હરિ તારાં છે હજાર નામ

HARI TAARAA

 

શ્રીવિષ્ણુસહસ્ત્રનામ/ ઇમેજ/પ્રસ્તાવના: શ્રી મહેશ દવે

 હરિ તારાં છે હજાર નામ

        ઇશ્વર અદ્વૈતરૂપ છે એવી પરંપરા  આપણે ત્યાં રૂઢ થયેલી છે. ઇશ્વર એક અને અદ્વિતીય છે. જોકે ઇશ્વરની શક્તિનાં ત્રણ રૂપ માન્યાં છે : સર્જનશક્તિ, સંચાલનશક્તિ અને વિસર્જનશક્તિ. સર્જનશક્તિને બ્રહ્મારૂપે કલ્પી છે. સંચાલનશક્તિને વિષ્ણુરૂપે પૂજી છે. વિસર્જનશક્તિને મહેશરૂપે માની છે. આ ત્રણે વાસ્તવમાં એક જ શક્તિનાં વિવિધ રૂપ છે.

        ઇશ્વરીય શક્તિનું સંચાલનરૂપ સંસારીઓને સવિશેષ સ્પર્શે છે. સંસારીઓમાં આથી વિષ્ણુસ્તુતિ અને વિષ્ણુસહસ્ત્રનામનો ભારે મહિમા છે. અનેક રીતે સંસારીઓ વિષ્ણુને ભજે છે.

        ‘વિષ્ણુ’ શબ્દ મૂળ ‘વિશ્ ‘ પરથી  આવ્યો છે. ‘વિશ્ ‘ એટલે વ્યાપવું . માણસનાં શરીર, મન અને બુધ્ધિમાં વિષ્ણુ આત્મારૂપે વ્યાપ્ત છે. એ જ વિષ્ણુ સમગ્ર વિશ્વમાં બ્રહ્મરૂપે વ્યાપ્ત છે.

        વિષ્ણુની વિભૂતિરૂપે પણ કલ્પના કરી છે. વિષ્ણુના દેહને ભૂરા રંગનો કલ્પ્યો છે. તેમનાં વસ્ત્રો પીળા રંગનાં છે.

        આકાશ અને સમુદ્રનો ભૂરો રંગ નંત, અસીમ વ્યાપકત સૂચવે છે. પીળો રંગ ધરતીનો સંકેત આપે છે.વિષ્ણુને દૂધના સમુદ્રમાં –ક્ષીરાબ્ધિમાં શેષનાગ પર યોગનિદ્રામાં શયન કરતા પણ કલ્પ્યા છે. ભગવાન વિષ્ણુના ચાર હાથ દર્શાવાય છે. તેમણે એક કરમાં શંખ, બીજામાં ચક્ર, ત્રીજામાં ગદા અને ચોથામાં પદ્મ ધારણ કર્યાં છે. શંખ ધર્મમય જીવન માટે આહ્ વાન આપે છે. તે માર્ગે ઉત્ક્રાંતિ સાધી પદ્મ બની શકાય. અન્યથા માણસ કે સમાજ ગદા અને ચક્રથી નાશ પામે છે.

આ રીતે વિષ્ણુને વિભૂતિરૂપે પૂજાય છે. પણ તેના કરતાં પણ વિષ્ણુને અનેક નામે સ્મરવાની, જપવાની પરંપરા વધુ દૃઢ છે.

        ઇશ્વર એક છે, અદ્વિતીય છે તે ખરું. પણ એક જ તત્ત્વને જ્ઞાનીઓ, સાધુઓ, સંતો, ભક્તો, ભાવિકો અને સંસારીઓ અનેક નામે બોલાવે છે અને સ્મરે  છે, તે પણ એટલું જ સાચું છે ;એકં સત્ વિપ્રા બહુધા વદંતિ.

        એક તરફથી માનવું કે ઇશ્વર એક અદ્વૈતરૂપ છે અને બીજે પક્ષે તેનો અનેક નામે જપ કરવો, એ બે વાતમાં વિરોધ લાગે, પણ ખરેખર વિરોધ નથી, વિરોધાભાસ છે.એક ઇશ્વર અને તેના અનેક નામે જાપ એવચ્ચે આપણા ધર્મે સરસ સુમેળ સાધી આપ્યો છે. એટલે જ મુનિવર વ્યાસ ગીતામાં એકેશ્વરવાદ પ્રબોધે છે અને એ જ મહાભારતના અનુશાસનપર્વમાં વિષ્ણુસહસ્ત્રનામનું સ્તોત્ર પણ આપ્યું છે. જગદ્ ગુરુ શંકરાચાર્યે ભારતભરમાં અદ્વૈતવાદનો પ્રચાર અબે પ્રસાર કર્યો. એમણે જ આગળ જતાં દેવદેવીઓની ભક્તિનાં સ્તોત્રો રચ્યાં અને વિષ્ણુસહસ્ત્રનામ પર ભાષ્ય પણ લખ્યું.

        હજારો વર્ષથી વિષ્ણુસહસ્ત્રનામનો મહિમા છે. દિવ્ય નામના રટણની શકતિ અને કાર્યસાધકતા વિદ્વાનો તેમ જ ભક્તોએ પ્રબોધી છે. ઉત્તરમાં લક્ષ્મીધરે’ભગવન્નામકૌમુદી’માં નામસાધનનું માહાત્મ્ય બતાવ્યું છે. દક્ષિણમાં નામસિધ્ધાંત પર ‘ભગવન્નામભૂષણ’ અને નામામૃતરસાયણ’ જેવા ગ્રંથો લખાયા છે. બંગાળ તેમ જ ગુજરાત-મહારાષ્ટ્રના સંતોએ નામસ્મરણનો મહિમા ગાયો છે. આમ વર્ષોથી નામમાહાત્મ્યની ગંગા સતત વહેતી રહી છે. પંડિતો અને જ્ઞાનીઓ, ભાવિકો અને ભક્તો, મહાજનો અને પૃથગ્જનો બધા નામસ્મરણની ગંગામાં સ્નાન કરી પવિત્ર થવાનો લહાવો લે છે. એ ગંગા પ્રજાનાં લોકગીતોમાં પણ ઊતરી છે :’હરિ તારાં છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી ?!”

                        વિષ્ણુસહસ્ત્રનામનો સંદર્ભ

 

વિષ્ણુસહસ્ત્રનામનો ઉપદેશ ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરના સવાલના જવાબમાં આપ્યો છે. જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન કર્યો :

        “બધા ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો ?

        કોના જપ કરવાથી જન્મ-મરણના બંધનમાંથી જીવ મુક્ત થઇ શકે ?”

 

        ત્યારે ભીષ્મ પિતામહે ઉત્તર આપ્યો :

                “માણસ  ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની સ્તુતિ પૂજા કરે તેને હું શ્રેષ્ઠ ધર્મ માનું છું. ભગવાન વિષ્ણુનાં સહસ્ત્ર નામ મારી પાસેથી સાંભળ. તેનું રટણ કરવાથી માણસ સંસારના બંધનમાંથી મુક્ત થાય

છે. ”

        આ પ્રમાણે જણાવી ભીષ્મ પિતામહે વિષ્ણુનાં સહસ્ત્ર નામ ગાયાં. તેનું સ્તવન કરવાનો ઉપદેશ આપ્યો. આ છે વિષ્ણુસહસ્ત્રનામનો સંદર્ભ.

        ધર્મરાજયુધિષ્ઠિરના પ્રશ્નની ભૂમિકા સમજવા જેવી છે.

        યુધિષ્ઠિર ધર્મના જ્ઞાતા છે,જ્ઞાનવૃધ્ધ છે, અનુભવ-સમૃધ્ધ છે. પણ મહાભારતના શાંતિપર્વમાં તેમની ભૂમિકા સામાન્ય સંસારી જેવી છે. મહાભારતનું દારુણ યુધ્દ પૂરું થયું છે. પાંડવોનો વિજય થયો છે. દેખીતી રીતે યુધિષ્ઠિર પ્રસન્ન હોવા જોઇએ. આનંદમાં હોવા જોઇએ. પણ યુધિષ્ઠિરના મનની સ્થિતિ કંઇક જુદી જ છે. તેઓ કંઇક છળકપટ જોઇ ચૂક્યા છે. કંઇક છળકપટ એમને આચરવાં પણ પડ્યાં છે. તેમણે મહાસંહાર નિહાળ્યો છે. જેમને વત્સલભાવે રમાડ્યા હતા. જેમનાં લાલનપાલન કર્યા હતાં તેવા કેટલાય યુવાન લાડકવાયાઓને તેમણે હણાતા જોયા છે. બંને પક્ષે બધા પોતાના જ કુટુંબ અને કુળના હતા. પોતાના સમવયસ્કો, સગાસંબંધી અને જોયેલા-જાણેલાઓને વીરગતિ પામી સંચરતા જોવાની યાતના તેમણે સહી છે. વિજયનો સ્વાદ ખારો થઇ ગયો છે. ઘેરા શોકથી હૃદય ભરાઇ ગયું છે.

        વરસોથી કૌરવો સાથે અથડામણો થતી રહી, અપમાનો સહ્યાં, દુ:ખ વહોર્યાં. અંતે સર્વનો ઉકેલ લાવનારું મહાયુધ્ધ થયું. યુધ્ધ સાથે જાણે જીવનકાર્ય પૂરું થયું. જીવનનો કોઇ હેતુ ન રહ્યો. કોઇ કામ ન રહ્યું. જીવનમાંથી પ્રયોજન ચાલી જાય ત્યારે ગ્લાનિ ઘેરી વળે છે. બધું નિરર્થક લાગે છે. મન ખાલી ખાલી લાગે છે. ઉત્સાહ વધતો નથી. કશું ગમતું નથી. ક્યાંય ગોઠતું નથી.

        સંહારને અંતે શોક છે. સંસારને અંતે બધું શૂન્ય છે. સામાન્ય સંસારીની જેમ યુધિષ્ઠિર શોક ખાલીપામાં ડૂબેલા છે. જીવન સંધ્યાના આછા અજવાળા- અંધારામાં ઘેરાયેલા છે. કૃષ્ણ સિવાય બીજું કોણ ઉગારે ?

        કૃષ્ણ યુધિષ્ઠિરને સલાહ આપે છે :’ભીષ્મ પિતામહ પાસે જ્ઞાનોપદેશ માટે જાઓ. ઉત્તરાયણની રાહ જોઇ પિતામહ શરશય્યા પર સૂતેલા છે. ઉત્તરાયણ પછી દેહથી મુક્ત થઇ વિદાય લેશે. તેમની સાથે તેમનું બધું જ્ઞાન પણ જશે. તે પહેલાં તેમની પાસેથી બોધ મેળવી લો.’

        ભીષ્મ પિતામહ સામાન્ય કોટિના સંસારી નથી. તેમ હોત તો તેમની મન:સ્થિતિ યુધિષ્ઠિર જેવી જ હોત. યુધિષ્ઠિર કરતાંય લાંબી અને વિકટ સંસારયાત્રા અને યાતનામાંથી તે પસાર થયેલા છે. મૃત્યુને ભેટવા તૈયાર થઇ બેઠા છે. બાણશય્યા પર સૂતાં સૂતાં ઉત્તરાયણની રાહ જોઇ રહ્યા છે. આખો દેહ વીંધાઇને પડ્યો છે. આખો એક યુગ આંખો સામેથી આથમી ગયો છે. પણ એ નથી શૂન્ય કે નથી શોકાર્ત. ભગવન્નામસ્મરણથી મનોવ્યથા અને શરીરપીડા સહ્ય બનાવી શકાય છે તે તેમણે આચરી બતાવ્યું છે. આવી અસામાન્ય વિભૂતિ પાસેથી જ્ઞાનોપદેશ લેવાનું કૃષ્ણ યુધિષ્ઠિરને સૂચવે છે.

        ઇશ્વરની યોજના પ્રમાણે ભીષ્મ પિતામહે કૌરવો સાથે રહીને પોતાનો ધર્મ બજાવ્યો છે. કબૂલાતના નમ્ર ભાવે તેમણે પોતે જ પોતા વિશે અર્ધવ્યંગમાં કહ્યું છે :”પુરુષ અર્થનો દાસ છે. કૌરવોએ મને અર્થથી બાંધી લીધો છે. હું અર્થથી હરાયેલો છું.”ભીષ્મ પિતામહની આ વાણી અર્ધસત્ય છે. આવી ઉચ્ચ કોટિની વિભૂતિ અર્થથી બંધાઇને રહે તે વાત માનવામાં આવે એવી નથી.

        ખરેખર તો ભીષ્મપિતામહે કૌરવો સાથે રહેવું તેવી ઇશ્વરની યોજના છે. પાંડવો પર પિતામહની અપાર પ્રીતિ છે. કૃષ્ણ પ્રત્યે તેમની અતીવ ભક્તિ છે. આ બધું હોવા છતાં, ગેરસમજ, ટીકા અને ઉપાલંભોનો ભોગ બનીને પણ પિતામહ કૌરવપક્ષે રહ્યા. તેમાં તેઓ ઇશ્વરની યોજનાને વશ વર્ત્યા છે. તેમ કરીને તેમણે ધર્મ બજાવ્યો છે. તેઓ કૌરવો સાથે ન હોત તો કૌરવોને નિયંત્રણમાં રાખવાનું અશ્ક્ય બની જાત. પાંડવોનો વિજય અપાવવાનુ6 પણ મુશ્કેલ બનત. પોતાની જાતનો ભોગ આપી ધર્મ બજાવનાર મહામાનવનું ચરિત્ર ભીષ્મ પિતામહને ભાગે ભજવવાનું આવ્યું તે તેમણે બરાબર ભજવી બતાવ્યું. આવા મહામાનવ પાસે યુધિષ્ઠિરને કૃષ્ણ મોકલે છે.

        ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને ધર્મનો વિસ્તૃત અને વિગતવાર ઉપદેશ આપે છે. છતાંયુધિષ્ઠિરને સંતોષ થતો નથી. મૂંઝવણ  દૂર થતી નથી. મોક્ષ અને મુક્તિ માટેની ઝંખના બાકી રહે છે. યુધિષ્ઠિર આખરે છ પ્રશ્નો  પૂછે છે. એ પ્રશ્નોના શિરમોર સમો છેલ્લો પ્રશ્ન છે ;

        “શાનું રટણ કરવાથી માનવ-જીવ જન્મ-પુનર્જન્મના સંસાર-બંધનમાંથી છૂટે ?”

        આ પ્રશ્નના ઉત્તરમાં ભીષ્મ પિતામહ વિષ્ણુસહસ્ત્રનામનું સ્તોત્ર આપે છે. સહસ્ત્રનામના જપથી તરી જવાય છે. એ તરાપા પર બેસી ભવસાગર પાર કરી શકાય છે.

        સંસારના ઓવારે બેઠેલા યુધિષ્ઠિર જેવા જિજ્ઞાસુ અને સંસારને પાર કરી બેઠેલા ભીષ્મ પિતામહ જેવા દોરવણી આપનાર આ બંનેના સંવાદમાંથી આપણને વિષ્ણુસહસ્ત્રનામનું તત્ત્વબોધી સાધન મળ્યું છે.

                                રૂપ અને નામ

આમ જોવા જઇએ તો પરમતત્ત્વનું નથી કોઇ નામ કે નથી કોઇ રૂપ. પણ સામાન્ય માણસ માટે જગત રૂપમય છે, નામમય છે. રૂપ  અને નામના આધાર વગર માનવી કશાની ઓળખ પામી શકતો નથી, કશાની જાણકારી રાખી શકતો નથી. સમજણ-વિકાસના તબક્કાઓ હોય છે. બાળક પહેલાં સ્પર્શથી ઇન્દ્રિયબોધ મેળવે છે. તે પછી તે આકાર, કદ, રંગ, જુએ છે. રૂપ ગ્રહે છે. તે રીતે પદાર્થને ઓળખે છે. પછી પદાર્થને નામથી જાણે છે. બાળક નામથી બધું ઓળખતો, જાણતો અને યાદ રાખતો થાય છે તે પછી તેનામાં વિચાર, મનન, ચિંતન વિકસે છે. ધ્યાન અને સમાધિની કક્ષા આગળની વાત છે.

        પરમતત્ત્વને ઓળખવા, જાણ્વા, સમજવા અને પામવામાં માણસની ગતિ પણ આવી જ છે :

        પ્રથમા પ્રતિમાપૂજા જપસ્તોત્રાણિ મધ્યમા

        ઉત્તમા માનસી પૂજા સોહમ્ પૂજોત્તમોતમા

પહેલાં માણસ ઇશ્વરને મૂર્તિરૂપે ઓળખી—જાણી શકે છે. તેથી કહ્યું’પ્રથમા પ્રતિમા પૂજા.’પછી આવે ઇશ્વરનું નામ-સ્મરણ, જપ-પારાયણ, ભજન-કીર્તન. તેથી કહ્યું’જપસ્તોત્રાણિ મધ્યમા’. તે પછી માણસ કરી શકે છે ઇશ્વરનું મનાન-ચિંતન. એટલે કહ્યું ‘ઉત્તમા માનસી-પૂજા’. છેલ્લે ધ્યાન-સમાધિમાં વ્યક્તિ અને ઇશ્વરનો ભેદ રહેતો નથી. બંને એક થઇ જાય છે. ‘હું તે જ છું’ એવી પ્રતીતિ એટલે સર્વોત્તમ પૂજા :’સોહમ્ પૂજોત્તમા’.

        પ્રથમા, મધ્યમા, ઉત્તમા અને સર્વોત્તમ પૂજાના વિવિધ તબક્કાની આ વિભાવના, સંભવ છે કે, એવો ખ્યાલ ઊભો કરે કે માણસે મૂર્તિપૂજાના તળિયેથી ધ્યાન-સમાધિના ઊંચા શિખરે પહોંચવાનું છે. આવું સાધારીકરણ પૂર્ણપણે સાચું નથી. કોઇ સાધક માટે તે ખરું હોઇ શકે. સાધક તબક્કાવાર આગળ વધી ધ્યાન-સમાધિના પૂર્ણ યોગને પ્રાપ્ત કરી શકે. પણ પ્રત્યેક માણસ માટે આ જ માર્ગ નિરધાર્યો છે તેવું નથી. પ્રકૃતિ પ્રમાણે વ્યક્તિનો વિકસવાનો માર્ગ જુદો હોઇ શકે.

        માણસોની કક્ષામાં ભેદ રહેલો છે. દરેક માણસ પોતાની પ્રકૃતિ અને પોતાના સ્તર પ્રમાણેની પૂજાસાધનાથી મોક્ષ કે મુક્તિ મેળવી શકે છે. પ્રેમપૂર્વક મૂર્તિને વળગી ર્હેલો ભક્ત મૂર્તિપૂજાથી પણ પરમતત્ત્વમય બની શકે છે. તે જ રીતે ભક્તિભાવથી  નામસ્મરણ કરનાર, સહસ્ત્રનામનો જાપ કરનાર પણ પૂર્ણત્વ પામી શકે છે. આ દૃષ્ટિએ વિષ્ણુસહસ્ત્રનામની મહત્તા છે.

        વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે સતયુગમાં જે ધ્યાનથી પ્રાપ્ત થય છે; ત્રેતાયુગમાં જે યજ્ઞ-યાગથી સિધ્ધ થાય છે; દ્વાપરયુગમાં  જે પૂજનથી મળે છે તે કલિયુગમાં કેશવના નામ-રટણથી મેળવી શકાય છે.

        ચાર યુગોને માત્ર ભૌતિક સામયિક ક્રમના અર્થમાં સમજવાના નથી. પહેલાં એક યુગ, પછી બીજો , તે પછી ત્રીજો યુગ એવો સમયક્રમ પ્રમાણેનો એક અર્થ છે. તે સિવાય એક બીજો વિશેષ અર્થ પણ છે. તે અર્થ માણસના ચૈતન્યના સ્તર સાથે સંકળાયેલો છે. જુદા જુદા માણસોના ચૈતન્યસ્તરમાં તફાવત છે. માણસના ચૈતન્યનો સ્તર સતયુગનો હોય, કળિયુગનો હોય તેવા ભેદ પણ કરી શકાય.

        એક યુગની ચેતના અમુક કક્ષાની હોય. બીજા યુગની ચેતનાની કક્ષા જુદી કક્ષાની હોઇ શકે. એ જ રીતે એક વ્યક્તિમાં ચૈતન્ય ઊંચી કક્ષાએ હોય, બીજી વ્યક્તિમાં તે કંઇક ઊતરતી કક્ષાએ હોય. પણ પરમતત્ત્વને પામી મુક્તિ મેળવવાનો માર્ગ માત્ર ઊંચી કક્ષાવાળાનો અધિકાર નથી. ઇશ્વરના રાજમાં આવા કોઇ અધિકારભેદ નથી. મુક્તિનો રસ્તો દરેક માટે તેની કક્ષા પ્રમાણે ખુલ્લો છે.

        કોઇ પણ પ્રજામાં જ્ઞાનીઓ—સંન્યાસીઓ હંમેશાં ઓછા હોવાના. પ્રજાનો મોટો ભાગ મધ્યમ કક્ષાનો રહેવાનો. વિરલ એવા સંન્યાસી, જ્ઞાની, યોગી માટે મનન-ચિંતન—ધ્યાન-સમાધિનો માર્ગ અનુકૂળ છે. પણ સંસારી જન માટે રટણ, નામ-સ્મરણ ને જપ-પારાયણનો માર્ગ વધુ ફાવટવાળો છે. તેમના માટે તે રસ્તો સરળ અને સહજ છે.

બાકીનું ટૂંક સમયમાં

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “હરિ તારાં છે હજાર નામ
 1. rajeshpadaya કહે છે:

  મે એક ગોરખપ્રેસની ૧૦/- રુપિયા વાળી ગીતામાં ગીતા મહાત્મ્યમાં વાંચ્યુ હતુ,
  કે એક વખત વિષ્ણુ શેષનાગશૈયા પર સુઈ રહ્યા હતા, અને લક્ષ્મી એમના પગ ચાંપતી હતી. ત્યારે લક્ષ્મીને મનમાં વિચાર સળવ્ળીયો અને મનમાં જ કહેવા લાગી. “આ તો જગતના સ્વામિ છે અને જગતનુ રાજ સંભાળવાને બદલે આરામથી સુતા છે, એમ કેમ?” આ શબ્દો વિષ્ણુએ પોતાના અંતરાત્મામાં જાની લિધુ એટલે એ તરત જ જાગીને લક્ષ્મીને કહેવા લાગ્યા “હે પ્રીયે, મુરખ ના બનો, હુ તો પરમપિતા જોડે સંવાદ રચી રહ્યો હતો” લક્ષ્મી કહે એ વળી કોણ છે, જે તમારા પણ સર્વોપરી છે? વિષ્ણુ કહે “એ જ તો સર્વોના પિતા, શીવ પણ એમ્નુ તો ધ્યાન ધરે છે, એજ તો સંસારના રચઈતા છે, એજ તો પોષે છે, એ જ તો નિર્માણ કરે છે, એજ તો નાશ કરે છે, અમે તો માત્ર નિમિત્ત છીએ. એને કોઈ જોઈ શકતુ નથી, એમને કોઈ અડકી શક્તુ નથી, એ નિરાકાર છે, એનો કોઈ રંગ નથી, કોઈ સુગંધ નથી, કે નથી કોઈ રુપ. એ ફક્ત અનુભ્વી શકાય છે, મને અને જગતને જે શક્તિ ઓ પ્રદાન થઈ છે એ એમણે જ જગતના કાર્યો કરવા પ્રદાન કરી છે. એ સર્વોના પિતા છે. તેઓ આકાશવાણી કરે છે.” ત્યારે લક્ષ્મીએ વધુ આશ્ચર્ય ચકિત થઈને એમના વિશે વધુ વિસ્તારથી જણાવવા કહ્યુ ત્યારે વિષ્ણુએ જે કથા કહિ સંભળાવી એ ગીતા રુપે મહર્ષિ વેદ વ્યાસજીએ મહાભારતમાં સમાવી.(આ પ્રસંગ ભાગવતમાં, વિષ્ણુ પુરાણ્માં પણ મળી આવે છે. શીવપુરાણમાં પણ આવો એક થાંભલો જે ઉપર અનંત અને નીચે પણ અનંત હતો જેનો અંત ના તો વિષ્ણુ પામી શક્યા કે શીવ પામી શક્યા છેવટે આકાશવાણી કરનાર પરમેશ્વરે એ બન્નેને હિંદુ માન્યતા પ્રમાણે જગતના પાલન પોષણની જ્વાબદારી સોંપી.).

  આવી વાતોને હુ શુ માનુ??

  જો હુ વિષ્ણુને, શીવને કે અન્યોને સર્વોપરી ન માનુ અને આકાશવાણી કરનારા અદશ્ય પરમાત્મા પરમેશ્વરને મારા આરાધ્ય માનુ તો શું ખોટુ કરુ છુ?? કેમ કે શીવ અને વિષ્ણુ પણ એમ્ને જ તો અનુસરે છે.

  હુ અન્ય રુપોની પુજા ભક્તિ કરુ તો મારા માર્ગેથી ભટકી જાઉ છુ અને અન્ય બીજુ કોઈ મને મોક્ષ કે અનંતજીવન આપવાને શક્તિમાન નથી જણાતુ એટલે પરમપિતાને જ ભજુ છુ, ઉપાસના અને પ્રચારુ છુ.

  વિવેક્ચુડામણીમાં પ્રથમ મંગલાચરણ્ના અધ્યાયમાં સ્લોક નં ૬-૮ મનુષ્યોને ભૌતિક ક્રિયાઓથી કંઈ લાભ નહિ મળે એમ ચોક્ખે ચોખુ કહે છે તો વિષ્ણુ-શીવ કે અન્ય રુપોની પુજા કરીને હુ મારા અંતિમ લક્ષ્યે નહિ પહોંચી શકુ, ભટકીને એ રુપના લોકોમાં જ ભટક્યા કરીશ અને પરમાત્મા જેમણે મને આત્મા આપ્યો એમની પાસે પાછો નહિ જઈ શકુ.
  .
  .

 2. rajeshpadaya કહે છે:

  વિષ્ણુસહસ્ત્રનામ ઉત્તમ પાઠ કહી શકાય, પણ એને વિષ્ણુ કેંદ્રીત કરવા કરતા એનુ નામ પરમેશ્વર સહસ્ત્રનામ અને પરમાત્માસહસ્ત્રનામ રાખી નિરાકાર પરમેશ્વરને જ એની મહિમા અર્પીત કરવાથી વધુ લાભ થશે એવુ મારુ માનવુ છે. એ સહસ્ત્રનામના દરેકે દરેક નામનું સરળ ભાષાંતર કરીશુ તો જણાશે એ સર્વ કાર્યો કરનાર ફક્ત પરમાત્મા પરમેશ્વર જ છે જે અદેહી, અદ્વૈત છે જેનુ સ્થાન આ જગતમાં કોઈ પણ લઈ શકવાને અસમર્થ જ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: