Makarand-meera

Makarand-meera  ek

પ્રેમદિવાની મીરાંના ભજનો નો રસાસ્વાદ  સાંઇ મકરંદની કલમે

દવ તો લાગેલ   

દવ  તો લાગેલ ડુંગરિયે, 

કહોને ઓધાજી, હવે કેમ કરીએ ? 

દવ  તો લાગેલ ડુંગરિયે, 

હાલવા  જઇએ તો વહાલા, હાલી ન શકીએ,

બેસી રહીએ તો અમે બળી મરીએ–

આરે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા, 

 પરવરતીની પાંખે અમે ફરીએ–

સંસાર—સાગર મહાજળ ભરિયો, વહાલા,  

બાંહેડી ઝાલો નીકર બૂડી મરીએ— 

બાઇ મીરાં કે’ પ્રભુ ગિરધર નાગર,  

ગુરુજી તારો તો અમે તરીએ,

દવ તો લાગેલ ડુંગરિયે.

 

આ ભજનમાં આવતા ‘ડુંગરિયે દવ’ વિશે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે તે ભગવદ્ –વિરહનો દાવાનળ છે કે સંસારની અસારતાનો ? આ ભજન વૈરાગ્યનું  છે કે વિરહનું ? ભજનમાં ઓધાજીને સંબોધન છે એ જ દર્શાવે છે કે કૃષ્ણ-વિરહમાં વ્રજની એ અવસ્થા થઇ છે એનું અહીં વર્ણન છે. ઉદ્ધવના જ્ઞાન સંદેશ સામે ગોપીઓના પ્રેમાનલની કથની જાણીતી છે, પણ જ્ઞાનાગ્નિ, વિરહાગ્નિ કે પ્રાણાગ્નિ જાગે છે ત્યારે એકસરખી જ સ્થિતિ થાય છે. જ્ઞાનાગ્નિમાં આત્મચિંતન, પ્રાણાગ્નિમાં શક્તિતત્ત્વ અને પ્રેમાગ્નિમાં ભગવદ્ –સ્વરૂપ સહાયક બને છે. વિરહમાં બધું ભસ્મીભૂત થઇ જાય ત્યારે એકમાત્ર અવલંબન ભગવાનનું સ્મરણ રહે છે. ‘કહોને, કેમ કરીએ ?’ એ પ્રશ્નમાં કેવી અસહાય આંખોનો પ્રાણપ્રશ્ન છે? જગદીશ વિના જગત સ્મશાન બની ગયું છે અને જગદીશને તો કાંઇ બળજબરીથી બોલાવી શકાતા નથી. ગૌરાંગનું કથન છે :

શૂન્યચિતં જગત્ સર્વ ગોવિન્દવિરહેણ મે. 

તો પછી, હવે શું કરવું ? એનો આ મનોમન પ્રલાપ :

કાહાં મોર પ્રાણનાથ મુરલીવદન?

કાહા રે કહિબ ?  કેબા જાને મોર દુ:ખ ?

વ્રજેન્દ્રનંદન બિના ફટે મોર બુક.  

‘મારા પ્રાણેશ્વર મુરલી મોહન ક્યાં છે ? હું શું કરું ? મને નંદલાલ ક્યાં મળે ? કોને વાત કરું ? કોણ મારું દુ:ખ જાણશે ? વ્રજલાલ વિના મારી છાતી ફાટી જાય છે.’

કૃષ્ણની વિદાય પછી  વ્રજવાસીની જે સ્થિતિ થઇ તે ‘ડુંગરિયે દવ’માં વ્યક્ત થઇ છે. વનમાં આગ લાગે તો વનવાસી ડુંગર પર ચડી પ્રાણ બચાવે. પણ ડુંગરા જ ભડકે બળવા લાગે તો ? વ્રજનો એકમાત્ર આધાર અને આનંદ હતા કૃષ્ણ ગોપાલ. એ તો મથુરા ચાલ્યા ગયા. એ જતાં જાણે ડુંગરિયે દવ લાગી ગયો. ‘સૂરના હેમિયા’ને નામે જાણીતા દુહામાં આવો જ વાક્ય પ્રયોગ છે:

’લાગેલ હત લા, તો આડા પડીને ય ઓલવત,

આ તો સળગી ગર્ય સગા, હેમિયા ડુંગર હૂક્ળ્યા.

’જો અંગમાં લ્હાય લાગી હોત તો આડા પડી, આળોટીને તેને ઓલવી નાખત. પણ આ તો સમૂકી ગીર સળગી ઊઠી, હેમિયા, ડુંગર જ ભડભડ બળવા લાગ્યા.’

એક તો અસહ્ય અવસ્થા અને વળી એ પણ કેવી અસહાય ?

હાલવા જઇએ …. બળી મરીએ  

હવે ડગલું માંડવા જેવી યે પગમાં શક્તિ નથી રહી. અને પગલું ભરવા જતાં સામે આગના ભડકા તરે છે. એમ પાછું બેસી શકાય એવું યે નથી રહ્યું. નઝીરે આવી હાલતનું  વર્ણન કરતાં કહ્યું છે :

ના મેરે પંખ ના પાંવ બલ,

મૈં અનપંખ પિયા દૂર,

ઉડ ન સકું ગિર ગિર પડું

રહું બસૂર બસૂર.

 

તો હવે ઉપાય શો ? ઉગાર કઇ રીતે થાય ? ઓધાજીને પૂછવામાં આવ્યું છે એમાં જ ક્યાંક ઓધવ જાણે છે તેનોસંકેત છે. ઓધવના મિત્રના હાથમાં જ આ દાવાનળ ઓલવવાનું રહ્યું છે. બીજાનું કામ નહીં. મીરાંની જેમ કબીરે પોતાની આગ ઠાલવતાં કહ્યું છે :

દૌં લાગી સાઇર જલ્યા, પંખી બૈઠે આઇ,

દાધી દેહ ન પાલવૈ, સતગુરુ ગયા લગાઇ .

’દવ લાગ્યો, જળાશય જલી ગયાં. પંખી આવીને બેઠાં છે આવા દવ વચ્ચે. દાઝી ગયેલ દેહ હવે પલ્લ્વિત નહિ થાય. સદ્ ગુરુએ પોતે જ આગ લગાડી ત્યાં બીજું કોઇ શું કરી શકે ?’ 

ન ગતિ, ન સ્થિતિ,

એક જ રહી છે શરણાગતિ.  

આ રે વરતીએ…. પાંખે અમે ફરીએ  

ચિત્ત—વૃત્તિની ચાર ભૂમિકા છે :આવૃત્તિ, પ્રત્યાવૃત્તિ, સમાવૃત્તિ અને પરાવૃત્તિ. આવૃત્તિમાં તો સંસારનો ચરખો ચાલ્યા કરે છે. એ આવર્તન, પરિભ્રમણ, લખચોરાશીના ફેરાનો પ્રદેશ છે, ભય અને પ્રલોભન તથા સુખ અને દુ:ખના ચકરાવાને લીધે ચિત્તમા જે પ્રતિભાવ જન્મે, જે પ્રતિક્રિયા થાય તે પ્રત્યાવૃતિ. તેનાથી વળી નવો ફાળકો રચાય છે. જ્યારે મારું-તારું, રાગ-દ્વેષ, સુખ-દુ:ખ સમાન બને ત્યારે આવે સમાવૃત્તિ. અને ચિત્તની આવી સ્વચ્છ અને સુદૃઢભૂમિકા પરથી ચિત્ત ઉપર ઊઠે, ચિદાકાશમાં તરતું થવા માંડે એ પરાવૃત્તિ. ચિત્ત પરમતત્ત્વ, પરમાત્મા કે પુરુષોત્તમ ભણી અવિરત, અનાયાસ વહ્યા કરે એ પરાવૃત્તિ. બૌદ્ધ સાધના પરંપરામાં પણ આવરણોથી મુક્ત ચિત્તની જે શુદ્ધિ કે’વ્યપદાન’ કહેવામાં આવે છે તે પરાવૃત્તિ ગણાય છે.  

