વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ

Vyp14

ખોદી લે તારી મેળે ! 

વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ 

પાનું: 14

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં દિલ્હીથી સોળ માઇલ દૂર સેહાની નામનું ગામ છે. 

બ્ર્હ્મોદેવી નામની નવવધૂ પરણીને સેહાનીમાં પોતાને સાસરે આવી. એના પિયરમાં તો આંગણામાં જ કૂવો હતો, પણ અહીં સેહાનીમાં બે ખેતરવા દૂર ગામને કૂવેથી પાણીની હેલ સીંચી લાવવી પડતી હતી. ઉમંગભરી નવોઢાને ઘરના કૂવાની ખોટ સાલી અને રાતે પિયુની પાસે એણે વાત મૂકી: “આપણા ફળિયામાં જ એક કૂવો હોય તો કેવું સારું !” 

“ તું કાંઇ ગામમાં નવીનવાઇની નથી આવી. “ પતિએ કહી દીધું . “ કૂવાની તારે એટલી બધી જરૂર હોય તો, ખોદી લે તારી મેળે !”

એ વેણ બ્રહ્મોદેવીના હૈયામાં કોતરાઇ ગયાં. વળતી વખતે સવારે પાણી ભરવા જતાં પોતાને પડોશણો પરમાલી, શિવદેઇ અને ચંદ્રાવતી સાથે એણે વાત કરી. અને ચારેય સહિયરોએ મળીને એક યોજના ઘડી કાઢી.

એક સવારે, ચારેયના ધણી પોતપોતાનાં ખેતરે ગયા પછી, એ પાડોશણોએ  ગામનાં ગોરને તેડાવ્યો, સારું મૂરત જોવરાવ્યું ને…. પોતાના ઘરની લગોલગ એક કૂવો ખોદવા માંડ્યો. ઘરના આદમી સાંજે ખેતરેથી પાછા ફ્ર્યા ત્યારે ફળિયામાં આઠ ફૂટ ઊંડો ખાડો જોઇને અજાયબ થઇ ગયા. તે છતાં મોઢેથી તો એટલું જ બોલ્યા કે,”અરે, આ તે કાંઇ બાયડિયુનાં કામ છે?આફૂરડી થાકીને પડતું મેલશે !”

પણ ખાડો તો દિવસે દિવસે ઊંડો થતો ગયો.  ચારેય બાઇઓને કૂવાની ધૂન એવી લાગી ગઇ હતી કે રોજ ઊઠીને ઊંધે માથે ખોદ્યે જ જતી હતી. બે જણિયું અંદર ઊતરીને ખોદે, તો બીજી બે માટીના સૂંડલા બહાર ઠાલવી આવે. 

પછી તો અડખેપડખેનાં છોકરાંઓ ને બીજી થોડી બાઇઓને પણ ચાનક ચડી…. ફક્ત ગામના મૂછાળા મરદો જ હાંસી કરતા અળગા રહ્યા.

મૂરત કર્યા પછીના વીસમા દિવસે બ્રહ્મોદેવી ને શિવદેઇ ખાડાને તળિઉએ ઊભી ઊભી તીકમ ચલાવી રહી હતી. ત્યાં એમના પગ તળેથી શીતલ જળની સરવાણી ફૂટી. એમ વાતમાં ને વાતમાં આખો કૂવો ખોદાઇ ગયો. ટાબરિયાંઓએ, કિકિયારા કર્યા. ગામની સ્ત્રીઓએ હરખનાં ગીતો ગાયાં. હવે તો પુરુષોએ પણ તારીફ કરી. આખા ગામમાં આનંદની લહરી ફરી વળી. પંચાયત ભેગી થઇને તેણે કૂવા પર પથ્થર-સિમેન્ટ

નું પાકું મંડાણ મૂકાવવાનો ખર્ચ મંજૂર કર્યો.  

આપણું સૌભાગ્ય કે બ્રહ્મોદેવી અને તેની આવી સહિયરો ગામેગામ પડેલી છે.” ખોદી લે તારી મેળે !” કહીને કોઇ વાર એને ચાનક ચડાવી જોજો !

 

************************************************************************** 

VYP10

વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ

 “એવાં ભાગ્ય ક્યાંથી ? ” 

પાનું10

આદિવાસીઓના એક ગામમાં એક ઘરમાં રાતવાસો કરવાનો પ્રસંગ આવ્યો. એમાં એક જ ઓરડો હતો.

તેને બારી નહોતી.ત્યાં જ  રસોઇ થતી. આખા ઘરમાં ધુમાડો થતો.કેટલાંક મરઘાં હતાં.તેનાં બચ્ચાં આમતેમ રમતાં હતાં. એ લોકોએ વિચાર્યું કે મારા જેવાને ત્યાં સુવડાવવો ઠીક નહીં ગણાય. પાસે એક ઝૂંપડી હતી. ત્યાં ખાટલી ઢાળી દીધી. ઘરધણી મારું  અપમાન નહોતો કરવા માગતો. પણ એણે ભોળેભાવે કહી નાખ્યું: “ આમ તો અહીં  અમે ભૂંડ રાખીએ છીએ. અમારી પાસે બીજી જગ્યા નહોતી. આજે અમે આ જગ્યાને સાફ કરી નાખી છે.”

 મેં ખ્યું,” ખેર, સાફ કરી એ તો સારું જ કર્યું .” થોડી વારે મને વિચાર આવ્યો કે, આ માણસ અહીં ભૂંડ રાખતો હતો;પણ અહીં બારણું તો છે નહીં—રાતે કોઇ અંદર ઘૂસી જાય તો ? મેં પૂછ્યું, “આમાં બારણું નથી?

     એ બોલ્યો, “ કે એમાં બારણાંની જરૂર નથી.”

“કેમ? આસપાસમાં કોઇ ચોર નથી?”

 “ચોર તો ઘણાય છે.”

 “તો તારા ઘરમાં બારણું કેમ નથી રાખતો ?”

એ બોલ્યો, “અમારાં એવાં ભાગ્ય ક્યાંથી કે અમારા ઘરમાં ચોર આવે ?”

સાવ અભણ માણસના આ શબ્દો છે. એ કહે છે કે , અમારું એવું ભાગ્ય નથી ! કેમ ? એમાં ભાગ્ય શા સારુ જોઇએ ? તો કહે છે :” અમારી પાસે એક ચીજ છે: ગરીબી—અને એને ચોરનારું કોઇ છે નહીં.”

મેં કહ્યું,”તો તો તમારે પોલીસની કશી જરૂર નહીં પડતી હોય.”

”પોલીસની અમારે તે શી જરૂર ?”

 “ તો પોલીસવાળા તારે ત્યાં કદી આવતા નથી ?”

કહે:  “આવે છે ને !”

“ક્યારે આવે છે ?”

“તમારા જેવાની ઘડિયાળ ગુમ થઇ જાય, ત્યારે તે શોધવા સારુ અમારા ઘરમાં આવે છે ! તમારી અમીરી ને અમારી ગરીબી, બેયનું રક્ષણ એ કરે છે.”

***********************************************************************

Vyp12

વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ

“આ વાટ અમુને ફિટ લાગે….”

પાનું :12

ઘોલવડ-વલસાડ વિસ્તારની ચીકુની વાડીઓના માલિક ઇરાની શેઠના અચરજની આજે કોઇ સીમા નહોતી.

શેઠની વાડીમાં કેટલાંય મજૂરો રોજીઆણો (રોજના પગારને ધોરણે) કામ કરે. તેમાંનાં કેટલાંક આદિવાસી સ્ત્રી-પુરુષો પોતાના મામૂલી પગારમાંથી પણ રોજના પાંચપાંચ રૂપિયા છેલ્લા છ મહિનાથી કપાવતાં હતાં. ઇરાની શેઠને એમ કે કોઇ “અલ્પ બચત” જેવી યોજનાવાળા એ લોકોને સમજાવી ગયા હશે. ચાલો, એય સારું જ છે. બચત કરશે તો રોજ તાડીના પટ્ટે(અડ્ડે) જઇ ઢીંચવામાં તો પૈસા નહીં ગુમાવે ! બે પૈસા બચ્યા હશે તે છોકરાં સારાં કપડાં પહેરશે અને પ્રસંગે એમને જ ખપ લાગશે.

પણ આ આદિવાસીઓનો પ્લાન કંઇ જુદો જ હતો, એ તો એમાંના એક રમલાએ આજે ફોડ પાડીને કહ્યું ત્યારે સમજાયું: “શેઠ ! માફ કરજે.તારે તાં વરહોથી વેઠ કરીએ ને તું અમારું પેટ પૂરે. પન ટારા હાટુ અમુને કોઇ ભાવ ની મલે. ને અમારી જાત હો એવી કે લાગ મલે ટારે ચોરી હો કરી લેવાની. એમાં કાંઇ શરમ ની. ભાજી, ચીકુ, આંબા…. અને કો’કવાર તો શેઠ, તારું હઠિયાર બી વેકી મારેલું. હા ! …. પન આ ભલું થજો અમારા ડાડાનું કે ટેમની વાટુ લઇને આ વાસુકાકા અમારે ટાં પાડામાં (વસ્તીમાં) આઇવા ને ભગવાનની ને સ્વાઢ્યાયની હારી હારી વાતો કીઢી. તેવાંએ શીખડાઇવું કે ભગવાન આપડી અંડર આવીને આપડને સંભાલે.દૂધની અંદર  ઘી હોય, પન તે કંઇ હીદું દેખાય ની, તેવી રીતે એ વાલો બી પડી અંડર આપડી હાઠે ને હાઠે જ રીયે, પન ડાયરેક્ટ જોવા ની મલે. પન અંડર એ હોય તો ખરો જ.

“એક વાર ટેમની વીડીઓ કેસેટમાં વાટ કીઢી કે મનેખ પાપી હોય તો બી ભગવાન માફ કરવાનો. પન એક વાર આપડને હમજ મલીયા પછી બેઇમાની ના ઠાય, અને પછી માફી બી ના મલે. આ વાટ અમુને બરાબર ફિટ લાગે. તેઠી વિચાર કીઢો કે આપડે ઇરાની શેઠનું બહુ બધું લાટેલું છે, તે બધું તો નંઇ પન ફૂલ નઇં ને ફૂલની પાંખડી પાછું વારવું જોવે. તે વિના અવે ની ચાલવાનું. તેઠી અમે બધા આ છ મહિનાથી રોજના પાંચ રૂપિયા તારી કને કપાવતા છે “ . એ પૈહા તારા જ છે ને તું જ રાખજે. અમુને બદ્ધાને માફ કરીને અમારું પ્રાયશ્ચિત્ત  કરવા ડેજે.  ’’

*******************************************************

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: