પ્રસ્તાવના+1.તું કૌરવ,તું પાંડવ મનવા….

ભગવદગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ

પ્રસ્તાવના

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે

ભારતીય સંસ્કૃતિનાં બે સુવર્ણ-પ્રવેશદ્વારો છે. આ બે દ્વાર એટલે રામાયણ અને મહાભારત.સમગ્ર ભારતીય સંસ્કૃતિનો સર્વાંગી પરિચય રામાયણ અને મહાભારત દ્વારા જ મળી શકે. કોઇએ વધુ ઊંડા ઊતરવું હોય અને ભારતીય તત્ત્વજ્ઞાનનો ગહન, સઘન અને ગંભીર પરિચય પ્રાપ્ત કરવો હોય તો વેદ અને ઉપનિષદ પણ છે.રામાયણ એક એવો ગ્રંથ છે કે જેમાં આદર્શ સમાજ અને આદર્શ રાજ્યની કાલ્પનિક વાસ્તવિકતા અને વાસ્તવિક કલ્પના સાકાર થઇ છે .રામાયણ એક શાંત સરોવર જેવો ગ્રંથ છે. મહાભારત એક વિરાટ સમુદ્ર છે. આ મહાભારતમાં અનેક કથાઓ, આડકથાઓ છે.અનેક તરંગો છે. આ મહાભારતના વિરાટ સમુદ્રમાં શ્રીમદભગવદ્ ગીતાએ દીવાદાંડી જેવી છે અને એના 700 શ્લોક છે.

 

મહાભારતની કથાનાં મૂળભૂત સામૂહિક પાત્રો છે.પાંડવો અને કૌરવો. પાંચ પાંડવો: યુધિષ્ઠિર,ભીમ, અર્જુન,સહદેવ, નકુળ એ પાંડુપુત્રો છે.કૌરવોનો પિતા ધૃતરાષ્ટ્ર આંધળો છે, અને એના સમર્થ પુત્ર છે દુર્યોધન. કર્ણ એ મૂળ તો પાંડવ છે, કુંતા એની માતા છે. કૌમાર્યાવસ્થામાં કુંતાને સૂર્યના મંત્ર દ્વારા જે પુત્ર પ્રાપ્ત થયો તે કર્ણ. સમાજને કારણે કુંતાએ પુત્રને ત્યજી દીધો અને રાધા નામની શુદ્ર સ્ત્રીએ એને ઉછેર્યો. તેથી એ સૂત પુત્ર તરીકે ઓળખાયો. કર્ણને જીવનભર એક રહસ્ય સતાવતું રહ્યું :મારો પિતા કોણ>? શસ્ત્રસ્પર્ધામાં સૂતપુત્ર હોવાને કારણે કર્ણનો છેદ ઊડી ગયો. સ્વયંવરમાં દ્રૌપદીએ કર્ણને જોઇ કહ્યું :’હું સૂતપુત્રને નહિ વરું.’ મહાભારતના યુધ્ધના કેંદ્રમાં જુગાર છે, અને દ્રૌપદી છે. ભરસભામાં પાંચ પ્રતાપી પતિની પત્ની દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય છે અને હોડમાં દ્રૌપદીને પણ હારી ચૂકેલા પાંડવો કશું જ કરી શકતા નથી.

દ્રૌપદીનાં વસ્ત્ર ખેંચાય છે ત્યારે તેની નિઃસહાય ચીસ સાંભળીને કૃષ્ણ ચીર પૂરે છે.દુર્યોધન જ્યારે દ્રૌપદીને જાંઘ પર બેસાડવાની વાત કરે છે ત્યારે ભીમ પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી દુર્યોધનની જાંઘ ચીરીને એનું લોહી નહિ પીંઉ ત્યાં સુધી હું જંપીશ નહિ. દ્રૌપદીનો પણ સંકલ્પ છે કે જ્યાં સુધી વેર લેવાશે નહિ ત્યાં સુધી હું વાળ છૂટારાખીશ. પાંડવો જુગારમાં હારી ગયા છે,વનવાસ વેઠે છે, અજ્ઞાતવાસ વેઠે છે, અને જ્યારે બધું પાર કરીને પોતાને વસવા માટેની, પોતાના હકની જમીન માગે છે ત્યારે દુર્યોધન કહે છે: ‘હું સોયની અણી જેટલી પણ જગા નહિ આપું ‘દ્રોણ જેવા ગુરૂ અને ભીષ્મ જેવા આજીવન બ્રહ્મચારી કૌરવોને પક્ષે છે.કર્ણ પણ  કૌરવોને પક્ષે છે કારણકે શસ્ત્રસ્પર્ધા વખતે જ્યારે કર્ણનું અપમાન થયું ત્યારે એને દુર્યોધને આશરો આપ્યો હતો. આ અન્યાય છે એ વાત આ મહારથીઓ ખુલ્લે દિલે જાહેરમાં કહેતા નથી. ભીતરમાં સદભાવ છે, પણ વાણી અને આચાર વિનાનો સદભાવ અંતે તો વાંઝિયો જ હોય છે. પાંડવોને પક્ષે કૃષ્ણ છે.કૃષ્ણને પાંડવોમાં સૌથી વધુ અર્જુન માટે છે. આ એ અર્જુન છે કે જે દ્રૌપદીને સ્વયંવરમાં પામ્યો અને ‘પાંચે જણા વહેંચીને ભોગવો’ એવી કુંતા માતાની આજ્ઞાથી દ્રૌપદી પાંચે પાંડવોની પત્ની થઇ. દ્રૌપદીને સવિશેષ પક્ષપાત અર્જુન માટે છે, કારણ કે દ્રૌપદી ભલે પાંચની હોય છતાં પણ એ અર્જુનના પુરૂષાર્થનું પરિણામ છે. કૃષ્ણને અર્જુનની જેમ દ્રૌપદી માટે વિશેષ પક્ષપાત છે. કૃષ્ણ અને દ્રૌપદીનો સંબંધ એ કોઇ પણ નામના પાટિયા વિનાનો સાચો સંબંધ છે. આમ અર્જુનાને દ્રૌપદીને કારણે કૃષ્ણ પાંચે પાંડવોની પડખે છે. બીજું કારણ એ પણ છે,કે પાંડવોનો પક્ષ એ ધર્મનો પક્ષ છે, ન્યાયનો પક્ષ છે, અને ભગવાન હંમેશાં ધર્મ અને ન્યાયની પડખે અને અન્યાયની સામે હોય છે.

જ્યારે પાંડવોનો હક આપવાની કૌરવો ઘસીને ના પાડે છે ત્યારે યુધ્ધ સિવાય કોઇ આરોઓવારો રહેતો નથી. માણસે પોતાના ધર્મ માટે, ન્યાય માટે,રક્ષણ માટે લડવું અનિવાર્ય છે. આ યુધ્ધ એ બીજું કશું જ નહિ , દુર્યોધનની દુર્બુધ્ધિનું પરિણામ છે, પાંડવો યુધ્ધ્ને ઝંખતા નથી.પણ યુધ્ધ વિના છૂટકો જ નથી.અને એટલે જ પાંડવોને પક્ષે જે યુધ્ધ છે તે ધર્મ યુધ્ધ છે,. કૃષ્ણ અર્જુનના રથના સારથિતરીકે કામ કરે છે. જેનો દોરનારો શ્યામ હોય એને ભય શું કામ? ગીતાની વાત કરતા પહેલાં આટલી પશ્ચાદભૂમિકા જરૂરી હોવાથી આપી.

                ગીતાનું જન્મસ્થાન યુધ્ધ્ભૂમિ છે.સામસામે બન્ને સેનાઓ છે. અર્જુન રથમાં છે.કૃષ્ણ એના સારથિ છે. અર્જુનનું બીજું નામ પાર્થ છે એટલે કૃષ્ણ પાર્થસારથિ તરીકે ઓળખાય છે.  

———————————————————————————————————————————————————————————————-

ભગવદગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ

1.તું કૌરવ,તું પાંડવ મનવા….

ગીતાના પહેલા અધ્યાયનું નામ અર્જુનવિષાદયોગ છે. ગીતાનો પહેલો શ્લોક ધૃતરાષ્ટ્રના મોંમાં મુકાયો છે. ધૃતરાષ્ટ્ર આપણે જાણીએ છી તેમ આંધળો છે. બધીજ રીતે આંધળો છે,સ્થૂળ અને સૂક્ષ્મ બન્ને અર્થમાં . તેનાં સંતાનો કૌરવો જ હોઇ શકે. કૌરવો એટલે નર્યું શારીરિક બળ. નર્યું સંખ્યાબળ., નર્યું તામસી બળ. કોઇનું કાંઇ પણ હોય તે લઇ લેવું, પચાવી પાડવું..પછી એ રાજ્ય હોય,રાજગાદી  હોય કે બીજાની પત્નીહોય.એક બાજુ કૌરવો છે, બીજી બાજુ પાંડવો છે.કૌરવોમાં  ભીષ્મ અને દ્રોણ જેવી વિભૂતિઓ છે,કર્ણ જેવો મહારથી છે, તો પાંડવોમાં એક કૃષ્ણ જ પૂરતા છે. સેનાઓના સમુદ્રની વચ્ચે અર્જુનની નાવ જાણે કે થીજી ગઇ છેયુધ્ધભૂમિ પર એ છેલ્લી ઘડીએ લડવાની ના પાડી છે.અને કૃષ્ણ જેવો મિત્ર હોવા છતાંય, મિત્ર આગળ ન લડવા માટેનાં બહાનાંઓ જેવાં કારણો આપે છે. કૃષ્ણ તો અંતર્યામી છે એ જાણે છે કે અત્યારે અર્જુન જે કાંઇ કારણો આપે છે એ વિષાદનું અને બુધ્ધિના પ્રપંચનું પરિણામ છે. કૃષ્ણ એને યુધ્ધ મટે પ્રેરે વ્હ્હે. વિપત્તિની અંદર એક મિત્ર બીજા મિત્રને જે રીતે સમજાવે, હાંફેલાને હૂંફ આપે,એ રીતે કૃષ્ણ અર્જુનને  સમજાવે છે. વિષાદથી પ્રેરાયેલો ભય દૂર કરવાનો સમર્થ પ્રયત્ન કરે છે.આ વિષાદ એ તો બીજું કાંઇ નહિ પણ અર્જુનજેવા પ્રતાપી સૂર્ય ઉપર છવાયેલું વાદળું છે. કૃષ્ણનો સમગ્ર પુરૂષાર્થ આ વાદળને દૂર કરવાનો છે. શ્રીમદભગવદ ગીતા એ કૃષ્ણ-અર્જુન વચ્ચેનો સંવાદ છે. ડાયલોગ છે. હાર્મની છે.. બન્ને વચ્ચેના કૉમ્યુનિકેશનની પરાકાષ્ઠા છે.

 

વાસ્તવિકતાના આગ્રહી કોઇક એવો પ્રશ્ન પૂછી શકે કે ,ખરેખર યુધ્ધ માટેની તૈયારી થઇ ગઇ ત્યારે કૃષ્ણ અને અર્જુન વચ્ચે 700 શ્લોકમાં અઢાર અધ્યાય ચાલતા હોય એવું કદી બની શકે ખરૂં?વ્યાસ જેવા કવિની આ કલ્પના છે. આ કલ્પના કેવળ સત્ય નહિ પણ સવાયા સત્ય જેવી છે. હકીકતમાં તો આ એક રૂપક છે. પાંડવ અને કૌરવ એ મનુષ્યની અંદર જ છે. પાંડવ અને કૌરવ એટલે સદ્ અને અસદ્ ,શુભ અને અશુભ, રાગ અને દ્વેષ, પ્રકાશ અને અંધકાર, ગરુડ અને ઘુવડ. એ બન્ને સામસામે હોય ત્યારે કૃષ્ણ જેવો તમારી પડખે હોય અને એ વાણી ઉચ્ચારે ત્યારે વિષાદ ઓસરતો જાય. સામાન્ય માણસની વાણી એ વાણી જ રહે, પણ કૃષ્ણની વાણી એ ગીત્અ છે. સામાન્ય માણસનું ગીત એ ગીત જ રહે. ભગવાનનું ગીત એ ગીતા થઇ જાય. આ ગીતા જાણે કે આદરવાચક શબ્દ છે.

તું કૌરવ, તું પાંડવ :મનવા !તું રાવણ, તું રામ !

     હૈયાના આ કુરૂક્ષેત્ર પર પળપળનો સંગ્રામ !

કદી હાર કે જીત : કદી તું તારાથી ભયભીત;

કદીક પ્રકટે સાવ અચિંતુ સંવાદી સંગીત,

ભીષણ તું તાંડવમાં : મંજુલ લાસ્ય મહીં અભિરામ ;

તું કૌરવ, તું પાંડવ : મનવા ! તું રાવણ, તું રામ !

ફૂલથી પણ તું કોમળ ને તું કઠોર જાણે પ્હાણ ;

તું તારૂં છે બંધન, મનવા ! તું તારું નિર્વાણ !

 

તું તારો શત્રુ ને બાંધવ : તું ઉજ્જવલ : તું શ્યામ !

તું કૌરવ, તું પાંડવ : તું રાવણ, તું રામ !

 

 

પહેલા અધ્યાયનો પહેલો શ્લોક :એનો પહેલો શબ્દ ભલે ધૃતરાષ્ટ્રના મોઢે બોલાયેલો હોય તોપણ મહત્ત્વનો છે.અને એ શબ્દ છે ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્ર તો બીજો શબ્દ છે. આપણું શરીર એ ક્ષેત્ર છે, ખેતર છે. જો સચ્ચાઇથી જીવીએ તો એ ધર્મક્ષેત્ર થઇ શકે અને ઊણા ઊતર્યા તો કુરૂક્ષેત્ર એટલે કે યુધ્ધ્ભૂમિ થઇ જાય. ધૃતરાષ્ટ્રને કુતૂહલ છે, કે યુધ્ધ્ભૂમિ પર શું થઇ રહ્યું છે ને એનો અહેવાલ કોઇ આપે.. સંજય પાસે દૂરનું જોવાની દૃષ્ટિ હતી. એ જમાનાનો એ જીવતોજગતો ટી.વી. હતો. ધૃતરાષ્ટ્ર સંજયને એટલા માટે પૂછે છે કે એ આંધળો છે અને સંજય દૂર દૂરનું જોનારો છે. ધૃતરાષ્ટ્રને કુતૂહલ છે તે કેવળ પોતાનાં  સંતાનો  શું કરી રહ્યા છે એનું. એને  મામકા  માં રસ છે, એટલે કે પોતાના સંતાનોમાં રસ છે. એજાણે છે કે આ બધું ખોટું છે  છતાં પણ સ્વાર્થ આંધળો હોય છે. એને જેટલો પોતીકામાં  રસ હોય એટલો બીજામાં રસ ન હોય . એ તો માત્ર એટલું જ જાણવા માગે છે કે યુધ્ધ માટે એકઠા તયેલા મારા અને પાંડુના પુત્રોએ બેગા મળીને કર્યું શું ?પછી સંજય એને તબક્કાવાર અહેવાલ આપતો જાય છે.ગીતા એ કાવ્ય છે પણ એના પ્રારંભમાં ભારોભાર નાટ્યાત્મકતા છે.આંખે દેખ્યો અહેવાલ જેમ અખબારનો ખબરપત્રી આપે એમ સંજય ધૃતરાષ્ટ્રને આપે છે. સંજય સેનાની વ્યુહરચનાનો ખ્યાલ આપે છે અને દ્રોણાચાર્ય પાસે પહોંચેલા રાજા દુર્યોધને જે કહ્યું એ વાણી સંભળાવે છે. ગીતાકાર એ દૃષ્ટિપૂત કવિ છે.અત્યારે દુર્યોધન યુધ્ધ કરી રહ્યો છે તે પાંડવોને હરાવવા, હંફાવવા, બીજાનું રાજ્ય પોતાનું કરી લેવા માટે . એટ્લે એને માટે એમણે રાજા શબ્દ પ્રયોજ્યો. દુર્યોધન મુત્સદ્દી અને મેલો છે. અને મુત્સદ્દી માણસ પોતાની વાતને જાણતો હોય છતાં પણ દુશ્મનોનો અંદાજ પહેલાં લઇ લે છે.દુર્યોધન દ્રોણને સૌથી પહેલાં પાંડવોની સેનાનો ખ્યાલ આપે છે. દુશ્મનો કોણ છે, કેવા છે, કેટલા છે, એની સાથે કોણ કોણ મળેલા- ભળેલા  છે એની વાત કરે છે.કોણ મુખ્ય અને મહત્ત્વના છે એનો અણસાર આપે છે અને પછી પોતાને પક્ષે કોણ કોણ છે એની વાત માંડે છે.દુર્યોધન એ ભરોસે છે કે પોતાની સાથે ભીષ્મ અને કર્ણ છે, પોતાને માતે જીવ આપી દે એવા માણસો છે, યુધ્ધકળામાં પ્રવીણો છે.પાંડવો કરતાં એની સંખ્યા અગણ્ય છે. ભીષ્મ એની સેનાના રક્ષક છે, સામેની સેનાનો રક્ષક ભીમ છે, અને એ માત્ર એટલું ઝંખે છે કે રક્ષક ભીષ્મની સર્વ બાજુથી રક્ષા થવી જોઇએ, કારણકે જો ભીષ્મની રક્ષા નહિ થાય તો ભસ્મ થવામાં વાર નહિ લાગે. આ તો માત્ર સેનાનું વર્ણન, એનું ગણિત અને ગણતરી. પછી તો સિંહનાદ અને શંખનાદ,ભેરી અને નગારાં, અને સામે પક્ષેથી કૃષ્ણ પણ દિવ્ય શંખ વગાડે છે. જ્યારે કૃષ્ણ શંખ ફૂંકે ત્યારે બીજા બધા પણ એની સાથે શંખ ફૂંકે છે. ધરતીકંપ અને આકાશકંપ થયો હોય એવા આ ભયંકર શંખનાદ છે. આવી કટોકટીની ક્ષણે અર્જુન કૃષ્ણને કહે છે કે મારો રથ હે અચ્યુત ! બન્ને સેનાની વચ્ચે ઊભો રાખો . હું જોઇ તો લઉં કે મારી સામે કોણ કોણ છે? ગીતાકારે અર્જુનના મોઢામાં કૃષ્ણ માટે અચ્યુત શબ્દ વાપર્યો છે. આ શબ્દમાં ઔચિત્ય છે. જે કદીયે ચ્યુત ન થાય, તે અચ્યુત. ઇશ્વર હંમેશાં અચ્યુત જ હોય છે. કૃષ્ણે તો અર્જુનના કહ્યા પ્રમાણે કર્યું. રથને બે સેનાની વચ્ચે મૂક્યો. પ્રતાપી અર્જુનગુરૂઓને, મિત્રોને, ભાઇઓને,સ્વજનોને સામે જોઇને રાંક થઇ ગયો, ગળગળો થઇ ગયો. એનાં ગાત્રો શિથિલ થઇ ગયા. મોઢામાં શોષ પડવા માંડ્યો.દેહમાં કંપારી છૂટી. રૂંવાડાં ઊભાં થઇ ગયાં. ગાંડીવ હાથમાંથી સરકી ગયું .શરીરમાં બળતરા થવા લાગી. મન ભમવા માંડ્યું. કહો કે ચિત્તભ્રમ થઇ ગયો. સવળા બદલે અવળું દેખાવા માંડ્યું. ચિત્ત પર વિષાદનું આક્રમણ થયું. સ્મશાનવૈરાગ્ય જેવો યુદ્ધ વૈરાગ્ય આવ્યો. ગીતા એક એવો ગ્રંથ છે કે જે મનને અને માનસશાસ્ત્રને બરાબર ઓળખે છે . ફ્રોઇડ જ્ન્મ્યાં એની સદીઓ પહેલાં આ ગ્રંથ લખાયો છે.મનની શરીર પર કેવી અસર થાય છે એનું વર્ણન પણ અહીં કર્યું છે. અને માણસ એ કેવળ મન નથીઅને કેવળ શરીર નથી. મનનો આધાર શરીર પર છે,શરીરનો આધાર મન પર છેએનો તો અર્જુનના દેહનું જે વર્ણન કર્યું છે એના પરથી પણ ખ્યાલ આવે છે.સાઇકોલૉજિકલ અને બાયો લૉજિકલ બન્ને વાતને અહીં છેડી છે. શા માટે અર્જુનને વિષાદ થયો ? અર્જુનનો એક અર્થ જે  ઋજુ છે તે. અર્જુનપ્રતાપી હતો પણ સ્વભાવે ઋજુ  પ્રેમાળ અને સંવેદનશીલ હતો. વિષાદ જડ માણસોને ન આવે સંવેદનશીલ માણસોને આવે. અર્જુન થોડોક સમય બૃહન્નલાસ્ત્રીરૂપે પણ જીવ્યો હતો એટલે ,એ સ્ત્રેણ નહોતો છતાં પણ થોડાક સમય પૂરતું એનામાં નારીત્વ પણ પ્રવેશ્યું હતું.તો આ યુધ્ધભૂમિ પર જે વિષય પ્રગટ્યો છે, પણ એની પશ્ચાદભૂમાં શારીરિક અને માનસિક કારણો છે.

અર્જુન કૃષ્ણને નહિ લડવા માટે એક પછી એક કારણો આપે છે. કૃષ્ણ એને સાંભળે છે. કૃષ્ણ એના મનની અવસ્થા પણ સમજે છે. કૃષ્ણ અંદરથી એના કોઇ પણ કારણ સાથે સંમત થતા નથી. પણ કોઇક અર્જુનને સાંભળે છે, એની અર્જુનને પ્રતીતિ આપે છે. જીવનમાં મિત્ર બીજું કશું નથી આપી શકતો પણ મિત્રના મનમાં જે કંઇ સાચીખોટી વાત હોય, ઊગે અને આથમે એ બધીને ધ્યાનપૂર્વક સાંભળી લે, વિવેકબુધ્ધિથી સમજી લે, તો જ એને સાચું માર્ગદર્શન આપી શકે. અર્જુન સભાનપણે નથી પોતાને છેતરતો કે નથી કૃષ્ણ જેવા મિત્રને છેતરતો. પણ માણસનું મન એને પોતાને પણ ખબરન પડે એવું અને એટલું પ્રપંચી હોય છે. કારણ કે મનની સાથે  બુધ્ધિ સંકળાયેલી છે. અને તર્ક એ બુધ્ધિની વિષકન્યા છે. બુધ્ધિ અને તર્ક ભેગાં મળીને સાચાને ખોટું અને ખોટાને સાચું ઠરાવી શકે છે. પણ બુધ્ધિની પર અને પાર પણ જે બુધ્ધિ છે, પ્રબુધ્ધિ છે એ પ્રજ્ઞા તરીકે ઓળખાય છે.કૃષ્ણ  અર્જુનની દલીલોને બુધ્ધિથી સાંભળતા નથી પણ દિલથી સાંભળે છે.સાંભળે છે એટલું જ, બાકી એને ખબર છે, કે અર્જુનની બુધ્ધિ અત્યારે વિનાશકાળ તરફ જૈઇ રહી છે, એ વિપરીત થઇ રહી છે,માણસ સવળો છે અને એની બુધ્ધિ અવળી થઇ ગઇઉ છે. એ બધી શાણી શાણી વાતો કરે છે એટલું જ. અંદર કંઇક બીજું જ છે. જે બીજું અંદર છે એ વાતોથી ઢંકાય છે પણ ઢંકાયેલી વસ્તુ ઢંકાયેલી હોય તો પણ એ હોય છે તો ખરી જ. કૃષ્ણને અર્જુનની આ બુધ્ધિપૂર્વકની દલીલોને નિર્મૂળ કરવામાં અને નિર્મળ કરવામાં રસ છે. જે અર્જુનને પોતાના ભાઇઓ સાથે વનવાસ વેઠ્યો, જુગારમાં બધું હારી બેઠા, દ્રૌપદીને પણ હોડમાં મૂકવી પડી ત્યારે વિષાદ ન પ્રગટ્યો પણ અત્યારે અચાનક આ મૃગજળિયો વિષાદ આવ્યો, ગાત્રો શિથિલ થયાં, મોઢામાં શોષ પડવા માંડ્યો, એ બીજું કાંઇ નહિ પણ પાસિંગ ફૈઝ છે. આ પાસિંગ ફૈઝ જો સ્થિર થૈ જાય  તો માણસ ક્યાંયનો ન રહે. અર્જુન બધી ડાહી ડાહી વાતો કરે છે. મને જીતમાં રસ નથી, રાજ્યમાં રસ નથી, રાજ્યમાં નથી,સુખમાંરસ  નથી,સામે ઊભેલા  તો મારા સ્વજનો છે, એમને હણવા શું કામ?કૌરવોને હણીને અમારું પ્રિય શું થવાનું હતું? ઊલટાનું અમે તો પાપનું પોટલું બાંધશું.આખરે તો એ અમારા ભાઇઓ છે રાજ્યનો લોભ ખોટો છે, વણસેલી બુધ્ધિનું પરિણામ છે. આખા કુળનો નાશ થશે તો ધર્મનાશ કહેવાય. ધર્મનાશ થાય એટલે અધર્મ પ્રવર્તે. અધર્મને કારણે , પ્રજા  વર્ણશંકર પેદા થાય , નરકમાં જવાનો વારો આવે, પિતૃઓને પિંડતર્પણ પણ ન મળે. આ માત્ર પાપ નથી, મહાપાપ છે, રાજ્ય અને સુખ બન્નેનો લોભ છે. આ લોભનો કદીયે લાભ મળવાનો નથી. શુભ ભૂંસાઇ જશે, અશુભ અંકાઇ જશે, એના કરતાં તો હું શસ્ત્રો છોડી દઉં; શસ્ત્રસન્યાસ લઇ લઉં. અને કૌરવોએ મને હણવો હોય તો ભલે હણી લે., મને કલ્યાણ એમાં જ લાગે છે. આટલું બોલી અર્જુન રથમાં બેસી ગયો. ધનુષ્યબાણને છોડી દીધાં. એના મનમાં શોક અને સંતાપ હતો. પહેલા અધ્યાયનો અંત બહુ સૂચક છે. અર્જુન ફરી પાછો રથમાં બેસે છે, જે રથના સારથિ કૃષ્ણ છે. અર્જુને જે બધી વાત કરી તે એની ટૂંકી દૃષ્ટિનું પરિણામ હતું. એ વાતો રૂપાળી હતી, એના કરતાં છેતરામણી વધુ હતી. શબ્દ ઘણી વાર જેમ વિચારને પ્રકટ કરી શકેછે તેમ વિચારને ઢાંકી પણ શકે છે. આ આવરણ બહારથી રૂપાળું લાગે છે, પણ અંદરથી બધું કદરૂપું લાગે છે. અર્જુનની વાતોમાં જે છુપાયેલી કદરૂપતા હતી તે કુદરતી  નહોતી. એ એની પ્રકૃતિની વિરુધ્ધ વર્તી રહ્યો હતો,એ પ્રતાપી હતો, પ્રભાવી હતો. ધનુર્ધર હતો,ક્ષત્રિય હતો અને છતાંય અત્યારે પોતાના મનને અનુકૂળ આવે એવું ગણિત અને ગણતરી કરતો કરતો કૃષ્ણને પટાવતો હતો. અલબત્ત, એ પટાવી રહ્યો છે એનું એને પોતાને પણજ્ઞાન નહોતું. પણ કૃષ્ણ એવો મિત્ર હતો, એવો અંતર્યામી હતો કે જે શબ્દોની દીવાલ  ભેદીને આરપાર જોઇ શકે.કૃષ્ણ એટલું પામી ગયા કે એની વાતો બીજું કશું નહિ પણ ઉપરઉપર નો વરખ છે. મૂળ એનું પાન તો લીલું છે, પણ શોક અને સંતાપને લીધે કાળું પડી ગયું છે. આ કાળા પાનને ફરી પાછું લીલુંછમ કેમ કરવું એ કૃષ્ણનો પ્રશ્ન હતો. આ પ્રશ્નનો ઉત્તર તો જ મળે  જો એ અર્જુનના આવા ઉપરછલ્લા વિચારનો કાયાકલ્પ કરી શકે. અર્જુન ભલે ગમે એટલું કહે, આ બધા મારા વિચારો છે ,આ બધા મારા સિધ્ધાંતો છે પણ અંતે તો એ ઊછળીને શમી જતા અને શમીને ફરી ઊછળતા નર્યા અભિપ્રાયો જ હતા.એ પોતાના અહમ્ ને અનુકૂળ આવે એવા અભિપ્રાયોને જાણેકે  પોતાની સ્વયંસિધ્ધ પ્રકૃતિ છે અને આ અભિપ્રાયો પોતાના સિધ્ધાંતોની નીપજ છે એ રીતે પ્રગટાવતો હતો. પોતાના ભીતરના આકાશમાં સૂર્ય છે એને એણે વિષાદનાં વાદળોથી ઢાંકી દીધો અને મીણબત્તીના અજવાળા જેટલી બુધ્ધિથી દલીલો કર્યે રાખી. ગીતાનો પહેલો અધ્યાય યુધ્ધભૂમિનું વર્ણન કરે છે., યુધ્ધભૂમિનું વાતાવરણ સર્જી આપે છે. યુધ્ધભૂમિ એ કેવળ સ્થૂળ નથી પણ અત્યંત સૂક્ષ્મ છે, કારણકે, અહીં યુધ્ધભૂમિને નિમિત્તે મનુષ્યના હૃદયમાં વૃંદાવનને સ્થાને જે કુરૂક્ષેત્ર સર્જાય છે એની વાત થઇ છે.

કૃષ્ણ એ આપણા માટે પરમાત્મા છે, પણ અર્જુનને માટે એ મિત્ર છે. મિત્ર એટલે પરમ આત્મા. કૃષ્ણ મૈત્રીનું મૂલ્ય જાણે છે., મૈત્રીમાં બંધાઇને પણ એ મુક્ત રહી શકે છે. વૃંદાવન હોય કે કુરૂક્ષેત્ર હોય એ સાક્ષીભાવે જોઇ શકે છે. એ માત્ર જુએ છે એટલુંજ નહિ પણ પોતાના મિત્રના અને સમગ્ર માનવજાતના હિતમાં જે કાંઇ પોતે જોયું છે, જાણ્યું છે એનું દર્શન શબ્દથી અને દિવ્યચક્ષુથી કરાવી શકે છે. કૃષ્ણ માં અનેક દ્વંદો એકસાથે વસે છે. એનામાં રસ પણ છે અને વિરસ પણ છે.એ રસનું રસાયણ કરી શકે છે. સમતુલાદ્વંદોની વચ્ચે સમતુલા એટલે કૃષ્ણનું વ્યક્તિત્વ; એ માખણ ચોરી શકે છે અને ગોવર્ધન તોળી શકે છે, એ ગોપીઓનું વસ્ત્રાહરણ કરી શકે છે તો દ્રૌપદીનાં ચીર પૂરી શકે છે. એની પાસે પ્રત્યક્ષ વાંસળી છે, તો નિરાકાર સૂર છે, એની પાસે મોરપિચ્છ છે તો સુદર્શન પણ છે.અને એટલા માટે જ એ રાસેશ્વર પણ છે અને યોગેશ્વર પણ છે એ એકમાં છે તેમ અનેકમાં છે. અનેકમાં હોવા છતાંય એ એકમાં  છે. એ વ્યક્તિ પણ છે અને વિભૂતિ પણ છે. એ પ્રિયતમ પણ છે અને પરમેશ્વર પણ છે. એ સુલભ પણ છે અને દુર્લભ પણ છી નિખાલસ પણ છે અને મુત્સદ્દી પણ છે. એ જેટલા સ્ત્રીઓના છે એટલા જ પુરૂષોના છે. એ કોમળ પણ છે અને વજ્ર પણ છે. એનું ગમે એટલું વર્ણન કરીએ તો પણ આપણે છેવટે તો નેતિ નેતિ કહીને જ એને પામી શકીએ. કરસનદાસ માણેકના શબ્દોમાં કૃષ્ણનું ચિત્ર અને ચરિત્ર જોવા જેવું  છે:

કામવૃત્તિ વગરનો પ્રણયી, યુયુત્સા વગરનો વીર, કુટિલતા વગરનો મુત્સદ્દી, વેદિયાવેડા વગરનો આદર્શવાદી, ઘમંડ વગરનો બંડખોર, કોઇ પણ જાતના સીધા કે આડકતરા સ્વાર્થ વગરનો સૌમ્ય લોકસેવક અને જગતના શત્રુઓનો નાશ કરવાનો અવસર આવ્યે મત્સર,ઇર્ષ્યા કે દ્વેષ વગરનો દંડવિધાયક કેવો હોય તેનો કાંઇક ચિતાર આપણને શ્રીકૃષ્ણના જીવન ઉપરથી મળી રહે છે.

જગતની મૈત્રીઓમાં કૃષ્ણઅને અર્જુનની મૈત્રી વિરલ છે. આ બન્નેની મૈત્રી સ્વયંસિધ્ધ છે,. કૃષ્ણ જેટલા અર્જુનના એટલા જ દ્રૌપદીના. એમ પણ કહી શકીએ કે કૃષ્ણ,અર્જુન અને દ્રૌપદીનું એક પ્રયાગ છે. આ પ્રયાગ મૈત્રીનું પ્રયાગ છે કૃષ્ણ અર્જુનના મિત્ર છે અને અર્જુનનું છત્ર પણ છે. પાંડવો પરસવિશેષ અર્જુન પરકૃષ્ણના અનંત  ઉપકારો છે, પણ આ ઉપકારનો ભાર કે ભાવ આવી ઉત્તમ મૈત્રીમાં ક્યાંય પ્રગટતો નથી. એ જ આ મૈત્રીની વિરલતા છે. કૃષ્ણ મિત્ર છે, જ્ઞાની છે, માર્ગદર્શક છે. અર્જુન કોઇ પણ રીતે ઓશિયાળાપણું ન અનુભવે તેની તકેદારી કૃષ્ણે મિત્ર તરીકે સતત રાખી છે. બન્નેનો એકમેક સાથેનો તાર મળેલો છે, એટલે જ એમની મૈત્રીની સ્વરાવલિ પૂર્ણ સંવાદીપણે પ્રગટે છે.

અધ્યાય પહેલો સમાપ્ત

 

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in bhagwad geeta

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 665,255 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 278 other followers
તારીખીયું
ડિસેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: