સ્વદેશાગમન(વાર્તા)/ પ્રો. એન.એચ. કોરિન્ગા ‘કોનાહ’

Svadeshagaman a.anand jan11

સ્વદેશાગમન(વાર્તા) 

 પ્રો. એન.એચ. કોરિન્ગા ‘કોનાહ’/અ.આનંદ જાન્યુઆરી,2011 /પાના:21થી26

 

અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ ઉપરથી આરોહણ થઇ પ્લેન આકાશમાં સ્થિર ગતિએ અમેરિકા ભણી ઊડવા લાગ્યું ત્યારે ઊર્મિલાબહેનના જીવને થોડી શાંતિ થઇ. 

અમેરિકન સિટિઝનશીપવાળી ગુજરાતી કન્યા સાથે લગ્ન કરી છ વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા મોટા દીકરા હાર્દિકને ત્યાં પતિ-પત્ની બંને પહેલી વાર જઇ રહ્યા હતાં,એથી એમને હોંશ-ઉમંગ સ્વાભાવિક હોય જ ! અને એમાંય ઉમેશભાઇ કરતાં ઊર્મિલાબહેનનો ઉત્સાહ કંઇ ઓર જ હતો ! જ્યારથી અમેરિકા જવાનો દિવસ નક્કી થયો ત્યારથી સાથે લઇ જવાની ચીજ-વસ્તુઓ યાદ કરી –કરીને ભેગી કરવા લાગ્યાં હતાં .વળી અમેરિકા ત્રણેક વાર ફોન કરીને પૂછી પણ લીધું :’તમારા માટે શું શું લાવીએ ?’…..  

જોકે,જ્યારે જ્યારે ફોન કર્યો ત્યારે હાર્દિકે જ ફોન ઉપાડ્યો એથી પુત્રવધૂ હેમાંગી જોડે વાત થઇશકી નહીં, તો પણ નાની વહુ હર્ષિદાને સાથે લઇ જઇને ઊર્મિલાબહેન હેમાંગી માટે એક કીમતી બાંધણી,લગ્નપ્રસંગે પહેરાય તેવી બે ભરેલી સાડી અને એક ચણિયા-ચોલી અને હાર્દિક માટે બે જોડી પેન્ટ-શર્ટ ખરીદી લવ્યાં.તો સાડાત્રણ વર્ષના પૌત્ર અંશ માટે સિલ્કનો કુરતો, ઝભ્ભો અને ભરેલું જાકીટ લેવાનું પણ ભૂલ્યા નહીં. 

હેમાંગી એના લગ્ન પછી થોડા દિવસ સાથે રહેલી ત્યારે એના હાથના બનાવેલાં ખાટિયા ઢોકળાં અને ખાટી કેરીનું અથાણું બહુ પસંદ આવેલાં,તે યાદ આવતાં ઊર્મિલાબહેને ઢોકળાનું દળાવીને ત્રણ કિલો જેટલો આટો એક પ્લાસ્ટિકની બૅગમાં  અને એક બરણીમાં પોતાના હાથે બનાવેલું કેરીનું અથાણું ભરી લીધું,તેમજ જાતે જ ખાંડીને,પીસીને ચારેક પ્રકારના મસાલાની બૉટલો પણ ભરી લીધી.  

જ્યારે અમેરિકા જવાના બે દિવસ બાકી હતા ત્યારે બે જાતની મીઠાઇ,થોડો ચેવડો-ચવાણું ઘરે જ બનાવીને ડબરાં –ડુબરી ભર્યા,પછી આ બધી જ વસ્તુઓ સંભાળીને બંનેની બૅગ્ ઝમાં કાળજીથી વ્યવસ્થિત ગોઠવીને બૅગ તૈયાર કરી.એમને સાંભળેલું કે બૅગમાં થોડાકેય વજન વધુ થાય તો ઍરપૉર્ટ ઉપર જ કોઇ વસ્તુ ઓછી કરાવે અથવા તો મોટી રકમનો લ’ગિજ્ –ચાર્જ ભરાવે  એટલે એમણે  ઘરે જ વજન કરી ખાતરી પણ કરી લીધી હોવા છતાં એમને હજુ પણ સંદેહ હતો કે ઍરપૉર્ટ ઉપર કોઇ વસ્તુ કાઢવી પડશે તો ! 

પરંતુ જ્યારે અમદાવાદ ઍરપૉર્ટ પરથી નિર્વિઘ્ને વિધિ પૂરી થઇ અને વિમાન આકાશમાં ઊડવા લાગ્યું ત્યારે ઊર્મિલાબહેનના જીવને થોડી નિરાંત થઇ,તો પણ હજુ ઊંડે ઊંડે ફિકર તો હતી જ ! કારણ કે અમેરિકા આવતાં-જતાં લોકો પાસેથી સાંભળેલું કેમએરિકાના ઍરપૉર્ટ ઉપર ખૂબ જ કડક ચેકિંગ હોય છે.બેગ્ ઝની દરેકેદરેક ચીજવસ્તુનું બરાબર ચેકિંગ કરે અને કોઇ ખાવાની કે અથણાં-મસાલા જેવી વસ્તુમાં જરા પણ શંકા જાય તો તરત જ ત્યાં જ ડિસ્ટ્રોય કરી નાખે. અમેરિકાના ઍરપૉર્ટ પરનું ચેકિંગ  હજુ બાકી છે,ત્યાં કોઇ વસ્તુ કાઢી નાખશે તો ! બસ ! વિમાનમાં બેઠાં બેઠાં  એમને મન આ જ ચિંતા હતી. ચિંતા સહજ હોય જ,કેમ કે એકએક વસ્તુ યાદ કરી કરીને જાતે બનાવીને કે પછી ખરીદીને કેટલી હોંશથી પુત્ર,પુત્રવધૂ અને પૌત્ર માટે સાથે લીધી હતી.

ઊર્મિલાબહેનને પૂરેપૂરી શાતા તો ત્યારે વળી, કે જ્યારે વિમાન અમેરિકાના વૉશંગ્ટનના ડુલ્લાસ ઍરપૉર્ટ ઉપર લૅન્ડ  થયું અને ચેકિંગ પ્રક્રિયામાંથી અડચણ વગર બેગ્ ઝ એમની પાસે આવી. બેગ્ ઝ હાથમાં લેતાં મનોમન ઇશ્વરનો આભાર માનતાં બોલી જવાયું,  ’હાશ ! બધીજ વસ્તુઓ…. ! બેગ્ઝ લઇને ખુશ થતાં થતાં જ બંને ઍરપૉર્ટ બહાર નીકળ્યાં.

ઍરપૉર્ટ પર હાર્દિક કાર લઇને લેવા આવ્યો હતો.. છ વર્ષબાદ પુત્રને,ભરાવદાર અને ગૌરવર્ણમાં જોઇને ઊર્મિલાબહેનનું  દિલ ખુશીથી ભરાઇ આવ્યું,સામે દોડીને ભેટી પડવાની અદમ્ય ઇચ્છા થઇ, પરંતુ તત્ક્ષણ એમને અમેરિકા આવતી વેળા ઉમેશભાઇએ  હસતાં હસતાં મીઠી મજાકમાં કરેલી ટકોર યાદ આવી ગઇ :’જો ઊર્મિલા ,એ આપણો દેશ નથી,આપણે ત્યાં જઇએ ત્યારે ત્યાંના લોકોને મનોરંજન મળે એવું કોઇ પ્રદર્શન ગમે ત્યાં ન કરતી !’ – આ યાદ આવતાં એ દોડ્યાં તો નહીં,પરંતુ માની મમતાના આવિર્ભાવને ખાળી શક્યા નહીં. ભાવવિભોર બની ઉતાવળા પગલે હાર્દિક પાસે પહોંચી ગયાં અને બંને ખભા પકડી ‘ હાર્દિક… હા…ર્દિ….ક’ કહી હાર્દિકને હચમચાવી મૂક્યો.

કાર ઍરપૉર્ટ સંકુલમાંથી નીકળી લાંબા પહોળા રસ્તા પર દોડવા લાગી ત્યાં જ ઊર્મિલાબહેનના મનમાં એક સવાલ ઊઠ્યો કે આટલી મોટી કાર હતી અને પાછી આજે રવિવારની રજા હતી તો વહુ હાર્દિક સાથે લેવા કેમ ન આવી ?! …તુર્ત જ…હેમાંગી  જૉબ કરે છે એટલે એને એની ગોઠવણમાં જ રહેવું પડતું હોય છે.’એવો પ્રત્યુત્તર જાતે જ શોધી લીધો ને ફરી ઉત્સાહમાં આવી હાર્દિકને ઉપરાઉપર પૂછવા  લાગ્યાં :’હેમાંગી અને અંશ બંને મજામાંને ?…હેમાંગી હવે થોડી તાજી થઇ ગઇ હશે કેમ ?…અંશ પણ તારી જેમ ઊંચો ઊંચો થતો જતો હશે ને ?’

’ઊર્મિલા,આપણે ઘરે જ જઇએ છીએ. ઘરે જઇને તારી સગી આંખે બધું જોઇ લેજે.આપણે અહીં ફરવા આવ્યાં છીએ તો બેઠાં બેઠાં અહીંના રસ્તા, મકાનો,માણસો તોજો’  ઉમેશભાઇએ રોક્યાં એટલે હાર્દિકનું હાઉસ આવ્યું ત્યાં સુધી મૂંગા મૂંગા આજુબાજુ જોતાં રહ્યાં. 

હાર્દિક બંનેને ડ્રૉઇંગરૂમમાં લઇ આવ્યો. સોફા પર બેસે છે ત્યાં જ હેમાંગી પાણીની  ટ્રે  લઇની આવી,હળવું સ્મિત ફરકાવતી ‘આવો’ જેવું ધીરેથી બોલીને આવકાર  આપતી,લાંબા હાથ કરીને એમની સામે ટ્રે ધરીને ઊભી રહી ગઇ ! એટલે ઊર્મિલા બહેન મનમાં ગોઠવી રાખ્યું હતું,કે હેમાંગી આવો આ…વો કહેતી,ખુશ થતી એની સામે આવશે ત્યારે તેને ગળે વળગાડી લઇશ પણ એવી તક ન મળી.ઊર્મિલાબહેનની મુરાદ,મુરાદ જ બનીને રહી ગઇ !એથી એણે ‘પ્રદેશ પ્રમાણે  પ્રથા હોય.અહીં આવી રીતિ હશે.’એમ માનીને મનમાં ઉગેલ મનસૂબો મનમાં જ રહેવા દઇ,હેમાંગીની પાછળ પાછળ આવીને લજ્જાંવિત કુતૂહલ નજરે સામે ઊભેલા રૂપાળા માસૂમ અંશને તેડીને પોતાના ખોળામાં લઇને દાદીમાનું વ્હાલ વરસાવવા લાગ્યાં. તો એની બાજુમાં બેઠેલા ઉમેશભાઇ પણ અંશનામાથા પર હાથ ફેરવીને પૌત્ર-પ્રેમ વ્યક્ત કરવા લાગ્યા,ત્યાં અંશનેહાર્દિકે જ પરિચય આપ્યો ‘શી ઇઝ ગ્રાન્ડ મધર ઍન્ડ હિ ઇઝ ગ્રાન્ડફાધર.માય મમ્મી-ડેડી.’

બીજા દિવસથી હાર્દિક અને હેમાંગી એમની જૉબ પર રાબેતા મુજબ જવા લાગ્યાં.હેમાંગી જૉબ પર  જતી વખતે પોતાની કારમાં અંશને સાથે લઇ જઇને બેબી-કેર સેન્ટરમાં મૂકતી જતી અને જૉબ પરથી પરત ફરતાં એને લેતી આવતી હતી.આ બાજુ ઊર્મિલાબહેને ફુરસદના સમયમાં રોજ થોડું થોડું ઝાપટીઝૂપટીને અને રાચરચીલું સાફ કરી ફરી યથાસ્થાને વ્યવસ્થિત ગોઠવીને અઠવાડિયામાં  તો આખું ઘર સુઘડ બનાવી નાખ્યું,તો ઉમેશભાઇએ સ્ટોર રૂમ અને આંગણાનો ગાર્ડન .  વળી, બંને નાનાં મોટાં ઘરકામમાં પણ ધીરે ધીરે મદદરૂપ થવા માંડ્યાં.

પરંતુ હજુ અઠવાડિયું થયું ન થયું ત્યાં જ એમને ધારણા કરતાં અલગ જ અનુભવ થવા લાગ્યો ! આવ્યાં ત્યારે મજાનું લાગેલું ઘર હવે કંઇક ન ગમતું અને લાગણીશૂન્ય ભાસવા માંડ્યું ! બંને જણ અહીંના ભાગદોડ ભર્યા જીવનથી સુપેરે વાકેફ હતાં એટલે પુત્ર કે પુત્રવધૂ રોજ કલાક-અડધો કલાક સાથે બેસીને વાતો કરે એવી કોઇ અપેક્ષા સાથે લઇને આવ્યાં ન હતાં,પરંતુ ચહેરા પર સ્નેહભાવ, વાણીમાં ઉમળકો અને આપ્તજનો પ્રત્યે હોય એવી આત્મીયતાની થોડીક આશા માબાપ તરીકે જરૂર હતી. અને સહેજ હોય જ ! પરંતુ અહીં તેની અછત હતી ! અને ખરું પૂછો તો; દાદા-દાદીની રુએ પૌત્ર અંશને લાડ લડાવવા જ અહીં આવ્યાં હતાં,છતાં એમની ઉપસ્થિતિમાં પણ અંશને બેબી કેર સેન્ટરમાં મોકલવાનું ચાલું રહ્યું.

દિવસે દિવસે ઘરમાં વાણી અને વર્તનમાં તીખાશ અને તુમાખી વધતી જતી હતી. દીકરો પણ બદલાયેલો લાગવા માંડ્યો.હેમાંગી ઘરે હોય ત્યારે એનું મોઢું કટાણું જ હોય અને બોલે ત્યારે રોફ અને રોષ વિશેષ હોય. એ વાત-વાતમાં હાર્દિક કે અંશ પર ગુસ્સે થઇ જવા લાગી.અજાણ્યા ઘર-પરિવારમાં વણગમતા પરોણા થઇને આવ્યાં હોય એવો અહેસાસ થવા લાગ્યો.જેમ તડકામાં મૂકેલો બરફનો ટુકડો પીગળવા લાગે તેમ ઊર્મિલાબહેન અને ઉમેશભાઇએ સાથે આણેલો ઉત્સાહ ધીર ધીરે ઓસરી ગયો.અને પછી બંનેના મનમાં સંદેહ જાગ્યો,કે આ બધાનું મૂળ કારણ તેઓ છે ?હાજરી ખૂંચે છે !

અને પછી તો એક દિવસ એમનો સંદેહ સાચો ઠર્યો ! અહીં આવ્યાને ચોથો રવિવાર હતો. રજાના દિવસે હાર્દિક તેઓને કોઇ સંબંધીને ત્યાં કે પછી નજીકના જોવાલાયક સ્થળે લઇ જતો.આજે જાતે જ એક સંબંધીને ત્યાં ગયાં ,સંબંધીએ આગ્રહ કરી ગરમ નાસ્તા માટે રોક્યાં એટલે પરત ફરતાં  થોડું મોડું થયું.બસ ! ઘરમાં પગ મૂકતાં જ હેમાંગી અને હાર્દિક ઉગ્રતાથી બોલવા લાગ્યાં.બંને ઇંગ્લિશમાં સડસડાટ બોલતાં હતાં એટલે ઊર્મિલાબહેનને કે ઉમેશભાઇને સીધું કશું સમજાતું ન હતું,પરંતુ એટલા ગમાર પણ ન હતાં, કેપૂત્રવધૂ અનેપુત્રના જીભના વળાંક,હોઠના મરોડ,આંખોનોઅણગમો અને ચહેરા પરના હાવભાવ કળી પણ ન શકે ! મનના સંદેહ પરથી પડદો હટી ગયો, અને પાકી ખાતરી થઇ કે આ બધી બાબતોના મૂળમાં એમની ઉપસ્થિતિ જ છે !

ઊર્મિલાબહેન તો રડમસ ચહેરે,વિસ્ફારિત નજરે જોતાં જ રહી ગયાં; પરંતુ જ્યારે રકઝક થોડી શાંત થઇ એટલે ઉમેશભાઇ કહ્યા વિના રહી શક્યા નહીં,’જુઓ,હાર્દિક હેમાંગી,અમે અહીં કાયમ રહેવા નથી આવ્યાં,અમારે લીધે તમને કોઇ મુશ્કેલી પડતી હોય તો અમે….’એ અટકી ગયાં.

’તમને તો અહીંનો ખ્યાલ જ છે કે ઘરમાં મેમ્બર્સ હોય તે બધાં જૉબ કરે ત્યારે બજેટ મુજબ ઘર ચાલે…ને વળી અહીંયા અત્યારે રીસેશન છે,એક વાર બજેટ તૂટ્યું તો….’હેમાંગી કશા જ ક્ષોભ-સંકોચ વગર બોલી ગઇ. હાર્દિક મૌન રહ્યો,કોઇ પ્રત્યાઘાત ન આપ્યો. 

બંને સમસમી ઊઠ્યાં.એમાંય ઉમેશભાઇ તો મનોમન કકળી ઊઠ્યાં:’મંદી ! મંદી હશે,પણ મંદીને લીધે એકેયની જૉબ ગઇ નથી કે નથી આવક ઘટી.તો પછી ….! કેવું મજાનું બહાનું !’ થોડી વાર મૂંગા મૂંગા એકબીજાના ચહેરા જોતાં રહ્યાં.પછી બંને ઊભાં થઇ…’ભરપેટ નાસ્તો કરીને આવ્યાં છીએ એટલે જમવું નથી.’ કહીને એમના શયનખંડમાં જતાં રહ્યાં. 

બીજે દિવસે વહેલી સવારે જૉબ જવા માટે તૈયાર થઇને હાર્દિક જેવો રૂમમાંથી ડ્રૉંઇગરૂમમાં આવ્યો ત્યારે એમના મમ્મી-ડેડી સ્યૂટકેસ સાથે તૈયાર થઇને સોફા પર બેઠાં હતાં.આવી સ્થિતિમાં બેઠેલાં જોઇને એનાથી અચરજસહ પુછાઇ ગયું,’આમ અત્યારમાં ?!

‘હા,હવે અમે જઇએ છીએ .’ ઉમેશભાઇએ એની નજરમાં નજર પરોવીને દૃઢતાથી કહ્યું.સાંભળતાં જ હાર્દિક થોડી વાર તો વિસ્મયમૂઢ નજરે જોઇ જ રહ્યો ! પછી એના મુખમાંથી માંડ શબ્દ નીકળ્યો :’પણ !’

’બસ !’ વાતચીત કાને પડતા હેમાંગી બેડરૂમમાંથી ઊઠીને નાઇટ ડ્રેસમાં જ ડ્રૉઇંગરૂમમાં આવી. આવીને એને પણ જોયું ! પરંતુ એની પાસે બોલવા જેવું કશું રહ્યું ન હતું ! માત્ર ચકરવકર નજરે જોતી જ ઊભી રહી ગઇ! એટલે હેમાંગી સામે જોતાં જ ઊર્મિલાબહેનના મુખમાંથી શબ્દો સરી ગયા :

’ હા,પારકા ઘરે કેટલા દિવસ !…ઠેકાણે સારા ! ‘ ગઇ રાત્રે જ્યારે ….પોતીકાને પરાયા દેખાવા લાગીએ ત્યારે એમને પરાણે ગળે વળગાડી રાખવાનો કે એમના ગળે વળગી રહેવાનો કોઇ મતલબ નથી,જેટલા વહેલા અળગા થઇ જવાય એટલું સારું … આ વિચાર સાથે …સવાર થતાં જ આ ઘરેથી નીકળી જવું… એવો ભારે વ્યથા સાથે નિર્ણય કર્યો,ત્યારે સાથે એક સંકલ્પ પણ કર્યો હતો, કે આપણા જવાથી એમના ગૃહજીવનમાં ક્લેશ કંકાસ ઊભાં ન થાય માટે નીકળતી વખતે મેણાં ટોણાં સંભળાવવા નહીં. ધીરજ રાખી, શાંતિથી નીકળી જવું.તેમ છતાં વ્યથિત ઊર્મિલાબહેનથી આટલું બોલી જવાયું.

’પણ રિટર્ન ટિકિટ તો લીધી નથી,તે વિના કેમ જશો ? પરંતુ એ વાક્ય પૂરું કરે તે પહેલાં જ ઉમેશભાઇ ધૈર્યતાથી બોલી ઊઠયા:

’શાંતિલાલ જ વ્યવસ્થા કરી આપશે.ફોન પર એની સાથે વાત થઇ ગઇ છે… અને અત્યારે એ એમની કાર લઇને લેવા જ આવે છે .’

થોડી વાર કોઇ કશું બોલ્યું નહીં.ત્યાં જ શાંતિલાલની કાર આવીને દરવાજા પાસે ઊભી રહી. તરત જ ઊર્મિલાબહેન અને ઉમેશભાઇ સોફા પરથી ઊભાં થયાં.એટલે હાર્દિકે ઔપચારિકતા  દાખવવા ખાતર જાણે ખાલી વિવેક કર્યો,’ થોડા દિવસ રોકાયાં હોત તો …’

’અહીં જે જોવા જાણવા આવ્યાં હતાં તે જોઇ-જાણી લીધું પછી બિનજરૂરી રહેવાનો અર્થ શું છે ! ‘ ઉમેશભાઇ દાઢમાં બોલ્યા કે પછી સહજતાથી તે જલદી કળી ન શકાય તેમ ગૂઢાર્થમાં હસતાં હસતાં આટલું બોલીને હાથમાં બેગ્ ઝ

લઇ ઝડપથી ઘર બહાર નીકળી ગયા .એમની સાથે ઊર્મિલાબહેનેપણ હાથમાં બેગ્ઝ પકડી પગ ઉપાડ્યો,પરંતુ ઊભાં રહી ગયાં અને હાથમાંથી બેગ્ઝ મૂકીને અંશ જે રૂમમાં સૂતોહતો ત્યાં ઉતાવળે પગલે પહોંચી ગયા ! જતાં-જતાંય એ દાદીમાના દિલમાં ગોરંભાયેલું વ્હાલનું વાદળ વરસાવ્યા વગર રહી શક્યાં નહીં.અંશના માથા પર હળવેથી હાથ ફેરવતાં લલાટ પર બે-ત્રણ ચૂમી લઇ  લીધી,ને તરત જ સાડીના પાલવ વડે આંખોલૂછતાં ડ્રોઇંગરૂમ્માં આવીને હાથમાં બેગ્ઝ લઇને ઘરની બહાર નીકળીગયાં.

કારની ડીકીમાં બેગ્ઝ ગોઠવી બંને જેવાં કારમાં બેઠાં,એવી જ કાર સ્ટાર્ટ  કરી શાંતિલાલે ઝડપથી હંકારી મૂકી.હેમાંગી અને હાર્દિકે આટલું વહેલું અનેઆવી રીતે અચાનકબનશે એવું ધાર્યું ન હતું !   બંને અચરજ અને થોડાં ક્ષોભ સાથેહાઉસના દરવાજાપાસે ઊભાં ઊભાં કારને જતી જોતાં જ રહી ગયાં !

શાંતિલાલ,ઉમેશભાઇના બાળપણના મિત્ર અને એ અમેરિકા આવ્યા પછી પણ બંને વચ્ચે મિત્રાચારી ટકી રહી હતી.ઉમેશભાઇ અને ઊર્મિલાબહેન અમેરિકા આવ્યાં તે દિવસથી વારંવાર ફોન કરી પોતાને ત્યાં થોડા દિવસ રોકાવા આવવાનો આગ્રહ કરતા હતા.વળી શાંતિલાલના સંતાનો અમેરિકાના અન્ય સ્ટેટમાં સ્થાયી થયાં હતાં એટલે પતિ-પત્ની બંને જ સીનિયર સિટિઝન તરીકે એકલાં રહેતાં હતાં,એથી તેઓને રિટર્ન ટિકિટ ન મળે ત્યાં સુધી શાંતિલાલના ઘરે રહેવામાં કોઇ સંકોચ ન હતો,પરંતુ ત્રીજા દિવસની ટિકિટ મળી ગઇ.બે દિવસ શાંતિલાલને ત્યાં રહ્યાં,તે દરમિયાન ચારેય વ્યક્તિ ખૂબ હર્યાંફર્યાં અને ઊર્મિલાબહેને તો ખરીદી કરી ખાલી ખાલી સ્યૂટકેસ અડધોઅડધ  ભરી પણ લીધી.

ત્રીજા દિવસે રાત્રે શાંતિલાલાને એનાં પત્ની કારમાં બંનેને ડુલ્લાસ ઍરપૉર્ટ પર મૂકવા આવ્યાં.જેવાં બંને જણ ઍરપૉર્ટ અંદર કાચના દરવાજામાંથી પ્રવેશે તે પહેલાં શાંતિલાલે વિદાય આપતાં આપતાં છેલ્લે કહ્યું ,’જુઓ,અમદાવાદ ઍરપૉર્ટ ઉપરથી તમારી મેળે ઘરે જતાં ન રહેતાં,કોઇ લેવા આવશે,તેની વ્યવસ્થા પણ થઇ ગઇ છે. આવજો….

એમિરેટ્ સ  ઍર લાઇન્સનું વિમાન રાત્રે અમેરિકાની ભૂમિ છોડી આકાશમાં સ્થિર ગતિએ ઊડવા લાગ્યું.અન્ય પેસેન્જરની જેમ બંને જને આંખો બંધ કરી,સીટ પર માથું ટેકવી,ઝોકું લેવાનો પ્રયાસ કર્યો.પરંતુ વિચારોએ જંપવા ન દીધાં:

…બંને એ કેટલી કરકસર કરીને ભણાવ્યો હતો.વળી હાર્દિકને બી.ફાર્મ. કરી અમેરિકા જવાની પહેલેથી જ આકાંક્ષા હતી,એથી ગુજરાત બહાર ડોનેશન આપીને ઍડ્ મિશન  લઇને ભણાવ્યો હતો… અને તે અમેરિકા આવ્યોત્યારે પણ…

….આ બધું તોઠીક છે ! માબાપની ફરજ ગણાય.પણ પોતાના પરિવારજનો આપ્તજનો ફૉરેનમાં છે એવું કહી સૌ આગળ ઘેલાં થઇને ગૌરવ લેતાં તેનું શું ?’

આવા વિચારોમાં જ દુબઇનું ઍરપૉર્ટ આવી ગયું.વિમાને હોલ્ટ કર્યો,ત્યારે નાસ્તો કરતાં કરતાં  ઊર્મિલાબહેને દયામણી નજરે ઉમેશભાઇ સામે જોઇને મનમાં મૂંઝવતી વ્યથા વ્યક્ત કરી દીધી,’કોઇ પૂછશે,કે ગયાં એવાં જ પાછાં આવ્યાં ? …. ત્યારે એમને શું કહેશું ? !’

’બસ ! કહી દેવું  કે હવા માફક ન આવી.’

’ખોટું બોલવું ને !’ ઝાકળ ભીના નયને પત્નીએ ફરી વ્યગ્રતા દર્શાવીએટલે ઉમેશભાઇએ ધીર-ગંભીર થઇ પ્રત્યુત્તર વાળ્યો :

‘એમાં ખોટું બોલવાનું ક્યાં આવ્યું !…આપણે પૂછનારને એમ ક્યાં કહીએ છીએ કે અમેરિકાની આબોહવા  માફક ન આવી,આપણે તો આપણાં  ખરા  અંતરથી એમ જ કહીએ છીએ  ને કે ઘરની હવા માફક ન આવી !’

ઊર્મિલાબહેનને થોડી સાંત્વના મળી પરંતુ ફરી વિમાનની ગતિ સાથે વિચારો દોડવા લાગ્યા : અહીં આવવાનું કેટલું પોરસ ચડ્યું હતું !અને કેટલીહોંશ લઇને આવ્યાં હતાં !

… બીજા બધાંને તો ઠીક છે; કે’શું કે હવા માફક ન આવી પણ હર્ષલ અને હર્ષિદા આગળ…!? અજંપો ઘેરી વળ્યો.અને આવા વિચારોની મનોભૂમિમાં જ વિમાન સ્વદેશની સરજમી ઉપર આવી પહોંચ્યું અને થોડી જ મિનિટોમાં અવરોહણની ઉદ્ ઘોષણા થઇ:’ઓલ ધી પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ફાસ્ટન  ધેર બેલ્ટ્સ.ધી પ્લેન ઇઝ એબાઉટ ટુ લૅન્ડએટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ-અહમદાવાદ…. ઇન્ડિયા .થૅન્ક યૂ.’થોડી જ ક્ષણોમાં વિમાન લૅન્ડ થયું.

ઉમેશભાઇ અને ઊર્મિલાબહેન જરૂરી વિધિ આટોપીને જેવાં ઍરપૉર્ટમાંથી બહાર નીકળ્યાં, ત્યાં જ એમની સામે નાનો પુત્ર હર્ષલ અને પુત્રવધૂ  હર્ષિદા  એની બે વર્ષની દીકરી આવલને લઇને ઊભાં હતાં.જોતાં જ બંને આશ્ચર્યચકિત થઇ ગયાં ! શું બોલવું તે સૂઝ્યું નહીં !પરંતુ માતા-પિતાના ચહેરા પરનું ઊડી ગયેલું નૂર જોઇ હર્ષદ બોલી ઊઠ્યો :

’સ્વદેશાગમન કરી રહેલાં માતા-પિતાને અમે વેલકમ કરવા નહીં,લેવા આવ્યાં છીએ !શાંતિલાલ-કાકાએ ગઇકાલે જ ફોન પર બધી જ હકીકત …. પરંતુ હર્ષદ આગળ કંઇ બોલે તે પહેલાં જ હર્ષિદા સસ્મિત સૌજન્ય દાખવતી મૃદુ સ્વરે વચ્ચે જ બોલી ઊઠી :

‘ પણ અમે તો છીએ. પછી…!’

ત્યાં હર્ષદે આશ્વાસનના સૂરમાં ઉમળકાથી કહ્યું :

’સમજી લ્યો કે આ માત્ર તમારો એક પ્રવાસ હતો !’

———————————————————-

201, ધુલેશિયા ટાવર,જલારામ-3, શેરી નંબર-2,યુનિવર્સિટી રોડ, રાજકોટ-360005

ફોન: (0281) 2588899

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,414 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: