જોયેલું ને જાણેલું

Akhand  Anand dec’2010

માનવતા //માલિની પાઠક 

અખંડ આનંદ ડિસેમ્બર,2010 //જોયેલું ને જાણેલું વિભાગ  /પાનું:96

  

દસ વર્ષ પહેલાં મારી સાહેલીના પુત્રનું અવસાન થયું.ધોધમાર વરસાદ વચ્ચે મધરાત્રે હૉસ્પિટલવાળાઓએ શબ સુપરત કર્યું. મારી સહેલી સાવ એકલી. તામિલનાડુનું અજાણ્યું શહેર, કાળી ડિબાંગ રાત, દસ કિલોમીટર દૂર વિદ્યુત સ્મશાન. ઘરે જવા આવતાં જતાં વાહનોને રોકવા મારી સહેલીએ પર્યત્નો કર્યા પરંતુ ગરીબ વંચિતનું કોણ સાંભળે? એક ઘોડાગાડીવાળો પોતાની બીમાર પત્નીની સારવાર કરવા દવાખાનામાં આવેલો તેને અને તેની પત્નીએ શબને પ્રેમથી ઊંચકી ઘોડાગાડીમાં ગોઠવ્યું. મારી સહેલીને તો હોશ જ ન હતા. ઘોડાગાડીવાળાએ તેના સંબંધી ડૉકટરને અરજ કરી શબ રઝળતું ન મુકાય. તમે પહેલાં આ અજાણી બહેનની સારવાર કરી તેની જિંદગી બચાવી લો. પુત્રશોકના આઘાતને કારણે આને હાર્ટઍટેક આવવાથી મૃત્યુ થશે. ‘ ડૉકટરે ’ ઇલાજ કરી મારી સહેલીને મોતના મુખમાંથી બચાવી લીધી.

મારી સહેલીની શારીરિક માનસિક સ્થિતિ સ્મશાન સુધી પહોંચવા જેવી નહોતી. ઘોડાગાડીવાળાએ તેની સાડી શબને ઓઢાડી. પહેરેલી વેણીનાં ફૂલ શબને અર્પણ કર્યાં. ઘોડાગાડીમાં શબને લઇ જઇ ઘોડાગાડીવાળાએ તથા તેની પત્નીએ સદ્ ગતના અત્માની શાંતિ માટે મૌન પ્રાર્થના કરી. અસ્થિકુંભ મારી સહેલીને આપી ભીની આંખે આ દમ્પતી એ હાથ જોડ્યા.  

‘ ખમ્મા મારા વીરાને ’ ગળગળી થઇ મારી સહેલીએ દુવા આપી. ત્રણચાર દિવસમાં મારી સહેલી સ્વસ્થ થઇ ત્યાં સુધી નિષ્કામ  ભાવે સેવા કરી નિમિત્તમાત્ર બની આ દમ્પતીએ સામાજિક ધર્મ બજાવ્યો.

27/2 નીલકંઠ, ભગીરથ સોસાયટી, છાણી, જકાતનાકા, વડોદરા—2

જવાની ખરચી છે//હિતેન્દ્ર બી. ખત્રી

અખંડ આનંદ ડિસેમ્બર,2010 //જોયેલું ને જાણેલું  વિભાગ /પાના:89 થી91

નામ કૃષ્ણકાંતભાઇ. ઉમર હશે આશરે પાંસઠથી સિત્તેરની વચ્ચે. માથે સાફ સફેદ વાળ, મોઢામાં ચોકઠું. લાંબો ઝભ્ભો ને લેંઘો એમનો કાયમનો પહેરવેશ. જન્મે બ્રાહ્મણ ને અમદાવાદની મધ્યે શાહપુરમાં રહેવાનું. આથી વિશેષહું તેમના વિશે જાનતો નહિ. લગભગ 1990ની સાલમાં હું મારા નાનાને ત્યાં ઉચ્ચાભ્યાસ અર્થે રહેવા ગયેલો. નાના પણ પાંસઠ-સિત્તેર વરસના એકલા જ રહે. જાતે રાંધે, કપડાં ધૂએ; વાસણ ઘસે ને કચરોય કાઢે. હું તેમની સ્વાશ્રય શાળામાં જોડાયો હતો.

રોજ—સાંજે છ સાત વાગે તેમને મળવા પાંચ-સાત વૃદ્ધો આવે. કલાક બેસે. અગમ-નિગમની વાતો કરે. ભૂતકાળને વાગોળે, વર્તમાનનો વલોપાત કરે ને છૂટા પડી જાય. ત્યાં આ કૃષ્ણકાંતભાઇ આવે. એમને હું દાદા કહેતો. વડીલોની વાતોમાં પણ ઘણી વાર  હું સામેલ થતો ને તેમના ભવ્ય ભૂતકાળ ને સાંભળતો ને આજના સમય સાથે મૂલવતો હતો.

એક દિવસ હું મારા એક મિત્ર સાથે મારા નાના સાથે વડીલોની વચ્ચે બેઠો હતો. વાતવાતમાં આઝાદીની વાત નીકળી. આઝાદીની વાત ગાંધીજીની વાત વગર પૂરી કેવી રીતે થાય ? મારા મિત્રે વાતવાતમાં ગાંધીજી વિશે ઘસાતું કહ્યું ને વાતાવરણ જાણે ખળભળી ઊઠ્યું. કૃષ્ણકાંત દાદાની આંખોમાં રોષ દેખાયો. તેમનો અવાજ તીવ્ર બન્યો અને આંખો પહોળી કરી તેમણે કહ્યું ભાઇ, ગાંધીજી વિશે તમને ક્યાંથી ખબાર હોય ? ગાંધીજીને તમે કાગળમાં જોયા છે, ચોપડીઓમાં વાંચ્યા છે. ગાંધીજી ચમત્કારી પુરુષ હતા. તમારું કહ્યું ઘરમાં કોઇ માને છે ? ને આખો દેશ ગાંધીજીના બોલ પર જીવ આપવા તત્પર રહેતો.અમેય જીવ હથેળીમાં લઇ ગાંધીજીને ધરવા ગયેલા.આટલું કહેતાં તેમનો અવાજ ધ્રુજવા લાગ્યો. આંખો જાણે જૂના સમયને ખોતરવા લાગી.

ભાઇ, ગાંધીજી જ્યારે અહીં અમદાવાદ આશ્રમમાં આવ્યા ત્યારે અમે કૉલેજમાં હતા. ગાંધીજીને સાંભળવા ઘરના વડીલોએ પોલીસના ડંડા પણ ખાધેલા. એક ઇશારા પર અમે અમારું લોહી રેડી દેવાય તૈયાર હતા. અને એમણે સ્મૃતિનાં પડ ખોલતા કહ્યું :વીસ વરસે મારું લગ્ન લેવાયું હતું. ગાંધીજી અહીં અમદાવાદ આશ્રમમાં હતા.એક બાજુ લગ્નનાં ઢોલ વાગે ને બીજી બાજુ ગાંધીજી દેશની આઝાદી માટે સભાઓ ગજવતા હતા. તેમની પાછળ યુવાનો દોડતા હતા. મારું ચિત્ત પણ ગાંધીજીના વિચારોથી ભરેલું અને તેમની ચળવળ માટે સમર્પિત હતું. ઘરમાં કોઇનેય હું સ્વતંત્રતાની લડાઇમાં જોડાઉં તે પસંદ નહોતું. પિતાજીને ખબર પડે તો ધૂળ કાઢી નાંખે. છાનાંમાના અમે આશ્રમમાં જતાં ને કોઇ વાર સાબરમતીના પટમાં બેઠકો ભરી આગળનાં આયોજનો કરતાં. લગ્ન લેવાયું હતું પણ  મન સ્વતંત્રતાની ચળવળને વરેલું હતું. પિતાજી આગળ લગ્નનો ઇન્કાર કરવાની હિંમત એ સમયે નહોતી. લગ્ન તો પત્યું. વરઘોડિયાં પોંખાઇ ગયાં. ઢોલ ઢબૂકીને ઠરી ગયાં. રાત પડી, અમારી સુહાગરાત ઘરના મેડા પરના રૂમમાં હતી. લગ્નની પ્રથમ રાત્રી હતી પણ હરખ નહોતો. ગાંધીજીના બોલ પર મારા મિત્રો ઘરબાર છોડીને અહીં અમદાવાદ આશ્રમમાં આવી ગયેલા નેહું જાણે કંઇ જ કરી શકતો નહોતો. અમારા નેતાએ ગાંધીજીને તેમની ચળવળમાં મદદ કરવા નાણાં ભેગાં કરવા આકાશપાતાળ એક કરવાનો નિર્ણય લીધો હતો. અમારી પાસે હતાં એટલા નાણાં તો અમે ક્યારનાંય આપી દીધા હતાં પણ આટલાથી કંઇ વળે તેમ નહોતું.

રાત્રે આઠેક વાગે હું મેડા પર ગયો. મેડા પર એક પલંગ પાથરેલો હતો. રૂમની એક બારી મકાનની પાછળથી પસાર થતી સાબરમતી નદીના પટમાં ખૂલતી હતી. બારીમાંથી બહાર જોયું તો દૂર સુધી અંધારું પથરાયેલું હતું આ અંધારામાંય અમારા નેતાઓ અને મિત્રો બેઠકો કરતા હશે ને હું અહીં સુહાગરાત  મનાવવા મેડે ચડ્યો છું. મારી પત્ની આવી. શાંત રહેવાનો પ્રયત્ન કરી તેની સાથે બેઠો. મારી અસ્વસ્થતા એનાથી અજાણી ન રહી શકી. મેં થોડી ઔપચારિક વાતો કરી સીધું જ કહી દીધું , મને આ દાગીના ઉતારી આપ. ઓરડામાં સ્તબ્ધતા પથરાઇ ગઇ. મેં એની આંખોમાં ફાનસના અજવાળેય આંસુ તગતગતાં જોયાં. હું બેચેન હતો, કહ્યું, કચવાટથી દાગીના ન આપતી, નહિ તો કામ પાર નહિ પડે.

પ્રથમ રાત્રિએ પ્રેમને બદલે ત્યાગનું સપનું કઇ નવવધૂએ જોયું હોય. આંખમાં આંસુ સાથે કહેલા એના શબ્દો આજેય યાદ છે. તેને કહેલું, તમે જ મારાં આભૂષણ છો, તમારા માટે જ તો બધું જ છોડીને અહીં આવી છું. આ ઘરેણાં તો તમારાં જ છે. જ્યારે હું જ તમારી થવા આવી છું તો ઘરેણાં ક્યાંથી મારાં હોય ?

મારામાં હિંમત આવી. પત્નીનો હાથ હાથમાં લઇ કહ્યું, ધીરજ રાખજે. પહેલાં પુત્ર તરીકે ધરમ નિભાવવો છે પછી પતિ તરીકેનો. વિશ્વાસ રાખજે સવાર પડતાં પહેલાં આવી જઇશ. બા—બાપુજીને ખબર ન પડવા દેતી. આટલું કહી મેં સીધું બારી તરફ જોયું. આંગણાંમાં મહેમાનો તથા બાપુજી સૂતા હતા તેથી ત્યાંથી નીકળવું મુશ્કેલ હતું. કબાટમાંથી બે સાલ્લા કાઢી ગાંઠ મારી બારીમાંથી સીધો સાબરમતીમાં ઊતરી ગયો. પત્ની અવાચક બની બધું જોતી રહી. મેડીએ દીવો બળતો રહ્યો ને બંદા ઊપડ્યા સાબરમતીના પટમાં ભરાયેલી બેઠકમાં. અખાત્રીજની રાત્રિના અંધકારમાં દાગીના ને જીવન ગાંધીજીના કાર્યમાં ધરી દીધું.

કૃષ્ણકાંત દાદાએ ઊંડો શ્વાસ લીધો ને વર્તમાનમાં પાછા ઉપસ્થિત થયા. ભાઇ, તમે ગાંધીજીને રૂપિયાની નોટોમાં જોયા છે. અમે ગાંધીજીના બોલ પાર ધનદોલત છોડ્યાં છે. તમને શું ખબર ગાંધીજી શું હતા ?તમે જે સ્વતંત્રતા માં શ્વાસ લો છો એ ગાંધીજી અને અમારા જેવા કેટલાક નાનામોટા લોકોનાં બલિદાનોનું પરિણામ છે. અમે તો જવાની ખરચી નાંખી છે. આટલું બોલતા  બોલતાં આંખે તગતગી રહેલાં આંસુ ટપકી પડ્યાં. વાતાવરણ ગંભીર બની ગયું. ગાંધીજી વિશે ઘસાતું બોલનાર મારા મિત્રના મુખ પરથી તેજ ઊડી ગયું. હું ઊભો થઇ પાણિયારામાંથી પાણી ભરી લાવ્યો. સભા વિખરાઇ ગઇ. એ દિવસથી મારા માટે કૃષ્ણકાંતદાદા કોઇ સામાન્ય વ્યક્તિ મટી કોઇ મહા નેતા બની ગયા.

મુ. નાજ, પો. ગિરમથા, તા.દસક્રોઇ, જિ.અમદાવાદ –382426

 ફોન: (મો.) 9712856378

  

વિશે

I am young man of 77+ years

Tagged with: ,
Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 427,534 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
ડિસેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: