SAROVAR KAANTHE
સરોવર કાંઠે શબરી બેઠી
સરોવર કાંઠે શબરી બેઠી, રટે રામનું નામ
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ… ટેક.
વડલા નીચે ઝૂંપડી એની, માતાપિતા નહીં બાંધવ બેની,
એકલી એક જ ધ્યાને બેઠી, ગાંડી કહે ગામ…. એક દિન….
ઋષિનાં વચનો હૈયે રાખી, દૂર દૂર ઘણી નજરો નાખી,
ફળફૂલ લાવે ભોગ ધરાવે, કરતી એનું કામ…. એક દિન ….
રાત દિવસ ને વર્ષો ગયાં, શબરીબાઇ તો ઘરડાં થયાં,
ઝગમગે એક આશા જ્યોતિ, સુકાયા હાડ ને ચામ….એક દિન….
આજે વનમાં વેણુ વાગે, વસંત સેના નીકળી લાગે
શીતળ મંદ સુગંધી વાયુ, વાતો ઠામોઠામ….એક દિન….
આજ પધાર્યા શબરીના સ્વામી, ધન્યતા ભીલડી આજે પામી
શ્રદ્ધા વેલી પાંગરી આજે, વૃત્તિ પામી વિરામ…. એક દિન….
સજળ નયને રૂપ નિહાળે, પ્રભુ મળ્યા છે લાંબે ગાળે
ગદ્ ગદ્ કંઠે રોમાંચ થયા, ને શરીર થયું સૂમસામ….. એક દિન… .
શબરીને પ્રભુએ સ્વસ્થ જ કીધી, લક્ષ્મણે ભક્તિ જોઇ લીધી
જળપાત્ર માગી પ્રભુજીબોલ્યા, ભોજનની છે હામ…. એકદિન….
છાબ ભરીને બોરાં લાવી, ચાખી ચાખીને આપતી આવી
ભાવ ધરી આરોગ્યાં પ્રભુજીએ, લીધો ઘડી વિશ્રામ…. એક દિન…
પંપાપુરની ભીલડી આ તો, જગમાં જેની અમર વાતો
રામ સિધાવ્યા રાવણ હણવા, શબરી ગઇ સ્વધામ…. એક દિન….
કવિ પ્રભુલાલ રંગરેજ, જામનગર.
કવિનું નામ જણાવવું એ આપણી ફરજ છે
તમારી વાત બરાબર છે.
ગોપાલ પારેખ