SMARANAANJALI
સ્મરણાંજલિ
રામાયણનાં પાત્રો/નાનાભાઇ ભટ્ટ
10મું પુનર્મુદ્રણ:જુલાઇ2002/આર.આર.શેઠ/પાનું: 77
‘લક્ષ્ક્ષ્મણ, વીરા લક્ષ્મણ ! તું ગયો ? હા, ગયો !પિતાના વચનને પાળવા ખાતર હું ચૌદ વર્ષ વનમાં રહ્યો પણ મારા વચનને પાળવા ખાતર તેં દેહનો સુધ્ધાંત ત્યાગ કર્યો. દુર્વાસા ! તમે ન આવ્યા હોત તો ?તમારા પેટનો ખાડો ગમે ત્યાં પૂરી શકત. તમે મારી પાસે જ કેમ આવ્યા ! મારું મન ફોગટ વિચાર કરી રહ્યું છે. આપણો સૌનો કાળ પોકારી રહ્યો છે. સીતા કાલ ગઇ, તું આજે ગયો. આવતી કાલે રામનો વારો. આપણે સૌ કાળનાં પૂતળાં છીએ. આ જ સુધી કાળે આપણને નચાવ્યાં તેમ આપણે નાચી લીધું; આજે હવે કાળ પાછળથી દોરી ખેંચી રહ્યો છે એટલે આપણે રંગભૂમિ ઉપરથી હઠી જવાનું.
‘લક્ષ્મણ !જતાં જતાં તું તારે મહેલે પણ ન ગયો? અહીંથી જ પરબાર્યો સરયૂ તીરે ? ત્યાં યોગનિદ્રા લીધી ?તારી ઊર્મિલાને પણ તું ન મળ્યો ? બિચારી ઊર્મિલા ! જગતમાં કેટલાંય કોમળ પુષ્પો મોટી શિલાઓની ઓથે ખીલીને કરમાય છે તેની જગતને ખબર પણ નથી પડતી. આવાં પુષ્પોની સુવાસથી જગત મહેકી ઊઠે છે છતાં જગત તેમને પિછાનતું નથી. ઊર્મિલા ! તમે બધી બહેનો આવું નિર્માણ લઇને જ આવી હશો. સીતા કરમાઇને પૃથ્વીના ગર્ભમાં પાછી ફરી, તોયે જગતને શરમ નથી આવી. ઊર્મિલા ! તારા લક્ષ્મણને તો મેં જ ચૌદ ચૌદ વર્ષ સુધી જંગલમાં ભટકાવ્યો, છતાં તેં સીતાને એક શબ્દ પણ કહ્યો નથી ! આજે તારા લક્ષ્મણને મેં કાળને પેલે તીરે ધક્કેલી મૂક્યો છતાં તું મને એક અક્ષર પણ કહેવાની નથી. ઊર્મિલા ! તને કરમાવી નાખવાનું પાપ મારે શિરે છે. અને તોપણ તમે તમારા જીવનમાંથી સુવાસ ફેલાવ્યે જ જાઓ છો.
‘પણ નહિ. લક્ષ્મણને પણ મેં જ કરમાવ્યો. લક્ષ્મણ !તું રામનો ભાઇ ન થયો હોત તો જગતને તારા પરાક્રમની વધારે ખબર પડત. તારા તેજથી તેં દુનિયાને આંજી દીધી હોત; તારા નામથી જગત ગાજી ઊઠ્યું હોત.
‘પણ તેં બીજો માર્ગ લીધો. તેં તો તારા આખાય વ્યક્તિત્વને ગાળી નાખ્યું અને તારી જાતને મારામાં સમાવી દીધી. તત્ત્વચિંતકો કહે છે કે માણસે પોતાના વ્યક્તિત્વને સંપૂર્ણપણે ખીલવવું એ જ માનવ જીવનની ઊંચામાં ઊંચી દશા છે. પોતાના સમગ્ર વ્યક્તિત્વને બીજામાં સમર્પણ કરી દેવું એ ઊંચામાં ઊંચી દશા નહિ ? પોતાને તદ્દન ભૂલી જવું અને બીજાંઓ માટે જ જીવન જીવવું એ ઊંચામાં ઊંચી દશા નહિ? લક્ષ્મણે જાત મને સમર્પણ કરી; સીતાએ જીવતર મને સમર્પણ કર્યું. છેક છેલ્લી ઘડી સુધી મારાથી ભિન્ન એવું પોતાનું અસ્તિત્વ માન્યું જ નહિ; હસતે ચહેરે કાળના મોંમાં પેઠાં અને હું રામ અયોધ્યાના રાજધર્મને ભૂલી ન શક્યો ! મને રાજા તરીકેનું અભિમાન હતું; મને મારા સત્યનું અભિમાન હતું; મને લોકક્લ્યાણનું અભિમાન હતું ! અને સીતા-લક્ષ્મણે તો કોઇ ભ્ક્ત પોતાના ઇષ્ટદેવને પુષ્પો અર્પણ કરે એવી નિર્મળતાથી મને દેહ સમર્પણ કર્યો, ભલે તર્કશાસ્ત્રીઓ ગમે તે કહેતા હોય; મારું અંતર તો કહે છે કે એવું સમર્પણ એ જ જીવનની ઉચ્ચ દશા છે. સીતા, લક્ષ્મણ ! તમે બંને કૃતાર્થ થઇ ગયાં, અને રામને માટે આવા તર્કવિતર્કો મૂકતાં ગયાં.
‘કેવી અદ્ ભુત અને રમ્ય એ કથા છે ! ભાઇ લક્ષ્મણ ! આપણે નાના હતા ત્યારે આપણે વિશ્વામિત્ર ઋષિની સાથે ઋષિમુનિઓના આશ્રમોમાં ગયેલા. એ આશ્રમો, એ સાદી પવિત્ર પર્ણકુટિઓ, એ નિર્દોષ હરણાં, આશ્રમની એ કામધેનુઓ, વાત્સલ્યભરી એ ગુરુપત્નીઓ, જગતમાં જીવનસંદેશ ગૂંચળાં વળીને નીકળતો એ પવિત્ર ધુમાડો, આશ્રમનાં ઝાડોને અત્યંત ભાવપૂર્વક પાણી પાતી એ ઋષિબાળાઓ—લક્ષ્મણ ! આજે આ બધાંય આંખ આગળ ખડાં થાય છે ત્યારે ઘડીભર તો અયોધ્યાનો વજનદાર મુગટ નીચે મૂકીને ત્યાં ચાલ્યો જાઉં એમ થઇ જાય છે. પણ કાળનો વેગ કોણ રોકી શકે છે ?આજે તો હવે કાળ મને કોણ જાણે ક્યાંય ઘસડે છે.
‘લક્ષ્મણ !આપણે ગૌતમના આશ્રમમાં ગયા હતા. અહલ્યા બાપડી અચેતન થઇને પડી હતી. આપણે પુરુષો સ્ત્રીઓને નિરંતર નિરાધાર જ રાખીશું ? સ્ત્રીઓ આખા સમાજની આધ્યાત્મિક મૂડી છે. એ આપણને પુરુષોને સમજાશે નહિ ? આપણે પુરુષો જ એમની પવિત્રતાના ચોકીદાર ? લક્ષ્મણ !તારો રામ પણ એમાંથી મુક્ત નથી એમ સમજજે. તે દિવસે મારાં સદ્ ભાગ્ય કે ત્યજાયેલી એક સ્ત્રીને હું પાછી તેને સ્થાને મૂકી શક્યો.અહલ્યા !મારે હાથે આખી સ્ત્રીજાતિનું અપમાન થયું છે તેમાં તમે મને સેવા કરવાની તક આપી ઉપકાર કર્યો.
‘લક્ષ્મણ ! પછી તો આપણે મિથિલા ગયા ને પરણ્યા. લક્ષ્મણ ! ઊર્મિલાની સાથે તું કેવો શોભતો હતો ! તારી ચામડીના શ્વેત રંગે મને ઝાંખો પાડી દીધો હતો. લક્ષ્મણ !આપણે અયોધ્યા આવતા હતા ત્યારે રસ્તામાં પરશુરામ મળ્યા હતા એ મને બરાબર યાદ છે. તું તો ધૂંવાંપૂંવાં થઇ ગયો હતો; અને મેં તને વાર્યો ન હોત તો તારે તો તેમની સાથે જામી પડત. ને પરશુરામ પણ આખરે તો સમજી ગયા.
‘પછી તો લક્ષ્મણ ! વર્ષો વહી ગયા . એ જ લક્ષ્મણ મહારાજની સામે લડવા તૈયાર થઇ ગયો. કેવો તારો પુણ્યપ્રકોપ !મને વનવાસ મળે એ તું શી રીતે સાંખે ? તેં તો ધનુષ્યઉપાડ્યું, બાણો લીધાં અને મહારાજને તેમ જ કૈકેયીને ઉડાવી દેવા તૈયાર થયો. શો તારો ઉન્માદ !તારો ક્રોધ તો રોક્યો રોકાય નહિ એવો. અને આ બધું મારી ખાતર. લક્ષ્મણ ! તારા શુધ્ધ્ સ્નેહનો બદલો રામ ક્યે જન્મે વાળશે ?
‘લક્ષ્મણ ! ભૂલવા માટે ઘણોય પ્રયત્ન કરું છું પણ ભુલાતું નથી. આજે કાળનાં નગારાં વાગી રહ્યાં છે ત્યારે આ શા માટે સંભારું ?છતાં તારા જીવનના પ્રસંગો આજે મનમાં ઊભરાયા જ કરે છે અને મને જંપવા દેતા નથી.
‘લક્ષ્મણ !મારી સાથે તું વનમાં શા માટે આવ્યો ?સુમિત્રાને ચૌદ વર્ષના ઉજાગરા શા માટે કરાવ્યા? મારી અને સીતાની સેવા ખાતર ! રામ એકલો વલ્કલ પહેરે તે તારાથી ન જોવાયું; રામના એકલાના માથે જટા હોય તે તને ન ગમ્યું; રામ એકલો દુ:ખ વેઠે તે તને ન રુચ્યું. પણ નહિ. મને વનમાં કાંટો વાગે તો ! મને વનમાં પર્ણકુટી કોણ બાંધી આપે ? હું મૃગયા માટે જાઉં ત્યારે સીતાને કોણ સંભાળે ?હું રાતે સૂતો હોઉં ત્યારે મારી ચોકી કોણ કરે ? અમારી પથારી કોણ બિછાવે ? અમારા માટે અગ્નિ કોણ સળગાવે ? લક્ષ્મણ ! મારા માટે અને સીતા માટે શરીરને તેમ જ મનને ગાળી નાખવા તું પણ મારી સાથે જ નીકળ્યો. મારા ખાતર તેં અયોધ્યાના રાજમહેલનો ત્યાગ કર્યો, અને મારી છાયા જેમ મારાથી વિખૂટી પડતી નથી તેમ મારા આખાય વનવાસમાં તું એક ક્ષણ પણ મારાથી વિખૂટો ન પડ્યો.
‘લક્ષ્મણ !તું ન હોત તો હું જ્નસ્થાનના રાક્ષસોને કેવી રેતે મારત ? તું ન હોત તો શૂર્પણખાને હું શી રીતે નસાડત ? તું ન હોત તો ઝર-દૂષણનો નાશ હું શી રીતે કરત ?વીરા લક્ષ્મણ !લોકોને ક્યાં ખબર છે કે આ બધાંય પરાક્ર્મો લક્ષ્મણ મારે પડખે હતો એટલે જ રામ કરી શક્યો છે ?
‘અને વીરા !દુષ્ટ રાવણ સીતાને હરી ગયો ત્યારે તું સાથે ન હોત તો હું રડીરડીને દેહ પાડત. આશ્રમમાં પાછો આવીને હું પોકેપોકે રડ્યો; પંપા સરોવરનો કાંઠો આખોય મેં રોઇ રોઇને ભીંજવી દીધો; સીતા વિના હું દીન ગાંડા જેવો થઇ ગયો, ત્યારે લક્ષ્મણ !તેં મને ટકાવી રાખ્યો, તેં મને ધીરજ આપી, તેં મને સીતાને પાછી મેળવવાની આશા આપી.
‘અને લક્ષ્મણ ! હનુમાન હોય તો મારી સાક્ષી પૂર. આપણે ઋષ્યમૂક પર્વત પર રહેતા હતા; સુગ્રીવ સાથે મૈત્રી બાંધીને આપણે વાલીને માર્યો હતો; સુગ્રીવ ગાદી પર બેઠો હતો. પણ પછી આપણને મદદ કરવાનું વચન આપીને સુગ્રીવ પોતાના મહેલમાં સૂઇ રહ્યો અને પોતાનું વચન નથી પાળતો એમ લાગ્યું ત્યારે તારું સ્વરૂપ કેવું થયું હતું !તેં સુગ્રીવને ઉગ્ર રૂપ બતાવ્યું એટલે એ બાપડો તો બેબાકળો થઇ ગયો. અને તરત જ સીતાની તપાસ કરવા માટે વાનરોને રવાના કર્યા. મને તો થયું કે સુગ્રીવનું આવી બન્યું. પણ મારી ઓથે તેં તારો કોપ શમાવ્યો ને સુગ્રીવ બચ્યો.
‘ભાઇ, સુમિત્રાના લક્ષ્મણ !એ વર્ષોમાં તો તારી મીઠી સેવાથી તેં મને સ્વસ્થ બનાવ્યો ન હોય એવો એક દિવસ ગયો નહિ હોય. આજે સમજાય છે, લક્ષ્મણ ! કે હું તારી હૂંફે જ તે દિવસે જીવતો હતો.
‘અને વીરા ! તારી હૂંફ ગઇ એમ જ્યારે મને લાગ્યું ત્યારે હું મરવા તૈયાર થયો હતો. ઇન્દ્રજિતે તને મૂર્છિત કર્યો ત્યારે મેં તારી આશા તો છોડી, પણ મારી તેમ જ સીતાની આશા પણ અછોડી. આજે તારા વિના રામ જીવી શકે છે એજ આશ્ચર્ય છે. પણ લક્ષ્મણ ! તારા વિના હવે લાંબી ઘડીઓ હું જીવનાર નથી. આજે તો તારું સ્મરણશ્રાધ્ધ કરીને મને તૃપ્ત થવા દે.
‘વીરા !સીતાને આપણે ગુમાવી ત્યારે તું મારી સાથે; સીતાને પાછી મેળવી ત્યારે પણ તું મારી સાથે; અને વળી સીતીને મેં છોડી ત્યારે પણ તું જ !હું, તું અને સીતા કોઇ ન સમજી શકાય એવા સંબંધથી જોડાયા હતાં. સીતા ગઇ, તું પણ ગયો ને મારી જવાની ઘડીઓ ચાલી આવે છે.
‘લક્ષ્મણ ! દુનિયા મને તારો મોટો ભાઇ કહે છે; પણ તું મારો મોટો ભાઇ થઇને ગયો. દુનિયા મને અયોધ્યાની પ્રજાનું કલ્યાણ કરનાર માને છે,પણ તારા જેવા કુમારોથી અયોધ્યાની પ્રજનું સાચું કલ્યાણ સધાયે જાય છે એની દુનિયાને ખબર નથી. તું સુમિત્રાનો પુત્ર, પરંતુ સુમિત્રાને તારા લહવા ન મળ્યા ! તું ઊર્મિલાનો પતિ, પણ ઊર્મિલાને તારા લહાવા ન મળ્યા ! તું ચંદ્રકેતુનો પિતા પણ ચંદ્રકેતુને તારા લહાવા ન મળ્યા ! તેં તો કેમ જાણે મારા માટે અને સીતાને માટે જ અવતાર લીધો હોય એમ તું જીવ્યો, અને મૃત્યુ વખતે પણ તેં મારી ખાતર જ એ માર્ગ સ્વીકાર્યો !
‘લક્ષ્મણ !ભાઇઓ તો ઘણા જોયા છે, પણ સીતને લક્ષ્મણ મળ્યો એવો દેર કોઇને નથી મળ્યો.
‘લક્ષ્મણ ! હવે નિરાંત વળી. તારું સ્મરણ કર્યું એટલે હ્રદયનો ભાત ઓછો થયો;હવે મારું મન સ્વસ્થ થયું છે. પરંતુ હવે તો મારે વિલંબ ન કરવો જોઇએ. ચાલ, હવે હું પણ ભરતને બોલાવી રાજનો ભાર તેને માથે મૂકું અને લક્ષ્મણની પાછળ ચાલતો થાઉં.’
પ્રતિસાદ આપો