અર્જુનના રથને મારા અશ્વો જોડાયેલા છે—ક્રૂષ્ણ
ક્રૂષ્ણ અને માનવ સંબંધો/પ્રકરણ:2/પાના નં:25થી 32

અર્જુનના જીવનમાં ક્રૂષ્ણે પાયાનો ભાગ ભજવ્યો છે.ક્રૂષ્ણને પાંડવો માટે પ્રીતિ હતી, પણ પાર્થ પ્રત્યે તેમને પક્ષપાત હતો. ઇન્દ્ર પાસેથી માગેલા વરદાનમાં પણ એ જણાઇ આવે છે.(ખાંડવ દહન પછી, જે કામ દેવતાઓ પણ ન કરી શક્યા એ કામ ક્રૂષ્ણ અને અર્જુન કરી શક્યા,એથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર એ બંને ને વરદાન માંગવાનું કહે છે ત્યારે ક્રૂષ્ણ માંગે છે કે ‘પાર્થ સાથે મારીશાશ્વત પ્રીતિ રહો.) ક્રૂષ્ણે અર્જુનના જીવનમાં બે તબક્કે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવ્યો.સૌ પ્રથમ તો દ્રૌપદી સ્વયંવરથી માંડી સુભદ્રાના હરણ વચ્ચેના અર્જુનના જીવનને ક્રૂષ્ણે વળાંક આપ્યો. આ વળાંક જો અર્જુનના જીવનમાં ન આવ્યો હોત તો કદાચ જે અર્જુનને આપણે જાણીએ છીએ એ અર્જુન રહ્યો ન હોત.
ભગવાન વેદવ્યાસે મહાભારતની રચના એ રીતે કરી છે કે તેમણે કેટલાયે અંકોડાઓ વાચકના અર્થઘટન માટે જ રહેવા દીધા છે. પાત્રના મનના વિશ્લેષણમાં તેઓ ઊતર્યા નથી. તેઓ પાત્રના કાર્યને વર્ણવે છે, અને એ દ્વારા એના મનોગતને અનેકરંગી રૂપે રજૂ કરે છે. એટલે જ એ દ્રૌપદીસ્વયંવર અને સુભદ્રાહરણ એ બે ઘટનાઓ વચ્ચે જે કંઇ કર્યું તેમાં તેના મનોગતને તથા એ મનોગતના સૂક્ષ્મ રૂપાંતર માટે, ક્રૂષ્ણે ભજવેલા ભાગ માટે આપણે આપણું જઅર્થઘટન શોધી લેવું પડે. બીજો તબક્કો છે કુરુક્ષેત્ર્માં ક્રૂષ્ણે અર્જુનને યુધ્ધ કરવા ન કરવાની દ્વિધા પ્રસંગે જે બળ આપ્યું તે. આ વિશે એટએટલાં અર્થઘટન થયાં છે કે હવે તેમાં કશુંક નવું ઉમેરવાનું સૂઝે ત્યારે જ લખવું જોઇએ.પરંતુ પ્રથમ પ્રસંગ વિશે હજી વિશેષ લખાયું નથી.
દ્રૌપદીસ્વયંવર પછી ખાંડવપ્રસ્થમાં પાંડવો વસે છે.અને ક્રૂષ્ણ દ્વારિકા પાછા જાય છે, ત્યાં સુધી દ્રૌપદી પાંચ પતિને પરણી છતાં તેઓ સાથે કઇ રીતે રહી તેનો ઉલ્લેખ આવતો નથી. પણ આ પ્રશ્ન મહત્ત્વનો છે એટલે જ જનમેજયના મુખે ભગવાન વ્યાસે આ પ્રશ્ન મૂક્યો છે:
કથં વા પંચ ક્રૂષ્ણાયામેકસ્યાં તે નરાધિપા:,
વર્તમાના મહાભાગા નાભિદ્યંત પરસ્પરમ્ .
મહાભાગ્યશાળી એવા એ પાંચે ભૂપતિઓ એક દ્રૌપદીમાં રત હતા;છતાં એ પાંચેમાં પરસ્પર ઝગડો કેમ ન થયો એ પ્રશ્ન વાચકને પણ જનમેજયની માફક જ ઊઠે છે. અહીં ભગવાન વ્યાસ સૌ પ્રથમ આ પંચપતિની પત્નીની સમસ્યાને સ્પર્શે છે.
નારદ પાંડવોને મળવા આવે છે; આવા દેવર્ષિના આશીર્વાદ મેળવવામાટે દ્રૌપદીને પણ નિમંત્રણ અપાયું;દ્રૌપદી ત્યાં આવી,’શુચિર્ભૂત્વાસમાહિતા’(આદિ:200,13)થઇને.તેને આશીર્વાદ આપી દેવર્ષિ નારદે તેને તરત જ જવા માટે કહ્યું:દ્રૌપદી ગયા પછી તેમણે પાંડવોને કહ્યું:
પાંચાલી ભવતામેકા ધર્મપત્ની યશસ્વિની,
યથા વો નાત્ર ભેદ: સ્યાત્તથા નીતિર્વધીયતામ્ .
(આદિ:200:17)
યશસ્વિની દ્રૌપદી એકલી જ તમારા સૌની ધર્મપત્ની બની છ, તો તમે સૌ મળીને એવો કોઇક નિયમ ઘડી કાઢો કે ભાઇઓ વચ્ચે ભેદ ન થાય.અને ભાઇઓ વચ્ચે ભેદ કેટલી હદે થઇ શકે તે વાત ભારપૂર્વક કહેવા માટે નારદ ઋષિ સુંદ—ઉપસુંદ જેવ’એક રાજ્ય,એક ઘર, એક સેજ અને રસોડું’ ધરાવતા ગાઢ હેતવાળા ભાઇઓએ તિલોત્તમાને કારણે એકમેકને મારી નાખ્યા, એ ઘટનાને વર્ણવતું ઉપાખ્યાન આ પ્રસંગે યુધિષ્ઠિરને કહે છે અને નારદની ઉપસ્થિતિમાં જ પાંડવો નિયમ કરે છે કે એક ભાઇ સાથે દ્રૌપદી હોય ત્યારે જો બીજો ભાઇ તેને જોઇ લે, તો તેણે બાર વર્ષ બ્રહ્મચારી બની વનમાં વસવું.
મોટાભાઇ યુધિષ્ઠિર સાથેના નિવાસનો દ્રૌપદીનો સમય ચાલે છે ત્યાં જ પેલી પ્રસિધ્ધ વાત આવે છે. લૂંટારાઓ બ્રહ્મણોની ગાય હરી જાય છે અને ગાયના રક્ષણ માટે અર્જુન જ્યાં યુધિષ્ઠિર અને દ્રૌપદી સાથે છે તે નિવાસમાં શસ્ત્રો લેવા જાય છે. શસ્ત્રો લઇને ગાયોનું રક્ષણ કર્યા પછી એ પાછો આવે છે. પછી એ ધર્મરાજ યુધિષ્ઠિર પાસે આજ્ઞા માગે છે કે મેં તમને દ્રૌપદી સાથે જોયા, એટલે મેં નિયમનો ભંગ કર્યો છે એટલે મને બાર વરસ વનવાસમાં જવાની આજ્ઞા આપો. જેણે સ્વયંવરમાં સ્વપરાક્રમથી દ્રૌપદીને જીતી છે એવા અર્જુને હજી દ્રૌપદી સાથે રહેવાનો પોતાનો વારો આવે તે પહેલાં વનવાસની માગણી કરી તેનું આશ્ચ્ર્ય થતું નથે;બાંધવોની એકતા કૌરવો સામે ટકી રહેવી અનિવાર્ય છે, એને કારણે અને ક્રૂષ્ણની સલાહ પડી એ માટે દ્રૌપદી પાંચે ભાઇઓને પરણે એ સમાધાન અર્જુને સ્વીકારી લીધું છે, પણ પોતાના મનને એ આ સમાધાન સાથે ગોઠવી શક્યો નથી. ધર્મરાજા તો ધર્મના જાણકાર છે.એ પોતે કહે છે અને આ રીતે આરંભ કરે છે:
પ્રમાણમસ્મિ યદિ તે મન: શ્રૂણુ વચોનઘ.
(આદિ:205;26)
જો હું તેને તું પ્રમાણ તરીકે સ્વીકારતો હો, તો મારી આ વાત સાંભળ.
ધર્મરાજ અહીં પોતાના ધર્મજ્ઞાન અને પોતાના વાક્યને પ્રમાણ તરીકે સ્વીકારવાની ભાઇઓની પરંપરા,એ બંનેના અધિકારો થી કહે છે: એટલે આ શબ્દોનું વજન વધી જાય છે. યુધિષ્ઠિર કહે છે: ‘જો મોટોભાઇ પત્ની સાથે હોય અને નાનો ભાઇ એ ઘરમાં જાય તોતેનાથી કોઇ મર્યાદાલોપ થતો નથીએટલે તે કોઇ ‘ધર્મલોપ’ કર્યો નથી.’ અર્જુન તેના ઉતારમાં કહે છે:
ન વ્યાજેન ચરેદ્ધર્મમિતિ મે ભવત: શ્રુતમ્ ,
ન સત્યાદ્વિચલિષ્યામિ સત્યેનાયુધમાલભે.
(આદિ:205;29) તમે જે કહ્યું છે કે છળપૂર્વક ધર્મ કરવો ઉચિત નથી; આથી હું સત્યથી ચલિત થઇશ નહિ; સત્ય દ્વારા જ મેં આયુધ ધારણ કર્યા છે.
અર્જુનના આ ઉદ્ ગાર માં વિનય નથી;પણ જે પોતાના વચનોને ‘પ્રમાણ’ માનવાની વાત કરે છે એવા યુધિષ્ઠિરની આજ્ઞાનો અનાદર છે;એટલું જ નહિ પણ આવી આજ્ઞા દ્વારા યુધિષ્ઠિર ધર્મમાં છળ કરવાનું કહે છે,એવો ગર્ભિત આક્ષેપ પણ આવે છે. અર્જુન યુધિષ્ઠિરનું અપમાન કરીને ઇન્દ્રપ્રસ્થ છોડી વનના માર્ગે વળે છે. હવે નરદ પાસે પેલો જે નિયમ પાંડવોએ લીધો હતો તે ફરી યાદ કરીએ; તેઓએ નક્કી કર્યુ હતું કે જે નિયમનો ભંગ કરે તે-
સ નો દ્વાદશ વર્ષાણિ બ્રહ્મચારી વને વસેત્ .
(આદિ.204:28) બાર વરસ માટે બ્ર્હ્મચારી બનીને વનમાં વસશે.
ધર્મરાજને મોંએ ચડીને સણસણતો જવાબ આપી તેમને ધર્મમાં છળ ન કરવાનું કહેનાર અર્જુન આ નિયમ પાળે છે ખરો?એ સૌ પ્રથમ તો પાતાળલોકમાં રહેતી ઉલૂપીને મળે છે.ઉલૂપી તેના પ્રેમમાં વિવશ છે; ત્યારે અર્જુન પોતાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાની વાત કરે છે.ત્યારે ઉલૂપી કહે છે કે આ પ્રતિજ્ઞા તો માત્ર દ્રૌપદી પૂરતી છે; બીજી કોઇપણ સ્ત્રી સાથે તું સંબંધ બાંધી શકે છે.દ્રૌપદી પૂરતું તું બ્રહ્મચર્ય રાખ પણ, ક્રૂત્વા મમ પરિત્રાણં તવ ધર્મો ન લુપ્યતે. (આદિ.206:27) મારો ઉધ્ધાર કરવાથી(મારી સાથે સંબંધ બાંધવાથી) તારા ધર્મનો લોપ નહિ થાય ! એટલે નાગરાજની પુત્રી ઉલૂપી એ બાર વરસના વનવાસનો પહેલો મુકામ. ઉલૂપીને મળ્યો ત્યાં સુધી તો અર્જુન પોતાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા યદ કરતો હતો,પણ એ મણિપુરીમાં રાજા ચિત્રવાહનની પુત્રી ચિત્રાંગદાને જોઇને મદનબાણથી એટલો ઘાયલ થઇ જાય છે કે ચિત્રાંગદાના હાથની માગણી કરે છે.ચિત્રવાહન જે પણ શરતો મૂકે છે એ બધી જ કબૂલી લે છે.રાજ્યનો ગાદીવારસ બભ્રુવાહન ન જંન્મે ત્યાં સુધી, એટલે કે ત્રણ વરસ સુધી અર્જુન ત્યાં રહે છે. અને બભ્રુવાહનના જન્મ પછી ફરી પાછો યાત્રાએ નીકળી પડે છે. અગસ્ત્ય,સૌભદ્ર,પૌલોમ,કારન્ધમ તથા ભરદ્વાજ એ પાંચ તીર્થોમાં વસતી શાપિત અને પુરુષોને ગ્રાહની માફક પકડતી અપ્સરાઓ વર્ગા,સૌરભેયી,સમીચિ, બુદ્ બુદા અને લતાનો ઉધ્ધાર કરે છે,ઉલૂપી,ચિત્રાંગદા અને પાંચ અપ્સરાઓ:ફરી પાછો મણિપુર આવે છે અને ચિત્રાંગદાને મળે છે.તેને આંબાઆંબલી બતાવતાં કહે છે: બભુવાહન મોટો થાય ત્યાર પછી તું ઇન્દ્રપ્રસ્થ આવજે. ત્યાં કુંતી, યુધિષ્ઠિર,ભીમ અને મારાં બંને નાના ભાઇઓને જોઇ તું પ્રસન્ન થશે. પણ દ્રૌપદી જેવું કોઇ પાત્ર ઇન્દ્રપ્રસ્થમાં હસ્તી ધરાવે છે, ત્યાં સુધી તું મહારાણી બનવાની કલ્પના પણ નહિ કરી શકે એવું ક્રૂર સત્ય કહેવાની અર્જુનમાં હિંમત નથી. આ ‘વનવાસ’ પછી એ પાછો ગોકર્ણ તરફ ગયો. પશ્ચિમનાં તીર્થો ફરતાં ફરતાં પ્રભાસતીર્થમાં આવે છે. ક્રૂષ્ણને આની જાણ થઇ. અથવા લાગે છે કે ક્રૂષ્ણે આની જાણ મેળવી.તેઓ સામે ચાલી પ્રભાસમાં તેને મળવા ગયા અને ત્યાંથી દ્વારકામાં લઇ આવ્યા.ત્યાં તેનું શાનદાર સ્વાગત કર્યું. પછી અર્જુનના માનમાં રૈવતક પર્વત પર મોટો સમારોહ યોજ્યો. ત્યાં એક સુંદર કન્યાને જોઇ ફરી એક વાર અર્જુન મોહિત થાય છે.
દ્રષ્ટ્ વૈવ તામર્જુનસ્ય કન્દર્પ: સમજાયત. (આદિ.211;15)
જોઇને જ અર્જુનમાં કામદેવ જાગ્રત થયો.
ત્યારે ક્રૂષ્ણ બહુ સરસ પ્રશ્ન કરે છે: વનેચરસ્ય કિમિદં કામેનાલોયતે મન:. (આદિ. 211;16) વનવિહારીનું મન પણ કામથી ડામાડોળ થાય છે? એવો વેધક પ્રશ્ન કરી ક્રૂષ્ણ અર્જુનને તેના વનવસીપણાના ગૌરવમાંથી એ પતિત થયો છે તેનો અણસાર તો આપી જ દે છે; પણ પછી કહે છે કે આ તો મારી બહેન છે.એટલે અર્જુન પ્રથમ તો ઝીઝક ખાઇ ગયો હશે પણ પ્છી ક્રૂષ્ણ કહે છે:’ તારે એની સાથે પરણવું છે? તો હું પિતાજીને વાત કરું.’ આ દ્વારા ક્રૂષ્ણ કોઇ પણ સ્ત્રીને મળી તેમાં લપટાઇ જવાની ઘટનાઓથી સભર વનવાસનો આડકતરો ઉપાલંભ કરતો કરતા હોય એમ લાગે છે .સુભદ્રા સાથે તો લગ્ન જ કરી શકાય.
ક્રૂષ્ણ અર્જુનને કહે છે કે પિતાને કહું તો આ ઘડી સ્વયંવર તો યોજે પણ સ્ત્રીનો સ્વભાવ અને હ્રદય હંમેશા શૂરતા અને પાંડિત્યને જ પસંદ કરે એવું નથી.એ બાહ્યરૂપમાં મોહિત થાય તો તને પસંદ ન પણ કરે. એટલે ઉત્તમ રસ્તો તો તું એનું હરણ કરે એ જ છે; અર્જુનને ક્રૂષ્ણની આ સલાહ માને છે અને સુધદ્રાનું હરણ કરે છે.
અર્જુનનો’ધર્મ’ ના નામે સ્વીકારી લેવાયેલો વનવાસ એ પોતાની વીરશ્રીથી વરાયેલી દ્રૌપદીને પાંચે ભાઇઓની પત્ની થવું પડ્યું એ પરિસ્થિતિ પ્રત્યેના અણગમામાંથી પ્રગટેલો નથી લાગતો? એ વનવાસમાં એ મહર્ષિ નારદે કહ્યું હતું એવું બ્રહ્મચર્યનું પાલન નથી કરતો,એ તો વાસનાવ્રત ધારણ કરીને નીકળ્યો હોય એવું વિલાસી જીવન ગાળે છે.આ વિલાસી જીવનમાંથી તેને સ્થિરતા પ્રાપ્ત થાય છે. ‘સુભદ્રા ચારુસર્વાંગી’(આદિ.) સાથેના લગ્ન દ્વારા.અર્જુનની આ વાસના અને વિલાસિતાને સ્થિર કરવા માટે જ ક્રૂષ્ણે આ પરિસ્થિતિયોજી નથી લાગતી?ક્રૂષ્ણની બહેનને પરણ્યા પછી એ આમતેમ નજર કરવાની હિંમત કરી શકે નહિ.
અર્જુનનો આ બાર વરસનો વનવાસ અને વાસનાવાસ દ્રૌપદીમાં ઇર્ષ્યા ઉપજાવવા માટે જ છે.આની પ્રતીતિ સુભદ્રા સાથે ઇન્દ્રપ્રસ્થ પાછો ફરે છે ત્યારે મળે છે: અર્જુન સૌ પ્રથમ કુંતી, યુધિષ્ઠિર આદિને મળ્યા પછી છેવટે દ્રૌપદી પાસે જાય છે ત્યારે દ્રૌપદી આ શબ્દો કહે છે:
તત્રૈવ ગચ્છ કૌંતેય યત્ર સા સાત્વતાત્મજા, સુબધ્ધ્સ્યાપિ ભારસ્ય પૂર્વબંધ:શ્લઘાયતે.
(આદિ.223;16)
આ શ્લોકનો અર્થ ચર્ચીએ એ પહેલાં આ શબ્દો પ્રેમપૂર્વક બોલી છે, એવા વ્યાસના વિશેષણને ભૂલી ન જઇએ.દ્રૌપદી સ-પત્નીને જોઇને ભભૂકી ઊઠી છે ચાતાં અર્જુનના અસંતોષ પાછળ કારણ છે એ સૂક્ષ્મ સત્ય દ્રૌપદીથી છૂપું નથી, એટલે જ કવિએ ઉપરના શબ્દો દ્રૌપદીના મુખમાં મૂક્યા એ પહેલાં આટલું ચરણ ઉમેરી દીધું છે:
તં દ્રૌપદી પ્રત્યુવાચ પ્રણયાત્કુરુનંદનમ્ .
(આદિ.223:16) દ્રૌપદી કુરુનંદનને પ્રણયથી આ શબ્દો કહી રહી છે. હવે આપણે જોઇએ કે એ શું કહે છે:
તત્રૈવ ગચ્છ કૌંતેય યત્ર સા સાત્વતાત્મજા. અર્જુન, હવે તમે ત્યાં જ જાઓ, જ્યાં પેલી સાત્વ્ત કુળમાં જન્મેલી (સુભદ્રા) છે:અહીં શા માટે આવ્યા છો? સ્ત્રીસહજ ઇર્ષ્યા અને ઉપાલંભમાં આવેલી આ પ્રથમ પંક્તિ પછી બીજી પંક્તિમાં પ્રેમનું એક સત્ય દ્રૌપદીના મુખ દ્વારા કવિ વ્યક્ત કરે છે:
સુબધ્ધ્સ્યાપિ ભારસ્ય પૂર્વબંધ: શ્લઘાયતે.
એક ગાંઠ પર બીજી ગાંઠ મારો, પછી ભલે ગમે તેટલી કચકચાવીને મારો, તો પણ પહેલી ગાંઠ શિથિલ થયા વિના રહેતી નથી. અર્જુનનો વનવાસ,ઉલૂપી,ચિત્રાંગદા, વર્ગા ઇત્યાદિ અપ્સરાઓ વગેરે સાથેના અર્જુનના પ્રસંગો દ્વારા ક્રૂષ્ણ પામી શક્યા કે સ્વયંવરમાં સ્વપરાક્રમે દ્રૌપદીને વરવા છતાં એને પોતાની એકની જ ભાર્યા નથી કરી શક્યો એ દુ:ખ જ આમાં કામ કરી રહ્યું છે. હ્વે આ દુ:ખ દૂર કરવા માટે ‘ચારુસર્વાંગી’ તો ખરી જ,પણ ક્રૂષ્ણની બહેન હોવાને કારણે હવે અર્જુન જેને છેહ આપવાનો વિચાર ન કરી શકે એવી સુભદ્રા સાથે તેનાં લગ્ન થવા જોઇએ. અર્જુનનો વનવાસ એ ખરેખર વાસનાવિહાર હતો; અને ક્રૂષ્ણે અર્જુનની વાસનાને બાંધી આપી. અર્જુનનાં સુભ્દ્રા સાથેનાં લગ્નનો ક્રૂષ્ણનો નિર્ણય સુભદ્રાના,પોતાના કે યાદવોના હિતને લક્ષમાં લઇ કરાયો ન હતો, અર્જુનના હિતને લક્ષમાં લઇને કરાયો હતો.યાદવો, ખુદ બળરામ પણ અર્જુને સુભદ્રાનું હરણ કર્યું તેનો વિરોધ કરતા હતા.પણ ક્રૂષ્ણે કેવળ અર્જુનના કલ્યાણ માટે આ આખીયે યોજનામાં સાથ આપ્યો હતો.
આ પ્રસંગ યાદ કરવા જેવો છે. અર્જુન સુભદ્રાને લઇ સુવર્ણરથ પર પોતાના નગરની દિશામાં જવા લાગ્યો ત્યારે સૈનિકો ચીસો પાડતા દ્વારકા નગર તરફ દોડ્યા.ત્યાંની’દેવસભા જેવી રાજસભા’માં આ કહી સંભળાવ્યું. મહારથી અને પુરુષવ્યાઘ્ર જેવા વ્રૂષ્ણિ અને અંધક વંશના નેતાઓ ઝટપટ સિંહાસનો પરથી ઊભા થઇ ગયા;અને અર્જુને કરેલા હરણની વાત સાંભળીને કોઇકે કહ્યું:’લડાઇની તૈયારી કરો.’ કોઇએ શરાસન તથા કવચ મંગાવ્યાં.કોઇએ સારથિને રથ તૈયાર કરવા કહ્યું.રથ, કવચ, ધ્વજા ઇત્યાદિ લાવવા માટે દોડાદોડ મચી ગઇ. પણ એ વખતે બળરામે કહ્યું: ’તમે સૌ દોડાદોડ કરો છો, પણ અપહેલાં ક્રૂષ્ણને તો પૂછો કે એને શું કહેવું છે?’ અને પછી ક્રૂષ્ણને બળરામ પોતાનો મત સાફસાફ કહે છે:
કથં હિ શિરસો મધ્યે પદં તેન ક્રૂતં મમ,
મર્ષયિષ્યામિ ગોવિન્દ પાદસ્પર્શમિવોરગ:.
(આદિ.212;30) હે ગોવિંદ,એણે(અર્જુને) મારા મસ્તક પર લાત મારી છે.સર્પ જેમ બીજાના પગને સહન નથી કરી શકતો, તેમ હું પણ આ સહન નહિ કરી શકું. આ બધો વખત શાંત બેઠેલા ક્રૂષ્ણ હવે બોલે છે.એ તો અર્જુને જે કહ્યું તેમાં કુળનું અપમાન નથી થયું એ સમજાવે છે. પછી એ કહે છે કે સુભદ્રા જેવી યશસ્વિની છે, એવો જ પાર્થ ગુણવંત છે ! વળી આ અર્જુનને હરાવી શકે એવું ત્રિલોકમાં કોણ છે? અને આગળ ચાલતાં ક્રૂષ્ણ કહે છે:
સ ચ નામ રથસ્તાદક્ મદીયાસ્તે ચ વાજિન:.
(આદિ.213:9) શબ્દનો અર્થ તો આટલો જ છે:’એક તો એવો એ રથ અને એવા એ મારા અશ્વો.’ પણ આ એક ચરણ પર એક પુસ્તક લખી શકાય એટલું દૈવત તેને મળ્યું છે.ક્રૂષ્ણ જે થોડીક અધિકારવાણી ઉચ્ચારે છે, પોતે ભગવાન છે એવી પ્રતીતિ આપતી વાણી ઉચ્ચારે છે, એમાંની આ એક છે.એ કહે છે: એક તો અર્જુનનો રથ છે: અને એને મારા અશ્વો જોડેલા છે.’તે મારા અશ્વો’ એ શબ્દ પર ભાર મૂકાયો છે.
અર્જુનનો રથ દુર્જેય ક્યારે બને છે? જ્યારે ક્રૂષ્ણના અશ્વો તેને જોડવામાં આવે ત્યારે.
રથને દેહ તરીકે ઓળખાવી, અશ્વોને પ્રભુપ્રેરિત ઇન્દ્રિયો સાથે પણ સરખાવી આ શ્લોકને નવા અર્થમાં ઉપસાવી શકાય. આ દેહરૂપી રથ પણ જ્યાં સુધી પ્રભુના અશ્વો જોડાતા નથી,ત્યાં સુધી નિરર્થક છે પણ એક વાર પ્રભુના અશ્વો જો રથને જોડાય તો કોની મજાલ છે કે રથને રોકી શકે? અર્જુન અજેય છે; ત્રણ લોકમાં માત્ર શંકર સિવાય કોઇ એને હરાવી શકે એમ નથી; અને એના રથ સાથે જોડાયા છે ક્રૂષ્ણના અશ્વો.

 

krishna ane manava sambadho/hareendra dave

વિશે

I am young man of 77+ years

Posted in મહાભારત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: