SACHU BHAJAN/SUNDARAM
સાચું ભજન//સુંદરમ્
ભજન આજ સાચું ગાઓ મારા ભાઇ,
બીજાનાં ગાણાં ગાયા બહુ ભાઇ !
ગિરધરલાલની ભગત મીરાંબાઇ,
ગરબી કૂદી કૂદી ગાઇ;
મીરાંએ વખડાં ઘોળે પીધાં,
આલ્યા તારાથી ધાડ શી મરાઇ?….ભજન….
ધ્રુવજી બાળકડે વગડો વસાવ્યો, ને
અલખની ધૂન મચાઇ;
તારા જીવનની મીઠી પરોઢ તેં–
ઊંઘી ઊંઘીને વિતાઇ…..ભજન…
મોરધ્વજ રાજાએ કરવત મુકાવ્યું,
આંખે ના રાતી થઇ;
પરભુને કાજે પૈસા દેતાં તારા–
કાળજામાં લાય લાગી ગઇ…….ભજન….
સતિયા લોકોની વાતો લાંબી,
એને કાયાની માયા ના કંઇ;
માથું મેલીને ભક્તિ કરી ત્યારે–
દુનિયામાં નામના થઇ…..ભજન….
કરમ—ધરમ કૈં સમજ તું જાતે,
ના બીજાનું ગાયું ગઇશ;
ભજન ગાયે તને તારી લેશે એમ–
સમજ્યો તો લટકી રહીશ….ભજન….
જાતે છે ડૂબવું ને જાતે ઊગરવું,
કોઇનું ના ચાલે કાંઇ;
કોયો ભગત કહે અક્કલ પરતાપે,
વાવ્યું તે ઊગે ભાઇ !…ભજન…
===================
મધ્યકાલીન સંતકવિઓની વાણીના ચોકઠામાં બરાબર બેસી જાય એવા આ ભજનના રચનાર કોયા ભગત તે બીજા કોઇ નહીં, પણ આપણા સાધક-કવિશ્રીસુન્દરમ્ પોતે જ.પોતાના કથન માટે અહીં દાખલા પ્રાચીન ભક્તોના આપ્યા છે, પણ આ રચનાનો ભીતરે રણકો ગાંધીયુગની નવજાગૃતિનો છે. ગાંધીજી ગાઇવગાડીને કહેતાકે, કોઇ વાત હું કહું છું માટે માની લેતા નહીં. તમારી અક્કલમાં ઊતરે અને મન કબૂલ કરે તોં જ મારી વાત માનજો. અને માનો તો એને અમલમાં મૂક્જો.
સંત-મહાત્માઓ પ્રતે આદર હોય એ સારી વાત છે. પણ કેવળ અહોભાવથી એમનું નામસ્મરણ કર્યા કરીએ, એમનાં ગુણગાન ગાયા કરીએ, એમનાં રચેલાં ભજનસ્તોત્રો લલકાર્યા કરીએ, એનાથી કંઇ અર્થ સરતો નથી.એ મહાપુરુષોને સામે પલ્લે આપણી જાતને મૂકીને જોખી જોવી જોઇએ. આપણું મુખ અને ચાલ પુરુષાર્થપૂર્વક એમના ઊર્ધ્વપંથ તરફ વાળવું જોઇએ. આપણી સંસ્કૃતિમાં સદ્ ગુરુનો મહિમા ઘણો મોટો છે.’ગુરુ બિન કૌન બતાવે વાટ?’એમ જે કબીર સાહેબે કહ્યું છે એ ખોટું નથી. પરંતુ આધ્યાત્મિક અથવા જીવનના કોઇ ઉચ્ચ ધ્યેય તરફ દોરી જવાનું કામ ગુરુજન પણ અકરી કરીને કેટલું કરી શકે? તાડે ચડનારને ક્યાં સુધી ટેકો થાય? હાથ પહોંચે ત્યાં સુધી. ગુરુજનો પણ એમના હાથ પહોંચે ત્યાં સુધી જ આપણને ટેકો કરી શકે. આખરે તો આપણાં બાવડાંને જોરે જ તાડ પર ચડવાનું રહે છે. આપણે તુંબડે જ ભવસાગર તરવાનો છે. આપણી અક્કલહોશિયારીથી જ કામ લેવાનું છે. માટે તો કવિ કહે છે:
ભજન આજ સાચું ગાઓ મારા ભાઇ,
બીજાનાં ગાણાં ગાયાં બહુ ભાઇ !
મીરાં નાં પદ તો તમે ખૂબ લલકારો છો, પણ મીરાં તો ઝેરને અમૃત કરીને પે ગઇ હતી—એવી તાકાત તમારામાં છે?
ધ્રુવજી બાળકડે વગડો વસાવ્યો, ને
અલખની ધૂન મચાઇ,
તારા જીવનની મીઠી પરોઢ તેં–
ઊંઘી ઊંઘીને વિતાઇ.
કવિએ અહીં ધ્રુવજીનો દાખલો આપ્યો છે એ ખૂબ સૂચક છે. ભક્તિ એ કંઇ ધોળા આવ્યા પછી જ કરવાની ચીજ નથી.’ઘડપણમાં ગોવિંદ ગાશું’ એ વાયદો ખોટો છે.ધ્રુવજી જેવી બાલ્યવયમાં પણ ભક્તિની ઉચ્ચતમ સપાટી સિધ્ધ થઇ શકે છે. પણ આપણે તો જીવનના મીઠા પરોઢ જેવી આપણી બાલ્યાવસ્થા કેવળ ઊંઘી ઊંઘીને જ વિતાવી નાખીએ છીએ!
કવિ આગળ ચાલીને મયૂરધ્વજ રાજાનું દૃષ્ટાંત આપીને કહે છે કે, એ રાજાએ તો કાયા પર કરવત મુકાવી તોય આંખમાંથી એક આંસુ સરખું ન પાડ્યું. અને આપણે તો ‘પરભુને કાજે’ –પરમાર્થને માટે –કોઇને કાણો પૈસો આપવો પડે તોય હાથે જમડા બેસી જાય છે ! સતિયા લોકોની વાત નોખી છે. એમના જેવા કંઇ અમથા થવાતું નથી. દેહની મમતા મૂકીને એમણે શિરને સાટે ભક્તિ કરી તેથી જ એ દુનિયામાં નામ કરી ગયા છે. માટે કર્મધર્મનો સાચો મર્મ જાતે સમજી લઇને જો આપબળે આગળ વધીશું તો જ તરીશું; બાકી માત્ર ભજનભડાકા કર્યાથી તો લટકી જ રહીશું.
જાતે છે ડૂબવું ને જાતે ઊગરવું,
કોઇનું ના ચાલે કંઇ;
કોયો ભગત કહે અક્કલ પરતાપે,
વાવ્યું તે ઊગે ભાઇ !
આ ભવસાગરમાં ડૂબવું કે તરવું એ આપણા જ હાથની વાત છે. એમાં બીજા કોઇનું ચાલે એમ નથી. આ વાતને સમર્થન આપવા કવિએ કેવી ચાતુરીભરી નવી રીત અજમાવી છે ! આપ્ણા ભજનોમાં ‘કહે રવિદાસ ગુરુ ભાણપ્રતાપે ‘ એમ આવે છે. એટલે કે ગુરુને જ બધો જશ આપે છે.જ્યારે અહીં —
’કોયો ભગત કહે અક્કલ પરતાપે’
ગુરુ પરતાપે નહીં, પણ અક્કલ પ્રતાપે કોયા ભગત કહે છે કે, જેવું વાવશો એવું જ ઊગશે.અર્થા આપાક્કલને જ અહીં ગુરુસ્થાને સ્થાપી છે, એ એક નવીન અભિગમ છે.
આ ભજનમાં કોયા ભગતે આપણને ઢંઢોળવા ચાબખો અખાનો લીધો છે, પણ એને મારવાની રીત દયારામે ‘પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાયે’—એ પદમાં અજમાવી છે એના જેવી હળવી રાખી છે.ચામડી પર સોળ ન ઊઠે, તોય ચમચમાટી તો બોલે જ. પણ બીજે હાથે એ ચમચમાટીના શમન માટે કાવ્યાસ્વાદનો વીંઝણો નાખવાનું કવિ ભૂલ્યા નથી.
10/07/1970
પ્રતિસાદ આપો