ચૌદમો અધ્યાય: ગીતા એટલે….

ચૌદમો અધ્યાય

ભગવદ્ ગીતા એટલે…..//શ્રી સુરેશ દલાલ

 ત્રણ ગુણોની તરવેણી રે

 

કૃષ્ણની અર્જુનને સમજાવવાની રીત વિશિષ્ટ છે. જૈનોમાં એક વાદને સ્યદ્ વાદ કહે છે. આ વાદ એટલે કોઇ પણ વસ્તુને કે પરિસ્થિતિને એક ખૂણેથી નહિ પણ ચારે બાજુથી જોવી. એક જ ખૂણેથી જોઇએ તો જે દેખાય તે એટલા પૂરતું સાચું હોય પણ સંપૂર્ણ ન હોય. એકાંગી હોય પણ સર્વાંગી ન હોય. આંશિક હોય પણ સમગ્ર ન હોય. કૃષ્ણ  આરંભમાં અર્જુનની વૈયક્તિક, હતાશ મનોદશાને ખંખેરવાનો પ્રયત્ન કરે છે. અર્જુનના મનમાં બાઝેલાં કરોળિયાનાં અનેક જાળાંઓને ખેરવવાનો પુરુષાર્થ કરે છે, પણ કોઇ પણ વ્યક્તિનો વિચાર કેવળ વ્યક્તિ તરીકે ન કરાય. વ્યક્તિએ પોતે પણ  પોતાને સમષ્ટિના સંદર્ભ્માં જોવી જોઇએ. આપણી ગમે એવી અંગત સૃષ્ટિ હોય પણ એ સૃષ્ટિના લયતાલ સમષ્ટ સૃષ્ટિના લયતાલ સાથે મળે છે ખરા કે નહિ? આમ કૃષ્ણ વ્યાપકપણે અનેઊંડાણથી  પાત્રને અને પરિસ્થિતિને ચારે બાજુથી તપાસે છે, તલાશે છે. એક પછી એક પડ ઉખેડતા જાય છેઅને મૂળના ગર્ભમાં શું રહ્યું છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ જગતમાં બહુ કઠિન છે આપણું સમજેલું કોઇકને સમજાવવાનું. સામા માણસની પાત્રતા ન હોય ત્યાં સુધી ગમે એટલી મથામણ કરો, કોઇને ક્યાંય કશું પહોંચતું નથી. અર્જુન નશીબદાર જીવ છે. એની પાસે કૃષ્ણની સ્વયંભૂ પ્રીતિ છે અને એ પ્રીતિને કારણે પાત્રતા છે.

           ગીતાના ચૌદમા અધ્યાયનું નામ છે ગુણત્રયવિભાગયોગ. જાણીતી વાત છે કે સગુણ સૃષ્ટિમાં ત્રણ ગુણોની ઓછેવત્તે અંશે આણ પ્રવર્તે છે.આ ત્રણ ગુણ એટલે સત્ત્વ,રજસ અને તમસ. જુદા સંદર્ભમાં બાલમુકુન્દ દવે ની પંક્તિ યાદ આવે છે: ત્રણ ગુણોની તરવેણી રે રૂપ, રંગ ને વાસ; તોય ભ્રમર ન આવે પાસ. આ રૂપ,રંગ,ગંધ અને સ્વયં ભમરો પણ આપણી ઇન્દ્રિયો સાથે સંકળાયેલાં તત્ત્વો છે.

           કૃષ્ણ પુંરાવર્તન કરે છે એ વાતથી સહેજ પણ અજાણ્યા નથી. કહે છે કે જ્ઞાન ઉત્તમ છે અને જે જ્ઞાનીઓ છે એ જ્ઞાનને આશ્રયે જ મારી સરૂપતાને પામી જાય છે. પણ જ્ઞાનની પરાકાષ્ઠા જેને પ્રાપ્ત થૈઇ હોય તે અજન્મા અને અવિનાશી છે, આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણ પુરુષ છે, પણ એ લિંગભેદથી પર છે.એ સ્ત્રૈણ થયા વિના સ્ત્રીત્વ જાળવી શકે છે અને હિંસક થ્યા વિના પુરુષત્વ સાચવી શકે છે. કૃષ્ણ એટલે સ્વયં પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિની યોનિમાં ગર્ભ મુકાય છે. આમ પ્રત્યેક યોનિના ગર્ભધારણ  માટે યોનિતત્ત્વ પણ છે અને ગર્ભમાં બીજને રોપતું પિતાતત્ત્વ છે. કહેવું હોય તો કહી શકાય કે કૃષ્ણ એટલે આદિ પ્રકૃતિ, આદિ પુરુષ. આ પ્રકૃતિને કારણે જ ત્રણ તત્ત્વો વિકસે છે, વિલસે છે. આ ત્રણેય તત્ત્વો આપણા દેહ સાથે  સંકળાયેલાં છે અને આપણો દેહ મન સાથે સંકળાયેલો છે. આ ત્રણે તત્ત્વો એકસાથે પણ હોય, અલગ પણહોય, સામસામી મારામારી પણ કરતાં હોય,એમાં ખેંચતાણ પણ હોય, એમાં કોઇકની હારજીત પણ હોય. અને આપણાં સુખ અને દુઃખનું કારણ આ ત્રણ તત્ત્વો છે.અમેરિકાના કવિ વૉલ્ટ વ્હિટ્મૅને લખ્યું : ડુ આઇ કૉંટ્રાડિક્ટ માઇસેલ્ફ? વેરી વેલ ધેન આઇ કૉંટ્રાડિક્ટ માઇસેલ્ફ,(આઇ એમ લાર્જ, આઇ કંટેઇન મલ્ટિટ્યૂડ્સ) મારી અંદર એક વૉલ્ટ વ્હિટમૅન નથી, અનેક વૉલ્ટ વ્હિટમૅન છે. આમ તો હું એકજ છું. પણ સત્ત્વ, રજસ અને તમસને કારણે વિભાજાયેલો છું, વિભક્ત છું, કહેવાય છે કે જન્મ પહેલાં માણસનો એક ચહેરો હોય છે. મૃત્યુ પછી પણક્યાંક માણસનો ચહેરો છે. પણ જન્મ અને મૃત્યુની વચ્ચે એના અનેક ચહેરામહોરાઓ હોય છે. અસલ ચહેરો માણસને પોતાને પણ ખબર ન પડે એમ અકળપણે ઓગળી જતો હોય છે. કોઇ વિભૂતિ જ પોતાના અસલ ચહેરાને સાચવી શકે છે.

           આ સંસાર સવિશેષ રજસનો અને તમસનો છે. પ્રત્યેક માણસની પોતાની પણ અંડરવર્લ્ડ હોય છે, ત્યાં તમસ તલવાર લઇને ઘૂમતો હોય છે. મોટા ભાગના સંસારી માણસો રજસમાં આળોટે છે. સંસાર એટલે જ મારું-તારું, અહમ્ નો આવિષ્કાર, આસક્તિ અને તૃષ્ણાની હણહણાટી, સ્પર્ધા,કરી બતાવવાની અને દેખાડી બતાવવાની અહમ્ પ્રેરિત હોંશ. દરેક કાર્યના મૂળમાં કોઇ અંગત સ્વાર્થી કારણ, લોભલાલચ કામ કરે પણ સહેજે નિષ્કામ નહિ. તામસી પ્રકૃતિના માણસો માણસ હોય પણ પાશવી, અજ્ઞાની જીવન જીવે. નિદ્રા અને આળસમાં પડ્યા રહે. તમોગુણીને જ્ઞાન સાથે કાંઇ લેવાદેવા નહિ. એ લોકો પોતાની અંદરની અંધારી આલમમાં અટવાયા કરે. જે સાત્ત્વિક માણસ છે એ તમોગુણ ના અજગરના ભરડામાં આવતા નથી અને રજોગુણનું નાગદમન જરી શકે છે. સાત્ત્વિક  માણસને ઇન્દ્રિયના દરવાજા સાથે કાંઇ સંબંધ નથી. નથી હોતી એનામાં તૃષ્ણા કે બેચેની. રજોગુણી તો તૃષ્ણા, અશાંતિ, પ્રવૃત્તિ, અને લોભથી જ જીવે છે. એને લેવાદેવા છે દૈહિક અને ઐહિક લાભ સાથે. વર મરો કન્યા મરો, પણ એનું તરભાણું ભરાય ત્યાં સુધી એનાથી થાય એ બધું જ કરી લે. જે માણસ સાત્ત્વિક છે એ જો દેહ છોડે તો એ મરણ પછી જ્ઞાનલોકમાં પ્રવેશ પામે છે. રજોગુણીઓ ફરી પાછા સકામ કર્મસંગીઓ વચ્ચે જન્મે છે અને તામસી માનસો ફરી પાછા એની એ જ મૂઢ યોનિમાં અટવાયા કરે છે.

      જે બીજ વાવ્યું હોય એનું ફળ મળે. સાત્ત્વિકને પુણ્ય મળે,રજોગુણીને અંતે દુઃખ અને તામસીને અજ્ઞાન. સાત્ત્વિક પાસે જ્ઞાન હોય છે, રજોગુણીઓ પાસે લોભ હોય છે અને તમોગુણથી પીડાતા માણસ પાસે પ્રમાદ અને મોહ હોય છે. અહીં પણ  એક ક્રમ છે. સાત્ત્વિકો ઊંચે હોય છે. ધૂમ્રસેરની ગતિની જેમ એમની ગતિ ઉર્ધ્વગામી છે. મનસુખલાલ ઝવેરીની પંક્તિઓ યાદ આવે છે : એક આંખે આંસુની ધારા, બીજીએ સ્મિતના ઊડે ફુવારા; બીચમાં બાંધી આંખે પાટા ઓશિયાળી અથડામણ. પોતાની જ આસક્તિ અને મોહના ઓશિયાળા હોય છે. તામસીઓ તો ઊભા થ્યા વિના ગંદા કાદવમાં આળોટતા હોય છે.

સાત્ત્વિકતા પણ અંતિમ મંજિલ નથી. એનાથી પણ ઉપર ઊઠી શકાય. જે સાચો જ્ઞાની છે એ તો છેવટે ત્રણે ગુણોથી પર અને ત્રણે ગુણોની પાર રહેવાનો. આ જન્મમરણનો ચકરાવો, આ લખચોર્યાસીનો ફેરો આ ત્રણે ગુણોને કારણે છે.

            આટલું સાંભળ્યા પછી અર્જુન અધીરો થૈઇ જાય છે. એની જિજ્ઞાસાને કોઇ અંત નથી. જેટલું જાણી શકાય એટલું એને જાણી લેવું છે. સત્ત્વ, રજસ, તમસની વાત તો એ સમજી શક્યો, પણ આ ત્રણે ગુણોની પાર જતા જે જ્ઞાનીઓ હોય છે એ કોણ અને કેવા ? આપણે ક્યા માણસને કહી શકીએ કે એ ત્રણ ગુણોની પાર ગયો છે?

           અહીં કૃષ્ણ ત્રિગુણની પાર રહેલી વિભૂતિનાં જે લક્ષણો કહે છે તે લક્ષણો અને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વિશે કોઇ મૂળભૂત ભેદ નથી. આવા માણસો લિપ્ત છતાં અલિપ્ત હોય. પ્રવૃત્તિમય છતાં પ્રવૃત્તિના ફળ થી દોષિત કે દૂષિત નહિ. સંસારમાં રહે છતાં સંસાર પ્રત્યે ઉદાસીન. કશાથી ચળે નહિ એવા અવિચળ. વાત્વાતમાં વ્યાકુળ કે વિહ્વળ થાય નહિ. ભીતરથી સ્થિર પલાંઠી વાળીને બેઠેલા, સુખ અને દુઃખ પ્રત્યે સમાન દૃષ્ટિ.સુખથી છકી ન જાય.દુઃખથી ડૂબી ન મરે. કહો કે એના જીવનકોશમાં આ બે શબ્દો જ નથી. આવા કોઇ વિભાગો નથી. એને  બધું જ સરખું છે. માટી હોય કે પથ્થર હોય કે સોનું હોય. નથી એને કોઇ પ્રિય-અપ્રિય. સ્તુતિ અને નિંદાનો એને માટે કોઇ અર્થ નથી. એ પોતામાં જ સમ-અર્થ છે. માન-અપમાનને ગણતા કે ગણકારતા નથી. મિત્ર અને શત્રુ પ્રત્યે પણ સમ-ભાવ હોય છે. એ એકનિષ્ઠ છે. એકાગ્ર છે. ભક્તિના યોગથી જીવથી સંકળાયેલા છે. એમનો પિંડ બ્રહ્મરૂપ થવા ઝંખે છે. ભક્તિને કારણે પ્રત્યેક ક્ષણનો સત્યથી અને સાતત્યથી શાશ્વતી સાથે સંબંધ બાંધે છે. અને સુખ અને દુઃખની વિકારી દશાથી સવ અલગ થઇને આનંદસમાધિમાં જ ડૂબેલા હોય છે.    

વિશે

I am young man of 77+ years

Posted in GEETA ETLE

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: