જનેતાના દૂધમાં ભાગ

JANETAANAA

 જનેતાના દૂધમાં ભાગ/કવિ દુલા ભાયા કાગ

 કાગવાણી:1/પાંચમી આવૃત્તિ:1962 પુનર્મુદ્રણ:2005/પાના:12થી 16

 જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે. રજપૂતાણીઓ ચિતા તૈયાર કરી બળી મરવા તૈયાર થાય છે. પરમાર રાણીને પેટ અવતરેલ ગંગાજળિયા રા’ના વંશનો એક જ નાનો દીવો રા’નવઘણ વરસદિવસનો બાળક છે. પરમાર રાણીએ મામા, મોસાળ, ભાયાત વગેરે રાજપૂતોમાં નજર નાખીને પાછી હૈયામાં સમાવી દીધી. પોતાના બાળકને કાળઝાળ સોલંકીની તરવારમાંથી તેઓ બચાવશે, એમ માના આત્માએ સાક્ષી પૂરી નહિ.

એની નજર ઠરી એક ઘરધણીને ઝૂંપડે: ગીરના અડીખંભ પહાડ અને મહાસાગરની વચ્ચે કાયમી લીલી ઓઢણી ઓઢેલ લીલુડી નાઘેર ધરતીના હૈયા પર; દૂધઘીની છોળ્યોથી હસતાં નાનકડાં બાળ સમાં પથરાયેલ ગામડાંમાંહેથી આડીદરબોડીદર નામના ગામમાં દેવાત બોદલ આયરને નેસડે. અહા ! રાજરાણીએ એ આયરનું હૈયું ક્યારે વાંચ્યું હશે ?

રૂના પોલમાં બાળકને સુવાડી છેલ્લી વખતની બે બચીઓ લઇ દાસીને સોંપીને આડીદર ગામે મોકલી. પતિવિહોણી બાળવિજોગણ પરમાર રાણી સતી થાય છે.

 દેવાત પોતાની ઘરવાળી આયરાનીને બાળક સોંપે છે. તે વખતે જાહલ નામની તેની દીકરી માને સ્તને ધાવી રહી છે.

રાજાનું બાળક છે માટે નહિ, પણ મા-વિખૂટું બાળ છે એ માટે પોતાની દીકરીને છેટી ફગાવી, આયરાણી રા’નવઘણને ધવરાવે છે. સોલંકી નવઘણની ગોતણકરે છે. દેવાતને બોલાવી ‘નવઘણ છે?’ એમ પૂછ્તાં દેવાત હા પાડે છે અને પોતાના એકના એક દીકરા વાહણને શણગારી આયરાણી જૂનાગઢ મોકલે છે. સોલંકીની કરપીણ તરવારનો ભોગ થાય છે. આશરાધર્મ પાળવા દેવાત અને આયરાણી હસતે મોઢે તે સહન કરે છે.

 એ વાતને વીશ વીશ વરસ બીતી જાય છે. હવે તો દેવાતને એક જ દીકરી જાહલ રહી છે. એના લગ્ન આરંભે છે.

 દેવાતને હાથ પકડી આયરાણી કહે છે :”આયર ! મારે તો હજુ વાહણનો સોગ છે !માબાપ વિનાનો નવઘણ હજી આપણે આંગણે આંટા મારે છે. મારી દીકરીનો જવ-તલિયો કોણ?”

 જવ-તલિયો તો જુનાણાનો ધણી રા’નવઘણ; અને રા’નવઘણ પોતાના બાપની ગાદીએ બેસે પછી જાહલના લગ્નમાં આવે ત્યારે મારી દીકરીનો વિવા રૂડો લાગે. સોરઠની ધરતીનાં આકરાં ધાવણ ધાવેલા, ઘોઘા અને દ્વારકા વચ્ચેના દસબાર હજાર આયર ભેળા થયા— દેવાત બોદલાને આંગણે.

પોતના ધણી રા’નવઘણને હથિયાર બંધાવી બુઢ્ઢો દેવાત બાર હજાર આયરોને લઇ જૂનાગઢ પર ચડ્યો. દિવસ-રાત ઘોર લડાઇ ચાલી. હજારો આશાભર્યા જુવાન આયરોનાં લોહીની નદીઓ વહી. નવઘણની જીતનાં નગારાં વાગ્યાં. બાવડે પકડી બુઢ્ઢા આયરે નવઘણને ગાદીએ બેસારી પોતાનો ધર્મ પૂરો કર્યો.

 જાહલ ફેરા ફરે છે. નવઘણ જવ-તલ હોમે છે. હાથઘરણાનો સમય થયો. નવઘણ વિચારે છે :બેનને શું આપું?

“બેન, બોલ, ગામ, પરગણું, કે’તો જૂનાગઢની ગાદી, અને કે’ તો માથું –જે માગે તે હું તારા કાપડામાં આપું !”

દેવાતની દીકરી ગામ-ગરાસની ભૂખી ન હતી. એણે એટલું જ કહ્યું:”જરૂર પડશે ત્યારે કાપડું માગીશ.”

 વર્ષો વીતી ગયાં. ભાઇનો તો પહેલો જ બત્રીસો ચડાવી દીધો હતો. આભને ઓઠીંગણ આપે એવો બાપ લાંબે ગામતરે ગયો છે. પોતાના મામાના દીકરા સાથે જાહલનાં લગ્ન થયાં છે. માલધારી માણસ છે. દેવાત બોદલના વંશની નિશાનીમાં જાહલ એક જ છે. ભયંકર દુકાળ સોરઠ ધરામાં પડ્યો. મા બાળકને ભરખે અને ગાયું મંકોડા ભરખે એવો વખત આવ્યો. સૌ માલધારી પોતાનાં ઢોર લઇ સિંધમાં ગયાં. સિંધનો હમીર સુમરો સોરઠિયાણી જાહલનાં ગૂઢાં રૂપ પર મોહિત થયો. જાહલે ત્રણ માસ પછી તે શરત કબૂલ કરી.

 પોતાના ધણી સાંસતિયાને કાગળ લખી આપી જીભના માનેલ ભાઇ નવઘણ પાસે કાપડાની છેલ્લી માગણી કરવા મોકલ્યો. છેવટે એમ લખ્યું કે જેટલા મહિનાની અવધિ કરી છે તે પછી એક જ દિવસ પણ જો મોડો આવીશ તો તો ઝૂંપડીમાં મારી લાશ પડી હશે, માટે કાપડું લાવીશ નહિ, પણ સ્મશાનની સેજની ચૂંદડી લાવજે !

 જનેતાના દૂધમાં ભાગ/કવિ દુલા ભાયા કાગ

 (રાગ—સવૈયાની ચાલ)

 જાડાં આહીરડાંનાંય જૂથ કરી,

 ગુજરેશ્વર સામવી બાથ ભરી….

લીલાં માથલડાં કુરબાન કરી….

 જેને જોરે કરી ગરવા ગઢમાં, તારી જીતની નોબત ઘોર રડી;

કરવી એની વાર, ડિયાસ તણા! એવા બાપ વિનાનીને ભીડ પડી. 1

 નવ સોરઠનાં શિરછત્ર ફરે,

લાખો આજ તને ખમકાર કરે…

 વીરા !વેરણ રાતને યાદ કરે….

તારે કાજ મને તરછોડી હતી, તે દી થાને જનેતાને નો’તી ઠરી;

 જેનાં આડાંથી દૂધડિયાં ઝડપ્યાં, એની લાજમાં આજ જો લૂંટ પડી. 2

 

 નો’તો કોઇ એણે જગ કોડ કર્યો.

નો’તો બેનને માંડવે હોમ કર્યો….

એવો વીરો અમારો જો આશાભર્યો….

કેને, કાજ, વીરા !મારા માજણ્યાને, કૂણે કાંધ સોળંકીની તેગ પડી;

 એની બેનડી એકલડી સિંધમાં, મારી લાજમાં આજ જો લૂંટ પડી. 3

કેનાં માત-પિતા તરછોડી ગયાં?

કેને આભ-જમીનના માંકરાં થયાં?

એને કોણ ગ્રહે ?કેનાં વ્રજ હૈયાં?

જેની તેગ સમાં ગુજરેશ્વરનાં, દળ ઘોર હતાં એનાં મૂલ ગયાં;

એની જાહલના, સિંધભોમ ભણી, કૂડા રૂપનાં આજ જો મૂલ થયાં. 4

તેદી’ ગામ ગરાસ મેં નો’તો લીધો,

તારો ભીડપડ્યાનો મેં કોલ લીધો….

મારા માંડવા હેઠળ બોલ દીધો….

હું દેવાત તણી, વીરા !જાહલને, માથે દુ:ખ તણા દરિયા ફરિયા,

 સુણજે, નવ સોરઠના નૃપતિ! મારી જીભના માનેલ મામેરિયા ! 5

મારા બાપ તણા ગણ-પાડ ગયા,

મારા માજણ્યાનાં ભલે શીશ ગયાં….

મારા એ બદલા તો પાતાળ ગયા….

તારા દેશડિયાની તો લાજ જશે, વીરા ! એટલી વતને કાન ધરે;

 હું તું સોરઠ ભોમ તણાં જનમ્યાં, મારી સોરઠિયાણીની વાર કરે. 6

મારી આડી મલેચ્છોની ફોજ ફરી,

 મને સિંધમાં સુમરે કેદ કરી….

ત્રણ માસની મેં અવધિ જો કરી….

હું નબાપી અરેરે નભાઇ, વીરા! મને જાણી નોધારી ને એકલડી;

 એથી સિંધતણા નૃપતિને ગમી, મારી સોરઠિયાણીની સેજલડી. 7

વિધિ લેખે નો’તું જરી-તાર ભર્યું,

એમાં કોમળ રેશમેયે ન ધર્યું….

વીરા ! કાપડું મારું રૂધિરભર્યું….

અવધિ જો વીત્યા પછી આવીશ તો, ખોટી કાપડકોરની વાતલડી;

 મારી લાશ પરે તું ઓઢાડી દેજે, સમશાનની સેજની ચૂંદડી ! 8

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,193 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: