ભીષ્મ- સેનાપતિપદે

Bhishma-saat

ભીષ્મ

મહાભારતનાં પાત્રો//નાનાભાઇ ભટ્ટ// આર. આર. શેઠ

પાના: 237 થી 240

સેનાપતિપદે

મહારાજ !’ દુર્યોધને નિરાશ થતાં થતાં કહ્યું,’આપે મારી તમામ આશાઓને ધૂળમાં મેળવી છે. આપના અને દ્રોણાચાર્યના બળ ઉપર મેં આ યુદ્ધ માંડ્યું છે.’ભીષ્મે ક્રોધથી કહ્યું:’તુ શા માટે ન માંડે? મેં તો તને શ્રીકૃષ્ણ  આવ્યા તે સભામાં જ ચોખ્ખું સંભળાવી દીધું હતું.  અનેક કાળાંધોળાં કરીને લડાઇઓ જગવતો ફરે અને પછી મારે તેમાં લડવું એ  ક્યાંનો ન્યાય છે? આવા અધર્મમાં હું ભાગ લેવાનો નથી.’

દુર્યોધને નિસાસો નાખી કહ્યું: ‘પિતામહ ! આજે હવે મને સમજાય છે.શકુનિ અને કર્ણ મને વર્ષોથયાં કહેતા આવ્યા છે કે આ પિતામહ ઉપર ઉપરથી તારા દેખાય છે પણ અંદરથી તે પાંડવોના છે,અને ખરે વખતે તને દગો દેવાના છે. આજ સુધી હું આ વાતને માનતો ન હતો; પણ આજે મારી આંખ ઊઘડી છે. આજે મને સમજાય છે કે આપને મેં આજ સુધી પોષ્યા તે પાંડવોનું હિત કરવા માટે જ.’

‘દુર્યોધન, દુર્યોધન !’ ભીષ્મ બોલ્યા, ‘તું એમ ન બોલ. પાંડવોનું હિત આજ સુધી મેં કદી જોયું જ નથી. જ્યારે ત્યારે હું તારા માટે લડયો છું. અને અનેક પ્રસંગો તેં પાંડવોને હેરાન કર્યા ત્યારે પણ મેં તારું પડખું છોડયું નથી.’

દુર્યોધને જણાવ્યું:‘એ આપની મારા પરની કૃપા; પણ આજે અણીને વખતે આપ પાંડવોના પક્ષમાં જાઓ એટલે થઇ રહ્યું !’ ‘હું તેમની તરફ પણ જવાનો નથી. હું તો જીવનને કાંઠે ઊભો ઊભો તમારું યુદ્ધ જોઇશ.અને પ્રભુ મોત મોકલશે ત્યારે તેને વધાવીશ. મનમાં તો થાય છે કે કુળનો વિનાશ જોવા જીવું તે કરતાં આપઘાત કરું તો ઠીક; પણ એ પાપ કરવાનું દિલ નથી ચાલતું. આજ સુધી મેં આખા કુટુંબ પર રાગ કેળવ્યો એટલે ઇશ્વર મને એ કુટુંબનો વિનાશ ન દેખાડે ! તું તારે જા, હું પાંડવો તરફ નથી જવાનો. ’

‘નહિ નહિ,’ દુર્યોધન બોલ્યો,’એના કરતાં તો પાંડવો તરફથી લડો એટલે દુર્યોધન પણ જુએ.’

ભીષ્મે જરા આવેશથી કહ્યું:’દુર્યોધન ! પાંડવો તરફથીન લડીશ તો તો તારો એક પણ યોદ્ધો જીવતો નહિ જાય !’

દુર્યોધને ભીષ્મનું વચન ઝીલી લીધું અને બોલ્યો: ‘યોદ્ધાની વાત જવા દો, પણ એકે કૌરવ જીવતો ન જાય એ હું સમજું છું પણ પિતામહ ! આપને હાથે મોત ક્યાંથી ! આપને હાથે મેદાન પર સૂઇએતો તો જીવન સફળ થઇ જાય ! એવાં સદ્ ભાગ્ય ક્યાંથી !પણ પિતામહ ! હવે તો લડાઇ સુધી ફોંચવાનીયે કશી જરૂર નથી. આ રહી મારી સમશેર, આપના જ પવિત્ર હાથથી આ તલવારને મારી ગરદન પર ચલાવો એટલે બસ; પછી આપ પાંડવોની સાથે સુખેથી સમાધાન કરો. સમાધાનમાં આડખીલી હું છું તેને દૂર કરો, એટલે આપણું કુળ પણ બચશે અને ક્ષત્રિયોનો સંહાર થતો પણ અટકશે. પિતામહ ! લ્યો આ સમશેર . મને મારીને મારાજ લોહીથી આપ મહારાજા યુધિષ્ઠિરને ચાંલ્લો કરી શકો છો, અને તેના માથે મુગટ મૂકી શકો છો.’

 ‘બેટા ! તારું આવું અકાળ મૃત્યુ મારે હાથે કરું? ‘ભીષ્મ આંસુભીની આંખો કરીને બોલ્યા.

દુર્ય્ધને જવાબ વાળ્યો:’એમાં મૃત્યુ અકાળ ક્યાં થાયું? મારો કાળ તો પોકારી રહ્યો છે એમ આપ જ સભામાં કહેતા હતા. મારા ગયા પછી મારા ભાઇઓને પાંડવો જીવતા મારી નાખે અથવા તો વનમાં હાંકી કાઢે એમ કહેશો, અને પાંચાલીનું કેશગ્રહણ આપે જોયું છે એના પ્રાયશ્ચિત્ત રૂપે યુધિષ્ઠિર ભાનુમતીનો ચોટલો ખેંચે એમ ખાસ ભલામણ કરશો. તો મારા જીવને શાંતિ થશે.’

ભીષ્મ અકળાવા લાગ્યા અને બોલ્યા : ‘બેટા દુર્યોધન ! આવું આવું બોલીને તું મને નાહક શા માટે દુ:ખી કરે છે ?’

 ‘માટે જ આપને દુ:ખી કરનાર દુર્યોધન જગતમાંથી જવાની પરવાનગી માગે છે, અને આપને સુખી કરનાર યુધિષ્ઠિર માટે જગા ખાલી કરે છે.’ દુર્યોધને કહ્યું.

ભીષ્મ દુ:ખી હૈયે બોલ્યા: ‘દુર્યોધન ! આવું આવું બોલીને મારી વૃદ્ધ છાતીમાં શા માટે ઘા કરે છે ? જરા વિચાર તો કર !’

દુર્યોધન  આંસુ લૂછતો લૂછતો બોલ્યો : ‘પિતામહ ! વિચાર શો કરું ? સાચું કહું ? આપને આ યુદ્ધમાં લડ્યા વિના કોઇ રીતે ચાલે તેમ નથી. સો વાતની એક વાત. આપને ગમે તોયે લડવાનું, ને ન ગમે તોયે લડવાનું. આપના વિશ્વાસ પર તો અગિયાર અક્ષૌહિણી સેના મૃત્યુને ભેટવા સજ્જ થઇ છે. એ સેના શું મને જોઇને આવી છે? એ લોકો તો કુરુવૃદ્ધ પિતામહના ધોળા વાળ્ને જોઇને આવ્યા છે; એ લોકો ધનુર્ધારી દ્રોણને ઓળખે છે, આપને લડવું જ પડશે.’

ભીષ્મ બોલ્યા : ‘મારી ઇચ્છા વિરુદ્ધ મારાથી શી રીતે લડાશે ? મને તારો ચોખ્ખો અધર્મ લાગે છે.’

દુર્યોધન જરા હસીને બોલ્યો: ‘એ ધર્મ-અધર્મનો નિર્ણય તો લડાઇ પૂરી થયા પછી આપણે બન્ને કરી લેશું. આજે તો હાથમાં ધનુષ્ય લઇનેટંકાર કરો એટલે શત્રુઓનાં કાળજાં ચિરાઇ જાય.’

ભીષ્મ પિતામહ વળી બોલ્યા: ‘દુર્યોધન ! મેં તને પહેલેથી જ ના પાડી હતી કે આ યુદ્ધ રહેવા દે; પણ તેં ન માન્યું.’

દુર્યોધન જરા જોસમાં આવ્યો અને બોલ્યો :‘પિતામહ ! હું સમજું છું કે સભામાં આપનું કહેવું ન માન્યું તેની આપને રીસ ચડી છે. અને એ રીસના માર્યા આપ યુદ્ધથી વેગળા રહેવા માંગો છો. પણ પિતામહ ! હું ગમે તેવો તોયે આપનો બાળક. તોફાન કરું, આપની મૂછ ખેંચું, મનમાં આવે તે બોલી નાખું, આપને ન ગાંઠું, તો આપ મને તમાચો મારીને હેઠો બેસાડો; પણ આપનાથી મારો ત્યાગ ન થાય . હું તો નાનો છું તે છોરુકછોરુ થઇનેય છૂટીશ પણ આપનાથી નહિ છૂટાય. લોકો પણ કહેશે કે દુર્યોધનને તો અક્કલ ન હતી, એ બુઢ્ઢાને શરમ ન આવી? માટે આપ તૈયાર થાઓ અને સમગ્ર કૌરવસેનાનું મુખીપણું હાથમાં લ્યો.’

ભીષ્મે જવાબ વાળ્યો:’દુર્યોધન ! હું ઘરડો આવડી મોટી સેનાને શી રીતે પહોંચી વળીશ?’ દુર્યોધને જવાબ વાળ્યો : ‘પિતામહ ! એ વિચાર કરવાનું મને સોંપો. આટલાં વર્ષથી ગાદી પર બેઠો છું, એટલે યુદ્ધમાં કોને ઘરડા ગણવા અને કોને જુવાન ગણવા એટલું તો શીખ્યો છું. ફક્ત મને હા પાડો.’

ભીષ્મે ધીરે સ્વરે જણાવ્યું: ‘દુર્યોધન ! મનમાં તો હજીયે થાય છે કે હું આ યુદ્ધમાં ભાગ ન લઉં !’

દુર્યોધને કહ્યું: ‘આપનું મન આજે જરાક  એવું થઇ ગયું છે;હું રજા લઉં છું. આપને આજે સાંજના ઊપડવાનું છે; ગુરુ દ્રોણાચાર્યની પાસે જઇને તેમને પણ આપના નામથી તૈયાર કરું છું.’

ભીષ્મે જણાવ્યું: ‘એમાં મારા નામથી શું? રાજા તો તું છે. દુર્યોધન ! હું છેવટે તારાથી હાર્યો.’

દુર્યોધન હસતો હસતો બોલ્યો :’ એ તો દાદા દીકરાથી હારે એમાં જ દાદાની શોભા નથી ?’ આટલું કહી દુર્યોધન ઉતાવળે પગલે અદ્રશ્ય થયો. એકલા પડેલા ભીષ્મ પિતામહના મનમાં કુરુક્ષેત્રની વ્યૂહરચના ડોકિયું કરવા લાગી.

====================================   

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in મહાભારત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 682,344 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
ઓગસ્ટ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: