પંદરમો અધ્યાય: ગીતા એટલે…

પંદરમો અધ્યાય

ભગવદ્ ગીતા એટલે….. //શ્રી સુરેશ દલાલ

આકાશી વૃક્ષની કલ્પના

       ગીતાનો પંદરમો અધ્યાય પુરુષોત્તમયોગને નામે પ્રસિધ્ધ છે. કહેવાય છે કે આ અધ્યાય ગીતાની પરાકાષ્ઠા છે, એની ટોચ છે. આમ તો આ અધ્યાય નાનો છે પણ ગીતાની સમગ્ર વિચારધારાનું, અનેક નદીઓ સમુદ્રમાં મળે એમ મિલન થયું છે. ગીતામાં કવિતા શોધનારને કવિતા મળે એવું ઘણું બધું છે. એક ભવ્ય  કલ્પના સાથે આ અધ્યાયનો પ્રારંભ થાય છે. અહીં એક એવું વૃક્ષ છે જેનાં મૂળ આકાશમાં છે, જેની શાખાઓ નીચે વિસ્તરી છે, જેનાં પાંદડાંઓ વેદ છે.- એવું આ પીપળાનું અવિનાશી વૃક્ષ છે. આપણે સરળતા ખાતર એને આકાશી વૃક્ષ કહીએ. ધરતી પર જે વૃક્ષો છેજે ચેતન સૃષ્ટિ છે એને તો તડકા ખમવા પડતા હોય છે. પણ આ આકાશી વૃક્ષના છાયામાં ધરતીના જીવને પણ છાંયડો મળી શકે એમ છે. આ રીતે આ વૃક્ષઅસામાન્ય છે. અલૌકિક છે છતાં એનો લૌકિક સાથે નાતો છે.ગીતા એક રીતે જોઇએ તો વેદો અને ઉપનિષદોનો નિચોડ છે. વેદમાં મંત્રો છે. મંત્રોમાં લય છે. વેદ એટલે લયાન્વિત જ્ઞાન. જે વૃક્ષને જ્ઞાનનાં પાંદડાંઓ લાગ્યાં હોય અને જે વેદની ભાષા ઉકેલી શકે તે જ્ઞાની કહેવાય. આ શાખાઓ ઊંચેનીચે  ચારે તરફ ફેલાયેલી છે. આ ફેલાયેલી શાખાઓ એટલે સત્ત્વ,રજસ, તમસના ગુણોની શાખાઓ. વિષયો એની કૂંપળ છે. આ શાખાઓનાં મૂળ મનુષ્યલોકમાં ફેલાય છે. જેનામાં ત્રણે ગુણ હોય એ કોઇ ને કોઇ રીતે સંસારના વિષયોથી રંગાયેલો હોય અને આ બધું જ આપણાં કર્મની સાથે સંકળાયેલું હોય.

           આકાશી વૃક્ષ અલૌકિક એટલા માટે છે કે એ ક્યાંય જોવા મળતું નથી. એને કોઇનો આધાર લેવો પડતો નથી. એને આદિ કે અંત નથી. અને છતાંયે આવું વૃક્ષ અસંગના શસ્ત્રથી છેદીભેદી શકાય  છે. અને છેદો તોય કશું થતું નથી. કારણ કે આ વૃક્ષ અવિનાશી છે. એ પ્રકૃતિના પુરુષનું પ્રતીક છે. કોઇ પણ વૃક્ષની કલ્પના કરો. વૃક્ષ અડીખમ રહે છે.એનાં પાંદડાં,ફૂલ ઇત્યાદિ બદલાય છે. આપણો આત્મા પણ આવો જ છે. આપણું શરીર બદલાતું હોય છે. આત્માને કશું થતું નથી. શરીરને વિકારો હોય છે. આત્મા અવિકારી છે. આત્મા શરીરમાં રહે છે અને છતાંયે અલિપ્ત છે. સંસારમાં રહીને એનો સંગ રાખીને પણ અ-સંગ રીતે કઇ રીતે જીવવું એ કળા ધારે તો મનુષ્ય પામી શકે. શરીરના વિકારો  મોહ, અહંકાર અને આસક્તિને કારણે છે.જેને મોહ ન હોય એને કદી દ્રોહનો ભય ન હોય. જે આત્મામાં મગ્ન હોય એની કામનાઓ અને વાસનાઓ આપમેળે શમી જતી હોય છે. જેની વાસના શમે છે એને સુખ ને દુઃખનો મુકાબલો નથી કરવો પડતો. જે આ જ્ઞાન પામે જાય છે એ લખચોર્યાસીના ચક્કરમાંથી છૂટી જાય છે. એ પરમધામમાં અ-ક્ષરધામમાં પહોંચી જાય છે. પછી એને અહીં પાછા આવવાપણું હોતું નથી. આવો જીવ સ્વયંપ્રકાશિત હોય છે. સૂર્ય, ચંદ્ર કે અગ્નિ એને ઉજાળી શકતા નથી. પાંચે ઇન્દ્રિયો અને છઠ્ઠામનને છોડીને એટલે કે સ્થૂળ  શરીરને છોડીને બીજા આત્માઓ ફરી પાછા ખોળિયાની શોધમાં હોય છે અને એ નવા ખોળિયામાં પણ એ જ ઇન્દ્રિયો અને મનની વૃતિઓ લઇને જતા હોય છે. સંસારમાં રચ્યાપચ્યા માણસો ની આવી ગતિ હોય છે.એનું શરીરાને એનું મન ફરી પાછું આ ચક્કરમાં પડતું હોય છે.જેને એકવાર જ્ઞાનની દૃષ્ટિ ઊઘડી હોય છે એની પાંચે ઇન્દ્રિયો અને મનને પરહરીને જીવ કાયમ માટે પરમધામમાં પહોંચતો હોય છે. યોગીઓ જે જોઇ શકે છે એ અજ્ઞાનીઓ જોઇ શકતા નથી. સૂર્યનું તેજ વિવિધરૂપે પ્રગટતું હોય છે. એ જ તેજ ચંદ્રમાં હોય છે.એવું જ તેજ અગ્નિમાં હોય છે. આપણા જઠરાગ્નિમાં પણ એક અગ્નિ છે.ઇશ્વર આમ બધામાં જ વ્યાપેલો છે. એ સર્વનાં અંતરમાં છે. જ્ઞાન, સ્મૃતિ અને તર્કમાં છે. ઇશ્વર જ વેદોનો જાણકાર છે અને એ જ વેદાંત રચનાર છે. આ સૃષ્ટિ બે પ્રકારના જીવોથી વહેંચાયેલી છે. એક ક્ષર અને બીજા અ-ક્ષર.પણ આ બેથી ત્રીજો જે પ્રકાર છે તે ખુદ ઇશ્વર. એ અવિનાશી છે. ત્રણેય લોકમાં પ્રસરેલો છે. એ ક્ષર અને અક્ષરથી પર છે અને એટલા માટે જ એ પુરુષોત્તમ છે. કૃષ્ણ આ અધ્યાયને શાસ્ત્ર કહે છે. આ ગુહ્યમાં ગુહ્ય શાસ્ત્ર એમણે ટૂંકાણમાં કહ્યું છે. જે પુરુષોત્તમને જાણે એટલું જ બસ નથી પણ સર્વ ભાવ અને ભાવનાથી એને ભજે એ મહત્ત્વનું છે.જાણવું એક વાત છે, ભજવું બીજી વાત છે. જ્ઞાન હોય તો કદાચ એનો અહંકાર પણ હોય. પણ ભક્તિમાં સર્વસમર્પણ છે. જે લોકો માણવામાં જ રચ્યાપચ્યા રહ્યા છે એ લોકો પૂરતું જાણતા નથી. જે લોકો કેવળ જાણે છે એની પાસે જ્ઞાન છે, કદાચ વૈરાગ્યનો ભાવ છે પણ ભક્તિની પાંખ નથી. ભક્ત એ ભગવાન સાથે જોડાયેલો છે. એટલા માટે તો એ યોગ છે, સહયોગ છે. વિજોગની કોઇ અવસ્થા નથી. ભક્ત એકાગ્ર હોય, તલ્લીન હોય. એ વિભાજિત ન હોય, અવિભાજિત હોય. કોઇકે કહ્યું છે કે જે વિભક્ત ન હોય એ જ ભક્ત.

          ઘણાને મતે ગીતાનો પંદરમો અધ્યાય એ અંતિમ ચરણ છે. બાકીના સોળ અને સત્તર અધ્યાય એ સમગ્રનું ટીકા-ટિપ્પણ છે. અઢાર અધ્યાયમાં સારાંશ છે.એકથી અઢાર અધ્યાયમાં  અનેક પુનરાવર્તનો આવે છે. એનાં ઘણાં કારણો હોઇ શકે.મનુષ્યનું મન એટ્લું બધું ચંચળ છે કે ગીતાની મૂળ વાતને એ પૂરેપૂરી જીરવી ન શકે. નાના બાળકને જેમ આપણે એકનો એક એકડો ઘૂંટાવીએ એમ અહીં એકની કે વાતને ઘૂંટવામાં આવી છે. ગીતા એટલે ગીત. કોઇ પણ ગીતમાં ઉપાડ હોય છે., અંતરા હોય છે. પણ એ અંતરા પછી ધ્રુવપંક્તિ ફરી પાછી પુનરાવર્તન પામે છે. તો કૃષ્ણને જે કહેવું છે એ ધ્રુવપંક્તિને ફરી ફરી દોહરાવે છે, દેખીતી રીતે કૃષ્ણે ત્રણ માર્ગ ચીંધ્યા: જ્ઞાનનો માર્ગ, કર્મનો માર્ગ અને ભક્તિનો માર્ગ. સૌ સૌની શક્તિ-મતિ પ્રમાણે પોતાનો માર્ગ પસંદ કરી લે. જ્ઞાનનો માર્ગ તમને જ્ઞાની બનાવશે. આ જ્ઞાન બહુ બહુ તો તમારું પોતાનું કલ્યાણ કરશે. શક્ય છે કે તમારું જ્ઞાન તમને પૂરેપૂરા સક્રિય ન પણ બનાવે. અને સંસારમાં રહીને અક્રિય તો કેમ રહેવાય ! કર્મનો માર્ગ પણ છે, પણ જ્ઞાન વિનાનું કર્મ આંધળું છે. જ્ઞાન હોય તો કર્મનો દોષ ન લાગે. તમે નિમિત્ત થઇને રહી શકો. ફળની સ્પૃહા  છોડી શકો. પણ ભક્તિ હિમાલય છે. એમાંથી જ જ્ઞાન અને કર્મની ગંગા વહે. એ સૌને શુધ્ધ અને પરિશુધ્ધ કરે અને એનો પ્રવાહ જાતકલ્યાણથી જગતકલ્યાણ તરફ વળે.    

વિશે

I am young man of 77+ years

Posted in GEETA ETLE

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,419 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: