હરિ તારા છે હજાર નામ-2

HARI 2

 હરિ તારા છે હજાર નામ-2

 સહસ્ત્રનામ

વિષ્ણુસહસ્ત્રનામસ્તોત્રમાં ભગવાનનાં હજાર નામ વર્ણવ્યાં છે એ ખરું. પણ મહત્ત્વ સહસ્ત્રનું નથી. મહત્ત્વ ભગવાન વિષ્ણુનું છે. સ્મરણરટણ માટે વિષ્ણુનાં સહસ્ત્ર નામ કહ્યાં. તે સહસ્ત્રનામની પરંપરા દૃઢ થઇ. હજારનો આંકડો રૂઢ થયો. પણ હજારની સંખ્યાનું કે ચોક્કસ આંકડાનું મહત્ત્વ નથી. ભગવાનના અસંખ્ય ગુણ છે. તે પ્રમાણે અસંખ્ય નામ છે. હજરની સંખ્યાને અસંખ્યના અર્થમાં સમજવાની છે.સામાન્ય બોલચાલમાં આપણે કહીએ છીએ’ હજાર હાથવાળો’ અહીં શબ્દશ:હજારની સંખ્યાના અર્થમાં શબ્દ વપરાયો નથી.’હજાર’ શબ્દ વિપુલતા સૂચવે છે. તે જે રીતે સહસ્ત્રનામ અસંખ્ય નામ અને ગુણ સૂચવે છે.

 સહસ્ત્ર નામને બદલે થોડાં કે ઓછાં નામોના પારાયણની પરંપરા પણ અછે. જેમ કે ત્રણસો નામની ત્રીશતી કે એકસોઆઠ નામનું અષ્ટોત્તરશત સ્તોત્ર. શક્તિ, ભક્તિ અને અનુકૂળતા પ્રમાણે ગમે તે સ્તોત્રનું પારાયણ કે નામ-જપ-રટણ માણસ કરે શકે. સંખ્યાનું મહત્ત્વ નથી. ઇશ્વરનાં નામ અને તેના સ્મરણનો મહિમા છે.

 સંખ્યાની જ વાત નીકળી છે ત્યારે કોઇ એમ પણ કહી શકે :’ઇશ્વરના અનેક નામ લેવાની શી જરૂર ? વિષ્ણુનું એક જ નામ રટ્યા કરીએ તો ન ચાલે ?’ તર્કની દૃષ્ટિએ દલીલ ખોટી નથી. ઇશ્વર એક જ છે. તેને એક જ નામે ભજી શકાય. તેના બધા ગુણો એક જ સર્વગુણસંપન્ન નામમાં સમાવી શકાય. તો પછી એક જ નામનો જાપ કર્યા કરીએ તો શું ખોટું ? ગાંધીજી મુશ્કેલી, અનિદ્રા કે ચિંતામાં ‘રામ’નું નામ લેતા. રામનામનું રટણ કરવા ઉપદેશ આપતા. ઘણા માણસો ‘ૐ નમ: શિવાય’, ‘ૐ નમ: શિવાય’ એવું રટણ કરવાનું રાખે છે. આ પ્રમાણે નામ-સ્મરણ કરનારા ખોટા નથી. જે રીતે ફાવે તે રીતે જપ કરાય. એક નામ લેવાય, એકસો આઠ નામની માળા કરાય, કે પછી સહસ્ત્રનામનો પાઠ પણ કરાય. આ બાબતમાં કોઇ જડ આગ્રહ નથી. તાર્કિક રીતે એક નામના જાપની વાત સાચી.પણ માણસનું મનસ્તંત્ર કંઇ તર્કની રીતે ચાલતું નથી. માણસને હૃદય છે, લાગણીઓ છે. તે બધાની વર્તવાની રીત પોતાની આગવી અને અનોખી છે. કશા વૈવિધ્ય વગર એકના એક નામની રટણા સામાન્ય માણસને યાંત્રિક લાગે છે. નામ-રટણ તો જીવંત પ્રવૃત્તિ બનવી જોઇએ. તેના જીવંત પ્રવાહમાં તરબોળ થવાનું છે. એક જ નામ રટ્યા કરવાની પધ્ધ્તિ કદાચ શુષ્ક યંત્ર સમી બની જાય. ‘રામ’ ‘રામ’ નું ‘મરા’ ‘મરા’ થઇ જાય. જપ નિર્જીવ લઢણ બની જાય તે નિરર્થક છે.

