Two poems

 

Two poems

ઋણ સ્વીકાર :સુરેશ દલાલ  

કાવ્યસંકેત /સુરેશ દલાલ /ઇમેજ 

પાના :50 અને 51 

સંદીપ ભાટિયા  

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં 

ને પરબીડિયું ગયું ગેરવલ્લે

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

છત્રીને થાય એક નળિયાને થાય  

કોઇ નેવાને થાય એવું થાતું 

ખુલ્લા થયા ને તોય કોરા રહ્યાનું  

શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું

વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી

છાંટા ના પામવા જવલ્લે

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

 

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર  

સૂકવવા મેલ્યા જો હોત તો

કલરવનો ડાકિયો દેખાયો હોત

કાશ મારુંય સરનામું ગોતતો

વાછંટના વેપલામાં ઝાઝી નહીં બરકત  

કે ગૂંજે ભરો કે ભરો ગલ્લે

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે 

પ્રેમની અભિવ્યક્તિ કેટલી જુદી જુદી રીતે થઇ શકે એનો ખ્યાલ આપતું આ ગીત છે. દેખાય છે એવી એ પ્રેમની પ્રસન્નતા નથી, પણ આ પ્રસન્નતાના આવરણ હેઠળ આછો આછો ભીનો ભીનો વિષાદ છે. કોઇ આપણને ગમે એટલું મોકલે, પણ આપણને પહોંચે જ નહીં તો શું ? આખું ને આખું ચોમાસું મોકલાવ્યું, પણ એ પરબીડિયું જ ગેરવલ્લે ગયું. રૉંગ નંબર ડાયલ થયો હોય એના જેવી જ કંઇક સ્થિતિ. છલોછલ જળ વચ્ચે કોરા રહી જવાની અહીં ભીની ભીની વેદના છે. કોરા રહ્યાના શૂળની એક વેદના છે. વરસાદનો રોમાંચ જો જડને થતો હોય તો ચેતનની તો વાત શી ?છત્રી, નળિયું ને નેવું ત્રણેયને રોમાંચ અને જીવતીજાગતી વ્યક્તિને કોરા રહ્યાના ડામ. ચોમાસું તો ઠીક, એકાદ છંટો ભાયગમાં નહીં. કાશ અમે ભીંજાયા હોત તો તડકાની ડાળી પર કશુંક સુકવવા પણ મેલત. વરસાદ પછીના ઊઘડેલા તડકાની ભીનાશ જુદી જ હોય છે. કોઇક મારું સરનામું ગોતતું તો આવત. જળને તમે તમારા ગલ્લામાં કે તમારા ગજવામાં ભરી શકતા નથી. એ તો આપણી આંગળીઓની વચ્ચેથી સરી જતું હોય છે. વહાલની વાછંટનો વેપલો જ ખોટો. એમાં કોઇ બરકત નહીં. પ્રેમના પ્રદેશમાં હરકત જ હોય છે.સંદીપ ભાટિયા આપણા નવાનક્કોર કવિ છે. એમની કૂંપળ જેવી તાજી રચનાની રંગઝાંય જોવ જેવી છે.

—————————————————————————————————

કાવ્ય સંકેત /સુરેશ દલાલ

પાના :69 થી 71 

ભૂપેશ અધ્વર્યું

દ્વારકાના મ્હેલ મહીં જાદવરાય,

દર્પણમાં દેખતાં કાનજી થાય.  

રંગમ્હેલ ટોચ પે બેસીને મોરલો,

નાનું શું મોરપિચ્છ ખેરવી જાય.

હૈયામાં સરવાણી ફૂટી

ને ઊમટ્યાં, જમનાનાં ખળભળતાં પૂર;

કાંઠે કદંબડાળ ઊગી,  

ને ગાયોએ ઘેર્યો હાં, બંસીનો સૂર.

ઝરૂખે ઝૂકીને જુએ આભલાની કોર ભણી,  

ક્યાંક, અરે, ક્યાંક પેલું ગોકુળ દેખાય ?

 

મટુકી ફૂટીને બધે માખણ વેરાય.

દર્પણની  બ્હાર જદુરાય,  

ને દર્પણમાં, છેલ ને છકેલ પેલો કાનજી.

 બ્હારની રુક્મિણી મોહે

ને દર્પણની, અચકાતી દેખી ગોવાળજી.

હોઠની વચાળે હાં, બંસીનું મુખ મૂકી,  

રોતી રાધિકાનું મુખડું દેખાય.

રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હાં

નાથ રે  દુવારકાનો એવો ઘેરાય.

ભૂપેશ અધ્વર્યું  અકાળે આથમી ગયેલો આપણો કવિ. કાવ્યમાં દર્પણનો ઉપયોગ કર્યો છે— કાવ્યમય રીતે. હમણાં જ પરદેશની એક કવયિત્રીનાં કાવ્યો વાંચતો હતો. નામ તો ભુલાઇ ગયું છે. પણ વાત યાદ રહી ગઇ છે. એની કવિતામાં અવારનવાર  દર્પણના ઉલ્લેખ આવ્યા કરે. કોઇ વિવેચકે પૂછ્યું કે કવિતામાં આ દર્પણના આટલ બધા ઉલ્લેખો શા માટે ?ત્યારે કવયિત્રીએ એકરાર કર્યો કે 16-17 વર્ષની હતી ત્યારથી અભિનેત્રી થવાના કોડ હતા તેથી દર્પણસાથે મસલત તો કરવી પડે. પણ પછી એક કાવ્ય એવું લખ્યું કે બધાં જ દર્પણોનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો. ક્યાં સુધી માણસે પોતાના પ્રતિબિંબને પંપાળ્યા કરવું ?

આ ગીતમાં ભૂપેશે કૃષ્ણના સંદર્ભમાં દર્પણનો ઉપયોગ કર્યો છે. એક રાજા કૃષ્ણ છે અને એક કૃષ્ણ છે ગોવાળિયો. દ્વારકાનો મહેલ છે. એમાં દર્પણ છે. દર્પણ શબ્દ દર્પ પરથી આવ્યો છે. દર્પ એટલે અભિમાન. જે અભિમાનને પોષે અને સંતોષે એ દર્પણ. દર્પણમાં કૃષ્ણ જુએ છે, પણ એ જાદવરાય છે. જોતાવેંત એમને એમનું રાજાનું રૂપ નહીં, પણ કાનજીનું સ્વરૂપ દેખાય છે . મહેલ પરથી મોરલાનું મોરપિચ્છ ખરે છે. રાજાનો મુગટ સરી જાય છે દ્વારકાનો રાજા હવે અહીં રહેતો નથી. આંખ સામે યમુનાનાં પૂર. કદંબની ડાળ, ગોધણ, બંસીનો સૂર, સહેજ ઝરૂખે ઝૂકે છે ત્યાં આખું ગોકુળ,ગોકુળની લીલા, મટકીનું ફૂટવું અને માખણનું વેરાવું. પોતે જ પોતાની આંખ સમક્ષ પોતાની બાળલીલા, દાણલીલા એ બધાનો ભૂતકાળની કુંજગલીમાં સરીને સાક્ષાત્કાર કરે છે. હવે દર્પણની બહાર જદુરાય છે અને દર્પણની ભીતર છેલછબીલો કૃષ્ણછે. બહાર રુક્મિણી છે અને દર્પણની ભીતર એને રાધા દેખાય છે. હોઠની વચાળે બંસી  તો મૂકી છે પણ જે રાધા દેખાય છે  એ વિરહમાં ઝૂરતી રાધા દેખાય છે. રુકમિણી કૃષ્ણની પટરાણી . રુક્મિણીએ સ્ત્રીનું સામાજિક સ્વરૂપ છે. રાધા એ કૃષ્ણની અંગત અર્ધાંગના છે. રુક્મિણીને ભાગે સોનાની હિંડોળાખાટ છે. રાધાના સદ્ ભાગ્યે વૃંદાવનની કુંજ છે , રાસ છે, રાસલીલા છે. કૃષ્ણનાં મસ્તી અને તોફાન છે. મહેલની વિશાળતા કરતાં વૃંદાવનનું વહાલ વધારે સારું.રાજા કૃષ્ણ કરતાં પ્રજાનો કૃષ્ણ વધુ વ્હાલો. એ ભલે દ્વારકાનો નાથ હોય, પણ રાધા અને અનેક ગોપીઓનો ભવભવનો સંગાથ છે.

આપણે ત્યાં રાધા-કૃષ્ણનાં અનેક ગીતો લખાયાં છે. મધ્યકાલીન કવિતા તો આવાં કાવ્યોથી સમૃદ્ધ છે. નરસિંહથી માંડીને દયારામ સુધી, ન્હાનાલાલથી માંડીને હરીન્દ્ર અને પ્રિયકાન્ત  સુધીના કવિઓએ લયના હિંડોળે કૃષ્ણભક્તિને ભરપૂર ઝુલાવી છે. કૃષ્ણના શૃંગારને ગાયો છે. મીરાંએ તો આંસુઓથી ધોઇ ધોઇને કૃષ્ણને અજવાળ્યો છે. કૃષ્ણનું કામણ કેવું છે એને માટે ભાલણનું એક અલ્પપ્રસિદ્ધ પદ જોઇએ.

છબીલા નંદના રે, તારી ચાલનો ચટકો જો:

છોરા આહીરના રે ! તારા મુખનો મટકો જો. છબીલા….  

ચાલનો ચટકો, મુખનો મટકો, મોહિની નાંખે એમ;

કાળી તારી કાંબલીમાં, કામણ દીસે છે કેમ ?છબીલા…

ચટકો તારી ચાલનો રે, પાવડીએ કંગર કોર;

છુમક છુમક ઘૂઘર વાજે, નેનમાં નાચે મોર.  છબીલા…

તાણીને બાંધે પાઘડી રે, ઢળતો મૂકે તોર;

શેરીએ લથડતો હીંડે, મોરલી ઘનઘોર.  છબીલા….

મુખ દેખડાવીને ઘેલાં કીધાં, જાણે હરાયાં ઢોર;

ભાલણપ્રભુ રઘુનાથજી મારા ચીતલડાના ચોર.  છબીલા….

=================================================================   

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 665,255 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 278 other followers
તારીખીયું
ડિસેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: