Giju-five
બીકણ સસલી
એક હતી સસલી, બહુ બીકણ તે બહુ બીકણ !
મે’ ગાજે ને બીએ. વીજ ચમકે ને બીએ.
ઝાડ ડોલે ને બીએ. ચાંચ હાલે ને બીએ.
પાંખ હલે ને બીએ. પૂંછ હલે ને બીએ.
આમ જોઇને બીએ. તેમ જોઇને બીએ.
ઊંચે જોઇને બીએ. નીચે જોઇને બીએ.
બહુ બીકણ તે બહુ બીકણ.
વા વાયો ને પાન ઊડ્યાં, સસલીબાઇ ધ્રૂજી ઊઠ્યાં.
એક પાન પીંઠે પડ્યું, સસલીબાઇ નાસી છૂટ્યાં.
”ભાગો રે ભાઇ, ભાગો !
દટ્ટણ આવ્યું, પટ્ટણ આવ્યું;
ઊંચેથી આભ પડ્યું,
પીઠ મારી ભાંગી નાખી;
ભાગો રે ભાઇ, ભાગો !”
પગ લઇને નાઠાં જાય, કાન લઇને ભાગ્યાં જાય,
પૂંછડી લઇને નાસી જાય, જાત લઇને નાસી જાય.
કૂતરો પૂછે: “કાં સસલીબાઇ ! ક્યાં ચાલ્યાં?”
”ભાગો રે ભાઇ, ભાગો !
દટ્ટણ આવ્યું, પટ્ટણ આવ્યું;
ઊંચેથી આભ પડ્યું,
પીઠ મારી ભાંગી નાખી;
ભાગો રે ભાઇ, ભાગો !”
કુત્તો ભાગ્યો સસલી સાથ,
કુત્તી એની છે સંગાથ.
શિયાળ પૂછે : કાં સસલીબાઇ ! ક્યાં ચાલ્યાં?”
”ભાગો રે ભાઇ, ભાગો !
દટ્ટણ આવ્યું, પટ્ટણ આવ્યું;
ઊંચેથી આભ પડ્યું,
પીઠ મારી ભાંગી નાખી;
ભાગો રે ભાઇ, ભાગો !”
શિયાળ ભાગ્યો સસલી સાથ,
શિયાળવી એની છે સંગાથ.
આઘે આઘે દોડ્યાં જાય,
રસ્તે ગદ્ધા-ભેટો થાય.
ગદ્ધા પૂછે:”કાં સસલીબાઇ ! ક્યાં ચાલ્યાં ?”
”ભાગો રે ભાઇ, ભાગો !
દટ્ટણ આવ્યું, પટ્ટણ આવ્યું;
ઊંચેથી આભ પડ્યું,
પીઠ મારી ભાંગી નાખી;
ભાગો રે ભાઇ, ભાગો !”
ગદ્ધો ભાગ્યો સસલી સાથ,
ગદ્ધી એની છે સંગાથ.
આગળ જતાં ઘોડો મળ્યો.
ઘોડો પૂછે :”કાં સસલીબાઇ ! ક્યાં ચાલ્યાં?”
”ભાગો રે ભાઇ, ભાગો !
દટ્ટણ આવ્યું, પટ્ટણ આવ્યું;
ઊંચેથી આભ પડ્યું,
પીઠ મારી ભાંગી નાખી;
ભાગો રે ભાઇ, ભાગો !”
ઘોડો ભાગ્યો સસલી સાથ,
ઘોડી તેની છે સંગાથ.
ભાગ્યાં ભાગ્યાં ચાલ્યાં જાય,
સસલી-કુત્તો-ઘોડો-શિયાળ.
આઘે આઘે ઊંટ હતું, લાંબી ડોકે ચરતું હતું.
આવો જોઇ રૂપાળો સંઘ,
પૂછ્યું ઊંટે આણી રંગ :
”ક્યાં ભાગ્યાં, ઓ સસલીબાઇ ?
ક્યાં ભાગ્યા છો કુત્તાભાઇ!
ઘોડાભાઇ ને ગદ્ધાભાઇ !
-મારી આંખે આ નવાઇ !”
”ભાગો રે ભાઇ, ભાગો !
દટ્ટણ આવ્યું, પટ્ટણ આવ્યું;
ઊંચેથી આભ પડ્યું,
પીઠ મારી ભાંગી નાખી;
ભાગો રે ભાઇ, ભાગો !”
લાંબીડોકે મોટે પગલે
ઊંટ ભાગ્યો સસલી-પગલે.
વન ને વગડો વટી ગયાં,
ડુંગર-નદીને તરી ગયાં
ભાગતાં ભાગતાં બપોર થયા.
રસ્તે સામે હાથી મળ્યો,
સૂંઢ ફેરવતો ઊભો રહ્યો.
”ક્યાં ભાગ્યાં છો, સસલીબાઇ ?
ક્યાં ચાલ્યાં છો સૌ ગભરાઇ ?
બીકે હૈયું થડકે કેમ?
હાથે-પગે પાણી કેમ?”
સસલી વળતી વાણી વદી,
હાથીભાઇની હિંમત હરી:
”ભાગો રે ભાઇ, ભાગો !
દટ્ટણ આવ્યું, પટ્ટણ આવ્યું;
ઊંચેથી આભ પડ્યું,
પીઠ મારી ભાંગી નાખી;
ભાગો રે ભાઇ, ભાગો !”
હાથી ભાગ્યો, હાથણી ભાગી,
સસલીબાઇની ટોળી ઝાઝી…
-ત્રાડ દેતો સિંહ સામો મળ્યો,
આંખ કાઢી આડો ફર્યો.
”ક્યાં ભાગ્યાં છો સસલીબાઇ ?
શી માંડી છે આ ભવાઇ !
કુત્તા, ગદ્ધા, ઘોડાભાઇ,
હાથી, ઊંટ ને શિયાળભાઇ !
ક્યાં ભાગ્યાં છો ત્રાહિ ત્રાહિ ?”
”ભાગો રે ભાઇ, ભાગો !
દટ્ટણ આવ્યું, પટ્ટણ આવ્યું;
ઊંચેથી આભ પડ્યું,
પીઠ મારી ભાંગી નાખી;
ભાગો રે ભાઇ, ભાગો !”
સિંહ ત્રાડ મારી ઊભો,
સસલી સામે રોષ કીધો:
ક્યાં છે તારું દટ્ટણ-પટ્ટણ?
ક્યાં છે તારું આભ પડ્યું?
ક્યાં છે તારી કેડ ભાંગી?
ભાગો નહિ, ભાઇ! ભાગો નહિ !”
ચાલ્યાં પાછાં સિંહ સાથે: સસલી, ગદ્ધો, ઘોડો, આઠે;
પાછા ફરતાં ધ્રૂજે પગ- સિંહ પાછળ ભરે ડગ !
આવી સસલી વાડા પાસ: ત્યાં પડ્યું છે થોડું ઘાસ,
ઘાસ પીંપળપાન; સસલી બોલી : એ છે આભ !”
ત્રાડ નાખી સિંહે કહ્યું: “આવાં ને શું કહેવું રહ્યું?
સસલી, તારી બીકણ જાત, સૌની તેં છે લીધી લાજ !”
સસલી શરમે નીચું જુએ,
ઘોડો-હાથી લાજી મરે.
============================================
thanks
My Favorite 👌👌👌