જપ-પારાયણમાં મનને સ્થાપવા પાછળ મનને નિર્વિકાર કરવાની અને લાંબો સમય તેને નિર્વિકાર રાખવાની ભાવના છે. નામરટણમાં જીવ જીવંત રીતે ડૂબી જાય ત્યારે બીજા વિકારો માટે અવકાશ રહેતો નથી. પણ જપનું કામ યાંત્રિક ગતિવિધિએ ચાલતું રહે તો મન બીજે ભમવા નીકળી પડે. વિકારોમાં અટવાવા માંડે. જુદાં જુદાં નામો સ્મરી જપ-ગાન કરવાનું હોય તો મન તેમાં જ ગૂંથાયેલું રહે, જીવ તેમાં જ ભરાયેલો રહે. આથી સામાન્ય માણસ માટે વિવિધતા વધારે ઉપયોગી છે. વિનોબા ભાવે કહે છે તેમ એક જ નામ બોલ્યા કરવાથી થાક લાગે છે. યાંત્રિક રીતે થતાં બધાં કામ થકવે છે.કંટાળો આપે છે. એકનું એક દૃશ્ય જોતાં એક જ જગાએ ઊભા, આડા કે ગોળ ગોળ આંતા માર્યા કરીએ તો ચાલવાથી કસરત થાય.પણ મન પ્રફુલ્લિત ન થાય. મન થાકે અને કંટાળે, લાંબા રસ્તે ચાલ્યા જાઓ ત્યારે ચાલવાની કસરત તો થાય જ પણ સાથે પ્રકૃતિની નોખી-અનોખી રમણીયતા જોવાતી જાય, માણસે સર્જેલી કલા-કારીગીરીનો પરિચય થતો જાય, મનમાં પ્રસન્નતા રેલાય. એ જ રીતે વિવિધ નામના રટણનો લાંબો પ્રવાસ રસ, જીવંતતા, પ્રસન્નતા અર્પી નિર્વિકાર અને પ્રભુમય બનાવે છે. આ દૃષ્ટિએ સામાન્ય માણસ માટે સહસ્ત્રનામ વધુ સુગમ છે. યોગી ભલે એકચિત્તે એક નામમાં લીન થાય. તે ચૈતન્યની ઊંચી કક્ષાએ છે. તેને માટે શિખર યોગ્ય છે. પણ બીજાના મહેલ પ્રમાણે નહીં, આપણી પ્રકૃતિ અને ગુણ પ્રમાણે આપણો ધર્મ બજાવવાનો. તેથી સામાન્ય માણસ માટે સહસ્ત્રનામનો મહિમા મોટો છે.

` વિષ્ણુસહસ્ત્રનામનું સુગમ સાધન

 વિષ્ણુસહસ્ત્રનામની નામ-વૈવિધ્યની રમણીયતા ભક્ત માટે રૂચિકર છે. જુદાં જુદાં નામ લેતાં ભક્તને પ્રસન્નતાનો અનુભવ થાય છે. આ ઉપરાંત એક બીજી પણ વાત છે. નામ આખરે શબ્દ છે અને શબ્દમાં અર્થ ઉપરાંત નાદ-શક્તિ છે. એનો ધ્વનિ હૃદયમાં આંદોલનો જગવે છે. વિષ્ણુસહસ્ત્રનામનું પહેલું જ નામ લો ‘વિશ્વમ્ ‘ચોખ્ખા ભાવવાહી ઉચ્ચાર સાથે આ નામનો ઉચિત ઉદ્ ઘોષ થાય કે તરત આખાય વિશ્વને આવરી લેતી વિશાળતા ભાવિકના હૃદયમાં પડઘાય. પ્રેમ જેવી વિશાળતાથી હૃદય છલોછલ ભરાઇ જાય, અસંખ્ય ધ્વનિ-આંદોલનો સર્જી સ્પંદનોથી ભક્તના હૃદયને ભરી દે છે.

 નામ જ્યારે સ્તોત્રમાં વણાય ત્યારે તેના છંદ, લય, સંગીત એક અનેરી લાગણી ઝંકૃત કરે છે. અર્થની સમજણ ઊગે એ પહેલાં જ સંગીત ભાવવિભોર કરી દે છે. ઘણીવાર કોઇ કવિતાવાંચીએ કે સાંભળીએ ત્યારે અર્થ સમજાયો ન હોય છતાં કોઇ ઊંડાણ, ખેંચાણનો અનુભવ થાય છે. કાવ્યમાંનું ધ્વનિ-સંગીત માંહ્યલાને જાગ્રત કરી ઢંઢોળે છે. વિષ્ણુસહસ્ત્રનામનું યોગ્ય પઠન, ગન કે શ્રવણ આવો અનુભવ કરાવવા માટે સમર્થ છે.પ્રત્યેક સાચા, સારા સ્તોત્રમાં આવી શક્તિ રહેલી છે.

 સામાન્ય માણસ યોગી કે જ્ઞાનીની જેમ તર્ક અને બુધ્ધિથી નથી ચાલતો. તે લાગણીથી ચાલે છે, પોકારે છે. બાળકને મા કેવા વહાલથી બોલાવે છે—‘મારા બચુડા, મારા કીકલા, મારા લાલા !’ બાળકનું નામ તો છે સરસ મજાનું :’અશોક’ પણ મા તો તેને જાતજાતના નામે બોલાવે છે :’બાબુ’, ‘બટુક’ અને એવાં કેટલાંય લાડકાં હુલામણાં નામો. ભક્તનો ઇશ્વર સાથે લાગણીનો સંબંધ છે. ઇશ્વરને અનેક નામે બોલાવવાનું તેને ગમે છે. ભાવિક ભક્તની આવી પ્રકૃતિ સમજી વિષ્ણુસહસ્ત્રનામની યોજના થઇ છે.

 ભક્ત-હૃદય માટે વિષ્ણુસહસ્ત્રનામ સર્વથા અનુકૂળ છે. શાસ્ત્રકારો અને ભાષ્યકારોએ નામ-જપમાં બીજી કેટલીક સગવડો પણ બતાવી છે. નામ-જપ કરવામાં કોઇ નાત-જાત, લિંગ, ઉંમર, કે મોભાનો બાધ નથી. ગ્મે તે માણસ ઇચ્છા પ્રમાણે સહસ્ત્રનામનું રટણ કરી શકે છે. નામ-જપ કરવા માટે કોઇ સાધન-સામગ્રી કે સાહિત્યની જરૂર નથી, કેટલીક પૂજા કે યજ્ઞમાં શ્રીફળ કે સોપારીથી માંડી નાનીમોટી કંઇક સામગ્રી જોઇએ. પણ જપ માટે કશાની જરૂર નહીં. જપ કરવા માટે કોઇ મધ્યસ્થીની જરૂર નથી. ન જોઇએ ગોર-બ્રાહ્મણ કે ન જોઇએ કોઇ ગુરુ, ભક્ત સીધો જ ઇશ્વર સાથે તાર જોડી શકે છે.નામ-જપ માટે કોઇ ચોક્કસ નિયત સમયનું બંધન નથી. જ્યારે સમય મળે ત્યારે ભક્ત જપ કરી શકે છે. કોઇ ચોક્કસ જગાનો આગ્રહ નથી.કોઇ પણ સ્થળે બેસી સહસ્ત્રનામનો પાઠ કે જપ કરી શકાય. નામ-જપ સાથે વિધિ-નિષેધ, કર્મકાંડ કે ક્રિયા વીંટળાયેલાં નથી. કોઇ પણ ઉપચાર વિના આવડે તે રીતે નામ-સ્મરણ કરી શકાય. છેલ્લે, નામ-સ્મરણથી ક્યારેય પોતાને કે બીજાને કશી હાનિ થવાનો કે હિંસાનો સંભવ નથી.

 ઇશ્વરના બધા ગુણ અને બધા નામ વિષ્ણુસહસ્ત્રનામમાં સમાવ્યાં છે. તેમાં કોઇ સંપ્રદાય કે વાડાની સંકુચિતતા નથી. સ્તોત્રને ભલે ‘વિષ્ણુસહસ્ત્રનામ’ કહ્યું, પણ તેમાં બધા દેવોનું રટણ છે. ઉત્પત્તિના દેવ બ્રહ્માના નામો તેમાં છે. સ્થિતિના દેવ વિષ્ણુનાં નામો તેમાં છે, વિલયના દેવ શિવનાં નામો પણ તેમાં છે. એક જ ઇશ્વરની સર્જન, સંવર્ધન અને સંહારની શક્તિની વિષ્ણુસહસ્ત્રનામમાં સ્તુતિ છે. વિષ્ણુસહસ્ત્રનામની આ વિશાળ વ્યાપકતાને વિનોબાએ સર્વગ્રાહકતા તરીકે વર્ણવી છે.

 મહાભારતના સમય પછી જે ધર્મો વિકસ્યા તે ધર્મની વિભૂતિઓનાં નામ પણ વિષ્ણુસહસ્ત્રનામમાં જોવા મળે છે. જેમ કે સિધ્ધાર્થ એટલે કે ભગવાન બુધ્ધનું નામ સહસ્ત્રનામમાં છે. વર્ધમાન એટલે કે ભગવાન મહાવીરનું નામ તેમાં છે. રામનું નામ પણ છે. અલબત્ત, બોધ્ધ ધર્મ, જૈન ધર્મ, તેમનાં દર્શનો અને વિભૂતિઓ વિષ્ણુસહસ્ત્રનામ પછીનાં સમયનાં છે. પણ તે અગાઉ સિધ્ધાર્થ, વર્ધમાન જેવાં નામ પ્રચલિત હતાં. તે નામોના અર્થ હતા. તે નામો ગુણો વ્યક્ત કરતા હતા. તે નામ-ગુણોના પણ સહસ્ત્રનામમાં સમાવેશ છે. મુદ્દાની વાત એ છે કે એ બધાં નામો વિષ્ણુસહસ્ત્રનામમાં હોવાથી તે બધા ધર્મોના અનુયાયીઓનું સમાધાન થાય તેવી સહસ્ત્રનામમાં ક્ષમતા છે. સહસ્ત્રનામ સર્વસ્વીકાર્ય બની સહિષ્ણુતાને પોષે છે. ઇશ્વરને અનેક નામે ભજવાની લાગણી આપણા ધર્મમાં જ છે એવું નથી. તે ભાવના બધા ધર્મોમાં જોવા મળે છે. એકેશ્વરવાદી ઇસ્લામમાં પણ અલ્લાનાં નવ્વાણું નામ છે. તસ્બી એટલે કે માળા લઇ આ નવ્વાણું નામો મુસ્લિમો જપે છે. આ નવ્વાણું નામના અર્થો સમજાવી વિનોબા ભાવેએ બતાવ્યું છે કે આ નામો ઇશ્વરના એ જ ગુણો વ્યક્ત કરે છે જેનો સમાવેશ સહસ્ત્રનામમાં પણ થયેલો છે. આવી જ રીતે બીજા ધર્મોમાં એકથી વધુ નામો અને તે વિવિધ નામોના રટણની પ્રથા છે. વિવિધ નામોના જપ અને કીર્તનનો મહિમા સાર્વત્રિક છે કારણ કે ભક્તિની લાગણી સર્વવ્યાપી છે.

 ભક્તિભાવ અનેક રૂપે વ્યક્ત થાય. શાસ્ત્રમાં તેના નવ સ્વરૂપ ગણાવ્યાં છે : શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. વિષ્ણુસહસ્ત્રનામ કીર્તન-શ્રવણ સ્વરૂપની ભક્તિ છે. નામ-જપ સાથે ફૂલ ચડાવવામાં આવે ત્યારે તે અર્ચન સ્વરૂપની ભક્તિ બને.પણ ઇશ્વર સાથે એક થવા માટે નામ-જપ સૌથી સરળ સાધન છે. ભગવાને પણ કહ્યું છે :’યજ્ઞોમાં હું જપ છું’ એટલે ઇશ્વર સાથે એક થવા માટે જપ એ શ્રેષ્ઠ યજ્ઞ છે. માટે જ ભીષ્મ પિતામહે સહસ્ત્રનામનો જપ પ્રબોધ્યો છે.

 નામ-જપ એટલે ભક્તિની પવિત્ર ગંગા

તેમના સહસ્ત્રનામભાષ્યમાં જગદ્ ગુરુ શંકરાચાર્ય જેવા જ્ઞાનીએ નામ-જપનો મહિમા ગાયો છે. તેમણે સહસ્ત્રનામમાં આવતાં વિષ્ણુનાં અનેક નામોનું વિવરણ પણ કર્યું છે. નામના અર્થો અને ગુણોનો વિસ્તાર પણ એમણે સમજાવ્યો છે. એક જ નામ સ્તોત્રમાં એકથી વધુ વાર આવે તેના અલગ અલગ અર્થ-સંદર્ભ કરી આપ્યા છે. જેમ કે ‘વિષ્ણુ’ નામ ત્રણ વાર આવે છે; ‘અચ્યુત’ નામ બે વાર આવે છે; ‘પદ્મનાભ’ ત્રણ વાર આવે છે, વગેરે. આ એક જ નામ જુદા જુદા સ્થળે જુદો જુદો અર્થ દર્શાવે છે તે ભાસઃયકારોએ દર્શાવ્યું છે, ઘણા પંડિતોએ નામસહસ્ત્રમાં આવતાં નામ, તેના અર્થ અને માહાત્મ્યને વિદ્વતાભરી ચર્ચા કરી છે.

ઘણી વાર પ્રશ્ન ઊભો કરાય છે : નામનું સ્મરણ જ પૂરતું છે કે તેથી આગળ વધી નામના અર્થ, રહસ્ય, ઊંડાણ સુધી જવાનું છે ? નામનો શુક-પાઠ કરવાનો છે કે નામ-માહાત્મ્ય સમજવાનું છે ? નામની ગંગામાં ડૂબકીઓ મારવાનું જ બસ છે કે નામો પર મનન-ચિંતન કરી છેલ્લે ધ્યાન-સમાધિ લગી પહોંચવાનું છે ?

યોગીઓ, જ્ઞાનીઓ નામ-જપથી આગળ વધી અર્થ, જ્ઞાન, ચિંતન, કર્મ અને ધ્યાનને માર્ગે ઇશ્વરને પામે છે. આથી એક એવો વિચાર પ્રગટ્યો કે આ જ રાજમાર્ગે આગળ વધવાનું છે. નામ-જપ અંતરમુખ થવાનું પ્રથમ પગથિયું છે. નામ-જપના તબક્કામાં ભક્ત અને ભગવાનનું દ્વૈત છે. નામજપ કરનાર સગુણ બ્રહ્મ સાથેનો સંબંધ જોડે છે. નામ-ગુણનું મનન-ચિંતન કરતા જઇએ, જ્ઞાન મેળવતા જઇએ તેમ તેમ દ્વૈત ઓગળતું જાય છે અને સગુણ બ્રહ્મને સ્થાને નિર્ગુણ બ્રહ્મની ચિત્તમાં સ્થાપના થાય છે.ભક્ત-ભગવાનનો ભેદ નષ્ટ થાય છે. ભક્ત ઇશ્વરમય બની જાય છે. આમ નામ-સ્મરણથી આગળ જઇ જ્ઞાન, કમ, અને એકલીનતા સુધી પહોંચવાનું છે. અહીં રટણ પછીનાં સમજણ, મનન, ચિંતન, આચરણ અને સમાધિ પર ભાર મુકાયો છે.

એક જુદો મત પણ છે. તે એમ જણાવે છે કે જપમાં બધું આવી જાય છે. જપમાં ઉપયોગમાં લેવામાં આવતાં નામ મંત્ર જેવાં છે. તે મંત્રની શક્તિ, તેના ઉચ્ચારનું મહત્ત્વ છે. રટણથી તે શક્તિ આત્મસાત્ થાય છે. તેટલામાત્રથી માણસ ઉર્ધ્વગામી બને છે. સ્મરણમાત્રેણ શુધ્ધિ. જપની આવી શક્તિ દર્શાવવા અજામિલની કથાનો દાખલો આપવામાં આવે છે. અજામિલ મહાપાપી હતો. તેના પુત્રનું નામ પાડેલું ‘નારાયણ’. મરણ સમયે અજામિલ પુત્રને યાદ કરતો હતો :’નારાયણ’, ‘નારાયણ’. અજાણતાં નિર્હેતુક રીતે નારાયણના નામ-રટણથી અજામિલ ઊગરી ગયો. આ રીતે પાપી પણ ઊગરે તો ભક્તિભાવપૂર્વક નામ-સ્મરણ કરનાર ભક્ત તરી જાય એ વિશે શી શંકા હોઇ શકે ?

આ બંને મતને વિરોધી સમજી એકમેકની સામે મૂકવાને કારણ નથી. તેમને આત્યંતિક છેડા સુધી ખેંચવાનો આગ્રહ જરૂરી નથી. માણસોની પ્રકૃતિના ભેદ સમજી તે પ્રકૃતિ પ્રમાણે સહસ્ત્રનામના સાધનનો ઉપયોગ કરવાનો છે. જ્ઞાન-પ્રધાન વ્યક્તિ નામ-સ્મરણ પછી નામના અર્થ, ચિંતન, મનન, ધ્યાનના માર્ગે આગળ વધે તો તેને માટે તે અનુકૂળ છે. પણ જ્ઞાની ન હોય એવો સામાન્ય લાગણીપ્રધાન માણસ નામ-સ્મરણમાં રમમાણ રહે તો તે પણ મુક્તિ પામે છે.

વેદ, ઉપનિષદ, ષડ્દર્શન અને ગીતા જેવું સાહિત્ય જ્ઞાની-યોગી, સાધુસંન્યાસી માટે છે. તો વિષ્ણુસહસ્ત્રનામ જેવું સ્તોત્રસાહિત્ય ભક્તજનો માટે છે. કોઇ એક જ રાજમાર્ગ નથી કે કોઇ એક માર્ગ ઊંચો કે બીજો ઊતરતો નથી. માણસ માટે તેની પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા માર્ગ ખુલ્લા છે.

સગુણ બ્રહ્મ નએ નિર્ગુણ બ્રહ્મ એ બે જુદા છે એવી સમજ પણ બરાબર નથી. સગુણ બ્રહ્મ એટલે કોઇ ઊતરતો ઇશ્વર અને નિર્ગુણ બ્રહ્મ એટલે કોઇ ચડિયાતું તત્ત્વ એવો ખ્યાલ પણ ગેરસમજૂતી ભરેલો છે. બે જુદા જુદા બ્રહ્મ છે જ નહીં, હોઇ શકે નહીં. બ્રહ્મ એક જ છે. પણ જુદી જુદી ગુણસ્થિતિએ રહેલ માણસો જુદી જુદી રીતે નિહાળે છે. એક ગુણસ્થિતિએ ભક્ત નામ-ગુણ-રૂપ બ્રહ્મને ભજે છે. બીજી ગુણસ્થિતિએ રહેલા જ્ઞાની-યોગી તે જ તત્ત્વ નિર્ગુણ બ્રહ્મરૂપે આરાધે છે. પણ બંનેના આરાધ્ય દેવ, ઇશ્વર, બ્રહ્મ એક જ છે. બંને બ્રહ્મને પામી શકે, પામે છે અને તેમાં લીન થાય છે. ગુણ-પ્રકૃતિ પ્રમાણે બંનેના માર્ગ જુદા પડે છે. પણ કોઇ માર્ગ ઊતરતો નથી. કોઇ ચડિયાતો નથી. દરેક માર્ગ પ્રત્યેકની પ્રકૃતિ પ્રમાણે જેને તેને માટે ઉચિત છે. ભક્ત માટે સંકોચનું કારણ નથી. જ્ઞાની માટે ગર્વનું કારણ નથી.

 વિષ્ણુસહસ્ત્રનામની મહત્તા એ છે કે તે સામાન્ય લાગણીશીલ ભક્તજન માટે સુલભ સાધન છે. વિષ્ણુનાં વિવિધ રૂપ અને નામની રટણા નામ-રૂપના બંધનમાંથી મુક્ત કરી ભક્તને ઉપર લઇ જાય છે. ભક્ત તેના ઉત્તમ રૂપમાં જ્ઞાન જેવું તત્ત્વ બની રહે છે. જ્ઞાન અને ધ્યાનથી વ્યક્તિ ઇશ્વર સાથે એકરૂપ થઇ જાય છે. આવી ભક્તિ અનન્ય ભક્તિ છે. તેમાં અન્ય ભાવ રહેતો નથી.

 સંગીત માણનાર રસિકજન સંગીતનો જાણકાર હોય તે સારું છે. તે રાગ-રાગિણી પહેચાને, સમજે અને સંગીતની દિવ્યતામાં ખોવાઇ જાય. આલાપ, સૂર, તાલની ખૂબીઓ પ્રમાણે સંગીતમય બની જાય. પણ સંગીતનો જાણકાર ન હોય તેવો પૃથગ્જન પણ સંગીતના જ્ઞાન વગર સંગીતમાં રસતરબોળ થઇ સંગીતમાં ડૂબી શકે છે. સંગીતને તે હ્રદયથી પામે છે. તે જ રીતે સહસ્ત્રનામનું રટણ-સ્મરણ કરતાં કરતાં ભક્ત નામશેષ થઇ પરમતત્ત્વમાં ભળી જાય છે. જુદે જુદે સ્થળેથી નીકળેલી જુદી જુદી નદીઓ અંતે પોતાનાં નામરૂપ ત્યજી એક મહાસાગરમાં ભળી એકત્વને પામે છે, તેમ જુદા જુદા માણસો જુદાં જુદાં નામરૂપ ઓગાળી એક ઇશ્વરમાં લીન થાયછે. હજાર હજાર નામે સ્મરેલા ઇશ્વર પ્રત્યેનાં બધાં વંદનો કેશવને પહોંચે છે અને કેશવમાં લીન થઇ જય છે, તેમ સહસ્ત્રનામનું સ્મરણ કરનાર કેશવમય બની રહે છે.

મહેશ દવે 11/07/1995

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “હરિ તારા છે હજાર નામ-2
 1. Dr Harishchandra Singh Rathod કહે છે:

  Very nice explanation. Its an eye-opener.

  If we really want to praise Lord Vishnu without asking for any benefit then, Vishnu Sahashranam is the best way. Its the first step of Bhakti-marg. Why should we worry for the fruits???

  A child may demand for Orange from her mother but doesnt know how to pronounce,so says ‘Oooage’. But the mother understands and gives him with all her love. Similarly, even if there are mistakes in pronounciations, one should chant the STROTRAM with complete faith on god.

  OM NAMOH BHAGVATE VASUDEVAYA
  – Dr Harishchandra Singh Rathod

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 529,186 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: