EK BOOTIYUN
એક બૂટિયું/નગીનદાસ સંઘવી
પાનું;241, ગાંધી-ગંગા,ભાગ-1,/લોકમિલાપ ટ્રસ્ટ ,ભાવનગર
ગાંધીજી હરિજન-ફાળા માટે ભારતભરમાં ઘૂમી રહ્યા હતા. દેહરાદૂનમાં આજુબાજુનાં ગામડેથી દર્શને આવેલી સ્ત્રીઓની સભામાં તેમણે નવો ખેલ ચલાવ્યો. ફાળો ભેગો કરવા માટે પોતે સભામાં ઊતર્યા અને ખોબો ધરીને ચાલવા લાગ્યા. ગાંડીતૂર થયેલ સ્ત્રીઓએ તેમના ખોબામાં પાઇ, પૈસો, આનો, અડધો, રૂપિયો, નોટો અને ઘરેણાં નાખવા માંડ્યાં. ખોબો ભરાઇ જાય એટલે મહાત્માજી હાથ છોડીને એ બધું નીચે પડી જવા દે અને “મારો ખોબો ખાલી છે, ભરી આપો” તેમ કહેતા જાય. પૂરો અડધો કલાક આ ખેલ ચાલ્યો. સભા વિખેરાઇ ગઇ. નીચે પથરાયેલાં નાણાં ઉપાડીને એકઠાં કરી લેવાનું કામ મહાવીર ત્યાગીને સોંપીને મહાત્માજી ચાલ્યા ગયા. પરચૂરણ, નોટો અને દાગીના એકઠા કરીને, તેની યાદી બનાવીને મહાવીરજી ખુશ થતા ઘેર પહોંચ્યા. ત્યાં તો રાત્રે સાડાનવ વાગે તાબડતોબ હાજર થવાનો સંદેશો મળ્યો. ત્યાગી આવી પહોંચ્યા ત્યારે ગાંધીજી અત્યંત ગુસ્સામાં હતા. “કામ માથે લેવા નીકળો ત્યારે કશી જવાબદારી સમજો છો ખરા કે નહિ?”
મહાવીર તો બિચારા મોં ફાડીને જોઇ જ રહ્યા. “સભામાં નીચે વેરાયેલું બધું કેમ એકઠું કર્યું નથી?”મહાવીરે ડરતાં ડરતાં કહ્યું:”જી, બધી જ ચીજો લઇ લેવામાં આવી છે.” “નથી લેવામાં આવી,” ગાંધીજીએ કહ્યું.”કોણે કહ્યું?”એવા ત્યાગીના સવાલના જવાબમાં ગાંધીજીએ એક નાનકડું બૂટિયું ઊંચું કર્યું. “આ બૂટિયું કહે છે તેની જોડ નથી. બૂટિયું આપવાવાળી બાઇ કંઇ એક જ બૂટિયું આપે નહિ. આની બીજી જોડ ત્યાં ચોક્કસ હોવી જોઇએ; તમને મળી નથી એનો અર્થ એ કે તમે પૂરી તપાસ કરી નથી.”
મહાવીર ત્યાગી પોતાનાં સંસ્મરણોમાં નોંધે છે કે, “રાત્રે કિટ્ સન
લાઇટો પેટાવીને અમે ઊપડ્યાં, બધી તાડપત્રીઓ ઊલટાવી પૂલટાવીને શોધખોળ કરી. ભગવાનની દયા તે બૂટિયું તો મળ્યું; પણ સાથે પરચૂરણ અને ચોળાયેલી ચૂંથાયેલી નોટો મળીને બસોએક રૂપિયાની રકમ પણ એકઠી થઇ. આ બધું બાપુને મોકલાવ્યું, પણ થોડા દિવસ તો તેમને મોં દેખાડતાં પણ શરમ આવતી.”
ગાંધીજી માનવતાને જગાડનારા પુરુષ હતા, અહિંસા માટે લડનારા હતા.
ગાંધીજી જે બોલતા એ જીવનમાં ઉતારતા હતા
કુંવરબાઇ ના મામેરામાં શ્રીકૃષ્ણ પાસે નરસિંહ મહેતાએ શું ગિરવે મુક્યું હતું ..?