ભજન પંચામૃત.
પ્રભુ એવી દયા કર તું/કવિ વલ્લભ
પ્રભુ એવી દયા કર તું,
વિસ્હયને વાસના છૂટે;
ત્રિધા-તાપો સહિત માયા,
જરાયે ના મને જૂટે.
પ્રભુ એવી…..
પરાયા દોષ જોવાની, ન થાઓ, વૃત્તિ કે ઇચ્છા.
સુતાં કે જાગતાં મનમાં, મલિન વિચાર ના ઉઠે
પ્રભુ એવી……
રહે નહિ વસ્તુની મમતા, બધામાં હો, સદા સમતા;
રહે નહિ, દંભ દિલડામાં, ત્રિગુણની શૃંખલા તૂટે.
પ્રભુ એવી……
વૃત્તિ ને ઇન્દ્રિયો મારી, રહે તલ્લિન, તારામાં;
પ્રભુ ‘વલ્લભ’ રહી શરણે, અલૌકિક ભક્તિ-રસ લૂંટે.
પ્રભુ એવી……
સદાયે ભાવના તારી, નિરંતર ભાન હો તારું;
રહું ‘એકતાર’ તારામાં નહિ બીજું સ્ફૂરણ ફૂટે.
પ્રભુ એવી દયા કર તું……
=======================================================
આટલો સંદેશો/ અંબારામ
આટલો સંદેશો, મારા ગુરૂજીને કે’જો રે.
એ…. સેવકના –હૃદયમાં રે’જો હો, જી.
આટલો…..
સેવાને સ્મરણ અમે કોના રે કરીએ
તેનો આદેશ અમને દેજો રે….
આટલો….
કાયાનું દેવળ અમને લાગે છે, કાચું રે,
એ…. તેની રે, ભલામણ અમને દેજો….હો, જી….
આટલો….
કાયા પડશે ને હંસ ક્યાં જઇ સમાશે રે;
એ…. તે ઘર બતલાવી અમને દેજો, હો, જી…
અમને ને તમને વા’લા, તમને ને અમને રે, એ….
જનમો—જનમ પ્રીતિ રે’જો, હો, જી….
આટલો….
બ્રહ્મસ્વરૂપ મારી નજરુંમાં આવે રે, જોએ….
દરશન—દિદાર અમને દેજો, હો, જી….
આટલો…. બે કર જોડીને ‘અંબારામ’ બોલ્યા રે,
એ…. મુક્તિનો મારગ અમને કે’જો હો, જી…
આટલો……
=============================================
જો દેખૌં સો રામ સરીખા
ગુરુ કૃપાંજન પાયો મેરે ભાઇ
રામ બિના કછુ જાનત નાહીં. ધ્રુવ…
અંતર રામ બાહિર રામ
જહં દેખૌં તહં રામ હી રામ.
ગુરુ….
જાગત રામ સોવત રામ
સપનેમેં દેખૌં રાજા રામ.
ગુરુ….
એકા જનાર્દની ભાવ હી નીકા
જો દેખૌં સો રામ સરીખા.
ગુરુ….
==============================================
શિખરું ઊંચાં/મનસુખલાલ ઝવેરી
શિખરું ઊંચાં ને મારગ આકરા.
નહિ કોઇ સાથ કે સંગાથ,
નહિ ત્યાં કેડી કે નહિ વાટ,
ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.
લિયે એ મારગ નર કોઇ બંકડા,
છોડી આળ ને પંપાળ,
રાખી રામૈયો રખવાળ,
કાચી રે છાતીનાં બેસે તાકતાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.
ચડે એ ઊંચે, જે માંહે ડૂબતાં,
જેને આતમનો સંગાથ,
એનો ઝાલે હરિવર હાથ.
પંડને ખુએ તે પ્રીતમ પામતાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા
. ==============================================
આવો હો જીવણ આમના//મકરંદ દવે
અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર,
તરબોળી દ્યોને તારેતારને, વીંધો અમને વ્હાલા, આરંપાર
આવો હો આવો હો જીવણ આમના.
અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલ ભોગળ—આગળા
ભરો લખ લખ અદીઠા અંબાર;
આવો રે આવો હો જીવણ આમના.
અમે રે ઊધૈ-ખાધું ઇંધણું
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા વેગથી,
આપો અમને અગનના શણગાર;
આવોરે આવો હો જીવણ આમના.
************************************************************ a
પ્રતિસાદ આપો