સોળમો અધ્યાય
ભગવદ્ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
તું તારો શત્રુને
ગીતાનો સોળમો અધ્યાય ‘દૈવાસુરસંપ વિભાગયોગ’ તરીકે ઓળખાય છે.માણસમાત્ર પાસે દૈવી શક્તિ છે અને આસુરી શક્તિ છે. ગાંધીજી અને હિટલર બે અંતિમો છે. દૈવી શક્તિ એ દૈવી સંપત્તિ અને આસુરી શક્તિ એ આસુરી સંપત્તિ.જીવનના બે જ રસ્તા છે:સત્યનો અને અસત્યનો,હિંસા કે અહિંસાનો.
આ સોળમો અધ્યાય એક વાતને દૃઢાવે છેકે ગીતામાં બાહ્ય સંગ્રામ તો નિમિત્ત છે. મૂળ વાત આંતરસંગ્રામની છે. બાહ્ય સંગ્રામ તો એક ખીંટી છે. આપણું જ હૃદય જો સદ્ ગુણોનું સંવર્ધન કરતું હોય તો એ ધર્મક્ષેત્ર થઇ શકે અને સત્ય પ્રત્યે ઉદાસીન હોય તો એ કુરુક્ષેત્ર થઇ શકે. યુધ્ધ બહાર છે જ નહિ. આપણી ભીતર જ ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર છે. આપણે જ આપણા પાંડવ અને કૌરવ છીએ. પાંચ પાંડવો જાણે કે આપણી પાંચ ઇન્દ્રિયો છે. ઉમાશંકરે એમ પણ ખ્યું કે ‘પાંચ પાંડવો પાંચ આંગળી જેવા છે અને દ્રૌપદી એની મુઠ્ઠી છે.’ ગીતાને તો હું હંમેશાં પ્રતીક કાવ્ય તરીકે જ જોઉં છું. કોઇને કદાચ એમ લાગે કે સોળમા અધ્યાયમાં બીજું કશું નથી પણ સ ગુણો ની અને દુર્ગુણોની યાદી છે. ઉપરછ્લ્લી રીતે જોઇએ તો એવું કદાચ કોઇને લાગે.પણ એક સદ્ ગુણ વિશે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ગીતાકાર કેટલી હદે માનવમાત્રના મનને પામી શક્યા છે ! એટલું જ નહિ પણ મન્ની પારને પ્રદેશે પણ કઇ રીતે પહોંચી શકાય એનાં પણ અનેક સૂચનો છે. મૂળ તો મન છે એટલે તો માણસ છે. પણ મોટી મુશ્કેલી આ મનની છે. મનને પોતાને પણ જે અ-મનની ભૂમિકા પર લઇ જઇ શકે છે એ જ મોક્ષને પામી શકે છે. આ અધ્યાયમાં સદ્ ગુણો કોને કહ્યા છે એના તરફ સહેજ મીટ માંડીએ.
પહેલો જ શબ્દ બહુ મહ્ત્ત્વનો છે: અભય. જે માણસ ખર્ખર નિર્ભય છે એ માણસ કદી યે પોતાના વૈયક્તિક લાભ માટે તડજોડ કે સમાધાન કરતો નથી. જેવી તમે તડજોડ કે સમાધાન કરો કે તરત જ તમને મેલો રંગ લાગવાનો. પછે તો આ રંગ એટલો પ્રસરે કે સર્વસ્વ એનું જ થઇ જાય. સદ્ ગુણો કરતાં હંમેશાં દુર્ગુણો ઝાઝા રહેવાના. પાંડવો માત્ર પાંચ છે, કૌરવો સો છે. પણ જીવનમાં કેવળ સંખ્યાબળ ક્યારેય મહત્ત્વનું હોતું નથી. છેવટે તો તમારી ગુણવત્તા જ મહત્ત્વની હોય છે. અભય, યોગમાં નિષ્ઠા,જ્ઞાન, દાન, ક્ષમા, તપ, અંતઃ કરણની શુધ્ધિ, ઇન્દ્રિયનિગ્ર્હ, અહિંસા, સત્ય, માર્દવ ઇત્યાદિ આપણી દૈવી સંપત્તિ છે. નિર્ભય હોવું અને છાકટાની જેમ એમાં તો બિનજવાબદારી છે. નિર્ભય હોઇએ પણ આપણી પોતાની આપણા કર્મયોગમાં નિષ્ઠા હોવી જોઇએ. હકીકતમાં આ અનેક ગુણો ગણાવ્યા છે એનો મૂળ આધાર ક્યો? જો બીજ સારું હોય તો એમાંથી વૃક્ષ ઉત્તમ જ આવેઅને એકમાંથી અનેક સદ્ ગુણોફૂલ-પાંદડાંની જેમ પાંગરતા અને પમરતા રહે. મને પોતાને એમ લાગે છે કે અંતઃકરણની શુધ્દિ એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. તમે હૃદયથી સાફ હો, વયમાં ભલે વધતા હો, દુનિયાદારી સાથે ભલે સંકળાયેલા હો અને છતાં બાળક જેવું નિસઃપાપ અને શુધ્ધ અંતઃકરણ સાચવી શકો તો બધાં જ સદ્ ગુણો આપમેળે અનુસરશે. માણસનો મોટામાં મોટો પુરુષાર્થ પોતાની નિર્દોષતાનું જતન કરવાનો છે. સ-દોષ સંસારમાં નિર્દોષ રહેવું, સંસારને અને એની જટિલતા તથા કુટિલતાને ઓળખવાં અને છતાં યે પોતાની સરલતા ગુમાવવી નહિઅને જલકમલવત્ રહેવું એ કદાચ સૌથી મોટી વાત છે.યાદ છે ત્યાં સુધી વિનોબા ભાવેએ વિષ્ણુસહસ્ત્રનામમાં આવું કંઇક લખ્યું છે કે ‘ આપણે તો સંસારના સમુદ્રમાં સીલ કરેલી ગંગાજળની લોટી જેમ રહેવાનું, એવી રીતે કે આપણું અંદરનું જળ બહાર જાય નહિ અને બહારનું જળ અંદર આવે નહિ’
આપણા જ સદ્ ગુણો આપણને પણ ખબર ન પડે એમ દુર્ગુણનું રૂપ લેતા હોય છેત્યારે આપણામાં રહેલો પાંડવ પોઢી જાય છે અને કૌરવ જાગે છે. દુર્ગુણોના મૂળમાં આપણું અભિમન, દંભ, ક્રોધ ઇત્યાદિ રહેલાં છે. જે આસુરી વૃત્તિવાળા છે એમને ધાર્યું કરવામાં રસ છે. કોઇ પણ રીતે પોતાનો કક્કો ખરો કરવો છે. એમને સાધનશુધ્ધિની પડી નથી. સત્ય પર એ થૂંકી શકે છ. અસત્યની આરાધના કરી શકે છે. એમને સારા—નરસાનો ભેદ કે વિવેક નથી. એમને તો એકજ ઝંખના છે કે મારી જે કંઇ ઇચ્છા હોય, મારી જે કંઇ વાસના હોય એની યેન કેન પ્રકારેણ પરિતૃપ્તિ થવી જોઇએ. એને ખબર નથી કે જે માણસ અભિમાન, દંભનો આશરો લે છે એને તાત્કાલિક જે કંઇ તે મળતું હોય પણ પરિતૃપ્તિ મળતી નથી. એની આગ કદીયે બુઝાતી નથી. આ બધાં ઘોર કર્મો સાથે સંકળાયેલાં છે. એ સ્વભાવશત્રુ છે અને જગતશત્રુ છે. જગતના મોહમાં છે અને જાતનો દ્રોહ કરે છે. એ લોકો એમ માને છે કે એ લોકો વિષયને ભોગવે છે, પણ હકીકતમાં વિષયની વિષકન્યા એમનો ભરડો લે છે. ધન એકઠું કરે છે અને અંદરથી ખાલી થતા જાય છે.એમના મન કુંઠિત હોય છે. અનેક ગ્રંથિઓથી પીડાય છે . ભીતરથી ભેરુ હોય છે. સલામતીની ચિંતામાં ને ચિંતામાં અસલામત થતા હોય છે.એમનો જ અહંકાર ઊચકીને ચાલતા હોય છે. આ અહમ્ ના જ બોજ તળે એ દટાઇ જતા હોય છે. મારું મારું કરવામાં પોતાપણું ખોઇ બેસે છે. એમનું ધન કદીયે લક્ષ્મી થતુ6 નથી. એમના ધનની કદીયે સદ્ ગતિ થતી નથી. કારણ્કે વાસના વિનાનું દાન એ લોકો કરી શકતા નથી. કોઇને આપે તોપણ એને આપવાનો આનંદ નથી પણ પોતાનું ક્ષણભંગુર નામ અમર કરવાનો મોહ હોય છે. એ લોકો નથી પોતાને ઓળખતા કે નથી જગતને જાણતા. આમ અજ્ઞાની થઇને અંધકારમાં અથડાતા હોય છે. આ ઘમંડી લોક પાસે કામ અને ક્રોધ અને લોભ, આ લોભીઓને જે કંઇ મળે, જેટલું મળે એટલું ઓછું પડે છે. એ લોકો કદી ધરાતા નથી. વૃકોદરવૃત્તિવાળા છે આ લોકો. એમને કાર્ય-અકાર્યનો ભેદ નથી. વિવેકનું નામોનિશાન નથી. કેવળ નામધારી મનુષ્યો છે એટલું જ. બાકી એમની બધી જ વૃત્તિઓ રાક્ષસી હોય છે. એ લોકો મત્પરાયણ છે, સત્પરાયણ નથી. નરમાંથી નારાયણ તરફની એમની કદીયે ગતિ હોતી નથી. સવળા સંસારમાં અવળું ચાલવાવાળા આ લોકો જીવતેજીવત પ્રેત જેવા છ. આપણા પોતાના જ હાથમાં કે આપણે આપણી આસપાસ વૃંદાવન રચવું કે રણ? અહીં પાંડવ-કૌરવ સામસામા નથી પણ અહીં સામસામા તો સદ્ ગુણો અને દુર્ગુણો છે. આપણે આપણા અવગુણોને ઓળખવા હોય તો આ પદને આધારે પણ જાણી શકીએ :
“ અજ્ઞાની, તારા અંતરમાં દેખ વિચારી.”
તું માને છે તું જ્ઞાની છે:
પણ ભીતરમાં દેખ—તો ભિખારી.
પંડમાં તારા જ્ઞાનનો ઘમંડ છે,
અહમ્ નાં ફાંકો-ફિશિયારી,
ટોળાં ઊમટ્યાં છે કામ-ક્રોધ-મોહનાં
ને લાલચની દુનિયા બિચારી.
માને મનાવે તું તો બુધ્ધિથી ભર્યો ભર્યો,
બુધ્ધિ તો વેશ્યા વિહારી.
જ્ઞાનની ગઠરિયા દાટી દે દરિયામાં,
થઇ જા ફૂલોની જેવો હળવો;
ટોળું વિખેરી તારાં રસ્તાને ઝાલી લે,
કે થાય હરિવરને મળવા ઉમળકો.
છોડ્યો મેવાડ અને છોડ્યો રાણાને ત્યારે
મીરાં પોતે થઇ ગઇ ગિરિધારી.
પ્રતિસાદ આપો