P S 137 માંદગીના બિછાને//કુંદનિકા કાપડિયા
પરમ સમીપે/અગિયારમી આવૃત્તિ,1997/પાનું 137
માંદગીના બિછાને,
મારા પીડાભર્યા દિવસો એક પછી એક વીતી રહ્યા છે.
હૉસ્પિટલ ને ઑપરેશન, દવાઓ અને ડૉક્ટરો
વેદના, ત્રાસ ને મૂંગી ચીસોનું એક અશાંત વાતાવરણ
મારી આસપાસ વીંટળાઇ રહ્યું છે.
પહેલાં,આવી સ્થિતિની કલ્પનામાત્રથી હું કંપી ઊઠતો,
પીડાના ખ્યાલમાત્રથી હું ભય પામતો, ભગવાન !
પણ આજે હું એની વચ્ચે છું ત્યારે સમજાય છે કે
એમાંથી શાંતિપૂર્વકપસાર થવાનું અઘરું છે, પણ અશક્ય નથી.
મારી માંદગીએ મને મારી અંદર ડોકિયું કરવાની તક આપી છે
અને મારી શારીરિક પીડાએ જ મને,
હું માત્ર શરીરછું એ ભાનમાંથી બહાર કાઢ્યો છે.
મહાવીરના કાનમાં ખીલા ઠોકાયાની અસહ્ય પીડા
ઇસુની શૂળી—આરોહણની કારમી છીસ
રામકૃષ્ણના કેંસર ની દાહક વેદના–
આ ભયાનક ક્રૂર કસોટી વચ્ચેથી પણ
તેમનો મહિમા ને તેજ પ્રકાશે ઊઠ્યાં હતાં.
વેદનાનો સંકેત હવે હું સમજું છું
અને એની સાથે મારું માથું નમાવું છું.
આ પીડાથી મારું અસ્તિત્વ ધોવાઇને પરિશુધ્ધ બને છે.
દુનિયાના લાખો કરોડો પીડિત જનો સાથે
હું તાદાત્મ્ય અનુભવું છું.
આ માંદગીએ મારા હૃદયની ક્ષિતિજો વિસ્તારી છે
આ પરિસ્થિતિને હું તારો અનુગ્રહ જ માનું છું.
ડૉક્ટ્રો ને નર્સોની દેખભાળમાં
સ્વજનોની પ્રેમાળ સેંવામાં
દૂરથી આવતા પત્રોમાં પ્રગટ થતી ચિંતામાં
જલદી સાજા થવા માટે મોકલાતા સંદેશા ને ફૂલના ગુચ્છામાં
હું તારી કૃપા જોઉં છું ને તારું સ્મરણ કરું છું.
આ બધા પ્રત્યે હું કૃતજ્ઞ રહું
તેમના પર ઓછામાં ઓછો બોજો થાય તેમ કરું
મને સાજો કરવાના તેમના પ્રયત્નોમાં
હૃદયપૂર્વક તેમને સહકાર આપું—એવું કરજે, પ્રભુ !
મારી જાતની દયા ખાવામાંથી મને બચાવજે,
માંદગીના નામે ખોટી માગણીઓ ને અપેક્ષાઓ
રાખવામાંથી મને બચાવજે–
મારી આસપાસ, મારી જેમ જ
જે લોકો દુ;ખી અવશ પથારીમાં પડ્યા છે
તે સૌના પર પણ તારા આશીર્વાદ વરસાવજે.
અને—
કોઇ વાર, કાળી યાતનાની ઘડીઓમાં
તારા પરની શ્રધ્ધા, કદાચ છે ને, ડગમગી જાય
મારું હૃદય ભીરુ થઇને અંધારામાં ડૂબી જાય
તો મને ક્ષમા કરજે પ્રભુ, અને
ધીમા પગલે આવી મારા દીવાની વાટ સંકોરી આપજે.
પ્રતિસાદ આપો