છબી કોરાઇ ગઇ

CHHABI KORAAI GAYI

છગઇ.બી કોરાઇ

અમાસના તારા/કિશનસિંહ ચાવડા

મધ્યપ્રદેશમાં વિંધ્યાચળ ઘાટીના જંગલો વાઘના અને બીજા જંગલી પશુઓના નિવાસસ્થાન તરીકે મશહૂર છે. તેમાંયે કટનીથી માણેકપુર, દક્ષિણ ઉત્તર અને રીવાંથી ઓરછા સુધીના પૂર્વપશ્ચિમ લગભગ  દસ હજાર ચોરસ માઇલના બુંદેલખંડ—બાઘેલખંડ વિસ્તારમાં ગાઢ અને ભયંકર જંગલો પડ્યાં છે, આ જંગલો જુદાં જુદાં દેશી રાજ્યોની સરહદોમાં વીખરાયેલાં છે. પરંતુ ચરખારી, છત્રપુર, બીજાવર અને ઓરછાનાં દેશી રાજ્યો પાસે જંગલોનો વિસ્તાર બહુ નથી. મોટાં અને બિહામણાં જંગલો પાન્ના અને રીવાં રાજ્યની સરહદોમાં સમાયેલાં છે. તેમાંયે પન્નાનાં જંગલો, વાઘ, દીપડા,ચિત્તા, રીંછ, વરુ, હરણ અને સાબરના શિકાર માટે ખૂબ પ્રખ્યાત છે. આ પન્ના રાજ્યમાં ત્યાંના મહારાજાના અંગત મંત્રી તરીકે પાંચ વરસ કામ કરવાની તક મળવાથી શિકાર વિષે ઘણી વાતો અને વિગતો જાતાનુભવથી જાણવાની મળી. પહેલાં શિકાર વિષે ઘણા પીઢ શિકારીઓ પાસેથી રોમાંચક વાર્તાઓ અને વર્ણનો સાંભળેલાં. ત્યારથી શિકાર કરવાની ઘણી હોંશ હતી. એક વખત ભાવનગરથી થોડાક મિત્રો સાથે એક દીપડાના શિકાર માટે ઠેઠ જૂનાગઢની સરહદ સુધી પ્રવાસ કર્યો હતો. પરંતુ માત્ર પ્રેક્ષક તરીકે. અજમેર પાસે ખરવાની એક નાનીશી જાગીરના રાવસાહેબ ગણપતસિંહજી સાથે ઘોડા  પર સૂવરના શિકારની મોજ માણી ત્યારે જિંદગીના એ પહેલા શિકારનો અનુભવ રોમાંચકારી, ઉપરાંત મારી પોતાની શક્તિ, સમયસૂચકતા અને ઘોડેસવારીની કસોટી કરનાર પણ નીવડ્યો. રાવસાહેબ અને એમનાં ઠકરાણી બન્ને સૂવરનાં આબાદ શિકારીઓ હતાં. બન્નેની ઘોડેસવારી દિલ ધડકાવનારી હતી, પરંતુ કાબેલ હતી અને નિશાનબાજીમાં એ બંને પતિપત્નીમાં કોણ ચઢે એ કહેવું મુશ્કેલ હતું. સૂવરનો શિકાર ઘણે ભાગે ઘોડા પરથી જ થાય છે. એને માટે શિકારમાં કસાયેલું બાહુબળ હોય તો જ ભાલાની અણીથી સૂવરને સુવાડી શકાય. ઉપરાંત ઘોડા પરની એની સવારી પણ પકડદાર અને ગંઠાયેલી હોવી જોઇએ, નહીં તો મારેલો ભાલો તાકાતપૂરવક પાછો ખેંચી લઇને આસનને પાછું સમતોલ બનાવવું ઘણું જ મુશ્કેલબની જાય છે. ઘોડેસવારની ઘોડા પરની પકડ જો મજબૂત ન હોય તો રાંગમાંથી ઘોડો ખસી જઇને સવારને નીચે ગબડાવી દે એની પૂરી સંભાવનાહોય છે.નાસતો સૂવર અને એની પાછળ નાસતો ઘોડો એ બન્ને ગતિ પારખીને ભાલો ઉગામીને સૂવરની ગરદન કે પેટમાં હુલાવી દેવા માટે શિકારીની પાસે ચકોરાને ચોક્કસ દૃષ્ટિ ના હોય તો ઘા ખાલી જતો જ રહે પણ એ સમતુલા ચૂકીને જો શિકારી નીચે આવી પડે તો એ સૂવરનો જ શિકાર બની જાય. ખરવાની રાઠોડી ઠકરાણીએ ભયંકર અને તીણા દંતશૂળવાળા એક ભારે મદમસ્ત અને વીફરેલા સૂવરને એક વખત ઘોડાની લગભગ બાર આની ગતિએ અદ્ ભુત ચોકસાઇ અને અચૂકતાથી ભાલો હુલાવી દીધો. ભાલો એટલો ઊંડો ઊતરી ગયો કે પાછો ખેંચી શકાયો નહીં, અને ભાલો અંદર જ રહેવા દઇને ઠકરાણી ચાલી નીકળ્યાં. એ વખતે સમતુલા ગુમાવવાનો પૂરેપૂરો ભય હતો, પણ એમની અચૂક સમયસૂચકતા અને બહાદુરીથી એમણે ભાલાને જતો કરીને પોતાની જાતને અને પોતાની પ્રિય ઘોડી બિલ્લોરીને સંભાળી લીધી. ભાલાના ઊંડા ઘા સાથે નાસતા સૂવરની દોડ ધીરી બની ગઇ અને પાછળથી ઠાકોરસાહેબે પોતાના ઘોડા ઉપર પેંગડામાં અધ્ધર થઇ બરાબર સમતુલા જાળવીને ભાલો કાઢી લીધો.દસપંદર ફૂટ પણ નહીં જવા પામ્યો હોય અને એ વિકળ પશુ ભોંયભેગું થઇ ગયું !

        પરંતુ સૂવર અને રીંછથી વધારે રોમાંચક અને રંગદર્શી શિકાર તો અમે એક વખત પન્ના મહારાજાના ખાસ જંગલ રમણામાં એક વિકરાળ વાઘનો કર્યો હતો. પન્નાના જંગલમાં મોટામાં મોટા વાઘનો શિકાર અત્યાર સુધીમાં ધોળપુરના મહારાજાએ કર્યો છે. એ વાઘની લંબાઇ અગિયાર ફૂટ અને બે ઇંચની છે. ધોળપુરના રાજમહેલમાં એ વાઘને મસાલો અને દવાઓ ભરીને જાણે જીવતો હોય તેમ એક કાચના કબાટમાં ઊભો રાખ્યો છે. એ મરેલા વાઘને જોઇને પણ માણસો ડરી જાય એટલો ભયાનક એ આજેય લાગે છે. પહેલાં અગિયાર ફૂટની કાયા સાંભળીને હું પણ ચોંકી ઊઠ્યો હતો. પણ વાઘનું માપ એના નાકથી માંડીને એની પૂંછડીના છેડા સુધીનું ગણાય છે.

        પન્નામાં બિકાનેરના મહારાજકુમાર વાઘના શિકાર માટે આવ્યા હતા. ત્રણચાર દિવસથી અમે જુદા જુદા શિકારી અફસરો મારફત વાઘની ખબરો જંગલમાંથી મંગાવી હતી. ચોથે દિવસે સવારે એક શિકારી અફસર વહેલા રાજમહેલમાં આવી પહોંચ્યા. એમના મોઢા ઉપર સ્મિત હતું અને આખો ચહેરો આશાની આગાહી જેવો બની ગયો હતો. મને જોતાં જ એમણે ખુશખબર આપી કે વાઘનો પત્તો મળ્યો છે. એક ભેંસને મારીને એ પોતાની બોડમાં લઇ ગયો છે, એટલે આજ સાંજ સુધી ત્યાંથી ખસવાની સંભાવના નથી. એ વાઘ લગભગ અગિયાર ફૂટ લાંબો છે. આ સાંભળીને મને બહુ નવાઇ લાગી. આ માણસો વાઘને જોયા વિના એનું માપ શી રીતે કહી શકતા હશે? મેં એ અફસરને પૂછ્યું ત્યારે એણે પોતાના ખિસ્સામાંથી પાંચેક ઇંચ લાંબી એક સળી કાઢી. બોલ્યા: “જુઓ, આ સળી વડે એ વાઘના આગલા પગલાનું માપ લીધું છે. એ પગલું જેટલા ઇંચ લાંબું તેનાથી બમણા ફૂટનું એનું શરીર હોવાનું. આ સળી સાડા પાંચ ઇંચની ક્ઝ્હે . આ ઉપરથી લાગે છે કે વાઘ અગિયારએક ફૂટ લાંબો હોવો જોઇએ. “એટલામાં મહારાજા નીકળ્યા. અફસરે વાઘના સમાચાર આપ્યા. હુકમ છૂટ્યો કે શિકારની તૈયારી કરાવો. આ શિકાર હાંકાનો થશે એ પણ નિર્ણય થઇ ગયો. વાઘના બે પ્રકારના શિકાર બહુ મશહૂર અને પ્રચલિત છે. એક આ હાંકાનો અને બીજો એના રસ્તામાં બળદ અથવા એવું જ કોઇ બીજું મોટું જનાવર બાંધવું અને વાઘ એના શિકાર માટે આવે ત્યારે એને મારવો. આ પ્રકારને ‘કિલ’ નો શિકાર કહેવાય છે પણ બન્ને પ્રકારના શિકાર માંચડા ઉપરથી જ થાય છે.

        વાઘનો શિકાર બહુ ખર્ચાળ હોય છે. એમાં સમય, શક્તિ અને પૈસાનું ઘણું સારું ખર્ચ કરવું પડે છે. જે દેશી રાજ્યોમાં આ શિકારની સહેલગાહો થતી હોય છે ત્યાં શિકારના ખાસ અફસરો અને ખાસ ખાતાંઓ હોય છે. પન્નાથી બે મોટરટ્રક તંબૂઓ ભરીને એના મજૂરો સાથે ઊપડી ગઇ. એની પાછળ રાજમહેલના ખાનસામાઓ અને રસોઇયાઓ પોતપોતાના સરસામાન સાથે બે બસ ભરીને ઊપડ્યા. વૈશાખ મહિનો હતો. એટલે ઠંડા પીણાંઓ અને આઇસક્રીમની ખાસ વ્યવસ્થા હતી. શિકારી અફસરો માંચડા બાંધવાની વ્યવસ્થા કરવા અને હાંકા માટે આજુબાજુના ગામડાંઓમાંથી પાંચસોક માણસો એકઠા કરવા તરત નીકળી ચૂક્યા હતા.

        અગિયારેક વાગે ચાર મોટરો લઇને અમે ઊપડ્યા. પન્નાથી લગભગ વીસેક માઇલ અંદર જંગલમાં જવાનું હતું. અડધો માઇલ જંગલના ઊંડાણમાં અમારે ચાલવું પડ્યું, કારણ મોટરોના વાજથી વાઘને ખલેલ પહોંચી તો એ ચકોર પ્રાણી ચેતી જાય અને કદાચિત્ બીજી જ  દિધાએ ચાલતું થઇ જાય. દબાતે પગલે અમે માંચડાઓ પાસે પહોંચી ગયા. બંદૂકો પહેલેથી જ અજમાયશ કરીને તૈયાર રાખી હતી. ગોળીના કારતૂસો પણ બધા બરાબર તપાસી લેવામાં આવ્યા હતા. લગભગ સાડાબાર વાગે અમે માંચડાઓ ઉપર બેસી ગયા. મુખ્ય માંચડા ઉપર શિકાર કરનાર મુખ્ય મહેમાન પોતાના યજમાન સાથે બેઠેલા હતા. સાથે એક કાબેલ અને નિપુણ  શિકારી અને એક અચૂક નિશાનબાજ એ.ડી.સી. હતા. બીજો માંચડો જે ઘાયલ માંચડો કહેવાય છે ત્યાં મુખ્ય મહેમાનના રહસ્યમંત્રી, હું અને બે શિકારીઓ બેઠા હતા. બીજા માંચડા ઉપર બાકીની મંડળી ગોઠવાઇ ગઇ. ઘાયલ માંચડાનું મહત્ત્વ એટલું જ કે જો મુખ્ય માંચડા ઉપરથી શિકાર છટકે તો એ ઘાયલ માંચડા આગળથી જ નીકળે અને ત્યાં એનો અંત આવી જવો જોઇએ. ત્રીજો માંચડો એ તો માત્ર પ્રેક્ષકો માટે હોય છે. એ માંચડા પરના માણસો શિકાર જોવા સિવાય બીજો ભાગ લેતા નથી.

 

        દરેક  જણને ચોક્ક્સ સૂચના આપી દેવામાં આવી હતી. હાંકો શરૂ થયા પછી તદ્દન ચૂપકીદી જળવાવી જોઇએ. ધીરેથી કાનમાં પણ વાતચીત  તો થઇ જ ન શકે. જોરથી શ્વાસ પણ નહિ લેવાનો. ખાંસવા અથવા ખોંખારવા જેવા અવાજો તો બિલકુલ નહીં જ કરવાના. વાઘ બહુ જ ચકોર અને ચપળ પ્રાણી છે. એટ્લું સતેજ અને સ્ફૂર્તિવાળું કે માણસના શ્વાસની ગંધ આવતાં એ દિશા પારખી લે છે અને એ ઉપરથી તરત જ પોતાની દિશા બદલે છે.

        વૈશાખનો મહિનો હતો. સળગતા બપ્પોર હતા. વિંધ્યના એક ઘાટીલા જંગલમાં 115 ડિગ્રીનો તાપ પથ્થરો તપવાને પરિણામે વધારે આકરો લાગતો હતો. ભયંકર સૂનકાર વિસ્તર્યો હતો. બહાદુર માણસની બહાદુરી કંપાવે એવા ગરમ પવનના સૂસવાટા વાતા હતા. ત્યાં સૂનકારની ભયાનકતા વીંધીને હાંકાનો અવાજ વહી આવ્યો. અવાજની  આ અસ્પષ્ટતા અને એનું અંતર એની વિકરાળતા વધારતાં હતાં. ધીરે ધીરે આ અવાજ પાસે આવતો ગયો અને એની સ્પષ્ટતા છતી થઇ ગઇ. હાંકાના શિકારનો મારો આ પહેલો અનુભવ હતો. જાણે બળવાખોરો કોઇ શહેર લૂંટવા અને બાળવા આવતા હોય એવું વાતાવરણ સરજાઇ ગયું. બુમરાણ વધી ગઇ એટલે વનરાજ ચિઢાયો. એણે ગર્જના કરી. ટોળાનો અવાજ વીંધીને એ ગર્જના જંગલમાં પછડાઇ અને એના પડઘા પડ્યા. વાતાવરણ વધારે બિહામણું બની ગયું. માનવીનો અવાજ એણે વર્ત્યો એટલે એણે અવાજની અવળી દિશામાં ચાલવા માંડ્યું. અમારી તરફ હવે એ આવતો હતો. જ્યાં જ્યાંથી એને છટકી જવાના રસ્તાઓ હતા ત્યાં તો ભાલા, તલવાર અને લાઠીઓ લઇને માણસો નીચે ઝાડ પર હાજર હતા . માણસ જેમ વાઘથી ડરે છે તેમ વાઘ પણ માણસથી ડરે છે. એને આજે પોતાનું જૂનું જંગલ નવું લાગ્યું. એના મોતના આશકો એકઠા થયા હતા. એનું પહેલું ભાન એને આડા રસ્તા રોકીને ઊભેલા માણસો પરથી થઇ ગયું અને એ ચમક્યો. ઘાયલ માંચડા પરથી અમે એ પશુવરને સ્પશ્ટ જોઇ શકતા હતા. મુખ્ય માંચડાને હજી આડ નડતી હતી. કોઇ બાગમાં પાંજરામાં વાઘને જોવા ટેવાયેલી આંખોએ પહેલી વાર સ્વતંત્ર વિહાર કરતા વનરાજને પોતાના રાજ્યમાં ચક્રવર્તી રૂપે નીરખ્યો. હૈયું પળ વાર તો થંભી ગયું. શ્વાસ આપોઆપ રોકાઇ ગયો. નવીન વાતાવરણથી સહેજ જાગ્રત થઇને એ વિકરાળ વનરાજે ભયાનક ગર્જના કરી. આખું જંગલ ગર્જી ઊઠ્યું. પડછંદા પડ્યા. ભયંકર સૂનકાર પણ ધ્રૂજી ઊઠ્યો. હાંકાની હરોળ સાંકડી થતી ગઇ. એને અમારા તરફ આવ્યા વિના હવે બીજો રસ્તો નહોતો. વનરાજ જાણે આ અનિવાર્ય પરિસ્થિતિ પામી ગયો. એટલે એણે એક આડે રસ્તે થઇને નીકળવાનો પ્રયાસ કરી જોયો, પણ ત્યાંથી ભાલા અને તરવારના ચમકારા જોયા. ટોળાનો આવાજ પારખ્યો. એટલે મૃત્યુના આંગણામાં હવે એ નિર્ભય રીતે શહેનશાહની અદાથી આવી રહ્યો. એની આંખો દિશાઓ પારખતી હતી. એની ચાલ દૃઢ સામર્થ્યની પગલીઓ પાડતી હતી. નિશાનવાળા કેન્દ્રમાં રોપેલી નાની લાલ ધજા જોઇને એ જરા થંભ્યો ત્યાં તો મુખ્ય માંચડા ઉપરથી ગોળી વછૂટી.”ધાંય.” એના અનેક પડઘા પડ્યા. અવાજ ટુકડેટુકડા  થઇને વીખરાઇ પડ્યો. વનરાજ દસબાર ફૂટ ઊછળીને જે દિશા તરફથી ગોળી આવી હતી ત્યાં ફાળ ભરીને કૂદ્યો અને “ધાંય”નો બીજો અવાજ થયો. પોતાની ફાળથી અધ્ધર થયેલો એ બહાદુર ત્યાં જ વીંધાઇ ગયો. એનું શબ ધડાક દઇને ધરતી પર પડ્યું. સલામતી માટે બીજી બે ગોળીઓ એના શબમાં લપાઇ ગઇ. ભયંકર ચૂપકીદી કકળી ઊઠી.

        અડધા કલાકે એક સીટી વાગી. લીલી ઝંડીઓ ફરફરી રહી. સૌએ જાણ્યું વનરાજ મૃત્યુ પામ્યો. શિકારીઓ માંચડા પરથી નીચે ઊતર્યા. અમારી સાથે એક છબી પાડનાર પણ આવ્યો હતો. એણે મુખ્ય મહેમાન અને યજમાનને બંદૂક સાથે ઊભા રાખીને અવસાન પામેલા વનરાજ સાથે છબી પાડી.

        મારા અંતરમાં પણ એક છબી કોરાઇ ગઇ.મરેલી બહાદુરી પડી હતી અને સાથે જીવતી કાયરતા ઊભી હતી !     

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: