જીવન અને નાટક

JEEVAN

જીવન અને નાટક

રામપુરના નવાબસાહેબની  શોખની વિચિત્રતા  વિશે ઘણું સાંભળ્યું હતું. એટલે એક વખત નીલમનગરના મહારાજા સાથે રામપુર જવાનું થયું ત્યારે મારા અંતરમાં  ભારે કુતૂહલ હતું.સ્પેશિયલ ટ્રેનમાં અમારી રવાનગી હતી. બીજા પણ ચારપાંચ મહારાજાઓ પ્ધારવાની બાતમી હતી એટલે રંગ જામશે એવી અપેક્ષા હતી. દરભંગાના મહારાજાની કે રામપુરના નવાબસાહેબની મહેમાનગતિનું વર્ણન કરવું સરળ નથી અને સલામતપણ નથી. કારણકે ત્યાં  ઉડાઉગીરીના જે કીમિયા અજમાવવામાં આવે છે તે લગભગ તિલસ્મી લાગે એવા હોય છે. એટલે સામાન્ય માણસો કાં તો એને અસંભવિત માને અથવા કહેનારને ગપ્પીદાસનું બિરુદા આપે. પણ અમે જે સાંજે પહોંચ્યા તે રાતે એક નાટક જોયું તેનું વર્ણન કરી શકાય તેવું છે. મહેલમાં જ નાટ્યઘર અને તે પણ અદ્યતન પ્રકારનું. હિંદુસ્તાનના શું યુરોપના કોઇ પણ ગીતઘરની સાથે સરખામણીમાં ઊતરે એવું સુરમ્ય. નવાબસાહેબ પોતે નાટકના લેખક છે, કવિ છે અને સંગીતસંયોજક પણ છે. એટલે અમે જોયું તે ‘ચિંતામણિ.’ નાટક એમની જ સર્જનકલાનો નમૂનો હતું. આજે સ્ત્રીઓ જ સ્ત્રીપાત્રો ભજવે અને પુરુષો પોતાના જ ક્ષેત્રમાં મર્યાદિત રહે એ ચળવળ જોર પકડતી જાય છે અને પરિણામે ધંધાદારી રંગભૂમિને પણ બેચાર કુમારિકાઓનાં નામોની જાહેરખબર આપવાની ફરજ પડે છે, પરંતુ નવાબસાહેબની રીતરસમ જુદી હતી. એમને સ્ત્રીપાત્રો તરીકે પુરુષો અભિનય કરે એવો આગ્રહ હતો. એટલે નાટકનાં બધા જ સ્ત્રીપાત્રો પુરુષો જ ભજવતા હતા. તખ્તાની પાસે જ કોઇ મોટા પંતસચિવનું ટેબલ હોય એવું સુશોભિત અને સુંદર વિશાળ ટેબલ નવાબસાહેબનું હતું. એ ટેબલ પર લગભગ સો-સવાસો વીજળીની ચાંપો હતી. એની દ્વારા નવાબસાહેબ પોતે જ આખા તખ્તાનું, પ્રકાશનું, સિનસિનેરી અને લગભગ બધાનું બધું જ સંચાલન કરતા હતા. એ ટેબલ ઉપર ચારપાંચ ટેલિફોન પણ હતા. એક અંદરના પાત્રો તથા માણસો સાથે વાતો કરવા માટે, એક પોતાના મહેલમાં કોઇની સાથે વાત કરવી હોય તેની સરળતા માટે, એક વળી ટૃંક-કૉલ માટે, અને બે ટેલિફોન ખાસજનાના સાથે વાતચીત કરવા માટેના હતા. આ બધી પૂર્વભૂમિકા સાથે અમે નાટક જોવા બેઠા હતા. બધા મળીને પચીસેક માણસો અમે હોઇશું.

        પહેલી હારમાં મહેમાન રાજાઓ સોફા ઉપર બેઠા હતા. ત્યાર પછીની ખાસ ખુરશીઓ ઉપર મહારાજાના અમલદારો બેઠા હતા અને ત્યાર બાદ છેલ્લી હારમાં પાંચસાત જાણીતી ગાનારીઓ જે મહેમાનોનું દિલ ખુશ કરવા આવી હતી તે બેઠી હતી. પ્રાચીન રીત પ્રમાણે ધડાકા સાથે પડદો ઊઘડ્યો અને સૂત્રધાર—નટીઓએ કલ્યાણની ચીજ ગાઇને  ‘ચિંતામણિ’ નાટકનો પ્રારંભ કર્યો, અને પછી તો નાનપણમાં જોયેલા બિલ્વમંગલ ઉર્ફે સુરદાસના નાટકની યાદ આપે તેવા એ નાટકના એક પછી એક પ્રવેશ ભજવાતા ગયા. વચમાં વચમાં નવાબસાહેબ ટેલિફોનનો ઉપયોગ કરે,સંગીતનું સંચાલન પ્રગટપણે કરે, વળી પ્રકાશસંયોજનની જવાબદારી પણ અમને દેખાય તેમ અદા કરે અને બધું બરોબર ગાડું ચાલતું હોય ત્યારે એકાદ ટેલિફોન ઉપર જનાના સાથે ગુફતેગો કરે.

        ત્યાં તો અમે ચિંતામણિ અને બિલ્વમંગલના એક બહુ જ રોમાંચક પ્રસંગમાં પહોંચી ગયાં. ચિંતામણિ પોતાની અટારીએ ગમગીન બેઠી છે. નીચે એની બેત્રણ દાસીઓ પોતાની બાઇને ગમે અને એનું મનોરંજન કરે એવું સંગીત જમાવવાની પેરવી કરી રહી છે. એટલામાં બિલ્વમંગલ આવે છે. આ એનું પ્રથમ આગમન છે. એનો સમૃધ્ધ અને દમામદાર પહેરવેશ જોઇને દાસીઓ માનથી એને ઉપર લઇ જાય છે અને એમ બિલ્વમંગલ ચિંતામણિ પાસે અટારીએ આવે છે. ત્યાં બન્ને વચ્ચે સંવાદ થાય છે. એ સંવાદની મધ્યમાં ચિંતામણિને જ્યારે  જાણ થાય છે કે બિલ્વમંગલ પરિણીત છે ત્યારે એને સ્વીકારવાની આનાકાની કરીને શિખામણ દે છે કે:”પરિણીત પુરુષોએ વારાંગનાના ઘરે આવવું વાજબી નથી.” જ્યાં ચિંતામણિના મુખમાંથી આ વાક્ય સર્યું કે તરત જ નવાબસાહેબે પાછળ ફરીને પેલી ગાનારી બાઇઓને ઉદ્દેશીને ટકોર કરી:”જરા સુન ભી તો લો. ચિંતામણિ જૈસી જિંદગી બનાઓ.” એ ગાનારીઓમાં બનારસની મશહૂર ગાનારી સિધ્ધેશ્વરી પણ હતી. એણે તરત જ ઉત્તર વાળ્યો:”ચિંતામણિ તો અપને મકાનમેં બેઠી હૈ, લેકિન હમ તો આપકે મહલમેં હૈ, ક્યા કરેં, કૈસે કરે ?”

        અને સૌ હસી પડ્યાં. નાટક પાછું ચાલુ થયું. ગમગીન બનીને હું ઊઠી ગયો !

        VICHITRA

12.03

વિચિત્ર ખંડણી

અમાસના તારા/કિશનસિંહ ચાવડા

        એક વખત રામપુરના નવાબસાહેબનું આમંત્રણ આવ્યું કે અમારા મહારાજાએ એમના જન્મોત્સવના સમારંભમાં અચૂક હાજરી આપવી. રોટરી, ફ્રીમૅસન, થિયૉસોફી, બહાઇ વગેરે  સંસ્થાઓમાં જેવી બિરાદરી હોય છે એના કરતાં વધારે દંભી ભાઇબંધીના પાયા ઉપર રાજસંસ્થાની માંડણી છે, એટલે એક રાજા કે નવાબ બીજા એમના ભાઇ રાજા કે નવાબને બોલાવે ત્યારે આનાકાની કર્યા વિના દોડ્યા જવું પડે, પણ આવું ક્યારેક જ બને. અમારા મહારાજાએ હુકમ કર્યો કે આપણે પહેલી વખત રામપુર જઇએ છીએ માટે સ્પેશિયલ ટ્રેનમાં જ મુસાફરી કરવી. આનું કારણ એ પણ હતું કે બીજા મહારાજાઓ આવવાના હતા તેમની આગળ અને રામપુર આગળ અમારો જરા વટ પડે. લખનૌ,દિલ્હી અને મુંબઇ તારથી તપાસ કરાવી પણ કોઇ સ્ટેશનેથી સ્પેશિયલની વ્યવસ્થા થઇ શકી નહીં. આખરે કલકત્તા ખાસ તારથી પૂછાવ્યું. કલકત્તાએ શરત કરી કે સ્પેશિયલ અલ્લાહાબાદ હાજર રહેશે. હાવરાથી અલ્લાહાબાદ  અને પાછા વળતાં અલ્લાહાબાદથી હાવરા સુધીનું ખાલી ભાડું પણ આપવું પડશે. આ ઉડાઉગીરી સ્વીકારીને પણ અમે અલ્લાહાબાદથી રામપુર જવા ઊપડ્યા. અમારી સવારીમાં માણસોનો અને સામાનનો ઠીકઠીક જથ્થો હતો. અમારા મહારાજાની ઇચ્છા પ્રમાણે થોડી પ્રદર્શનની વસ્તુઓ પણ લેવાની હતી.એટલે એ.ડી.સી. તો હતા પણ એમના ખાસ નવા ઝરિયાની પોષાક પણ સાથે લીધા હતા. અમારી મિલિટરીમાંથી ચુનંદા બાર સિપાઇઓ પણ એક સુબેદાર અને બે જમાદાર  સાથે ખાસ પહેરવેશમાં સાથે હતા. એંસી વરસનો સફેદ દાઢીમૂછવાળો પોતાની ખાસ પાઘડીથી શોભતો પ્રાચીનતાના નમૂના જેવો એક ચોપદાર હતો. રીતરિવાજોના અફસર પોતાના ભાટચારણ અને બીજા બંદીજનોના લશ્કર સાથે હાજર હતા. ડૉકટર, વૈદ્ય, હજામ, ધોબી, ડ્રાઇવર અને મશ્કરાઓ પણ અમારી સાથે સામેલ હતા. એમાં અલ્લાહાબાદથી એક કથક નર્તકી અને લખનૌથી બે મશહૂર ગાનારીઓનો ઉમેરો થયો. અત્યાર સુધી અમારી આ સવારીને શુધ્ધ ગદ્ય પણ અના કહેવાય અને કોમળ કવિતા પણ ના કહેવાય એવી અપદ્યાગદ્ય જેવી અવસ્થા હતી. પણ નવી નર્તકી અને ગાનારીઓના ઉમેરાથી અમારી મંડળીના જીવનમાં કૌતુક આવ્યું. સૌની આંખોમાં રંગદર્શનની ચમક આવી ગઇ.

        બરેલી આવીને અમારી સ્પેશિયલે આરામ લીધો. અહીંથી મહારાજાના  ખાસ હુકમ પ્રમાણે સૌએ પોતપોતાના ખાસ પહેરવેશમાં સજ્જ થઇ જવાનું હતું. બરેલીથી રામપુર માત્ર દોઢબે કલાકનો રસ્તો હતો. રામપુરથી ત્રણ અફસરો અને પાંચ પટાવાળાઓનું ખાસ પ્રતિનિધિમંડળ પ્રાથમિક સ્વાગત કરવા બરેલી સામે આવ્યું હતું. એમની દ્વારા અમને સમાચાર મળ્યા કે અમારા સ્વાગતની ભવ્ય તૈયારીઓ થઇ ગઇ છે.અમારી સ્પેશિયલ ગાડી રામપુરના સામાન્ય સ્ટેશને નહીં પણ  નવાબસાહેબ માટે ખાસ બાંધેલા ખાસા સ્ટેશને ઊભી રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રામપુઅરની ઇંફંટ્રી ગાર્ડ ઑફ ઑનર આપવાની છે.પંદર તોપોની સલામી આપવાની છે. રામપુરી ઘોડેસવારોની ખાસ ટુકડી  અમારા મહારાજાની રાજશાહી બગ્ગીની આગળપાછળ ચાલશે. સ્ટેશને મોટો આલીશાન ઝગમગતો શમિયાનો ઊભો કરવામાં આવ્યો છે. એમાં ખાસ ઇરાની ગાલીચાઓની બિછાત ઉપર કિનખાબનું તખ્ત તૈયાર કરવામાં આવ્યું છે. પહેલો મુજરો પણ સ્ટેશને જ થાય એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નવાબસાહેબ ખુદ સૌ શાહજાદાઓ સાથે સ્ટેશને હાજર રહેશે. બરેલી સ્ટેશને મને હુકમ મળ્યો કે મારે બધા માણસોની બધી તૈયારી જાતે તપાસી લેવી અને જરૂર કે ઊણપ હોય ત્યાં ખાસ સૂચનો આપીને તૈયારી સંપૂર્ણ કરવી. સ્પેશિયલ ટ્રેન ત્યાર પછી ઉપાડવી. એંજિનના ડ્રાઇવરને અને ગાર્ડને સૂચના અપાઇ કે બરાબર સાંજે સાડા છને ટકોરે સ્પેશિયલને ખાસા સ્ટેશને ઊભી રાખવી. રામપુઅરના ખાસ આવેલા પ્રતિનિધિ-મંડળના અફસરોને મેં મારા સલૂનમાં આગ્રહ અને સન્માનથી બેસાડ્યા. મારા સલૂન અને મહારાજાના સલૂન વચ્ચે અંદરથી જ આવવાજવાની વ્યવસ્થા હતી. રામપુર આવવાની અડધા કલાકની વાર હતી. મેં મહારાજાને જઇને વિનંતી કરી કે રામપુર નવાબસાહેબે કહેવડાવ્યું છે કે ડબ્બામાંથી પહેલાં આપ ઊતરજો પછી ક્રમવાર સૌ ઊતરશે. પણ અમારા દસ્તૂરાત અફસરની સલાહ એવી થઇ કે નીલમનગરની પરંપરા પ્રમાણે પહેલાં મુખ્ય સ્ટાફ-અફસર ઊતરે અને પછી  મહારાજા ઊતરે. આખરે નક્કી થયું કે જે દસ્તૂર હોય તે જ પ્રમાણે કરવું.

        મેં ઘણી વિનંતી કરી કે યજમાનની યોજનાને માન આપીને વર્તીએ. પણ નીલમનગર તો પોતાની રીતે જ રામપુરને પ્રભાવિત કરવાના મિજાજમાં હતા. પેલી ચાર વિખ્યાત ‘હઠ’માંથી આ એક રાજહઠ !કોઇનું સાંભળે તો ને !

        રામપુર પાસે આવતું જતું હતું. મહારાજા સાહેબ પંદર તોપોના માન અને ગાર્ડઑફ ઑનર આપવાની ઇંફંટ્રીના એકીસાથે થનારા બંદૂકોના અવાજના સ્વાગત માટે લગભગ તૈયાર હતા. ગાડીની ગતિ ધીરી થઇ.ગજગામિની ગતિએ એણે રામપુરનું સામાન્ય સ્ટેશન વટાવ્યું અને ખાસા સ્ટેશને થંભી. અમારા દસ્તૂર પ્રમાણે અને મહારાજાની આજ્ઞા અનુસાર એમના મુખ્ય સ્ટાફ—અફસર તરીકે એમના ખાસા સલૂનમાંથી પહેલો હું ઊતર્યો અને જેવો હું પ્લેટફૉર્મ ઉપર ઊતર્યો કે ધડાધડ બંદૂકોના અવાજ થઇ ગયા. ધનાધન તોપો ફૂટવા માંડી. નવાબસાહેબ હાથ મિલાવવા આતુર થઇને આગળ  આવ્યા. ત્યાં તો લગભગ બે મિનિટે અમારા દરબાર ઊતર્યા. અમારા મહારાજા માટેનું માન એમને મળતાં પહેલાં કોઇને મળી ગયું એ અકસ્માત માટે કોઇ તૈયાર નહોતું છતાં અકસ્માત બની ગયો. એને માટે ત્રણેયને રંજ હતો. જેને જોઇતું હતું તેને એ સન્માન ના મળ્યું તે માટે મુખ્ય મહેમાન મહારાજા નારાજ થયા. જેને આપવું હતું તેને મોકા ઉપર પ્રથમ સન્માન ના આપી શકાયું તેને માટે યજમાન તરીકે નવાબસાહેબ નાખુશ થયા, અને જેને આપવું જોઇતું નહોતું, એની જેને કિંમત પણ નહોતી ને છતાં એ સન્માન મળી ગયું તેનો મને ભારે વિષાદ થયો. અકસ્માત દ્વારા કુદરત પણ અભિમાન પાસેથી કેવી વિચિત્ર અને આગવી ખંડણી ઉઘરાવે છે !

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,818 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: