b.k.7
બાળ-કાવ્યો
મા ના ગુણ//દલપતરામ
હતો હું પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું.
દઇ છાતી સાથે બચી કોણ દેતું ?
મને કોણ મુખે મીઠાં ગીત ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કેવ ચડું તો ખમા આણી વાણી ;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
************************************************************************
સાંજ પડી /નટવર પટેલ
પંખી માળે આવ્યાં કેમ ? સાંજ પડી.
ફૂલ ફરી બિડાયાં કેમ? સાંજ પડી.
સૂરજ રાતો લાગે કેમ? સાંજ પડી.
ઘૂવડ રાજા જાગે કેમ ? સાંજ પડી.
મંદિર ઝાલર વાગે કેમ ? સાંજ પડી.
નભમાં તારા ટમક્યા કેમ ? સાંજ પડી.
ચાંદામામા ચમ્ક્યા કેમ? સાંજ પડી.
તમરાં ત્રમ ત્રમ કરતાં કેમ? સાંજ પડી.
દીવડે ફૂદાં ભમતાં કેમ? સાંજ પડી.
ધરતીમાતા પોઢે કેમ ? સાંજ પડી.
અંધારાને ઓઢે કેમ ? સાંજ પડી.
******************************************************
ચાડિયો/રમેશ ત્રિવેદી
મારા ખેતરમાં ઊભો એક ચાડિયો રે લોલ,
કશું ખાતો નથી તોય જાડિયો રે લોલ.
એકલો ઊભો રહી
કંઇ નથી બોલતો;
વાયરાની સંગાથે
ધીમેધીમે ડોલતો.
કરે માથા પર ક્રાંઉ ક્રાંઉ હાડિયો રે લોલ,
મારા ખેતરમાં ઊભો એક ચાડિયો રે લોલ.
ચકલાં—કાબરને આંખ બતાવતો;
થનક-થનક થનકારે
મોરલો નચાવતો.
કદી કરતો ના કોઇની એ ચાડીઓ રે લોલ,
મારા ખેતાર્માં ઊભો એક ચાડિયો રે લોલ.
ઠંડી, વરસાદ હોય
તો ય નથી કંપતો;
રાત દિન જાગતો
જરી નથી જંપતો.
રખેવાળ છે, નથી એ તો દાડિયો રે લોલ,
મારા ખેતરમાં ઊભો એક ચાડિયો રે લોલ.
*******************************************************************************
ધમાચકડી/નીતા રામૈયા
ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ,
ડાહ્યું ડાહ્યું કરવાનું એ તારું કામ.
સીધા રસ્તે વાંકાં ચૂંકાં
પગલાં માંડું લાંબા ટૂંકાં,
પાન વીણું ભીનાં સૂકાં
ભેગાં કરું ડાળી ઠૂંઠાં;
પૂછો નહીં, એ બધાંનું શું છે હવે મારે કામ,
ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ,
ડાહ્યું ડાહ્યું કરવાનું એ તારું કામ.
આંટા મારું આડા અવળા
કપડાં પહેરું ઊંધાં સવળાં,
પથરા વીણું ગોળ લિસ્સા
મણકાથી હું ભરું ખિસ્સાં;
પૂછો નહીં, એ બધાનું શું છે હવે મારે કામ,
ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ,
ડાહ્યું ડાહ્યું કરવાનું એ તારું કામ.
કરી મૂકું દોડમદોડા
ઘર આખું ડોલમડોલા,
ખૂણે ખૂણે રાજ મારું
મારું વાગે એ જ નગારું;
પૂછો હવે, મેં પાડ્યું આ રાજનું શું નામ,
ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ,
ડાહ્યું ડાહ્યું કરવાનું એ તારું કામ.
*****************************************************************************
ધમાચકરડી
પીયુષ, ટીનુ, વિસ્મયભાઇ
ધમાચકરડી કરતા કાંઇ !
ત્યાંથી અહીંયાં, અહીંથી ક્યાંય
દોડાદોડી કરતા જાય !
પ્પ્પાનું પહેરે જાકિટ
મમ્મીનું ખોળે પાકિટ
દાદીમાની દાબડી
લે દાદાની લાકડી
ખુલ્લું પુસ્તક વચ્ચે પેન
ટીનુ, વિસ્મય કરતા વેન.
ત્યાં તો આવ્યાં બિલ્લીબાઇ
ધમાચકરડી ભાઇ ! ભાઇ !
સરખે સરખા ચારે
ધમાલ કીધી ભારે
કબાટ કેરો ફોડ્યો કાચ,
પપ્પા આવ્યા સાચોસાચ.
બિલ્લીબાઇ તો નાઠાં જાય
પણ આ ત્રિપુટી ક્યાં સંતાય !
ઋણ સ્વીકાર : ’ હોંકારો’
જાગને જાદવા/ નરસિંહ મહેતા
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના ઘેનમાં કુણ જાશે ?
ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો રે ગોવાળિયો કુણ થાશે ? –જાગને…
દહીં તણા દૈથરાં, ઘી તણાં ઘેબરાં,
કઢિયલ દૂધ તે કુણ પીશે?
હરિ તાર્યો હાથિયો, કાળિનાગ નાથિયો,
ભૂમિનો ભાર તે કુણ લેશે ?—જાગને…
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં,
મધુરી શી મોરલી કુણ વહાશે ? ભણે નરસૈયો તારા ગુણ ગાઇ રીઝિયે,
બૂડતાં બાંહેડી કુણ સહાશે ? – જાગને…
***********************************************************
જળકમળ છાંડી જા રે//નરસિંહ મહેતા
‘જળકમળ છાંડી જાને બાળા ! સ્વામી અમારો જાગશે;
જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે.
કહે રે બાળક ! તું મારગ ભૂલ્યો ? કે તારા વેરીએ વળાવિયો;
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયાં તે શીદ આવિયો ?’
‘નથી નાગણ ! હું મારગ ભૂલ્યો , કે નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’
’રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો ?’
‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.’
‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું , આપું તુજને ચોરિયો.’
’શું કરું નાગણ ! હાર તારો ? શું કરું તારો દોરિયો ?
શાને કાજે, નાગણ ! તારે ઘરમાં કરવી ચોરીઓ ?’
ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
’ઊઠો ને બળવંત, કોઇ બારણે બાળક આવિયો.’
બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો.
નાગણ સહુ વિલાપ કરે છે : નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછે નાગનું શીશ કાપશે.
બેઉ કર જોડી વીનવે :’સ્વામી ! મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’
થાળ ભરી શગ મોતીએ શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈંયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવિયો.
****************************************************
khub ja saras balgeeto………………vanchi ne …………balpan………….yaad aavi gayu
[…] બાળ-કાવ્યો […]
સાંજ પડી કાવ્ય એ તો બાળમાનસ પર છવાયેલ સાંજની એ સમય
ની અનુભૂતિ પાછી આપી છે.
આપનો આભાર 🙏🙏