોર્યું. ભગવાને તરત જ પોતાના સુદર્શન ચક્ર વડે રાહુ દૈત્યનું માથું ધડથી જુદું કરી નાખ્યું. રાહુના મસ્તકને ગ્રહ તરીકે ભગવાને સ્થાપ્યો. રાહુન ધડને અમૃત અડ્યું ન હોવાથી તે નીચે પૃથ્વી પર પડ્યું. ભગવાને વિચાર્યું કે આ દૈત્યોને અમૃત પાવું એટલે સાપને દૂધ પાવા બરાબર છે. દેવો જે હંમેશ ભગવાનની આરાધના કરે છે, દરેક કાર્ય પ્રભુપ્રીત્યર્થે કરે છે તેથી તેઓને જ અમૃત પાઉં.દેવો હંમેશાં પ્રભુનાં ચરણ-કમળમાં આશ્રિત હોય છે, જ્યારે દાનવો પોતાના શરીર,સંતાન ,સ્ત્રીઓ વગેરેનો જ વિચાર કરે છે. આવી સ્વાર્થ બુદ્ધિવાળા હોવાથી ભગવાને દાનવોને અમૃત ન પાયું. દૈત્યોએ અમૃત કળશ નીકળતાં વેંત જ કળશને દેવો પાસેથી ખેંચીને લઇ લીધો અને એકલા જ અમૃત પી જવાની ઇચ્છા રાખી તેથી પણ ઇશ્વર નારાજ થયા અને તેઓને અમૃતથી વંચિત રાખ્યા.

દૈત્યોને અમૃત ન મળ્યું તેથી ગુસ્સે ભરાયા. દેવો સાથે લડવા તૈયાર થયા. દેવોને મારવા લાગ્યા. દેવદાનવોનું મહાભયંકર યુદ્ધ થયું. દૈત્યોને દેવો પણ મારવા લાગ્યા. દૈત્યોના ગુરૂ શુક્રાચાર્ય ત્યાં આવ્યા. બલિરાજા છેલ્લા શ્વાસ લેતા હતા.તેના પર શુક્રાચાર્યે સંજીવની છાંટી. બલિરાજાએ આંખો ખોલી. શુક્રાચાર્યએ કહ્યું,બલિરાજા, મૂંઝાતા નહીં. અત્યારે તમારું રાજ ભલે દેવોએ લઇ લીધું પણ હું તમારી પાસે એક યજ્ઞ કરાવીશ. તમે ત્રિલોકના ધણી થશો. તમારો વેરી ઘરે આવશે. ધીરજ રાખો. દેવતાઓને સ્વર્ગ મળ્યું. ફરી દેવો ઇશ્વરની આરાધના કરવા લાગ્યા.

નોંધ:હવે પછી વામન અવતાર ની કથા ટૂંક સમયમાં અહીં મૂકવામાં આવશે.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 637,283 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 276 other followers

તારીખીયું
મે 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: