કૃષ્ણનું દૂતકાર્ય

Dutakaarya

08/11/2010

કૃષ્ણનું દૂતકાર્ય

કૃષ્ણ અને માનવ સંબંધો//હરીન્દ્ર દવે//પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ

પ્રકરણ: 9/પાના નંબર :76 થી 82

 કૃષ્ણનું દૂતકાર્ય એ મહાભારતના શિરમોર રૂપ પ્રસંગોમાં નો એક છે. એમ તો રાજા દ્રુપદના પુરોહિતે પણ સૌ પ્રથમ દૂતકાર્ય કર્યું હતું :

સંજય પણ રાજા ધૃતરાષ્ટ્રની આજ્ઞા લઇ દૂતકાર્ય માટે પાંડવસભામાં ગયો હતો. પણ કૃષ્ણ એ સામાન્ય દૂત નથી; એ પ્રાજ્ઞ છે. એ જાણે છે કે આ દૂતકાર્ય સફળ થવાનું નથી. છતાં એમાં ક્યાંય મણા ન રહે એવું તે ઇચ્છે  છે. એમનું દૂતકાર્ય માત્ર કૌરવસભા પૂરતું જ મર્યાદિત નથી. એ કુંતામાતાને મળ્યા પછી તરત જ દુર્યોધનને મળવા જાય છે. અને ત્યાંથી જ આ દૂતકાર્યનો આરંભ થઇ જાય છે. 

દુર્યોધન ખૂબ જ દબદબાથી કૃષ્ણનું સ્વાગત કરે છે. તેમના માટે સુવર્ણજડિત પર્યંક(પલંગ) , જળ, ભોજન વગેરે સગવડો પણ એણે રાખી છે. પણ કૃષ્ણ એમાં ના કશાનો સ્વીકાર કરતા નથી; ભોજન માટે પણ ના પાડે છે, ત્યારે દુર્યોધન’મૃદુપૂર્વં શઠોદર્ક’ (આરંભમાં મૃદુ પણ પછીથી શઠતાયુક્ત; ઉદ્યોગ પર્વ:89;12)

વાણીથી કહે છે:’તમે કેમ અમારા આતિથ્યનો સ્વીકાર કરતા નથી? તમે તો બંને પક્ષ તરફ સમભાવ રાખો છો; તમે બંને પક્ષોને મદદ કરી છે. તો પછી અમારું ભોજન સ્વીકારવામાં તમને અંતરાય કયો રહે છે?’

કૃષ્ણ તેનો સણસણતો ઉત્તર આપે છે  

સંપ્રીતિભોજ્યાન્યન્નાનિ આપદ્ ભોજ્યાનિ વા પુન: 

ન ચ સંપ્રીયસે રાજન્  ન ચાપ્યાપદ્ ગતા વયમ્. 

(ઉદ્યોગ પર્વ: 89:25) 

કોઇના ઘરનું ભોજન કાં પ્રીતિથી, પ્રેમ હોય એ કારણે થાય; અથવા તો આપત્તિમાં આવી પડ્યા હોઇએ ત્યારે કોઇને ત્યાં જમાય. તમે અમારા ઉપર પ્રેમ ધરાવતા નથી; અને અમે કોઇ આપત્તિમાં આવી પડ્યા નથી.

કૃષ્ણના આ ઉત્તર આગળ જરા અટકવા જેવું છે; એ દુર્યોધનના ભોજનનો અનાદર કરે છે, ત્યારે કારણ આપે છે અને સ્પષ્ટપણે કહે છે: તમે અમારા ઉપર પ્રેમ રાખતા નથી. કૃષ્ણે તો પોતાની વિશાળ નારાયણી સેના 

 દુર્યોધના પક્ષે લડવા આપી છે. એટલે કૃષ્ણના પ્રેમ વિશે દુર્યોધન શંકા ઉઠાવી શકે એમ નથી. પણ કૃષ્ણ માટે દુર્યોધનના અંતરમાં સહજ અને સહેજ પણ પ્રીતિ નથી. જો દુર્યોધન પ્રેમથી નહિ પણ કપટભાવથી કૃષ્ણની આગતા-સ્વાગતા કરે તો કૃષ્ણ શા માટે તેને ત્યાં જમવા જાય ? એ કાંઇ આપત્તિમાં આવી પડ્યા નથી. એ ‘વયમ્’ શબ્દ વાપરે છે.’અમે આપત્તિમાં આવી પડ્યા નથી’ એમ કહે છે. કારણ કે એ દૂત તરીકે હસ્તિનાપુર આવ્યા છે, એટલે એ પોતાના વતી નહિ પણ સમગ્ર પાંડવપક્ષ વતી બોલે છે. આ શબ્દોથી જ એ અણસાર આપી દે છે કે પાંડવો આપત્તિમાં આવ્યા છે એટલે હું વિષ્ટિ કરવા આવ્યો છું એવું નથી ! 

આ તબક્કે જ એ સ્પષ્ટપણે દુર્યોધનને કહે છે કે તું તારા ભાઇઓ—પાંડવો –સામે દ્વેષ રાખે છે. અને જે પાંડવોનો દ્વેષ કરે છે એ મારો પણ દ્વેષ કરે છે. કારણ કે પાંડવો સાથે મારું ‘ઐકાત્મ્ય’ છે. અહીંનું તમારું અન્ન દુર્ભાવનાથી ભર્યું છે એટલે મારે ખાવા યોગ્ય નથી; હું તો વિદુરને ત્યાં જ ભોજન લઇશ.

કૃષ્ણ જ્યારે જાણે છે કે દુર્યોધન દુષ્ટાત્મા છે અને તેનું અન્ન પણ પોતાને ગ્રહણ કરવા યોગ્ય નથી, ત્યારે એ ક્યા કારણથી વિષ્ટિ માટે આવ્યા છે? આવા દુરાત્માનો પોતાની વાણી સાંભળી હૃદયપલટો થશે, એવી તો કોઇ ભ્રમણા કૃષ્ણ સેવતા ન હતા. પણ કૃષ્ણના આ વિષ્ટિ માટેના પ્રયત્નથી વિદુરને આશ્ચર્ય થયું છે. એ પૂછેછે :  

તેષ્વેવમુપપન્નેષુ કામક્રોધાનુવર્તિષુ,

સમર્થમપિ તે વાક્યમ્ અસમર્થ ભવિષ્યતિ.

(ઉદ્યોગ પર્વ.90:20)

જેઓ આવો નિશ્ચય કરી બેઠા છે (કે ઇન્દ્ર પણ અમારી સેનાનો પરાજય કરી શકે એમ નથી) અને જેઓ કામ અને ક્રોધને વશ છે એવા આ કૌરવો પ્રત્યેનું તમારું વાક્ય ગમે તેટલું સમર્થ હશે તો પણ એ અસમર્થ જ નીવડશે. 

કૃષ્ણની વાણી તો સમર્થ જ હોય; વિદુરને એમાં શંકા નથી.પણ સાથે જ એમની એ દૃઢ મતિ છે, એમની એ સ્પષ્ટ આર્ષવાણી છે કે આવું સમર્થ વાક્ય પણ કામક્રોધને અનુસરવાવાળાઓ પાસે તો અસમર્થ જ પુરવાર થવાનું.

કૃષ્ણ આનો ઉત્તર સરસ આપે છે. કૃષ્ણની વિષ્ટિ પાછળ ધર્મ છે. ધર્માને પુણ્યનો વિવેક કેવો હોઇ શકે એ વાત કૃષ્ણ અહીં કહે છે:

પર્યસ્તાં પૃથિવીં સર્વા સાશ્વાં સરથકુંજરામ્ ,

યો મોચયેન્મૃતયુપાશાત્ પ્રાપ્રુયાદ્ધર્મમુત્તમમ્.

 

અશ્વ, રથ તથા હાથીઓ સાથેની આ સારીયે પૃથ્વી વિનષ્ટ થવા બેઠી છે; જે એને મૃત્યુપાશમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરે તેને ઉત્તમ ધર્મ પ્રાપ્ત થાય. 

પોતે  પૃથ્વીને મૃત્યુપાશમાંથી ઉગારવાનો પ્રયત્ન કરવા આવ્યા છે. આમ છતાં આ પ્રયત્નની અસફળતા પણ એ સારી રીતે જાણે છે. એટલે તો તરત  જ કહે છે: મનુષ્ય પોતાની તમામ શક્તિ ખરચી કોઇ ધર્મકાર્ય કરવાનો પ્રયત્ન કરે અને ન કરી શકે તો પણ તેને એ માટેનું પુણ્ય તો મળે છે એ નિ:સંશય છે.(ઉદ્યોગપર્વ. 91;6)

એ જ રીતે જે માણસ મનથી પાપનો વિચાર કરવા છતાં એમાં રુચિ ન હોવાને કારને તેનું કાર્યમાં રૂપાંતર ન કરે એને એ પાપનું ફળ મળતું નથી.

કૃષ્ણ વારંવાર ‘અમાયયા ‘—નિષ્કપટભાવે પોતે સંધિનો પ્રયત્ન કરવાના છે તે કહે છે અને ભારપૂર્વક માને છે કે આવો પ્રયત્ન કરવા છતાં તેમાં નિષ્ફળ જનાર નિંદાને પ્રાપ્ત થતો નથી.

કૃષ્ણ આમ ધર્મ શું છે એ જાને છે અને તેને આચારમાં મૂકે એમ ઇચ્છે છે. પણ જો તેઓ બીજાઓને ધર્મને અનુવર્તવા કહે છતાં બીજાઓ તેનો અનાદર કરે તો એમાં કૃષ્ણની નિંદા કરી શકાય નહિ.

બીજી સવારે રાજ્યસભામાં કૃષ્ણને નિમંત્રિત કરવા માટે દુર્યોધન સુબલપુત્ર શકુનિ વિદુરને ત્યાં આવે છે; આ બંને હજી કૃષ્ણ પીગળશે એવી આશાએ આવે છે, કે રાજ્યના નિયમને વશ વર્તીને આવે છે કે કદાચ ન માને તો જેને બંદી બનાવવાના છે એવા કૃષ્ણને નાણી જોવા માટે આવે છે એ ભગવાન વ્યાસે આપણી કલ્પના પર છોડ્યું છે.  

કૃષણ રાજ્યસભામાં પ્રવેશે છે કે તુરત જ જોઇ શકે છે કે આ સભામાં હાજરી આપવા મહાન ઋષિઓ આવ્યા છે; અને તેઓ હજી ઊભા છે. કૃષ્ણનું મૂલ્યભાન અહીં પ્રગટ થાય છે. એ હળવેથી શાંતનુતનય ભીષ્મને કહે છે : ‘આ ઋષિઓનો સત્કાર કરી તેમને આસન પર નિમંત્રિત કરો; કારણકે એમના બેઠા વિના કોઇ બેસી શકે નહિ. ‘(ઉદ્યોગ. 92;42-43)અને આ ઋષિઓ સુંદર આસન પર બેઠા, એ પછી જ કૃષ્ણે સભાની મધ્યમાં રાખેલું પોતાનું આસન લીધું. 

કૃષ્ણ  જેવા એ યુગના પુરુષશિરોમણિ વિષ્ટિ કરવા આવ્યા હોય ત્યારે સૌ કોઇમાં કુતૂહલ અને શું થશે એની જિજ્ઞાસા હોય એ સ્વાભાવિક છે. એટલે જ કૃષ્ણના આવતાં જ સભા શાંત થઇ ગઇ . અને ત્યારે કૃષ્ણ બોલવું શરૂ કરે છે.

ભગવાન વ્યાસ વિષ્ટિકાર કૃષ્ણને બે વિશેષણોથી વર્ણવે છે: ‘સુદંષ્ટ્રો’—સરસ દંતાવલિથી શોભિત તથા ‘દુન્દુભિસ્વન:’ – દુન્દુભિ જેવા સ્વરવાળા. વિષ્ટિકાર કૃષ્ણને માટે આ જ વિશેષણો ઉચિત હોઇ શકે. એકચિત્તે મૌન બનીને સાંભળી રહેલા રાજવીઓ અને ઋષિમુનિઓની આંખોને દેખાય છે સુંદર દંતાવલિ અને કાનને સંભળાય છે દુદુંભિ જેવો સ્વર. અને પછી એક ઉપમા આવે છે:

જીમૂત ઇવ ધર્માંતે સર્વાં સંશ્રાવયન્ સભામ્,  

ધૃતરાષ્ટ્રમભિપ્રેક્ષ્યસમભાષત માધવ:

(ઉદ્યોગ. 93:2)

ગ્રીષ્મ ઋતુ પૂરી થાય અને વાદળ ગર્જે એમ ગંભીર ગર્જના સાથે સારી સભા સાંભળે એ રીતે ધૃતરાષ્ટ્ર સામે જોઇ તેમણે આ પ્રકારે કહ્યું.

કૃષ્ણ અહીં અસહાયતાથી નથી આવ્યા : તેમણે દુર્યોધનને પ્રથમ મુલાકાતમાં જ કહ્યું હતું કે અમે કંઇ આપત્તિમાં પડ્ય નથી, એટલે એ ગર્જનાભર્યા સ્વરે બોલે છે. એ કહે છે ધૃતરાષ્ટ્રને, પણ સમગ્ર સભાને સાક્ષી રાખીને કહે છે. આખી સભા સાંભળી શકે એટલા મોટા અવાજે – એટલા ગર્જતા અવાજે કહે છે. છતાં ઉચ્ચારે છે પ્રાર્થના-વચન. એ કહે છે કે ક્ષત્રિયવીરોમાં યુદ્ધ ન થાય અને કૌરવો તથા પાંડવોમાં શાંતિ સ્થપાય એ માટે હું આવ્યો છું.

કૃષ્ણ આટલું કહે છે ત્યારે એ જાણે છે કે આ વિષય પાર અહીં સાંભળનારાઓ સમક્ષ ઘણું બધું કહેવાઇ ચૂક્યું છે. એટલે પોતાની વાતનું સારસર્વસ્વ આ શાંતિસ્થાપન છે એ વાત પર જ ભાર મૂકે છે.

એ સૌ પ્રથમ તો કુરુકુળની પ્રશસ્તિ કરે છેઅને આવા ઉત્તમકુળમાં અનુચિત કાર્ય થાય એ ઠીક નહિ એવો તર્ક રજૂ કરે છે અને કહે છે, બહારથી અને ભીતરથી જે કુરુઓ મિથ્યા આચરણ કરે છે તેને હું રોકવાનો પ્રયત્ન કરું છું.

કૃષ્ણની આ વિષ્ટિનો એકેએક શબ્દ જોખી જોખીને બોલાયોછે; આ જ વચનો ધર્મસંયુક્ત અને તર્કસંયુક્ત બંને છે એટલે જ એ આટલું કહ્યા પછી તરત જ મિથ્યા આચરણ કરનાઅર કોણ છે એની નામ પાડીને વાત કરે છે. આ દુર્યોધનાદિ પુત્રો પોતાના જ મુખ્ય બંધુઓ સાથે અશિષ્ટ આચરણ કરે છે. લોભને કારણે તેઓની મર્યાદા તૂટી ચૂકી છે. આ કુરુકુળ પરની આપત્તિ છે.જો એને લક્ષમાં નહિ લેવાય તો ‘પૃથિવીં ઘાતયિષ્યતિ.’ આખી પૃથ્વીનો ઘાત કરી નાખશે. એવી સાવચેતીની વાણી કૃષ્ણ ઉચ્ચારે છે.

સૌ પ્રથમ એ પાંડવો સાથેની સંધિના લાભ વર્ણવે છે. પાંડવોથી જો ધૃતરાષ્ટ્ર અને કૌરવો સુરક્ષિત થાય તો દેવતાઓ સુદ્ધાં ઇન્દ્ર પણ તેમને જીતી ન શકે. પાંદવો જેવા સંરક્ષક પ્રયત્ન કરવા છતાં પૃથ્વી પેટે બીજા કોઇ નહિમળે એવી વાત પન કૃષ્ણ ધૃતરાષ્ટ્રને કહે છે. જો પાંડવો- કૌરવો એક થાય તો પૃથ્વીના બધા જ રાજાઓ ધૃતરાષ્ટ્રને વશ વર્તીને રહે અને તેઓ જગતના સમ્રાટ બની જશે. પરંતુ જો આ ન બને તો–

સંયુગે વૈ મહારાજ દૃશ્યતે સુમહાન્ક્ષય:,

ક્ષયે ચોભયતો રાજન્ કં ધર્મમનુપશ્યસિ.

(ઉદ્યોગ.93;28)

મહારાજ, જો સંયુગ થાય –યુદ્ધ થાય તો મને મહાન ક્ષય જ દેખાય છે; મહાન સંહાર જ દેખાય છે. અને બંને પક્ષનો ક્ષય થાય એમાં તમને ક્યો ધર્મ દેખાય છે?

કૃષ્ણને જેમાં સંહાર દેખાય છે એ જ ઘટના બને એમ ધૃતરાષ્ટ્ર ઇચ્છે છે :ધૃતરાષ્ટ્રને એમાં ક્યો ધર્મ દેખાય છે એ પ્રશ્ન માત્ર ધૃતરાષ્ટ્ર પ્રતિ નથી; આખી ય કૌરવસભા સાંભળે એ રીતે આ પ્રશ્ન પુછાયો છે.

પાંડવો કૌરવોનો સંહાર કરશે જ એવી શ્રદ્ધા કૃષ્ણ વ્યક્ત કરતા નથી.એ તો કહે છે. પાંડવો અને કૌરવો બંને સરખા વીર, સરખા યુદ્ધ-ઉત્સુક અને શસ્ત્રવિદ્યામાં સરખા પારંગત છે. એ બંનેનો ક્ષય થવાથી તમને ક્યું સુખ પ્રાપ્ત થશે?

કૃષ્ણની વાણીમાં સચ્ચાઇપૂર્વકનું આર્જવ છે; એ કહે છે:

ત્રાહિ રાજન્નિઇમં લોકં નશ્યેયુરિમા: પ્રજા:,

ત્વયિ પ્રકૃતિમાપન્ને શેષં સ્યાત્કુરુનંદન.

(ઉદ્યોગ.93;33)

હે કુરુનંદન, તમે આ લોકોની રક્ષા કરો; જેથી આ સમસ્ત પ્રજાઓનો નાશ ન થાય. તમે જો પ્રકૃતિ પર સ્થિર રહેશો તો સૌ લોક બચી જશે.

યુદ્ધ એ વિકૃતિ છે; શાંતિ એ પ્રકૃતિ છે. રાજાનો ધર્મ પ્રકૃતિમાં સ્થિર રહેવાનો છે.

આ કહ્યા પછી પાંડવોનો ધૃતરાષ્ટ્ર જોગ સંદેશો પણ તેઓ કહે છે. આ દ્વારા ધૃતરાષ્ટ્રના હૃદયનાં કમાડ ખોલવાનો પ્રયત્ન કૃષ્ણ કરી જુએ છે. ધૃતરાષ્ટ્રને પુત્રભાવે મોકલાયેલો આ સંદેશો જેટલો ધૃતરાષ્ટ્ર માતે છે, એટલો જ કૌરવસભા માટે પણ છે. એટલે જ કૃષ્ણ કહે છે :

યત્ર ધર્મો ઃયધર્મેણ સત્યં યત્રાનૃતેન ચ,

હન્યતે પ્રેક્ષમાણાનાં હતાસ્તત્ર સભાસદ:.

(ઉદ્યોગ.93;48)

જ્યાં સભાસદોના દેખતાં જ અધર્મ દ્વારા ધર્મનો અને અનૃત(મિથ્યા) દ્વારા સત્યનો વધ થતો હોય, ત્યાં સભાસદો પણ હણાયેલા જ સમજવા.

અધર્મથી હણાયેલો ધર્મ, જો સભાસદો અધર્મનો કાંતો ફેંકી ન દે તો, નદીકિનારા પરનાં વૃક્ષોને નદી નષ્ટ કરે એ રીતે સભાસદોને નષ્ટ કરી દે છે.

ધર્મ એ છે કે પાંદવોને તેમનું રાજ્ય પાછું સોંપવું.

કૃષ્ણ ધર્મ જાને છે; દુર્યોધન ધર્મને માનવાનો નથી તે પણ જાને છે, છતાં ધર્મ પળાવવા માટેનો આ મરણિયો પ્રયત્ન કોના માટે કરે છે?

અહં તુ તવ તેષાં ચ શ્રેય ઇચ્છામિ ભારત,

ધર્માદ્ અર્થાત્ સુખાત્ ચૈવ મા રાજન્ નીનશ: પ્રજા :.

(ઉદ્યોગ.93;59)

હે ભારત, હું તો તમારું તથા પાંડવોનું બંનેનું શ્રેય ઇચ્છું છું. તમે સમસ્ત પ્રજાને ધર્મ, અર્થ અને સુખથી વંચિત ન કરો.

યુદ્ધ થાય ત્યારે બંને પક્ષના રાજવીઓનાં જે હિતો સધાવાનાં હોય કે નષ્ટ થવાનાં હોય એ સધાય કે નષ્ટ થાય; પણ બંને દેશોની પ્રજા તો ધર્મ એટલે કે સમાઅજ્ને ધારન કરનાર બળ, અર્થ એટલે કે અસ્તિત્વનો સમગ્ર ઉદ્દેશ તથા સુખ એ ત્રણેથી વંચિત થાય છે. પ્રજાઓ પરની આ અપત્તિ ટળે એમ કૃષ્ણ ઇચ્છે છે.પાંડવો તો ધૃતરાષ્ટ્રની વડીલ તરીકે સેવા કરવા માટે પણ તૈયાર છે; અને યુદ્ધ કરવા માટે પણ તૈયાર છે એટલે હવે અત્મને ‘પથ્ય’ લાગે એ માર્ગ પર  તમે ઊભા રહો.

કૃષ્ણ બે માર્ગ બતાવે છે; એક છે મૈત્રીનો માર્ગ, બીજો છે યુદ્ધનો.

એમાં ધૃતરાષ્ટ્રને, એના પુત્રોને અને આ આખી કૌરવસભાને ક્યો માર્ગ પથ્ય લાગે એનો નિર્ણય કરવાનો છે. આ ‘પથ્ય’શબ્દમાં કૃષ્ણનો તીખો વ્યંગ્ય પણ છે અને સાથે સાથે પરિસ્થિતિનું આકર્ષક વર્ણન પણ છે.

કૃષ્ન જ્યારે અ શબ્દો કહી રહે ત્યારે કોણ એના ઉત્તર્માં કંઇ પણ કહી શકે? અને ખાસ કરીને સ્વાર્તથી કે કૃષ્ણના દ્વેષથી કે બીજા કોઇ પણ કારણથી કૃષ્ણના દાસ રહેલા રાજવીઓ ક્યાંથી કશું પણ કહી શકે ?

આ મૌન સાથે જ ઉદ્યોગપર્વનો 93મો અધ્યાય –કૃષણના વિષ્ટિસંભાષણનો અધ્યાય સમાપ્ત થાય છે.

ગીતાની પૂર્વભૂમિકા રૂપે પણ આ વિષ્ટિસંભાષણ સમજવા જેવું છે..

કૃષ્ણનો ધર્મનો આદર્શ અહીં સમરૂપપણે પ્રગટ થયો છે. અને યુદ્ધ ટાળવા આગ્રહી છતાં યુદ્ધથી ડરી તેનાથી દૂર જવામાં માનનાર નહિ એવા કૃષ્ણ જ ગીતા ઉચ્ચારી શકે. ગીતાને સમજવા માટે પણ આ વિષ્ટિસંભાષણ પાસે જવા જેવું છે.  

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,188 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: