BHAANEE
દિવાળીના દિન આવતા જાણી,
ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.
માથે હતું કાળી રાતનું ધાબું,
માગી ત્રાગી કર્યો એકઠો સાબુ;
કોડી વિનાની હું કેટલે આંબુ?
રુદિયામાં એમ રડતી છાની,
ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.
લૂગડામાં એક સાડલો જૂનો,
ઘાઘરો યે મેલો દાટ કે’દુનો,
કમખાએ કર્યો કેવડો ગુનો !
તીને ત્રોફાયેલ ચીંથરાને
કેમ ઝીંકવું તાણી !
ઓઢણું પે’રે ને ઘાઘરો ધૂએ,
ઘાઘરો ઓઢે ને ઓઢણું ધુએ,
બીતી બીતી ચારે દિશામાં જુએ,
એના ઉઘાડાં અંગે અંગમાંથી
આતમા ચૂએ.
ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.
ઊભાં ઊભાં કરે ઝાડવાં વાતું,
ચીભડાં વેચીને પેટડાં ભરતી,
ક્યાંથી મળે એને ચીંથરું ચોથું?
વસ્તર વિનાની ઇસ્તરી જાતને સારુ
પડી જતી નથી કેમ મો’લાતું?
શિયાળવાની વછૂટતી વાણી.
ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.
અંગે અંગે આવ્યું ટાઢનું તેડું,
કેમ કરી થાવું ઝૂંપડી ભેળું?
વાયુની પાંખ ઉડાડતી વેળુ;
જેમ તેમ પે’રી લૂગડાં, નાઠી
ઠેસ, ઠેબાં –ગડથોલિયાં ખાતી;
કાયા સંતાડતી, ધ્રૂજતી ધ્રૂજતી,
કૂબે પહોંચતાં તો પટકાણી
રાંકની રાણી-
ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.
–ઇન્દુલાલ ગાંધી
‘ગોરસ’માંથી
================================================
[…] on ડિસેમ્બર 20, 2011 by Gopal Parekh — Leave a […]