મીરાં કહે છે:’આ રે વરતીએ નથી ઠેકાણું’—આવૃત્તિમાં, આવર્તન—પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો :

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું

———————————— 

જુઠી રે કાયા ને જુઠી રે માયા,

જુઠો સબ સંસાર.’

——————————————-

’જેતાઇ દીસે ધરણ—ગગન બિચ

તેતાઇ ઉઠ જાસી.

——————————————-

એટલે આવૃત્તિના નામ પાર છેકો મૂકી મન એક માત્ર પરાવૃત્તિની પાંખે તર્યા કરે છે. ‘યો જૂઠો રે સંસાર, સાંચો મ્હારો સાંવરિયા કો નામ.’

આવી લગનની જીવાદોરી છે.

સંસાર—સાગર…. અમે તરીએ.

 આ અગાધ મહાજલથી ભરપૂર સંસાર-સમુદ્રને કોઇ પોતાના બાહુબળથી પાર કરી શકતું નથી. પણ જે પોતાનું માથું આપે છે તેને સબળ ધણીનો હાથ મળી રહે છે.એ જ ભગવદ્ –કૃપા, ગુરુકૃપા અથવા આત્મકૃપા. આ કૃપા હૈયેથી ઊઠતા હરિનામને રણકારે જાગતી આવે છે.એક ભજનમાં મીરાંએ આ ભાવ વ્યક્ત કર્યો છે:

 

મેં તો રામજી રતનધન લાસ્યાં યે માં

ગુરુજી રા ચરણા મેં જાસ્યં,

તન મન ધન  માતા, અર્પણ  કરસ્યાં યે

મૈં તો મહંગી મહંગી વસ્તુ મોલાસ્યાં-

રામ નામ કી જહાજ બનાસ્યાં

ભવસાગાર તર જાસ્યાં યે માં.  

અડસઠ તીરથ માતા,ગુરુ ચરણાં મેં

મેં તો અરસપરસ ગંગા ન્હાસ્યાં યે માં.

કહ બાઇ મીરાં પ્રભુ ગિરિધર નાગર 

મેં તો શેસ નારેલ ચ્ઢાસ્યાં યે માં.

———————————————————————————————–

 

Makarand-meera  be

ઉપાડી ગાંસડી  

ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાખી દેવાય ? 

નબળાની હોય તો નાખી રે દઇએ,

આ તો વેવારિયા શેઠની રે, 

કેમ નાખી દેવાય ? 

અણતોળી ગાંસડી ને અડવાણા ચાલવું.

એની નજર રાખવી હેઠની રે,

કેમ નાખી દેવાય ?—

ઝીણી ઝીણી રેતી તપે છે,

લૂ તો ઝરે છે માસ જેઠની રે,

કેમ નાખી દેવાય ?—

મીરાં કે પ્રભુ ગિરધર નાગર,

દાઝ્યું ઓલાય મારા પેટની રે,

કેમ નાખી દેવાય ?–

પ્રેમને માર્ગે ગમે તેટલો બોજો અને મુસીબતો આવે પણ ભક્તને  મન એ ફૂલની પાંખડી અને મોજની રમત બની જાય છે. વેઠ કહેતાં જ આપણા મનમાં બળજબરી, ત્રાસ, પરાણે ઢસરડો  એવા ભાવ જાગે પણ આ ભજન વેઠ શબ્દનાં કઠણ છોતરાં—ફોતરાં ઊખેડી નાખી અંદરના આનંદરસનું પાન કરાવે છે. મીરાંની આત્મમસ્તીનો ટહુકો આ ભજનમાં પદે પદે સંભળાય છે.

ઉપાડી ગાંસડી… વેવારિયા શેઠની રે

ભજનના ઉપાડથી જ આપણી સામે એક ચિત્ર ખડું થાય છે. કોઇ પરગજુ, દયાળુ જીવ મીરાંને પૂછે છે : અરે, બાઇ ! શા માટે આવડી મોટી વેઠની ગાંસડી માથે ઉપાડી જાય છે?  મેલને પડતી. તારે શું કામ આવો બોજો વેઠવો જોઇએ ? જવાબમાં જાણે મીરાંના મોં પર મલકાટ ને બેએક વેણ સરી પડતાં દેખાય છે. કહે છે :ખરી વાત. આ ગાંસડી નાખી જ દઉં. કોઇ નિર્માલ્ય અને નાદાન માણસની એ સોંપણી હોત તો નાખી જ દીધી હોત. પણ શું કરું ?આ તો આખા વિશ્વનો કારભાર ચલાવતા સબળ ધણીની સોંપણી છે. એ તો તલેતલ ને રજેરજનો જવાબ માંગે. અમારે તો મૂળથી એ વેવારિયા શેઠ સાથે નામનો વેવાર, અમે એનાં વાણોતર : નરસિંહની સાખે :

અમે રે વેવારિયા શ્રીરામનામના,

વેપારી આવે છે સહુ ગામ ગામના.

કહો, આ ‘નામ ગઠરિયાં’ ક્યાંથી નાખી દેવાય  ? એટલે તો ભાઇ, ‘બાંધ ગઠરિયાં મ્હેં તો ચલી.’

અણતોળી ગાંસડી… ઠેઠની રે

પણ દયાળુ જીવ એમ મીરાંને  છોડે તેમ નથી. એ વળી પૂછે છે: તેં આ ગાંસડીનું તોલમાપ કરાવ્યું છે ને ? કે બસ એમ જ ઉપાડી લીધી ? કાંઇ લખ્યું જોખ્યું છે તારી પાસે ? આ તો વેઠનો વારો. ભલે મજૂરી કે મહેનતાણું ન મળે. પણ આટલા કામના બદલામાં કાંઇ ઇનામ, બક્ષિસ, માન-અકરામ ખરું કે નહીં ?

વળી મીરાંના મોં પર મલકાટ ને જવાબ : ના રે બાપુ, શું માપ કે શું જોખ ?ગાંસડી તો અણતોળી જ ઉપાડી  લીધી છે. ન શિરની ફિકર, ન પગની પરવા. મારી નજર તો એની રખવાળીમાં છે. મારે તો ઠેઠ, માલિકના ધામ સુધી પહોંચાડવી  એ જ લગન છે મનમાં. મારો શ્વાસ તૂટે પણ એનું સોંપેલું કામ વચ્ચે ન અટકે ન બટકે. મારી સુરતા તો ગાતી જાય છે :મેરો મન લાગો હરિજી સૂં

અબ ન રહૂંગી  અટકી,

આપણને પ્રશ્ન થાય. ભક્તોને જીવનનો બોજો કે થાક કેમ નહીં લાગતો હોય ? સંસારનાં સંકટો વચ્ચે આંતરિક સાધનાનો તાર એ કેમ કરી જાળવી રાખતા હશે ? એનો જવાબ રવીન્દ્રનાથના એક મુક્તકમાં છે. એ કહે છે :

’તુમિ જત ભાર દિયેછો પ્રભુ,

દિયેછો કરિ સોજા,

આમિ જત ભાર જમિયે તુલેછિ

સકલ હોયે છિ બોજા.

’પ્રભુ તમે જેટલો ભાર આપો છો એ તો હળવો કરીને આપો છો, પણ હું જે કાંઇ ભાર ભેળો કરી રાખું છું એ તમામ બોજો બની જાય છે.’

તો આ રહસ્ય છે. પણ આપણે ભૂત અને ભાવિની વ્યથાઓ-ચિંતાઓ-આશા—નિરાશાઓનો જે ગંજ ખડકીએ છીએ એ જ બોજો બની જાય છે. એક સંતે આ વાત વર્તમાનની ટચલી આંગળી પર ઉપાડીને કહી છે:

બીતત સો ચિંતત નહીં, આગે  કરે નહીં આસ,

આઇ સો સિર પર ધરી, જાન હરિ કા દાસ.

મીરાં માત્ર હરિની દાસી નથી, હરિની લાડલી છે, એટલે આ વાત વધુ સારી રીતે સમજી શકે ને ?

ઝીણી  ઝીણી …. માસ જેઠની–

મીરાંનાં પગલાં હળવાં પડતાં હશે પણ પેલો ગાંસડી જોનારાને  હૈયે જંપ નહીં હોય. એ વળી પૂછતા જણાય છે :ચાલો, ગાંસડી ભલે અણતોળી રહી, ભલે પગરખાં ન પહેર્યાં, પણ તારો રસ્તો કેવોક છે ?

 એ તો મોટા ધણીનો મારગ એટલે ફૂલથી ભરેલ ઘટાદાર છાયા થી છવાયેલો જ હશે ને ! એમાં કાંઇ કહેવાનું હોય ? મીરાંના જવાબમાં ત્રણ વસ્તુઓ આંખો સામે તરવરી રહે છે :ઊની ઊની અને ઝીણી હોવાથી ઊડતી રણની રેતી, જેઠ મહિનાનો આકરો તાપ અને લૂ-ઝરતા વાયરા. પણ પેલી ધ્રુવપંક્તિ એ સર્વને હસી કાઢી, સામે જ પૂછે છે :કેમ નાખી દેવાય ? – ઉપાડી ગાંસડી વેઠની.

મીરાં કે પ્રભુ….. પેટની રે—

ભક્તિનો મારગ ખાંડાની ધાર છે, પ્રેમનો પંથ પાવકની જવાલા છે પણ ભક્ત એના પર આનંદથી પસાર થાય છે, કારણ કેએના અંતરમાં આથી પણ વધુ ભીષણ આગના ભડકા ઊઠે છે. દાવાનળની લાલ અગ્નિશિખાઓમાં જાણે નરી શ્વેત આગનું અનલપંખી ઊડતું જાય છે. પ્રિયતમના મિલન વિના એને વિરામ ક્યાં ? વિશ્રામ ક્યાં ? મીરાં કહે છે, આ પંથ કરતાં તો મારા પંડમાં વિરહની આગ ક્યાંય વધારે છે. એને ઠારવા માટે મેં આ પંથ લીધો છે, આ ગાંસડી ઉપાડી છે. હવે તો આ માર્ગ મૂકવા માગું તોયે મૂકી શકું એમ નથી. મીરાંની વાણી :

હરિવર મૂક્યો કેમ જાય ?

હવે મુજથી હરિવર મૂક્યો કેમ જાય ?

નંદકુંવાર સાથે નેડલો બંધાણો

પ્રાણ ગયે ન છુટાય.

આવી પ્રાણથીયે વધુ પ્રબળ ઝંખના માટે કહેવાયું હશે:

હરિ ન વિસરે, તેને હરિ ન વિસારે.

================================================================

   

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in ભજન
One comment on “Makarand-meera
  1. ભક્તિનો મારગ ખાંડાની ધાર છે, પ્રેમનો પંથ પાવકની જવાલા છે પણ ભક્ત એના પર આનંદથી પસાર થાય છે, કારણ કેએના અંતરમાં આથી પણ વધુ ભીષણ આગના ભડકા ઊઠે છે. દાવાનળની લાલ અગ્નિશિખાઓમાં જાણે નરી શ્વેત આગનું અનલપંખી ઊડતું જાય છે. પ્રિયતમના મિલન વિના એને વિરામ ક્યાં ? વિશ્રામ ક્યાં ? મીરાં કહે છે, આ પંથ કરતાં તો મારા પંડમાં વિરહની આગ ક્યાંય વધારે છે.

    શ્રી હરિને પામવા …તેના સુધી પહોચવા માટે બે મારગ છે પ્રેમનો અને ભક્તિનો ..પણ પ્રેમનો મારગ પકડવો સહેલો થઈ પડે …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,730 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: