પાંદડે પાંદડે જ્યોતિ/મહેશ દવે/સ્વમાનપ્રકાશન

P.P.JYOTI

પાંદડે પાંદડે જ્યોતિ/મહેશ દવે/સ્વમાનપ્રકાશન

પાનું:38

વળગણ અને સમજણ

એક ફકીર કબ્રસ્તાન પાસે ઝૂંપડી બાંધી રહેતા હતા. દિવસ ખેરાત માગવા જાય અને રાતે ઝૂંપડીમાં સૂઇ રહે. એક દિવસ ખેરાત માગવા નીકળ્યા ત્યાં રસ્તામાં કોઇએ ત્યજી દીધેલું બાળક તેમણે જોયું. ફકીરે બાળકને ઊંચકી લીધું. બાળકનો જીવ બચાવવા તેને ઝૂંપડીમાં લઇ આવ્યાં અને તેનો ઉછેર કરવા માંડ્યા. ધીમે ધીમે બાળક મોટું થતું ગયું.

સહેજ વધારે મોટું થયું એટલે બાળક ઝૂંપડીમાંથી નીકળીને આસપાસમાં બહાર ચાલી જવા માંડ્યું. અંધારું થઇ જાય કે અડફેટમાં આવી જાય એવો ડર લાગ્યો. આથી ફકીરે બાળકના મનમાં ઠસાવ્યું કે અંધારામાં કે કબ્રસ્તાનમાં જઇએ તો ભૂત-પલીત ઉપાડી જાય અને ખાઇ જાય. બીકના માર્યા બાળકે અંધારામાં, એકલા કે કબ્રસ્તાનમાં જવાનું બંધ કર્યું.

બાળક વધારે મોટો થયો ત્યારે બાળકને હૉસ્ટેલમાં રાખી ભણવા મૂક્યો. બાળક ભણ્યો-ગણ્યો અને યુવાન થયો. ભણી-ગણી નોકરી ધંધે અને સંસારમાં જોડાય તે પહેલાં યુવાન ફકીરને ત્યાં થોડા દિવસ ગાળવા આવ્યો ફકીરે જોયું કે હજી અંધારાનો ને કબ્રસ્તાનનો ભય હતો. તે એકલો જતો ન હતો.ફકીર સમજી ગયા કે વાળપણમાં આરોપેલો ભય હજી ગયો ન હતો. યુવાનમાંથી એ ભય કાઢવા ફકીરે તેને એક તાવીજ આપ્યું અને કહ્યું કે આ તાવીજ બાંધી રાખ. એ તારું રક્ષણ કરશે. તું એકલો હોય, અંધારામાં હોય કે કબ્રસ્તાનમાં હોય, કશો વાંધો નહીં આવે.

તાવીજને કારણે યુવાનમાં હિંમત આવી. તે હવે કોઇપણ જગ્યાએ, અંધારામાં કે કબ્રસ્તાનમાં જતાં ડરતો નહોતો. પણ હવે યુવાનને તાવીજનું વળગણ થઇ ગયું. તાવીજ બાંધ્યા વગર એ બહાર નીકળતો જ નહીં. તાવીજ આડું-અવળું થઇ જાય કે મળે નહીં તો બેબાકળો થઇ જતો અને બહાર નીકળતો નહીં. ફકીરે તાવીજ લઇને સળગતી ભઠ્ઠીમાં નાખી દીધું. તાવીજ ભસ્મીભૂત થઇ ગયું. યુવાન તો ગભરાઇ ગયો. ફકીરે તેને સમજાવ્યું કે, ‘જે તાવીજ પોતાનું રક્ષણ કરી શકતું નથી તે તારું રક્ષણ શું કરવાનું? આત્મવિશ્વાસ અને અંદરથી હિમ્મત કેળવ અને આગળ વધ.’ સાચી સમજણ મળી એ પછી યુવાનનો ડર ચાલ્યો ગયો અને એ આત્મવિશ્વાસથી આગળ વધવા લાગ્યો.

ભયથી જન્મેલી પ્રીત સાચી નથી. ભયને કારણે ઇશ્વરનું શરણ લેવાનું નથી. ઇશ્વર સર્વત્ર છે અને આપણું રક્ષણ કરે છે એવી સમજણ અને શ્રદ્ધાથી જીવવું એ સાચો ધર્મભાવ છે.

==============================================

ઋણાનુબંધ

પાનું: 39

જમનાદાસભાઇ મુંબઇમાં રહે. તેમના એક મિત્ર આફ્રિકામાં મોંબાસા શહેરમાં જઇ વસેલા. એ મિત્ર જમનાદાસભાઇ સમક્ષ અવારનવાર ઝાંઝીબારના પોપટનાં બહુ વખાણ કરે. ઝાંઝીબાર આફ્રિકામાં આવેલું છે. આમ તો પોપટ બધેય લગભગ સરખા જ હોય, થોડોઘણો તફાવત હોય, પણ પેલા મિત્ર મોંબાસાથી પોપટ લઇ આવ્યા. આ તો પિસ્તાળીસ-છેતાલીસ વર્ષ પહેલાની વાત. તે વખતે ભારત અને આફ્રિકા વચ્ચેમોટા ભાગે સ્ટીમરથી આવ-જા થતી.

પોપટની આવરદા આમ પચાસ-પંચાવન વર્ષની ગણાય. મિત્રને ત્યાંથી સોગાઅત્રૂપે પોપટ જમનાદાસભાઇને ત્યાં આવ્યો ત્યારે તેની વય પાંચ-છ વર્ષની હતી. પોતાનું નાનું પાંચ-છ વર્ષનું બાળક હોય તે રીતે જ જમનાદાસભાઇ પોપટને ઉછેરવા માંડ્યા. પોપટનું નામ પાડ્યું ‘ગોવિંદ’.

ગોવિંદને જામફળ્, બીજાં ફળ, મરચાં, ટામેટાં જેવો ખોરાક નિયમિત અપાતો. ગોવિંદકુટુંબનો માણસ હોય તે રીતે ઘરના સૌ ગોવિંદ સાથે વ્યવહાર કરતા. બહાર જાય ત્યારે ગોવિંદને ‘આવજે’ કહે, ગોવિંદ  પણ ‘આવજો’ કહી પડઘો પાડે; ઘરનું કે બહારનું કોઇ આવે તો ગોવિન્દ ‘આવો’ કહી આવકાર આપે,’કેમ છો?’ કહી ખબર પૂછે, ફોનની ઘંટડી વાગે તો ‘એલાવ’ ‘એલાવ’ બોલવા માંડે. અલબત્ત, આ બધો જ વાગ્વ્યવહાર એ કચ્છી ભાષામાં જ કરતો, કારણકે જમનાદાસભાઇના ઘરમાં કુટુંબીજનો કચ્છી ભાષામાં જ બોલ-ચાલ કરતા હતા.

ગોવિંદ ઘરના સાથે એવો કુટુંબીજન જેવો થઇ ગયો કે ઘરના સૌ સવારે ને બપોરે ચા પીએ ત્યારે તે પણ સૌની સાથે ચા પીતો. એટલું જ નહીં, ચા નવશેકી ગરમ જ જોઇએ, ઠંડી હોય તો ન ચાલે, ચા ઠંડી થઇ હોય તો ન પીએ.

આ રીતે ગોવિંદ જમનાદાસભાઇના કુટુંબીજન તરીકે છેતાળીસ વર્ષ રહ્યો. પ્રાણીમાત્ર માટે મૃત્યુ લખાયેલું જ છે. એ રીતે ગોવિન્દનું મૃત્યુ નજીક આવ્યું. તેણે ડોકું નીચે નાખી દીધું. કુટુબીજનો તેને ડૉક્ટર પાસે લઇ ગયા. ડૉક્ટરે કહ્યું,’છેલ્લો શ્વાસ છે’. ગોવિંદને ઘરે લાવ્યા. તેના મોંમાં ગંગાજળ મૂક્યું. રામે જટાયુની અંત્યેષ્ટિ વિધિ કરી હતી તે જ રીતે જમનાદાસભાઇના કુંટુંબીજનોએ પણ ગોવિંદ જાણે મનુષ્ય હોય તેમ ગોવિંદની સર્વ અંત્યેષ્ટિ વિધિ કરી અને અગ્નિસંસ્કાર કર્યો. ઘરના સૌએ શોક પાળ્યો.

તાજેતરમાં બનેલી આ સત્યઘટના ઋણાનુબંધના તાણાવાણા સમજાવે છે. ક્યાં મોંબાસા, ક્યાં મુમ્બઇ, ક્યાં માણસ ! વૈશ્વિક ચેતના અદ્ ભુત રીતે જોડાયેલી છે.

=======================================

 

 

વૈરાગ્ય અને સંસાર

પાનું: 40

સુખદેવ નામે એક મોટા મુનિ થઇ ગયા.તેમણે ઇશ્વરની ઘણી ભક્તિ કરી હતી. કઠોર તાપ્સજીવન ગાળ્યું હતું અને અભ્યાસ કરી જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. આ રીતે સંપન્ન થયાનું એમને ભારે અભિમાન હતું. તેમના પિતા મોટા ઋષિ હતા. સુખદેવ મુનિને ઋષિપિતાએ સલાહ આપી, ‘રાજા જનક પાસે જા. તેમની પાસેથી તને થોડું શીખવા મળશે.’ સુખદેવે ઘસીને ના પાડી દીધી અને કહ્યું. ‘ એ ગૃહસ્થી અને સંસારી છે જ્યારે હું તપસ્વી છું, એ રાજા છે જ્યારે હું ઋષિપુત્ર છું, એમની પાસેથી મારે શું શીખવાનું?’પિતા-પુત્ર વચ્ચે ઘણો વિવાદ થયો. અંતે નારદ વચ્ચે પડ્યા અને તેમના આગ્રહથી સુખદેવે જનકરાજા પાસે જવાનું સ્વીકાર્યું.

સુખદેવ જનકરાજા પાસે ગયા ત્યારે રાજા સિંહાસન પર બેઠા હતા. તેમના એક પગે એક સુંદર સ્ત્રી માલીશ કરી રહી હતી અને બીજો પગ અગ્નિમાં હતો. સુખદેવને આશ્ચર્ય થયું, પણ તે દૃશ્યનો સંકેત એ સમજી ન શક્યા. રાજા સિંહાસન પરથી ઊઠી બીજા ખંડમાં ગયા અને સુખદેવને બેસાડ્યા. એટલામાં અનુચર દોડતો દોડતો આવ્યો અને સમાચાર આપ્યા,’મહારાજ, નગરમાં પ્રચંડ આગ લાગી છે.’ મહારાજે અનુચરને કેટલીક સૂચનાઓ આપી અને પછી શાંતિથી બેસી સુખદેવ સાથે વાતોએ વળગ્યા. ત્યાં બીજો અનુચર આવ્યો અને તેણે ખબર આપ્યા,’મહારાજ, નગર લગભગ ભસ્મીભૂત થવા આવ્યું છે અને આગ મહેલ સુધી પહોંચી ગઇ છે.’ જનકરાજા બોલ્યા,’જેવી ઇશ્વરની ઇચ્છા.’ આમ કહી તેમણે અનુચરને વિશેષ સૂચનાઓ આપી. રાજા પાછા શાંતિથી સુખદેવ સાથે ચર્ચા કરવા લાગ્યા.

સુખદેવને થયું કે આ તે કેવો રાજા છે ! નગર ભસ્મીભૂત થવા આવ્યું છે. આગ અહીં સુધી પહોંચી છે તોય શાંતિથી બેસી રહ્યો છે. સુખદેવ તો ઊભા થઇ ગયા. તેમણે એકઠાં કરેલાં કાષ્ઠની નાનકડી ભારી અને વસ્ત્રોની પોટલી લઇ તેમણે નાસી છૂટવાની તૈયારી કરી. ત્યાં અનુચરે આવી કહ્યું,’મહારાજ, આપશ્રીની સૂચના પ્રમાણે કર્યાથી આગ કાબૂમાં આવી રહી છે.’

રાજાએ સુખદેવને બેસાડ્યા અને કહ્યું,’મુનિશ્રી, સંસારમાં રહેનારનો એક પગ સુખમાં હોય છે તો બીજો દુ:ખમાં હોય છે. આજુબાજુ આધિ-વ્યાધિ-ઉપધિ વીંટળાયેલી હોય તોય સંસારી નાસી જતો નથી. મારું નગર, મહેલ, અને બધી સંપત્તિ બળવાની તૈયારીમાં હતી, પણ હું ઇશ્વરમાં શ્રદ્ધા રાખી શાંતિથી કામ કરતો રહ્યો ત્યારે તમે તો તમારી જરીક જેટલી સંપત્તિની ચિંતા કરી નાસવા તૈયાર થઇ ગયા.’ સુખદેવનું અભિમાન ઓગળી ગયું.

તપ કરવું, જ્ઞાન મેળવવું અઘરું છે, પરિશ્રમ માગી લે છે અને ઇષ્ટ છે, પણ સંસારમાં રહી ઇશ્વરમાં શ્રદ્ધા રાખી શાંતિથી પોતાની ફરજો બજાવવી એ પણ એટલું જ અઘરું છે.

============================================

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો
2 comments on “પાંદડે પાંદડે જ્યોતિ/મહેશ દવે/સ્વમાનપ્રકાશન
  1. premji bhoja કહે છે:

    bahu j saras bhodh aapti dratant katha

  2. […] લઇ આવ્યાં અને તેનો ઉછેર કરવા માંડ્યા. […] મા ગુર્જરીના […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: