ખુદા હાફિજ !

KHUDA HAFIZ

ખુદા હાફિજ ! 

ટૂંકી વાર્તા

          ‘આ ભવઠાણ ક્યાં આવ્યું, ભાઇજાન ?’

          ‘બહુ દૂર…. અહીંથી બહુ દૂર…. જ્યાં તો તું કદી આવી શકીશ કે ન હું ફરી અહીં પાછો આવી શકીશ.’

          ‘યા અલ્લાહ ! આટલું બધું દૂર ?’

          ‘હા, બહુ દૂર. ઠીક , તો આવજે !……નમસ્તે !’

          ‘ખુદા હાફિજ !’

          બાવીસ વરસ થઇ ગયાં આ વાતને, છતાં આજેય આ શબ્દોનો ધ્વનિ મારા કાનમાં ગૂંજ્યા કરે છે. બાવીસ વરસ પહેલાં હું તાજો ડૉક્ટર થઇને આર્મી મેડિકલ કોરમાં ભરતી થયેલો. સીધું યુદ્ધ-મોરચે જવું પડ્યું. જો કે યુદ્ધ થંભ્યું હતું. અમારી જાટ બટેલિયન કહેવાતા આઝાદ કાશ્મિરના એક પહાડી ગામ પાસે પડાવ નાખીને પડી હતી. વચ્ચે એક નદી વહેતી હતી. તેના પરનો પુલ બેઉ બાજુને જોડતો હતો.

          યુદ્ધ શરૂ થતાં જ સ્ત્રી—પુરુષ, બાળ-બચ્ચાં, ઢોર બધાં જ કોણ જાણે ક્યાં ભાગી ગયાં હતાં ! પરંતુ યુદ્ધબંધી થતાં જ  ધીરે ધીરે બધાં પાછા આવવા લાગ્યાં. ઝૂંપડીઓનાં છાપરાંમાંથી ફરી ધુમાડો નીકળવા લગ્યો. મકાઇના ડૂંડા ફરી ખેતરોમાં ડોલવા લાગ્યાં.

          ગામલોકો ધીરે ધીરે અમારા દોસ્ત બની ગયા. આ વિસ્તારમાં હું એક માત્ર ડૉકટર હતો. હજારેક સૈનિકો માટે તો હું દુનિયાનો બેલી હતોજ. ધીરે ધીરે ગ્રામજનો માટે પણ એવો જ બની ગયો.

 

          ‘દાક્તરસાહેબ ! બે દિવસથી અંગેઅંગ તૂટે છે.’

          ‘બેગમની તબિયત કાંઇક નરમ છે.’

          ‘અલ્તાફ મિયાંને તાવ ધગધગી રહ્યો છે.’

          પાકિસ્તાન બાજુના દરદી મારી પાસે આવતા. દવા લઇ જતા અને દુઆ દઇ જતા. શેખ દાઉદ મારો સારો દોસ્ત બની ગયેલો. એક દિવસ આવીને મારા હાથમાં નાની પોટલી મૂકીને ઊભો.

          ‘આ વળી શું લાવ્યા, શેખ સાહેબ ?’

          ‘મકાઇની બે રોટલા અને સરગવાનું થોડું શાક. બેગમે મોકલાવ્યું છે. ખાઇ લો, પછી વાત કરું.’

          દશ મિનિટમાં તો બધું સફાચટ કરી ગયો. કોઇક ગૃહિણીના હાથના ભોજનની ખરી મજા ત્યારે જ જણાય જ્યારે તમે તમારા ઘરથી દૂર વેરાનમાં પડ્યા હો.

          પછી શેખે પોતાની મૂંઝવણકહી :’ મારા એકના એક દીકરા જાવેદની બેગમ પરવીન. એની પહેલી સુવાવડ છે. બેગમને ચિંતા છે કે વહુનું પેટ મોટું દેખાય છે. કદાચ જોડિયાં બાળક હોય. ગામની દાયણ પહોંચી ન વળે, તો તમે આવશો ને?’

          ‘જરૂર આવીશ. અડધી રાતે ઉઠાડી જજો ને !’

          અને ખરેખર અડધે રાતે જ મને ઉઠાડવો પડ્યો. મહિનામાસ પછી રાતે બે વાગે દાઉદ દોડતો હાંફળો—ફાંફળો આવ્યો. એની સાથે પહોંચ્યો તો દાયણ એકદમ ગભરાયેલી હતી. પહેલી છોકરી તો બહાર આવી ગઇ, પણ બીજું બાળક આડું પડી ગયેલું. એની પ્રસૂતિ થતી નહોતી.

          તે દિવસે મેં મારી બધી આવડત કામે લગાડી. પૂરા કલાકની મથામણ બાદ છેવટે ગર્ભાશયમાં હાથ નાખીને મેં બાળકને બહાર ખેંચી લીધું. ત્યારે મારા મનમાં સતત નામસ્મરણ ચાલતું હતું. મને પૂરો વિશ્વાસ છે કે તે દિવસે શેખ દાઉદની ઝૂંપડીમાં મારા રામ અને બેગમ પરવીનના અલ્લાહ મિયાં બંને અવશ્ય હાજર હતા.

          દિવસો વીતતા ગયા. પરવીનના બાળકો બે –અઢી માસના થયા હશે, તેવામાં મને મારી ભવઠાણ લશ્કરી હોસ્પિટલમાં બદલી થયાનો હુકમ મળ્યો. મારે તુરંત જ ત્યાં પહોંચવાનું હતું. એટલે બીજે દિવસે જીપમાં સામાન ભરીને નીકળ્યો. જવાનોની વિદાય લીધી. જીપ પુલ નજીક પહોંચી ત્યારે મને થયું, કોઇ બૂમ પાડે છે.

          જીપ થોભાવી જોયું તો પુલ પરથી જાણે આખું ગામ દોડતું આવતું હતું. સૌથી આગળ પરવીન અને જાવેદ હતાં. બંનેના હાથમાં એક એક પોટલી હતી. પાસે આવી જાવેદ બોલ્યો.’અમારાથી નારાજ છો? અમારી કાંઇ ભૂલચૂક?’

          પરવીન એકીશ્વાસે બોલી ગઇ:’તમે શું કામ જાઓ છો?ક્યાં જાઓ છો?’

          પરવીને પોતાના હાથમાંની પોટલી મારા પગમાં મૂકી દીધી. મેં ઊંચકીને જોયું તો અંદર અસલમમિયાં મોંમાં અંગૂઠો ચૂસતા આરામથી પોઢ્યા હતા.

          ‘ભાઇજાન ! તે દિવસે તમે ન હોત તો હું ને અસલમ અલ્લાહને પ્યારાં થઇ ગયાં હોત…. હું ગરીબ તમારું ઋણ શી રીતે ચૂકવું ?….. હા, એક વચન આપું છું. મારા અસલમને હું ક્યારેય ફોજમાં નહીં જવા દઉં. અલ્લાહના કસમ, ભૈયા ! મજહબ કે બે ગુંઠા જમીન માટે એ કોઇની પીઠમાં ખંજર નહીં ભોંકે.’

          મારી આંખો ઊભરાઇ આવી. બોલવા મારી પાસે કોઇ  શબ્દ નહોતા. એક અભણ ગામડિયણે મને નિ:શબ્દ બનાવી દીધો. શેખની બેગમે મારા હાથમાં રોટલા ને શાકની પોટલી પકડાવી દીધી. પરવીન ફરી ફરી પૂછી રહી હતી,’ભાઇજાન ! આ ભવઠાણ ક્યાં આવ્યું?’

(વિનય વાઇકરની સત્ય ઘટના આધારિત કથાને આધારે)

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો
One comment on “ખુદા હાફિજ !
  1. Sunil Mandaliya કહે છે:

    Tamari aa tuki varta e mari aakh bhini kari dhidhi… aakh na ek khuna ma ek aasu aavi ne atki gayu…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,738 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: