Swami-anand iii
ભારેમૂવાંવના ભેરુ/સ્વામી આનન્દ/3
વાપીનાં વસવાટનાં દિવસો દરમિયાન અમારા છોટુભાઇનો એક ક્રમ થઇ પડ્યો કે અટઃઅવાડિયામાં બે-ત્રણ દિવસ આસપાસનાં ગામો કે ફળિયામાં વસતા હરિજનો કે દૂબળાં લોકોના કાગળો લખી દેવા જવું. જોતજોતામાં આખી વસ્તીમાં ‘સોટુકાકા’ ગરીબોના બેલી થઇ પડ્યા.
અભણ-નિરક્ષર વસ્તીમાં હરિજન—દૂબળાંની બૈરીઓને કે ડોસીઓને તેમના ધણી—દીકરાઓ શહેરો(મોટેભાગે મુંબઇ) માં રળતા હોય તેમના પર ઘરખબરના કાગળો હરહંમેશ લખાવવાના હોય. ગામપડોશનો કાપડી (દુકાનદાર વાણિયો)પેલીએ આણેલું ત્રણ પૈસાનું પત્તું એક આનો લખામણી લઇને લખી આપે !બાઇ ઘરકુટુંબના બધા સમાચાર લાંબી લાંબી વિગતે લખાવે, ને લખનારો કાપડી કાનમાં પૂમડાં ભર્યા હોય તેમ સાંભળ્યે જાય. પછી ટાઢે કોઢે ચાર લીટી ચીતરી આપે !
બોલનારી ચાહે એટલું બોલી હોય; ઘરના ખુશીખબર, પોયરાંની તાવઉધરસ, ને પૈસાનું મનીઓર્ડર મોકલવાની તાકીદ ઉપરાંત બીજું કશું લખી આપવાના કાપડીએ સોગન ખાધા હોય !બસ, લખામણીનો આનો લઇને પેલીને વદાય કરે. બાપડી બાઇ ઘણુંયે સમજે, કે પોતે વંચાવવા આવવાની ગરજ. એટલે વગર ફરિયાદે, લખેલું કાર્ડ લઇને ચોકી પરની ટપાલપેટીમાં નાંખે, ને ઘેર જાય !
આ દૃશ્ય, આવ્યાને બેત્રણ દિવસ જ થયા હશે ને, છોટુકાકાએ જોયું. લાગલો જ ઉપલો ક્રમ શરૂ થયો. ખીસામાં અડધો ડઝન કાર્ડ ઘાલીને નીકળે, ને ફળિયે ફળિયે ફરે :
“કેમ ડોહીમા, કેમ છેવ ? કાગલ લખવાનો કે ની ?આ હું આવેલો છેંવ.”
“હા, હા, આવોની ભાય, આવો. આવો, ગાંધી મા’ત્મા. ધન ભાએગ અમું લોકનાં. અમારે કાંય ની લખાવવો હોય ? તમે તો ધરમી લોક. મા’ધેવના મંદિરમાં આવીને રે’યલા. કેમ ની ઓરખું ?”
પછી ડોસી ઘરમાં જઇ પોસ્ટકાર્ડ ક્યાંક મેલી રાખ્યું હોય, તે ફંફોસવા માંડે.
“ એ કાંય કરો, માય ? આય હું ખિસ્સામાં જ કારડફારડ બધું તિયાર લી આવેલો જે !”
ડોસી ખુશખુશ થઇ જાય.મનમાં ગણગણે :
“ગાંધી મા’ત્માનું લોક. ધરમી લોક. નીકર આવું તે વરી કોન કરે ?”
છોટુકાકા ઓટલાની કોરાણે બેસી કાર્ડ કલમ કાઢી લખવા માંડે. ડોસી સામે લખાવવા બેસે. ઘરની વહુઓ ને પોયરાં બીતેબીતે ખૂણેખાંચરે કે બારણાંની આડશે ઊભાં રહી તલ જુએ. એકાદ ગોબરુ પણ હિમ્મતવાળું છોકરું વળી ડોસી પાસે આવી એના ખોળામાં ચઢી બેસે. અને છોટુકાકા લખતા હોય તે સામું તાકીતાકીને જોઇ રહે.
ડોસી લખાવતી જાય ને છોટુકાકા લખે. ડોસી બોલતી જાય, ને બોલબોલ કાગળ અપર પડતો જાય :”લખો—તાવ નાની પોરીની પૂંઠે પડેલો, ની મૂકતો. મોટી વહુ ઇના બાપને ઘેરે ભાત રોપવા ગેયલી. વાપીવારો વાનિયો હેઠ પૈહાનું વિયાજ ભરે જવા કે’. હું કિયાંથી દેંવ ?તુંને કે’યલું કે દિવાહા અગાઉ પસાહ રૂપિયાનું મનીઆડર કરી મૂકજે. પન આય આથમનો મઇનો થિયો, ને ભાદરવો હઉ આવહે, પન તારા પૈહાનો પત્તો ની;મ્રે.
“લખો—ભીખલો, ઇનો છા’બ વેલાત ચાલી ગિયો. તી દા’ડાનો ધંધા વના બેથો સે. ઉદવાડાના પારહી મંભઇઅ લી ગેયલા. પન બે મઇનામાં પાસો આવી રિયો. માટીમરદથી આમ ઘેરાઅંગને કેટલાં બેહી રેવાવાનું ઉતું ?તું ઇને મંભઇ બોલાવી લેવ. મારાથી ઇને આય પરમાને તાડીને માંડવે દા’ડો બધો પીને પડી રે’યલો ની જોવાતું.”
ખાસી દસ મિનિટનું ડિક્ટેશન. લખવાને છેડે છોટુકાકા આખો કાગળ પહેલેથી છેલ્લે લગણ ડોસીને વાંચી સંભળાવે. બોલેલો જ બોલેબોલ. ટૂંકાક્ષરીમાં લીધો હોય તેમ, ફરી પાછો ડોસીને કાને પડે. ને ડોસી ડોલે ! ફળિયાની હરિજનબાઇઓ ભેળી થાય, સાંભળે, ને કોઇ પત્તું લાવી હોય તે છોટુકાકાની આગળ ધરે. કાકા ન લે. પોતાનું જ ખીસામાંથી કાઢે, ને એનું ય લખી આપે. એ જ લખનર, ને એ જ લખાવટ. લખીને આખું એનેય પાછું વાંચી સંભળાવે. લખામણી ન લે. ને કાપડીથી દસ ગણું લખી આપે !
પછી ટપાલમાં પણ “હું જ લાખી દેવા “કહી છોટુકાકા ઘણાઘણા હેતે કરીને ડોસીની વિદાય લે; ને બીજે ફળિયે જાય, કે ઘર ભણી વળે. લખેલા કાગળો સાથે લીધા હોય તે ટપાલપેટીમાં નાંખે. કોક વાર વળી રિપ્લાય કાર્ડો પણ લખી આપે; ને અઠવાડિયામાં જવાબ આવી પહોંચે ત્યારે લખાવનારી હેરત થઇ જાય. કોઇના મનીઓર્ડર પણ આવી પૂગે.
બીજે કે ત્રીજે દિવસે વળી પાછો એ જ ક્રમ ચાલે. છોટુકાકાને દૂરથી આવતા જોતાંવેંત હરિજન-દૂબળીઓ ફળિયા આંગણામાં દોડાદોડ કરી મૂકે ! આવેલા કાગળ વંચાવવા ઘરના ખૂણા ફંફોસવા માંડે; ને જવાબો લખવવા તલપાપડ થાય.
એક આંગણે છોટુકાકાને કોઇ વસમી હરિજનબાઇ ધૂંઆપૂઆં થતી ધણીને આકરો કાગળ લખાવતી હોય; તો બીજે આંગણે બે હરિજનબાઇઓ માંહોમાંય ગુસપુસ કરતી સોટુકાકાની સમજશક્તિનાં ને ગાંધી મા’ત્માના ઉપકારનાં વખાણ વાંચતી હોય :
“આ મા’ત્મા ગાંધી હઉ દુનિયાના મા’ત્મા થઇ ગિયા. પડી કે હમઝ ? ઇની દયાનો પાર નીમ્રે. વાનિયા-ભાથેલાને ઇણે પાધરાદોર કરી દીધા. ધેરાં-દૂબરાંનું નામ ની લે. આય સોટુકાકો તીનો જ ચેલો સે. કાંય એની હમઝ, ને કાંય એની ઇયાદસક્તિ ! આપણે કે’તાં થાકિયેં, પન ઇ લખતો ની થાકે ! અને લખે પન પાસું કેવું ? નીકર મૂઓ કાપડી લખ્ખોદિયો, આપણે ગમે એટ્લું કેયેં—તીને તીનું કાંયે ની’મ્રે. ઇ તો ચાર અખ્ખર પાડેને કે’હે :લાવ, આનો લખામણીનો !”
“ને આય સોટુકાકો ? કાંય વાત ઇની કે’વ ? લખે તે કાંય લખે ! ને પાસું અખરેઅખર વાંશી હંભરાવે. લખાવિયું હોય તીનું તી જ પાસું તમે હાંભરો. બોલેબોલ. બસ. નરું પોનુગરાપ હાંભરી લેવ !”
“અને વલી કારડ પોત્તીકું ખીસામાંથી કાધે. પૈહા આપવા કરીયેં તો ની લે. તે ની જ લે. ને પાસો લખીને જાત્તેપોત્તે તપાલમાં જઇને લાખી આવે ! પરભુ મા’ત્મા ગાંધીને લાખ વરહના કરે. ઇને દુનિયાંને તારી દીધી !”
*********
એક વાર હું ઉદવડે રણજિત દાક્તરને દવાખાનેથી દવા લઇને આવું. રેલફાટક ભણીથી મોટરબસ આવી, ને એક દૂબળી ઊતરી. છોટુકાકા ઓટલે કોઇનો કાગળ લખી આપેલો તે વાંચી સંભળાવે. અદબથી એક કોરાણે ઊભી રહી. ઓળખીતી લાગી.
પૂરું કરી છોટુકાકાએ ઊંચું જોયું. હસીને કહે :
“તું વરી કિયાંથી આવી લાગી ?ચૌદહે અમાવાસ !”
પેલી કહે : “સોટુકાકા ! તુકવાડે જતી ઉ’તી. તમુંને જોયા, ને ઊતરી પડી. હાંભરો. આય મારો સોટુ બે મઇના થિયા મંભઇ ગેયલો સે. એક વાર કાગજ આવિયું તે માપ. કાગજ જ મોકલતો ની સે. (ગળે ડૂમો આવે છે.) ઇને કાંય સમઝ સે, ઇની માયને કાંય કાંય થાતું ઓહે ?(જરાવાર મૌન) સોટુકાકા, ઇને લખી દેવ, કે’આય કાગજ દેખતાની ઘડીયેં આવતો રે.’ લખી દે’વ, તારી માય બઉ માંદી સે. મોઢું જોવું હોય તો આવી રે. હાસું કઉંસું, સોટુકાકા !મારે તો ઇને મોકલવો જ ની ઉ’તો. પન હમારા હેઠે(શેઠે) કાંય હાંભર્યું જ ની’મ્રે.”
છોટુકાકાએ લાંબો કાગળ લખી આપ્યો. પછી કહે :”હરનામું કાંય કરું ?”
પેલીએ કાગળ જ જાણે નવો લખાવવા માંડ્યો :
“લખોની, લખી દેવની –ભાય તપારવારાને માલમ થાય જે, બાપા ! આત્લું આય મારું કાગજ, અમારા વા’લા પોયરા સોટમની કેડકમ્મરમાં પુગાડજે. હાથોહાથ તરત પુગાડજે, મારા બાપ !ભગવાન તારું ભલું કરહે !”
“પણ ઠેકાણું ?”
“લખોની. લખી દેવની—થેકાનુંએવું સે જે, ઝવેરીબજાર, ખારા કૂવાની પાંહે, ગિલાન લોટ(ગ્રાંટ રોડ) વારા પારહીનો મારો સે; તિમાં અમારા પરિયા ઉદવાડાના વાનિયા લોક રેતા સે. તેને ઘેર વાંહણ ધોતોમાંજતો સે, અમારો સોટમ. તીને પૂગે.
અમારા સોટમને હાથોહાથ પૂગે.”
“પણ હેઠનું નામ કાંય લખું ?”
“અમારો હીરૂ હેઠ વરી, તિમાં કાંય પૂસો ? હઉ ઓરખે. બીજો કુન હેઠ આવવાનો ઉતો જે ? મોટા હેઠનો પોયરો.”
છોટુકાકાએ કવર બીડી ઉપર ટિકિટ લગાડી. જોઇને કહે :
“લખો :સો પૈહાનું તિકટ લગાવિયું સે, સોકહ કાંમ કીધું સે. મંભઇ હેર મોતું સે. રહતે કોઇ નરહું માણહ તિકત ઉખારી લેય, તો તિમાં અમારે કાંય નીમ્રે.”
બસ, પહેલવહેલી વાર છોટુકાકાને “મૂઆ લખ્ખોદિયા’ કાપડીનું અનુકરણ કરવું પડ્યું !
*********
સાધુ નહિ; સાધના વગેરે કશું ન કર્યું; ઉમર આખી સૌના જેવા સંસારી જ રહ્યા. ખાય પીએ, ગુસ્સે થાય. ભલા ચમરબંધીનુંયે મોઢું તોડી લે. વસમી જીભ, ફૂંફાડો જબરો, પણ દિલમાં ડંખ ન મળે. આશ્રમ, સંઘ, સંસ્થા કે વ્યક્તિ કોઇને માટે એમને જોગવવા—જીરવવાનું સહેલ નહોતું. પણ દેખીતી ઉગ્ર સ્વભાવ હેઠળ કુમળું જિગર અને જિંદાદિલી હદપારની. સાચું વેદાંત જીવનમાં પચાવ્યું હોય એવા બહુ ઓછા માણસો મેં જોયા છે.
જિંદગીનો ભાર એમને કદી ન લાગ્યો. ‘ફેધરવેટ’ [પીછાં જેવા હળવાફૂલ] રહીને જિંદગી જીવ્યા અને એ જ અદાથી દુનિયાની રુખસદ લીધી. ***********************************************************************
સાચ્ચુ કહુ સરજી, હુ બે ઘડી તો ઓસરે ઉભો ઉભો છોટુકાકાની સેવાને સાક્ષાત સદેહે માણી રહ્યો હતો.
અતિ ઉત્તમ, નીઃશબ્દ પ્રશંશીત, અવર્ણનીય, પાત્રાલેખન અને સેવાવિષય નિરુપણ……૧૦૦ માથી ૧૦૦૦ માર્ક પણ ખુટે……..
aabhaar rajeshbhai