મર્યાદા–પુરુષોત્તમ રામ
શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક / નવભારત/પ્રથમ આવૃત્તિ:1984/પાના :189 થી 195
લાખો વર્ષોના માનવજાતિના પ્રયત્નો પછી, લાખો વર્ષો પછી માનવજાતિએ સમતુલન રાખવાનો પ્રયત્ન કર્યો. એક વર્ગને સંભાળો તો બીજો વર્ગ ચઢી જાય.ક્ષત્રિયોને સંભાળો, તો બ્રાહ્મણો ચઢી જાય, બ્રાહ્મણોને સંભાળો તો ક્ષત્રિયો ચઢી જાય. બંને ભેગા મળીને વૈશ્યોને રંજાડે. વૈશ્યો, એ ત્રણે ભેગા મળીને શૂદ્રોને રંજાડે. આમ વર્ષોનાં વર્ષો ચાલ્યું. દરેક વર્ગ પોતાને બીજા વર્ગ કરતાં મહાન ગણવા લાગ્યો. અને જ્યારે એક વર્ગ વધારે જાલિમ થયો ત્યારે અવતારો થયા.
બલિને જુઓ. દુનિયા આખીનું રાજ્ય બલિએ લઇ લીધું અને પ્રજા એની આશ્રિત થઇ ગઇ, ત્યારે બલિને ચાંપવા માટે, બલિનું દમન કરવા માટે, ભગવાને ‘વામન’ અવતાર લીધો. ભાષા પુરાણી છે. ખરી રીતે એક સરમુખત્યારશાહી સ્થપાઇ હતી; બીજી વ્યક્તિઓનું વ્યક્તિત્વ લોપાઇ ગયું હતું. અહમ્ બ્રહ્માસ્મિ બોલનારા બીજા બધા માણસો જંતુ હોય એમ વર્તતા હતા, કારણકે બલિની એ બધાઉપર બહુ ધાક હતી. એવા એ બલિને દૂર કરીને બધા માણસોમાં રહેલું ઇશ્વરત્વ–ઇશ્વરતત્ત્વ પ્રગટાવવાની સગવડ મળે, એટલા માટે ‘વામન’ આવ્યા. પરશુરામ પણ એટલા માટે જ આવ્યા હતા. ક્ષત્રિયોનો એક વર્ગ્ બહુ જ ફાટી ગયો હતો.ફાટીને ધૂમાડે ગયો હતો.
પરશુરામ પછી રામ આવ્યા. એ પણ એટલા માટે. રાક્ષસોનો એક વર્ગ એટલો બધો પ્રબળ થઇ ગયો હતો કે એનો રંજાડ ગોદાવરીથી માંડી કરી મહાસાગર સુધી હતો. શૂર્પણખા, એક તરફ ખર–દુષણ, બીજી તરફ એના ભાઇઓ તો આ તરફ રાવણ. સીતા તો માત્ર નિમિત્ત હતી. માનવીય સંસ્કૃતિને આ રાક્ષસો રૂંધી રહ્યા હતા. એટલા માટે ભગવાન રામનો ઉદય થયો, અને એણે માનવીય સંસ્કૃતિને મુક્ત કરી.
—————————————————————————————-
આવ રાજા રામચંદ્રજીનું જીવનવૃત્તાંત આદ્ય કવિ વાલ્મીકિએ રામાયણમાં આલેખ્યું છે. એમાંનો એક
પ્રસંગ છે:
સીતા અને રામ વનવાસ પૂરો કરીને આવ્યાં છે અને તેઓને હવે પહેલી વખતે ગૃહસ્થાશ્રમનું સુખ મળે છે. દરમિયાન રાજા જનકને ત્યાં યજ્ઞ છે અને એ પ્રસંગે સીતાની ત્રણેય સાસુઓ વેવાઇને ત્યાં ગઇ છે. ત્યાંથી તેઓ એક પત્ર લખે છે રામને. ‘ચિ.રામ, તને એક વધામણી આપવાની છે. સીતા મા બનવાની છે, માટે તેની સઘળી ઇચ્છા પૂરી કરજે.’
રામ તો રાજી થઇ ગયા.સીતાને કાગળ વંચાવ્યો.’જો મારી મા કેવી છે? ત્યાં બેઠાં બેઠાં પણ તારી કેવી ચિંતા કરે છે. બોલ, તને શેનું મન છે?’
સીતાને શેનું મન હોય? રામ જેવો પતિ મળ્યો હોય, તેને શેનું મન હોય? છતાં સીતાને એક મન છે.
સીતા કહે છે,’મારે વનમાં જવું છે.’ ભાવિ બોલે છે.
‘અરે !વનમાંથી તો હમણાં જ આવ્યાં છીએ. વનમાં શા માટે જાવું છે તારે ?’
સીતાઅ કહે છે:’હું જ્યારે વનમાં હતી ત્યારે ઋષિ–મુનિઓએ તેમ જ તેમની પત્નીઓએ મારી ખૂબ જ સેવા કરી હતી તેમાં અત્રિ મુનિ અને તેમની પત્ની અનસૂયાએ તો હદ જ કરી છે. મને વલ્કલ પહેરતાં પણ નહોતું આવડતું, ત્યારે અનસૂયાએ વલ્કલ કેવી રીતે પહેરવું, પુષ્પમાંથી વેણી, હાર કેવી રીતે ગૂંથવા વગેરે કેટલા પ્રેમથી મને શીખવ્યું હતું ! હવે હું એ બધાંને કંઇ ને કંઇ ભેટ આપવા ઇચ્છું છું. હું તેઓને કહીશ કે આજે હું તમારે પ્રતાપે રાજરાણી છું. આપને માટે આ ભેટ લઇને આવી છું.’
રામ તો બહુ જ ખુશ થઇ ગયા. એમણે તો તરત જ સારથિને બોલાવ્યો અને હુકમ કર્યો કે આવતી કાલે રથ તૈયાર રાખજો. સીતાજીને બે–ચાર દિવસ આનંદ—પર્યટન માટે બહાર લઇ જવાના છે.
સીતાજી તો આ સાંભળીને બહુ જ રાજી થઇ ગયાં અને ચાલ્યાં ગયાં પોતાના મહેલમાં, આવતી કાલની તૈયારી કરવા માટે કોઇને માટે વલ્કલ, કોઇને માટે કપડાં, કોઇને માટે ઘરેણાં. એ તો તૈયારીમાં ખોવાઇ ગયાં.
એટલામાં રામ પાસે એક બીજો માનવી આવ્યો.
‘મહારાજ!’ કાળમુખ બોલ્યો.
કોણ છે એ કાળમુખ ? રાજાનો જાસૂસ. રાજા વિશે લોકો શું બોલે છે એ જાણવા માટે રામે એને રાખ્યો છે.
‘શું સમાચાર છે? કાળમુખ !’
‘મહારાજ, બધે આનંદ પ્રવર્તે છે. અયોધ્યાની પ્રજા તો એટલી બધી પ્રસન્ન થઇ ગઇ છે કે બધા જ બોલે છે કે રામ જેવું રાજ્ય અમને કોઇ દિવસ મળ્યું નથી. અમે કેટલા સદ્ ભાગી છીએ.’
‘એવી વાત ન કર. મારું કોઇ વિરુદ્ધ બોલે છે કે નહિ ! એ કહે !’
‘મહારાજ, આપે મને નોકરીમાં રાખ્યો છે સાચું બોલવા માટે તો મારે સાચું બોલવું જ જોઇએ.’ કાળમુખ બોલ્યો,’મરાજ, લોકો નિંદા કરે છે આપની.’
‘શું નિંદા કરે છે?’
‘લોકો કહે છે કે કંઇ ભાન છે રામને? પોતાની પત્નીને એવો પ્રેમ કરે છે કે એ પ્રેમમાં નીતિ પણ ભૂલી ગયા? ક્યાં અયોધ્યા અને ક્યાં અશોકવાટિકા. એમાં એકલી મહિનાઓ સુધી રાક્ષસો વચ્ચે રહી આવી તે શું શુદ્ધ રહી આવી હશે? અને છતાં એને ઘરમાં બેસાડી. અમે જો આવું કર્યું હોત તો સમાજે અમને પીંખી નાખ્યા હોત. પણ આ તો રાજા છે; એને કોણ કહે ?’
રામ તો જાણે છે કે મારી પત્ની તો શુદ્ધ છે, પણ એને મનમાં તીર લાગી ગયું. એને લાગ્યું કે હું તો રાજા છું. પોતે રાજા તરીકે વિશેષ અધિકાર ભોગવે છે એ રામને ન ગમ્યું. એને થયું કે જો બીજાને એમ લાગતું હોય તો મારે સીતાનો ત્યાગ કરવો જોઇએ.
આ રામ છે. મને સીતા પર અનહદ પ્રેમ છે.એના વિરહથી મને પારાવાર દુ:ખ થશે, મારું હૃદય ફાટી જશે. પણ ભલે ફાટી જતું. હું રાજા છું પણ મારે સામાન્ય પ્રજાની જેમ વર્તવું જોઇએ. રામે તરત જ લક્ષ્મણને બોલાવ્યો, લક્ષ્મણતો ભાઇના મુખ પરની ગંભીરતા જોઇને જ ડરી ગયો. લક્ષ્મણ રામનો ભાઇ છે, પણ આત્યારે એ એમને ભાઇ નથી કહી શકતો. એ મહારાજ કહીને સંબોધે છે.
‘મહારાજ !શું હુકમ છે? કેમ યાદ કર્યો મને ?’
રામે કહ્યું:’આવતી કાલે સવારે તારી ભાભીને લઇને તારે વનમાં જવાનું છે અને એને વનમાં મૂકી આવવાની છે; પાછી લાવવાની નથી.’
રામને હતું લક્ષ્મણ કંઇ બોલશે તો ખરો કે ભાભીનો કાંઇ વાંક? પણ મારે જવાબ દેવાનો નથી. મેં નિશ્ચય કરી નાંખ્યો છે.
લક્ષ્મણ તો રોવા જેવો થઇ ગયો. જેને હું જગદંબા તરીકે માનતો હતો અને જેના ચરણે પડતો હતો, એનો કેવી રીતે ત્યાગ કરવો?
રામને થયું કે લક્ષ્મણ ગભરાય છે એટલે રામે કહ્યું,’લક્ષ્મણ !તારે એને કંઇ કહેવું નહિ પડે ! એ સવારમાં જ તૈયાર જ હશે. તારે તો એની સાથે વનમાં જવાનું છે અને વનમાં લઇ જઇને પછી કહેવાનું છે કે રામે તારો ત્યાગ કર્યો છે હંમેશને માટે.’
આવો દગો? સીતા તો બે દિવસ માટે ઋષિ પત્નીઓને મળવા માટે જવાની છે. ત્યાં આ કાળમુખો આવી ગયો અને રામચંદ્રજીને થયું કે હું વિશેષ અધિકાર ભોગવું છું એમ મારી પ્રજાને થવું ન જોઇએ. પણ, આ માટે આવો ઘોર અન્યાય?
લક્ષ્મણ તો બોલી શકતો નથી. એ ચાલ્યો જાય છે.
સવારના પહોરમાં સીતા આરસના મહેલનાં આરસી જેવાં પગથિયાં આનંદપૂર્વક ઊતરી રહી છે. સાથે નોકરો—ચાકરો ભેટ, સોગાદો લઇને ચાલ્યા આવે છે, ત્યાં લક્ષ્મણ આવે છે.
લક્ષ્મણ જાણે છે, ‘પ્રારબ્ધનાં કોણે વાંચ્યાં છે ગૂઢ પાનાં !’ લક્ષ્મણ કાંઇ બોલી શક્તો નથી. સીતાજી તો મશ્કરી કરે છે:’અરે ! તમે આટલા બધા ગંભીર કેમ છો? શું છે? બોલતા કેમ નથી? હં હું સમજી ગઇ, તમારાથી ભાઇનો વિયોગ સહન નથી થતો, બે દિવસ માતે !ત્યારે અમે કેવાં?’
સીતા તો મશ્કરી કરતાં કરતાં, રથમાં હસતાં હસતાં બેસી જાય છે.
આ એ જ રથ છે, જેમાં વર્ષો પહેલાં તેઓ ગયાં હતાં જંગલમાં ! એ જ સારથિ સુમંત્ર છે, અશ્વો પણ એ જ છે. બેઠા બધાં રથમાં અને રથ ચાલ્યો. અયોધ્યાની શેરીઓ વટાવી, સરયૂ વટાવી, તમસા વટાવી અને આવ્યાં ગંગાને કાંઠે, વાલ્મીકિના આશ્રમ પાસે રથ ઊભો રહ્યો અને સીતાજી ઊતર્યાં.
લક્ષ્મણ તો ત્યાં જ ઊભો રહી ગયો છે. સીતાજી કહે છે, ‘અરે !તમે હસતા કેમ નથી?છે શું?’
લક્ષ્મણ તો રોવા લાગે છે. પણ અકહેવાય કેવી રીતે? કેમ બોલાય ? એ બોલવા પ્રયત્ન કરે છે, પણ એ બોલી શકતો નથી. હોઠ ફફડે છે, સીતાજી એ જોઇ હસતાં જાય છે.
‘અરે !હમણાં નીકળી જશે, બે દિવસ!’
અંતે લક્ષ્મણે કહેવું પડે છે:’માતાજી !તમને મારે એક ખરાબ સમાચાર આપવાના છે. રામે તમારો હંમેશને માટે ત્યાગ કર્યો છે !’
આવું જ્યાં સાંભળ્યું ત્યાં તો સીતાજીના હૃદયમાંથી ચીસ નીકળી પડી. એવી ચીસ નીકળી કે આખા આશ્રમમાં સંભળાઇ. એક ચીસ પાડી અને પછી એ શાંત થઇ ગયાં.
રામનું પડખું સેવ્યું છે.’ જેવી ઇશ્વરની મરજી. એમાં પણ મારું કલ્યાણ હશે.’ સીતાએ ચીસ તો પાડી પણ ગુસ્સો ન કર્યો. એણે થોડીવારે કહ્યું:
‘તમારા રામને કહેજે, મને મૂકી દીધી. અશોકવાટિકામાં હું એક એક ક્ષણ રામનો જ વિચાર કરતી હતી. રાવણ અને એની રાક્ષસીઓ જ્યારે મને ત્રાસ આપતા હતાં, એ વખતે પણ મારા મનમાં રામ જ હતા. એ રામ આવાનમાલા નીકળ્યા. આવા નિર્દય બનીને મારો ત્યાગ કર્યો. હે લક્ષ્મણ! રામને કહેજે કે તમે ભલે સીતાનો ત્યાગ કર્યો પણ સીતાતો એમ જ માગે છે કે જનમોજનમ તમે જ મારા પતિ બનો. એક એક જન્મમાં હું તમારી જ પત્ની બનવા માગુ છું અને એટલું ઇચ્છું છું કે જેવો વિયોગ તમે આ વખતે આપ્યો છે તેવો વિયોગ બીજા ભવમાં ન આપતા.’
આટલું બોલી સીતાજી બેભાન થઇ ગયાં અને અશ્રુ સારતો લક્ષ્મણ, આંસુ સારતી પ્રકૃતિને મૂકીને પાછો ફર્યો.
=================================================================
રામ અવતાર થયા પણ ઉત્તરાવસ્થાએ જોયું કે હજુ કામ પૂરું થયું નથી. કારણ? શૂદ્રો તપ કરે તો ગમે નહિ.
શમ્બૂક તપ કરે છે. લોકો કહેવા આવ્યા. એટલું બધું છે વર્ચસ્વ ક્ષત્રિયો અને બ્રાહ્મણોનું. દરેક વર્ગ સત્તા પોતાના હાથમાં લેવા માગે છે. આજે પણ પરિસ્થિતિ એ જ છે. આ બરાબર નથી, ભગવાને પોતે કહ્યું છે ભગવતમાં, ગીતામાં, ઉપનિષદોમાં અને એના કરતા આગળ જાઓ તો વેદોમાં, આમ છતાં જેના હાથમાં સત્તા આવી એણે કોઇને કોઇ નિમિત્તે એ રાખવનો પ્રયત્ન કર્યો છે.
આ બ્રહ્માનું મુખ, આ બ્રહ્માનો બાહુ, આ બ્રહ્માનો પગ…..
શું આપણને પગ કામ નથી લાગતા? એવી પ્રથા પાડવામાં આવી હતી કે શ્મબૂકથી તપ થાય જ નહિ. શમ્બૂક તપ કરે તો બ્રાહ્મણનો પુત્ર મરી જાય.
રામે જોયું કે કામ પૂરું થયું નથી. રામે જેટલી સિદ્ધિ મેળવી એ મર્યાદિત હતી. એટલે રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા.
–
————————————————————————————————————————————-
પ્રતિસાદ આપો