MAKARAND—MASTI –II

 

ગણપત ગાઇ લે ! 

 

ગણપત ગાઇ લે, સદાય સુખ પાઇ લે,

         ગુરુ મળ્યા છે બ્રહ્મજ્ઞાની, મારા હરિજન !

                  પીઓને પ્રેમરસ જાણી રે હો જી.

 

વિઘન વિદારણ, કાજ સુધારણ,

          ક્રોડ તેત્રીસ આગેવાની, મારા હરિજન !

                  પીઓને પ્રેમરસ જાણી રે હો જી.

 

જલ કેરી પેદાશ ભઇ સબ,

         જલ કેરી જુગતિ રચાણી રે,

સોહી સાહેબ કેમ છોડીએ, બંદા !

         તન મન ધન કુરબાની, મારા હરિજન !

                 પીઓને પ્રેમરસ જાણી ર હો જી.

ભૂલ્યો ભમરો ફરે ભટકતો,

         બોલે ભરમ કેરી વાણી  રે,

સતગુરુ મળે સાન સમજાવે,

         આતમની ઓળખાણી, મારા હરિજન !

                પીઓને પ્રેમરસ જાણી રે હો જી.

ગુરુજી હાથ ધર્યો શિર ઉપર,

         ઝળહળ જ્યોતું દરશાણી રે,

મિટ્યો અંધારો, ભયો રે ઉજિયારો,

         હિરદે જ્યોત જણાણી, મારા હરિજન !

               પીઓને પ્રેમરસ જાણી રે હો જી.

 

આ રે મારગડે કેતા નર સીધ્યા વીરા,

          સોનલે સુરતા બંધાણી  રે,

ઊપજ્યો વેરાગ, પરમ કેરી ભગતિ તો

હરિજન વીરલાએ માણી, મારા હરિજન !

          પીઓને પ્રેમરસ જાણી રે હો જી.

સાધુડાની વાણી મેં સદાય મુખ જાણી,

         બાવો બોલે વેણ પર વાણી રે,

કહે રે ભૈરવનાથ ખુલ ગયાં તાળાં તો,

       અરસપરસ ઓળખાણી, મારા હરિજન !

                   પીઓને પ્રેમરસ જાણી રે હો જી.

 

સમજુતી: શ્રીમકરન્દ દવે

 

ભજનવાણીના આરંભમાં સર્વ વિઘ્નોના હર્તા અને મંગલકર્તા તરીકે ગણપતિનું સ્મરણ  કરવામાં આવે છે. યોગારંભે યોગી પણ મૂલાધારમાં ગણપતિનું સ્થાપન કરી સાધના શરૂ કરે છે. કારણકે આ ભજનમાં આવે છે તેમ’ક્રોસ તેત્રીસ આગેવાની’ –તેત્રીસ કરોડ દેવતાની જેમ શરીરને તેત્રીસ કરોડ રોમ—રાઇના અગ્રણી અને અધિષ્ઠાતા તરીકે ગણપતિનું સ્થાન છે. ગણપતિને બુધ્ધિ અને સિધ્ધ્ઇના સ્વામી ગણવામાં આવે છે. તેમના દ્વારા સાધક સૂક્ષ્મબોધની ગ્રહણશીલતા અને સિધ્ધિ પ્રાપ્ત કરવાની પ્રેરણા તથા બળ મેળવે છે.

‘જલ કેરી પેદાશ ભઇ સબ’—સૃષ્ટિની આ સર્વ રચના જલમયી પ્રકૃતિથી થઇ છે. મનુષ્યશરીર પણ માતા—પિતાના રજવીર્ય દ્વારા જલની જ રચના છે. જેણે આવી આશ્ચર્યજનક સૃષ્ટિની રચના કરી એ માલિકને કેમ વીસરીએ?એના પર તો તન-મન-ધન સઘળું ન્યોછાવર. આ જલમયી, કાચી રચનાને સિધ્ધ, પાકી કેવી રીતે બનાવી શકાય ? ‘ગોરખ—દેવી સંવાદ’ માં આવે છે:

 

‘સ્વામી, કાચીબાઇઅ, કાચા જિંદ, કાચી કાયા, કાચા બિંદ,

ક્યૂં કરિ પાકૈ ક્યૂં કરિ સીઝૈ, કાચી અગનિ નીર ન ષીજૈ.’

’તો દેવી, પાકી બાઇઅ, પાકા જિંદ, પાકી કાયા, પાકા બિંદ,

બ્રહ્મ અગનિ અખંડિત બલૈ, અગનિ નીર પર જલૈ.’

 (હે સ્વામી, વાયુ કાચો છે, જીવન કાચું છે, શરીર કાચું છે અને બિંદુ (શુક્ર) પણ કાચું છે તે કેવી રીતે પાકાં થઇ શકે? કેવી રીતે સિધ્ધ થઇ શકે?કાચા અગ્નિથી જલ પાકી નથી શકતું.

 હે દેવી, વાયુ, જીવન, શરીર અને બિંદુ ત્યારે પાકાં થાય છે, જ્યારે બ્રહ્માગ્નિ અખંડપણે પ્રજવલિત થઇ ઊઠે છે. આ રીતે બ્રહ્માગ્નિ કે યોગાગ્નિના પ્રગટ થવાથી જલમયી પ્રકૃતિ જલી જાય છે. )

મૃણ્મયી માટીની કાયાને સ્થાને યોગીની ‘નિર્માણ કાયા’ –ચિન્મય કાયાનું સર્જન થાય છે. યોગિની જેમ ભક્તનો પણ ‘ભાવદેહ’ બંધાય છે અને જ્યાં કાળ કે કર્મનું કાંઇ પણ નથી ચાલતું એવા નિત્ય આનન્દલોકમાં તે વિહરે છે.

‘ભૂલ્યો ભમરો ફરે ભટકતો’—જેને આ તત્ત્વનું જ્ઞાન નથી તે ભૂલેલા, કહેવાતા જ્ઞાનીઓ, પંડિતો અનેક જાતની ભ્રમભરેલી વાણી ઉચ્ચારતા ફરે છે, મોટા ને ખોટા ઉપદેશ આપે છે. પણ જેણે પોતે આત્મ—સાક્ષાત્કાર કર્યો છે એવા સતગુરુ મળે તો કાંઇ પણ બોલ્યા વિના માત્ર સાનથી, સંકેતથી આતત્ત્વ સમજાવી દે છે. અને આ નાશવંત જગતમાં અવિનાશી આત્માની ઓળખ થઇ જાય છે.

 

‘ગુરુજીએ હાથ ધર્યો શિર ઉપર’—મારા ગુરુએ

મારા માથા પર હાથ મૂક્યો, અત્યંત પ્રેમ અને પ્રસન્નતાથી મને સાધનાનો મર્મ સમજાવ્યો, શક્તિ આપી અને મને પરમ જ્યોતિના દર્શન થયાં. મારું અજ્ઞાન નાશ પામ્યું, પ્રજ્ઞાનો પ્રકાશ થયો અને મારા હૃદયમાં જ મેં પરમાત્માને પિછાણ્યા.

ગુરુકૃપાનો આવો અનુભવ વર્ણવતાં દાદૂ કહે છે:

 

’દાદૂ ગૈબ માંહિ ગુરુદેવ મિલ્યા, પાયા હમ પરસાદ,

મસ્તકિ મેરે કર ધર્યો, દેખ્યા અગમ અગાધ.’

 

‘આ રે મારગડે કેતા નર સીધ્યા, વીરા’—કેટલાયે સાધકો આ માર્ગે સિધ્ધિ પામ્યા છે અને તેમની સુરતા સોનલે—એટલે કે જેને ક્દી કાળનો કાટ ન ચડે એવા શુધ્ધ આત્મતત્ત્વ સાથે સંકળાઇ ગઇ છે.જેમનાં હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે તેવા વિરલ સાધુજનોએ પરમની ભક્તિનો સ્વાદ માણ્યો છે.

’સાધુડાંની વાણી મેં સદાય મુખ જાણી’—આવા સાધુજનોની વાણી મેં કાંઇ પુસ્તક—પોથાં વાંચીને જાણી નથી પણ મુખોમુખ સાંભળી છે. તે જ્યારે બોલે છે ત્યારે વેણથી પર એવી પરાવાણીનો રણકો સંભળાય છે. ભૈરવનાથ  કહે છે કે મારા અંતરનાં તાળાં ઊઘડી ગયાં તો આત્મા અને પરમાત્માનો પરિચય થઇ ગયો. બંને વચ્ચે કશો ભેદ નરહ્યો.

ભજનવાણીમાં શાસ્ત્ર—પુરાણોના વાચનને બદલે સીધી ગુરુમુખી વાણી ઝીલવાનો મહિમા ઘણો છે. અનુભવમાંથી ઊઠતા જીવતા શબ્દોને શેડકઢા દૂધની ઉપમા આપવામાં આવી છે. આ શબ્દોને હ્રદયમાં ઉતારી, વલોવી,મંથન કરીને સ્વાનુભાવના ઘૃતરૂપે, અમૃતરૂપે સારવી લેવા જોઇએ.દાદૂ કહે છે:

’સબદ દૂધ, ઘૃત રામરસ, કોઇ સાધ બિલોવણહાર,

દાદૂ અમૃત કાઢિલે, ગુરુમુખિ ગહૈ બિચાર.’

પાઠભેદ:

’પીઓ રામરસ જાણી’ પણ ગવાય છે.

બીજી કડી :

બુંદ થકી નર પેદા હુવા, વીરા,

જલ કેરી  જુગતી  રચાણી  રે,

એક એક નામ શબદ નવ છોડો, વીરા,

તન મન ધન કુરબાની, મારા હરિજન.

 

છેલ્લી કડી:

    ‘બાવો બોલે વેણ પરવાણી’

પરવાણી—પરમાણી, પ્રમાણિક, વિશ્વનીય વાણી બોલે છે.      

 

વિશે

I am young man of 77+ years

Posted in ભજન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: