વાઇસરૉય માપ

VICEROY

વાઇસરૉય માપ

અમાસના તારા/કિશનસિંહ ચાવડા

       

        એક વખત અમારા મહારાજાએ વાઇસરૉય લૉર્ડ લિનલિથગોને વાઘના શિકાર માટે ખાસ  આમંત્રણ આપીને બોલાવેલા. વાઇસરૉયના સ્વાગત, નિવાસ, સહવાસ, આનંદ અને વિદાય માટે ભયંકર તૈયારીઓકરેલી.ઘણા માણસો કામે લાગેલા. ઘણા તો  રાતોના રાતો સુધી ઊંઘેલા નહીં. પૈસાને અને પરસેવાની તો રેલમછેલ.વાઘની શોધ માટે પણ અનેક જંગલી, જંગલના જાણકાર અને શિકારના નિષ્ણાતો એમ જાતજાતના માણસો કામે લાગી ગયેલા. મહારાજાસાહેબની ઇચ્છા એવી હતી  કે બને તો વાઇસરૉયને મોટામાં મોટા વાઘનો શિકાર કરાવવો. અત્યાર સુધીમાં મોટામાં મોટો 11 ફૂટ ને 5 ઇંચનો વાઘ ધોળપુરના મહારાજાએ મારેલો અને હિંદુસ્તાનમાં તો એણે એક નવો રેકૉર્ડ ઊભો કરેલો. એટલે વાઇસરૉયના મનમાં પણ અભિલાષા તો આ રેકૉર્ડ તોડવાની હશે. વાઇસરૉય આવ્યા. અમારું દિવસે ઊંઘયું અને રાતે જાગતું ગામ ચોવીસ કલાક જાગતું અને જીવતું થઇ ગયું. કદી સાફ ન થયેલા રસ્તા સાફ થઇ ગયા. વર્ષોથી દુરસ્તી માગતાં મકાનો અને રસ્તાઓ સમારાઇ ગયા. મુખ્ય મકાનો જે લગ્નમાં ન રંગાય તે પણ રંગરોગાન પામ્યાં. એ.ડી.સી. ને નવા ડ્રેસ મળ્યા. અંગત સેવકોને નવા સાફા મળ્યા. બે નવી મોટરો  ખરીદાઇ. મુંબઇથી રોજ ફળફળાદિ, માછલી અને અલ્લાહાબાદથી બરફ આવે એની ચોક્કસ વ્યવસ્થા થઇ. પ્રાઇવેટ સેક્રેટરી ખાસ મુંબઇ જઇને જાતજાતનો કીમતી શરાબ લઇ આવ્યા. એક ખાસ નિપુણ માણસ ગાનારીઓ અને નૃત્યરાણીઓને ભેગી કરી લાવ્યો. વાઇસરૉયને માટે નવી બિછાતો, ગાલીચા, વીજળીના પંખા,દીવા, ફરનિચર બધું જ નવેસરથી તૈયાર  થયું.જલસો અદ્ ભુત  જામશે એવી મારી પણ ધારણા થઇ. જે રીતે અને જેટલી સંખ્યામાં રૂપિયા ખર્ચાતા હતા એ ઉપરથી મને પણ એમ લાગ્યું કે વાઇસરૉય ખુશ તો થવા  જોઇએ. આ તો બધી આનંદપ્રમોદની વાતો થઇ, પણ જાહેરાતની દૃષ્ટિએ પણ કંઇક કામ થવું જોઇએ ને ! એટલે એક જાહેર ઇસ્પિતાલંનો પાયો નંખાવાનું ઠર્યું. (આ ઇસ્પિતાલ હજી બંધાઇ નથી.) જે ટેલિફોન ઘણાં વર્ષો પહેલાં શરૂ થયેલો  તેનું ફરીથી નવેસરથી  ઉદ્ ઘાટન કરવાનું ઠ્ર્યું. દીવાનને માટે એક નવો બંગલો બાંધેલો તેને તાત્કાલિક છોકરીઓની નિશાળનું મકાન ગણીને એ ઉઘડાવવાની વ્યવસ્થા પણ થઇ. શિકાર જ્યાં થવાનો હતો ત્યાં તો જંગલમાં મંગલ થઇ ગયું. હાંકાનો શિકાર હતો. એટલે લગભગ હજારેક જંગલીઓ ત્રણ બાજુએથી હાંકો કરવા રોક્યા હતા. એ ઉપરાંત  કેમ્પની વ્યવસ્થામાં ત્રણસો માણસો રોકાયા હતા. શિકારનો કેમ્પ અને પાટનગર વચ્ચે

રોજ મોટરો ને મોટરટ્રકો દોડાદોડ કરી રહી હતી. દીવાનથી દરવાન સુધીના સૌ માણસો વાઇસરૉયને માટે મરી ફીટીને પણ મહારાજા  તરફની પોતાની વફાદારી અને પ્રીતિ સિધ્ધ કરવાની અને સંપાદન કરવાની હરીફાઇમાં  પડ્યા હતા. છેલ્લાં પચાસ વર્ષમાં આવો ઉત્સાહ, આ તૈયારી, આ રમઝટ થયાં નહોતાં એમ વૃધ્ધો કહેતા.

        વાઇસરૉય આવ્યા તેને બીજે જ દિવસે શિકાર હતો અને એ જ મુખ્ય કાર્યક્રમ હતો. એટલે એને કેન્દ્ર બનાવીને આસપાસ બસ કાર્યક્રમોની એવી બોલબાલા હતી કે ના પૂછો વાત. વાઇસરૉય આવ્યા તે જ સાંજે વાઘના ખબર આવ્યા. બે વાઘ તૈયાર છે, એક છે આઠ ફૂટ અને દસ ઇંચનો અને બીજો છે દસ ફૂટ અને પાંચ ઇંચનો. મહારાજા કંઇક પ્રસન્ન અને કંઇક ગમગીન થયા. એમની ઇચ્છા તો એક નાસતા ફરતા સાડા અગિયાર ફૂટના વાઘને સંડોવવાની હતી. શિકારને સ્થળે માંચડાઓની તૈયારી સંપૂર્ણ હતી. સૂચનાઓ, સંદેશા અને વ્યવસ્થા બધું સંપૂર્ણ હતું. બપોરે બે વાગે તદ્દન શાંતિપૂર્વક આવીને વાઇસરૉય પોતાના ખાસ માંચડા  ઉપર બિરાજી ગયા. સાથે મહારાજા સાહેબ, એમના નાના ભાઇ, વાઇસરૉયના એ.ડી.સી. અને નિષ્ણાત શિકાર-બાજ બેઠા હતા આ ઉપરાંત બીજા ત્રણ માંચડા ઉપર મંડળી વહેંચાઇ ગઇ હતી. બપોરનો સમસમતો સૂનકાર હતો. એક શબ્દનો પણ અવાજ ના થવો જોઇએ એવી આજ્ઞા હતી અને આવશ્યકતા પણ હતી. તરત જ લાલ ઝંડી ફરકી એટલે ખાતરી થઇ ગઇ  કે વાઇસરૉય પોતાના માંચડા પર બેસી ગયા અને હવે કોઇ નીચે નથી. એટલે બીજી ઝંડી આગળ ફરકી અને એ સંદેશો બરાબર ઠેઠ હાંકાના સરદાર પાસે પહોંચી ગયો અને થોડી વારમાં જ હાંકો શરૂથયો. બપોર હતા એટલે વાઘ આરામ કરતો હતો. હાંકાનો અવાજ ઘૂમરાઇને ઘેરાઇને જેમ જેમ સંગઠિત થઇને એની ગુફા સુધી પહોંચતો ગયો તેમ તેમ અંતરમાં આશાનિરાશાઓનું યુધ્ધ મચ્યું.ભય, આશા, નિરાશા, કંઇક અપેક્ષા એમ વિધવિધ લાગણીઓનાં પૂર ઊલટતાં અને શમતાં. હવે હાંકાનો અવાજ બરાબર ઘેરો થયો અને અકસ્માત વાઘની ગર્જના સંભળાઇ. અમને સૌને લાગ્યું કે વાઘ જાગ્રત થયો. હાંકાનો અવાજ વધારે પાસે  આવતો ગયો અને સ્પષ્ટ બનીને ઉગ્ર થતો ગયો. વાઘે ભયંકર ગર્જના કરીને સામે પડકાર ફેંક્યો. અમારા માંચડા પર બેઠેલા એક સજ્જન ધ્રૂજી ઊઠ્યા. પરસેવો છૂટી ગયો. બહુ સંભાળથી અને સિફતથી એમને મૂગું આશ્વાસન આપીને સુવાડી દીધા.

        અમારા માંચડા પરથી વાઘના આવવાની પગદંડી સાફ દેખાતી હતી. જંગલના એ બાદશાહને એના પોતાના સામ્રાજ્યમાં આઝાદ જોવો એ પણ એક અદ્ ભુત દૃશ્ય હતું. હાંકાના અવાજને પાછળ મૂકીને એ પ્રાણી અવાજની ઊલટી દિશામાં સાવધાનીથી, આસપાસ ચકોર દૃષ્ટિ નાંખતો ચાલતો હતો. એને આજે આ જંગલ નવું લાગતું હતું.એમાંથી માણસોની દુર્ગંધ એને આવતી હતી. માનવીના કાવતરાની એની લાગણી સ્પષ્ટ થતી જતી હતી.જ્યાં એ બરાબર વાઇસરૉયના માંચડાની સામે આવ્યો કે ધાંય ધાંય કરતીને ગોળીઓ છૂટી. દસેક ફૂટ ઊછળીને એ વીર પ્રાણી પૃથ્વી પર પછડાયું. નિશાન આબાદ હતું. કોની ગોળી વાગી એ ભગવાન જાણે, પણ નિયમ પ્રમાણે પહેલી ગોળી મહેમાનની એટલે એમની જ વાગે. બીજી  તો માત્ર સલામતીને ખાતર છોડવી જોઇએ કે અચૂક જાન લઇ લે. ફરીથી લાલ ઝંડી ઊંચી થઇ એટલે વાઘ મર્યો એની ખાતરી થઇ, સૌ નીચે ઊતર્યા.વાઇસરૉય પોતાના શિકારને નિહાળવા મહારજાની સાથે આવ્યા. શિકારના અફસરે તરત જ મરેલા વાઘનું વાઇસરૉયના દેખતાં જ માપ લીધું. વાઘ બરાબર નવ ફૂટ અને દસ ઇંચનો થયો. પહેલા વર્ગનો શિકાર સિધ્ધ થયો. જલસો ખતમ. વાઇસરૉય ચાલ્યા ગયા. હું પાસે જ ઊભો હતો. શિકારી માપવાની ટેપ મને આપીને વાઘની વ્યવસ્થા માટે કોઇને બોલાવવા દોડ્યો. સહજ રીતે જ વાઘ મને નાનો લાગ્યો એટલે મેં એક દરવાનની મદદથી ફરીથી માપ્યો પણ માપ બરાબર નવ ફૂટ ને દસ ઇંચ હતું અને છતાં વાઘ મને નાનો લાગતો જ હતો. એટલામાં અમારા શિકારના મુખ્ય અફસર આવી પહોંચ્યા. મેં મારી મૂંઝવણ કહી, એ જરા મૂછમાં હસ્યા.એમના હસવાનો અર્થ હતો કે કોઇ વાત એવી છે જે હું નથી સમજતો. એમણે મારા હાથમાંથી માપવાની ટેપ લઇને બરાબર ધ્યાનથી મને જોવાનું કહ્યું. મેં જરા ચીવટાઇથી જોયું તો શરૂઆતના પહેલા ફૂટની લંબાઇ જ કાપી નાંખેલી. બેના આંકડાથી પટ્ટી શરૂ થાય. એટલે વાઘ ખરી રીતે તો આઠ ફૂટ અને દસ ઇંચનો જ હતો. પણ આ કારીગરીથી એ એક ફૂટ મોટો થઇ ગયો. આ માયા કેમ જન્મી એ વિષે મેં જ્યારે પૂછ્યું ત્યારે અફસરે કહ્યું: એ તો સાહેબ વાઇસરૉય—માપ છે. હવે કોઇ બીજા મોટા વાઘને મારી એનું ચામડું વાઇસરૉય સાહેબને મોકલી આપીશું. આવાં વાઇસરૉય—માપ જેવી તો કેટકેટલી વાતો હિંદુસ્તાનને માથે પડી હતી, રામ જાણે !

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: