SNXP.41
સ્કંધ:4
પ્રજાપતિ દક્ષ
“ શ્રીમદ્ ભાગવત સંક્ષેપ ”(સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)
શુકદેવજી કહે, “હે રાજા ! આજે હું તને અહંકાર માનવીનો વિનાશ સર્જે છે તેને લગતી એક વાત કહીશ. માનવી જીવનમાંથી અહંકારનો ત્યાગ કરે તો જ જીવન પવિત્ર થાય. ફક્ત પ્રાર્થનાથી ઠાકોરજી પ્રસન્ન થતાં નથી. અહંકાર માનવીનો વિનાશ સર્જે છે, જે વાત દક્ષની કથા પરથી તને સમજાશે.”
શુક: “હે પરીક્ષિત ! દક્ષ પ્રજાપતિની વાત હું તને કહું છું તે તું એકચિત્તે સાંભળ. દક્ષ પ્રજાપતિને સોળ દીકરીઓ હતી. સૌથી નાની દીકરી સતીને શિવજી સાથે પરણાવી હતી. યજ્ઞમાં એક વખત ઋષિઓની મોટી સભા ભરવામાં આવેલી. સભાના પ્રમુખસ્થાન પર શિવજી હતા. દક્ષ પ્રજાપતિ આ ઋષિમુનિઓની સભામાં આવ્યા ત્યારે ઊભા થઇ બધાએ તેને માન આપ્યું, પણ મહાદેવજી પોતાના આસન પરથી ન ઊઠ્યા. તેથી દક્ષને રીસ ચડી. દક્ષે નક્કી કર્યું કે હું એક યજ્ઞ કરું અને બધા દેવોને આમંત્રણ આપું, પણ શંકરને આમંત્રણ નહીં આપું. દક્ષે આ વાત પોતાની સભામાં જાહેર કરી. કોઇએ તેનો વિરોધ ન કર્યો, ફક્ત ભગવાન શંકરના ગણ નંદીશ્વરે ઊભા થ ઇ બ્રાહ્મણોને કહ્યું, “ હે બ્રાહ્મણો ! તમે તમારા રાજાને વારો-ભગવાન શંકરનું આવું અપમાન ?” પણ કોઇ બ્રાહ્મણ બોલ્યો નહીં. નંદીશ્વર ગુસ્સે ભરાયા અને દક્ષને શાપ આપ્યો કે તે શિવની નિંદા કરી તેથી તારું મુખ બોકડાના જેવું થજો. ઋષિમંડળીએ હાસ્ય કર્યું તેથી તેમના દાંત પડો. જેમણે શિવની નિંદા કરી તે બ્રાહ્મણ વેદ વેચીને પ્રપંચથી નિર્વાહ કરીને ભિક્ષા માંગે તેવો નંદીએ શાપ આપ્યો. શિવજીએ નંદીને કહ્યું, “નંદી બેસી જા. ક્રોધ સામે ક્રોધ ન કરવો.”
દક્ષે રાણીને કહ્યું, “કનખલમાં મોટો યજ્ઞ કરવો છે. જગતના બધા દેવો અને મહાત્માઓને આમંત્રણ આપીશું, પણ સતી અને શંકરને આમંત્રણ નહીં આપીએ.” દક્ષે યજ્ઞ શરૂ કર્યો. સતી અને મહાદેવને આમંત્રણ આપ્યું નહીં. યજ્ઞના દિવસે કૈલાસમાં શિવજી ધ્યાનમાં બેઠા હતા. સતીની બહેનો પોતાના પતિ સાથે વિમાનમાં બેસી યજ્ઞમાં જાય છે તે જોઇ સતીને મનમાં ખૂબ દુ:ખ થયું, કે મારા પિતાએ મને અને શિવજીને આટલા મોટા યજ્ઞમાં આમંત્રણ ન આપ્યું? પિયરના પ્રસંગમાં દીકરીને આમંત્રણ ન મળ્યું હોય તો દીકરીને બહુ દુ:ખ થાય. શિવજી સમાધિમાંથી ઊઠ્યા ત્યારે સતીએ કહ્યું, “તમારા સસરા દક્ષ પ્રજાપતિએ મોટો યજ્ઞ કર્યો છે. બોલો દર્શન કરવા ક્યારે જઇશું?” શિવજીએ કશો જવાબ ન આપ્યો. સતીનું હૈયું કાબૂમાં ન રહ્યું. સતીએ શિવજીને કહ્યું, “માતાપિતા, ગુરૂ, ગુરૂ પત્ની, સાસુસસરા માતાપિતા સમાન, ત્યાં નોતરાંની રાહ ન જોવાય. બોલો ક્યારે જઇશું? “ બિલકુલ મૌન, શિવજીએ જવાબ ન આપ્યો. ફરી સતીએ કહ્યું, “મને ખબર છે કે આપણને આમંત્રણ નથી, છતાં જગતમાં ક્યારેય ન થયો હોય તેવો યજ્ઞ થાય છે આપણે દર્શન કરવા ક્યારે જઇશું?” શિવજીએ કહ્યું, “સતી મારી ના નથી. યજ્ઞનાં દર્શન કરવા જવું છે તો હું પણ તૈયાર છું, પણ સાંભળ, કોઇપણ કામ કરતાં પહેલાં અભિમાનની આહુતિ આપવી જોઇએ. તું એટલી સ્વમાની છો કે જો તને આવકાર નહીં મળેતો મને દહેશત છે કે હું તને ગુમાવી બેસીશ. મને લાગે છે કે જ્યાં આપણને આવકાર ન મળે ત્યાં આપણે જવું ન જોઇએ. યજ્ઞો તો ઘણા થતા હોય છે.તમારે ત્યાં જ શા માટે જવું છે? છતાંય તમારી બહુ જ ઇચ્છા હોય તો તમે એકલા જઇ આવો.” સતીએ શિવજીને કહ્યું, “શા માટે મને એકલી જવા કહો છો? “શિવજીએ કહ્યું, “તારા પિતાના યજ્ઞમંડપમાં મારું સ્થાન-માન નથી.” સતીએ કહ્યું, “તમે મને આજ સુધી આ વાત કેમ ન કરી ?” સ્વમાન સૌને વહાલું હોય . સતી વિચારમાં પડી ગયા. જવું કે ન જવું? સતીની બધી બહેનો યજ્ઞમાં પહોંચી ગઇ. બધી બહેનો માને પૂછવા લાગી “સતી કેમ નથી આવી?” જવાબ આપવાને બદલે રડવા લાગી. દક્ષે કહ્યું, “ખબરદાર ! એનું નામ લીધું છે તો?”
આ બાજુ સતીએ વિચાર્યું જવું તો ખરૂં જ. શિવજીએ સતીને કહ્યું, “ એવું કાંઇ ન કરતાં કે હું તમને ગુમાવી બેસું.” સતી તૈયાર થયાં. શિવજીને પગે લાગ્યાં.શિવજીએ નંદીશ્વરને કહ્યું, “હે નંદીશ્વર! તું સતીને લઇ કનખલ જા.” સફેદ કપડાં અને રૂદ્રક્ષની માળા પહેરી સતી તૈયાર થયાં અને શિવજીને પગે લાગ્યા. મહાદેવજીની આંખો ભરાઇ આવી. નંદીશ્વર સાથે સતી કનખલ જવા નીકળ્યા.
દક્ષ પ્રજાપતિને ત્યાં કરોડો માનવીઓ યજ્ઞમાં આવ્યા હતા. બ્રહ્મા અને વિષ્ણુએ દક્ષને પૂછ્યું,” “શિવજી ક્યાં છે?” દક્ષ કહે, “આવશે એની મેળે.”
“ ૐ નમ: શિવાય” કહેતાં સતી યજ્ઞમાં આવ્યાં, ઋષિઓ પૂછવા લાગ્યા. “મહાદેવજી ક્યાં છે?” મા ઊભી થઇ સતીના ખભે માથું નાખી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. સતીએ કહ્યું,”મા, હું વગર નોતરે આવી છું.” પિતા દક્ષને સતીએ કહ્યું, “મને એક બ્રાહ્મણ આપો જે મને સમજણ પાડે.” સતીને યજ્ઞમાં ક્યાંય મહાદેવજીનું સ્થાન કે કળશ દેખાયાં નહીં.સતીએ બ્રાહ્મણને પૂછ્યું, “હે બ્રાહ્મણ ! રુદ્રકળશ કે સ્થાન આ યજ્ઞમાં કેમ નથી? ભૂલી તો નથી ગયા ને?” બ્રાહ્મણે કહ્યું, “અમને આ યજ્ઞમાં શંકરનું નામનિશાન રાખવાની તમારા પિતા દક્ષ પ્રજાપતિએ મનાઇ ફરમાવી છે.” માતાએ સતી ને ફલાહાર કરવા કહ્યું,પણ સતીએ ના પાડી, હું ફક્ત યજ્ઞનાં દર્શને આવી હતી હવે હું રજા લઉં છું. યજ્ઞમાં બ્રાહ્મણો સ્વાહા સ્વાહા કરતા હતા. સતી તેના પિતા દક્ષને કહેવા લાગ્યા, “હે પિતાજી ! કોઇપણ માણસ બે અક્ષર શિવ કે ત્રણ અક્ષર શંકર એક વખતે બોલે તેના જીવનના પાપો બળીને ભસ્મ થઇ જાય છે. અરે ! અંત:કાળે છેલ્લી ઘડીઓ ગણાતી હોય ત્યારે માનવી મહામૃત્યુંજયનો જપ કરે તેને જીવતદાન ભગવાન મહાદેવ આપે છે. જુઓ આ ઇન્દ્રરાજા આવ્યા. તેમને પૂછો કે “ હે ઇન્દ્રરાજા ! આ દાગીના, કપડાં તમને કોણે આપ્યાં?” ઇન્દ્રરાજાએ જવાબ આપ્યો કે, “હું સ્મશાનમાં ગયો ત્યાં શિવજીએ મને આપ્યાં,” “હે પિતાજી ! આવા તમારા જમાઇ, તેનું તમે ભયંકર અપમાન કર્યું છે.કહો તો ખરા મારા પતિદેવ શિવજીએ તમારૂ કઇ રીતે અપમાન કર્યું? દક્ષે જવાબ ન આપ્યો.
કૈલાસમાં મહાદેવ જાગૃત થયા. કંઇક અઘટિત ઘટના બનશે તેમ તેમને લાગવા માંડ્યું.
સતી યજ્ઞ કુંડ પાસે ઓટલા પર બેસી ગયા. પોતાનો કેશ કલાપ છૂટો મૂક્યોઅને “ૐ નમ:શિવાય:” બોલતાંની સાથે જ સતીના હ્રદયમાંથી અગ્નિ પ્રગટ થયો. સતી બળવા લાગ્યાં ત્યાં મહાદેવજી આવ્યા અને ઝળહળતી સતીને ખભે નાખી જવા માંડ્યા, તે જ વખતે ભગવાન આવ્યા અને બાણ માર્યું. ઝળહળતી સતીમાંથી નવશક્તિ ઉત્પન્ન કરી. આ બળતી સતી એટલે વૈષ્ણવી દેવી. સતીએ પ્રાણત્યાગ કર્યો. વરું તો મહાદેવજીને, તે ઇચ્છા સાથે. શંકરના ગણોએ દક્ષને મારી નાખ્યા. સતીનું શ્રાદ્ધ કરી શિવજી કૈલાસમાં આવ્યા. કૈલાસમાં શિવજી સમાધિમાં બેઠા છે ત્યાં ભગવાન અને દેવતાઓ આવ્યા. મહાદેવજીએ આંખો ઉઘાડી તો સામે દેવતાઓનાં દર્શન થયા. બધાને આવકાર આપ્યો. એક એક ફળ અને અલકનંદાનું પાણી આપ્યું. દેવતાઓએ કહ્યું, “તમારા સસરાએ શરૂ કરેલો યજ્ઞ અધૂરો છે તે પૂરો કરવા તમે આવો. શિવજી, તમારા સસરાને સજીવન કરો. તેને બોકડાનું માથું પહેરાવી દો.”શિવજી દેવતાઓ સાથે કનખલ આવ્યા. દક્ષને બોકડાનું માથું પહેરાવી સજીવન કર્યા. અધૂરો યજ્ઞ શરૂ કર્યો. શિવજીએ યજ્ઞમાં આહુતિ આપવા માંડી. ભગવાને શિવજીએ આપેલી આહુતિનો સ્વીકાર કર્યો.દક્ષે ભગવાનને પૂછ્યું, “હે ભગવાન ! મેં યજ્ઞ કર્યો ત્યારે તમે કેમ ન આવ્યા ?” ભગવાને કહ્યું, “હે દક્ષ ! તમે કોઇને બતાવવા અભિમાનથી યજ્ઞ કરતા હતા તેથી હું નહોતો આવ્યો. દક્ષે ભગવાનની ક્ષમા માંગી.ભગવાને દક્ષને પૂછ્યું, “કોઇ ઇચ્છા છે?” દક્ષે કહ્યું “હે ભગવાન ! હું ફરી મનુષ્ય અવતાર લઉં.” ભગવાને કહ્યું, “હે દક્ષ ! જરૂર લેશો તમારે ત્યાં સાઠ દીકરીઓ થશે. હે દક્ષ ! મહાદેવ એટલે હર, હરિ અને હર એક જ સ્વરૂપ છે. મહાદેવ અને હું જુદા નથી.”
શુકદેવજી કહે, “હે પરીક્ષિત ! હવે સતીના બીજા અવતારની કથા હું તમને કહું છું. હિમાલય અને મેનકાને ઘેર દીકરીનો જન્મ થયો. દીકરીનું નામ પાર્વતી પાડ્યું. પાર્વતી ઉંમરલાયક થયા એટલે તેને માટે માતાપિતાએ મુરતિયો શોધવા માંડ્યો. પાર્વતીએ કહ્યું,” હું મહાદેવજીને વરી ચૂકી છું મારે માટે મુરતિયો ન શોધતા.” મહાદેવજીને પાર્વતી સાથે લગ્ન કરવા કહ્યું, “પણ મહાદેવજી કહે એકવાર લગ્ન કરી પસ્તાયો છું. હવે ફરી નથી પરણવું.”
પાર્વતી દરરોજ કૈલાશ પર જાય અને મહાદેવજીની પૂજા કરે, એમ કરતાં કરતાં પાર્વતી અઢાર વર્ષની થઇ.તેની એક જ ઇચ્છા, વરું તો મહાદેવજીને જ.
તરકાસુર દેવતાઓ પર જુલમ કરવા લાગ્યો.દેવતાઓ ભગવાન પાસે ગયા. અમને આ રાક્ષસથી બચાવો. ભગવાન કહે, “શંકર પાર્વતી સાથે લગ્ન કરે અને કાર્તિકેયનો જન્મ થાય. કાર્તિકેય જ તારકાસુરને મારી શકશે.”દેવતાઓએ આ કામ માટે કામદેવને વિનંતી કરી. “હે કામદેવ ! શંકરમાં એવી વૃત્તિ મૂકો કે શંકર પાર્વતી સાથે લગ્ન કરે.” કામદેવે પોતાનું કામ શરૂ કર્યું. જ્યાં મહાદેવજી તપ કરતા હતા ત્યાં વસંત પૂરબહારમાં ખીલી. મયૂરો નાચવા લાગ્યા. આંબા પર કેરીઓ લચકવા માંડી. કામદેવે બાણ તૈયાર રાખ્યું. પાર્વતીએ શંકરની એક ચિત્તે પૂજા કરી. કામદેવે શિવજીને બાણ માર્યું. શિવજી જાગ્યા, સામે કામદેવને જોયા. ત્રીજું લોચનખોલી કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યા. શંકર ભગવાનની આડે કામદેવની પત્ની રતિ ઊભી રહી. “મારા પતિને જીવતા કરો.” મહાદેવજીએ કહ્યું, “હે રતિ ! આવતા જન્મમાં તારો પતિ ભગવાન કૃષ્ણને ત્યાં દીકરા તરીકે જન્મ લેશે. પ્રદ્યુમ્ન નામ ધારણ કરશે અને તું એની પટરાણી થઇશ.” રતિએ મહાદેવજીને પ્રણામ કર્યા.પાર્વતી ઘરે આવ્યા. પાર્વતી એક જ રટણ કરતા હતા, “વરું તો મહાદેવને.” મહાદેવને મેળવવા પાર્વતીજી પોતાની પાંચ સખીઓને લઇઓ વનમાં તપ કરવા લાગ્યા.
કડકડતી ઠંડીમાં ગંગાજીમાં ઊભા રહી “ૐ નમ: શિવાય” નો જાપ કરવા લાગ્યા. એક ચીજ ખાય અને આકરૂં તપ કરે. આમ ત્રણ વર્ષ વીત્યા. એક દિવસ બપોરે બાર વાગ્યે પાતળમાં એક ફળ કાપીને ખાવા માટે તૈયાર કર્યું ત્યાં “ભીક્ષાન્ દેહિ” નો અવાજ આવ્યો. એક રક્તપિત્તિયો બ્રાહ્મણ આવ્યો. પાર્વતીએ પાતળમાંનું ફળ બ્રાહ્મણને દાનમાં આપી દીધું. બ્રાહ્મણે પૂછ્યું, “તમે શા માટે તપ કરો છો?” પાર્વતીએ કહ્યું, “મહાદેવજીને મેળવવા માટે.” બ્રાહ્મણ કહે, “કોણ મહાદેવ? પેલો સ્મશાનમાં રહેનાર, ભૂતપિશાચ વચ્ચે રહેનાર !” પાર્વતી આવાં વચન સાંભળી ગુસ્સે ભરાયા. “ખબરદાર ! બંધ કરો .ચાલ્યા જાવ, ચાલ્યા જાવ.” બ્રાહ્મણને કહેવા લાગ્યા. સ્વજનની નિંદા સહન ન કરી શક્યા. બ્રાહ્મણના ચાલ્યા ગયા પછી પાર્વતીને પસ્તાવો થયો, મારે ક્રોધ જીતવો જોઇએ. હું ક્રોધને જીતી ન શકી. ગુસ્સે થઇને બ્રાહ્મણને જાકારો દીધો, પાર્વતીએ તે દિવસ ઉપવાસ કર્યો. ગંગામાં સ્નાન કર્યું. આઠ દિવસ થયાં. ફરી તપશ્ચર્યા કરવા માંડ્યા ત્યાં મધ્યાહ્ન સમયે ફરી “ભિક્ષાન્ દેહિ ” અવાજ સંભળાયો. શિવજીએ પોતાનું રૂપ બદલ્યું. સુંદર યુવાન સ્વરૂપે આવ્યા. પાર્વતીએ પાતળમાં ફળ તૈયાર કર્યું હતુ6 તે આપવા લાગ્યા. યુવાન બ્રાહ્મણ કહે, “ હું ફળની ભિક્ષા નહીં લઉં, હું તમને ભિક્ષામાં લેવા આવ્યો છું.” કહી શિવજીએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. મહાદેવજીને સામે આવેલા જોતાં જ પાર્વતીએ સાષ્ટાંગ દંડવ પ્રણામ કર્યા. કોઇપણ કાર્ય, કામ અને ક્રોધને જીતીને કરવું જોઇએ, તો જ તે કાર્ય સફળ થાય. પાર્વતીજીનાં મહાદેવજી સાથે લગ્ન થયા. ગણપતિ અને કાર્તિકેય એમ બે પુત્રો જન્મ્યા.” પરીક્ષિતે શુકદેવજીને કહ્યું, “આપે મનુ-શતરૂપાની દીકરીની વાત કરી. હવે તેના દીકરાની વાત કરો.”
=========================================
નોંધ: હવે ધ્રુવની કથા આગળ આવશે.
tamaro lekh vacyo khubjankari mali
patrano jawab apso savare9.30 thi12.30
m;98245 19447
O.02602410626 BHARAT KHARA
aabhaat, bharatabhaai.
આભાર, ભરતભાઇ,
ગોપાલ
અહંકાર…………….
http://ramanlal.wordpress.com/%E0%AA%85%E0%AA%B9%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87-%E0%AB%A9%E0%AB%A6-%E2%80%93-%E0%AB%AD%E0%AB%A6%E0%AB%AE-%E0%AB%AD%E0%AB%A7%E0%AB%AE/