રુક્મિણીનો પત્ર (શ્રીમદ્ ભાગવત)
રુક્મિણી ઉવાચ
શ્રુત્વા ગુણાન્ ભુવનસુંદર શ્રુણ્વતાં તે
નિર્વિશ્ય કર્ણવિવરૈર્હરતોઅંગ્તાપમ્ I
રૂપં દૃશાં દૃશિમતાખિલાર્થલાભં
ત્વય્યચ્યુતાવિશતિ ચિત્તમપત્રપં મે II 1 II
કા ત્વા મુકુન્દ મહતી કુલશીલરૂપ-
વિદ્યાવયોદ્રવિણધામભિરાત્મતુલ્યમ્ I
ધીરા પતિં કુલવતી ન વૃણીત કન્યા
કાલે નૃસિંહ મરલોકમનોઅભિરામમ્ II2II
તન્મે ભવાન ખલુ વૃતઃ પતિરંગ જાયા-
માત્મર્પિતશ્ચ બહવતોઅત્ર વિભો વિધેહિ I
મા વીરભાગમભિમર્શતુ ચૈદ્ય આરાદ્
ગોમાયુવન્મૃગપતેર્બલિમમ્બુજાક્ષ II3II
પૂર્તેષ્ટ દત્તનિયમવૃતદેવવિપ્ર-
ગુર્વર્ચનાદિભિરલં ભગવાન પરેશઃ I
આરાધિતો યદિ ગદાગ્રજ એત્ય પાણિં
ગૃ ણાતુ મે ન દમઘોષસુતાદ્યોઅન્યે II4II
શ્વોભાવિનિ ત્વમજિતોદ્વહને વિદર્ભાન્
ગુપ્તઃઅ સમેત્ય પૂતનાપતિભિઃ પરીતઃ I
નિર્મથ્ય ચૈદ્યમગધેન્દ્ર બલં પ્રસહ્ય
માં રાક્ષસેનવિધિનોદ્વહ વીર્યશુલ્કામ્ II5II
અંતઃપુરાંતરચરીમનિહત્ય બન્ધૂં-
સ્ત્વામુદ્વહે કથમિતિ પ્રવદામ્યુપાયમ્ I
પૂર્વેદ્યુરસ્તિ મહતી કુલદેવિયાત્રા
યસ્યાં બહિર્નવવધૂર્ગિરિજામુપેયાત્ II6II
તસ્યાંગધ્રિ પંકજરજઃ સ્નપનં મહાંતો
વાંછન્ત્યુમાપતિરિવાત્મોઅપહત્યૈ I
યર્હ્યમ્બુજાક્ષ ન લભયે ભવત્પ્રસાદં
જહ્યામસૂન વૃતકૃશાંછ્તજન્મભિઃ સ્યાત્ II7II
સંસ્કૃત શ્લોકોનું ગુજરાતી ભાષાંતર મેળવવાની વેતરણમાં છું, જેવું મળશે કે તરત જ સૌને પીરસીશ
ત્રીજી ડિસેમ્બર,2008 ને બુધવાર—માગશર સુદ પાચમ 2065
ગુજરાતી ભાષાંતર જડ્યું, ચાલો સૌ સાથે મળીને માણીએ.
કવિતા રૂપે
રૂક્મિણીનો પત્ર( કવિતા રૂપે)
(દશમ સ્કંધ ઉત્તરાર્ધ: અધ્યાય બાવનમો)
શ્રોતા તણા શ્રવણ દ્વારથી શ્યામ પેસી,
પ્રત્યંગના સકળ તાપ હરો ગુણોથી;
ને દર્શને સકલ મંગળ સિધ્ધ હેતુ ,
આવી જજો છુપી રીતે લૈઇ સૈન્ય સાથે II 1 II
માની પતિ મનથકી વરી આપને હું,
આત્મા સમર્પણ હરે કરી હું ચુકી છું;
રે, સિંહ ભાગ શિશુપાલ સમો શૃગાલ,
સ્પર્શી ન જાય ધરજો કમલાક્ષ ખ્યાલ. II 2 II
કીધેલ હોય નિયમે વૃત પુન્ય લેશ,
પૂજેલ હોય ગુરૂદેવ દ્વિજ પરેશ;
તો આવી આંહિ ગ્રહજો મુજ પાણિ કૃષ્ણ,
થાજો ન આપ વિણ રે, શિશુપાલ સ્પર્શ. II 3 II
ગદ્ય રૂપે:
(શ્રીમદ્ ભાગવત—ભાગ બીજો// સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય,અમદાવાદ તથા મુમ્બઇ)
દશમ સ્કંધ: ઉત્તરાર્ધ /અધ્યાય બાવનમો //શ્લોક 37 થી 43
રૂક્મિણી સંદેશો કહે છે: હે ભુવનસુંદર શ્રીકૃષ્ણ ! કાનનાં ચિદ્રોથી શ્રોતાઓનાં હૃદયમાં પ્રવેશ કરી અંગના તાપને દૂર કરતા આપના ગુણો તેમ જ નેત્રોવાળાઓનાં નેત્રોને સંપૂર્ણ અર્થલાભરૂપ આપનું રૂપ સાંભળી મારું મન નિર્લજ્જ થઇ આપમાં લાગ્યુ છે. શ્લોક:37:
હે મુકુંદ ! હે પુરુષશ્રેષ્ઠ ! કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, ધન તથા પ્રભાવથી કેવળ પોતાના જ જેવા (નિરુપમ) અને મનુષ્યલોકના મનને આનંદ આપનારા આપને કુળવાન, મોટા ગુણવાળી અને ધીરજવાળી કઇ કન્યા વિવાહ વખતે (પતિ તરીકે) ન સ્વીકારે? શ્લોક:38:
માટે પ્રભો ! આપને જ મેં મારા પતિ સ્વીકાર્યા છે અને મારો આત્મા મેં આપને જ સોંપ્યો છે; તો આપ (અહીં પધારી) મને આપની પત્નિ બનાવો. પણ હે કમળનયન ! શિયાળ જેમ સિંહના ભાગને અડી શકે નહિ, તેમ શિશુપાલ (અહીં ઉતાવળો આવી)આપ વીર પુરુષના ભાગરૂપ મને ન અડકો શ્લોક: 39:
મેં વાવકૂવા બંધાવી, અગ્નિહોત્રાદિ કરી;સુવર્ણાદિનાં દાન આપી, તીર્થાટન વગેરે નિયમોપાળી, ચાંદ્રાયણ વગેરે વૃતો કરી દેવ, બ્રાહ્મણ, ગુરુ વગેરેની પૂજા કરીને પરમેશ્વરનું જો પૂર્ણ આરાધન કર્યું હોય, તો ગદના મોટાભાઇ શ્રીકૃષ્ણ ભગવાન અહીં આવી મારું પાણિગ્રહણ કરો; પણ બીજા શિશુપાલ વગેરે ન કરો. શ્લોક: 40
હે અજિત ! આવતી કાલે થનારા વિવાહમાં આપ સેનાપતિઓથી વીંટળાઇ વિદર્ભ દેશમાં પધારજો અને શિશુપાલ તથા જરાસંઘ્ના સૈન્યનો પરાજય કરી બળથી, પ્રાક્રમરૂપ મૂલ્યવાળી મને આપ રાક્ષસવિધિથી પરણજો. કદાચ આપ કહો: ‘અંતઃપુરની વચ્ચે રહેનારી તને તારાં સગાં-સંબંધીઓનો નાશ કર્યા સિવાય હું શી રીતે પરણી શકું?’ તો હું ઉપાય બતાવું છું.(અમારા કુળમાં)વિવાહના આગલા દિવસે કુળદેવીની મોટી યાત્રા કરવાની હોય છે;તેમાં નવી વહુ થનારી કન્યા નગર બહાર પાર્વતીજીનાં દર્શન કરવા જાય છે. (અર્થાત્ અમારા કુળના રિવાજ પ્રમાણે હું પાર્વતીનાં દર્શન કરવા શહેરની બહાર પાર્વતીના મંદિરમા આવું ત્યારે ત્યાંથી મારું હરણ કરવું આપને સહેલું થશે અને મારાં સગાં-સંબંધીઓને મારવાનો પ્રસંગ નહિ આવે.)શ્લોક:41: તથા :42:
હે કમળનયન શ્રીકૃષ્ણ ! ઉમાપતિ શંકરની પેઠે બીજા પણ મોટા પુરુષો પોતાના અજ્ઞાનનો નાશ કરવા આપના ચરણકમળની રજમાં સ્નાન કરવા ઇચ્છે છે, તે આપની કૃપા (આ જન્મમાં ) હું નહિ મેળવું, તો ઉપવાસ વગેરે વૃતો કરી દૂબળા કરેલા પ્રાણ તજીશ અને એમ (કરતાં) સેંકડો જન્મોએ પણ આપની કૃપા મારા પર થશે જ. શ્લોક:43:
પ્રતિસાદ આપો