કૃષ્ણ અને કર્ણની મુલાકાત // કૃષ્ણ અને માનવ સંબંધો //હરીંદ્ર દવે

કૃષ્ણ અને કર્ણની મુલાકાત
કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પાનુ 93 થી99

કૃષ્ણ વિષ્ટિ (કૌરવો સાથેની નિષ્ફળ વિષ્ટિ)પછી નગરની બહાર જાયછે,ત્યારે કર્ણને પોતાના રથમાં બેસાડે છે.એ વેળા કર્ણ અને કૃષ્ણ વચ્ચે જે સંવાદ થાય છે એ આપણા યુગમાં રવીંદ્રનાથે અને આપણી ભાષામાં સુંદરમ્ ઉમાશંકર જેવા કવિઓએ પોતપોતાની રીતે કાવ્યસ્થ કર્યો છે. પણ આપણે તો વ્યાસ ભગવાને આલેખેલા કૃષ્ણ-કર્ણ સંવાદ તરફ જ જઇએ. કૃષ્ણ વાતનો પ્રારંભ કર્ણના ધર્મ વિશેના જ્ઞાનથી કરે છે. કર્ણ અધર્મના પક્ષે છે એનું કારણ એ નથી કે ધર્મ શું છે એનો એને ખ્યાલ નથી.કૃષ્ણ એને કહે છે:
ત્વમેવ કર્ણ જાનાસિ વેદવાદાંસનાતનાન,
ત્વં હ્યેવ ધર્મશાસ્ત્રેષુ સૂક્ષ્મેષુ પરિનિષ્ઠિતઃ
(ઉદ્યોગ.138;7)
હે કર્ણ, તું સનાતન વેદવાદને જાણનાર છો. તું ધર્મશાસ્ત્રના સૂક્ષ્મમાં સૂક્ષ્મ મર્મને પણ જાણે છે. કૃષ્ણ કર્ણને પછી તેના જન્મનું રહસ્ય કહે છે. કુંતી અવિવાહિત હતી ત્યારે કર્ણને તેણે જન્મ આપ્યો હતો. પરંતુ શાસ્ત્રવિદ લોકો ‘કાનીન’-વિવાહપૂર્વે જ્ન્મેલા પુત્રનો પિતા કન્યાનું પાણિગ્રહણ કરનાર પુરુષ જ ગણાય એમ કહે છે. એટલે કર્ણ પાંડુપુત્ર છે. એટલે ધર્મશાસ્ત્ર અનુસાર એ યુધિષ્ઠિરનો મોટો ભાઇ હોઇ એ જ રાજા થવાને હકદાર છે. કર્ણને કૃષ્ણ કહે છે: તું કંઇ સૂતવંશી નથી–
પિતૃપક્ષે હિ તે પાર્થા માતૃપક્ષે ચ વૃષ્ણયઃ
(ઉદ્યોગ.138;10)
પિતૃપક્ષે તું પૃથાવંશી છો: માતૃપક્ષે વૃષ્ણિવંશી છો. આવાં બે સમર્થ કુળોની તને સહાયતા છે. કૃષ્ણ કર્ણને કહે છે કે આ જ ક્ષણે તું મારી સાથે ચાલ. પાંડવોને જાણ થશે કે તું કુંતીનો પુત્ર છે તો પાંચ પાંડવો, દ્રૌપદીના પાંચ પુત્રો અને સુભદ્રાનંદન અભિમન્યુ એ સૌ તને પ્રણામ કરશે, તારો ચરણસ્પર્શ કરશે. આટલું જ નહિ–
ષષ્ટે ચ ત્વાં તથા કાલે દ્રૌપદ્યુગમિષ્યતિ
(ઉદ્યોગ.138:15)
વર્ષનો છઠ્ઠોભાગ દ્રૌપદી તને પાંડુપુત્ર માની તારી સેવામાં, તારી સમીપ રહેશે.
પાંડવોના પુરોહિત ધૌમ્ય તારો રાજ્યાભિષેક કરશે. તું રાજા થઇશ.યુધિષ્ઠિર તારો યુવરાજ થશે. ભીમ તને ચામર ઢોળશે. અર્જુન તારો રથ ચલાવશે.અભિમન્યુ તારી સેવા કરશે.અને મારાં સુધ્ધાં અસંખ્ય રાજવીઓ તારા અનુનાયીઓ બનશે. કર્ણ આગળ કૃષ્ણે મૂકેલાં પ્રલોભનો કંઇ નાનાંસૂનાં નથી. રાજ્યલક્ષ્મી એ એક; દ્રૌપદી જેવી કામ્ય ચારુ સર્વાંગી સ્ત્રીનો સહવાસ એ બીજું પ્રલોભન, અને સૌથી મોટું પ્રલોભન તો કૃષ્ણ એના અનુયાયી બને એ હતું ! ભાગ્યે જ કોઇ માનવી સમક્ષ આવાં પ્રલોભનો આવ્યાં હશે. અને પ્રલોભનો માનવી તરફથી મુકાય તો તો બુધ્ધની માફક તેનો પ્રતિકાર કરવો સહેલો છે; કારણકે તે આસુરી પ્રલોભનો છે. પણ આ તો ભગવાન પોતે પ્રલોભનો મૂકે છે.હજી થોડા સમય પહેલાં જ કુરુસભામાં જેના વિરાટ સ્વરૂપનું દર્શન સૌ કોઇએ કર્યું છે, એવા કૃષ્ણ કર્ણને આ કહેછે. કાચાપોચા માનવી માટે આટલું જ પૂરતું છે. એ રાજવીપદ, દ્રૌપદીનું ભર્તાપદ તથા કૃષ્ણનું સખાપદ એ ત્રણ એકસાથે પામે એવો વિરલ યોગ જતો કરે જ નહિ. પરંતુ કર્ણ જુદી માટીનો બનેલો છે. કર્ણ અધર્મના પક્ષે છે, પણ એમાં જ એનો ધર્મ છે. એ મૂલ્યહીન દુર્યોધનનો સાથ કરે છે; પણ એમાં એના જીવનનાં મૂલ્યો રહ્યાં છે. કર્ણ જે ઉત્તર આપે છે એ માનવ સંબંધોના આદર્શ તરીકે યુગોથી ટકી રહ્યો છે, યુગો સુધી ટકી રહેશે. કૃષ્ણે જે કહ્યું તેની પાછળ છળ નથી, પણ સૌહાર્દ, પ્રણય તથા કર્ણનું શ્રેય કરવાની વૃત્તિ છે એ વિશેની પોતાની પ્રતીતિથી કર્ણનો ઉત્તર આરંભાય છે. એટલું જ નહિ, પણ કર્ણ કહે છે–
સર્વ ચૈવાભિજાનામિ પાણ્ડોઃ પુત્રોઅસ્મિ ધર્મતઃ.
( ઉદ્યોગ.139;2)
એ તો બધું જ જાણે છે. પોતે પાંડુનો પુત્ર છે, એટલું જ નહિ પણ ધર્મના સૂક્ષ્મ મર્મના જ્ઞાતા તરીકે પોતાનો દાવો ટકી શકે એમ છે. કૃષ્ણ કહે છે એથી ઘણુંબધું કર્ણ જાણે છે. સૂર્યદેવના અંશથી માતા કુંતીએ તેને જન્મ આપ્યો હતો અને પછી તજી દીધો હતો એનાથી પણ કર્ણ વાકેફ છે. એક તરફ ધર્મશાસ્ત્ર છે.આ ધર્મશાસ્ત્ર અનુસાર કર્ણ જયેષ્ઠ પાંડુપુત્ર તરીકે રાજવીપદ પામી શકે એમ છે. બીજી તરફ માનવસંબંધો છે.કુંતીથી તજાયેલા આ બાળકને અધિરથ અને રાધાએ ઉછેર્યો છે.તેનાં મળમૂત્ર ધોયાં છે.
ધર્મ હમેશાં શાસ્ત્રમાં જ નથી હોતો. માનવસંબંધોમાં વધુ મોટો ધર્મ છે. અધિરથ-રાધાના સ્નેહનો અનાદર કરી કર્ણ ધર્મનું પાલન કર્યાનો દાવો કરી શકે ખરો? અહીં એક સમાંતર વાત યાદ આવે છે. કૃષ્ણના જીવનમાં પણ આ દ્વિધા આવી હતી.કૃષ્ણ વસુદેવ-દેવકીના પુત્ર હતા અને જશોદા-નંદે તેમને પોતાના પુત્ર માની ઉછેર્યા હતા. કૃષ્ણ જ્યારે સમય આવ્યો ત્યારે નંદ-જશોદાને તજી શક્યા, તો કર્ણ અધિરથ-રાધાને તજી કુંતા પાસે, પાંડવો પાસે કેમ ન જઇ શકે? દેખીતી રીતે આ બંને સમાન પરિસ્થિતિ છે.પણ અંદર એક ઘણી મોટી અસમાનતા છે.કૃષ્ણ માટે એક બૃહદ જીવનકાર્યનો સાદ આવ્યો હતો; કંસ, જરાસંઘ,કાળયવન ઇત્યાદિ અધર્મીઓનો નાશ કરવા, પ્રતિકાર કરવા માટે કૃષ્ણે વૃજભૂમિ છોડવી અનિવાર્ય હતી.જ્યારે કર્ણની પરિસ્થિતિ જુદી છે. એની સામે આવો કોઇ પડકાર નથી.વૈભવ, કામ અને સુખની આકાંક્ષાથી જ એ પાલક માતાપિતાનો ત્યાગ કરી શકે એમ છેઅને એટલે જ કૃષ્ણે આ પ્રકારની પરિસ્થિતિમાં જુદો નિર્ણય કર્યો હતો.અક્રૂરના રથમાં બેસી કૃષ્ણ કંટકની પથારી તરફ ગયા હતા.કૃષ્ણના રથપર બેસી કર્ણ સુખની સેજ તરફ જઇ શકે એમ હતો. એટલે જ દેખીતી સમાન પરિસ્થિતિમાં કૃષ્ણે જે નિર્ણય કર્યો,એ એમની રીતે સાચો હતો.કર્ણે જે નિર્ણય કર્યો એ એની રીતે સાચો હતો. કર્ણના નિર્ણયનાં બીજા કારણો પણ છે, એકહે છે–
ન પૃથિવ્યા સકલયા ન સુવર્ણસ્ય રાશિભિઃ,
હર્ષાદ્ ભયાદ્ વા ગોવિન્દ અનૃતં વક્તુમુત્સહે.
(ઉદ્યોગ.139;12)
આ સમસ્ત પૃથ્વી,કે સુવર્ણનો ઢગલો મળે, હર્ષ હોય કે ભય – આવાં કોઇ પણપ્રલોભનો દ્વારા હું અસત્ય બોલી શકું એમ નથી. કર્ણ મૂલ્યભાવનાથી પ્રેરાયેલો છે.એ રાજા છે. તેર વરસથી નિષ્કંટક રાજ્ય કરી રહ્યો છે; એ માટે એ દુર્યોધનનો કૃતજ્ઞ છે. દુર્યોધને પાંડવો સાથે યુધ્ધ કરવા હામ ભીડી છે.કારણકે કર્ણનું એને પીઠબળ છે. અર્જુનની સામે જીતી ન શકે તો પણ ટકી શકે એવો વીર કૌરવોના પક્ષે એકમાત્ર કર્ણ જ છે. એટલે જ કર્ણ કહે છે:’વધ, બંધન, ભય કે લોભથી વિચલિત થઇ ધીમાન એવા ધૃતરાષ્ટ્રપુત્ર સાથે હું અસત્ય વ્યવહાર ન કરી શકું’
આટલું જ નહિ કર્ણ તથા અર્જુન વચ્ચે જે પ્રતિસ્પર્ધી ભાવ સ્થાપિત થયો છે એ જોતાં હવે જો કર્ણ અને અર્જુન યુધ્ધમાં સામસામા ન ઊતરે તો બંનેની અપકીર્તિ થાય એમ છે. આટલું જ નહિ કર્ણ પાંડવોની ધર્મપ્રીતિ જાણે છે,એટલે કૃષ્ણને કહે છે : હું કુંતીપુત્ર છું એ વાત તમે પાંડવોથી છુપાવી રાખજો કારણ કે ધર્માત્મા યુધિષ્ઠિરને જો આની જાણ થશે તો એ મને રાજ્ય સોંપી દેશે. અને મારા હાથમાં એ રાજ્ય આવ્યું તો હું દુર્યોધનને એ સોંપી દઇશ.પછી કર્ણ કહે છે:
સ એવ રાજા ધર્માત્મા શાશ્વતોઅસ્તુ યુધિષ્ઠિરઃ,
નેતા યસ્ય હૃષીકેશો યોધ્ધા યસ્ય ધનંજયઃ.
(ઉદ્યોગ. 139;23)
એ ધર્માત્મા યુધિષ્ઠિર શાશ્વત રાજા બની રહે –જેના નેતા છે હૃષિકેશ, જેનો યોધ્ધો છે ધનંજય. આ પછી કર્ણ અદભુત કાવ્ય રચે છે. આખાયે મહાભારતના યુધ્ધના પરિણામને કર્ણ પોતાની આર્ષદૃષ્ટિથી જુએ છે. એ કહે છે: ધૃતરાષ્ટ્રના ઔત્ર દુર્યોધને શસ્ત્રરૂપી યજ્ઞનું અનુષ્ઠાન આરંભ્યું છે.કૃષ્ણ એ યજ્ઞ કરાવવાવાળા બ્રહ્મા છે એટલું જ નહિ યજ્ઞના અધ્વર્યુ છે. અર્જુન હોતા છે શસ્ત્રવિદ્યાના મંત્રો યજ્ઞના મંત્રો છે, અભિમન્યુ ગ્રાવસ્તોત્ર ગાવાકાળો થશે. વીરોનું રક્ત એનું હવિ બનશે.અને–
યદા દ્રક્ષ્યસિ માં કૃષ્ણ નિહતં સવ્યસાચિના,
પુનશ્ચિતસ્તદા ચાસ્ય યજ્ઞસ્યાથ ભવિષ્યતિ.
(ઉદ્યોગ. 139;46)
હે કૃષ્ણ, સવ્યસાચી અર્જુનથી હણાયેલા એવા મને તમે જોશો ત્યારે મારું મૃત્યુ એ યજ્ઞની પુનશ્ચિતિ સમું હશે. અને કર્ણ જાણે ભવિષ્યમાં દૃષ્ટિ કરતો હોય એમ કહે છે:
દુર્યોધનં યદા હંતા ભીમસેનો મહાબલઃ,
તદા સમાપ્સ્યતે યજ્ઞો ધાર્તરાષ્ટ્રસ્ય માધવ.
(ઉદ્યોગ.139;49)
જ્યારે મહાબલિ ભીમસેનના હાથે દુર્યોધન હણાશે ત્યારે ધૃતરાષ્ટ્રના પુત્રે આરંભેલા આ યજ્ઞની સમાપ્તિ થશે. કૃષ્ણ આ પછી પણ કર્ણને આકર્ષવા પ્રયત્ન કરે છે. કૃષ્ણ સારી પેઠે જાણે છે કે કર્ણ દુર્યોધનનો પક્ષ છોડી દે તો આ મહાયુધ્ધ ન થાય. અને કૃષ્ણ એ પણ જાણેછે કે આ મહાયુધ્ધ થઇને જ રહેવાનું છે. કર્ણને હવે કોઇ પ્રલોભન વશ કે વિચલિત કરી શકે એમ નથી. ,કર્ણ ફરી વારના કૃષ્ણના વાક્યના ઉત્તરમાં કહે છે કે શુભ શુકનની દૃષ્ટિએ કે સર્વ દૃષ્ટિએ વિજય તો પાંડવોનો જ છે.દુર્યોધનને તો બધી જ દિશાઓસળગતી દેખાય છે.એનો પરાજય નિશ્ચિત છે એટલું જ નહિ, પણએ પોતે જોયેલા સ્વપ્નની વાત કરે છે. કર્ણના સ્વપ્નમાં યુધિષ્ઠિર પોતાના ભાઇઓ સાથે હજાર થાંભલાવાળા એક ઊંચા મહેલ ઉપર ચઢી રહ્યાછે. આ સૌએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે; તેમનાં છત્ર શ્વેત છે. તેમનાં આસન પણ શ્વેત છે અને સ્વપ્નને અંતે કર્ણ જુએ છે કે પૃથ્વી રુધિરથી સભર છે. અને યુધિષ્ઠિર હાડકાંના ઢગલા પર બેસી સુવર્ણપાત્રમાં ઘી અને દૂધ પી રહ્યા છે. કર્ણના સ્વપ્નમાં પાંડવોનો વિજય નિશ્ચિત છે.પણ એમાં એ માત્ર વિજય જ નથી જોતો, વિજયનો વિષાદ પણ જુએ છે. હાડકાંના ઢગલા પર બેસી સુવર્ણપાત્રમાં ઘી અને દૂધ પીવામાં યુધિષ્ઠિરને ક્યો આનંદ આવી શકે? અને શ્વેત વસ્ત્ર,શ્વેત છત્ર,શ્વેત આસન: કર્ણ્ને સ્વપ્નમાં સ્વર્ગારોહણ પર્વનું જ આર્ષદર્શન થતું નથી લાગતું? કર્ણ અધર્મના પક્ષે છે; એ કૃષ્ણને કહે છે કે દુર્યોધનના પક્ષેરહી મેં તમને, પાંડવોને ઘણાં કટુવચન કહ્યાં છે. પણ સાથે સાથે તેને એ વાતની શ્રધ્ધા પણ છે:
વિદિતં મે હૃષિકેશ યતો ધર્મસ્તતો જયઃ
(ઉદ્યોગ. 141;33)
હે કૃષ્ણ, હું એ જાણું છું કે જ્યાં ધર્મ છે, ત્યાં જ જય છે. કર્ણ છતાં પણ છેવટે કહે છે:
અપિ ત્વા કૃષ્ણ પશ્યામ જીવંતો અસ્માન્મહારણાત્ ,
સમુત્તીર્ણા મહાબાહો વીરક્ષયવિનાશનાત્ .
(ઉદ્યોગ.141;45)
ચાતાં હે કૃષ્ણ, વીરોનો વિનાશ કરનારા આ મહાયુધ્ધને પાર કરી જો જીવતો રહ્યો. તો તમને મળીશ. નહિ તો– અથ વા સંગમઃ કૃષ્ણ સ્વર્ગે નો ભવિતા ધ્રુવમ્
તત્રેદાનીં સમેષ્યામઃ પુનઃ સાર્ધ ત્વયાનઘ.
(ઉદ્યોગ. 141;46)
અથવા તો હે કૃષ્ણ, સ્વર્ગલોકમાં તો આપણે અવશ્ય મળીશું . હે નિષ્પાપ, હવે તો એ જ સ્થાન પર તમારો ને મારો મેળાપ સંભવિત છે. કર્ણ જીવતા રહીશું તો મળીશુંએમ કહે છે, પણ એ તો ‘ કેમ છો –મઝામાં’ જેવું રૂઢિગત કથન છે, એટલે એ જ શ્વાસમાં કહે છે, નહિ તો આપણે સ્વર્ગમાં મળીશું. પોતાને સ્વર્ગ નક્કી મળવાનું છે એમ કર્ણ માને છે. આ યુધ્ધમાં અર્જુનના હાથે પોતાનો વધ નિશ્ચિત છે એમ પણ એ જાણે છે, અને મૃત્યુ પછી એની ગતિ જ્યાં કૃષ્ણ હશે ત્યાં થવાની છે, એ પણ એનો દૃઢ મત છે. આ માત્ર કર્ણની શ્રધ્ધાનથી.કૃષ્ણે એમ કહ્યું એમ કર્ણ ધર્મશાસ્ત્રના ગૂઢ મર્મનો જ્ઞાતા છે. એટલે એ પ્રતીતિથી આ વાક્યો કહે છે. કર્ણ અને કૃષ્ણનો આ સંવાદ માનવસંબંધોમાં એક નવો આદર્શ સ્થાપે છે.કર્ણનાં બે પાસાં છે. એક કર્ણ દુર્યોધન,શકુનિ અને દુઃશાસનની સાથે હુંકાર કરે છે. પણ કૃષ્ણની નિકટ આવે છે ત્યારે અહમ્ ના બધા પડદા હટી જાય છે. નિરાવૃત સત્ય પ્રગટ થાય છે અને કર્ણનું આ બીજું પાસું વધારે મનોરમ છે અને સવિશેષ મહાન છે- એટલે જ કદાચ કવિઓને – મનુષ્યમાત્રને તેનું આકર્ષણ રહે છે.

કર્ણ અને માતા કુંતી નું મિલન હવે પછી ટૂંક સમયમાં
આ પ્રસંગ કેવો લાગ્યો અભિપ્રાય જણાવવા નમ્ર વિનંતી

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “કૃષ્ણ અને કર્ણની મુલાકાત // કૃષ્ણ અને માનવ સંબંધો //હરીંદ્ર દવે
  1. DANGAR HEMAT કહે છે:

    કર્ણ ખરેખર એક મહાન યોધ્ધા અને ગ્નાની હતો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,240 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 12345
6789101112
13141516171819
20212223242526
272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: