swapna?

AAPANAA  GUJARAT RAAJYA NEE STHAAPANAA NAA 50 VARAS POORAA THAAY CHE. SAU GUJARATIONE  AA PRASANGE KHOOB KHOOB SHUBHECHCHHAAO,

gopal

 

SWAPNA?

12.સ્વપ્ન?

અમાસના તારા/કિશનસિંહ ચાવડા

 અગિયારબાર વર્ષની ઉમર હશે. સાંજે નિશાળેથી આવ્યો ત્યારે બાએ વાત કરી કે આજે નાટક જોવા જવાનું છે. આ ખુશખબર સાંભળીને નિશાળનો થાક ઊતરી ગયો. અંતર પુલકિત થઇ ગયું. અખાડામાંથી આઠ વાગે ઘેર આવી જવાની બએ આજ્ઞા કરી. તે સાંજે અખાદાના કામમાં જપણ અસાધારણ ઉત્સાહ રહ્યો. દંડબેઠકથી માંડીને કુસ્તી સુધીની બધી જ કસરત ઝડપથી અને સંભાળપૂર્વક પૂરી કરી. અખાડામાં કસરત ઉપર નજર રાખનાર નિરીક્ષક બંધુઓ પણ ખુશ થયા. રાત્રે જમીને અમે સૌ શ્રી વાંકાંનેર નૃસિંહ નૌતમ નાટક સમાજનું નાટક’યોગકન્યા’ જોવા ગયા. તે વખતે માત્ર સુધારક સ્ત્રીપુરુષો જ સાથે બેસતાં હતાં. એટલે બા અને બીજો સ્ત્રીવર્ગ ખાસ સ્ત્રીઓની બેઠકમાં ઉપર હતાં અને અમે સૌ નીચે બેઠા હતા. હું મારા જીવનમાં પહેલી વાર નાટક જોતો હતો.વાસ્તવિક  જીવન અને નાટક વચ્ચે ભેદ છે અને એ બે એક નથી એવું પણ એ વખતે જ્ઞાન નહોતું.એટલે પાછળથી જે યોગકન્યા બની તે રાજકુમારી કાંતાને સૂતેલી જ ઉપાડી જનાર મલયકેતુ તરફ મેં ધિક્કારનો વરસાદ વરસાવ્યો હતો. પછી એ જ રાજકુમારીને છોડાવવા માટે એના પ્રિયતમ કિશોરસિંહ અને એને ઉપાડી લાવનાર દુષ્ટ મલયકેતુ વચ્ચે યુધ્ધ થયું ત્યારે મારું ગભરુ અંત:કરણ પળેપળે કિશોરસિંહનો વિજય વાંછતું હતું, અને જ્યારે છેવટે રાજકુમારી કાંતા પોતે પણ  એક સૈનિકની તલવાર ઝૂંટવીને મલયકેતુની સામે પોતાના પ્રિયતમ સાથે ઝૂઝી ત્યારે મારા માનસમાં આ રાજ્કુમારીની ગૌરવમૂર્તિ રોપાઇ ગઇ. મારા હૃદયે જેનો વિજય વાંછ્યો હતો તે રાજકુમાર કિશોરસિંહનો જ વિજ્ય થયો અને મલયકેતુ મરણ પામ્યો.

         પછી તો કિશોરસિંહ અને કાંતા પરણ્યાં. રાજકુમારી કાંતા પોતાના સૂવાના ઓરડામાં હીંચકે બેસીને પોતાના પતિની વાટ જુએ છે. એક સખી ધીરે ધીરે રાજકુમારીને હીંચકો નાંખે છે. હીંચકો નાંખતી નાંખતી એ એક મધુરું ગીત ગાય છે. પાછળથી રાજકુમાર પ્રવેશ કરે છે. સખી રાજકુમારને જોતાં જ હીંચકો છોડીને અદ્રશ્ય થઇ જાય છે. પતિ ચૂપકીથી પોતાની પ્રિયતમાને ફૂલના હારથી બંદીવાન બનાવીને ચમકાવી દે છે. તરાજકુમારી પહેલાં ભયભીત થાય છે અને પછી પ્રેમની જાગૃતિથી રોમાંચિત બને છે. શરીરે વીંટળાયેલોહાર રાજકુમાર કાંતાને ગળે પહેરાવીને એની સાથે જ હીંચકે બેસે છે. થોડી પ્રેમવાર્તા થાય છે, પછી રાજકુમારી એક સ્નેહગીત ગાય છે.

      આ દ્રશ્ય જોતાં જોતાં મારું સમગ્ર અસ્તિત્વ હીંચકાના આ કાવ્ય-સ્વપ્નથી ભરાઇ ગયું. ત્યારબાદ આખું ‘યોગકન્યા’નું નાટક જોયું, પણ  મારા મનની આંખો આગળથી પેલો હીંચકો અને એ પ્રેમીયુગલ દૂર થયાં જ નહીં.

          પછી તો જીવન વહેતું ગયું, સમજણ વિકાસ પામતી ગઇ. દ્રષ્ટિ વિશદ થતી ગઇ અને સપનાં આવતાં ગયાં, પરંતુ એ સૌમાંથી હીંચકાનું કાવ્યસ્વપ્ન સર્વોપરી બની જીવનમાં ચક્રવર્તી રાજ કરી રહ્યું. સુગંધિત અને વીરશ્રીથી શોભતું યૌવન પાંગરવું જોઇએ એવી આકાંક્ષા જન્મી. ગમે તેવો ભયાનક  જીવનસંગ્રામ ખેલીને પણ  મનમાનતી પ્રિયતમા તો મેળવવી જ એવી મહત્ત્વકાંક્ષા જાગી અને એ લાવણ્યમયી ચારુશીલા પ્રિયતમા સાથે કોઇ છટકેલી ચાંદની રાતે હીંચકે બેસીને એને પ્રીતિબાથથી બંદીવાન કરીને પ્રેમઐક્યનો સાક્ષાત્કાર  કરવો એવી અભીપ્સા જન્મ્યા વિના ના રહી.

       માનવીનાં બધાં જ સપનાં કંઇ ઓછાં પૂર્ણ થાય છે ! પરંતુ આ સપનું સર્વદા જીવનની સાથે રહ્યું, સરી ના પડ્યું.યૌવન આવ્યું, પાંગર્યું, નવપલ્લવિત થયું. જીવનસંગ્રામ ખેલાયો. સંઘર્ષનો સામનો થયો, પરંતુ હીંચકાનું કાવ્યસ્વપ્ન સપનું જ રહ્યું. યૌવન અને કલ્પના બે ગાઢ મિત્રો છે. કોઇ કાવ્ય વાંચતાં એમાં  હીંચકાની વાત આવે કે મારું સપનું સળવળે.કોઇ સંગીતની મહેફિલ વખતે હીંચકાનું ગીત ઊછળે ને મારું સપનું બેઠું થાય. અધરાતે મધરાતે કાને કોઇ હીંચકાનો કચૂડકચૂડ અવાજ સંભળાય ને મારા સપનાનાં નયન ઊઘડે. આખરે હીંચકો અસ્તિત્વમા6 કેન્દ્ર બનીને જીવનની પ્રેરણા અને પરાક્રમનો સાક્ષી બની રહ્યો. જિંદગીનો ઘણો ભાગ પછી હીંચકા ઉપર જ વીત્યો પણ એ હકીકત રૂપે. એકલા જ. સ્વપ્નની પૂર્ણતા રૂપે—પ્રિયતમાની સાથે નહીં. ધીરે ધીરે હીંચકો મિત્ર બની ગયો. ભીની સવારે, ગમગીન સમીસાંજે કે સમસમત્વી સૂની રાતે મારા અંતરે એની સાથે ગુફ્તેગો કરવા માંડી.

       વસિષ્ઠ—અરુન્ધતી પણ કોઇ પીપળાની ડાળે હીંચકો બાંધીને ઝૂલ્યાં હશે. હીંચકા પર ઉછેરાયેલા એ પ્રેમઐક્યને કારણે જ તો આજે નવપરિણીત યુગલો પોતાના અવજીવનના પ્રારંભે આકાશમાં એમનાં દર્શન કરીને આશીર્વાદ માગે છે ને ! રામચંદ્રજી સીતાજીની સાથે પંચવટીમાં જ્યારે ચૌદ વરસનો વનવાસ ભોગવતા હતા ત્યારે પંચવટીના આંગણામાં કોઇ શિરીષના વૃક્ષની ડાળીએ બાંધેલા હીંચકા ઉપર જ એમણે જાનકી સાથે દાંપત્યનું સુભગ સખ્ય માણ્યું હશે. લક્ષ્મણે પણ રામચંદ્ર સાથે વનમાં જતાં પહેલાં ઊર્મિલાને અંતિમ સ્નેહથી હીંચકા ઉપર જ નવાજી હશે. લક્ષ્મણની સાથે યુધ્ધ્માં જતી વખતે ઇન્દ્રજિતને વિદાય આપતાં પહેલાં સુલોચનાએ હીંચકા ઉપર બેસીને જ પોતાના હૃદય ઉપર મેઘનાદનું માથું મૂકીને પ્રેમ કર્યો હશે. ઉષાને અનિરુધ્ધ લેવા આવ્યો ત્યારે એ હીંચકા પર બેસીને  જ એની વાટ નીરખતી હશે. રાધાકૃષ્ણે વૃદાંવનની કુસુમકુંજોમાં હીંચકે ઝૂલીને કેવી અપૂર્વ રસકેલિ કરી હશે ! દુષ્યંત કણ્વનો આશ્રમ છોડીને નીકળ્યો  ત્યારે શકુંતલાની સાથે એનું છેલ્લું મિલન કોઇ બકુલ વૃક્ષની ડાળીએ બાંધેલા હીંચકા ઉપર જ થયુ હોવું જોઇએ !

    આમ હીંચકે બેસીને, હીંચકાનું કાવ્યસ્વપ્ન સંભારી સંભારીને એકલતાને આરે અંતરે ચાલવા માંડ્યું.

      વસંત ઋતુની બહાર હતી. પાનખરમાં ખરી પડેલું પ્રકૃતિનું જીવન પલ્લવિત થતું હતું.  વૃક્ષો અને વેલીઓ નવા જીવનની લહેરથી ઝૂલતાં હતાં. દક્ષિણમાંથી આહ્ લાદક  પવન તાઝગી અને સ્ફૂર્તિ લૂંટાવતો વિસ્તરી રહ્યો હતો. માઘનો એ શુક્લ્પક્ષ હતો. આઠમ—નોમનો ચંદ્ર પૂર્ણિમાની પૂર્ણતા ભણી પ્રવાસ કરી રહ્યો હતો. રાતનો પ્રથમ પ્રહર પૂરો થવા આવ્યો હતો. કોકિલા બોલતી સંભળાતી હતી. હું  હીંચકા પર સૂતો સૂતો સામે ગુલમહોરના વૃક્ષ પર પથરાયેલી ચાંદનીને જોતો હતો. પોતાની સાથે જ વાતો કરવાની ટેવ પડી હતી. એ ગુફતેગો ચાલતી હતી ત્યાં મારી સામે વર્ષો પહેલાં જોયેલું હીંચકાનું દ્રશ્ય ઊપસી આવ્યું. પણ હીંચકા ઉપર રાજકુમાર  અને રાજકુમારીને બદલે હું એકલો જ બેઠો હતો. સામેથી કોઇ સુંદરી આવી રહી હતી. મારી સામે આવીને  ઊભી રહી. એનું આખું સ્વરૂપ સ્પષ્ટ હતું. મને ઓળખાણ પડી. એણે મારી પાસે બેસીને કહ્યું : હું જ તમારી જનમજનમની સખી. ધીરે રહીને એનો અવાજ ઓળખાયો. પછી તો આંખોમાં એ ઓળખાણ ઊંડી ઊતરી અને હું એને સ્નેહનો સ્પર્શ કરવા જાઉં ત્યાં જ એ તો ઊઠીને અળગી થઇ. જતાં જતાં બોલી: હમણાં જાઉં છું. જાગૃતિમાં મળીશ.

      ….. એ સ્વપ્ન હતું?

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો
One comment on “swapna?
 1. pragnaju કહે છે:

  જીવન આજની સરખામણીમાં આવતી કાલે ઘણું બહેતર બને એવી આપણે અપેક્ષા

  રાખીએ છીએ.

  આવતી કાલે, તમે તમારાં બધાં સપનાં-બધી અપેક્ષા પૂર્ણ કરવાની આશા રાખતા

  હશો પરંતુ અણધાર્યા-

  અનપેક્ષિત વળાંકો આવ્યા તો શું? અથવા તો કંઇક ન બનવા જેવું બન્યું તો? કદાચ

  અત્યારનો સમય જ એ સમય છે કે

  તમે તમારુ આયોજન કરૉ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: