part II (Skand:sixth)
વૃત્રાસુરની કથા
ત્વષ્ટાને ખબર પડી કે પોતાના દીકરા વિશ્વરૂપને મારી નાખ્યો છે. ત્વષ્ટાએ દેવતાઓ પાસે જઇ કહ્યું,”અરે દેવતાઓ, તમે મારે ઘેર આવ્યા.મેં તમારી માગણીનો સ્વીકાર કર્યો. મારા દીકરાને આપ્યો. તે આવા અંત માટે? મારું જીવન ખારૂં થઇ ગયું. હું વેર લઇશ.”
વેર લેવા મટે બ્રાહ્મણ ત્વષ્ટાએ યજ્ઞ શરૂ કર્યો. દરેક કામની પાછળ માણસના મનની ઇચ્છા કામ કરતી હોય છે.
”ઇન્દ્રશત્રુ ઉત્પન્ન થાય” તેમ ત્વષ્ટાથી બોલાઇ ગયું.સંકલ્પ પ્રમાણે કામ થાય. એ જ વખતે સાત દહાડાના પ્રયોગ પછી આઠ ફૂટ લાંબો વૃત્રાસુર પેદા થયો. લાલચોળ શરીરવાળો, લાંબી જીભવાળો, ત્વષ્ટાએ દેવતાઓને વૃત્રાસુર સામે લડવા પડકાર ફેંક્યો. દેવતાઓ મૂંઝાયા.” હે ભગવાન ! રસ્તો બતાવો.” ભગવાન કહે,”દેવતાઓ તમે દધીચિ ઋષિ પાસે જાવ. તેના શરીરનાં હાડકાં માંગો. તેમાંથી વજ્ર બનાવો. તે વજ્ર વૃત્રાસુરને મારી શકશે.”
બપોરે બાર વાગ્યે દેવતાઓ દધીચિ પાસે આવ્યા. દધીચિએ કહ્યું,” આવો દેવો મારૂં શું કામ પડ્યું?” દેવતાઓએ કહ્યું,”હે ઋષિ ! રણમેદાનમાં અમારી સામે લડવા વૃત્રાસુર આવ્યો છે. જો તમારા શરીરના હાડકાંનું વજ્ર બનાવીએ તો અમે તેને મારી શકીએ.” દધીચિ સમજી ગયા. જરૂર પડ્યે માણસે બીજાને ખાતર, દેશને ખાતર બલિદાન આપવું જોઇએ. દધીચિએ યોગમાયાનો આશ્રય લીધો. દધીચિના પ્રાણ ગયા. દેવતાઓએ દધીચિનાં હાડકાંમાંથી વજ્ર બનાવ્યું. પહેલો દેવદૈત્યો વચ્ચેનો સંગ્રામ નર્મદા નદીને કિનારે ભરૂચ પાસે થયો. વૃત્રાસુરે દેવોને કહ્યું,”તમારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં ફક્ત સંપત્તિ માટે મારા વિદ્વાન ભાઇ વિશ્વરૂપને તમે મારી નાખ્યો. તેનો હું બદલો લેવા આવ્યો છું.” યુદ્ધ ચાલુ થયું. એકાણું વર્ષના ત્વષ્ટા ઇન્દ્રને મરતો જોવા નર્મદાકિનારે આવીને બેઠા છે. વૃત્રાસુર દેવોને કહે,”તમારો ઘા પહેલો. તમારા પર કૃપાળુ પરમાત્માની કૃપા છે.” દેવતાઓ બાણ છોડવા લાગ્યા. દૈત્યો દોડવા લાગ્યા. વૃત્રાસુરે કહ્યું,” ખબરદાર ! લડતાં લડતાં દોડવું શરમજનક છે. મ્યાન કરો શસ્ત્રો.” કરોડો બાણો દેવતાઓએ વૃત્રાસુર પર ફેંકવા માંડ્યા.-કોઇ જગ્યા ખાલી ન રહી. ભયંકર યુદ્ધ થયું. વૃત્રાસુરે કહ્યું,”હે ઇન્દ્ર ! મને પાંચ મિનિટ આપો. મારે ઇશ્વરની પ્રાર્થના કરવી છે. સફેદ ધ્વજ ફરકાવો. મને શાંતિથી પ્રાર્થના કરવા દો.” યુદ્ધ શાંત થયું. વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી, જે સ્તુતિને “વૃત્રાસુર ચતુ:શ્લોકી” કહેવાય છે. ઇન્દ્ર વિચારવા લાગ્યા, ઇશ્વરની પરમ કૃપા અમારા પર છે છતાં અમને ભગવાન યાદ ન આવ્યા ! વૃત્રાસુર રાક્ષસ હોવા છતાં ભગવાનની સ્તુતિ કરે છે ! ઉત્તમમાં ઉત્તમ સ્તુતિ છે.”
વૃત્રાસુર સ્તુતિ
“હે ભગવાન ! તારી ભક્તિ કરતાં કરતાં ક્યારેય ઉદાસ ન થાઉં. ગમે તે યોનિમાં મારો જન્મ થાય પણ હું તમને ક્યારેય ન ભૂલું. મારા મન અને હ્રદયના ઊંડાણથી હું તમને યાદ કરૂં. હે ભગવાન! નાના બચ્ચાની મા મરી જાય ત્યારે બચ્ચા જેમ ભાંભરે તેમ હું ભાંભરૂં છું. હે ભગવાન ! મરતી વખતે મને તમારા ચરણસ્પર્શનો લાભ આપજો. બોલી ન શકું, ત્યાં ભાન ગુમાવું પણ મારૂં ચિત્ત સતત તમારા ચરણમાં રહે તેવું માંગું છું.
“ગમે તેવી પરિસ્થિતિમાં લાભાલાભનો વિચાર છોડી ઇશ્વરની એક ચિત્તે સ્તુતિ કરવી જરૂરી છે.”
ચાલો ઇન્દ્ર, તૈયાર થાવ.” ઇન્દ્રે કહ્યું,”બે મિનિટ, મને તારી પાસે આવવા દે. મારે તને અભિનંદન આપવા છે.” અમે દેવોએ ઇશ્વરને યાદ ન કર્યા, તમે કર્યા.”
યુદ્ધ કરતાં ઇન્દ્રના હાથીને વૃત્રાસુરે બાણ માર્યા. હાથી લોહીની ઊલટી કરવા લાગ્યો. વૃત્રાસુર કહે, “હે ઇન્દ્ર ! રથ બદલો ત્યાં સુધી બાણ નહીં મારૂં.”
એકવીસ દિવસ સુધી સતત યુદ્ધ ચાલ્યું.બાવીસમે દિવસે દધીચિનાં હાડકાંના વજ્રથી વૃત્રાસુરના બે હાથ કાપી નાખ્યા. વૃત્રાસુર ઐરાવત હાથી સહિત ઇન્દ્રને ગળી ગયો. ઇન્દ્રે વિશ્વરૂપે શીખવાડેલ નારાયણ કવચનો પાઠ કરતાં કરતાં અંદરથી વૃત્રાસુરને ઇન્દ્ર મારતો ગયો. વૃત્રાસુરને મારી ઇન્દ્ર બહાર નીકળ્યા. પુષ્પવૃષ્ટિ થઇ. ત્વષ્ટા રડતાં રડતાં દીકરાની છાતી પર ફૂલ મૂકી કહે છે,” મારૂં જીવન ખાટું થઇ ગયું. મારે બાપ થઇને દીકરાનો અગ્નિસંસ્કાર કરવો? નારાયણ કવચ મારા દીકરાનું કવચ ન બનતાં મારક નીવડ્યું !” દેવતાઓ બધા હાથમાં ફૂલ લઇને ઊભેલા. ત્વષ્ટાએ અગ્નિ પ્રગટાવ્યો. ત્વષ્ટા વિચારે છે જે મારા લાકડા ટાઢાં કરવાનો હતો તેને બદલે મારે તેનાં લાકડા ટાઢાં કરવા પડ્યા !”અગ્નિ પ્રગટાવી ત્વષ્ટાએ વૃત્રાસુરને અગ્નિદાહ દીધો.અગ્નિ પ્રગટતાં જ વૃત્રાસુરના દેહમાંથી તેજ પ્રગટ થયું અને ઇશ્વરમાં મળી ગયું.
ઇન્દ્રના દરબારમાં પ્રતિહારી આવ્યો અને કહ્યું,”મહારાજ એક લોહી નીંગળતી બીજી સ્ત્રી તમને મળવા માંગે છે.” ઇન્દ્રે કહ્યું,”આવવા દો.” સ્ત્રી અંદર ઇન્દ્ર પાસે આવી. ઇન્દ્રે પૂછ્યું,”કોણ છો?” જવાબ મળ્યો,”વ્રહ્મહત્યા.” ઇન્દ્રને બીજી બ્રહ્મહત્યા લાગી. ઇન્દ્ર રાજા ગભરાયા. ગુરૂને પૂછ્યું,”શું કરવું?” બ્રહ્મહત્યાથી ઇન્દ્રને શરીરે કોઢ નીકળ્યો. શુકદેવજી કહે છે,” હે પરીક્ષિત ! કોઇપણ યુદ્ધ દુ:ખદાયક હોય છે. વૃત્રાસુરની સ્તુતિ સાંભળનાર કે ગાનાર પર ઇશ્વરની પરમ કૃપા થાય છે.”પરીક્ષિત પૂછે છે,” હે શુકદેવજી, વૃત્રાસુર રાક્ષસ હોવા છતાં તેને પળે પળે ઇશ્વર યાદ આવતા હતા. તેનું કારણ શું?” શુકદેવજી પરીક્ષિતને ચિત્રકેતુ રાજાનું દૃષ્ટાંત કહે છે.
========================================================
ચિત્રકેતુ રાજાની વાત
ચિત્રકેતુ નામે એક રાજા હતો. તેને અનેક રાણીઓ હતી, છતાં રાજાને એકેય સંતાન ન હતું. રાજાએ તેમના કુલગુરૂ અંગિરાને પૂછ્યું,” હે ગુરૂદેવ, મારે અનેક રાણીઓ હોવ છતાં સંતાન સુખ કેમ નથી?” કુલગુરૂ અંગિરાએ કહ્યું,”હે રાજા,તમારા નસીબમાં સંતાન સુખ નથી. ઇશ્વરની આરાધના કરો.” એક દિવસ ચિત્રકેતુ ભોજન કરતા હતા ત્યાં ગુરૂ અંગિરા આવ્યા. તેણે રાજાને ઉદાસ જોયા.ગુરૂએ રાજાને ઉદાસ હોવાનું કારણ પૂછ્યું. રાજાએ ગુરુંર પ્રણામ કરી કહ્યું,” હે ગુરુદેવ, ગઇકાલે મારા પિતાનું શ્રાદ્ધ હતું. પિંડ મૂક્યા ત્યારે મને પિતૃના નિ:સાસા સંભળાયા,અમારું તર્પણ કરનાર તારી પછી કોઇ નથી !” આ વાત ચાલતી હતી ત્યાં ચિત્રકેતુના પટરાણી આવ્યા. તેમણે ગુરુને પૂછ્યું,”હે ગુરુદેવ,અમારા કોઇના ભાગ્યમાં સંતાન સુખ નથી?” ગુરુ અંગિરાએ ચિત્રકેતુને કહ્યું,”હે રાજા ! બધી રાણીઓને અહીં બોલાવો.” બધી રાણીઓ આવી એટલે ગુરુ અંગિરાએ કહ્યું,”તમારા ભાગ્યમાં પુત્ર સુખ નથી, સાંભળો, જગતમાં પુત્રો ચાર પ્રકારના હોય છે. એક આજ્ઞાંકિત, પિતાનું નામ વધારે, આવો પુત્ર હજારમાં એક થાય છે, બીજો માતાપિતાથી જુદો થાય. ત્રીજો માતાપિતાની સામે થાય, અને ચોથો માતાપિતાને માથે પડે. આમ દીકરોદુ:ખનું કારણ બની શકે છે. ક્યારેક દીકરો મરી જાય તો યુવાન વિધવા વહુની જવાબદારી ઘરડાં માતાપિતા પર આવી પડે છે. જે જવાબદારી ખૂબ વિષમ છે, માટે દીકરાની આશા છોડી તમે સૌ ઇશ્વર-સ્મરણ કરો.”
પણ ચિત્રકેતુ રાજા કહે, “હે ગુરુદેવ ! તમે શક્તિશાળી છો. તમારા પોતાનામાં રહેલી જે શક્તિ છે, તેની મદદથી તમે કોઇ માર્ગ કાઢોઅને એમને પુત્ર થાય તેવું કરો.” ગુરુ અંગિરાએ કહ્યું,” મારા તપની શક્તિથી હું એક યજ્ઞ કરાવું. મારા જપતપની શક્તિથી એક દીકરો તમારે ત્યાં અવતરશે.” ચિત્રકેતુને એક હજાર રાણીઓ હતી. ગુરુએ કહ્યું,”બધી રાણીઓને યજ્ઞમાં બેસાડો.” ગુરુએ રાજાને યજ્ઞ કરાવ્યો. યજ્ઞકુંડમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો. તેઆ હાથમાં સોનાની થાળીમાં ખીર હતી. ગુરુ(66)
અંગિરાએ કહ્યું,” હે રાજા ! લઇ લે આ ખીર, તારી જે રાણી આ ખીર ખાશે તેને પેટે પુત્ર જન્મ લેશે.” રાજાએ યજ્ઞપુરુષના હાથમાંથી ખીરનું પાત્ર લઇ લીધું. હવે પ્રશ્ન થયો આ ખીર કોણ ખાય? બધાએ ભેગા મળી નક્કી કર્યું, પટરાણીએ આ ખીર ખાવી. પટરાણીએ ખીર ખાધી. રાણી સગર્ભા થયા. રાણીને ચાર માસ થયા. ગુરુએ કહ્યું,”હવે મને જવાની રજા આપો. રાજારાણી કહે,”હે ગુરુદેવ ! દીકરાનો જન્મ થશે ને? ગુરુદેવે કહ્યું,”હા, દીકરાનો જ જન્મ થશે.” દસમા મહિનાના દસ દિવસે પટરાણીએ રાજકુમારને જન્મ આપ્યો. રાજાના આનંદનો પાર ન રહ્યો. રાજાએ અનેક દાન આપ્યા. રાજકુમાર સ્વરૂપવાન હતો. ગુરુદેવને પુત્રજન્મના ખબર મોકલ્યા. ગુરુદેવે શુભ આશિષ આપી.
વહેલી સવારે રાજકુમાર ઊઠે ત્યારે પટરાણી રાજકુમારને પ્રેમથી નવડાવે. સુંદર વસ્ત્રાલંકાર પહેરાવી તૈયાર કરે. રાજા-રાણી પુત્રને ખૂબ વહાલ કરે.આમ ચિત્રકેતુનો સંસાર સુંદર રીતે ચાલતો હતો. રોજ રાજા પોતાના દરબારમાં જતા કુંવરને ચુંબન કરે, વહાલ કરે. બધી રાણીઓ પણ હાથ ઊંચા કરે. એક દિવસ દરબારમાં જવાનું મોડું થતાં રાજા રાજકુમારને ચુંબન કરી, રાણીઓને હાથ ઊંચો કર્યા વિના દરબારમાં ચાલ્યા ગયા. બધી રાણીઓને થયું આ રાજકુમારના આવવાથી આપણી કિંમત ઓછી થઇ ગઇ !
બીજે દિવસે સવારે નિત્યક્રમ પ્રમાએ રાજકુમાર ઊઠ્યા નહીં. આજે રાજકુમાર કેમ ન ઊઠ્યા? પટરાણી વિચારે છે, ત્યાં દાસીએ ખબર આપ્યા કે રાજકુમાર ગયા. આ સાંભળી પટરાણીને વજ્રાઘાત લાગ્યો. રાણી ગુસ્સે થઇ ગયા. રાજકુમારનું શરીર જડ થઇ ગયું હતું. ઇર્ષ્યાળુ રાણીઓએ રાજકુમારને ઝેર આપ્યુ હતું. રાજાને સમાચાર મોકલ્યા કે રાજકુમારને લોહીની ઊલટીઓ થઇ અને મરણ પામ્યો. ચિત્રકેતુને વાત માન્યામાં ન આવી. પોતાના પુત્રને મરેલો માનવા ચિત્રકેતુ તૈયાર ન હતા. રાજકુમારનું શબ છોડવા રાજા તૈયાર ન હતા. ગુરુ અંગિરા અને નારદ ઋષિ રાજા પાસે આવ્યા . રાજારાણી ખૂબ કલ્પાંત કરતાં વિનંતી કરવા લાગ્યા કે,”મારા દીકરાને મને એકવાર પાછો આપો. તેને સજીવન કરો.” નારદજી કહે,”હે રાજા, હિંમત રાખો. દીકરાના શબને અગ્નિસંસ્કાર માટે આપો.”રાજા કહે,”નહીં આપું.” નારદ અને અંગિરાએ રાજારાણી બન્નેને સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો. રાણી કહે,” હે ગુરુદેવ! હું કાંઇ બીજું માંગતી નથી, મારો દીકરો એકવાર મારી સાથે વાત કરે. ગુરુ અંગિરા, નારદજી અને એક હજાર રાણીઓ આજુબાજુ બેઠી છે. વચ્ચે રાજકુમારનું શબ છે.(67)
નારદજી બોલ્યા,”હે મહારાણી ! સાંભળો. હું હમણાં કુંવરની જીભ પર મારી ટચલી આંગળી મૂકીશ એટલે કુંવર બોલશે. તે તમે સાંભળજો. હે રાણી આ રાજકુમાર તેના આગલા જનમમાં કોણ હતા તે પણ તમે સાંભળો. રાજકુમાર એક મોટા યોગી હતા. પમાત્મા તેને દર્શન આપવા આવવાના હતા. તે જ ક્ષણે યોગીને વિચાર આવ્યો કે માતાપિતા પોતાના દીકરાને કેમ કરી બોલાવતા હશે? એ એષણા યોગીના મનમાં રહી ગયેલી હોવાથી યોગી તમારે ત્યાં પુત્ર તરીકે આવ્યા.” આટલી વાત કહ્યા પછી નારદજીએ કુંવરના શબ પર ગંગાજળ છંટ્યું. તેની જીભ પર ટચલી આંગળી મૂકી. બાળક રાજકુમાર બોલવા લાગ્યા-“કોણ કોના માબાપ? કોણ કોનો દીકરો? જન્મ મરણ આવે અને જાય.” આટલું બોલી દીકરો પાછો શાંત થઇ ગયો.”
નારદજી કહે,”હે ચિત્રકેતુ તમારું જીવન પૂરું થાય છે. આજથી સાતમે દિવસે તમને ઇશ્વરપ્રાપ્તિ થશે. રાજપાટની અપેક્ષા છોડી ઇશ્વરાઅરાધના કરો. રાણીઓએ કબૂલ્યું કે કુંવરને ઝેર અમે આપેલું. નારદ અને અંગિરાએ કહ્યું,” જે સ્ત્રીઓ આવું કામ કરે તેને સાત જન્મ સુધી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે.” પટરાણીએ બધી રાણીઓને પૂછ્યું,” હે મારી બહેનો ! તમે આવું કામ શા માટે કર્યું, હું તમને ખીર ખવડાવત !” રાણી કહે,”અમને સજા કરો.” રાજકુમારનો અગ્નિસંસ્કાર કર્યો. –રાજકુમારનું તેજ ઇશ્વરમાં મળી ગયું. ચિત્રકેતુ રાજાએ જીવનના શેષ દિવસ એક ચિત્તે ઇશ્વરાઅરાધના કરી. સાતમે દિવસે ચિત્રકેતુને ઇશ્વરના દર્શન થયા, ઇશ્વરે ચિત્રકેતુને કહ્યું” માંગ, માંગ, હું તને શું આપું?” રાજા ચિત્રકેતુ કહે,”હે ભગવાન, મારે કાંઇ જોઇતું નથી.” વિમાનમાં બેસી ચિત્રકેતુ યાત્રા કરવા નીકળ્યા. ચાલતાં ચાલતાં કેદારનાથ આવ્યા. મહાદેવજીના દર્શન કર્યાઆજે શિવજી, પાર્વતી સાથે કૈલાસમાં નૃત્ય કરવા જવાના હતા. શિવજીએ પાર્વતીને પોતાના ખોળામાં બેસાડ્યા હતા ત્યારે જ ચિત્રકેતુ ત્યાં આવી પહોંચ્યા. તેને વિચાર આવ્યો કે પાર્વતીજીને બાજુમાં બેસાડ્યા હોત તો?”પાર્વતીજીએ પાર્વતીજીએ શાપ આપ્યો. “તું રાક્ષસ થઇશ.” પાર્વતીજીએ શિવજીને કહ્યું,” આ રાજાને ઓળખ્યા? મેં તેને શાપ આપ્યો.”શિવજીએ કહ્યું,”હે રાજા, આવતા જન્મમાં બ્રાહ્મણ થઇશ અને તને મોક્ષ મળશે.” આમ પાર્વતી અને શિવજીના શાપ અને વચનથી ચિત્રકેતુ રાજા બ્રાહ્મણ ત્વષ્ટાને ત્યાં વૃત્રાસુર રાક્ષસરૂપે જન્મ્યા. ઇન્દ્ર સાથે લડતાં લડતાં ઇશ્વરની ઉત્તમ સ્તુતિ કરી મોક્ષ ગતિ પામ્યા.” શુકદેવજી કહે,”હે રાજા પરીક્ષિત ! જે પ્રારબ્ધને કારણે કે આવડતને કારણે મળે તેનો બીજાના ભલા માટે સદુપયોગ કરવો જોઇએ.”
બહુજ સુંદર સરાહનીય કાર્ય જે અનેક ભાગવત કથા કારો માટે સદ ઉપયોગી બની રહેશે આપને અમો બેન કથા સમયે યાદ કરશું ભગવાન ભોલે નાથ આપને ખૂબ દીર્ઘ આયુ પ્રદાન કરે અને એવી ભગવદ કોયી એવા ગર્થ પર ફરી થી આપનો વિચાર રજૂ કરો ધન્યવાદ બેન જી