સમ્રાટ ત્રિમૂર્તિ

SAMRAAT  TRIMURTI

સમ્રાટ ત્રિમૂર્તિ

 

અમાસના તારા/કિશનસિંહ ચાવડા

બાદશાહની મુલાકાત !

હિંદુસ્તાનમાંરાજાઓને મળ્યો છું, મોટા મહારાજાઓને પણ મળ્યો છું !બર્લિનની ચાંસેલરીમાં હેર હિટલરનાં અને રોમના ‘પેલેસ દ વેનીઝીઆ’માં મુસોલિનીનાં દર્શન પણ કર્યા છે !પરંતુ આ બધાએ પોતાની કોઇ કાયમી વિશેષ છાપ મારા માનસ ઉપર પાડી નથી. પણ હું ના ભૂલી શકું એવી ત્રણ મુલાકાતો મારી સ્મૃતિના આકાશમાં શુક્ર, બૃહસ્પતિ અને મંગળના ગ્રહોની જેમ પોતપોતાની વિશિષ્ટ રંગભરી તેજસ્વિતાથી ચમક્યા કરે છે.

        1937ના મે મહિનાના એક દિવસે બાદશાહી પેગામ આવ્યો. અમે ત્યારે લંડનની મશહૂર હોટેલ’ગ્રોવનર હાઉસ’માં રહેતા હતા. એ પેગામે બાદશાહ છઠ્ઠા જ્યોર્જની મુલાકાતની ખુશનશીબી અમને મળી હતી એ સત્તાવાર ખબર આણી હતી. અમારા રાજવીને અને અમને એમના સાથીઓને આ બહુમાન મળ્યું, એને માટે અમારા કરતાં અમારા મિત્રોને બહુ આનંદ થયો હતો અને જેમને આ ભાગ્ય નહોતું મળ્યું તેઓ અમારા સુભાગ્યની ઇર્ષ્યા કરતાં કરતાં પણ અમને અભિનંદન આપતા હતા. આ વાર્તા અમારા મિત્રમંડળમાં પ્રસરી ગઇ. બાદશાહની મુલાકાત પહેલાં અમારા મુલાકાતીઓ વધી ગયા. મુલાકાતનો દિવસ પાસે આવતો હતો. ત્રણેક દિવસ પહેલાં અમને શાહી મહેલના મુખ્ય સંચાલક તરફથી એક બીજો પેગામ મળ્યો. તેમાં જે પોશાક અમે મુલાકાત વખતે પહેરવાના હતા, જે કંઇ જરઝવેરાતથી અમે શોભવાના હતા જે કંઇ ચંદ્રકો અમે લટકાવવાના હતા તે સર્વની સાથે અમારે શાહી મહેલમાં ‘રીહર્સલ’ને માટે હાજર થવાનું  હતું. બધી જ વસ્તુઓ આપણે સમજીને કરીએ છીએ એવું  ઓછું હોય છે !કેટલીક વાતો તો આપણને કર્યા પછી જ સમજાય છે. વખતસર અમે અમારા પૂર્વજોના પરંપરાગત હિંદુ પોશાકમાં એની બધી વિગતો સાથે, અમને કહ્યું હતું એ જ દરવાજે થઇને શાહી મહેલમાં હાજર થઇ ગયા. ‘પોશાકની સંપૂર્ણતા’ના નિષ્ણાતોએ અમને તપાસ્યા. અમારી સુશોભિત આકૃતિંર્ર બરાબર પરીક્ષા થઇ ગઇ. પછી ‘શિસ્ત અને નિયમો’ના ધુરંધરે અમને કેટલીક પ્રાથમિક સમજણ આપી.’રીત-રિવાજો’ના પ્રમુખે અમને શહેનશાહને મળવાના પ્રસંગનું મહત્ત્વ સમજાવ્યું.શાહી મહેલના મુખ્ય સંચાલકે પછી અમારે ક્યાં થઇને શહેનશાહ પાસે જવું, કેવી રીતે જવું અને શી રીતે મળવું –એ બધું અભિનય કરીને સમજાવ્યું. અને અમે એ બધું સમજ્યા છીએ એવી ખાતરી કરી લીધી.

        શાહી મુલાકાતનો એ દિવસ આવ્યો. શરીર,મન અને આત્મા ત્રણેય અસ્વસ્થ હતાં. મુલાકાતની સફળતાની અપેક્ષાએ બેચેની આવી હતી. બસ આવી અવસ્થામાં સમ્રાટ છઠ્ઠા જ્યૉર્જની મુલાકાત થઇ ગઇ. જરા પણ ભૂલ કર્યા વિના, આગલે પ્રસંગે  કર્યું હતું તે જ રીતે અમારા સરઘસને સંપૂર્ણ શિસ્તબધ્ધ રીતે, વધારે ગાંભીર્યયુક્ત છટાથી મોટા મોટા ઓરડાઓમાંથી પસાર કરાવીને સમ્રાટ અને સામ્રાજ્ઞી ઊભાં હતાં, તેની પાસેના ખંડમાં લાવવામાં આવ્યું.’રીહર્સલ’ વખતે અમને શીખવ્યું હતું તે જ રીતે અમારે એક પછી એક જઇને રાજા છઠ્ઠા જ્યૉર્જ અને રાણી  ઇલિઝાબેથ સાથે હસ્તધૂનન કરવાનું હતું. તે વખતે પાસે ઊભેલા ‘રીતરિવાજો’ના પ્રમુખ અમારાં નામો બોલતા જતા હતા. અમે હાથ મિલાવી ન મિલાવીને પેલી બાજુથી સરકીને શિખવાડ્યા પ્રમાણે અભિનયપૂર્વક ધીરે ધીરે અદૃશ્ય થતા હતા. મુલાકાતના આ ક્ષણજીવી નાટકને માટે અમે હિંદુસ્તાનમાં કેટકેતલાં સપનાંઓ સેવ્યાં હતાં, કેટલી બધી તૈયારીઓ કરી હતી !ક્યા રંગના કિનખાબની શેરવાની અમને વધારે શોભશે અને કેવી ભાતની જરી વધારે ચમકશે એ શોધવા માટે અમે બનારસમાં ઘણી દુકાનો ફર્યા હતા. દરજીઓ રાત જાગ્યા હતા. હીરાનાં બટનો માટે ખાસ મુંબઇના ઝવેરીઓને બોલાવ્યા હતા. પહેરવાના ઝવેરાતની પસંદગી માટે અમારા મહારાજાએ ઘણા દિવસો ચિંતામાં ગાળ્યા હતા અને આ શાહી મુલાકાતનું માન અમને મળે તે માટે અમારા મહારાજાએ નામદાર વાઇસરૉયને ખાસ વાઘના શિકાર માટે બોલાવીને બાદશાહી મહેમાનગતિ કરી હતી. 

        અમે જે પૈસો અને પરસેવો આ બાદશાહ સલામતની મુલાકાતની અપેક્ષામાં ખર્ચ્યા હતાં તેના વળતરમાં માત્ર સમ્રાટાને સામ્રાજ્ઞનું પળવારનું હસ્તધૂનન મળ્યું એમ જ માનીએ તો તો ભારે નિરાશા થાય. જોકે અમારા મહારાજાને તો આથી આનંદ જ થયો છે, અને તે પણ અપૂર્વ. પણ  મેં આખી આ મુલાકાતને જિંદગીના એક અનુભવ તરીકે લીધી અને એમાંથી જ્ઞાન મેળવ્યું કે જીવનની કહેવાતી સફળતાના મૃગજળ પાછળ જિંદગી વેડફી દેવાનું ગજું આપણું નહીં. આવી ઉડાઉગીરી તો હિંદના રાજામહારાજાઓને જ શોભે !

****************************************************************************************************************************************************************

                સમ્રાટ કે સદ્ ગૃહસ્થ !

                વસંત ઋતુનો થોડો સમય લંડનમાં વિતાવીને અમે બાકીના થોડા દિવસો કંઇક સુખમાં ગાળવાના ઇરાદાથી ફ્રાંસના દક્ષિણ કિનારાના પ્રદેશમાં પહોંચ્યા. નીસ બહુ મોટું શહેર અને કંઇક ધમાલવાળું પણ ખરું. એટલે અમે કેનને અમારું મુખ્ય મથક બનાવ્યું. ભૂમધ્ય સમુદ્ર પર મીટ માંડીને ઊભેલી બાદશાહી હોટેલ માર્ટિનીમાં અમે આવ્યા ત્યારે મને પહેલો વિચાર આવ્યો કે કોઇ દિવસે અકસ્માત દરિયાકિનારે કે કોઇ ‘કેસીનો’માં ભૂતકાળના આઠમા ઍડવર્ડ અને વર્તમાનકાળના ડ્યૂક ઑફ વિંડસર પોતાની પ્રિયતમા સાથે મળી જાય તો કેવો રંગ જામે ! આ અપેક્ષાના કુતૂહલ સામે લંડનમાં થયેલી સમ્રાટની મુલાકાતના કુતૂહલને ના સરખાવી શકાય. એક વસ્તુ માથે પડેલી હતી અને આ બીજી વસ્તુને અંતર ચાહતું હતું. એ વખતે વિંડસર-દંપતી કેનમાં રહેતાં હતાં. થોડા જ દિવસમાં અમે એમની શાંતિપ્રિયતા અને સ્વાભાવિકતા વિષે ઘણી ઘણી વાતો સાંભળી હતી. એમની સજ્જનતા વિષે તો છેક ઇંગલૅંડથી અમે સાંભળતા આવતા હતા. અમે કેન આવ્યા તે પહેલાં જ વિંડસર-દંપતી માટેનો એક અપૂર્વ સન્માન સમારંભ પૅરિસમા6 થયો હતો અને એનાં અહેવાલો અને ચિત્રો ફ્રેંચ વર્તમાનપત્રોમાં આવતાં હતાં. એક અંગ્રેજ યુવતી જે થોડા સમયથી ઓળખાણનો અંતરાય ઓળંગીને કંઇક સન્મિત્ર કહેવાય એવી ભૂમિકા પર આવી હતી તેની સાથે હું કેનની ચોપાટી ઉપર આંટા મારતો હતો. એને ફ્રેંચ આવડતું હતું.એણે આજના સવારના વર્તમાનપત્રમા6 વાંચેલી એક વાત મને કહી. એણે કહ્યું કે પૅરિસના સમારંભમા6 વર્તમાનપત્રોના પ્રતિનિધિઓનું આખું લશ્કર ડ્યૂક ઑફ વિંડસરને ઘેરી વળ્યું હતું. ઘણાઓએ ઘણા સવાલો પૂછ્યા હતા. પણ સૌએ એક સવાલ સામાન્ય પૂછ્યો હતો કે આ ડચેસ ઑફ વિંડસરમાં તમે એવું શું જોયું કે જેને ખાતર આખું સામ્રાજ્ય ન્યોછાવર કરી દીધું? ફ્રેંચોની પણ એક રંગીલી દુનિયા છે. ઇંગલૅંડમાં આવો સવાલ ભાગ્યે જ પૂછાય ! પણ  ફ્રેંચો તો જિંદગીના જાણનારા અને માણનારા છે. ડ્યૂકે આછું આછું હસતાં જવાબ આપ્યો કે :”ડચેસ બહુ સ્વાભાવિક વિનોદી નારી છે. “ અને પછી તરત જ પોતાની મોટરમાં બન્ને જણાં ચાલ્યાં ગયાં. આ જવાબને મોટાં મોટાં મથાળાં કરીને ફ્રેંચ વર્તમાનપત્રોએ ડ્યૂકને અભિનંદન આપ્યા છે અને એને જીવનનો શિલ્પી કહ્યો છે અને વધારામાં એ છોકરીએ ઉમીર્યું કે એ સ્ત્રી ધનભાગી છે કે એને આવો પ્રિયતમ મળ્યો જેણે શહેનશાહત ફેંકી દીધી.

        ફરીને પછી અમે ગયાં કેનના મુખ્ય કેસીનોમાં. રંગ અને રસનું તો એ કેન્દ્ર હતું. અમારી મંડળના બીજા માણસો પણ આવી પહોંચ્યા. ધીરે ધીરે જમવાનો ઓરડો ભરાઇ ગયો. વીજળીના રંગો બદલાયા. ઑરકેસ્ટ્રાના સૂરો વહેતા થયા અને એક પછી એક યુગલે નૃત્ય કરવા માંડ્યું. આમાઅખી હાજરી રંગમાં મસ્ત હતી. ત્યાં ધીરેથી એક યુગલ આવીને પોતાના માટેના ખાસ રાખેલા ટેબલ પર બેઠું.એમની હાજરી જેમ જેમ વરતાતી ગઇ તેમ તેમ નાચનાર યુગલોએ હાથ અને રૂમાલ ઊંચા કરીને પેલા નવા આવેલા યુગલને અભિનંદન આપ્યાં. અમે તો વર્તમાનપત્રોમાં તસવીરો જોયેલી. મેં કહ્યું કે આ તો વિંડસર-દંપતી. અમારાથી પંદરેક ફૂટ દૂર એમનું ટેબલ હશે. બસ રંગરાગ પાછો ચાલુ થયો. નૃત્ય અને સંગીતની રમઝટ પાછી જામી. અમારા ટેબલ ઉપર એક મહારાણીસાહેબ પણ હતાં. મહારાજા અને રાજકુમારો પણ હતા. એક અંગ્રેજ છોકરી પણ હતી. ખરાબ દેખાવાને ભોગે પણ અમે વારંવાર એમને તાકીતાકીને જોતાં હતાં. મધરાતને હવે થોડી વાર હતી. રંગ વધારે ઘટ્ટ થતો જતો હતો. અમારા આશ્ચર્યની વચ્ચે વિંડસર-દંપતી ઊઠ્યાં અને જતાં પહેલાં અમારા ટેબલ આગળ આવ્યાં. અમે હિંદી છીએ એ તો એમણે ધારી જ લીધું.સૌનાં નામ અને ખબરો પૂછ્યાં. મળીને આનંદ થયો એમ સ્વાભાવિક રીતે કહ્યું. અમને પણ એમના આ વર્તનથી ખૂબ ખુશી થઇ. સમ્રાટના તાજને  અમે સામ્રાજ્યને ફેંકી દઇને આ સદ્ ગૃહસ્થ બનેલા જુવાન રૂપાળા માનવીને અને એની સહચારિણીને જોઇને થયેલી ખુશી હજી પણ જ્યારે સાંભરે છે, ત્યારે હર્ષના રોમાંચ કરે છે.

                ઓલવાયેલો દીવો

        લંડનથી રાજ્યારોહણની સ્મૃતિ જેવું “કિંગ્સ-કમિશન “ અમને મળ્યું હતું. એટલે હિંદુસ્તાનમાં આવીને તરત જ  અમારે લેફ્ ટેંટ  તરીકે મેરઠના 17/21 બ્રિટિશ લાંસર્સમાં તાલીમ મટે જોડાઇ જવું પડ્યું. સવારમાં પાંચ વાગે ઊઠીને ઘોડાની માલિસ અને ઘોડેસવારી મને ગમતાં નહોતાં, પણ કરવાં પડતાં હતાં. લશ્કરી  તરીકેની જિંદગીનો નવો અનુભવ થતો હતો !મેરઠ મને 1857ના બળવાના કારણે બહુ જ કૌતુકપ્રિય લાગતું હતું અને મેરઠકાવતરા કેસ પછી તો હિંદી ક્રાંતિકારીઓનું એ મુખ્યધામ બન્યું હતું, મેરઠની લશ્કરી જિંદગી ગદ્ય જેવી હતી. એટલે એમાં થોડી કવિતા લાવવા અમે અઠવાડિયે એક વખત દિલ્હી જતા. એક અથવા બે અને કોઇ વાર ત્રણ સિનેમાચિત્રો જોતા, રાતે કોઇ ઇમ્પીરિયલ કે સેસિલ, મરીના કે મેઇડન જેવી ખર્ચાળ હોટેલમાં જમતા, લહેર કરતા, સમય હોય તો સંગીત સાંભળતા અને મધરાત પછી સવાર પડતાં મેરઠ પહોંચી જતા.

        ‘સિવિલ’ અને ‘મિલિટરી’ જિંદગી વચ્ચેના ભેદ વિષે ઘણું સાંભળ્યું હતું. હવે અનુભવ થતો હતો. હું માત્ર ‘સિવિલ’માણસ જ નહોતો. કંઇક અંશે કવિ-કલાકાર હોવાનો દાવો કરતો હતો. એટલે બે જીવન વચ્ચેનો ભેદ ભવ્ય લાગવાને બદલે ભયંકર લાગવા માંડ્યો હતો. શિસ્ત અને તે પણ માત્ર જડ શિસ્તને અનુસરવાનું અને અનુકૂળ થવાનું હતું. મારા મુક્ત અને સ્વૈરવિહારી માનસને આ શિસ્ત, માબાપે પોતાના છોકરાની મરજી વિરુધ્ધ જબરજસ્તીથી પરણાવેલી વહુ જેવી અકારી અને આકરી લાગતી હતી. એટલે એ જિંદગીને કંઇક સહ્ય બનાવવા મેં અમારા કૅપ્ટન, મેજર અને કર્નલને સાંજે ક્લબમાં પાર્ટીઓ આપીને થોડાક કૂણા અને કંઇક અંશે સમભાવી બનાવ્યા હતા, પણ આખરે તો અમે હતા તાલીમ લેનારા ઉમેદવારો. એટલે મારી આ હંગામી સ્થિતિ મારાં સુખ અને દુ:ખ બન્નેનું કારણ બની હતી. આવી ફરજિયાત શિસ્તની તાલીમથી ઘડાયેલો મારો સ્વભાવ આજના આ બેજવાબ-દારીભર્યા વાતાવરણમા6 ભારે કામયાબ નીવડ્યો છે અને એનાથી હું પોતે અજાયબ થયો છું. એટલે જીવનમાં થયેલો ગમે તેવો અનુભવ જિંદગીના વિદ્યાર્થીને માટે નકામો જતો નથી એ જ્ઞાન વિકટ પરિસ્થિતિમાં પણ હ્રદયને ધીર બનાવે છે.

મેરઠની એ જિંદગી એકધારી હતી પણ માથે પડી હતી એટલે વધારે અણગમતી હતી. આવી અરસિક જિંદગીમાં પણ ન ભુલાય એવો એક બનાવ બની ગયો. એક સાંજે અમે ફરવા નીકળ્યા. મેરઠ કૅંટોન્મેંટની રાહદારી વિનાની લાંબીપહોળી સડકો શાંત પડી હતી. સામે અમને એક ભિખારી જેવો કોઇ મિસ્કીન મુસલમાન મળ્યો. મેલાં કપડાં, વધેલી હજામત, પણ આંખમાં ગુમાનની ચમક, ખભે ગંદો ફાટેલો ટુવાલ નાંખેલો. અમારા ટોળામાંથી એક મશ્કરાએ કહ્યું:’સલામ આલેકુમ.’ એટ્લે પેલા ભિખારી જેવા દેખાતા મુસલમાને તરત જ પોતાને ખભેથી ફાટલો ટુવાલ નીચે જમીન પર પાથર્યો. એના ઉપર રાજગાદી ઉપર બેઠો હોય એવી બેઠક જમાવીને પછી એણે હાથ નમાવી ‘આલેકુમ સલામ ‘કર્યા. બીજું બોલ્યા કે ચાલ્યા વિના એણે ટુવાલ ખંખેરીને ખભે નાંખ્યો અને ચાલવા માંડ્યું.

        મારા અશ્ચર્યનો પાર નહોતો.પણ પેલા મશ્કરાને હકીકતની ખબર હતી. એણે કહ્યું:” સાહેબ, આ ગૃહસ્થ મોગલ પાદશાહતનો છેલ્લો પ્રતિનિધિ છે. બ્રિટિશ સરકાર એને વાર્ષિક ચાળીસ રૂપિયાનું પેંશન આપે છે. અમારી સલામ સામાન્ય માણસની જેમ એનાથી ઝીલી શકાય નહીં અને રાજતખ્ત તો છે નહીં. માટે આ ટુવાલને જમીન પર બિછાવીને, એને જ રાજતખ્ત માનીને એના ઉપર બેઠા પછી જ એ સલામનો વળતો ઉત્તર આપે છે. આપણે કોઇને કહીએ તો કોઇ માને નહીં.” મેં કહ્યું:”મેં પણ જોયું ના હોત તો માનત નહીં.”

        સમ્રાટ જોયા હતા. સમ્રાટ મટીને સદ્ ગૃહસ્થ થયા  તેવા માનવીને મળવાનું પણ ભાગ્યમા6 બન્યુ6 હતું. સમ્રાટોના વંશજ તરીકેના અભિમાની ગાંડપણમાં આદમિયતના એક ઓલવાયલા દીવાને પણ નસીબે દેખાડ્યો !આ બધી બાદશાહતોની જ પરંપરા !

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,210 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: