કુંતી—ગાંધારી/મહાભારતનાં પાત્રો/નાનાભાઇ ભટ્ટ

કુંતી—ગાંધારી/મહાભારતનાં પાત્રો/નાનાભાઇ ભટ્ટ
મહારાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ બેઠા પછી ધૃતરાષ્ટ્રને તો સંસાર આખો ખારો થઇ ગયો હતો. હસ્તિનાપુરમાં તો મહારાજનું જેટલું માન પહેલાં હતું તેથીયે વધારે માન યુધિષ્ઠિરે ઊભું કરવાનો
પ્રયત્ન કર્યો હતો. ધૃતરાષ્ટ્રને તેમ જ ગાંધારીને પોતાના પુત્રોનું મરણ સાંભરે પણ નહિ એવી રીતે યુધિષ્ઠિરે તેમની સેવા કરવા માંડી,અને પાંડવો તેમ જ પાંડવસ્ત્રીઓ કેમ જાણે ધૃતરાષ્ટ્ર જ મહારાજા હોય ને પોતે તેના સેવકો હોય; એમ નિરાભિમાનપણે વર્તવા લાગ્યાં.
છતાં ધૃતરાષ્ટ્ર એ તો ધૃતરાષ્ટ્ર ! યુધિષ્ઠિર ને દુર્યોધનનો ભેદ એ શી રીતે ભૂલે? એના સ્મરણપટ ઉપર તો જીવનભરનાં અનેક કાર્યો ખાડાં થવા લાગ્યાં અને યુધિષ્ઠિરની સેવા લેતાં લેતાં તેને ચીમટીઓ ભરવા લાગ્યાં. એટલે છેવટે અંતરની આ મહાવ્યથામાંથી છૂટવા ખાતર તેમણે વનવાસની દીક્ષા લીધી, અને ગાંધારીની સાથે શતયૂપના આશ્રમમાં જઇને વાસ કર્યો. કુંતી પણ વનવાસમાં તેમની સાથે જ હતાં.
***********************************************

 ’કુંતી !’ આશ્રમના એક ખંડમાં પથારી ઉપર પડ્યાં પડ્યાં ગાંધારી બોલ્યાં, ‘આજે કેમ ક્યારનાં પાસાં ઘસો છો?’
‘તમેય જાગો છો?’કુંતીએ સામો પ્રશ્નકર્યો, ‘મને તો આજે ઊંઘ જ નથી આવતી.’ ’આજની જ શા માટે વાત કરોછો? હમણાં હમણાં તો રોજ હું જાગી જાઉં છું,ત્યારે તમે પથારીમાં બેઠાં જ હો છો.’ગાંધારી બોલ્યાં.
‘હા,હમણાં હમણાં મારી ઊંઘ સાવ ઊડી ગઇ છે, તમને ભલી ઊંઘ આવેછે !’કુંતી બોલ્યાં. ’મને તો આવે છે.’ ગાંધારીએ કહ્યું,’હું પણ પાછળ કોઇને મૂકતી આવી હોત તો મનેય કદાચ ઊંઘ ન આવત. કુંતી ! તમે તો અમસ્તાં અહીં આવ્યાં.’ ’ગાંધારી !મને શા માટે બાળો છો?’ કુંતી વ્યથા પામતાં બોલ્યાં,’તમારા પુત્રો રણમાં સૂતા એથી શું મને સારું લાગ્યું હશે?’ ’બહેન કુંતી !એમ ઉતાવળાં ન થાઓ.’ ગાંધારી શાંતિથી બોલ્યાં,’હું ઠીક કહું છું,તમે જીવનભર તમારા પુત્રો માટે દુઃખી થયાં.અને આજે જ્યારેતેમના ને પુત્રોના સુખના દિવસ આવ્યા ત્યારે તમે વનમાં આવ્યાં,એટલેતમને સહેજે એ બધું સાંભરે.હું તો બધાંય જણ્યાંને રણક્ષેત્રમાં સુવારી કોરી કઠોર આ મહારાજને લઇને ચાલી નીકળી.પણ હવે આવ્યાં છો એટલે હસ્તિનાપુરને ભૂલી જાઓ અને મનને ખૂબ ટાઢક આપો.’
‘બહેન ગાંધારી !’ કુંતી બોલ્યાં.’એમ જ કરવા મથું છું, પણ નથી થતું. મન ઘડીએ ઘડીએ વેગ કરે છે અને ‘મારા યુધિષ્ઠિરનું રાજ્ય કેવુંક ચાલતું હશે?’ ‘પરીક્ષિત કેવડોક થયો હશે?’’દ્રૌપદીને અને સુભદ્રાને બનતું હશે કે કેમ?’ એવા એવા વિચારો મારા મનને ડહોળી નાખે છે.બહેન ગાંધારી ! તમને હદ છે કે આખું લશ્કર ભરાય એટલા પુત્ર-પૌત્રોને વળાવીને ચાલી નીકળ્યાં છો છતાં ચિત્ત સરોવર જેવું શાંત રાખી શકો છો. બહેન

ગાંધારી ! મને તમારી દેરાણી ગણવી હોય તો દેરાણી ગણો, સેવિકા ગણવી હોય તો સેવિકા ગણો અને શિષ્યા ગણવી હોય તો શિષ્યા ગણો; પણ તમારા ચિત્તની શાંતિ મને મળે એવો ઉપાય બતાવો !’ ’કુંતી !તમને મેં હમેશાં બહેન જ ગણ્યાં છે.ગાંધારી ધીર ગંભીર સ્વરે બોલ્યાં,’બહેન ! આજ સુધી યુધિષ્ઠિર વગેરેને સલાહ આપવામાં તમે તમારા મનને જે વેગ આપ્યો છે તે વેગ મનમાંથી નીકળ્યે જ છૂટકો છે.’ ’બહેન ગાંધારી !’ કુંતી ગળગળાં થઇને બોલ્યાં,’એ વેગની તો શી વાત કરું? મેં સાંભળ્યું છે કે દુર્યોધન તમારો આશીર્વાદ ભીખવા આવ્યો તો પણ તમે એને આશીર્વાદ નહોતો આપ્યો ! અરે, મેં તો મારા પુત્રો યુધ્ધની મંત્રણામાં ઢીલા ન પડે તે માટે શ્રીકૃષ્ણનેય પાનો ચડાવ્યો, દ્રૌપદીને સંદેશો કહાવ્યો, અને મારા પુત્રોનો જ વિજય થાય એટલા ખાતર દુર્યોધનના ખાસ મિત્ર કર્ણને ફોડવાનો પ્રયત્ન કર્યો !’
‘ત્યારે એ બધું તમને અત્યારે તો નડતું હશે?’ ગાંધારી બોલ્યા.
;નડતું હશે શું, મને કોરીને ખાઇ જાય છે!’ કુંતી વળી બોલ્યાં, ‘હૃદયના ઠેઠ ઊંડાણમાં તો મને હવે એમ જ થયા કરે છે કે જેમ તમારા પુત્રો પૃથ્વીને ભોગવ્યા વિના જ ચાલતા થયા તેમ મારા પુત્રો પણ બે દિવસ પછી ચાલતા થશે. પણ એ બે દિવસની ચાંદરાત માટે મેં કેટલીયે માતાઓનાં આંસુ સૂકવી નાખ્યાં હશે એ વિચાર કરું છું ત્યારે ધ્રૂજી જાઉં છું. ગાંધારી ! હૈયાનો તાપ એટલો બધો અકળાવી નાખે છે કે જઇને પેલો દૂર દાવાનળ સળગે છે તેમાં પડું’
‘બહેન ! એમ ન અકળાઓ.’ ગાંધારી બોલ્યાં, ‘જેવી તમારી દશા છે તેવી જ મહારાજની છે. તેમને પણ આવા જ વિચારો રાતદિવસ આવ્યા કરે છે.અને આવા વિચારો જ્યારે ઊંડા અંતર પાસે ઉઘરાણી કરે છે ત્યારે તેમની ઉઘરાણી કેવી આકરી હોય છે તે તો અનુભવી જ જાણે. મને જીવનમાં એક પ્રસંગ યાદ છે તે તમને માઠું ન લાગે તો કહું.’ ’કહો ને ગાંધારી !’ કુંતી બોલ્યાં, ‘તમે તો પેટ અવતાર લઇએ એવાં છો,ત્યાં તમારું માઠું કેમ લાગે ?’ ’મારે ગર્ભ રહ્યા પછી બે વર્ષ સુધી કાંઇ આવ્યું નહિ અને તમારે યુધિષ્ઠિર આવ્યો ત્યારે તમારી ઇર્ષ્યાએ મેં પેટ કૂટ્યું હતું.એ એ પેટ કૂટ્યાનું પરિણામ આ દુર્યોધન,અને ત્યાર પછીનો બધો તેનો ઇતિહાસ. મેં પેટ કૂટ્યું તે દિવસ હું ભૂલી શકતી જ ન હતી.આખરે જ્યારે દુર્યોધન પડ્યો અને તેનું જોઇને મારાથી શ્રીકૃષ્ણને શાપ આપી જવાયો,ત્યાર પછી એ પેટ કૂટવાની વાત મને ડંખતી સમૂળગી બંધ થઇ ગઇ છે.’ગાંધારી બોલ્યાં. ’તમે તો એક વાર પેટ કૂટ્યું.’કુંતી બોલ્યાં, ‘પણ મારા જેવી સ્ત્રીઓ તો ડગલે ને પગલે બીજાની ઇર્ષ્યા કરે તેની શી દશા થાય?ગાંધારી ! હૈયાની આ હોળી શમશે એવી આશાથી અને દુનિયામાં મારું સારું કહેવાશે એવા લોભથી હું તમારી સાથે નીકળી.પણ બળ્યું હૈયું તો સાથે ને સાથે જ આવે છે.’
‘બહેન કુંતી !’ ગાંધારી બોલ્યાં ‘હૈયાની હોળી એમ શાંત થતી હોત તો તો દુનિયા આખી વનમાં હવાફેર કરવા આવત,અને પછી સંસારમાં જઇને માંદગી ભોગવી લેત. તમે અને મહારાજ ધૃતરાષ્ટ્ર બન્નેએ હાથે કરીને હૈયાની હોળી વહોરી લીધી છે,એટલે એને શાંત કરવાનો એક જ ઉપાય છે.’ ’શો?’ કુંતી અધીરાં થઇને બોલ્યાં.
‘આજે એ હૈયામાંથી જેટલી જેટલી ઝાળો નીકળે તેને ખૂબ શાંતિથી સહન કરો.એ ઝાળથી દાહ થાયતે તો પ્રાયશ્ચિત છે એટલે તેથી મૂંઝાશો નહિ.એ ઝાળો અંતરના તમામ મેલને બાળી નાખે તેટલા માટે અંતરનો તમામ મેલ –તમામ કચરો ખૂણેખાંચરેથી શોધીને તેમાં નાખો. આમ કરવાથી ઝાળ વધતી જણાશે પણ તેથી મૂંઝાશો નહિ.આ પ્રમાણે તમામ મેલને બાળ્યા પછી એ ઝાળ એની મેળે ઓલવાઇ જશે. બહેન કુંતી ! તમે શ્રીકૃષ્ણનાં ફોઇ થયાં અને તેનું સગપણ માણ્યું; પણ તેની પાસેથી લેવા જેવી વિદ્યા તો આ હતી. હૈયાની હોળીને શાંત કરવા માટે અને તેના દાહને બળતો શમાવવા માટે પ્રભુની દયા એક જ સાચું અમૃત છે. માટે તમે મૂંઝાયા વિના પ્રયત્ન કરો અને પ્રભુની દયા માગો.’ગાંધારી બોલ્યાં. ’મહેનત તો કરું છું,અને હવે વધારે કરીશ. પણ પ્રભુની દયા મળશે?’કુંતી બોલ્યાં,’જીવનભર પ્રભુને એક ખૂણામાં બેસાડીને વ્યવહાર કર્યો તે આજે પ્રભુની દયા મળશે?’ ’કુંતી ! પ્રભુ આપણા જેવો પામર નથી.’ગાંધારી બોલ્યાં.’એની દયાનો વરસાદ સદાય વરસ્યા જ કરે છે; માત્ર માણસ અંતઃકરણ ઊંધું નાખીને ફરે છે એટલે એ દયાનું એક પણ ટીપું ઝીલી શકતો નથી. ‘પ્રભુની દયા મળશે ?’ એમ ન પૂછો; ‘એ દયા હું ઝીલી શકીશ?’એમ પૂછો,કુંતી ! તમારી ઇચ્છા સાચી હશે તો પ્રભુ પોતે આવીને તમને કહેશે કે ‘કુંતી !ઊઠ.મારી દયા તું કેમ ઝીલતી નથી?તમારી દાનત સાફ જોઇએ.’
‘ગાંધારી,ગાંધારી! તમને હજારો પ્રણામ છે કુંતીના. મને તમારી આવી ખબર હોત તો વનવાસમાં તેર વર્ષ હું હસ્તિનાપુરમાં રહી ત્યારે કેટલુંયે શીખી લેત.’કુંતી બોલ્યાં.
‘એમ ન શિખાય.’ગાંધારી બોલ્યાં,’એમાંયે કાળને પાકવાની જરૂર પડે છે.તે દિવસે તો યુધિષ્ઠિર વનમાંથી આવીને ક્યારે હસ્તિનાપુરનો દરવાજો સર કરે એ તમારા મનમાં ઘોળાતું હશે. આજે જ્યારે તમે એ બધું જોઇ લીધુંઅને લાખો ક્ષત્રિયોના લોહીથી ખરડાયેલો મુગટ યુધિષ્ઠિરને માથે ચડ્યો ત્યારે તમને અંતર ડંખે છે. આજે આવે છે તે આજના વિચારો છે; તે દિવસે આ વિચારો આવી શકે જ નહિ.’ ’ગાંધારી !’કુંતી બોલ્યાં,’તમે સચું કહો છો.મારા પર બહુ મોટો ઉપકાર કર્યો.’ ’કુંતી !’ ગાંધારી બોલ્યાં, ‘ઉપકાર તો તમે કર્યો એમ કહું તો ચાલે.તમે મનથી મારાં દુશ્મન છતાં આજે જીવનની મારી વાત આટલી મોડી મોડી પણ
ગળે ઊતરી એથી વધારે મોટો ઉપકાર મારા પર શો હોઇ શકે?આજે તમને ગળે ઊતરી છે એટલે કાલે મહારાજને ગળે ઊતરશે.અને મારો વિચાર તમારે કે મહારાજને ગળે ઊતર્યો એટલે મારા પુત્રને માથે ચૌદ બ્રહ્માંડના સામ્રાજ્યનો મુગટ આવ્યો એમ હું સમજું છું. કુંતી ! મારા પુત્રને આવો મુગટ મળે તેથી સંતોષ પામનારી હું,દુર્યોધનને માથે રાતાલીલા પથ્થરોનો જડેલો મુગટ આવે એવો આશીર્વાદ કઇ જીભે આપી શકું?’
‘ગાંધારી ! હવે બંધ કરો.’ કુંતી બોલ્યાં,’હવે તો તમારી વાત વધારે ઊંડી જતી જાય છે એટલે હું પકડી પણ નથી શકતી.મહારાજને જાગવાનો પણ વખત થયો છે.’
‘ઠીક, ચાલો જઇએ.કોઇ બીજી વખતે વાત.’ગાંધારી બોલ્યાં.અને બન્ને મહારાજ ધૃતરાષ્ટ્રના ખંડ તરફ વળ્યાં.

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in મહાભારત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: