LALLESHVARI   PART II  

 

એક દિવસ લલ્લેશ્વરીએ દૂરથી પ્રસિધ્ધ સૂફી સંત સૈયદ હમદાનીને જોયા અને જોરથી બૂમો પાડવા માંડી કે આજે મને અસલી પુરુષના દર્શન થયા છે, એક વાણિયાની દુકાને લલ્લેશ્વરી ગઇ અને દેહ ઢાંકવા વસ્ત્રની માંગણી કરી.  વાણિયાએ કહ્યું કે આજ લગી તો તને વસ્ત્રની આવશ્યકતા ન હતી તો આજે શા માટે વસ્ત્ર માગે છે. લલ્લેશ્વરીએ ઉત્તર આપ્યો કે આજે અસલી પુરુષ આવી રહ્યો છે.એ મને ઓળખે છે અને એને હું ઓળખું છું., એટલામાં સંત

હમદાનીનજીક આવી ગયા. બાજુમાં નાનબાઇની ભઠ્ઠી સળગી ર્હી હતી. લલ્લેશ્વરી એ સળગતી ભઠ્ઠીમાં કૂદી પડ્યા.સંત હમદાની  લલ્લેશ્વરીને શોધતા શોધતા ભઠ્ઠી આગળ પહોંચી ગયા અને તરત જ વાસ્તવિકતા સમજી ગયા. એમણે હાક પાડી  લલ્લી, બહાર આવ જો બહાર કોણ ઊભું છે?

લોકવાયકા છે કે એ જ ક્ષણે દિવ્યવસ્ત્રો પરિધાન કરેલી લ્લ્લેશ્વરી પ્રગટ થઇ. આ ઘટના પરથી કાશ્મીરમાં એક કહેવત પ્રચલિત થઇ છે કે ‘આવી હતી તો વાણિયા પાસે પરંતુ પહોંચી ગઇ નાનબાઇ પાસે,’

એક વખત લલ્લેશ્વરીના સાસરિયાના ગામ પાંપોરમાં એક ખુલ્લી સભાનુ આયોજન થયું હતું. ઘણા લોકોએ એમાં ભાગ લીધો હતો. લલ્લેશ્વરીના સસરા પણ એ સભામાં હજર હતા. એમણે જોયું કે એમની પુત્રવધૂ લલ્લેશ્વરી એ સભામાં નિ:વસ્ત્ર આવી હતી. એમણે ગુસ્સે થઇને લલ્લેશ્વરીને કપડાં પહેરવાની આજ્ઞા કરી અને પછી જ બહાર આવવા કહ્યું. લલ્લેશ્વરીએ વિરોધ કરતાં કહ્યું અહીંયા એને કોઇ મનુષ્ય દેખાતો નથી માત્ર ઘેટાં અને બકરાં જ દેખાય છે અને લલ્લેશ્વરીએ પોતાના સસરાને ફરીથી સભામાં જોવા કહ્યું. એના સસરા અવાક્ થઇ ગયા કારણકે એમને સભામાં માત્ર ઘેટાં અને બકરાં જ દેખાણા, કોઇ મનુષ્ય દેખાણો નહીં. તાત્પર્ય એ છે કે જે વ્યક્તિ માત્ર ભૌતિક ઉપલબ્ધિની પૂર્તિમાં જ વ્યસ્ત રહે છે એ પશુ છે અથવા લાકડાનો ટુકડો છે કે પથ્થર છે.

 

કહેવાય છે કે કાશ્મીરના મુસ્લીમ ઋષિ સંપ્રદાયના પ્રવર્તક સંત નન્દઋષિ કે જે પાછળથી શેખ નુરુદ્દીન વલીના નામે પ્રખ્યાત થયા હતા. એમનો જન્મ થયો ત્યારે એમણે માના સ્તનમાંથી દૂધ પીધું નહીં ત્યારે ફરતી ફરતી લલ્લેશ્વરી ત્યાં પહોંચી અને તાજા જન્મેલા શિશુને કહ્યું “માની યોનીમાંથી આવતા(જન્મલેતાં ) શરમ ન આવી તો હવે માના સ્તનમાંથી દૂધ પીતા શરમ શેની?”કહે છે કે તરત જ શીશુએ સ્તનપાન શરૂ કરી દીધું.એમ પણ કહેવાય છે કે વર્ષો પછી લલ્લેશ્વરી અને નન્દઋષિ અવારનવાર મળતા અને એમની સાથે ક્યારેક ક્યારેક કુલરવી સંપ્રદાયના મીર સૈયદાલી હમદાની પણ જોડાતા અને આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરતા તો ક્યારેક ત્રણેય અંદરોઅંદર એકબીજાને પોતાની પાસે રહેલ દિવ્ય અને રહસ્યપૂર્ણ શક્તિઓ બતાવતા અને ભવિષ્યવાણી પણ કરતા.

 કુલરવી સંપ્રદાયના કેટલાક અનુયાયીઓ એમ પણ માને છે કે શાહ હમદાનીના માર્ગદર્શન હેઠળ લલ્લેશ્વરી ચાર ચરણ  નાસૂત, મલકૂત, જબરૂત અને લાહુત પાર કરીને પરમ ધામ ‘અર્શ—એ-માજિદ’ (દુનિયને ચલાવનાર આકાશસ્થિત  ખુદા) સુધી પહોંચી હતી. કેટલાક મુસલમાનોનું એમ પણ માનવું છે કે લલ્લેશ્વરીએ પાછળથી ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો.

લલ્લેશ્વરીને કોઇ સંતાન ન હતા. વિષમ કૌટુંબિક જીવન હોવા છતાં પોતે ઇન્દ્રિયાતીત જગતમાં વિચરતી હતી. લલ્લેશ્વરીના જીવનકાળ દરમ્યાન કાશ્મીરમાં ઇસ્લામ ધર્મનું આગમન થઇ ચૂક્યું હતું. સમગ્ર ભારતમાં ઘોર અશાંતિ તથા ધાર્મિક અવ્યવસ્થા વ્યાપ્ત હતી. સામાજિક, આર્થિક તથા રાજનૈતિક વિષમતાઓને કારણે સામાન્ય જનતા ત્રસ્ત હતી. ધર્માંધ કટ્ટરવાદનું જોર વધતું હતું .દરેક સંપ્રદાય પોતાને શ્રેષ્ઠ માનતો હતો. કાશ્મીર પણ આમાંથી બાકાત ન હતું.આવે સમયે લલ્લેશ્વરીએ પોતાને થયેલ અનુભૂતિઓને આધારે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સીધી સાદી સરળ ભાષામાં જે પદો દ્વારા વ્યક્ત કર્યું એને ‘વાખ’ કહે છે. આ વાખ ચાર પદના હતા. છંદમુક્ત પણ લયબધ્ધ અને ગેય. જેમ નરસિંહ મહેતાએ રચિત ભજનો, પદો કે પ્રભાતિયા આજ દિન સુધી ગુજરાતના ગામોમાં ગવાતા આવ્યા છે એમ લલ્લેશ્વરી રચિત ‘વાખ’ પણ પેઢી દર પેઢીથી કાશ્મીરના ગામોમાં ગવાત આવ્યા છે. આ વાખ લલ્લેશ્વરીના સમયમાં લિપિબધ્ધ ન થયા પણ સેંકડો વર્ષો સુધી મૌખિક પરંપરા દ્વારા સચવાણા. પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર આવું સાહિત્ય કાગળ ઉપર નહીં પણ સ્મૃતિપટલ પર અંકિત થવું જોઇએ. ભોજપત્ર કે કાગળ પર લિખિત સાહિત્ય કરતાં હાડમાંસના બનેલ સ્મૃતિપટલ પર અંકિત થયેલું સાહિત્ય અધિક વિશ્વસનીય છે એવી માન્યતા પ્રચલિત હતી.

 સર્વપ્રથમ મહામહોપાધ્યાય પંડિત મુકુંદરામ શાસ્ત્રીની સહાયતાથી અંગ્રેજ  સર જ્યોર્જ ગિયર્સન મહોદયે ‘લલ—વાક્યાનિ’ શિર્ષક હેઠળ આ ‘વાખ’ ને સંપાદિત કર્યા અને ઇ.સ.1920માં રોયલ એશિયાટિક સોસાઇટી, લંડન દ્વારા ‘લલવાક્યાનિ’પુસ્તક પ્રકાશિત થયું.

લલ્લેશ્વરીના ‘વાખ’ નું સંકલન અને અનુવાદનું કાર્ય જે વિદ્વાનોએ કર્યું છે એમના નામ નીચે મુજબ છે.

(1)રાજાનાક ભાસ્કરાચાર્ય

(2)સર્વાનન્દ ચરારી

(3)આનંદ કૌલ બામજઇ

(4) એસ. કલ્લા

(5)જયાલાલ કૌલ જલાલી

(6) ગોપીનાથ રૈના

(7)આર.કે.વાંચૂ

(8) નન્દલાલ તાલિબ

ભારતની મધ્યકાલીન સંત પરંપરાની જેમ લલ્લેશ્વરીએ ‘વાખ’ દ્વારા બાહ્યાડંબરો તથા ક્રિયાકાંડોનું ખંડન કર્યું હતું અને આત્મનિરીક્ષણ, આત્મશુધ્ધિ તથા નિષ્કામ સાધન પર વિશેષ જોર આપ્યું હતું.  એમના વાખના કેન્દ્રમાં હતી કોઇ પણ સંપ્રદાયના વિધિવિધાનના કે બાહ્ય ક્રિયાકાંડના આગ્રહથી પર એવી પરમ  તત્ત્વની અનુભૂતિ.એમના ‘વાખ’ પર શૈવ,વેદાંત તથા સૂફીદર્શનની સ્પષ્ટ ચાપ દેખાઇ આવે છે. માત્ર મૂર્તિપૂજા, પશુબલી, તીર્તાટન, શાસ્ત્રપાઠકે વ્રતપાલનને જ જેઓ ઇશ પ્રાપ્તિના સાધન માને છે અને એનાથી જ જેઓ સંતુષ્ઠ છે એમનું પણ લલ્લેશ્વરીએ ખંડન કર્યું હતું. કાશ્મીરી બ્રાહ્મણો માંસાહાર કરતા હોય છે એની પણ લલ્લેશ્વરીએ ટીકા કરી હતી અને દેવતાઓને પ્રસન્ન કરવા મટે થતા પશુબલીનો પણ નિષેધ કર્યો હતો.

લલ્લેશ્વરી માનતા હતા કે માનવીના દેહમાં વિશ્વચેતનાનો એક અંશ હોય છે જેનો અંતદૃષ્ટિ દ્વારા અનુભવ થઇ શકે છે. લલ્લેશ્વરીએ નિયતીનો સ્વીકાર કરેલ છે. ભાગ્યનો પણ સ્વીકાર કરેલ છે.એઓ માનતા હતા કે ભાગ્યના લેખ અમીટ છે એને કોઇ મિટાવી શકતું નથી.

લલ્લેશ્વરીની સાધના યોગ સાધના યોગ સાધના છે. ભારતના એ પહેલાં સ્ત્રીસંત છે કે જેમના ‘વાખ’ માં ષટચક્રોનો, પ્રાણાયામનો, પંચપ્રાણનો કે ઇંડા, પિંગલા, સુષુમણા નાડીનો ઉલ્લેખ જોવા મળે છે. એમના ‘વાખ’ મા6 કોઇ વાદની કે કોઇ દર્શનનો ઉલ્લેખ નથી, ઉલ્લેખ છે માત્ર અનુભૂતિઓનો.

 લલ્લેશ્વરીની અભિવ્યક્તિમાં કાવ્યાત્મક સુંદરતા જોવા મળે છે. એમણે પોતાના ‘વાખ’ માં ઉપમા, ઉત્પ્રેક્ષા, વિરોધાભાસ અને અનુપ્રાસ જેવા અલંકારોનો ઉપયોગ કર્યો છે.’વાખ’ ની મૂળ ભાષા સંસ્કૃતનિષ્ઠ છે પણ એમાં ફારસી અને અરબી શબ્દોનો પ્રભાવ પણ દેખાય છે. એમના વાખ કાશ્મીરી ભાષાની પહેલવહેલી રચના છે.  

 

લલ્લેશ્વરીના જીવનની જે કિંવદંતીઓ છે એને ઐતિહાસિક ઘટના માનવી ઉચિત નથી. અધિકાંશ કિંવદંતીઓ ભક્તોની આસ્થા અને શ્રધ્ધાને કારણે ઉદ્ ભવી છે એવું વિદ્વાનો માને છે.

શેખ નુરુદ્દીન ઋષિએ લલ્લેશ્વરી વિશે એમ કહ્યું:-

એ પાંપોરની લલ્લાએ કર્યું દિવ્ય અમૃતનું પાન

એ તો હતી અવતાર પ્રભુ, અમને પણ આપો એવું વરદાન

 

રૂપભવાનીએ લલ્લેશ્વરી વિશે એમ કહ્યું:-

લલ્લી એટલે પરમ ગુરુ.

પરમાનન્દે લલ્લેશ્વરી વિશે કહ્યું:-

યોગના સાત ચક્રો ભેદી અનાહત નાદ, બિંદુ અને ઔમ( ) ને આત્મસાત કરી લલ્લેશ્વરી બ્રહ્માનંદમાં થઇ ગઇ.

શેખ નાસિર ઉદ્દ્દીને લલ્લેશ્વરીની પ્રશંસામાં લખ્યું:-

પરમતત્ત્વની અનુભૂતિ માટે એણે હ્રદયાગ્નિમાં બધી જ વાસનાઓ બાળી નાખી અને ‘અહદ-ઐ- અલસ્ત’ નો પ્રેમપિયાલો પીને આનંદોલ્લાસથી ઉન્મત થઇ ગઇ.

શમસ ફકીર એના વિશે કહે છે:-

ગઇ હતી ઘાટ પર કરવા દેહસ્નાન

ચિત્તને તો લાગી ગયું અલખનું ધ્યાન

કૂદી પડી તેજીથી એ તો પરમ ઘાટમાં

જ્યાં કોઇ ન હતું સિવાય કે ભગવાન.

 શ્રીનગરથી 28 માઇલ દૂર શ્રીનગર—જમ્મુ હાઇ વે પર સ્થિત વેજીબ્રોર(બ્રિજબિહાડા)

ગામમાં જુમા—મસ્જીદની દીવાલની  પાછળ લલ્લેશ્વરીએ દેહત્યાગ કર્યો હતો એવું મનાય છે.

મુહમ્મદ્દીએન ફોકે પોતાના પુસ્તકમાં લલ્લેશ્વરીના દેહત્યાગની ઘટનાનો ઉલ્લેખ આ રીતે કર્યો છે:-

એક દિવસ લલ્લેશ્વરી માટીના ટબ જેવા મોટા વાસણમાં બેસી ગઇ અને વાસણને ઉપરથી એવા જ મોટા વાસણથી બંધ કરી દીધું . જેમણે આ જોયું એ બધા આશ્ચર્યચકિત થઇ ગયા. થોડીવાર પછી લોકોએ ઉપરના વાસણને હટાવીને અંદર જોયું તો અંદર કાંઇ ન હતું આ રીતે લલ્લેશ્વરીએ દેહનો ત્યાગ કર્યો. કેટલાક વિદ્વાનો એમ માને છે કે ફાગણ સુદ આઠમે લલ્લેશ્વરીએ દેહ—ત્યાગ કર્યો હતો.

આશ્ચર્યની વાત એ છે કે કાશ્મીરમાં લલ્લેશ્વરીનું કોઇ પણ સ્મારક, સમાધિ, મંદિર કે મકબરો ક્યાંય નથી. લલ્લેશ્વરીએ જ લખ્યું છે ને કે,

ન હું કોઇ માટે રડી છું,

ન કોઇ મારા માટે રડે

કારણ કે

મારા માટે તો જનમ મરણ છે સમાન

મેંતો સદા ગાયા છે અલખના ગાન.

વિશે

I am young man of 77+ years

Posted in વ્યક્તિવિશેષ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,215 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: